Advertisement
Author: નોબત સમાચાર

સમાજ હોય કે પરિવાર... 'સાયલન્ટ' બીમારીઓથી સાવધાન....

આપણે "કોરોના" મહામારીની ભયાનકતા અનુભવી છે. એ મહામારીમાં વાયરસ ઝડપથી ફેલાતો હતો, સ્વરૃપો બદલતો હતો અને તેનું નિદાન થઈ શકતું હતું, પણ સારવાર ઉપલબ્ધ નહોતી. તે પછી વેક્સિન શોધાઈ અને રોગચાળો નિયંત્રણમાં આવ્યો. આ રોગચાળાના લક્ષણો અનુભવી શકાતા હતાં અને તેના આધારે લેબ ચકાસણી કરીને નિદાન થઈ શકતું હતું.

હવે "હેલ્થ ઓફ ધ નેશન-ર૦રપ" નો એક તાજો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં લોકોને "સાયલન્ટ" બીમારી સામે વોર્નિંગ આપવામાં આવી છે. આ "સાયલન્ટ" બીમારીઓમાં  લક્ષણો દેખાતા નથી અને સામાન્ય જિંદગીમાં કોઈ અવરોધ પણ ઊભો થતો નથી, પરંતુ આ બીમારી ગુપચુપ શરીરમાં પ્રવેશીને પોતાનો પ્રભાવ વધારતી જાય છે, જેને સર્વેક્ષણ કરનારા ગ્રુપ ઓફ હોસ્પિટલના તબીબો "સાયલન્ટ એપેડેમિક" તરીકે ઓળખાવી રહ્યાં છે. આ શાંત બીમારીઓની અસરો ઘણી જ ખતરનાક અને જોખમી છે, અને ઝડપથી પ્રસરી રહેલા આ "સાયલન્ટ એપેડેમિક" સામે ઝડપથી ઝઝુમવું અત્યંત જરૃરી ગણાવાયું છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં હાઈ બી.પી., ડાયાબિટીસ, ફેટી લીવર જેવી બીમારીઓથી પીડાતા ઘણાં લોકોને ખબર જ હોતી નથી કે તેઓના શરીરમાં આ બીમારીઓ પનપી રહી છે અને ધીમેધીમે ગંભીર બની રહી છે.

આ રિપોર્ટ મુજબ ભારતમાં પ્રિ-હેલ્થકેરથી લોકો ટેવાયેલા નથી અને બીમારી થાય અને લક્ષણો દેખાય, તે પછી જ સારવાર લેવા જતા હોય છે, તેથી લક્ષણો વિનાની આ બીમારીઓ ક્રમશઃ ગંભીર સ્વરૃપ ધારણ કરવા લાગે છે.

આ રિપોર્ટમાં કેટલાક ચિંતાજનક આંકડાઓ જાહેર થયા છે, તે મુજબ કોલેજોમાં પ્રત્યેક ત્રણ વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થી મેદસ્વીતા અથવા જાડાપણાની બીમારીથી પીડાય છે. મોનોપોઝ પછી ૪૦% મહિલાઓમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની સમસ્યા વધીને ૭૦% થઈ ગઈ છે. ૧૯% વિદ્યાર્થીઓમાં બ્લડપ્રેસર જણાયું હતું. કુલ ૪૭ હજાર લોકોના સર્વે દરમિયાન ચેકઅપ પછી ૬% લોકો ડિપ્રેશનના શિકાર પણ જણાયા હતાં.

આ સર્વેક્ષણ અંગે એપોલો હોસ્પિટસના તબીબોનો અભિપ્રાય એવો છે કે, લોકોને બીમાર થયા પછી સારવાર લેવાની માનસિકતામાંથી બહાર લાવીને "સાઈલન્ટ એપેડેમિક" સામે જાગૃત કરીને લક્ષણો ન દેખાતા હોય, તો પણ સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવા તથા નાની-મોટી તકલીફો કે શરીરના કોઈપણ ભાગમાં સોજા ચડે કે નાદુરસ્તી જેવું લાગે, તો તરત જ નિદાન કરાવવા પ્રશિક્ષિત કરવા જોઈએ.

જો આ રીતે બીમારીઓને થતી જ અટકાવી શકાય કે ઉગતી જ ડામી શકાય, તો હોસ્પિટલોમાં ઉભરાતા દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટે, હેલ્થ સિક્યોરિટી વધતા સારવારનું ખર્ચ ઘટે અને આર્થિક રીતે ઘણા લોકોને એકંદરે ફાયદો થાય તેમ છે.

આ રિપોર્ટ અને તેના સંદર્ભે આવતા અભિપ્રાયો અને સૂચનો યથાર્થ છે, પરંતુ આ મોંઘવારીમાં ઉચ્ચ-મધ્યમવર્ગને પણ ઘરખર્ચના બે છેડા માંડ ભેગા થતા હોય, ત્યાં પ્રિ-મેડિકલ ચેકઅપ કે પ્રિ-હેલ્થ કેરના ખર્ચા ગરીબ-મધ્યમવર્ગ ક્યાંથી કરી શકે...? તેવો સવાલ ઉઠે તે પણ સ્વાભાવિક છે. તેથી સમાજના સમૃદ્ધ લોકો દાનવીરો, સેવાભાવી સંસ્થાઓ અને સમદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી અવારનવાર નિઃશુલક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પો યોજાય અને તેમાં સ્થાનિક સરકારી હોસ્પિટલો જ નહીં, પણ ગ્રુપ ઓફ એપોલો હોસ્પિટલ્સ, એઈમ્સ અને ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલના નિષ્ણાત તબીબો, અદ્યતન લેબોરેટરી અને સાધન સામગ્રી તથા લેબ ટેકિનશિયનોની સુવિધા સાથે સેવાઓ આપે, તે અત્યંત જરૃરી છે. કેન્દ્ર અને રાજ્યોના આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલોની તો આ પ્રાથમિક જવાબદારી જ ગણાય ને...?

એક અન્ય અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૦ લાખ જેટલા લોકો પાર્કિન્સન્સથી પીડાય છે. પાર્કિન્સન્સ એટલે ધ્રુજતા અંગો સાથેનો લકવા...

પહેલા આફટર ફીફટી એટલે કે પ૦ કે ૬૦ વર્ષની ઉંમરે આ રોગ દેખા દેતો હતો, પરંતુ હવે તો યુવાવયે પણ આ બીમારી થવા લાગી છે, એટલું જ નહીં, આ રોગ મહિલાઓમાં પણ વધી રહ્યો છે. આ બીમારી માટે સ્ટ્રેસ (તણાવ), બદલતી જીવનશૈલી, જંકફૂડ, વાયુપ્રકોપ વિગેરેને જવાબદાર ગણવામાં આવે છે. સાદો પાર્કિન્સન્સ અને પાર્કિન્સન્સ પ્લસ, એમ બે પ્રકારના પૈકી પાર્કિન્સન્સ પ્લસ રોગ અસાધ્ય ગણાય છે, જ્યારે સાદા પાર્કિન્સન્સમાં દવાઓથી થોડી રાહત મળી શકે છે. આ કારણે આ રોગ થતો જ અટકાવવા માટે પણ વ્યાપક જનજાગૃતિ, યોગ્ય જીવનશૈલી અને હેલ્થ ચેકઅપ તથા યોગ્ય સારવાર જરૃરી બની જાય છે.

સાયલન્ટ એપેડેમિક અને પાર્કિન્સન્સ જેવી જ બીમારીઓ અત્યારે આપણાં સમાજમાં પણ પ્રવેશીની ફાલીફૂલી રહી છે, કિશોરવયે આત્મહત્યાના કિસ્સા પાછળ મોટાભાગે બાળકોને શિશુવયેથી જ મોબાઈલ સેલફોન કે વીડિયો ગેઈમની આદત લાગી જાય, તેની આડઅસરો જવાબદાર ગણાય છે, તેવી જ રીતે કોલેજકાળમાં ડ્રગ્સ એડિક્ટ બની જતો યુવા વર્ગ ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જાય છે. અલ્પશિક્ષિત યુવા વર્ગમાં પણ નશાખોરી અને માનસિક વિકૃતિઓ વધી રહી છે, સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ નેગેટિવ અને વિકૃત સામગ્રીના કારણે બાળકો વિચિત્ર હરકતો કરે છે, અને યુવાવયે માતા-પિતા, પરિવારના અંકુશમાં જ રહેતા નથી. સમાજમાં વધી રહેલા આ "સોશ્યલ સાયલન્ટ એપેડેમિક" સામે પણ સૌએ જાગવું પડશે, અન્યથા નવી પેઢી બરબાદીની ખાઈમાં ધકેલાઈ જશે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh