Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજનીતિ અને હિંસા જાણે કે એકબીજાના પૂરક થઈ ગયા હોય, તેમ ચૂુંટણીઓ ટાણે થતી મારપીટ અને તકરારો અને ક્યાંક ક્યાંક હત્યા જેવી ઘટનાઓ બને છે, તો અન્ય કારણોસર થતી હિંસક ઘટનાઓનો રાજકીય ફાયદો ઊઠાવવાના પ્રયાસો પણ રાજકીય પક્ષો કરતા જ રહે છે. એક તરફ દેશમાં ચૂંટણીનો ચક્રવ્યૂહ ચાલી રહ્યો છે, તો બીજી તરફ મણિપુરમાં ફરીથી હિંસક હુમલાઓ થતા એ મુદ્દો ફરીથી ગરમાયો છે.
મણિપુરનો મુદ્દો કોંગ્રેસના સાંસદ અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી તો અવારનવાર ઊઠાવતા જ રહે છે, પરંતુ હવે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ મુદ્દો ઊઠાવ્યો છે અને રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી છે, તે જોતા હવે વિદેશમાં વાહવાહી મેળવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘરઆંગણે નવા પડકારોનો સામનો કરવો પડશે, અને મણિપુરના મુદ્દે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને ચોક્કસ સ્ટેન્ડ લેવું પડશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
ગયા વર્ષે મે મહિનાથી મણિપુર ભડકે બળી રહ્યું છે અને વચ્ચે વચ્ચે થોડા વિરામ પછી ફરીથી હિંસક તોફાનો શરૂ થઈ જાય છે. છેલ્લા પંદરેક દિવસથી મણિપુરમાં અશાંતિ ઊભી થઈ અને ક્રમશઃ વધી રહેલી હિંસક ઘટનાઓને લઈને હવે આરએસએસનું પણ એક નિવેદન સામે આવ્યું છે. સંઘના મણિપુર એકમ દ્વારા જાહેર કરાયેલું આ નિવેદન આરએસએસના રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરીને વિશ્વાસમાં લઈને જ જાહેર કરાયું હશે અથવા આરએસએસની ટોચની નેતાગીરીના ઈશારે જ આ નિવેદન અપાયું હશે, તેવી અટકળો પણ થઈ રહી છે.
મીડિયા અહેવાલો મુજબ સંઘે કહ્યું છે કે, ગયા વર્ષે ત્રીજી મે થી શરૂ થયેલી મણિપુરની હિંસાને ૧૯ મહિના થવા આવ્યા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારો તેનો કાયમી ઉકેલ લાવી શકી નથી. સંઘે ઉગ્રવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની થઈ રહેલી હિંસાને દુઃખદ ગણાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને શાંતિની સ્થાપના માટે તમામ યોગ્ય અને ઝડપી કદમ ઊઠાવવા અનુરોધ કર્યો છે. આરએસએસના મણિપુર એકમ દ્વારા જણાવ્યું છે કે ૧૯ મહિનાથી ચાલતી હિંસા અંકુશમાં આવી રહી નથી, અને નિર્દોષોનો ભોગ તો લેવાઈ જ રહ્યો છે, સાથે સાથે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જે ખેદજનક છે.
મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળતા કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રચાર અધુરો મૂકીને રાજધાની દિલ્હી દોડી જવું પડ્યું, અને હાઈલેવલ મિટિંગો યોજીને ચોક્કસ નિર્ણયો લેવા પડ્યા, તે જ આ વખતે ઊભી થયેલી વિકટ સ્થિતિ રાજ્ય સરકારના કંટ્રોલની બહાર જતી રહી હોવાના સંકેતો આપે છે, અને મણિપુરમાં સીઆરપીએફ અને બીએસએફની વધુ કૂમકો મોકલવી પડી રહી છે, તે પણ સ્થાનિક કક્ષાએ તંત્રો તથા રાજ્ય સરકારની નિષ્ફળતાને જ ઉજાગર કરે છે. ત્યાંના મુખ્યમંત્રી તથા ધારાસભ્યો પર જ જો હુમલા થતા હોય અને નિર્દોષોનો સંહાર થતો હોય ત્યારે સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. તેવા અભિપ્રાયો વિપક્ષી નેતાઓ તથા પ્રવક્તાઓ પણ આપી રહ્યા છે.
ભાજપની જ વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મણિપુર એકમ દ્વારા પણ એક નિવેદન જાહેર કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના તંત્રો મણિપુરમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરાયો હોવાના અહેવાલો પછી ત્યાંની રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્રિય નેતાગીરી પણ હવે અવઢવમાં મૂકાઈ ગઈ હોય તેમ જણાય છે. આજે ગુજરાતમાં કેન્દ્રના ગૃહસચિવના સૂચિત પ્રવાસ દરમિયાન મણિપુરના મુદ્દે તેઓ કાંઈ કહેશે કે કેમ? તેની ચર્ચા વચ્ચે આજે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે.
ઝરિબાનમાં મહિલાઓ, બાળકોની હત્યા અને પોલીસદળો તથા સેનાના જવાનો પર પણ હુમલા થઈ રહ્યા છે, ત્યારે આ નિરંકુશ સ્થિતિ માટે જવાબદાર કોણ? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
એવા પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે જો કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ સક્રિય રહી હોત, સ્થાનિક તંત્રો એલર્ટ રહ્યા હોત અને સમયસર કદમ ઊઠાવાયા હોત તો ૬ નિર્દોષ નાગરિકોના જીવ બચાવી શકાયા હોત. ઝિરીબાનમાં ૧૧ કુકી આતંકીઓનો ખાત્મો થયા પછી ઉગ્રવાદીઓએ મૈતેઈ સમુદાયના કેમ્પ પર હુમલો કર્યો અને તેના રિએક્શનમાં મણિપુર ફરીથી ભડકે બળ્યું, તેને લઈને વિપક્ષો જ નહીં, હવે તો આરએસએસ તથા એબીવીપી પણ સરાજાહેર કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરતા હોય તો હવે મુખ્યમંત્રીપદને ચિટકી રહેવાના બદલે સત્તા છોડી દેવી જોઈએ, તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે. કોંગ્રેસના જયરામ રમેશે પણ મણિપુરને લઈને કેન્દ્ર-રાજ્ય સરકારોને આડેહાથ લીધી છે.
બીજી તરફ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક હોય તો સેઈફ હૈ'નો રાહુલ ગાંધીએ તિજોરી ખોલીને તેમાંથી એક પોસ્ટર કાઢીને ભાજપ અને પીએમ પર પ્રહારો કર્યા અને તેનો ભાજપે જે જવાબ આપ્યો, તે જોતા એવું નથી લાગતું કે મણિપુરના મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારો ગંભીર હોય, અત્યારે તો શાસક પક્ષ અને વિપક્ષો માટે ચૂંટણીઓ જ ટોચ અગ્રતાક્રમે રહી હશે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial