Advertisement
Author: નોબત સમાચાર

દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા કરતા જવાનોને બીરદાવો... અર્ધલશ્કરી દળો અને હોમગાર્ડઝની સેવાઓ...

આપણા દેશમાં જ્યારે જ્યારે આંતરિક કટોકટી અથવા અશાંતિ, કોમી હુલ્લડો કે હિંસક તોફાનો થયા, અને બાહ્ય કટોકટી ઊભી થઈ કે યુદ્ધો થયા, ત્યારે ત્યારે દેશની સેના, સુરક્ષાદળો, પોલીસતંત્રો અને સંલગ્ન એજન્સીઓની મદદ માટે મજબૂત રીતે કેટલાક પૂરક દળોએ પ્રશંસનિય અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેમાં પણ શહેરી અને ગ્રામ્ય હોમગાર્ડઝની સેવાઓ તો માત્ર ભથ્થા-રોજગારી મેળવવા નહીં, પરંતુ દેશ અને જનતા પ્રત્યેની ભાવનાત્મક ફરજો બજાવવાના હેતુઓથી જ શરૂ થઈ હતી, અને જરૂર પડ્યે દેશની સેવામાં પોતાનું યોગદાન આપવા બુદ્ધિજીવી વર્ગો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, પ્રબુદ્ધ નાગરિકો તથા હોદ્દેદારો પણ જોડાતા હતાં. તેવી જ રીતે ભારતીય સેનાની ત્રણેય પાંખોને મદદરૂપ થવા વિવિધ અર્થલશ્કરી દળો પણ ઊભા કરાયા છે, જેમાં પોલીસ ફોર્સની જેમ જ ભરતી થાય છે અને શાંતિના સમયમાં પણ આ અર્ધલશ્કરીદળો સરહદોની સુરક્ષા ઉપરાંત જરૂર પડ્યે આંતરિક સુરક્ષા માટે પણ સતત કાર્યરત રહે છે અને તલીમબદ્ધ પણ રહે છે.

ભારત સરકારના ગૃહવિભાગ હેઠળ કાર્યરત અર્ધલશ્કરી દળોમાં બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અથવા સીમાસુરક્ષા દળ સૌથી વધુ પ્રચલિત છે, કારણ કે આ ફોર્સ ભારતીય સેનાના પૂરક દળ તરીકે સતત સીમા પર પેટ્રોલીંગ વગેરે પ્રવૃત્તિઓની સાથે સાથે ટ્રેનિંગ પરેડો પણ કરતી રહે છે. આ જ પ્રકારનું બીજુ પૂરક દળ આસામ રાઈફલ છે.

કેન્દ્ર સરકારના ગૃહવિભાગ હેઠળ દેશના ઔદ્યોગિક સંકુલો જ નહીં, પરંતુ હવાઈ મથકો સહિતના મહત્ત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષાદળ ઊભું કરાયું છે, જેઓ સીઆઈએસએફ પણ કહે છે. એવું જ એક બીજુ કેન્દ્રિય આરક્ષિત સુરક્ષા બળ પણ હોય છે. આ પ્રકારના સુરક્ષાદળો આંતરિક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યા છે.

અર્ધલશ્કરી દળોમાં ઈન્ડો-તિબેટ સીમા પોલીસ, એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા દળ) અને એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા દળ પણ કાર્યરત હોય છે.

એવી જ રીતે રાજ્યોમાં પોલીસતંત્રોને મદદરૂપ થવા ગૃહરક્ષક દળ કાર્યરત હોય છે. તે ઉપરાંત સાગર સુરક્ષા દળ, ગ્રામ સુરક્ષા દળ જેવા સહાયક દળો પણ સેવાભાવનાથી વિવિધ સમયે કાર્યરત થયા હતાં. નવી વ્યવસ્થાઓ હેઠળ કેટલાક શહેરોમાં ટ્રાફિક સેવાઓ માટેના સહાયકોનું એક દળ પણ સ્થાનિક કક્ષાએ ઊભું કરવામાં આવ્યું છે.

હોમગાર્ડઝની સ્થાપના તો માત્ર ને માત્ર દેશની સેવા માટે એક યુવાદળની રચના માટે થઈ હતી, જેમાં હોમગાર્ડઝની સેવાઓ સવેતન નહીં પણ દેશસેવા જ ગણાઈ હતી. તેમાં સેવાભાવનાથી જોડાતા લોકોને પોતાની ફરજો દરમિયાન ભથ્થું મળે અને પરેડ-તાલીમ સતત ચાલતી રહે, તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ રીતે હોમગાર્ડઝની ફરજો એ નોકરી નહીં, પરંતુ સેવા જ ગણવામાં આવે છે.

આમ તો વિશ્વયુદ્ધો સમયે પૂરક દળો તરીકે જે સ્વૈચ્છિક સંગઠન કાર્યાન્વિત થયું હતું તેમાં જ ભારતીય હોમગાર્ડઝની બુનિયાદ છે, પરંતુ ભારતમાં જ્યારે આઝાદીની ચળવળ દરમિયાન ઠેર-ઠેર દેખાવો થતા હતાં, તે વખતે મુંબઈમાં સાંપ્રદાયિક હુલ્લડો શરૂ થતા આ મોરારજી દેસાઈના નેતૃત્વમાં એક ટૂકડીની સ્થાપના થઈ હતી, જેને તે સમયથી ગૃહરક્ષક દળ કહેવામાં આવે છે.

ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં આજે જે હોમગાર્ડઝ કાર્યરત છે, તેની સ્થાપના ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૪૬ ના દિવસે થઈ હોવાથી દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડઝ ડે ની ઉજવણી થાય છે અને શ્રેષ્ઠ કામગીરી કરનાર હોમગાર્ડઝ જવાનો-કમાન્ડીંગ ઓફિસરો વગેરેનું સન્માન પણ કરવામાં આવે છે. આ એક સ્વૈચ્છિક સેવાભાવી સંગઠન હોવા છતાં તેની કામગીરી તથા ફરજો પોલીસ જેવી જ હોવાથી તેને લોકો 'છોટે પોલીસ' અથવા તો 'સહાયક પોલીસ' તરીકે પણ ઓળખે છે.

હોમગાર્ડઝ એટલે કે ગૃહરક્ષક દળોની સેવાઓ બહુલક્ષી રહી છે. પોલીસને મદદરૂપ થવાનું હોય કે મોટા મોટા કાર્યક્રમોમાં શાંતિની સાથે વ્યવસ્થા જાળવવાની હોય, હવાઈ સેવાઓ હોય કે સ્થાનિક પરિવહન-જનજીવનમાં જરૂર પડ્યે મદદરૂપ થવાનું હોય, કુદરતી આફતો હોય કે હવાઈ હુમલાઓ-યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય, દેશની સુરક્ષા સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હોમગાર્ડઝ હંમેશાં જોડાયેલું રહ્યું છે.

હોમગાર્ડઝની શરૂઆત સેવાભાવનાથી થઈ હતી અને આજે પણ તેનું સ્વરૂપ સ્વૈચ્છિક સેવાભાવી સંગઠનનું જ રહ્યું હોવા છતાં તેને પોલીસદળનું અભિન્ન અંગ જ માનવામાં આવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે.

પોલીસ તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર, હપ્તા પદ્ધતિ અને ગેરરીતિઓની ચર્ચા રાજ્ય અને દેશભરમાં હંમેશાં માટે થતી રહે છે, અને તેનો રંગ હોમગાર્ડઝમાં લાગ્યો હોય તેમ કેટલાક સ્થળે હોમગાર્ડઝના જવાનો કે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ પણ કેટલીક વખત ઊઠતી રહે છે. તાજેતરમાં જ એક નિવૃત્ત હોમગાર્ડઝ કમાન્ડીંગ ઓફિસરે તેના હોમગાર્ડઝમાં કાર્યરત દીકરાના નામે ૬ હજારની લાંચ લેતા મહીસાગરમાં ઝડપાયા હતાં, તે તેનું તાજુ દૃષ્ટાંત છે. આ પ્રકારની ક્ષુલ્લક મનોવૃત્તિના કારણે આખું સંગઠન બદનામ થતું હોય છે, તેથી આ સ્વૈચ્છિક સંગઠનમાં આ પ્રકારની માનસિક્તા પનપે નહીં, તે માટે તકેદારી પણ રાખવી પડે.

બીજી તરફ વર્તમાન સમયને અનુરૂપ મોંઘવારી, હોમગાર્ડઝ સેવાઓમાં વધેલા પડકારો અને જોખમો તથા જવાનોનો જુસ્સો જળવાઈ રહે, તે માટે માનદ્વેતન અથવા ભથ્થા, સગવડો તથા સેવાનિવૃત્ત થયા પછીની જિંદગીની સુગમતા માટે પણ હજુ વધુ કાંઈક વિચારવું જોઈએ, તેમ નથી લાગતું...?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh