Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આળસુ કલીગને એક્ટિવ કરવો અને મહેનતું કલીગની કદર કરવી એ સફળ સંચાલનનું કૌશલ્ય ગણાય...
મારા એક મિત્ર હતાં. તેઓ પોતાના કામમાં ખૂબ જ મહેનતું, પ્રામાણિક અને નિયમિત રહેતા હતાં. તેમનામાં ઈશ્વરે અદેખાઈ તો જાણે ઈન્સ્ટોલ જ કરી નહોતી, કારણ કે તેઓ ક્યારેય કોઈની દેખાદેખી, ઈર્ષ્યા કે સરખામણી કરતા જોવા જ ન મળ્યા નહોતા. તેમની કંપનીમાં પ્યુન ટુ મેનેજર તો ઠીક, કંપનીના માલિકો પણ તેમની ખૂબ જ ઈજ્જત કરતા હતાં.
વર્ષો પછી તેઓ અચાનક જ સંપર્કવિહોણા થઈ ગયા, અને જાણે કે ગાયબ જ થઈ ગયા હતાં. તેમની કંપનીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે તેઓએ દાયકાઓ જુની કંપની જ છોડી દીધી હતી. તેના ખાસ મિત્રોને પૂછ્યું તો જે વાસ્તવિક્તા જાણવા મળી, તે મારા માટે આશ્ચર્યજનક પણ હતી અને બોધપાઠરૂપ પણ હતી. તે સમયે તો દ્વિધા અને વિચારોની વિટંબણામાં હું અટવાઈ ગયો હતો અને ઘણાં દિવસો સુધી તેના વિચારો કરતો રહ્યો હતો, પરંતુ તે પછી હું જે તારણો પર આવ્યો, તેનો નીચોડ આપની સમક્ષ રજૂ કરૂ છું, કારણ કે આ અનુભવ સૌ કોઈને પથદર્શક બને તેવો છે.
મારા મિત્રની નિષ્ઠા, પ્રામાણિક્તા અને સમયબદ્ધતા કંપનીના અન્ય સાથીદારોને ગમતી નહોતી, તેથી તેઓ કોઈપણ કારણ વગર ઘણાં લોકોના અણમાનીતા બની ગયા હતા, પરંતુ કંપનીના માલિકો આ નિષ્ઠાવાન કર્મચારીનો પૂરેપૂરો ભરોસો અને ઈજ્જત કરતા હતાં અને મેનેજમેન્ટ પણ તેને અનુસરતું હતું તેથી ખટપટિયાઓનું કાંઈ ઉપજતું નહોતું.
એ કંપનીના પાર્ટનરો છૂટા પડ્યા અને જે બે પાર્ટનરોના હાથમાં કંપની આવી, તેમણે મેનેજમેન્ટ બદલ્યું, પરંતુ આ જુના અને કર્મનિષ્ઠ કર્મચારીના કામકાજ કે નિષ્ઠામાં કોઈ ફરક પડ્યો નહીં. નવા મેનેજમેન્ટ સાથે સેટ થવામાં થોડી વાર લાગી, પરંતુ કંપનીના માલિકો આ નિષ્ઠાવાન અને પીઢ કર્મચારીથી પૂરેપૂરા પરિચિત હોવાથી તકવાદી અને પવન પ્રમાણે સઢ ફેરવતા કંપનીના અન્ય કર્મચારીઓની કારી ફાવી નહીં, અને નવા મેનેજમેન્ટની તેમણે કરેલ કાનભંભેરણી ફેઈલ થઈ જતા મનોમન સમસમીને બેસી રહ્યા હતાં.
તે પછી ઘણાં વર્ષ વીતી ગયા. બન્ને પાર્ટનરોની ઉંમર વધી અને તેના કારણે તેના સુપુત્રો કંપનીમાં રસ લેવા લાગ્યા. નવી પેઢી, નવા વિચારો અને નવા આયોજનોમાં જુનું મેનેજમેન્ટ ફીટ બેસતું નહીં હોવાથી નવા યુવાન સૂત્રધારોએ ફરીથી મેનેજમેન્ટ બદલી નાખ્યું અને મોટાભાગનો નવો યુવાન સ્ટાફ નિમ્યો. જુના કર્મચારીઓમાંથી જે બે-ત્રણ કર્મચારીઓ ચાલુ રખાયા, તેમાં આ સૌના માનીતા પીઢ-વયોવૃદ્ધ કર્મચારીનો સમાવેશ થતો હતો. બીજા બે પીઢ સાથીદારો પણ કંપનીની બુનિયાદ જ હતાં.
નવી પેઢીના યુવાન સૂત્રધારો પણ આ ત્રણેય વડીલોની આમાન્ય રાખતા હતાં અને વખતોવખત તેની સલાહ પણ લેતા હતાં. નવી પેઢીના નવા આયોજનો તથા પ્રોજેક્ટોના કારણે કંપની અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરવા લાગી અને થોડા જ વર્ષોમાં પ્રગતિની હરણફાળ ભરીને મલ્ટી પ્રોડક્ટીવ કંપની બની ગઈ, અને તેમાં માલિકો, મેનજમેન્ટ અને સ્ટાફની જહેમત કારણભૂત હતી.
એ પછી તેઓ અચાનક જ દાયકાઓ જુની કંપની છોડીને ચાલ્યા ગયા, અને સંપર્કવિહોણા થઈ ગયા, તે પછી પણ કંપનીના માલિકોએ તેમની અને તેમના પરિવારની તપાસ કરાવી, પરંતુ ક્યાંય સંપર્ક થયો નહીં. તેમણે સ્ટાફ અને મેનેજમેન્ટને આપેલા ફોન નંબરો પણ બંધ થઈ ગયા હતાં, તથા તેઓ જે પૈતૃક ઘરમાં રહેતા હતાં, ત્યાં પણ તાળા હતાં.
દાયકાઓ જુના આ અનુભવી કર્મચારીને કોઈ અન્ય પેઢી કે કંપનીમાં નોકરી મળી ગઈ હશે, તેમ માનીને તેમના મિત્રો તથા સ્ટાફે તપાસ કરાવી, પણ ક્યાંય મળ્યા નહીં, તેથી તેમના ઘર-પરિવાર, સગા-સંબંધીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, પરંતુ દાયકાઓથી કામ કરતા આ બુઝુર્ગના સગા-સંબંધી વિષે કોઈને બહુ જાણકારી જ નહોતી, અને કામથી કામ રાખવાની આ વ્યક્તિનું મિત્રવર્તુળ તો હતું જ નહી, અને તેઓ બધાના મિત્ર હોવા છતાં જાણે એક અજનબી જ હતા. આમ, થોડા દિવસો તેની તપાસ-શોધખોળ કર્યા પછી બધા તેને ભૂલી જવા લાગ્યા હતાં, પરંતુ મારા બે-ચાર મિત્રો સાથે મારે આ અંગે નિરંતર વાત થતી રહેતી હતી, જેના તેઓ સંપર્કમાં રહેતા હતાં, પરંતુ કંપની છોડ્યા પછી તેઓનો સંપર્ક પણ થઈ શક્યો નહોત.
શરૂઆતમાં થોડા દિવસો સુધી કાંઈક અજુગતું બની ગયું હશે, તે કર્મચારીના અલગ-અલગ શહેરોમાં રહેતા સંતાનો પૈકી કોઈને ત્યાં ચાલ્યા ગયા હશે, તેવી આશંકાઓ અને અટકળો ચાલી, તો કેટલાક વિઘ્નસંતોષીઓએ કુશંકાઓ પણ કરી, પરંતુ થોડા સમયમાં બધુ વિસરાઈ જવા લાગ્યું, અને તેના વિષે કોઈ બહુ જાણતું નહીં હોવાથી તેની શોધખોળ કરવાનું પણ વિસરાઈ ગયું, પરંતુ તેના 'ગાયબ' થઈ જવાનું કારણ રહસ્ય જ રહી ગયું!
બે-ત્રણ વર્ષ વીતી ગયા પછી મારા એ મિત્ર ગૌરવભેર પ્રગટ થયા. તેનું બંધ પડેલું ઘર ખુલ્યું અને તેમાં સાફસુફી અને રંગરોગાન થયા. દિવાળીના તહેવારોમાં એ બુઝર્ગ દંપતી ઘરમાં રિનોવેશન કરતું દેખાયું, ત્યારે અડોશી-પડોશીઓએ તેની સાથે વાતચીત કરી, ત્યારે ખબર પડી કે બે-ત્રણ વર્ષમાં દૂરના એક શહેરમાં જઈને આ અનુભવી વ્યક્તિએ પોતાની એક નાની કંપની ખોલી હતી, અને તેમાં તેનો એક પુત્ર પણ જોડાયો હતો. તેને ત્યાં નાનકડો સ્ટાફ કામ કરતો હતો, અને પોતે દાયકાઓની નોકરી કર્યા પછી ભલે, નાની સરખી, પોતાની કંપનીના માલિક બની ગયા હતાં.
હું અને મારા બે-ત્રણ મિત્રોને ખબર પડતા જ તેને મળવા ગયા. તેમણે ઘણાં જ ઉમળકાથી અમને આવકાર્યા અને ભેટી પડ્યા. તેમની આંખમાં અશ્રુ હતાં, અને એટલા ભાવકુ થઈ ગયા હતાં કે તત્કાળ કાંઈ બોલી પણ શક્યા નહીં.
અમે પણ સમય પારખીને બહું કાંઈ પૂછ્યું નહીં, બધાની તબિયત કેવી છે અને પરિવારજનો મજામાં છે ને? તે પ્રકારની વાતચીત કરીને અને ચાપાણી પીને અમે પરત આવ્યા. અમને જુના મિત્રો સહસલામત અને સુખી-સંપન્ન થઈને મળ્યા, તેનો આનંદ હતો, પરંતુ મનમાં અનેક પ્રશ્નો પણ ઊઠી રહ્યા હતાં, જેનો જવાબ કદાચ મારા એ બુઝુર્ગ મિત્ર પાસે જ હતો !
થોડા દિવસો પછી દિવાળી આવી, અને અમે તે મિત્રને મળવા તેમના ઘરે ગયા. તેમના ઘરે પહેલીવાર અમે આખા પરિવાર જોયો. એક દીકરો તો એમની સાથે જ આવ્યો જ હતો. બીજો દીકરો અને વહુ વિદેશથી આવ્યા હતાં તથા દીકરી અને જમાઈ પણ હતાં. આ તમામ દંપતીઓના બાળકો પણ આનંદ-કિલ્લોલ કરતા કરતા ઘરના ફળિયામાં રમી રહ્યા હતાં.
અમને ઉત્કંઠા તો બહું થતી હતી કે તેમને અચાનક અદૃશ્ય થઈ જવાનું કારણ પૂછીએ, પરંતુ દીપોત્સવી જેવા પર્વે નૂતન વર્ષે અભિનંદનની આપ-લે થતી હતી અને આખો પરિવાર ખુશહાલ હતો, તેથી અમારી એ દુઃખભર્યા રહસ્યમય પોપડાં ઉખેડવાની હિંમત જ ચાલી નહીં. અમને તેઓએ ખૂબ જ ઉમળકાભેર મીઠાઈ ખવડાવી અને દ્વારકાધીશની છબિઓ પણ ભેટમાં આપી. અમે અમારા ં ઊઠતા પ્રશ્નો મનમાં જ દબાવી દઈને ફરી એક વખત પાછા ફર્યા.
તે પછી અમે આઠ દિવસે ત્યાં ગયા, તો ત્યાં ફરીથી ઘર બંધ હતું. અડોશી-પડોશીઓએ કહ્યું કે આખો પરિવાર આઠ દિવસ રોકાયો અને પછી બધા દિવાળીનું વેકેશન પૂરૃં થનાર હોવાથી પોતપોતાના નવા સ્થળે પરત ફર્યા હતાં, અને ફોરેન રહેતું દંપતી 'ભારતદર્શન' કરવા ટૂરમાં ગયું હતું. પડોશીઓને પણ આશ્ચર્ય થતું હતું કે દાયકાઓથી જ્યાં રહેતા હતાં તે ઘર અને જ્યાં કામ કરતા હતાં, તે કંપની છોડીને જવાનું તેમનું કારણ શું હશે?
અંતે, ઘણાં મહિના પછી અમારો ઈન્તેજાર ખત્મ થઈ ગયો. એક વખત જ્યારે તેઓનો ફોન આવ્યો, ત્યારે નવા ફોનનંબર હોવાથી નામ તો ડિસ્પ્લે થયું નહીં, પરંતુ તેના અવાજ પરથી હું તેમને ઓળખી ગયો. તેમણે કહ્યું કે તેઓ બે દિવસ માટે આવ્યા છે, અને મને મળવા આવી રહ્યા છે. મારી ખુશીનો પાર રહ્યો નહીં, તો મારો પરિવાર પણ ખુશ થઈ રાહ જોવા લાગ્યો.
એ મારા મિત્ર જ્યારે મારા ઘરે આવ્યા, અને જે ભાવુક દૃશ્યો સર્જાયા, તેને શબદોમાં તો વર્ણવી શકાય તેમ નથી, પરંતુ પછી તેઓ બે-ત્રણ કલાક મારે ત્યાં રોકાયા અને દિલ ખોલીને વાતો કરી, ત્યારે મને ખબર પડી કે તેઓએ અચાનક કંપની અને ગામ કેમ છોડી દીધા હતાં...
તેમના એ નિર્ણયોનું કોઈ એક કારણ નહોતું, પરંતુ ઘણાં કારણો હતાં. તે પૈકી મુખ્ય કારણોમાં બે-ત્રણ મુખ્ય મુદ્દાઓ હતાં, જે કદાચ સૌ કોઈ માટે બોધપાઠરૂપ અને મથદર્શક ગણી શકાય. તેમણે જ્યારે દિલ ખોલીને વાતો કરી ત્યારે તેમણે કંપની, પરિવાર અને સમાજને સંબંધિત ઘણી બધી વાતો કરી, અને તેમાં જ તેમના થોડા વર્ષો ગાયબ થઈ જવાના કારણો છૂપાવેલા હતાં.
કંપનીમાં તેમણે ઉત્તરોત્તર બદલતા રહેતા માલિકો, મેનેજમેન્ટ અને ક્લીગ સાથેના ઘણાં અનુભવો વર્ણવ્યા. તેઓ પોતે કામથી કામ રાખતા અને કોઈની ઈર્ષ્યા-અદેખાઈ કરતા નહોતાં, પરંતુ તેનો જ ફાયદો કેવી રીતે ઊઠાવાતો રહ્યો અને પોતાનું શોષણ કેવી રીતે થતું રહ્યું, તેની વ્યથા તેમણે સીલસીલાબંધ વર્ણવી. અહીં તેના બે-ત્રણ વર્ષ ગાયબ થવાના અન્ય પારિવારિક કારણો રજૂ કરી શકાયા નથી, પરંતુ તેમણે વર્ણવેલી વ્યથા-કથાઓ ઘણી લાંબી હતી અને તે પૈકીના કંપનીને સંબંધિત તેમના દાયકાઓના અનુભવોનો નીચોડ એવો હતો કે જેની સાથે નોકરી કરી, તે કંપનીના મૂળ માલિકો-પાર્ટનરો તથા મેનજમેન્ટની હૂંફ તેઓને પહેલેથી મળી હતી, અને યુવાપેઢી સુધી તેનો આદર જળવાયો હતો અને સન્માનપૂર્વક તેમણે પણ દાયકાઓ સુધી ફરજો બજાવી હતી. તેમને કોઈ સાથે ક્યારેય વ્યક્તિગત વાંધો પડ્યો નહોતો, પરંતુ વયોવૃદ્ધ થયેલા માલિકો માન-સન્માન અને પરિવારભાવનાથી તેમની સાથે વર્તન કરતા હતાં, અને તેમાં અંતરની લાગણીઓ તથા સ્નેહ હતાં, અને તે પછીની ઉત્તરોત્તર યુવા જનરેશને પણ વર્તન-વિવેક તો જાળવી રાખી હતી, પરંતુ સ્નેહ અને લાગણીઓ ધીમે ધીમે ગાયબ થઈ ગઈ હતી, અને જે લાગણીઓના તાંતણે જ મારા મિત્રએ એ કંપનીને વળગી રહ્યા હતાં, તે તૂટી જતા તેમણે નોકરી છોડવાનો કઠણ નિર્ણય મને-કમને લીધો હતો.
તેમની અનુભવકથામાંથી મને પણ મેનેજમેન્ટ ફૂંડાની કેટલીક ટિપ્પસ મળી હતી, જે હું આપની સાથે શેર કરૂ છું.
જો કંપની, પેઢી, કચેરી કે સંસ્થામાં કોઈ ખૂબ જ નિયમિત, પ્રામાણિક, નિષ્ઠાવાન, મહેનતુ અને વફાદાર ક્લીગ હોય, તો તેનું માન-સન્માન જાળવવું અને તેની કદર કરવી, એ તો મેનેજમેન્ટનો એક મહત્ત્વપૂર્ણ ફૂંડા છે, પરંતુ તેના આ ગુણવધર્મોનું દોહન કરીને તેની હકારાત્મક વફાદારીનો ફાયદો ઊઠાવવો એ મુર્ખામી છે. આવું કરવાથી ઘણી વખત મારા એ મિત્ર જેવા સંનિષ્ઠ કર્મચારીને ગુમાવવાનો વારો આવી શકે છે.
જો કોઈ કર્મચારી કે ક્લીગ આળસુ મનોવૃત્તિ ધરાવતો હોય, તો તેનું કામ મહેનતુ અને નિષ્ઠાવાન કર્મચારી પાસે કરાવતા રહેવું, અને કોઈપણ રીતે પેઢી, કંપની કે સંસ્થાનું કામ અટકવા નહીં દેવું, એવો મેનેજમેન્ટ ફૂંડા શીખવવામાં આવતો હોય, તો પણ તે યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી કામ અટકશે નહીં, ચાલતું રહેશે, પરંતુ ઝડપભેર પ્રગતિ નહીં જ કરી શકે, તેથી આળસને ઉત્તેજન આપવું અને મહેનતનું દોહન કરવું અને મેનેજમેન્ટ સ્કીલ નહીં, પણ મેનેજમેન્ટની ખામી જ ગણવી પડે, ખરૃં ને?
કોઈ આળસુ ક્લીગ હોય, તો તેને 'એક્ટિવ' કરવો પડે અને તેને એક્ટિવ કરવાના અનેક પ્રયાસો પછી પણ એક્ટિવ ન થાય, તો તેને રૂખસદ આપવી પડે, પરંતુ એ આળસુ મનોવૃત્તિને ચલાવી લઈને તેનો ઢસરડો નિષ્ઠાવાન અને મહેનતુ કર્મચારી પાસે કરાવી લેવું, એ પગ પર કૂહાડો મારવા જેવું ગણાય.
મહેનતુ, નિષ્ઠાવાન, વફાદાર અને પ્રામાણિક ક્લીગ કદાચ મસ્કા નહીં મારે, મીઠું મીઠું બોલીને ચાપલુસી નહીં કરે, પોતે બહુ કામ કરે છે તેવા ગાણા નહીં ગાય અને ક્યારેક તે પોતાનો અભિપ્રાય આપે, તે ગળે ન ઉતરે, તો પણ તેમાં અંતત્યો ગત્થા કંપની, પેઢી કે સંસ્થાનું જ હિત સમાયેલું હશે, તેથી સોનું અને પિત્તળની પરખ કરીને બન્નેનો યોગ્ય ઢબે ઉપયોગ કરવાથી જ સફળ સંચાલન શક્ય બને છે, અન્યથા મિસમેનેજમેન્ટના ફળો ભોગવવા તૈયાર જ રહેવું પડે.
કદર નાણા-ગિફ્ટ કે જાહેરમાં સન્માન કરીને જ થાય એવું માની શકાય નહીં, પરંતુ તેની સાથે સાથે હૃદયનો ઉમળકો હોવો જરૂરી હોય છે. ઘણાં લોકો માટે ગિફ્ટ કે પુરસ્કાર ગૌણ કે વજર્ય હોય છે, પરંતુ જ્યારે તેના સ્વમાનને ઠેંસ પહોંચે કે તેનું 'દોહન' થઈ રહ્યું હોવાની અનુભૂતિ થાય, ત્યારે મારા મિત્રની જેમ પોતાની કંપની ઊભી કરી શકે તેવી તાકાત અને કૌશલ્ય ધરાવતા કલીગને ગુમાવવાનો વારો પણ આવી શકે છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial