Advertisement
Author: નોબત સમાચાર

પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામસાહેબ મેમોરિયલ યુથ એકસ્ચેઈન્જ પહેલ હેઠળ જામનગરની મુલાકાતે

લાખોટા મ્યુઝીયમ અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યકત કરીઃ ૨૭ ફેબ્રુઆરી સુધી ભારતમાં રોકાશેઃ

જામનગર તા. ૨૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧-૨૨ ઓગસ્ટ ૨૦૨૪ ના  પોલેન્ડની તેમની મુલાકાત દરમિયાન *જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ* નામની એક નવી પહેલની જાહેરાત કરી હતી. જેના ભાગરૂૂપે પોલેન્ડના ૨૦ યુવાનો ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે લોકોના આદાનપ્રદાનને વધારશે. ત્યારે તા.૨૧ ફેબ્રુઆરીના પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા હતા.

પોલેન્ડના યુવાઓએ સવારે લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ જામનગરના ઈતિહાસ અને જામનગરના રાજવીઓ વિષે જાણકારી મેળવી હતી. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામશ્રી દિગ્વિજય-સિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે, પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓએ સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, કાચનાં વાસણ, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, તામ્રપત્ર, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, ઇતિહાસના અવશેષો અને વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર જોઈ ભવન-નિર્માણની વાસ્તુકલાથી પ્રસન્ન થયા હતા.

 ત્યારબાદ તેઓએ બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત દરમિયાન શૌર્યસ્તંભ - શહીદ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાદમાં શૈક્ષણિક બ્લોક, છાત્રાલય તેમજ બાલાચડીના ઐતિહાસક સ્થળની મુલાકાત લીધી હતી. બીજા વિશ્વયુદ્ધથી જ ભારત અને પોલેન્ડ માનવીય સંબંધોથી જોડાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો. તે દરમિયાન યુદ્ધમાં પોલેન્ડના અનેક બાળકો અનાથ થયા હતા. અને કેમ્પમાં રહેવા માટે મજબૂર થયા હતા જ્યારે કેમ્પ ખાલી કરવાની સ્થિતિનું નિર્માણ થયું તે દરમિયાન જામ રાજવીશ્રી દિગ્વિજય-સિંહએ પોતાના ખર્ચે પોલેન્ડના ૮૦૦ જેટલા બાળકોને બાલાચડીમાં આશરો આપ્યો હતો અને વર્ષ ૧૯૪૨ થી ૧૯૪૬ બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું. અને તેમાં તમામ સુવિધાઓ પુરી પાડી હતી. ત્યારથી જ જામનગર અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધો છે. પોલેન્ડના યુવાઓ બાલાચડી ખાતેની તે સમયની તસ્વીરોમાં પોતાના પરિવારજનોને જોઈ ભાવુક થયા હતા.

મારા દાદાજીને જ્યાં આશરો આપવામાં આવ્યો હતો આજે તે જગ્યાની હું સાક્ષી બની છું.: (પોલેન્ડની યુવા મહિલા)

પોલેન્ડની એક યુવા મહિલાએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જામસાહેબશ્રી દિગ્વિજય-સિંહજીએ જે બાળકોને દત્તક લીધા હતા તેમાંથી એક મારા દાદાજી પણ હતા. મારા દાદાજીને જે સ્થળે આશરો આપવામાં આવ્યો હતો આજે તે જગ્યાની હું સાક્ષી બની છું. આ જગ્યા પર મારા દાદાજીએ બાળપણ વિતાવ્યું હતું. મારા દાદાજી મને હંમેશાં કહેતા કે જામનગરના મહારાજાએ અમને જે આશરો અને સુવિધા આપીને જીવ બચાવ્યો તે બદલ હંમેશાં તેઓના આભારી રહેશે.

મારા દાદાજી બાલાચડીને પોતાનું ઘર માનતા (પોલેન્ડથી આવેલા ભાઈ-બહેન)

પોલેન્ડથી આવેલા ભાઈ બહેન જણાવે છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકોને જામરાજવીશ્રી દિગ્વિજય-સિંહજીએ આશરો આપ્યો હતો તેમાંથી એક અમારા દાદાજી હતા. તેઓ હંમેશાં પોતાનું બીજું ઘર બાલાચડીને માનતા. આજે બાલાચડી સૈનિક સ્કૂલમાં અમે તે સમયની તસ્વીરોમાં દાદાજીને જોઈ રહૃાા છીએ. મારા દાદાજીએ જે જગ્યાએ બાળપણ વિતાવ્યું છે અને જે જગ્યાએથી તેઓને નવું જીવન મળ્યું છે આજે અમને બાલાચડી અને આજુબાજુની જગ્યાઓ જોવાની તક મળી છે તે બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh