Advertisement
Author: નોબત સમાચાર

દેશ-દુનિયામાં દાયકાઓથી આવતા ચક્રવાતોથી થતી જીવલેણ તબાહીની દાસ્તાન...

વર્ષ-૧૯૬૦ પહેલાનો એકાદ સદી જુનો ચક્રવાતોનો ઈતિહાસ તો છે, પરંતુ તદ્ન વિશ્વસનિય માનવામાં આવતો નથી

                                                                                                                                                                                                      

સેન્યાર વાવાઝોડુ કમજોર થયા પછી હિતવાહ નામના વાવાઝોડાના કારણે નવી ચેતવણીઓ અપાઈ રહી છે. બંગાળની ખાડીમાંથી ઊઠેલું આ તોફાનના કારણે દક્ષિણ ભારતના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં અવારનવાર આવતા ચક્રવાતો અને કુદરતી આફતો છતાં માનવજીવન હંમેશાં સંઘર્ષ કરતું રહ્યું છે. ભારે વરસાદ, પૂર, લેન્ડસ્લાઈડ ચક્રવાતો અને વાવાઝોડાઓનો ખતરો હંમેશાં દુનિયાના કોઈને કોઈ હિસ્સામાં મંડરાતો રહે છે, અને તેની અસરો હંમેશાં જનજીવન પર થતી રહે છે. આ પ્રકારના કેટલાક મોટા ચક્રવાતોએ વેરેલા વિનાશની કેટલીક વિગતો સંક્ષિપ્તમાં જાણીએ.

ભારત હિંદ મહાસાગરની ઉત્તર દિશામાં એક એવો દેશ છે, જેને પૂર્વ અથવા પશ્ચિમ તરફથી આવતા ઉષ્ણકંટિબંધના ચક્રવાતો માટે ખૂબ જ સંવેદનશીલ છે. ભારતમાં દર વૃષે સરેરાશ બે-ત્રણ ઉષ્ટ કટિબંધીમ ચક્રવાતો ફૂંકાતા રહે છે, અને તેમાંથી એકાદ ચક્રવાત ઘણું જ નુક્સાન પહોંચાડી જતું હોય છે.

ભારત અરબી મહાસાગર, હિંદ મહાસાગર ભારતની જમીની સરહદો ભૂટાન, નેપાળ, બાંગલાદેશ, ચીન, મ્યાનમાર અને પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ભારતની નજીક જ શ્રીલંકા અને માલદીવ આવેલા છે. અંદામાન-નિકોબાર દ્વિપ સમૂહ (જેનું હવે નવું નામકરણ થયું છે) ની દરિયાઈ સરહદો ઈન્ડોનેશિયા અને મ્યાનમાર સાથે જોડાયેલી છે. આથી કુદરતી આફતોની અસરો આ તમામ દેશો પર ઓછા-વત્તા અંશે એકસાથે અને સમાન ધોરણે થતી હોય છે.

જુનો ઈતિહાસ

ભારત આઝાદ થયું અને ગુજરાત રાજ્ય અલગ થયું, તે વર્ષ-૧૯૬૦ પછીનો ચક્રવાતોનો ઈતિહાસ તો છે, પરંતુ બહું વિશ્વસનિય મનાતો નથી.

વર્ષ ૧૮૬૪ ના કોલકાતાના ચક્રવાતમાં (તે સમયના કલકત્તામાં) લગભગ ૬૦ હજાર લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. તે પછી ૧૮૮પ માં અદનની ખાડીના ચક્રવાતે જિબૂતીમાં તબાહી મચાવી હોવાના ઉલ્લેખો જુના સાહિત્યમાં જોવા મળે છે. તે પછી ૧૮૮પ ના ઓડિશા ચક્રવાતે તબાહી મચાવી હોવાના ઉલ્લેખો થતાં રહ્યા છે, પરંતુ તે કેટલો જીવલેણ બન્યો હતો, તેનું કોઈ સાહિત્ય કે પુરાવા નથી. વર્ષ-૧૮૮૮ ના નવેમ્બરમાં ગુજરાતમાં આવેલા ચક્રવાતમાં ૧૩૦૦ લોકોના જીવ ગયા હતાં, અને એક જહાજ ડૂબી ગયું હોવાનું કહેવાય છે.

વર્ષ-૧૮૯૧ ના ફિલિપાઈન્સના સિયામ ચક્રવાતે ભારત તરફ ગતિ કરી, પરંતુ કમજોર પડી ગયો. વર્ષ-૧૯૦૮ માં અને વર્ષ-૧૯૦૭ માં કરાચીની આસપાસ આવેલા ચક્રવાતે બ્રિટિશ સમયના અખંડ ભારતના કેટલાક વિસ્તારોને ધમરોળ્યા હતાં, તો વર્ષ-૧૯૧૦ માં આંદામાનના દરિયામાં ચક્રવાત સર્જાયો હતો. વર્ષ-૧૯ર૭ ના ડિસેમ્બર અને વર્ષ-૧૯ર૮ ના જાન્યુઆરીમાં બંગાલની ખાડીમાં એક લો-પ્રેસર સર્જાયું હતું. તેવી જ રીતે માર્ચ-૧૯ર૮ માં હળવા દબાણ પછી ચક્રવાતી તોફાન સર્જાયું હોવાની નોંધ લેવાઈ છે. વર્ષ-૧૯ર૯ માં પણ ડઝનેક ચક્રવાતી તોફાનો સર્જાયા હોવાના ઉલ્લેખો જોવા મળે છે. વર્ષ-૧૯૩૦ માં પણ મે, જૂન, જુલાઈમાં બંગાળની ખાડીમાં અને સપ્ટેમ્બરમાં અંદમાનના દરિયામાં હળવા દબાણ સાથે ચક્રાવતોનો ઈતિહાસ છે.

વર્ષ-૧૯૪૦ માં પણ મે, જૂન, જુલાઈ, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી નાના-મોટા ચક્રવાતો બંગાળની ખાડીમાં નોંધાયા હતાં, પરંતુ વર્ષ-૧૯૪૦ માં મુંબઈમાં આવેલા ચક્રવાતે એટલી તબાહી મચાવી હતી કે મુંબઈમાં આવેલા પૂરમાં મૃતદેહો તરતા જોવા મળ્યા હતાં. વર્ષ-૧૯પ૦ માં પણ બંગાળની ખાડીમાં ઉપરાછાપરી ચક્રવાતો સર્જાયા હતાં. વર્ષ-૧૯પ૬ માં મિદનાપુરમાં ૪૮૦ લોકો માર્યા ગયા હતાં.

વર્ષ-૧૯૬૦ પછીનો ઈતિહાસ

વર્ષ-૧૯૬૧ માં દક્ષિણ-પશ્ચિમ ભારતમાં આવેલા ચક્રવાતે તબાહી મચાવી હતી, તો પ્રશાંત મહાસાગરમાં ૧૯૬ર માં ચાર ચક્રવાતો નોંધાયા હતાં. વર્ષ-૧૯૬૩ માં ભારતમાં ચાર ચક્રવાત આવ્યા હતાં. વર્ષ-૧૯૬૪ માં ભારતમાં ત્રણ ચક્રવાત આવ્યા, જેમાંથી સુપર સાયક્લોનિક સ્ટોર્મ સિક્સટીને ર૦૦ લોકોના જીવ લીધા હતાં, અને ધનૂષકોડી શહેર તબાહ થઈ ગયું હતું. વર્ષ-૧૯૬પ માં આવેલા ત્રણ ચક્રાવતે પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશમાં પ૦ હજાર લોકોના જીવ લીધા હતાં.

તે પછી નવેમ્બર-૧૯૬૬ માં મદ્રાસ (અત્યારનું ચેન્નઈ) માં પ૦ થી વધુ લોકો ભયંકર ચક્રવાતમાં માર્યા ગયા હતાં અને આઠ લાખ લોકો બેઘર થઈ ગયા હતાં. વર્ષ-૧૯૬૭ માં બે ચક્રવાત આવ્યા હતાં. વર્ષ ૧૯૬૮ માં મ્યાંમાર ચક્રવાતે દ. ભારત સુધી અસરો કરી હતી. વર્ષ-૧૯૬૯ માં પણ ગંભીર પ્રકારના દસ જેટલા ચક્રવાત આવ્યા હતાં, અને આંધ્રપ્રદેશમાં મે તથા નવેમ્બરમાં આવેલા ચક્રવાતોએ કુલ ૯૦૦ લોકોનો જીવ લીધો હતો. વર્ષ-૧૯૭૦ માં ૧૭ જેટલા ચક્રવાતી તોફાનો નોંધાયા, જેમાં ભારેથી અત્યંત ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી. બાંગલાદેશમાં તો ર૯૦ લોકો માર્યા ગયા. વર્ષ-૧૯૭૧ માં ઓડિશા અને પ. બંગાળમાં આવેલા ચક્રવાતોમાં ૧૬૦ જેટલા લોકો માર્યા ગયા હતાં, તો ઓક્ટોબરમાં ઓડિશાના પારાદીપ શહેરના ૧૧ હજાર લોકો માર્યા ગયા હતાં. વર્ષ-૧૯૭ર માં તામિલનાડુંમાં ચક્રવાતે તબાહી મચાવી હતી. તેવી જ રીતે ૧૯૭૪ થી વર્ષ ર૦૦૦ સુધી અનેક વિનાશક ચક્રવાતો આવ્યા અને સેંકડો લોકોના જીવ ગયા અને ભારે નુક્સાન પણ કર્યું.

છેલ્લા અઢી દાયકાનો ઈતિહાસ

વર્ષ-ર૦૦૧ ના મે મહિનામાં પ્રચંડ ચક્રવાત એઆરબી-૦૧ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયુ ત્યારે એકાદ હજાર માછીમારોના જીવ ગયા હોવાની આશંકા હતી. તે પછીના બે ચક્રવાતોમાં ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. તે પછી બંગાલની ખાડીમાં ઉદ્ભવેલા બીઓબી-૦ર ચક્રવાતથી આવેલા પૂરમાં ૧૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતાં. તે પછી બીઓબી-૦૩ ચક્રવાતે પ. બંગાળમાં ૧૭૩ લોકોના જીવ લીધા હતાં. પ્રચંડ ચક્રવાતો પછી તેના કારણે પાછળથી ઉદ્ભવેલી લૂ ના પ્રકોપથી પણ ૧પ૦૦ લોકોના મ્યામારમાં જીવ ગયા હતાં. બીઓબી-૦૭ નામના ચક્રવાતે આંધ્રમાં ૮પ લોકોના જીવ લીધા હતાં. વર્ષ-ર૦૦૪ માં 'ઓનિલ' ચક્રવાતે ગુજરાતને ભારે નુક્સાન પહોંચાડ્યું અને ૯૦૦ જેટલા સાગરખેડૂઓના જીવ ગયા હોવાની આશંકા વ્યક્ત થઈ હીત.

તે પછી વર્ષ-ર૦૦પ માં 'બાજ' નામના ચક્રવાતે ૧૧ લોકોના જીવ લીધાનો ફાનુસ નામના ચક્રવાતે ભારે વરસાદ વરસાવ્યો જેથી તમિલનાડુ અને પોંડીચેરી (અત્યારનું પુડ્ડુચેરી) માં ભારે નુક્સાન થયું. વર્ષ-ર૦૦૬ 'ઓગ્નિ' નામના ચક્રવાતે આંધ્રના ઓગંલમાં ખેતપેદાશો બરબાદ કરી નાંખી હતી. વર્ષ-ર૦૦૭ માં સૌથી ઘાતક નિવડેલા 'યમની' નામના ચક્રવાતે આંધ્ર, તેલંગણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે તબાહી મચાવી અને ૧પ૦ લોકોના જીવ ગયા હતાં. તે પછી 'સિદ્ર' નામના ચક્રવાતે દ. ભારતમાં તબાહી મચાવી હતી અને બાંગલાદેશમાં જઈને ૧પ,૦૦૦ લોકોના જીવ લીધા હતાં. વર્ષ-ર૦૦૮ માં 'રશ્મિ' નામના ચક્રવાતે ર૦ લોકોના જીવ લીધા હતાં. તે પછી 'નિશા' નામના ચક્રવાતે શ્રીલંકામાં ર૦૦ લોકોના જીવ લીધા અને દ. ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી હતી.

વર્ષ-ર૦૦૯ માં પ. બંગાળમાં પહોંચેલા 'આઈલા' નામના ચક્રવાતે ૧૪૯ લોકોના જીવ લીધા અને એક લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા, તો 'બિજલી' નામના ચક્રવાતથી ઓડિશા અને પ. બંગાળમાં સૌથી વધુ વરસાદથી તબાહી મચી. એઆરબી-૦૧ નામના ચક્રવાતમાં ગુજરાતમાં આકાશી વીજળી પડવાથી ૯ લોકોના જીવ ગયા. બીઓબી-૦૩ નામના તોફાને ઓડિશામાં ૪૩ લોકોના જીવ લીધા. વર્ષ-ર૦૧૦ માં 'લૈલા' નામના ચક્રવાતે ૬પ લોકોના જીવ લીધા. તે પછી 'જલ' નામના ચક્રવાતે પણ નુક્સાનકારક નિવડ્યો હતો. વર્ષ-ર૦૧૧ માં પુડુચેરી અને તામિલનાડુમાં તબાહી મચાવી હતી. વર્ષ-ર૦૧ર માં 'નીલમ' નામના ચક્રવાતે આંધ્રના રાયલસીમામાં ૭પ લોકોના જીવ લીધા. આંધ્રપ્રદેશમાં ચક્રવાત 'હેલન'માં ૧ર લોકોના જીવ ગયા. આ ઉપરાંત આ દરમિયાન કેટલાક ચક્રવાતો એવા પણ આવ્યા, જેનાથી બહુ નુક્સાન થયું નહીં, અને દરિયામાં જ સમાઈ ગયા હતાં, જેનો સ્થળ સંકોચના કારણે અહીં નામજોગ ઉલ્લેખ કરી શકાયો નથી, પરંતુ કોઈપણ ચક્રવાત તદ્ન ટેન્શન વગરનો તો હોઈ જ ન શકે.

વર્ષ-ર૦૧પ માં એઆરબી-૦ર ચક્રવાતે ગુજરાતને પ્રભાવિત કર્યું અને ૮૧ મૃત્યુ થયા, તો 'કોમેન' નામના ચક્રવાતના કારણે ભયંકર પૂર આવતા ર૮પ લોકોના જી ગયા હતાં. તે પછી બીઓબી-૦૩ નામના ચક્રવાતથી ચેન્નાઈ સહિત તમિલનાડુમાં પ૦૦ લોકોના જીવ લીધા, તેવી જ રીતે 'વરદા' ચક્રવાતે ૧ર લોકોના જીવ લીધા હતાં. વર્ષ-ર૦૧૭ માં 'મોરા' નામના ચક્રવાતથી થયેલા ભૂસ્ખલનથી ર૦ લોકોના મૃત્યુ થયા હતાં. તે પછી 'ભૂમિ અવદાબ-૧'ના કારણે આવેલા પૂરમાં ૧પર લોકોના મૃત્યુ થયા તો ર૦ લોકો પ્રભાવિત થયા હતાં, તો બીઓબી-૦પ નામના ચક્રવાતે તબાહી મચાવી હતી. તે પછી પ્રચંડ ચક્રવાત 'ઓખી'એ ૩૧૮ લોકોના જીવ લીધા હતાં. વર્ષ-ર૦૧૮ માં બીઓબી-૦૩ ના કારણે ઉ.પ્રદેશ તથા દિલ્હીમાં તબાહી મચાવી. તે પછી 'તિતલી' નામના ચક્રવાતથી ઓડિશામાં ૭૭ લોકોના મૃત્યુ થયા હતાં. ચક્રવાત 'ગજ'ના કારણે દ. ભારતમાં બાવન લોકો મૃત્યુ પામ્યા હતાં. 'ફેથાઈ' નામના ચક્રવાતે ૮ લોકોના જીવ લીધા હતાં. વર્ષ-ર૦૧૯ માં 'ગોનૂ' અને 'વામ' નામના ચક્રવાતે ભારે તબાહી મચાવી હતી અને ગુજરાતમાં ૮ લોકોના મૃત્યુ થયા હતાં. 'ક્રિકા' નામના ચક્રવાતમાં ૧૧ માછીમારો સાથેની નાવ ડૂબી ગઈ હતી.

વર્ષ-ર૦ર૦ માં મહાચક્રવાત 'અમ્ફાન' દરમિયાન ભારે તબાહી મચાવી અને ૧ર૮ મૃત્યુ થયા. તે પછી 'નિસર્ગ' નામનો ચક્રવાત આવ્યો. બીઓબી-૦ર ના કારણે વર્ષ-ર૦ર૦માં ૮૦ લોકો માર્યા ગયા હતાં. 'બૂરવી' ચક્રવાતે ૯ લોકોના જીવ લીધા હતાં. વર્ષ-ર૦ર૧ માં 'તૌકતે' નામના ચક્રવાત આવતા ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે તેજ પવનોએ તબાહી મચાવી. તે પછી 'યાફા' નામના ચક્રવાતે ઓડિશાને ધમરોળ્યું અને ૩ લાખ ઘર પડી ગયા તથા કરોડ લોકો પ્રભાવિત થયા. ચક્રવાત 'ગુલાબે' મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ર૦ લોકોના જીવ લીધા, અને અરબી સમુદ્રમાં ગયા પછી ચક્રવાત 'શાહીન'માં ફેરવાયા પછી દિશા બદલી વર્ષ-ર૦રર માં ડિપ્રેશન બીઓબી-૦પ અને ૦૬ ના કારણે અતિવૃષ્ટિમાં ૧૦૦ લોકોના મૃત્યુ થયા. તે પછી ચક્રવાત 'અબાની', 'મંડોસ'ના કારણે પણ વધુ નુક્સાન થયું. વર્ષ-ર૦ર૩ માં 'બિપોરજોય' અને 'મિયાંગ'માં પણ અનુક્રમે ૧ર અને ૧૭ લોકોના જીવ ગયા. વર્ષ-ર૦ર૪ માં ચક્રવાત 'અસના'ના કારણે આવેલ પૂરમાં ગુજરાતમાં ૪૯ લોકોના જીવ ગયા, તો ચક્રવાત 'દાના'એ પાંચના જીવ લીધા. ચક્રવાત ફેંગલે પણ ર૦ લોકોના જીવ લીધા. વર્ષ-ર૦રપ ના ટાયફૂન-રાગાસા પછી હવે સેન્યાર પછી દિતવાહે દસ્તક દીધી છે, જો કે ભારતમાં વર્ષ-૧૯૭૦ ના 'ભોલા' ચક્રવાતમાં લાખો લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. પ્રત્યેક ચક્રવાતમાં જંગી નુક્સાન, ખેતીની બરબાદી, ઘરવિહોણા પરિવારોમાં વધારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત જનજીવન ખેદાનમેદાન થઈ ગયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh