Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વમાં આતંકવાદીઓ, અસામાજિક પરિબળો અને કેટલાક દેશો પર અસંતુષ્ટોનો પ્રભાવ ચિંતાજનક

અફઘાનિસ્તાનમાં તાલીબાનો, બાંગ્લાદેશમાં અસંતુષ્ટો અને હવે સીરિયા પર આતંકીઓનો કબજો!

વિશ્વમાં અત્યારે યુદ્ધો અને અશાંતિનો માહોલ છે અને કેટલાક દેશોમાં અરાજક્તા, અનિશ્ચિતતા અને અંધાધૂંધી ફેલાયેલ છે. આ સ્થિતિમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો પણ થઈ રાહ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા લોકતાંત્રિક પદ્ધતિથી ચૂંટાયેલી સરકરો ધરાવતા દેશો પર હવે અનુક્રમે અસંતુષ્ટો તથા આતંકવાદીઓનું પ્રભુત્વ ધરાવતી સરકાર અથવા વચગાળાની સરકાર સ્થપાતા વિશ્વની ચિંતા વધી છે. હવે સીરિયામાં અસદ સરકારનું પતન થયા પછી ત્યાં ઉગ્રવાદી અને આતંકવાદી પરિબળોએ શાસન સંભાળ્યા પછી ભય, અનિશ્ચિતતા અને અરાજક્તાનો માહોલ છવાયો છે અને દમન થઈ રહ્યું છે, તેથી વિશ્વમાં ઉત્પન્ન થયેલ આ સ્થિતિ ચિંતાજનક છે, અને વિશ્વની શક્તિશાળી સત્તાઓ વચ્ચે તનાવ વધ્યા પછી હવે અન્ય દેશોએ પણ ચેતવા જેવું છે. ઈઝરાયેલે સીરિયા પર કરેલા નવા હુમલાઓ પણ ચર્ચામાં છે.

અસદ સરકારને

રૂખસદઃ જવાબદાર કોણ?

સીરિયામાં અસદ સરકારના પતન પછી આઈએસઆઈએસની વિચારધારા ધરાવતા આતંકવાદી સંગઠને સત્તા ઝુંટવી લીધી તેના કારણ સમગ્ર વિશ્વ પર તો ખતરો વધ્યો જ છે, પરંતુ ભારતની આતંકવાદ વિરોધી ઝુંબેશને પણ ફટકો પડ્યો છે, કારણ કે અસદ આઈએસઆઈએસ સહિતના આતંકવાદી સંગઠનોની વિરૂદ્ધમાં તો હતાં, જ પરંતુ ભારત વિરોધી અન્ય આતંકી સંગઠનોને પણ ધિક્કારતા રહ્યા હતાં. ભારતના પીએમ મોદી અને અસદ વચ્ચે મિત્રતા હતી.

હવે સીરિયાના રાષ્ટ્રપતિએ રશિયામાં શરણ લીધા પછી સવાલ એ ઊઠી રહ્યો છે કે સીરિયાના શાસનમાં જ અસદ સરકારને રૂખસદ આપવા પાછળ કોને જવબદાર ગણવા? રશિયા આ સ્થિતિ માટે જવાબદાર છે? આ સ્થિતિ સર્જવા પાછળ ક્યાંક અમેરિકાનો હાથ તો નથી ને? રશિયા અને અમેરિકા બન્નેને સીરિયા પર કોઈપણ આતંકી જુથનો કબજો રહે, તે મંજુર પણ નથી, પરંતુ આ પ્રકારની પ્રવાહી સ્થિતિમાં એકાદ ખોટો નિર્ણય પણ ભારે પડી જાય તેમ હોવાથી સંબંધિત તમામ દેશો ફૂંકી ફૂંકીને કદમ ઊઠાવી રહ્યા છે. હવે સીરિયાની વચગાળાની સરકારના અભિગમ પર સૌની નજર મંડાયેલી છે.

શેરબજારો પર પણ અસર

અસદ સરકારના પતનની સીધી અસરો વૈશ્વિક શેરબજારો પર પણ પડી હતી અને મધ્યપૂર્વમાં અશાંતિના કારણે શેરબજારમાં પણ સતર્કતાનો માહોલ જોવા મળ્યો હતો, અને ઈન્વર્ટરોની અનિશ્ચિતતા વચ્ચે શેરબજારમાં ગત્ અઠવાડિયામાં વેચવાલી પણ વધી ગઈ હતી. સાઉદ્દી અરેબિયાએ ક્રૂડના ભાવ ઘટાડ્યા પછી પણ માર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો, અને વૈશ્વિક ધોરણે ક્રૂડના ભાવો ઊંચકાય હતાં. આ ઉપરાંત સોનાનો ભાવ પણ ૭૯ હજારની સપાટીને વટાવી ગયો હતો. હવે ક્રૂડના ભાવોમાં આ તેજી જોવા મળી રહી છે. આમ, વૈશ્વિક પ્રવાહોની સીધી અસરો આર્થિક અને નાણાકીય ક્ષમતાઓ પર પણ પડી હતી.

સીરિયાઃ રશિયા અને

અમેરિકા વચ્ચે ફૂટબોલ!

વર્ષોથી સીરિયા રશિયા અને અમેરિકા વચ્ચે ફૂટબોલની સ્થિતિમાં રહ્યું છે. અલ-અસદ પરિવારે સીરિયાના શાસકો તરીકે પ૪ વર્ષ કામ કર્યું છે, અને હવે અસદને રશિયા ભાગી જવું પડ્યું છે. થોડા મહિનાઓ પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ દેશ છોડીને ભાગવું પડ્યું હતું. અફઘાનિસ્તાનના તાલીબાનો સામે લડત આપી રહેલા ત્યાંના રાષ્ટ્રપતિ પણ ઓચિંતા વિમાનમાં ધન-સંપત્તિ ભરીને ભાગી છૂટ્યા હતાં. થોડા દાયકાઓ પહેલા સદામ હુશેન પણ સત્તાપલટા પછી છૂપાઈ ગયા હતાં, જેને શોધી કાઢીને વૈશ્વિક મહાસત્તા દ્વારા કાનૂની પ્રક્રિયા આદરી હતી અને સદામ હુસેનને ફાંસીએ ચડાવાયા હતાં.

સીરિયામાં કોની બોલબાલા?

સીરિયામાં અત્યારે હયાત તહરિર અલ શામ એટલે કે એચટીએસ નામના સંગઠનના સર્વોચ્ચ કમાન્ડર અહેમદ અલ શારાની બોલબાલા છે, જેને અબુ મોહમ્મદ અલ-જુલાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શખ્સે રશિયા અને ઈરાનને પણ ઝટકો લાગે, તેવું પરાક્રમ કર્યું છે, જેથી ઈરાન અને રશિયાના સત્તાધિશો તમતમી ઊઠ્યા છે. એવું કહેવાય છે કે અબુ મોહમ્મદ અલ-જુલાનીને અમેરિકાનું પીઠબળ હતું અને તખ્તાપલટ પાછળ અમેરિકાનો દોરીસંચાર હતો. વૈશ્વિક દૃષ્ટિકોણથી અસદના પતન પછી આતંકી વિચારધારાને બળ મળતા ભારત સહિતના તમામ પડોશી દેશોને પણ વિપરીત અસર થઈ શકે છે, જેમાંથી પાકિસ્તાન પણ બાકાત નથી.

બાંગ્લાદેશ-ભારતના સંબંધો

બીજી તરફ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જ હાલની ત્યાંની વચગાળાની સરકારના વલણના કારણે વણસેલા સંબંધોને ઠીક કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તે દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોનો વિરોધ જમીયત-એ-ઉલ્લમાના અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ મૌલાના મહેમુદ અસદ મદનીએ પણ કર્યો છે. એક તરફ દેશમાં ઠેર-ઠેર બાંગ્લાદેશની વચગાળાની સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, તો બીજી તરફ દેશના મૌલાનાઓ અને કેટલાક મુસ્લિમ નેતાઓએ પણ બાંગ્લાદેશને 'માપ'માં રહેવાનું ધા પછી બાંગ્લાદેશની રખેવાળ સરકાર ભારત સામેના સંબંધો પૂર્વવત ન કરે, તો પણ કુણુ વલણ દાખવશે અને વ્યવહારૂ અભિગમ દાખવશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આમ પણ ભારત સાથે સંબંધો બગાડવા એ બાંગ્લાદેશ માટે પગ પર કૂહાડો મારવા જેવા સિદ્ધ થઈ શકે છે. સીરિયામાંથે કેટલાક ભારતીયોને બચાવી લેવાયા હોવાના અહેવાલો છે.

પુતિન-રાજનાથસિંહ વચ્ચે વાટાઘાટો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ વચ્ચે થયેલી મુલાકાત તથા વાટાઘાટોની ભારતીય અને વૈશ્વિક મીડિયામાં વ્યાપક ચર્ચા થઈ રહી છે, અને જુદા જુદા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે.

પુતિન સાથેની મુલાકાત દરમિયાન રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત અને રશિયાની મિત્રતા આકાશ અને પાતાળ સુધી વ્યાપેલી છે, એટલે કે પર્વતથી પણ ઊંચી અને મહાસાગરથી પણ ઊંડી છે. ભારત હંમેશાં રશિયન મિત્રોની પડખે ઊભું રહેશે વિગેરે...

રશિયામાં ભારતના રક્ષામંત્રીની આ મુલાકાત દરમિયાન કેટલાક કરારો થયા અને શસ્ત્રોની ખરીદી અંગે પણ નિર્ણયો લેવાયા હશે. આ મુલાકાત અને વાટાઘાટો પછી અમેરિકાનો પ્રત્યાઘાત કેવો હશે, તે અંગે પણ અટકળો થઈ રહી છે, અને ટ્રમ્પની નવી નીતિઓ કેવી હશે, તેના અનુમાનો પણ થઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh