Advertisement
Author: નોબત સમાચાર

સોશિયલ મીડિયાનું રાજકારણ

રાજકારણ એક એવી વસ્તુ છે કે જેમાં તમે જે કંઈ સાંભળો છો, કે જે કંઈ જુઓ છો, તે બધું જ સાચું છે તેમ તમે માની શકતા નથી. અને તેથી જ તેને તમે રીપીટ પણ કરી શકતા નથી.

આવું જ કંઈક સોશિયલ મીડિયાનું પણ છે. અહીં પણ તમે વાંચેલી જોયેલી કે સાંભળેલી દરેક વાત સાચી માની શકો નહીં. પરંતુ અહીં તમને એક ખાસ સગવડ પણ મળે છે, કે આવેલા મેસેજને વાંચીને કે વાંચ્યા વગર પણ, ફોરવર્ડ કરવાની સગવડ. અને તમે તે મેસેજને અસંખ્ય વાર રીપીટ પણ કરી શકો છો...

હવે આ સોશિયલ મીડિયા અને રાજકારણની ભેળસેળ થાય તો શું થાય? હમણાં જ પૂરી થયેલી મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ બાબતનો એક ઉત્તમ નમૂનો જોવા મળ્યો. બીગબોસને કારણે જાણીતા થયેલા એજાઝ ખાને પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું, જીતવાના આત્મવિશ્વાસ સાથે. કારણ કે ઈન્સ્ટાગ્રામ પર તેના ૬૫ લાખ ફોલોઅર્સ છે...!

પરંતુ મહારાષ્ટ્રના શાણા મતદારો આવી કોઈ આંકડાની ઇન્દ્રજાળમાં ફસાયા નહીં અને એજાઝ ખાનને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું... તેને મત મળ્યા ફક્ત ૧૫૫, - નોટા કરતાં પણ ઓછા..!!

આ સોશિયલ મીડિયાનું રાજકારણ પણ અદ્ભુત છે. અહીં જ્ઞાનનો અખૂટ ભંડાર છે તમારા માટે, જો તમને તેમાં તળિયે ડૂબેલું મોતી શોધતા આવડે તો. નહિતર પછી તેમાં ડૂબતા વાર ન લાગે.

હવે બને છે એવું કે તમે યુટ્યુબ ખોલો અને તેમાં તમારી પસંદગીની કોઈ સીરીયલ, જેવી કે અનુપમા કે પુષ્પા સર્ચ કરીને તેના ફક્ત બે કે ત્રણ હપ્તા જુઓ, પછી તમને જોવા મળશે મોબાઇલની કમાલ. તમે જ્યારે પણ મોબાઈલમાં યુટ્યુબ ચાલુ કરશો કે તરત જ તેમાં તમને તમારી પસંદગીની સીરીયલ અનુપમા કે પુષ્પાના એક પછી એક એપિસોડ જોવા મળશે અને તે પણ, કોઈપણ જાતની વધારાની સર્ચ કર્યા વગર..!! અરે આટલું તો કદી આપણી મમ્મી પણ આપણું ધ્યાન રાખતી નથી..!  મમ્મીનો પ્રયત્ન તો એવો જ હોય છે કે આપણે રોતલ અનુપમાના ઓછામાં ઓછા એપિસોડ જોઈએ, જ્યારે યુટ્યુબ આપણને આપણી મનપસંદ અનુપમાના એક પછી એક એપિસોડ દેખાડે જ રાખે છે, દેખાડે જ રાખે છે, અને તે પણ, કોઈપણ જાતની શાણી કે સુફિયાણી સલાહ દીધા વગર. હવે તમે જ મને કહો, તમને કોણ ગમે? સતત ટક ટક કરતી મમ્મી (અથવા સાસુ... જેવા તમારા નસીબ), કે પછી શાણુ અને કહ્યાગરુ યુટ્યુબ?

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર જ્ઞાનની ગંગા સતત વહેતી રહે છે. દા.ત. વજન ઘટાડવું છે, તો શું કરવું? શું ખાવું પીવું? અને શું ખાવાનું છોડી દેવું?

અને તમારે વજન વધારવું છે? તો તેના માટેના પણ વિવિધ ઉપાય અને અલગ અલગ ખાવા પીવાની રીત દેખાડશે. પરંતુ અહીં કોઈ તમને એવી સાચી છે સલાહ નહીં આપે કે વજન ઘટાડવા કે વધારવા માટે કસરત કરવી વધારે જરૂરી છે.

અને જો તમારા સદનસીબે યુટ્યુબર શાણો હશે, તો  તે તમને સાચી સલાહ આપશે કે, જો આટલું કર્યા છતાં પણ તમારા વજનમાં કોઈ ફેરફાર ન થાય તો તમારા ફેમિલી ડોક્ટરને મળો, અથવા તો  કોઈપણ ભરોસાપાત્ર હોસ્પિટલમાં તમારી સારવાર કરાવો..!!

વિદાય વેળાએઃ- નારદમુનિ જેવી થઈ ગઈ છે આ જિંદગી.. જેમ નારદમુનિ ત્રણેય લોકોમાં ફરતા હતા એમ જ હવે આપણે પણ ફેસબુક, વોટ્સએપ અને યુ-ટ્યુબમાં ફરીએ રાખીએ છીએ.

નારાયણ નારાયણ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh