Advertisement
Author: નોબત સમાચાર

કમુરતા આવે એટલે...

કમુરતા આવ્યા એટલે કે લગ્નની મોસમ પૂરી થઈ.. ના ના, લગ્નની મોસમ પૂરી તો નથી થઈ, આ તો તેમાં વચ્ચે એક નાનો બ્રેક આવ્યો છે. ખરેખર તો કમુરતા એ લગ્નની મોસમનો ઉત્તરાર્ધ છે, જેમાં લગ્નની મોસમમાં બાકી રહી ગયેલા કામ પૂરા કરવાના હોય છે.

કમુરતામાં કરવા જેવું સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ તો હોય છે રિસાઈ ગયેલા સગાઓને મનાવવાનું. ઘરે લગ્નનો સરસ મજાનો પ્રસંગ હોય, આપણે તે ભવ્ય રીતે ઉજવ્યો હોય, આપણે આંગણે અસંખ્ય મહેમાન આવ્યા હોય, અને આ સમયે આપણા અંગત સગામાંથી કોઈ રિસાઈ નહીં તો કેવું લાગે ? લગ્ન પ્રસંગે રિસાઈને પણ, ગંભીર મોઢે આપણા પ્રસંગમાં હાજરી આપે કે જેથી આપણો પ્રસંગ પણ શાંતિથી પૂરો થાય તે જ આપણા સાચા સગા.

જે રીતે લગ્ન પ્રસંગ ભવ્ય રીતે ઉજવવો એ આપણો જન્મ સિદ્ધ અધિકાર છે, તે જ રીતે લગ્ન પ્રસંગે જ રીસાવું એ આપણા અંગત સગાઓનો પણ જન્મસિદ્ધ અધિકાર છે. આવા સતત આપણું ધ્યાન રાખતા સગાઓને મનાવી લેવા એ કમુરતામાં કરવા જેવું સૌથી મોટું અને અગત્યનું કામ છે.

તો કમુરતામાં બીજું પણ એક મોટું કામ આપણી સામે મોઢું ફાડીને ઊભું હોય છે... અને તે છે બિલ ચૂકવવાનું. લગ્ન પ્રસંગ વખતે તો આપણે બધી જ વાતમાં, કેટરિંગ હોય કે ડેકોરેશન, ફોટો શૂટ હોય કે મોંઘા કપડા, આવી બધી જ વાતમાં ખર્ચની ચિંતા કર્યા વગર આપણે કહીએ છીએ કે, *ઓકે, ડુ ઈટ..*

અને પછી જ્યારે આ બધી જ વસ્તુના બિલ આવે છે ત્યારે આપણને ખરેખર કમુર્તા આવ્યાનું જ્ઞાન થાય છે... આ મોડા મોડા આવેલા જ્ઞાનની હવે આપણે કશી જ જરૂર નથી.

માનવ સ્વભાવ છે કે તે હંમેશાં શિખામણ આપવા માટે ઉત્સુક રહે છે. અને માનવ સ્વભાવની એ પણ ખાસિયત છે કે શિખામણ બિલકુલ મફત મળતી હોવા છતાં પણ કોઈને લેવી ગમતી નથી. આપણે પણ આપણા આ જ્ઞાનનો લાભ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, એવા લોકોને શિખામણ આપીએ છીએ કે જેમના ઘરે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં લગ્ન પ્રસંગ હોય. પરંતુ આપણી શિખામણ કોઈ માનતું નથી અને આપણાથી સવાયો ખર્ચ કરે છે. અને પછી જ્યારે મોટા મોટા બિલ આવે છે ત્યારે એ પણ આપણી જેમ જ બીજા માણસોને સલાહ આપવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.

જો કે કમુરતામાં મળેલી ફુરસદનો સદુપયોગ પણ થઈ શકે છે -- લગ્ન સમયે થયેલા ખાટા મીઠા અનુભવોને યાદ કરીને.

લગ્ન પ્રસંગે કન્યા વિદાયનો સમય એકદમ કરૂણ હોય છે. વિદાય લેતી કન્યા અને તેના માતા-પિતા ચોધાર આંસુએ રડતા હોય છે, હિબકા ભરતા હોય છે.

આ સમયે કન્યાના માતા-પિતાને દિલાસો આપતા મોટાભાગના વરરાજા કહેતા હોય છે કે, *તમે બિલકુલ ચિંતા ન કરો. હું તમારી દીકરીને જિંદગીભર સુખી રાખીશ.*

હવે તમે યાદ કરો, તમે કદી કોઈ કન્યાને આ રીતે વરરાજાના માતા પિતાને એવું કહેતા સાંભળી છે કે, *તમે બિલકુલ ચિંતા ન કરો. હું તમારા દીકરાને જિંદગીભર સુખી રાખીશ..!*

નથી સાંભળી ને ? મને ખાત્રી છે કે તમે નહીં જ સાંભળી હોય. કારણ કે સ્ત્રીઓ કદી જૂઠું બોલતી નથી..!!

વિદાય વેળાએ : લિપસ્ટિક પણ કેવી ગજબની ચીજ છે. જો હોઠ ઉપર લાગી જાય તો દાંત ખીલી જાય, અને ...

જો શર્ટ ઉપર લાગી જાય તો દાંત હલી જાય...!!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh