Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવવાના છે અને શહેરના ફલાય ઓવરબ્રિજને ખૂલ્લો મુક્યા પછી તેનું નિરીક્ષણ કરીને ધન્વન્તરિ ઓડિટોરિયમમાં ભાષણ કરશે અને રૂ. ૨૨૫ કરોડથી વધુ ખર્ચે નિર્મિત ઓવરબ્રિજ ઉપરાંત મહાનગરપાલિકાના રૂ. ૩૬ કરોડના કામો તથા જી.જી.હોસ્પિટલ, મેડિકલ કોલેજ, પંચાયત તથા અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ મળીને કુલ રૂ. ૬૨૨ કરોડથી વધુના કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરશે, તેવું જાહેર થતા જ નગરમાં તંત્રોની દોડધામ વધી છે, અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓની ટીમે ફલાય ઓવરબ્રિજ તથા મુખ્યમંત્રીના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું, તેથી પાક્કું થઈ ગયું છે કે હવે સોમવારે ફલાય ઓવરબ્રિજ તો ખૂલ્લો મૂકાઈ જ જશે.
આ પહેલા તા. ૨૦મી નવેમ્બરે મુખ્યમંત્રી આવનાર હોવાથી શહેરમાં "નિશ્ચિત" માર્ગો તથા વિસ્તારો એકદમ સ્વચ્છ અને સુઘડ થઈ ગયા, નિયમિત ચાર-પાંચ દિવસ રોડની બંને તરફ દવાનો છંટકાવ થઈ ગયો, ઉકરડા-ઉભરાતા કચરા કન્ટેનરો હટાવી લેવાયા, રખડતા ઢોરની કાયમી અવર-જવર તથા સંકુલો પર થતા ઢોર-કૂતરાના અડીંગા બંધ થઈ ગયા અને ચોતરફ રંગરોગાન થવા લાગ્યું હતું.
મુખ્યમંત્રીને બિહાર જવાનું થતાં તા. ર૦નો કાર્યક્રમ મોકૂફ રહ્યા પછી એકાદ-બે દિવસ તેમાં ઓટ આવી ગઈ હતી, પરંતુ મુખ્યમંત્રી સોમવારે આવવાના છે, તે જાહેર થતાં જ ફરીથી એવી જ કવાયત શરૂ થઈ ગઈ છે., આથી લોકો કહે છે કે મુખ્યમંત્રી અવાર-નવાર આવતા હોય તો કેવું સારૃં ? કેટલાક માર્ગોની નિયમિત સફાઈ તો થતી રહે !
કેટલાક લોકો એવું માને છે કે મુખ્યમંત્રીએ તંત્ર અને સિક્યોરિટી દ્વારા નક્કી કરેલા રૂટ સિવાયના અન્ય કેટલાક વિસ્તારોની પણ નગરમાં (ભાજપના નેતાઓ કે તંત્રને અગાઉથી ભનક પણ ન આવે, તેવી રીતે "નાયક" ફિલ્મની જેમ) અચાનક મુલાકાત લેવી જોઈએ, જેથી રૂડું રૂપાળું દેખાડાતું હોય, તે સિવાયનું સ્લમ એરિયા સહિતનું જામનગર વાસ્તવમાં કેવું છે, તે સિક્કાની બીજી બાજુ પણ જોવા મળે !!
જો કે, આ પ્રકારના "પ્રોટોકોલ"થી મુખ્યમંત્રી પણ અજાણ્યા નથી, તેઓએ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા, ત્યારે તે સમયે વીઆઈપી કે વીવીઆઈપી આવતા હશે, ત્યારે આવું જ નાટક કરવું પડ્યું હશે, તેથી તેઓને આ બધી ખબર હોઈ શકે છે, પરંતુ હવે મુખ્યમંત્રી તરીકે "રાજધર્મ" બજાવીને અને આઉટ ઓફ બોક્સ તથા પ્રોટોકોલ તોડીને તેઓ દૃષ્ટાંત બેસાડે, તો જામનગરના નગરજનોને તે ગમશે, અને જામનગરની જનતાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હકીકતે "પોતાના" લાગશે !
જામનગરની મહાનગરપાલિકાથી લઈને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષા સુધીની ઘણી કાયમી સમસ્યાઓ વણ ઉકેલી છે., અને ઘણી માંગણીઓ પડતર છે, જેના વિષે સ્થાનિક તમામ નેતાઓ અને તંત્રના વર્તમાન ઉચ્ચ અધિકારીઓ પૂરેપૂરા માહિતગાર છે, તેથી મુખ્યમંત્રીની મુલાકાત સમયે ઔપચારિક મિટિંગો ઉપરાંત અનૌપચારિક રીતે થતી રહેતી ચર્ચા દરમ્યાન પણ મુખ્યમંત્રી તથા રાજ્યકક્ષાના અધિકારીઓના કાને વાત નાખીને કેટલાક "સ્પોટ ડિસિશન" લેવાય, તેવો પ્રયત્ન કરાશે, તો તંત્રો માટે સુગમ બનશે અને સ્થાનિક નેતાગીરીને પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નજીકમાં આવી રહેલી ચૂંટણીની દૃષ્ટિએ રાજકીય રીતે પણ ઉપયોગી બનશે. તથા હાલારની ઘણી બધી સમસ્યાઓ તથા લોકોની માંગણીઓ, રજૂઆતોની ચર્ચા રાજ્યની સર્વોચ્ચ સત્તા સાથે કરવાની આ તક જિલ્લાતંત્ર અને જિલ્લાના "ટોપ ટુ બોટમ" ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઝડપી લેશે, તો લોકોને ગમશે અને એકંદરે લોકતંત્રની મૂળભૂત વિભાવના સાકાર થશે...
આમ, તો જામનગરમાં ઘણી સમસ્યાઓ તો ઘર જ કરી ગઈ છે, અને હવે કેટલીક નવી સમસ્યાઓ ઉમેરાઈ ગઈ છે, પરંતુ તાજેતરમાં નિર્માણ થયેલા ફલાય ઓવરબ્રિજ સહિતના વિકાસકામો તથા ભૂગર્ભ ગટર, પાણી પૂરવઠો, ગેસ-વીજળીની પાઈપલાઈનો વગેરે માટે થયેલા ખોદકામો પછી નગરના મોટા ભાગના આંતરિક માર્ગો, શેરી-મહોલ્લાઓ તથા સોસાયટી વિસ્તારની સડકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને હજુ પણ કેટલાક ખોદકામો ચાલી રહ્યા છે. મહાનગરપાલિકામાં દાયકાઓ સુધી શાસન હોવા છતાં વર્તમાન શાસકપક્ષની નેતાગીરી હજુ સુધી શહેરનો રીંગરોડ પણ અદ્યતન અને પૂરેપૂરો ઉપયોગમાં લઈ શકાય, તેવો લાંબો-પહોળો અને મજબૂત બનાવી શકી નથી.
જામનગર તથા તેને જોડતા હાલારના માર્ગોની ટ્રાફિક વ્યવસ્થામાં પણ ધરમૂળથી ફેરફારો થવા જરૂરી છે., નગરને જોડતા માર્ગો પર અકસ્માતો વધી ગયા છે. જામનગરથી ખંભાળીયાના માર્ગો જાયન્ટ કંપનીઓ હોવાથી દરરોજ સવાર-સાંજ ભયંકર ટ્રાફિક જામ થતો હોવાથી સિક્કાના પાટિયાથી આરાધના ધામ સુધી ફલાય ઓવરબ્રિજના તાકીદે નિર્માણની જરૂર હોય, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે હિંમતભર્યો જનલક્ષી નિર્ણય ઝડપથી લેવો જ પડે તેમ છે., નગરમાં સાફ-સફાઈ, સ્વચ્છ-સુઘડ શૌચાલયો અને જાહેર મૂતરડીઓની સંખ્યા વધારવી, રખડૂ ઢોર એન આવારા શ્વાનની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવો વગેરે અનેક સમસ્યાઓ છે, જેમાં રાજ્ય સરકારની પણ મહત્ત્વની ભૂમિકા છે અથવા હસ્તક્ષેપની જરૂર છે. ખાસ તો રાજકીય ઈચ્છાશક્તિની ઉણપ હટાવવી પડે તેમ છે.
દૃષ્ટાંત તરીકે જામનગરના વોર્ડ નં. ૧થી૪માં પ્રારંભમાં ડહોળુ અને પછી ટૂંકા સમય માટે જ પીવાનું પાણી આવતું હોય અને વોર્ડનં. ૬માં સોસાયટી, ટાઉનશીપમાં એકાંતરા અડધી રાતે પાણી અપાતું હોય, તો તેને મહાનગરપાલિકાની "શરમ" જ ગણવી પડે, અને અબજો રૂપિયાના વિકાસના પ્રોજેક્ટો ઊભા કરવા છતાં જો રૈયતને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ટાઈમસર મળતું ન હોય, તો તેને સુશાસન કેવી રીતે ગણી શકાય ? પ્રજાની નાડને પારખવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial