Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપણે ત્યાં ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે કે બકરુ કાઢતા ઊંટડુ પેઠું...કાંઈક તેવા જ ઘટનાક્રમો દેશ-દુનિયામાં સર્જાઈ રહ્યા છે, અને તેમાં સૌથી વધુ ચર્ચિત તથા તાજો ઘટનાક્રમ બાંગલાદેશનો છે. આપણાં પડોશી દેશમાં યુવા આંદોલન પછી ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને તેણીએ ભારતમાં રાજ્યાશ્રય લીધો. વર્ષ ૧૯૭૧માં બાંગલાદેશની આઝાદી માટે ભારતે હસ્તક્ષેપ કરતા યુદ્ધ થયું, જેમાં પાકિસ્તાન ભૂંડી રીતે હાર્યું અને ભારતે દરિયાદિલી દાખવીને બાંગલાદેશના શરણે આવેલા હજારો સૈનિકોને છોડી મૂક્યા, તે પછી બાંગલાદેશ એક સ્વતંત્ર દેશ ઘોષિત થયો, જેને ધીમે ધીમે દુનિયાના દેશોએ માન્યતા આપી.
તે સમયે બાંગલાદેશની આઝાદી માટે લડનાર ત્યાંના જનનાયક બની ચૂકેલા શેખ મુજીબુર રહેમાને રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું અને આઝાદ બાંગલાદેશ પાકિસ્તાનથી સદંતર અલગ થઈ ગયું, પરંતુ બાંગલાદેશને આઝાદી પચી નહીં, અને આંતરયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ, લોકતંત્ર ખતરામાં પડ્યું. શેખ મુજીબુર રહેમાનની ૧૫મી ઓગષ્ટ ૧૯૭૫ના દિવસે તેમના ઘરમાં જ સૈન્ય વિદ્રોહીઓએ હત્યા કરી નાખી, અને તેના ઘરમાં હાજર તમામ સભ્યોને રહેંસી નાખ્યા, પરંતુ તે સમયે શેખ મુજીબુર રહેમાનની હસીના અને રેહાના નામની બે દીકરીઓ બર્લિન ગઈ હોવાથી બચી ગઈ અને તે સમયે બંને બહેનોને ભારતે રાજ્યાશ્રય આપ્યો હતો.
શેખ હસીનાએ ભારતમાં રહીને જ તેના પિતા શેખ મુજીબુર રહેમાને સ્થાપેલી અવામીલીગ નામની રાજકીય પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું. શેખ મુજીબુરની હત્યા તે સમયના બાંગલાદેશના સેના પ્રમુખ ઝિયાઉર રહેમાને કરાવી હોવાના આક્ષેપો થયા. તે પછી જીયાઉર રહેમાન જ બાંગલાદેશના રાષ્ટ્રપતિ બની ગયા હતા.
ગુજરાતીમાં કહેવત છે કે વાવો તેવું લણો, હાથના કર્યા હૈયે વાગવા, જેવું કરો તેવું પામો... તેની જેમ ૩૦મી મે ૧૯૮૧ના દિવસે રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગૌગની સૈન્ય વિદ્રોહમાં હત્યા થઈ ગઈ. તે પછી તેમના પત્ની, જેઓ રાજનીતિમાં નહોતા અને માત્ર ગૃહિણી હતા, તેમણે પતિનો વારસો સંભાળીને ઝિયાઉર રહેમાને સ્થાપેલી બાંગલાદેશ નેશનાલીસ્ટ પાર્ટી (બીએનપી)નું નેતૃત્વ સંભાળ્યું, તે પછી એક અલગ જ લોકતાંત્રિક સ્થિતિ ઊભી થઈ, અને ચૂંટણીઓમાં બે બેગમોની ફાઈટ શરૂ થઈ ગઈ.
બાંગલાદેશમાં "બેગમ"નો સન્માન સૂચક અર્થ થાય છે અને બે મુખ્ય રાજકીય પક્ષોનું નેતૃત્વ કરતી બે બેગમો વચ્ચે રાજકીય સ્પર્ધાની સાથે સાથે દુશ્મનાવટ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. બંને પરિવારો એકબીજા પર પોતાની પાર્ટીના સ્થાપકોની હત્યાના આરોપો મુકતા રહ્યા અને ચૂંટણીઓમાં બાંગલાદેશની જનતાએ જનાદેશ આપ્યો હોવાના દાવા સાથે દાયકાઓ સુધી બાંગલાદેશ પર વારાફરતી શાસન કર્યું. અને ચૂંટણીઓ જીતીને બંને બેગમોએ વર્ષ ૧૯૯૦થી ૨૦૨૪ સુધી શાસન સંભાળ્યું.
જનરલ ઝિયાઉરની હત્યા પછી બાંગલાદેશના સેના પ્રમુખ વર્ષ ૧૯૭૮માં ઝિયાઉર રહેમાનની હત્યા પછી કાવાદાવા કરીને અને વર્ષ ૧૯૮૨માં સૈન્ય વિદ્રોહ કરીને તે સમયની રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકારને બરખાસ્ત કરીને માર્શલ લો લગાડી દીધો હતો અને હુસૈન મુહમ્મદ ઈર્શાદે વિપક્ષના નેતાઓને જેલમાં પૂરીને પોતે સરમુખત્યાર બની ગયો હતો. જો કે, વૈશ્વિક દબાવ પછી વર્ષ ૧૯૮૩માં "જાતીય પાર્ટી" નામનો પક્ષ સ્થપાયો, તે સમયે શેખ હસીના અને ખાલિદા ઝિયાએ હાથ મિલાવ્યા અને ઈર્શાદ સામે આંદોલન કર્યું. વર્ષ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી થયેલા આંદોલન પછી સરમુખત્યાર બનેલા રાષ્ટ્રપતિ ઈર્શાદે રાજીનામું આપી દીધું, પરંતુ તે પછી બંને બેગમો વચ્ચે ફરીથી સીધી સ્પર્ધા શરૂ થઈ ગઈ, અને વર્ષ ૧૯૯૧ની ચૂંટણીઓમાં ખાલિદા જિયાને જનાદેશ મળ્યો તેથી તેઓ બાંગલાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા હતા.
ખાલિદા જિયાના પાંચ વર્ષના શાસન થી વિમૂખ થયેલી બાંગલાદેશની જનતાએ તે પછીની ચૂંટણીમાં શેખ હસીનાને જનાદેશ આપતા શેખ હસીના બાંગલાદેશના બીજા મહિલા વડાપ્રધાન બન્યા અને તે પછી વર્ષ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીઓ જીતીને લગભગ બે દાયકા સુધી બાંગલાદેશના વડાપ્રધાન રહ્યા અને વર્ષ ૨૦૨૪માં જેનઝેડ જેવા વિદ્યાર્થી આંદોલન પછી શેખ હસીનાએ દેશ છોડીને ફરીથી ભારતમાં રાજ્યાશ્રય લીધો છે. બીજી તરફ ચૂંટણીઓમાં ગરબડ કરીને શેખ હસીના સતત સામાન્ય ચૂંટણીઓ જીતતા રહ્યા હોવાના આક્ષેપો પણ થયા, બંને બેગમો તથા તેની પાર્ટીઓ વચ્ચે રાજકીય ફાઈટ ચાલતી રહી અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા રહ્યા, પરંતુ બંને બેગમો વચ્ચે ૧૯૯૦ના દાયકાથી અત્યાર સુધીની રાજકીય સ્પર્ધા દુશ્મનાવટમાં બદલી જાય, તેવા ઘણાં ઘટનાક્રમો પણ બન્યા હતા.
બન્યુ હતું એવું કે, વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૦૬ સુધી ફરીથી ખાલિદા જિયા સત્તામાં હતા, ત્યારે વર્ષ ૨૦૦૪માં શેખ હસીના પર થયેલા હિચકારા હૂમલામાં ઘણાં લોકોના જીવ ગયા, પણ શેખ હસીના બચી ગયા હતા. આ હૂમલો ખાલિદા જિયાના દીકરા તારીક રહેમાને કરાવ્યો હોવાનો આક્ષેપ શેખ હસીનાએ લગાવ્યો હતો. તે પછીની ચૂંટણી જીતીને વર્ષ ૨૦૦૬માં શેખ હસીના વડાપ્રધાન બન્યા પછી જેલમાં જવાના ડરથી ખાલિદા જિયાના પુત્ર તારીક રહેમાન વર્ષ ૨૦૦૮થી લંડન ભાગી ગયા હતા અને છેક તાજેતરમાં વચગાળાની સરકારના શાસનમાં પોતે સુરક્ષિત રહેશે, તેવું જણાતા તેઓ સ્વદેશ પરત ફર્યા, અને આગામી ફેબ્રુઆરીની ચૂંટણીઓમાં તેમની માતાની સ્થપાયેલી પાર્ટી બીએનપી જીતશે અને તારીક રહેમાન બાંગલાદેશનું શાસન સંભાળશે, તેવી અટકળો પણ થવા લાગી હતી, અને તે મુજબનો તખ્તો ગોઠવાઈ રહ્યો હતો.
આ દરમ્યાન લાંબા સમયથી બીમાર રહેલા ખાલિદા ઝિયાનું ગઈકાલે નિધન થઈ ગયું છે. વચગાળાની સરકારનું નેતૃત્વ કરતા નોબેલ વિજેતા મહમદ યુનુસના શાસનમાં હિન્દુઓ સહિત લઘુમતિઓ પર અત્યાચાર વધ્યા હોવાની બૂમરાણ તથા કટ્ટરવાદીઓ બેકાબૂ થયા હોવાના આક્ષેપો વચ્ચે તારીક રહેમાને બાંગલાદેશ સૌ કોઈનું છે એન બધાને સાથે લઈને ચાલવાની વાત કરી છે, બીજી તરફ શેખ હસીનાની પાર્ટી પર વચગાળાની સરકારે પ્રતિબંધ મુક્યો છે તથા ત્યાંની ટ્રિબ્યુનલો શેખ હસીનાને નરસંહારના કોઈ કેસમાં દોષિત ઠરાવીને ફાંસીની સજા જાહેર કરી છે, જેની સામે શેખ હસીનાએ વકીલ મારફત અપીલ કરી છે. શેખ હસીનાની પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાયો છે, તેની સામે પણ અવામી લીગે કાનૂની ઉપાયો કર્યા છે, તેથી નવા સમીકરણો રચાઈ રહ્યા છે.
પડોશી દેશમાં બે બેગમોના શાસનનો યુગ હવે ખતમ થઈ રહેલો જણાય છે. બાંગલાદેશમાં શેખ હસીના બેગમ અને ખાલિદા જિયા બેગમના સંઘર્ષ પછી હવે નવા સમીકરણો રચાઈ રહ્યા છે. ૮૦ વર્ષિય ખાલિદા ઝિયાના નિધન પછી સહાનુભૂતિની લ્હેર દોડે, અને તારીક રહેમાનને ચૂંટણીઓમાં ફતેહ હાંસિલ થઈ જાય, તો પણ તે પછીની સ્થિતિની અત્યારે કલ્પના કરવી અઘરી છે. એક તરફ શેખ હસીનાને શરણ આપનાર ભારત સાથે તારીક રહેમાનની વંશપરંપરાગત નફરત અને બીજી તરફ ખાડે ગયેલા બાંગલાદેશને ફરીથી બેઠુ કરવા તથા ત્યાંની લઘુમતીઓને વિધિવત પુનઃ સ્થાપિત કરવા માટે કટ્ટરપંથી પરિબળો પર અંકુશ લાવવાનો પડકાર પણ રહેવાનો છે. ખાલિદા જિયાના નિધન પછી બદલાયેલા સમીકરણો ભારત માટે કેવા રહેશે અને તારીક રહેમાનને જનાદેશ મળશે, તો તેઓ કેવું વલણ લેશે, તેની આજે વ્યાપક ચર્ચા થઈ રહી છે. બાંગલાદેશમાં લોકતાંત્રિક સત્તા પરિવર્તન સાથે શાંતિ સ્થપાશે કે હજુ વધુ બગાવત થશે, તેવા સવાલો ઊઠી રહ્યા છે, જોઈએ, શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial