Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ અને સરકાર તરફી લોકોએ પૂછ્યું કે વિદેશીઓની વાત છોડો, ભારતમાં ભોપું કોણ વગાડી રહ્યું હતું?
દિલ્હીના કાર બોમ્બ વિસ્ફોટની આત્મઘાતી આતંકી ઘટના પછી હવે ભારત ફરીથી ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓ ઉપર હુમલો કરશે? તે સવાલ આજે 'ટોક ઓફ ધ નેશન' બન્યો છે, તો બીજી તરફ કેટલાક ડોક્ટરો સહિત ભારતના વિવિધ વિસ્તારોમાંથી કથિત દબોચાયેલા આતંકવાદીઓના તાર ક્યા ક્યા પાકિસ્તાની આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે અને પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની તેમાં કેટલી પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભૂમિકા છે, તે અંગેની તપાસ કેન્દ્રિય એજન્સીઓ ચલાવી રહી છે, ત્યારે અમેરિકાની સંસદમાં રજૂ થયેલા કોઈ રિપોર્ટમાં થયેલા ઉલ્લેખો અંગે ભારતમાં જ નહીં, વિશ્વકક્ષાએ ચર્ચા થઈ રહી છે, તો ભારતમાં શાસક પક્ષ અને વિપક્ષી નેતાઓ વચ્ચે આ અંગે બયાનબાજીનો જંગ છેડાઈ ગયો છે.
રિપોર્ટમાં થયેલો વિવાદાસ્પદ ઉલ્લેખ
અમેરિકાની કોંગ્રેસ (સંસદ) માં યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ રિવ્યૂ કમિશન (યુએસસીસી) ના આ રિપોર્ટ મુજબ ચીને નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી બનાવટી તસ્વીરોના સહારે એક દુષ્પ્રચાર અભિયાન ચલાવ્યું હતું, અને રાફેલને બદનામ કરીને ચીનની બનાવટના જે-૩પ યુદ્ધ વિમાનોનો પ્રચાર કર્યો હતો. આ રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું કે, ચીને એવો દુષ્પ્રચાર કર્યો હતો કે (ઓપરેશન સિંદૂર હેઠળ) ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના સંઘર્ષમાં ચીનના હથિયારોની ભૂમિકાએ પાકિસ્તાનને સફળતા અપાવી હતી. આ જ રિપોર્ટમાં પહલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા હુમલાને આતંકી હુમલો નહીં, પરંતુ વિદ્રોહીઓ (બળવાખોરો) નો હુમલો ગણાવ્યો હતો. આ રિપોર્ટનો ઉલ્લેખ કરીને ભારતમાં રાજનીતિ તેજ થઈ ગઈ છે, અને ભારત સરકાર સામે વિપક્ષો તથા મોદીના ટિકાકારોએ સવાલોની ઝડી વરસાવી છે, જ્યારે એક વિદેશી અને બિનપાયેદાર રિપોર્ટનો આધાર લઈને દેશવિરોધી પરિબળો તથા આતંકીઓને પ્રોત્સાહિત કરવાના પ્રતિઆક્ષેપો કરીને ભાજપ તથા સરકાર તરફી નેતાઓ તેનો જુસ્સેદાર જવાબ પણ આપી રહ્યા છે.
રિપોર્ટનું અર્થઘટન હાથીની વાર્તા જેવું!
અમેરિકાની કોંગ્રેસમાં રજૂ થયેલા આ રિપોર્ટનું અર્થઘટન નેતાઓ, રાજકીય પંડિતો, રાજકીય પક્ષો અને વિશ્લેષકો તથા સંબંધિત દેશો પોતપોતાની રીતે કરી રહ્યા છે. હાથીની વાર્તામાં એક સુરદાસને હાથી થાંભલા જેવો લાગ્યો, કારણ કે તેણે હાથીના પગને સ્પર્શ કર્યો અને માની લીધુ કે હાથી સ્તંભ જેવો હશે. તેવી જ રીતે હાથીના કાનને અડનાર સુરદાસને હાથી સુપડા જેવો અને હાથીના પૂંછડાને સ્પર્શતતા સુરદાસને હાથી સાપ જેવો લાગ્યો હતો. તેવું જ કાંઈક આ રિપોર્ટને ટાંકીને પ્રતિપાદિત કરવામાં આવી રહ્યું છે, અને ભારત સાથે વર્તમાન સંબંધો બગડી રહ્યા હોય, તેવા દેશ અમેરિકામાં રજૂ થયેલા રિપોર્ટને કાઉન્ટર કરવા ઓપરેશન સિંદૂર તથા તે પછીના ભારતની સેનાની ત્રણેય સેનાના અધ્યક્ષો, સી.ડી.એચ. તથા ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરેલા સત્તાવાર નિવેદનો પણ ટાંકવામાં આવી રહ્યા છે.
ચીને તક ઝડપી
આ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના એ ચાર-પાંચ દિવસોના સંઘર્ષમાં ચીને પોતાની યુદ્ધ સામગ્રી તથા હથિયારોનું પરીક્ષણ કર્યું હતું, અને ચીને ચાલાકીથી પોતાના હથિયારો, યુદ્ધસામગ્રી તથા ડિફેન્સ સિસ્ટમ્સના પરીક્ષણની સાથે સાથે ભરપૂર પ્રચાર પણ કર્યો અને રાફેલની સરખામણીમાં પોતાના યુદ્ધ વિમાનો વધુ કાર્યક્ષમ હોવાનું સ્થાપિત કરવાનો પ્રયાસ પણ કર્યો. આ સંઘર્ષ પછી ચીને જૂન મહિનામાં પાકિસ્તાન સમક્ષ જે-૩૮ ની પાંચમી જનરેશનના યુદ્ધ વિમાનો, કે.જે. પ૦૦ વિમાનો તથા બેલેસ્ટિક સિસ્ટમ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો. એટલું જ નહીં, પાકિસ્તાને તે પછી તેના રક્ષા બજેટમાં ર૦ ટકાનો વધારો પણ કર્યો.
પ્રતિભાવો-પ્રત્યાઘાતો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો
આ રિપોર્ટ પછી ભારતમાં પ્રતિભાવો અને પ્રત્યાઘાતો તથા આક્ષેપો-પ્રત્યાઘાતોનો જાણે જંગ ખેલાઈ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આ મુદ્દે ભિન્ન ભિન્ન પ્રતિભાવો વ્યક્ત થઈ રહ્ય છે. કેટલાક નેતાઓ આ રિપોર્ટને મોદી સરકાર માટે ઝટકા સમાન ગણાવ્યા છે, જ્યારે કેટલાક નેતાઓએ પ્રશ્નોની ઝડી વરસાવીને મોદી સરકારને આ મુદ્દે ઘેરવાની રણનીતિ અપનાવી છે.
આ મુદ્દે શશિ થરૂરે સોશિયલ મીડિયાના માધ્યમથી લખ્યું છે કે, 'અમેરિકી કોંગ્રેસની યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી કમિશનનો આ રિપોર્ટ ભારત માટે તદ્ન અસ્વીકાર્ય છે. શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય આ રિપોર્ટ સામે (સત્તાવાર) વિરોધ નોંધાવશે? આપણી કુટનીતિને એક વધુ ગંભીર ઝટકો લાગ્યો છે.'
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે આ રિપોર્ટને લઈને એનડીએ સરકાર અને વડાપ્રધાન પર પ્રહારો કરતા લખ્યું છે કે, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પ અત્યાર સુધીમાં ૬૦ વખત દાવો કરી ચૂક્યા છે કે, તેમણે જ ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું, પરંતુ વડાપ્રધાન આ મુદ્દે સંપૂર્ણપણે ચૂપકીદી સેવી રહ્યા છે.' તેમણે આગળ લખ્યું છે કે, 'હવે અમેરિકી કોંગ્રેસમાં યુએસઆઈના ઈકોનોમિક એન્ડ સિક્યોરિટી કમિશનનો જે રિપોર્ટ આવ્યો છે, તે તદ્ન અસ્વીકાર્ય છે.' તૃણમુલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે જયરામ રમેશને ટાંકીને લખ્યું કે, 'આ રિપોર્ટમાં પહલગામ આતંકી હુમલાને વિદ્રોહીઓનો હુમલો ગણાવાયો અને ઓપરેશન સિંદૂરમાં ભારત પર પાકિસ્તાનની સૈન્ય સફળતાનો દાવો કરાયો છે, તે તાજ્જુબની વાત છે, પરંતુ મોદી સરકાર ભારતના પક્ષમાં પુરાવા આપવામાં અને કુટનીતિમાં નિષ્ફળ કેમ રહી?'
ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અને આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ લખ્યું કે, 'અસલ પ્રશ્ન એ છે કે ચીનના નેગેટીવ એજન્ડાને ક્યા લોકો વ્યાપકપણે આગળ કરી રહ્યા હતાં અને સતત ભારતના કેટલા વિમાનો (ઓપરેશન સિંદૂર દરમિયાન) તોડી પડાયા તેના આંકડા કોણ માગતું હતું? ભારતીય વાયુસેનાએ તે સમયે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાની તમામ સંપત્તિ સુરક્ષિત છે અને સંઘર્ષ દરમિયાન તેની માહિતી જાહેર કરવાથી દેશની સુરક્ષા પર ખતરો ઊભો થાય તેમ હતો. ચીનના પ્રચારાત્મક મશીનો તો બાહરી હતાં, પરંતુ સૌ કોઈ જાણે છે કે, ભારતની અંદરથી 'ભોપું' કોણ વગાડી રહ્યું હતું?'
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રેસ-મીડિયા
આ તમામ મુદ્દાઓને લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસ મીડિયા પણ બે ભાગમાં વહેંચાયેલા હતાં, અને હજુ પણ આ તમામ મુદ્દાઓ અંગે મત-મતાંતરો છે, ત્યારે એક તારણ એ જરૂર નીકળે છે કે આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે આપણાં દેશની એક્તા, સાર્વભૌમત્વ, ગરિમા અને સુરક્ષાનો સવાલ હોય, ત્યારે આખો દેશ એકજુથ થઈ જ જાય છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial