Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર સહિત હાલારમાં આધારકાર્ડમાં સુધારા-વધારા માટે લાંબી લાંબી લાઈનો લાગતી હોવાથી બૂમરાણ ઉઠી રહી છે અને એવી જ સ્થિતિ અન્ય સ્થળો પર પણ જોવા મળી રહી છે. રેશનકાર્ડ સાથે આધારકાર્ડનું લીકીંગ અને ઈ-કેવાયસી કરાવવાનું ફરજીયાત થયા છી લોકો આ માટે લાઈનો લગાવી રહ્યા છે. રાશનકાર્ડ પર નિર્ભર ઘણાં એવા શ્રમિકો અને ગરીબ પરિવારો હશે, જેઓ અભણ કે અલ્પ શિક્ષિત હશે, અને તેવા પરિવારો માટે આ કાર્યવાહી કરાવવી ઘણી જ મુશ્કેલ બનતી હોય છે, અને વારંવાર ધક્કા ખાવાથી તેની રોજેરોજની કમાણી (રોજ) પણ નહીં મળતા પુરક સમસ્યાઓ ઉભી થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે આધાર કેન્દ્રો મોટી સંખ્યામાં વધારીને તેને પુરતા પ્રમાણમાં કીટ આપીને તથા સર્વર વગેરે સતત એકટીવી રહે તેવા પ્રબન્ધો કરીને આ સમસ્યા નિવારવી જોઈએ.
આધારકાર્ડ જ નહીં, અન્ય સરકારી સેવાઓમાં પણ જ્યાં જ્યાં ઓનલાઈન કાર્યવાહી કરવાની હોય ત્યાં ત્યાં સર્વર ડાઉન થવું અને સિસ્ટમ ફેઈલ કે સ્થગિત થઈ જવાની કાયમી સમસ્યા છે. આ બધી જ સમસ્યાઓનો ટેકનિકલી ઉપાય પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ સરકારી તંત્રોને કાં તો ખર્ચની મર્યાદિત સત્તા નડતી હશે અથવા તેમાં પણ ક્યાંક કચાશ રહી જતી હશે, લાપરવાહી કે ગોબાચારી થતી હશે, અથવા આ પ્રકારની ડ્રાય અને ઝંઝટવાળી કામગીરીમાં રસ નહીં હોય, જે હોય તે ખરૂ, પણ આ સમસ્યાઓ જાણે કે હવે સાશ્વત બની ગઈ છે અને તેનું તત્કાલ નિવારણ કરવામાં જાણે તંત્રોની ઈચ્છા જ ન હોય, તેવા વલણો પણ ઉચ્ચ કક્ષાએ જોવા મળી રહ્યા છે, આ પ્રકારની બૂમરાણનો ભોગ શહેર કે જિલ્લા કક્ષાએ કાર્યરત તંત્રો બનતા હોય છે અને અરજદારો સાથે ઘણી વખત ઘર્ષણ પણ થતું હોય છે, પરંતુ હકીકત કાંઈક અલગ જ હોય છે પેલી કહેવત છે ને કે 'વાવ માં હોય તો અવેડામાં આવે ને ?'
સરકાર કક્ષાએ થી આ માટે રાજ્ય વ્યાપી સિસ્ટમ સુધરે અને ઝડપી બને, વધુ કાર્યક્ષમ બને, આધાર કેન્દ્રો તથા જરૂરી લેજીસ્ટીક સપોર્ટ અને કીટસ તથા કોમ્પ્યુટર્સ વગેરે સાધનો, ફર્નિચર વગેરેની ઉપલબ્ધિ સાથેની સુવિધાઓમાં વધારો થાય અને આધુનિકરણ થાય તો જ આ પ્રકારની સિસ્ટમો સુધરી શકે તેમ છે, સાચી વાત છે ને ?
આપણાં દેશમાં ડિઝિટલ ક્રાન્તિ આવી ગઈ છે અને સરકારી લાભો ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) થી લાભાર્થીઓના ખાતામાં સીધા જમા થાય છે, એ ખરૃં, પરંતુ તમામ પ્રકારની ટ્રાન્સપરન્ટ ટેકનોલોજી અત્યાધુનિક અને અપ-ટુ-ડેટ રહેવી જોઈએ. સિસ્ટમની ખરાબીના કારણે જો હજારો લોકોને ધક્કા ખાવા પડે, ધંધા-રોજગાર પડતા મુકીને લાઈનોમાં ઉભુ રહેવું પડે, તો એવું કહી શકાય કે સરકારો બદલે તો પણ સિસ્ટમ બદલતી હોતી નથી. થોડા દાયકાઓ પહેલાં જ્યારે કેરોસીન, સિમેન્ટ, જીવન જરૂરી ચીજવસ્તુઓનું રેશનીંગ થતું ત્યારે તેના માટે લાંબી લાઈનો લગાવી પડતી હતી અને થોડા વર્ષાે પહેલાં નોટબંધી સમયે પોતાના જ રોકડ નાણા મેળવવા લાંબી લાઈનો લાગી હતી, તેમ હવે આધારકાર્ડમાં સુધારા-વધારા કે ઈ-કેવાયસી કરવા માટે લાંબી લાંબી લાઈનો લગાવવી પડી રહી છે.
આ નવી ટેકનોલોજીના જાણકાર કેટલાક તજજ્ઞો ઈ-કેવાયસી ને નાગરિકો માટે લાંબા ગાળાના ફાયદાના સ્વરૂપમાં પણ મૂલવે છે. એક વખત ઈ-કેવાયસી થઈ જાય, તે પછી કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવો હોય, નાણાકીય વ્યવહારો કરવા હોય, લોન લેવી હોય કે, ઘરનું ઘર કે વાહન ખરીદવું હોય, એક જ ઈ-કેવાયસીના આધારે તમામ પ્રક્રિયા થઈ શકશે.
આ લાંબા ગાળાનો ફાયદો જ્યારે મળે ત્યારે ખરો પણ અત્યારે તો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગ્રાસ રૂટ પર બુનિયાદી કામ કરી રહેલા સરકાર, પાલિકા-પંચાયત, મહાપાલિકાઓ એજન્સીઓના કર્મચારીઓને તથા અધિકારીઓને જવાબ આપવા પડી રહ્યા છે, જેનું કાંઈક નિરાકરણ લાવવાની જવાબદારી તો સરકારની જ કહેવાય ને ?
'સિસ્ટમના વાંકે એકલી પબ્લિક જ પરેશાન થાય તેવું નથી, પોલિટિશ્યનો પણ પોતાને અનુકૂળ ન આવે તેવી' સિસ્ટમ પર ઠીકરૃં ફોડતા હોય છે. સિસ્ટમમાં ખામીને કારણે ભાજપ અને તેના સાથીદાર પક્ષો ચૂંટણી જીતે છે અને એ ખામી નહીં પણ ગરબડ હોય છે, તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ આક્ષેપો પણ થતાં રહેતાં હોય છે. કોઈપણ સિસ્ટમ હન્ડ્રેડ પરસન્ટ ફૂલપ્રૂફ હોતી નથી અને તેમાં નાની-મોટી ખામી સર્જાય ત્યારે તે સ્થળ પુરતું મશીન, કોમ્પ્યુટર કે ચેનલ બદલીને તેનો ઉપાય થતો હોય છે, એ પણ હકીકત છે, પૂરંતુ આ પ્રકારની ગરબડો ઓવરઓલ પરિણામો પર બહુ અસર કરે છે કે કેમ ! તે એક સવાલ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તો ઈવીએમથી મતદાન માટે દેશવ્યાપી આંદોલન ચલાવવાની વાત કરી છે, અગાઉ આવું જ જનઆંદોલન શરૂ કરનાર ભાજપનાં જીવીએલ નરસિમ્હારાવ હતાં, જ્યારે સૌ પ્રથમ દેશમાં ઈવીએમનો પ્રયોગ શરૂ થયો હતો.!
એક તરફ દેશમાં બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે જ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગણી કરતાં કોંગ્રેસ કહે છે કે, ભારતીય જનતા પક્ષ ઈવીએમની મદદથી નાની-નાની ચૂંટણીઓ હારીને મોટી-મોટી ચૂંટણી જીતવાના કારસા રચે છે, તેથી જો દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ વાસ્તવિક જનાદેશ મળે, તેના જવાબમાં કેટલાક વિશ્લેષકો કહે છે કે લોકસભામાં બહુમતી જેટલી બેઠકો પણ ન મળે અને કાખઘોડીની સરકાર રચવી પડે, તેટલી ઉંડી રાજનીતિ રમાઈ રહી હોય, તો તે નવા યુગની બલિહારી કહેવાય, પરંતુ તે શક્ય છે ખરૃં ?
બીજી તરફ સુપ્રિમ કોર્ટ ઈવીએમથી ચૂંટણી કરવાની પ્રથા બંધ કરીને બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણીઓ કરતી અરજીઓ ફગાવી દેતા કડક ટિપ્પણી કરી છે. ડો. એ.કે. પૌલની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, હારો ત્યારે ઈવીએમ ખરાબ, અને જીતો ત્યારે સલામત, તેવું વલણ ન ચાલે.
મતદાન સમયે મતદારોને અપાતા વિવિધ પ્રલોભનો અટકાવવા સંબંધિત ઉમેદવારને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે (ચૂંટણી લડવા માટે) ગેરલાયક ઠરાવવા જોઈએ, તેમ માંગણી કરી તેની સામે પણ અદાલતે સવાલો ઉઠાવ્યા હતાં અને પુછયું હતું કે શું બેલેટ પેપરથી ચૂંટણી થાય તો આ બધી બદીઓ દૂર થઈ જશે.? ભ્રષ્ટાચાર બંધ થશે.?
ટૂંકમાં ભારત જેવા વિશાળ દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવી ઘણી જ મુશ્કેલ અને ખર્ચાળ છે, તથા ઈવીએમમાં કોઈ ગરબડ થતી નથી, તેવી દલીલો અદાલતોમાં ગ્રાહ્ય રહેતી હોય છે. જો કે મુદ્દે કોંગ્રેસ હવે જનતાની અદાલતમાં ગઈ છે. જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial