Advertisement
Author: નોબત સમાચાર

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાને પારખો...

પ્રભુભક્તિ, કથા-કીર્તન, પ્રાર્થના, ઈબાદત, પ્રેયર વગેરે શ્રદ્ધાના સ્વરૂપો જ ગણાયને ?

દર વર્ષે કારતક સુદ-સાતમના દિવસે જલારામ જયંતી ઉજવાય છે. આજથી જ આ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આયોજન માટે બેઠકો યોજાવા લાગી છે. જામનગરમાં રઘુવંશીઓ તો આ ઉજવણી ધામધૂમથી કરે જ છે, અને હાલારમાં પણ ઠેર-ઠેર સાર્વજનિક તથા રઘુવંશીઓ દ્વારા આ ઉજવણી થાય છે. જામનગરના હાપા જલારામ મંદિર તથા સાધના કોલોનીના જલારામ મંદિરે વિશેષ દર્શન અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાય છે, તેવી જ રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ઠેર-ઠેર જલારામ જયંતીના દિવસે મહાપ્રસાદ તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. પૂનાના આનંદી સહિત દેશમાં પણ ઘણાં સ્થળે જલારામ મંદિરો છે. વિશ્વમાં જયાં જ્યાં રઘુવંશીઓ છે, ત્યાં ત્યાં તો આ ઉજવણી થાય જ છે અને જલાબાપાની જન્મજયંતી સાર્વજનિક રીતે ઉજવાય છે. જલારામ બાપાને જલાપીર તરીકે પણ પૂજવામાં આવે છે, એટલે જ ગવાયુ હશે કે' જલા તુ તો અલ્લાહ કે'વાયો, અમર તારો લેખ લખાણો....

જલારામબાપા રામભકત હતા, અને વીરપુરમાં જલારામ બાપાની જગ્યા વાસ્તવમાં રામમંદિર જ છે, જ્યાં જલાબાપાની તસ્વીર તથા ચરણપાદુકા તથા તેમના જીવન સાથે સંકળાયેલી ચીજ-વસ્તુઓ પણ પૂજાય છે.

આજે પણ જલાબાપાની જન્મતિથિ અને પુણ્યતિથિ સમયે તેઓને માનવતાવાદી પ્રેમાળ પ્રભુભકત તરીકે યાદ કરીને સમૂહપ્રસાદના કાર્યક્રમો યોજાય છે, અને વિશ્વભરમાં જલારામ બાપાના મંદિરો બની રહ્યા છે, તેનું કારણ તેની માનવસેવા છે. જલારામબાપાની સાથે તેમના ધર્મપત્ની વીરબાઈમાં એ નિઃસ્વાર્થ ભાવે લોકોને કાયમ ભોજન કરાવ્યું અને માનવસેવાને જ પ્રભુભક્તિ માનીને તેને જીવન સમર્પિત કર્યુ, તેથી તેઓ એક સર્વસ્વીકાર્ય સંત અને પ્રખર પ્રભુભકત તરીકે પ્રચલિત થયા, આજે પણ વીરપુરમાં આ એક જ મંદિર છે જંયાં કોપણ પ્રકારનંુ દાન સ્વીકારાતુ નથી, કે રોકડ કે ચીજવસ્તુ ધરી શકાતી નથી, છતાં ત્યા કાયમી ધોરણે ચાલતા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો લોકોને જલારામબાપાના પ્રસાદ તરીકે બન્ને ટાઈમ ભોજન કરાવવામાં આવે છે, અને તે પણ પૂરેપૂરા પ્રેમ, સ્નેહ અને સન્માન સાથે...

ભક્તિના સ્વરૂપો

પ્રભુ ભક્તિના વિવિધ સ્વરૂપો છે. કોઈ કથા-કીર્તન કરીને પ્રભુભક્તિ કરે છે, કોઈ દરરોજ સેવા, પૂજા, આરતી, પ્રસાદ, દાન-પુણ્ય કરીને પ્રભુભક્તિ કરે છે. ગાંધીજીના સંદેશ મુજબ ઘણાં લોકો જનસેવા એ જ પ્રભુ સેવા ગણીને જરૂરતમંદ લોકોની સેવા કરીને, મદદરૂપ થઈને કે સદાવ્રતો, અન્નક્ષેત્રો, વૃદ્ધાશ્રમો તથા ચિકિત્સા સુવિધાઓના માધ્યમથી પ્રભુભક્તિ કરે છે. પશુ-પંખી-ભૂખ્યાજનોને ભોજન તથા બીમાર જીવો-માનવોની સેવા કરીને તથા નિરાધારોને આશરો આપીને થતી સેવા પણ ભક્તિનું જ એક સ્વરૂપ ગણાય છે. પ્રાર્થના, ઈબાદત, પ્રેયર વગેરેના માધ્યમથી થતી ભક્તિ, કર્મકાંડ, સત્સંગ, યજ્ઞો અને વિવિધ કર્મોના તહેવારો-ધાર્મિક પ્રસંગોની ઉજવણી એ જ આપણાં દેશની વિશેષતા છે ને? વિવિધતામાં એકતાનું આ સચોટ વૈશ્વિક દૃષ્ટાંત જ છે ને?

બંધારણીય ધર્મનિરપેક્ષતા

આપણો દેશ બંધારણીય રીતે ધર્મનિરપેક્ષ અથવા-સાંપ્રદાયિક છે. ઘણાં લોકો એવું કહે છે કે આનો અર્થ એવો થાય કે આપણાં દેશનો કોઈ ધર્મ નથી. માનવતાનો ધર્મ આપણી બધી માન્યતાઓ તથા વિવિધતાઓના મૂળમાં છે. આપણો દેશ ધર્મવિહોણો નથી, પરંતુ વિશ્વના તમામ ધર્મો આપણો દેશ ધરાવે છે. હિન્દુ, જૈન, બૌદ્ધ, શિખ, કિશ્ચિયન, યદુહી, પારસી, જરથ્રોષ્ટિન સહિત દુનિયાના કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા ધરાવવાની અને તે મુજબ પૂજાય છે કે ધાર્મિક પ્રક્રિયાઓ કરવાની બધા ધર્મોને છૂટ છે, પરંતુ તેથી શ્રદ્ધાપૂર્વક તથા આ પ્રકારના ક્રિયાકર્મો, પ્રાર્થના, નમાઝ, ઈબાદત, સ્તુતિ, યજ્ઞો, કથા-કીર્તન, તકરીર, પ્રયરકે અન્ય પૂજા-પદ્ધતિઓને દંભ, અંધશ્રદ્ધા કે અધાર્મિક પ્રવૃત્તિઓ ગણાવવાની કોઈને છૂટ મળી જતી નથી ખરું ને? આવી પ્રવૃત્તિ કરનાર ગેરબંધારણીય કૃત્ય કરે છે. તેમ કહી શકાય ખરું ? એક અલગ ચર્ચાનો વિષય છે અને તેમાં વિવાદ નહીં પણ સંવાદની જરૂર છે, અને આ પ્રકારના વિષયોનો કોઈપણ રીતે ગેરલાભ ઉઠાવતા તત્ત્વો ફાવી ન જાય, તે માટે જાગૃત રહેવું પણ જરૂરી છે, તેમ નથી લાગતું ?

ટૂંકમાં આ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ, માન્યતાઓ, આસ્થા અને શ્રદ્ધાનું પરસ્પર સન્માન થવું જોઈએ. કોઈપણ ધર્મની ટીકા-ટીખળ કરવાની, હાંસી ઉડાવવાની, કોઈપણ ધર્મ-સંપ્રદાયનું અપમાન કરવાની કે એકબીજાની ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્યો કરવાની છૂટ બંધારણીય બિનસાંપ્રદાયિકતા આપતી નથી. બલ્કે તમામ ધર્મ-સંપ્રદાયોનું સન્માન કરવાની ભાવના આપણું બંધારણ વ્યકત કરે છે, જેથી કોઈએ પણ રાજકીય, આર્થિક, વ્યવસાયિક, સામાજિક કે સાંસ્કૃતિક એવા કોઈપણ ક્ષેત્રે ફાયદો ઉઠાવવા માટે તો બિનસાંપ્રદાયિકતા અને ધર્નનિરપેક્ષતા જેવા શબ્દો સાથે ખિલવાડ ન જ કરવો જોઈએ, તેમ નથી લાગતું ?

આસ્તિક રહેવું કે નાસ્તિક રહેવું, એ વ્યક્તિગત બાબત છે, તેવો કોન્સેપ્ટ રાખવાની સ્વતંત્રતા જરૂર હોઈ શકે, પરંતુ આ કોન્સેપ્ટ બીજા કોઈ પર થોપી શકાય નહીં, કારણ કે આવું કરવાની છૂટ આપણું બંધારણ આપતું નથી. પોતાની આસ્થા, શ્રદ્ધા કે માન્યતાને જાળવી રાખવા ઉપરાંત અન્ય ધર્મોની આસ્થા, માન્યતા કે શ્રદ્ધાનો પણ આદર કરવાની ભાવના આપણાં બંધારણમાં વ્યકત થઈ છે, જે લઘુમતી-બહુમતી બધાને લાગુ પડે છે, ખરું કે નહીં?

હિંસક ધર્મઝનૂન કેટલું યોગ્ય?

કોઈપણ ધર્મ-સંપ્રદાયના નિયમાનુસાર પરંપરાગત રીતે નીકળતા સરઘસો, જાહેર કાર્યક્રમો કે શોભાયાત્રાઓ પર થતો પથ્થરમારો, કે ફેલાતી હિંસાને તો આપણું બંધારણ કોઈપણ રીતે સ્વીકારતું નથી, કારણ કે આપણાં બંધારણની મૂળભાવનામાં જ ગાંધીજીનો અહિંસાનો સંદેશ પણ છુપાયેલો છે, તેમાં કહી શકાય.

માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણાં દેશોમાં રાજનીતિ અને ધાર્મિક ભાવનાઓની ભેળસેળ કરીને એક ખતરનાક અને વિનાશક પ્રવૃત્તિ વેગ પકડી રહી હોય તેમ લાગે છે, અને તેના કારણે જ સમાજમાં ભય અને નફરતનો માહોલ પણ વધુને વધુ પ્રસરી રહ્યો હોય તેમ લાગે છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી બની રહેલી ઘટનાઓ, બાંગલાદેશ સહિત કેટલાક દેશોમાં હિન્દુ મંદિરો પર હુમલા, ખાલિસ્તાની ચળવળ, આઈએસઆઈએસ, અલકાયદા, લશ્કર-એ-તૈયબા જેવા આતંકી સંગઠનો દ્વારા યુવાનોમાં અન્ય ધર્મો પ્રત્યે નફરતના બીજ વાવવાની પ્રવૃત્તિઓની ચર્ચા તથા હિંસક જેહાદ જેવા વિવાદો જોતાં એમ જણાય છે કે લોકોએ કોઈપણ પ્રકારના હિંસક ધર્મઝનુનીઓથી ખૂબ જ ચેતતા રહેવું પડે તેમ છે. આત્મ કલ્યાણ, માનવ કલ્યાણ, કે સૃષ્ટિના સંરક્ષણ માટે જ ધર્મ હોઈ શકે, અને તેમાં હિંસક નફરતને સ્થાન જ ન હોઈ શકે ખરું ને?

માનવતા એક મોટો ધર્મ

વિશ્વના બધા ધર્મોમાં કોઈને કોઈ સ્વરૂપે પ્રાર્થના, ઈબાદત, પ્રેયર કથા-કીર્તન, કર્મકાંડ, સ્તુતિ હોય કે,અને દાન-પુણ્ય, પરસ્પર સન્માનનો સંદેશ પણ હોય છે. માનવતા એક મહાન ધર્મ છે, અને હું માનું છું કે વિશ્વનો કોઈપણ ધર્મ અમાનવીય કે સંવેદનહીન ન હોઈ શકે. ભારતનું બંધારણ બધા ધર્મોનું સન્માન કરવાની છૂટ આપે છે, પરંતુ કોઈપણ ધર્મ સંપ્રદાયનું અપમાન કરવાની છૂટ આપતું નથી., બધા ધર્મ-સંપ્રદાયોમાં માનવતાવાદી વિભૂતિઓ જન્મી છે, માનવકલ્યાણ, જીવસૃષ્ટિનું કલ્યાણ, આત્મકલ્યાણ તથા વિશ્વ કલ્યાણની ભાવના આપણો દેશ ધરાવે છે અને આ વિશ્વબંધુત્વની ભાવના આપણાં બંધારણની બુનિયાદમાં જ પડેલી છે. હવે, દુનિયાના ઘણાં દેશો જ્યારે હિંસા અને યુદ્ધોના દૃષ્પરિણામો ભોગવી રહ્યા છે ત્યારે ગાંધીજીની અહિંસા તથા સરદાર પટેલની 'અડગતા' અને આંબેડકરની બંધારણીય ભાવનાઓનું મિશ્રણ કરીને સ્વમાનભેર સહ-અસ્તિત્વ ટકાવી રાખવો પડે તેમ છે, ત્યારે ભારતની વિશ્વબંધુત્વની ભાવના જ વિશ્વને શાંતિના માર્ગે વાળી શકે છે, તેમ નથી લાગતું?

પોતાની લીટી મોટી કરો કે પછી...

હંમેશાં બીજાને નીચા દેખાડવાના બદલે પોતાની લીટી મોટી દોરવી જોઈએ, તેમ ઘણાં લોકો કહે છે, અને તેમાં નક્કર વજુદ પણ છે, પરંતુ તેમાં અપવાદ પણ છે. જે લોકો બીજાની લીટી ભૂંસવાનો જ અભિગમ ધરાવતા હોય, તેને સાચા માર્ગે લાવવા પણ પડે ને?

વિવિધ ધર્મોની ધાર્મિક વિધિઓ, પરંપરાઓ, કર્મકાંડ કે પૂજા-પદ્ધતિને વખોડીને તેને અંધશ્રદ્ધા, દંભ આડંબર ગણાવનારા લોકો શાદી, લગ્ન, વિવાહ વગેરે કરતી વખતે તો એ જ પદ્ધતિઓનો પ્રયોગ કરતા હોય છે જે રોજીંદી પ્રાર્થના, ઈબાદત, પ્રેયર કે પૂજા-પાઠ કરવાને અંધશ્રદ્ધા ગણાવતા લોકો પોતે જ કોઈને કોઈ રીતે તેનું અનુસરણ પણ કરતા હોય, ત્યારે આપણાં બંધારણ અને કૃષ્ણની ગીતાનો સંદેશ યાદ આવી જાય, તેમાં સમાનતા, સતર્કતા અને સત્યનિષ્ઠાનો ત્રિવેણીસંગમ થયો છે.

કર્મ એજ પૂજા

ઘણાં લોકો કર્મને જ પૂજા માને છે, અને તેમાં જ ઈશ્વરના દર્શન કરે છે. કર્મને જ પ્રાધાન્ય આપનારા લોકો ખરેખર તો ભગવાન શ્રીકૃષ્ણની ગીતાનું જ અનુસરણ કરે છે. જો કે, કર્મનો સિદ્ધાંત આપનાર ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પણ તેની પૂજા કરતા હતા, કોની સેવા કરતા હતા અને કોનું કલ્યાણ તેઓના હૈયે વસેલુ હતું, તેનું અધ્યયન પણ કરી લેવું ઘટે... ખરું ને?

વિનોદ કોટેચા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh