Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ અને ફલ્લા રોડ પર બાઈક સાથે બોલેરો ટકરાતા ધુડશીયાના યુવાનનું મોત

ખીમાણી સણોસરા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસ્યું: બેને ઈજાઃ દ્વારકા પાસે અકસ્માતઃ

જામનગર તા.રર : જામનગર તાલુકાના ધુડશીયા ગામના પાટીયા પાસે ગુરૂવારની રાત્રે બાઈક પર રોડ ક્રોસ કરતા ધુડશીયા ગામના એક યુવાનને બોલેરો મોટરે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના આણંદપર ગામ પાસે રોડ પર ઉભા રહી ગયેલા ટ્રક પાછળ બાઈક ટકરાતા ખીમાણી સણોસરાના બે યુવાન ઘવાયા છે. ઉપરાંત દ્વારકાના પાદરે ખોડિયાર ચેક પોસ્ટ પાસે ગઈકાલે મોટર તથા બુલેટ મોટરસાયકલ ટકરાઈ પડતા બાટીશા ગામના બેને ઈજા થઈ છે.

જામનગર તાલુકાના ધુડશીયા ગામના પાટીયા પાસે ગુરૂવારની સાંજે સાતેક વાગ્યે વલ્લભભાઈ ભીખુભાઈ ભંડેરી નામના યુવાન જીજે-૧૦-ડીએફ ૧૯રર નંબરના મોટરસાયકલ પર ખેતરેથી ઘર તરફ જતા હતા. ત્યારે ધુતારપર ગામના રોડ પરથી તેઓએ ક્રોસ કરતા ધુતારપર તરફથી જીજે-૧૦-ટી એકસ ૪૯૩૫ નંબરની બોલેરો ધસી આવી હતી.

આ મોટરના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરી વલ્લભભાઈને હડફેટે લેતા તેના પરથી ફંગોળાયેલા વલ્લભ ભાઈને માથા, ચહેરા તથા હાથ સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી અને જમણો પગ કપાઈ ગયો હતો. આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. મોટરના ચાલક સામે મૃતકના સંબંધી રમેશભાઈ પોપટભાઈ ભંડેરીએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના અનિરૂદ્ધસિંહ રેવતુભા જાડેજા અને મંગળસિંહ રાજપૂત નામના યુવાનો ગઈકાલે સવારે ખીમાણી સરોસરા ગામથી કાલાવડ-રાજકોટ ધોરીમાર્ગ પર આણંદપર ગામ નજીક એક કંપનીમાં નોકરી માટે જીજે-૧૦-એએ ૪૬૭૪ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે આણંદપરમાં જય ખોડિયાર હાર્ડવેર નામની દુકાન પાસે જીજે-૧૦-ટીએક્સ ૫૭૬૭ નંબરનો એક ટ્રક રોડ પર ઉભો રહી જતાં બાઈક તેના ઠાઠામાં ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા મંગળસિંહ તથા પાછળ બેસેલા અનિરૂદ્ધસિંહને ઈજા થઈ છે. અકસ્માત સર્જાતા ટ્રક ચાલક નાસી ગયો છે.

દ્વારકા નજીકની ખોડિયાર ચેકપોસ્ટ પાસે ગઈકાલે બપોરે એક મોટર તથા બુલેટ મોટર સાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાટીશા ગામના બે યુવાન ઘવાયા છે. અકસ્માતની જાણ થતાં ૧૦૮ દોડી આવી હતી. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે દ્વારકા દવાખાને ખસેડવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh