Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં થયેલી જંગી રકમની ઓનલાઈન છેતરપિંડી આજે ટોક ઓફ ધ ટાઉનનો વિષય બન્યો છે, અને ક્રાઈમની સાથે સાથે ઓનલાઈન ચીટીંગના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હવે લોભામણી જાહેરાતો અને મેસેજીંગ કે કોલીંગના માધ્યમથી થતી ઠગાઈ, બ્લેક મેઈલીંગ અને ડિજિટલ એરેસ્ટ, હની ટ્રેપ જેવા ચક્રવ્યૂહમાં સપડાઈ જવાથી લોકોએ સ્વયં પણ જાગૃત રહેવું પડે તેમ છે. લોભ-લાલચ કે શોર્ટકટથી ઝડપભેર ધનપતિ થઈ જવાની સામાન્ય રીતે સાર્વત્રિક વ્યાપ ધરાવતી માનસિક્તાનો ગેરલાભ ઊઠાવીને કાવતરાખોરો કરોડો-અબજો રૂપિયાની ઠગાઈ કરીને છૂંમતર થવા લાગ્યા છે, તેનાથી બધાએ ચેતવા જેવું છે.
ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો, ઘેર-ઘેર મોબાઈલ સેલફોન પહોંચ્યા, નેટવર્કનો વ્યાપ વધ્યો અને ટેલિકોમ્યુનિકેશન સરળ અને સસ્તુ બન્યું, તેના કારણે વ્યાપારિક, આર્થિક, ઔદ્યોગિક, સામાજિક વ્યવહારોમાં જાણે ક્રાંતિ આવી અને બિઝનેસ જ નહીં, પારિવારિક અને પર્સનલ, સરકારી અને સંસ્થાકીય, એજ્યુકેશન અને ટ્રેનિંગ તથા રાજકીય-શાસકીય ક્ષેત્રે પણ સરળતા, પારદર્શક્તા, ઝડપ અને વ્યપમાં વધારો થયો, પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ જ ઈન્ટરનેટ ક્રાંતિનો દુરૂપયોગ કરીને સાયબર ક્રાઈમ, ઓનલાઈન ઠગાઈ, હન્નીટ્રેપ, બ્લેક મેઈલીંગ, ખંડણી અને આતંકવાદી-ત્રાસવાદી-નક્સલવાદી તથા એન્ટી સોશ્યલ ગતિવિધિઓ કરનારા નાલાયકોને પણ જાણે મોકળું મેદાન મળી ગયું છે. હવે એવો સવાલ પણ ઊઠવા લાગ્યો છે કે, અદ્યતન ટેકનોલોજી, ઈન્ટરનેટ અને ઓનલાઈન વ્યવહારોનો દુરૂપયોગ અટકાવવા માટે આપણા સરકારી તંત્રો પૂરેપૂરા સક્ષમ છે ખરા? માત્ર પોલીસ, હોમગાર્ડઝ, સ્થાનિક સુરક્ષાદળો જ નહીં, પરંતુ સ્ટેટ-સેન્ટરની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ, તપાસ એજન્સીઓ, સમગ્ર બેન્કીંગ સિસ્ટમ, સેનાની ત્રણેય પાંખો, પેરા-મિલ્ટ્રી ફોર્સિસ અને ખાસ કરીને ટોપ-ટુ-બોટમ બ્યુરોક્રેસ તથા સિસ્ટમ્સને નવા ઈન્ટરનેટ અને અદ્યતન ટેકનોલોજીના યુગને અનુરૂપ અપડેટ કરવાના લેવાઈ રહેલા પગલાં ટૂંકા તો નથી પડી રહ્યા ને? અત્યારે જે રીતે આર્થિક ક્ષેત્રે ગુનાખોરી માટે અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટનો દુરૂપયોગ વધી રહ્યો છે, તે જોતા આપણા તમામ તંત્રો-સિસ્ટમ્સ, બ્યુરોક્રેસી અને ખાસ કરીને સમગ્ર પોલિટિકલ સિસ્ટમ તથા શાસકીય વ્યવસ્થાઓને પણ અપડેટ કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
જામનગરમાં છેતરપિંડીની ચર્ચા થઈ રહી છે, તેવી જ રીતે ગાઝિયાબાદની એક વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ બતાવીને રૂ. ર૦ લાખ પડાવી લેવાયા, તે કિસ્સો પણ લાલબત્તી સમાન છે. ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં હવે તો ફેક ચીફ જસ્ટીસ બનવા સુધીની ગુનાખોરોમાં હિંમત આવી ગઈ હોય, તો દેશના ગૃહવિભાગે અને ન્યાયતંત્રે પણ વધુ સતર્ક થઈને જરૂરી સેફગાર્ડ તથા જનજાગૃતિની સાથે સાથે આ પ્રકારની હરકતો કરતા તત્ત્વોને કડક સજા કરાવીને સબક શીખવવો પડે તેમ છે, અન્યથા લોકોનો તંત્રોમાંથી વિશ્વાસ જ ઊઠી જશે, અરાજક્તા ફેલાવશે, તો શું થશે? જરા વિચારો...
દેશવિરોધી તત્ત્વો પણ આધુનિક ટેકનોલોજી તથા ઈન્ટરનેટનો ભરપૂર દુરૂપયોગ કરી રહ્યા છે, અને ફોન, મેસેજ કે ઈ-મેઈલથી અવારનવાર એરપોર્ટ, જાહેર સ્થળો, નેતા કે સેલેબ્રિટીઝને ઊડાવી દેવાની ફેક ધમકીઓ પછી હવે તો આતંકવાદી સંગઠનના નામે દેશની રિઝર્વ બેંકને જ ઊડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે હવે દેશના તંત્રે પણ વધુ સુસજ્જ થવું જ પડે તેમ છે.
જો કે, મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણીઓમાં વ્યસ્ત નેતાઓને દેશની આ પ્રકારની સમસ્યાઓ માટે ફૂરસદ જ ક્યાં મળે છે! મણિપુર સળગવા લાગ્યું, ત્યાં સુધી દેશના ગૃહમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા, અને જ્યારે રાજકીય કટોકટી ઊભી થઈ ગઈ, ત્યારે મુંબઈથી દિલ્હી તરફ દોડ્યા, તે તાજુ દૃષ્ટાંત છે. ચૂંટણી પ્રચાર કરવા નેતાઓ-મંત્રીઓ જાય, તે સ્વાભાવિક છે, અને જવું જ જોઈએ, પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી અગ્રતાક્રમે રહેવી જોઈએ, અને તેથી જ ચૂંટણી પ્રચાર અધુરો મૂકીને દોડવું પડ્યું હશે!
હવે જ્યારે લોકોની હથેળીમાં ઈન્ટરનેટ સાથેના મોબાઈલ સેલફોન ઉપલબ્ધ છે, ત્યારે ઈન્ટરનેટના ઉપયોગ, સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીથી લોકોએ સ્વયં પણ સતર્ક રહેવું પડશે, અને સરકારોએ પણ કડક કદમ ઊઠાવવા જ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial