Advertisement
Author: નોબત સમાચાર

દાદા-દાદીની વાર્તાઓ બાળકોનું બુનિયાદી ઘડતર કરતી... પણ...!!!

સોશ્યલ મીડિયાના યુગમાં ઘણાં બુઝુર્ગો પણ ખોવાઈ જતા હોય તેમ લાગે છે... ખરૃં કે નહીં?

બાળપણનો ભય અને સંસ્કાર

મારા એક મિત્રે યુવાનવયે મને એવું કહ્યું હતું કે તેને વિનાકારણ જ પોલીસનો ડર સતાવતો રહે છે અને કોઈપણ અયોગ્ય કે ગેરકાનૂની કામ કરવાનું વિચાર્યું પણ નહીં હોવા છતાં પોલીસને ગણવેશમાં જોતા જ તે ભયભીત થઈ જાય છે. તેની સાથે આવું નાનપણથી થતું રહ્યું હતું. એ જ રીતે કોઈને નાનપણથી રાક્ષસ (સતરસીંગો) અથવા વિકરાળ મુખવાળા અને વધુ શીંગડાવાળા અસૂરનો ડર બતાવાયો હોય છે, તો કોઈને 'બાઉં', પશુ-પંખી કે 'બાઘડા'નો ડર બતાવાયો હોય છે. આ પ્રકારે તોફાન કરતા કે કોઈ ચીજ ખવડાવવા-પીવડાવવા કે પછી સ્કૂલે મોકલવા અથવા ચૂપ રહેવા માટે નાનપણથી બતાવાયેલો ભય યુવાનવયે પણ ઘણાંને સતાવતો હોય છે. બીજી તરફ માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, પરિવાર કે સ્કૂલના શિક્ષકો દ્વારા બાળવયેથી સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો તેની હકારાત્મક અસરો પણ જે-તે વ્યક્તિમાં જીવનપર્યંત રહેતી હોય છે.

વડીલો દ્વારા સંસ્કારોનું સિંચન

અત્યારે પ૦ વર્ષથી વધુ ઉંમરના ઘણાં લોકોએ પોતાના બાળપણમાં દાદા-દાદી, નાના-નાની કે કોઈને કોઈ વયોવૃદ્ધ વડીલોના મૂખેથી નાની નાની વાર્તાઓ સાંભળી હશે અને બાળગીતો પણ ગાયા હશે. બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી નાની-નાની પુસ્તિકાઓ, પોકેટબુક્સ અને અખબારો દ્વારા પ્રસિદ્ધ થતી બાળકો માટેની વિશેષ પૂર્તિઓ દ્વારા પણ બાળવયથી જ વાચન અને સંસ્કારનું બાળકોમાં સિંચન થતું હતું. નાનપણમાં સાંભળેલી એ વાર્તાઓ તથા સાહસકથાઓ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતના પ્રસંગો, રાજા-મહારાજાઓની વાર્તાઓ અને બુદ્ધિચાતુર્ય ધરાવતા પાત્રોની ગદ્ય, પદ્ય અને નાટ્ય રચનાઓ, સંવાદો અને વ્યંગચિત્રો તો હજી એકાદ-બે દાયકા પહેલાના સમય સુધી ઘણાં જ પ્રચલિત અને લોકપ્રિય હતાં, પરંતુ હવે સમય બદલાયો છે, અને સંસ્કારો પણ બદલાઈ રહ્યા છે. જ્ઞાન સાથે ગમ્મતનું સ્થાન હવે ગમ્મત સાથે ગેમ્બલીંગ લઈ રહ્યું છે.

આઉટડોર ગેમ્સ

અત્યારે ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, રેસલીંગ, નિશાનબાજી જેવી આઉટડોર ગેમ્સ તો પ્રચલિત છે, પરંતુ બાળપણમાં જ્ઞાન સાથે ગમ્મત આપતી આઉટડોર ગેમ્સ તથા શરીર અને મનની તંદુરસ્તી વધારતી કેટલીક આઉટડોર ગેમ્સ લૂપ્ત થતી જાય છે. નારગોલ, મોઈ-દાંડિયા, ઠેરા-ઠેરી-નવકાંકરીની રમતો તથા એક પગે કૂદવું, ખો-ખો, થપ્પો દાવ વગેરે રમતો હાલના ઘણાં બુઝુર્ગોએ નાનપણમાં રમી જ હશે. હવે હથેળીમાં રમાયેલી ડિજિટલ ગેઈમ્સનો યુગ આવ્યો છે, ત્યારે આ પ્રકારની આઉટડોર રમતો તો હવે માત્ર ઈન્ડોર નહીં, પણ 'ઈન પામ' એટલે કે હથેળીમાં રાખેલા સેલફોન દ્વારા રમતો બનવા લાગી છે, જેના ફાયદા અને ગેરફાયદાની અલગથી ચર્ચા થઈ શકે છે, પરંતુ આઉટડોર ગેઈમ્સ બાળકોને સમૂહ જીવન અને સમાજજીવન પણ શિખવતી હતી અને સુદૃઢ શરીર તથા દુરસ્ત મન, બુદ્ધિબળમાં વૃદ્ધિનું માધ્યમ બનતી હતી, અને આજના યુગની 'ઈન પામ' ગેઈમ્સ અથવા 'ઈન પાલ્સ ગેઈમ્સ'  કરતા તદ્ન ભિન્ન, સરળ, નિઃશુલ્ક અથવા ઓછી ખર્ચાળ હતી, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ મને જણાતી નથી.

એકલી નવી પેઢીનો વાંક નથી

આપણે મોબાઈલમાં સતત મોઢું રાખીને બેસતા બાળકો, યુવાવર્ગ કે વિદ્યાર્થીવર્ગની ચિંતા સતત કરતા રહીએ છીએ, અને તેને આઉટ ડોર ગેમ્સ રમવાની, એકલસુડા થવાના બદલે બધા સાથે હળીમળીને મિલનસાર થવાની તથા સોસાયટી (સમાજ) સાથે જોડાયેલા (કનેક્ટ) રહેવાની શિખામણો પણ આપતા રહીએ છીએ. આ જાગૃતિ માતા-પિતા, પરિવાર કે વડીલો રાખે તે અત્યંત જરૂરી પણ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે.

હવે મોબાઈલ સેલફોન એક જીવનજરૂરિયાતની ચીજ થઈ ગઈ છે. અબાલ-વૃદ્ધ, અમીર-ગરીબ અને ગ્રામ્ય-શહેરી તમામ વર્ગોના લોકો પાસે સસ્તામાં સસ્તી કિંમતથી માંડીને લાખોના ગુણાંકમાં કિંમત ધરાવતા મોબાઈલ સેલફોન હોય છે, અને હવે તો મોટાભાગના વડીલો પણ વ્યસ્ત હોય છે. મોબાઈલ સેલફોન માત્ર મેસેજની આપ-લે કે ટેલિફોનિક વાતચીત પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ મનોરંજન, બિઝનેસ, ઈન્ફોર્મેશન, ન્યૂઝ, ફેશન, રેડિયો, ટેપ-રેકોર્ડીંગ અને તાવડી ચાવીથી લઈને આધુનિક ટેપ, હોમથિયેટર જેવી સુવિધાઓ, અદ્યતન ફોટોગ્રાફિક કેમેરાઝ તથા ડેટાસંગ્રહની સગવડો પણ મોબાઈલ સેલફોનમાં હોય છે. વ્હોટ્સએપ સહિતના મેસેજીંગ માધ્યમો દ્વારા લાઈવ ચેટીંગ પણ થઈ શકે છે અને વીડિયો કોલ અને વીડિયો કોન્ફરન્સ પણ થઈ શકે છે.

સોશ્યલ મીડિયાનું માધ્યમ મોબાઈલ સેલફોનના કારણે ઘરઆંગણે જ નહીં, ખિસ્સાની અંદરનું હરતુ-ફરતુ મીડિયા બની ગયું છે, અને તેમાં જ બ્રેકીંગ ન્યૂઝ અને ઈ-પેપર્સ, લાઈવ ન્યૂઝ ચેનલો અને વિવિધ રમતોના જીવંત પ્રસારણો થતા જોવા મળે છે. આ તમામ ફેક્ટર્સના કારણે તમામ વયજુથના લોકો પોતાની રોજીંદી ઊંઘ, નિયમિત ભોજન તથા પારિવારિક કે સામાજિક જીવનના ભોગે પણ મોબાઈલ સેલફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યા છે. આ સેલફોન હવે મનોરંજક વીડિયો ગેઈમ્સના બદલે હરતી ફરતી કેસિનો અથવા જુગાર રમવાની ક્લબ પણ બની ગયા છે, જેથી એકલી નવી પેઢીને મોબાઈલમાં મોઢું નાંખીને બેસતા હોવાનો વાંક કાઢતા પહેલા વિચારવું પણ પડે, ખરૃં ને?

કુમળી વયે સતર્કતા જરૂરી

એક વર્ષનું પણ ન થયું હોય, તે બાળકને રડતું છાનું રાખવું હોય કે શોપીંગમાં સાથે સાથે ફરવાની જીદ કરતા પાંચ-સાત વર્ષના બાળકને ઘેર બેસાડી રાખવું હોય, કે પછી ધંધા-નોકરી માટે દિવસભર વ્યસ્ત રહેતા માતા-પિતા અભ્યાસ-ટ્યુશન વચ્ચેની પળોમાં પણ જ્યારે બાળકોને સમય ન આપી શકે ત્યારે તેને મોબાઈલ સેલફોન-વીથ-ફાઈવ જી ઈન્ટરનેટ કનેક્શનની સુવિધા પૂરી પાડવી હોય, ત્યારે આ ઓપશન ઘણો જ ઉપયોગી પૂરવાર થાય છે, પરંતુ જો તેની નેગેટીવ ઈફેક્ટ થઈ, બાળક ખતરનાક ગેઈમ્સ રમતો થાય, પોતે વીડિયો કે તસ્વીરો નિહાળતો થાય કે સોશ્યલ મીડિયાના માધ્યમથી હિંસા કે ગુનાખોરીના પાઠ શિખી જાય, ત્યારે એ સંતાનો માતા-પિતા, પરિવાર માટે તે ખતરનાક રીતે ચિંતાજનક બની જ જાય છે, પરંતુ નિરંકુશ બનીને અનૈતિક, અયોગ્ય, ગેરકાનૂની અને બેજવાબદાર અથવા હિંસક કૃત્યોના કારણે પોતાના પગ પર પણ કૂહાડો મારતા હોય છે. જેથી કૂમળીવયના વયજુથો માટે મોબાઈલ સેલફોન વીથ ઈન્ટરનેટનો ઉપયોગ ઘણી જ સતર્કતા માંગી લેતો હોય છે જેના માટે માતા-પિતા અને પરિવારે ટાઈમ કાઢવો જ પડે ને?

પૈસા છે, પણ ટાઈમ નથી!

આપણા કૃષિપ્રધાન દેશના લિમિટેડ અર્થતંત્રના કારણે જુના જમાનામાં લોકો પાસે બહું પૈસા નહોતા,પરંતુ હવે ઓપન બિઝનેસ અને ઉદારીકરણનો ઉભરો એટલો આવ્યો છે કે વર્તમાન સમયમાં લોકો ૫ાસે પૈસા કમાવાના માર્ગો તો ઘણાં ખુલી ગયા છે, પરંતુ વધુને વધુ નાણા કમાઈ લેવાની લ્હાયમાં લોકો પાસે બાળકોને રમાડવા, કેળવવા, સંભાળવા, સાચવવા કે સાચા માર્ગે આગળ વધારવા માટે જરૂરી સમય જ નથી!

આ ગેપ પૂરવા બાળકો પાસે મોબાઈલ સેલફોન અને ઈન્ટરનેટનું માધ્યમ હાથવગુ થઈ ગયા પછી કેટલાક બાળકો તેમાંથી અખૂટ ઈન્ફર્મેશન, રેસિ પીઝ, કોન્સેપ્ટ્સ, ઈનોવેશન્સ અને આઈડિયાઝ મેળવીને પોતાની કારકિર્દીની મજબૂત બુનિયાદ ઊભી કરી લેતા હોય છે, પરંતુ આ પ્રકારે પોઝિટિવ ફલશ્રૂતિ કરતા નેગેટીવ ઉપયોગ કરીને અવળા માર્ગે ચડી જતા, ચીડિયા અને નિરંકુશ થઈ જતા કે ક્રાઈમના ખતરનાક પરિણામો સુધી પહોંચી જતા બાળકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, જેની સામે પરિવારો, માતા-પિતા, સમાજ, સરકાર અને સ્વયં બાળકોએ-યુવાવર્ગે પણ સાવધ રહેવું જરૂરી છે. ટૂંકમાં આ હાથવગું ઓજાર પ્રગતિના માર્ગે પૂરપાટ દોડાવી પણ શકે છે, અને બાળકો તથા યુવાવર્ગને બરબાદીની ખાઈ તરફ પણ ધકેલી શકે છે, તેથી સાવધાન...!

બાળકોની અનુકરણવૃત્તિ તેજ હોય છે!

શિશુકાળથી જ બાળકોની અનુકરણવૃત્તિ તેજ હોય છે. બાળકો ઘર-પરિવાર અને પોતાની આસપાસ જે કાંઈ જુએ, સાંભળે કે અનુભવે, તેનું અનુકરણ કરીને જ સંસારને ઓળખતા શિખે છે, અને જેમ જેમ ઉંમર વધતી જાય, તેમ તેમ બાળકોની એ અનુકરણવૃત્તિ જ તેને ડિફોલ્ટ નેચર (કુદરતી સ્વભાવ) બનતો જાય છે.

જે ઘરમાં માતા-પિતા, વડીલો, ભાઈ-બહેનો સતત મોબાઈલ સેલફોનમાં વ્યસ્ત જ રહેતા હોય, તે ઘરમાં બાળકો મોબાઈલ સેલફોન એકિકટ થઈ જ જાય, બાળકોને પહેલેથી સમજાવવું પડે, કે તેના માતા-પિતા કે ભાઈ-બહેન મોબાઈલ સેલફોનમાં વ્યસ્ત રહે છે, તે તેના સ્ટડી, વ્યવસાય કે નકરીને સંબંધિત છે, તે ઉપરાંત બાળકોને મોબાઈલ સેલ ફોનનો મર્યાદિત ઉપયોગ કરવાની ટેવ પાડવી હોય તો સ્વયં માતા-પિતા, પરિવારે પણ બાળકોની સામે સતત મોબાઈલ સેલફોનમાં વ્યસ્ત રહેવાનું ટાળવું જોઈએ, ખરૃં કે નહીં?

દરરોજ મહત્તમ લોકો મોબાઈલમાં વ્યસ્તઃ

સોશ્યલ મીડિયાનું વ્યસન ઘટાડવા શું કરવું?

થોડા વર્ષો પહેલા સોશ્યલ મીડિયાનો પ્રારંભ થયા પછીની સંભવિત અસરો અંગે શરૂ થયેલા સર્વેક્ષણનો રિપોર્ટ પ્રેસ-મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર છે. જે સમયે મોબાઈલ સેલફોનનો પ્રયોગ માત્ર વાતચીત અને મેસેજીંગ માટે થતો હતો, તે સમયે મોબાઈલ સેલફોનના ધારકોની સંખ્યા આજની સરખામણીમાં ઓછી હતી, પરંતુ અનિવાર્ય પ્રકારના ઉપયોગ માટે ખરીદવામાં આવતા મોબાઈલ સેલફોનની સરખામણીમાં હવે સોશ્યલ મીડિયાના ઉપયોગ માટે એક અલગ મોબાઈલ સેલફોન તથા અલાયદુ સીમકાર્ડ રાખવાની મનોવૃત્તિ વધી રહી છે, અને ઘણાં યુવાવર્ગના વયજુથોમાં બબ્બે એન્ડ્રોયડ અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મોબાઈલ સેલફોનથી આગળ વધીને હવે મોર્ડન અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કેમેરાઝથી સજ્જ મોબાઈલ સેલફોન સાથે માત્ર બાળકો કે યુવાનો જ નહીં, પરંતુ વયોવૃદ્ધ લોકો પણ જોવા મળી રહ્યા છે.

સોશ્યલ મીડિયાની વિવિધ પ્રચલિત વેબસાઈટો પર કોઈના વિકૃત ફોટા મૂકવા, ડીપફેઈક તસ્વીરો મૂકવી, ડોક્ટર્ડ વીડિયો વાયરલ કરવા અને અવનવા સ્ટંટ કરવાની મનોવૃત્તિ હવે ગાંડપણ સુધી પહોંચી રહી છે, જે એડિક્ટ લોકોને ક્રિમીનલ બનાવી રહ્યા છે, જ્યારે સેલ્ફી લેવા જતા જીવ ગુમાવવાના કિસ્સા પણ વધી રહ્યા છે.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ અંકુશિત કરવાના કેટલાક સૂચનો પણ અખબાર-મીડિયાના માધ્યમથી સૂચવવામાં આવતા હોય છે. કોઈપણ સોશ્યલ મીડિયાની પોસ્ટને લાઈક કરવાની તથા આપણી પોસ્ટને મહત્તમ લાઈક્સ મળે, તેનું જો વ્યસન થઈ જાય તો તે ખતરનાક બને છે. મોબાઈલ સેલફોનનો ઉપયોગ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઘટાડવા કેટલાક નિયમો બનાવીને સ્વયં લાગુ કરી શકાય. દરરોજ સોશ્યલ મીડિયામાં કેટલું વ્યસ્ત રહેવું તેનો ચોક્કસ સમય નક્કી કરી શકાય. મોબાઈલમાંથી સોશ્યલ મીડિયાની એપ્સ ઘટાડીને, નોટિફિકેશન્સ બંધ કરીને તથા સોશ્યલ મીડિયાનો ઉપયોગ મોબાઈલ સેલફોનના બદલે કોમ્પ્યુટર-લેપટોપમાં જ કરવા જેવા સ્વયંશિસ્તના કદમ ઊઠાવી શકાય.

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh