Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા સહિત રાજ્યમાં પ્રદૂષિત ભૂગર્ભજળ... વધતા ફ્લોરાઈડની સમસ્યા... જનપ્રતિનિધિઓ જાગે...

અત્યારે મોસમ બદલી રહી છે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરી રહ્યો છે. આ મોસમને અનુરૂપ શિયાળુ સત્રમાં સંસદ  ગૂંજી રહી છે અને બંધારણ પર બન્ને ગૃહોમાં ચર્ચા થયા પછી આ મુદ્દે હવે મીડિયામાં પણ રસપ્રદ તથા માહિતીપ્રદ ચર્ચાઓ  સંભળાઈ રહી છે, તો સોશ્યલ મીડિયાના માઈધ્યમથી પણ અવનવી કોમેન્ટો થઈ રહી છે,જે આપણી લોકતાંત્રિક  અભિવ્યક્તિ તથા રાષ્ટ્રીય પ્રવાહો પ્રત્યે લોકોની વધી રહેલી જાગૃતિ દર્શાવે છે. કેન્દ્ર સરકારે રહી રહીને અંતે 'વન લેશન- વન ઈલેક્શન' બિલ રજૂ પણ કરી દીધું અને જેપીસી-સ્થાયી કમિટીને મોકલવાનો પ્રસ્તાવ પણ કરી દીધો.

એવું કહેવાય છે કે આ બિલને લઈને ઈન્ડિયા ગઠબંધનના મોટાભાગના પક્ષો તો વિરોધમાં છે જ, પરંતુ એનડીએના  કેટલાક ઘટક દળો પણ પૂરેપૂરા સહમત નથી, અને તેથી જ વોટીંગના માધ્યમથી સરકારે સાદી બહુમતીથી ગૃહની સહમતિ  મેળવી લીધી, પરંતુ પછી આ બિલ જેપીસીમાં મોકલીને વચલો રસ્તો પણ અખત્યાર કરી લીધો, જેથી એ કહેવત યાદ  આવી જાય કે 'સાપ મરે નહીં અને લાઠી (લાકડી) તૂટે નહીં!!'

રાજકીય મુદ્દાઓ અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી રાજ્યસભામાં કેટલાક જનલક્ષી મુદ્દાઓ,  સમસ્યાઓ તથા તદ્વિષયક સૂચનો પણ રજૂ થયા હતાં અને સરકારીતંત્રો દ્વારા તૈયાર કરેલી વાસ્તવિક્તાઓ પણ ગૃહમાં  વિસ્તારપૂર્વક રજૂ થઈ હતી, અને તેના પર પ્રશ્નોત્તરીઓ પણ થઈ હતી. આ પ્રત્યેક નાગરિકોને સ્પર્શતી ચર્ચાઓની નોંધ  ભલે ઓછી લેવાતી હોય કે તેની મીડિયા-સોશ્યલ મીડિયામાં પણ ઓછી ચર્ચા થતી હોય, પરંતુ તે મુદ્દાઓ જે વિસ્તારોના  હોય, ત્યાંની પબ્લિક તેમાં ઊંડો રસ ધરાવતી હોય છે  અને તેના પ્રતિભાવો તથા પ્રત્યાઘાતો પણ સોશ્યલ મીડિયા તથા  પ્રેસ-મીડિયા, ન્યૂઝ ચેનલોના માધ્યમથી સામે આવતા હોય છે.

આવો જ એક મુદ્દો દ્વારકા સહિતના કેટલાક જિલ્લાઓને સ્પર્શતો રાજ્યસભામાં ગૂંજ્યો હતો. કેન્દ્રિય જળશક્તિ વિભાગ  દ્વારા ગૃહમાં રજૂ થયેલી વાસ્તવિક્તા ચોંકાવનારી હતી અને તેના પર દરેક કક્ષાના ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ સ્થાનિક  કક્ષાએ પણ લક્ષ્ય આપવું જ જોઈએ, ખરૃં કે નહીં?

સેન્ટ્રલ વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યસભામાં ગુજરાતના ભૂગર્ભજળને લઈને જે માહિતી અપાઈ તે ગુજરાતીઓ  માટે તો ચિંતાનજક છે જ, પરંતુ રાજ્યની પાલિકા-મહાપાલિકાઓ, પંચાયતો માટે પણ ધ્યાનાકર્ષક છે. આ રિપોર્ટ મુજબ  ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળપ્રદૂષણની સમસ્યા છે અને તેની ગંભીર અસરો લોકોના સ્વાસ્થ્યને થઈ રહી છે.  તેમાં પણ ભૂગર્ભ જળ પણ હવે એટલું પ્રદૂષિત થઈ ગયું છે કે, પીવાલાયક રહ્યું નથી. રાજ્યના આ જિલ્લામાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યું છે, તો ૩૦ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા દોઢ એમ.જી.થી વધુ નોંધાઈ  હોવાનો ખુલાસો થતા તેના ગુજરાતમાં ચિંતાજનક પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં  આર્યનઘનતા અને ૧ર જિલ્લાઓમાં આર્સેનિકનું પ્રમાણ પણ વધ્યું છે. ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ વધી રહી છે.

આ આંકડાઓ મુજબ ૬૩ર માંથી ૮૮ જળસેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા ચિંતાજનક રીતે વધુ જોવા મળી છે, જ્યારે  કેટલાક જિલ્લાઓમાં માન્યમાત્રા કરતા વધુ ફ્લોરાઈડ જોવા મળતા ત્યાં પણ ધીમે ધીમે જળપ્રદૂષણ ગંભીર સ્વરૂપ ધારણ  કરી શકે તેમ હોવાથી રાજ્ય સરકાર તથા તેના સંબંધિત વિભાગો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ ચેતી જવા  જેવું છે.

આ રિપોર્ટ મુજબ દ્વારકા, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ  ભૂગર્ભજળ દૂષિત થવા લાગ્યું છે, જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી તથા અમરેલીમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનું  પ્રમાણ વધુ જોવા મળ્યું છે. અમરેલી જિલ્લાઓના કેટલાક તાલુકાઓમાં તો ઘણાં દાયકાઓથી ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ  વધુ હોવાથી તે પાણી પીનારા લોકોના અકાળે વૃદ્ધ થઈ જવાની, યુવાવયે દાંત પડી જવા કે વાળ સફેદ થઈ જવાની સમસ્યા  મોજુદ જ હતી, તે હવે વિસ્તરી રહી છે અને તેની વિગતો સરકારી તંત્રે જ સંસદમાં રજૂ કરી હોય ત્યારે તે વધુ ધ્યાન ખેંચે, તે  સ્વાભાવિક છે.

હાલારમાં લાંબા દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં તો ક્ષારોનું પ્રમાણ વધી રહ્યું હોવાની તથા ફળદ્રુપ જમીન ખારી અને  બિનઉપજાઉ બની રહી હોવાની સમસ્યા હતી જ, અને અમરેલી જિલ્લાના લાઠી-લિલિયા પંથકમાં મહત્તમ ફ્લોરાઈડયુક્ત  ભૂગર્ભજળની સામે લોકો ઝઝુમી જ રહ્યા હતાં, અને હવે ભૂગર્ભજળ સમગ્ર રાજ્યમાં દૂષિત થઈ ગયું હોય તો કેવી વિકટ  સ્થિતિ ઊભી થવા જઈ રહી છે, તેની કલ્પના પણ ધ્રુજાવનારી છે.

નર્મદા યોજના અને સરદાર સરોવર ડેમના કારણે પીવાનું પાણી પૂરૃં પાડવાનો વિકલ્પ હોવા છતાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં  તો આજે પણ ભૂગર્ભજળનો જ પીવાના પાણી તરીકે મહત્તમ ઉપયોગ થાય છે, પરંતુ નવા વિસ્તરી રહેલા શહેરી વિસ્તારોમાં  પણ ભૂગર્ભજળનો જ પીવાના પાણી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે બોર-ડંકીનું પાણી પીતા લોકોના સ્વાસ્થ્ય પર પણ  ઘેરી અસરો પડી રહી છે, જે વધુ ચિંતાજનક છે.

જળપ્રદૂષિતના કારણે ચામડીના રોગો, દાંતની સમસ્યાઓ, ખરતા વાળ, પેટમાં ગરબડ, ગેસ, એસીડીટી અને પાચનતંત્ર- સ્ટમક (હોજરી) ને સંબંધિત દર્દો વધી રહ્યા છે અને ગંભીર પ્રકારની બીમારીઓ વધી રહી છે, ત્યારે આ સમસ્યાને લઈને  રાજ્ય સરકાર ક્યા કદમ ઊઠાવી રહી છે, તે ખુદ મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા તથા ભૂગર્ભજળનો વિભાગ સંભાળતા  મંત્રી મહોદયોએ જનતાને જણાવવું જોઈએ, તેમ નથી લાગતું?

દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના કાંઠાળ દરિયાઈ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વધી રહેલા ક્ષારો તથા  ભૂગર્ભજળ પ્રદૂષણનો તત્કાળ સર્વે કરાવીને રાજ્ય સરકાર જરૂરી કદમ ઊઠાવે, તે માટે સ્થાનિક જનપ્રતિનિધિઓ પક્ષાપક્ષી  ભૂલીને એક સૂરે ઉચ્ચકક્ષા સુધી અવાજ ઊઠાવે છે, તે અત્યંત જરૂરી છે, ખરૃં કે નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh