Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પગ પર કૂહાડો માર્યો હોય, તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. શેરબજારો ડગમગવા લાગ્યા છે, અને ડોલરને પણ ફટકો પડવા લાગ્યો છે. વ્યાપારમાં "જેવા સાથે તેવા" નો અભિગમ ચાલે નહીં, કારણ કે, વિવિધ દેશોમાં માંગ, પુરવઠાની ઉપલબ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તથા પરસ્પર દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કરારો, સમજૂતિઓ અને ખાસ કરીને વિવિધ દેશો સાથેના દ્વિપક્ષીય રાજનૈતિક તથા કૂટનૈતિક સંબંધો અને ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન તથા ટ્રાન્ઝેકશન જેવા તમામ પરિબળો પર વ્યાપારિક ગતિવિધિઓનો આધાર રહેતો હોય છે, અને તેમાં ઋતુચક્ર, કુદરતી આફતો અને વૈશ્વિક શાંતિ-અશાંતિ-યુદ્ધો વગેરેની અસર પણ થતી હોય છે. આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ ઘર આંગણે જ ઝટકાઓ લાગે અને આંતરિક અવરોધો ઊભા થાય, તો તેમાં નવાઈ નહીં લાગે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ, શેરબજારો, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રો અને બેન્કીગ ક્ષેત્રોના તજજ્ઞો, વિશ્લેષકો અને બ્યુરોક્રેટ્સના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છ કે, ટ્રમ્પનો ટેરિફ ટેરર અમેરિકાને તો ડુબાડશે જ, પરંતુ આખી દુનિયાને પણ માઠી અસરો પહોંચાડશે. કેટલાક જાણકારો માને છે કે, ટેરિફ નીતિ પછી ભારત-અમેરિકાના સંબંધો બગડશે.
અમેરિકાના મશહૂર અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગ તર્કબદ્ધ પ્રત્યાઘાતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ટ્રમ્પની ટેરિફ પોલિસીથી અમેરિકા મંદીના વમળમાં ફસાઈ શકે છે, અને અર્થતંત્રને ફટકો પડી શકે છે. રોઝનબર્ગે તો ત્યાં સુધી કહ્યું છે કે, ટ્રમ્પની આ પોલિસી માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયાને મહામંદીમાં ધકેલી શકે છે અને આ વૈશ્વિક મંદીની અસરો ઘણી જ ગંભીર હશે.
ટ્રમ્પના કદમની બોમ્બ, ટેરર કે એટેક જેવા ભારેખમ શબ્દપ્રયોગ કરીને જે આલોચના થઈ રહી છે, તેમાંથી વૈશ્વિક પ્રત્યાઘાતોની આક્રોશિત જનભાવનાઓ પ્રગટે છે, અને વિવિધ ક્ષેત્રોમાંથી પણ તીવ્ર નારાજગી સાથેના ઘરઆંગણે ચર્ચાઈ રહેલા પ્રત્યાઘાતો પછી ટ્રમ્પ કદાચ થોડા નરમ પડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.
જો કે, ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી ભારત પર ર૭ ટકા જેવો ટેરિફ લગાવ્યા પછી પણ એટલો મોટો ફટકો નહીં લાગે, જેટલા નુકસાનની કલ્પના કરવામાં આવે છે, તેવું ભારતીય રિઝર્વબેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન સહિતના કેટલાક ફાયનાન્સ એન્ડ બેંન્કીગ સેક્ટરના નિષ્ણાતોનું મંતવ્ય છે.
રઘુરામ રાજને ટ્રમ્પના ટેરિફ એટેકને સેલ્ફ ગોલ ગણાવ્યો છે, જેને ગુજરાતી કહેવત મુજબ પોતાના જ પગ પર કૂહાડો મારવા જેવું કદમ ગણાવી શકાય.
જો કે, ટ્રમ્પે ટેરિફ લગાવ્યા પછી અમેરિકન કસ્ટમર્સને વિપરીત અસરો થતા ડિમાન્ડ ઘટશે અને ટ્રમ્પે ૬૦ દેશો પર નોંધેલા ટેરિફની નેગેટિવ અને પોઝિટિવ અસરોનો સરવાળો-બાદબાકી કરતા એકંદરે ભારતને ઓછી વિપરીત અસર થશે, તેવું રઘુરામ રાજન માને છે.
ભારતની અમેરિકામાં નિકાસ ઓછી થતી હોવાથી આખી ઈન્ડિયન માર્કેટ કે ઈકોનોમીને સીધી અને ગંભીર અસરો થવાની સંભાવના ઓછી છે. અમેરિકાએ ટેરિફ વધારતા ચીન જેવા દેશને પણ ભારતની જરૂરિયાતો મુજબની નવી વ્યાપાર નીતિ અપનાવશે, જેનો ફાયદો પણ ભારતને થઈ શકે છે.
રઘુરામ રાજન માને છે કે, જ્યારે આખી દુનિયા "નેશન ફર્સ્ટ" ની નીતિ અપનાવીને પોતાને "સુરક્ષિત" રાખવાને અગ્રીમતા આપતી હોય, ત્યારે ભારતે પણ ચાલાકીપૂર્વક કામ કરવું જોઈએ. ભારતે યુરોપ, આફ્રિકા અને ચીન સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા ઉપરાંત ચીન સાથે સાવધાનીપૂર્વક અને સમોવડિયા થઈને નવી ફૂડપોલિસી અખત્યાર કરવી જોઈએ.
રઘુરામ રાજન એવું પણ માને છે કે, ભારતે આડોશ-પાડોશના દેશો સાથે સહયોગ વધારીને સંબંધો મજબૂત બનાવવાની જરૂર છે. પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો અને મતભેદોની વિપરીત અસરો વ્યાપાર અને આર્થિક વ્યવહાર પર પડવી ન જોઈએ. ચીને તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પ૪% ટેરિફનો મુદ્દો લઈ જવાનું મન બનાવ્યું છે, તેવા અહેવાલો પછી વૈશ્વિક ટ્રેડ વોર અને સંભવિત મંદીની સંભાવનાઓ વચ્ચે ભારતે "નેશન ફર્સ્ટ" ની નીતિ મુજબ નવા સમીકરણો રચવા પડશે. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન સાંસદોના પ્રત્યાઘાતો પણ નોંધનીય છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તો ટ્રમ્પ પર દગાબાજીનો આરોપ લગાવતા કહ્યું કે, આ કોઈ મિત્ર જેવો વ્યવહાર નથી. ઓસ્ટ્રેલિયાના એકાદ-બે ટાપુ પર તો માનવ વસ્તી જ નથી, ત્યાં લગાવાયેલા રેસિપ્રોેકલ ટેરિફની હાંસી પણ ઉડાવાઈ રહી છે.
ભારતમાં ટ્રમ્પની ટેરિફ નીતિની મિશ્ર અસરો થશે, અને કેટલાક સેક્ટર્સને લાભ પણ થશે, તેવા અભિપ્રાયો અને તેના સંદર્ભે થઈ રહેલી ચર્ચા મુજબ ભારતના જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની પોલિસીથી ગંભીર ફટકો પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છેે, કારણ કે, ભારતમાંથી જ્વેલરી, હીરા, રત્નો, ફાર્મા પ્રોડક્ટસ, ટેલિકોમ્યુનિકેશનના ઉપકરણો, પેટ્રો પ્રોડક્ટસ, ગારમેન્ટસ વિગેરેની નિકાસ થાય છે. બીજી તરફ અમેરિકાએ બીજા દેશો પર લગાવેલા ભારે ટેરિફથી ટેક્સટાઈલ્સ સેક્ટરને ફાયદો થઈ શકશે. જ્યારે કેટલાક સેક્ટરોમાં ટેરિફ નહીં લગાડાતા રાહત પણ થઈ છે. જોઈએ, હવે તબક્કાવાર ટ્રમ્પ ટેરિફના અમલીકરણ પછી શું થાય છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial