Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યાઓ રડી પડીઃ રૂ. ૧૫ થી ૪૦ હજારની રકમ બધા પરિવારો પાસેથી ઉઘરાવી હતીઃ ભાવુક દૃશ્યો સર્જાયા
રાજકોટ તા. ૨૨: રાજકોટમાં સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં આયોજક જ ગાયબ થઈ જતા હોબાળો થયો હતો અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં ૨૮ વર-કન્યા અને જાનૈયાઓ રઝળી પડયા હતા. અંતે પોલીસે પહોંચી લગ્નવિધિ સંપન્ન કરવાની જવાબદારી ઉપાડી હતી. આ અંગે આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. જેમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનાં નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ જતા વરરાજાઓ અને કન્યાઓ તેમજ જાનૈયા રઝળી પડ્યા હોવાનો આક્ષેપ લાગ્યા છે.
અનેક પરિવારો લીલા તોરણ સાથે જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. ડીસીપી દ્વારા સૌપ્રથમ આ તમામ લગ્નો સંપન્ન કરાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી અને લગ્નવિધિ શરૂ કરાવવામાં આવી હતી.
૧) સમૂહલગ્ન માટે રૂપિયા ૧૫ થી ૪૦ હજારની ફી વસૂલવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી એડીબી હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે ૨૮ સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. ૧૫થી ૪૦,૦૦૦ ઉઘરાવી લેવામાં આવ્યા હતા.
જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી લગ્નવિધિ શરૂ કરાવી સમૂહલગ્ન સ્થળ પર હોબાળો થતા રાજકોટના એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો કાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલાતોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેઓને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી. એસીપી રાધિકા ભારાઈએ કહ્યું હતું કે, આયોજકો સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. અહીં ૨૮ નવદંપતી લગ્નના તાંતણે બંધાવાના હતા. જો કે, જયારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. કન્યા પક્ષ અને વર પક્ષે આરોપ લગાવ્યો છે કે, અમારી પાસેથી ૧૫-૧૫ હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતાં અને એન.વી. ઈવેન્ટ ગ્રુપ નામથી રસીદ પણ આપવામાં આવી હતી. કેટલાક યુગલો પાસેથી ૪૦ હજાર લીધા હોવાની વાતો પણ વહેતી થઈ હતી.
ડિસેમ્બર-૨૦૨૪માં સમૂહલગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. આયોજકોએ ફોન પણ બંધ કરી દીધો હોઈ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચકકર થઈ ગયા છે. સવારે ૪ થી ૬ ના ગાળામાં ૨૮ જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી. તે પછી અંતે આ સમૂહલગ્ન પોલીસ અને પ્રેસ-મીડિયાની ઉપસ્થિતિમાં સંપન્ન થયા છે.
લૂલા બચાવ માટે સારવારના ફોટા સોશ્યલ મીડિયામાં મુકયા
મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા હોસ્પિટલમાં દાખલઃ નવું નાટક
રાજકોટ સમૂહ લગ્નના આયોજકોની નફ્ફટાઇ તો સામે આવી જ છે પરંતુ એક મોટી નફ્ફટાઈ એવી છે કે મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલા હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે અને ૨૮ યુગલોના લગ્ન અટકાવ્યા હતા અને આયોજકે આ નાટક કર્યુ છે,આયોજક ચંદ્રેશ છાત્રોલાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહૃાો હોય તેવા ફોટો સ્ટેટસમાં મુક્યા હોવાની વાત સામે આવી છે. ફોટો-રિપોર્ટમાં મુકી પોતાનો બચાવ કરવા લાગ્યા હતો પરંતુ મુર્ખામી ભરી વાત એ છે કે લગ્નના આગલા જ દિવસે તમે બીમાર પડી બધા નાટકો કર્યા છે. બીજી તરફ આ સમૂહલગ્નની સામાજિક જવાબદારી માટેની મીડિયાની મહેનત રંગ લાવી છે. મીડિયા, પોલીસ અને આગેવાનોની મદદથી વર-વધૂના સમુહ લગ્ન સંપન્ન થયા છે અને સામાજિક સંસ્થાઓએ કરિયાવરની જવાબદારી ઉઠાવી છે,પરિવારજનોએ તમામનો આભાર માન્યો ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલ સૌ કોઈની આંખમાં હરખના આંસુ આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial