Advertisement
Author: નોબત સમાચાર

જાનમાં કોઈ જાણે નહી ને, હું વર ની ફોઈ જાનમાં કોઈ બેસાડે નહીં ને, હું દોડી દોડી મૂઈ... કૌન સચ્ચા...કૌન જૂઠ્ઠા ?

                                                                                                                                                                                                      

જૂના જમાનામાં ગામડાઓમાં જાન જતી હતી. એક શણગારેલા ગાડામાં વરરાજો આગળ બેસે, તેની પાછળ લુણગૌરી હોય, અને ગીત ગાતી બહેનો તેની પાછળ બેસે. બીજા જાનૈયાઓ બીજા ગાડાઓમાં બેસે, અને બળદગાડામાં જાન ઉતારે પહોંચે, અને સામૈયા થયા પછી માંડવે જાય, એવા દૃર્શ્યો અત્યારના બુઝુર્ગોએ જોયા જ હશે. હજુ પણ આ પરંપરા કેટલાક વિસ્તારોમાં નિભાવાઈ રહી છે.

ગુજરાતમાં તે સમયે એક કહેવત પ્રચલીત થઈ હતી, જે આજે પણ વ્યંગાત્મક ટકોર કરવા માટે વપરાય છે...તેના સંદર્ભે એક દૃશ્ય વર્ણવવામાં આવે છે. ગાડામાં જતી જાનની પાછળ એક મહિલા દોડી રહી હોય અને તેને પુછતા તે જવાબ આપે કે "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વર ની ફોઈ, જાનમાં કોઈ બેસાડે નહીં ને હું દોડી દોડી મૂઈ".

આ કહેવત અત્યારે વૈશ્વિક રાજનીતિમાં આબેહૂબ લાગુ પડે છે., તાજેતરમાં જ જી-૭ ની બેઠક યોજાઈ. આ જી-૭ ની બેઠક મૂળ તો સાત સમૃદ્ધ દેશોનું સંગઠન છે, જે પહેલા ૮ દેશોનું હતું અને તેને જી-૮ કહેવામાં આવતું હતું, પરંતુ રશિયા આક્રમણકારનો આક્ષેપ મૂકીને હટાવી દેવાયા પછી, તે સંગઠન જી-૭ તરીકે ઓળખાય છે. આ સાત દેશોના સમૂહની નિયત સમયાંતરે બેઠક યોજાય, ત્યારે અન્ય દેશોના વડાઓને આમંત્રિત તરીકે બોલાવવામાં આવતા હોય છે. આ વર્ષે આ બેઠક કેનેડામાં યોજાઈ હતી, અને તેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અધવચ્ચેથી અમેરિકા પરત જવા નીકળી ગયા હતા.

હમણાંથી કેનેડાના પૂર્વ વડાપ્રધાન ટ્રુડોની ભારતવિરોધી નીતિના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હોવાથી જી-૭માં ભારતને આમંત્રણ મળ્યું નહીં.

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંગઠનના આમંત્રિત સભ્ય તરીકે ઉપસ્થિત રહેતા હોવા છતાં પ્રારંભમાં યજમાન દેશ કેનેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું નહોતું, તે સમયે "જાનમાં કોઈ જાણે નહીં" વાળી તળપદી કહેવત સુસંગત જણાવાઈ હતી. જો કે, તે પછી વડાપ્રધાનને આમંત્રણ મળ્યું, અને તેઓ આ બેઠકમાં હાજરી આપવા ગયા, ત્યારે તે પહેલા જ ટ્રમ્પ અમેરિકા પાછા ચાલ્યા ગયા, તે સમયે પણ આ જ તળપદી કહેવત બંધબેસતી હોવાની ટિપ્પણીઓ ચર્ચાઈ હતી, અને ટ્રમ્પની પણ ટીકા થઈ હતી.

તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ૩૫ મિનિટની જે વાત થઈ, તેની માહિતી આપણા દેશના વિદેશ સચિવ મિસરીએ આપી, જેમાં એવું કહ્યું છે કે પી.એમ. મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ માત્ર પાકિસ્તાનની વિનંતીથી રોકાયું હતું અને તેમાં કોઈની મધ્યસ્થી નથી, કે વ્યાપારની પણ કોઈ વાત થઈ જ નથી, ભારતે ક્યારેય ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી કે સ્વીકારશે પણ નહીં...ભારત પાકિસ્તાન પ્રેરિત હવે પછીની કોઈપણ આતંકી ઘટનાને યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, અને ગોળી નો જવાબ ગોળાથી દેશે, વગેરે....વગેરે....

વિદેશ સચિવ મિસરીએ આપેલી આ વિગતોને હજુ ૨૪ કલાક પણ વિત્યા નથી, ત્યાં ટ્રમ્પે ફરીથી એવો દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન-ભારતનું યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે એમ પણ કહ્યું કે "આઈ લવ પાકિસ્તાન".

તેમણે પી.એમ.મોદીને શાનદાર વ્યક્તિ ગણાવીને ડબલ ઢોલકી વગાડી, તેની સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત ટૂંક સમયમાં વ્યાપાર સમજૂતિ કરશે. આ પ્રકારે બે દેશોના સર્વોચ્ચ નેતાઓના વિરોધાભાસી નિવેદનો પછી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સવાલ ઉઠ્યો કે, કૌન સચ્ચા, કૌન જુઠ્ઠા ?

ભારતના વિપક્ષોએ પણ મોટાભાગે સમતુલિત પ્રત્યાઘાતો આપ્યા. એવું કહેવામાં આવ્યું કે, આપણે તો આપણા વિદેશ સચિવની વાત માની ને વડાપ્રધાને ટ્રમ્પને જે કહ્યું હોય, તેને જ સત્ય માનવું જોઈએ, પરંતુ આ ઘટનાક્રમ મોદી સરકારની વિદેશનીતિ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને એકલું-અટુલું પાડીને પાઠ ભણાવવાની રાષ્ટ્રીય પોલિસીની નિષ્ફળતા તો દર્શાવે જ છે ને ? કોઈ બ્યુરોક્રેટ ના બદલે સ્વયં મોદી એ ફરીથી સ્પષ્ટપણે કહેવું જોઈએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પની કોઈ ભૂમિકા જ નથી, તેવી એડવાઈઝ પણ અપાઈ રહી છે.

ગઈકાલે ટ્રમ્પે જે ફરીથી કહ્યું તેમાં ભારતના વડાપ્રધાનને આતંકવાદને પોષનારા પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીફ મુનિર સાથે સરખાવ્યા, ત્યારે ઘણાં વિશ્લેષકોને ટ્રમ્પ પરિવારની પાકિસ્તાનમાં ગ્લોબલ ક્રિપ્ટો સેન્ટર તથા અન્ય બિઝનેસની ભાગીદારીની વહેતી થયેલી વાતોમાં પણ તથ્ય જણાયુ, અને તેની સાથે જ ટ્રમ્પ-મુનિરની બંધબારણે ડિનર ડિપ્લોમસી પાછળનું રહસ્ય પણ પ્રકાશમાં આવ્યું હોવાના દાવાઓ થયા. તે પછી આજે આ સંદર્ભે જે અહેવાલો આવી રહ્યા છે, તે પણ ચોંકાવનારા જ ગણાય ને ?

હકીકતે, ભારત-પાકિસ્તાન સહિત યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કરતા ટ્રમ્પ વાસ્તવમાં માત્ર નિવેદનબાજી  કરતા હોય તેવું લાગે છે અને વિશ્વમાં ચાલતુ એક પણ યુદ્ધ તેઓ અટકાવી શક્યા નથી, તેવો દાવો પણ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો કરી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી બીજી વખત જીત્યા, તે પહેલા તેમણે હુંકાર કર્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ બનશે, તો થોડા જ સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધને થંભાવી દેશે. તે પછી તેમણે કરેલા તમામ પ્રયાસો વિફળ રહ્યા....એ જ રીતે વડાપ્રધાન મોદીએ પણ એ યુદ્ધ થંભાવવાના પ્રયાસો કર્યા હતા, જે સફળ રહ્યા નહોતા, પરંતુ ટ્રમ્પ છાતી ઠોકીને જે દાવો કરતા હતા, તે ડંફાસો પૂરવાર થઈ હતી, તેથી હવે ટ્રમ્પના નિવેદનોને કોઈ ગંભીર ગણતુ નથી. ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટી પર હૂમલાઓ થયા પછી તેમાં હસ્તક્ષેપનો ટ્રમ્પનો પ્રયાસ સફળ રહ્યો નહીં. ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઈરાનને અનેક ધમકીઓ ટ્રમ્પે આપી, પરંતુ ઈરાનના સુપ્રિમ લીડરે આ લખાય છે, ત્યાં સુધી તો મચક આપી જ નથી. વારંવાર બોલીને ફરી જતા, ગોળ-ગોળ વાતો કરતા રહેતા અને ડંફાસો હાંકતા રહેતા નેતાઓની વિશ્વસનિયતા તો રહેતી જ નથી, અને લોકપ્રિયતા પણ ક્રમશઃ ઘટતી જતી હોય છે. ટ્રમ્પ જેવા તમામ નેતાઓ માટે ગુજરાતની તળપદી કહેવત "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વરની ફોઈ"...એ આબેહૂબ લાગુ પડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh