Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દક્ષિણ કોરિયામાં સત્તાપરિવર્તન તથા કાર્યવાહક સરકારને અમેરિકાએ આપેલી પ્રતિક્રિયા તથા બંધારણના મુદ્દે ભારતમાં ચાલી રહેલી ચર્ચાના આંતરરાષ્ટ્રીય પ્રત્યાઘાતો વચ્ચે ભૂતકાળમાં જેની મહત્તમ આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરાય છે, તે નોસ્ટ્રેડમસને જ સાંકળીને વર્ષ-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી સ્વયં હટી જશે, તેવી સોશ્યલ મીડિયામાં કોમેન્ટો શરૂ થઈ છે, અને તેને નકારતી કોમેન્ટોનો પણ પ્રવાહ વધી રહ્યો છે, તો બીજી તરફ 'વન નેશન, વન ઈલેક્શન' બિલ અંગે મોદી સરકારે લીધેલા યૂ-ટર્નના પડઘા પણ રાષ્ટ્રવ્યાપી બન્યા છે.
વધી રહેલી ઠંડી અને હિમવર્ષા વચ્ચે પણ દેશમાં રાજકીય ગરમી વધી રહી છે., અને ફરીથી ઈવીએમની ચર્ચાએ જોર પકડ્યું છે. સમાજવાદી નેતા અખિલેશ યાદવે તો (કેન્દ્રમાં સત્તામા આવે તો) ઈવીએમને હટાવીને બેલેટ પેપરથી જ ચૂંટણી કરાવશે, તેવી જાહેરાત કર્યા પછી આ ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
હકીકતમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈવીએમનો વાંક કાઢતા રાજકીય પક્ષોને ટકોર કરતા કહ્યું હતું કે, ઈવીએમથી જ કેટલાક સ્થળે વિજય મેળવ્યા પછી જ્યાં હાર્યા હોઈએ, ત્યાં ઈવીએમને દોષ દેવો એ યોગ્ય નથી, રાજકીયપક્ષો આ પ્રકારના બેવડા વલણો રાખવાના બદલે પોતાની હાર માટે મંથન કરવું જોઈએ, વગેરે...
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ સાચી વાત હંમેશાં સ્વીકારે છે અને આ પહેલા પણ કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ કે લોકહિતમાં ઊઠાવેલા કેટલાક કદમને પાર્ટીલાઈન તથા રાજનીતિથી ઉપર ઊઠીને સમર્થન આપ્યું છે.
બીજી તરફ અખિલેશ યાદવે બેલેટ પેપરની આડમાં ઈન્ડિયા ગઠબંધન પર નેતૃત્વનો દાવો કરી દીધો હોવાના અભિપ્રાયો પણ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા તૃણમુલ કોંગ્રેસે પણ ઈન્ડિયા ગઠબંધન પર નેતૃત્વનો દાવો કર્યો હતો. કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ અન્ય કોઈને સોંપી દેવું જોઈએ, તે પ્રકારની કોંગી નેતા મણિશંકર ઐયરનો સાંકેતિક ટકોર તથા તેના નિવેદનની પણ રાષ્ટ્રવ્યાપી ચર્ચા થઈ રહી છે, અને આ તમામ ઘટનાક્રમો પાછળ ભાજપનો હાથ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે!
પહેલા એવું જાહેર થયું હતું કે મોદી સરકાર સોમવારે (આજે) સંસદમાં વન નેશન, વન ઈલેક્શન બિલ પ્રસ્તુત કરશે, પરંતુ પછીથી આ બિલ સંસદની કાર્યસૂચિમાંથી હટાવી દેવાયું, તે પછી સરકારે આ પ્રકારનો યુ-ટર્ન શા માટે લીધો હશે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. એક અભિપ્રાય એવો છે કે સરકારે આ બિલ લાવવામાં મોડી પડી છે, અને અગ્રતાક્રમે નાણાબિલો મૂકવા પડે તેમ હોવાથી લાંબી ચર્ચા માગી લેતું વન નેશન, વન ઈલેક્શનનું બિલ હાલતૂરત રજૂ નહીં કરવાનો નિર્ણય લેવાયો હશે. બીજી અટકળ એવી પણ છે કે સરકાર હજુ પણ શિયાળુ સત્રમાં જ પૂરવણી બિલ તરીકે પૂરક લિસ્ટીંગમાં નાંખીને ર૦ મી ડિસેમ્બર પહેલા રજૂ પણ કરી શકે છે.
જો કે, વિપક્ષી વર્તુળો તથા કેટલાક સંસદીય બાબતોના વિશ્લેષકોના મંતવ્યો મુજબ સરકારે કાચુ કાપવાના બદલે પૂરતું ફ્લોરમેનેજમેન્ટ કરીને જ આ બિલ અ હટાવીને અચાનક છેલ્લી ઘડીએ રજૂ કરી દેવાની સ્ટ્રેટેજી (રણનીતિ) અપનાવી હશે, એક તરફ આ પરકારની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ એવી જોરદાર અટકળો પણ થઈ રહી છે કે, આ મુદ્દે નીતિશકુમાર તો કેન્દ્રના સમર્થનમાં છે, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ આડા ફાટ્યા છે, અને નવા સિમાંકનમાં દક્ષિણ ભારત કરતા ઉત્તર ભારતના રાજ્યોને વધુ ફાયદો થશે, તેવા પ્રશ્નો પણ ઊભા કરી રહ્યા છે, તેથી જ કદાચ મોદી સરકારે આ યૂ-ટર્ન લીધો હશે, જે હોય તે ખરૂ, પરંતુ લોકસભામાં ભાજપ પૂર્ણ બહુમતીમાં નહીં હોવાથી એનડીએની વર્તમાન સરકાર પહેલાની જેમ મજબૂતીથી નિર્ણય લઈ શકતી નથી અથવા તો એક વખત નિર્ણય લીધા પછી પહેલાની જેમ મક્કમ રહી શકતી નથી... સમય સમય બલવાન હૈ...!!
ઈવીએમની ચર્ચા વચ્ચે એવો સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે કે, આગામી પંચાયતો-પાલિકાઓની ચૂંટણીઓમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ થશે ખરો? આ પ્રકારના સમાચારો વાયુવેગે ફેલાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર કે રાજ્યનું ચૂંટણી પંચ આ મુદ્દે સ્પષ્ટતા કરે, તે પણ જરૂરી ગણાય, ખરૃં ને?
દેશમાં ઠેર-ઠેર ચાલી રહેલા નેશનલ હાઈ-વે, કોસ્ટલ હાઈ-વે તથા ઓવરબ્રીજની હારમાળાના કામોમાં અસહ્ય વિલંબ થવાથી તેની આડઅસરો પણ અસહ્ય ઢબે ઊભી થઈ રહી છે, અને કેટલાક અધુરા કામોમાં નિર્માણ થઈ રહેલા માર્ગોનો જોખમી ઉપયોગ પણ થઈ રહ્યો હોવાની વાતો વહેતી થતા જામનગરમાં તો એવી ટકોર પણ થઈ રહી છે કે અધુરા અથવા નિર્માણાધિન કે રિપેર થઈ રહેલા સંકુલોમાં જો લગ્નમંડપ ઊભા થઈ જતા હોય, તો નિર્માણાધિન માર્ગોનો 'ઉપયોગ' થઈ જાય, તો તેમાં નવાઈ શેની?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial