Advertisement
Author: નોબત સમાચાર

અધિક માસ એટલે....

                                                                                                                                                                                                      

આજકાલ સોના ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા છે. અને એટલે જ જ્વેલર્સના ધંધામાં એકદમ મંદી ચાલે છે. હવે આવી આજની આ કારમી મંદીમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તો બળતામાં હોમવા જેવું કામ કર્યું છે. મોદી સાહેબે આમ જનતાને સીધી જ અપીલ કરી છે કે આજની આ વિકટ પરિસ્થિતિમાં કોઈએ પણ એક વર્ષ સુધી સોનું ખરીદવું નહીં...!

અને મોદી સાહેબની વાતને લોકો કેટલી હદે માને છે તે જાણવું હોય તો મમતા દીદીને પૂછો. હમણાં જ પૂરા થયેલા બંગાળના ઇલેક્શનમાં ફક્ત દસ રૂપિયાની ઝાલમૂડી ખાઈને આખું બંગાળ જીતી લીધું..!

હવે આવા કપરા સમયમાં અધિક માસ પણ આવ્યો. અધિક માસમાં સારા કાર્યો તો થાય નહીં એટલે હવે તો બસ મંદી જ મંદી. આને કહેવાય *દુકાળમાં અધિકમાસ.*

મારી તો બધાને એક જ સલાહ છે કે, હમણાં કોઈએ જ્વેલર્સને એમ પૂછવું નહીં કે, *અધિક માસ એટલે શું?* અથવા *અધિક માસ કેવો હોય?*

સાચું કહું તો અધિક માસ એટલે ઈશ્વર તરફથી આપણને મળતું એક મહિનાનું ફ્રી રિચાર્જ. અધિક માસ હોય એ વર્ષમાં તમને ૧૨ મહિના સામે એક મહિનો ફ્રીમાં મળે છે. પરંતુ તેમાં એક શરત પણ હોય છે કે આ ફ્રી માં મળતા મહિનામાં તમે લગ્ન જેવી જોખમી પ્રવૃત્તિ નહીં કરી શકો.

અધિક માસમાં બાળકો ઘણીવાર કન્ફ્યુડ થતા જોવા મળે છે. આ વર્ષે અધિક માસ વેકેશનના સમયે આવેલ છે. અને શક્ય છે કે આ વર્ષે વધું પડતી ગરમીને કારણે વેકેશન લંબાઇ પણ ખરું. પરંતુ તેના કારણે બાળકોને તો એવી જ લાગણી થશે કે અધિક માસના કારણે જ વેકેશન લંબાયુ છે. એટલે કે ઘણીવાર બાળકો એવું પણ વિચારે છે કે અધિક માસ છે એટલે અધિક પોકેટ મની મળશે, અધિક ફરવાનું મળશે, વગેરે વગેરે.

પરંતુ ઘણીવાર અધિકમાસના કારણે બાળકોને વેકેશનમાં તકલીફ પણ પડે. વધારાની પ્રાર્થના પણ કરવી પડે. ઘણીવાર વધારાના દર્શન કરવા જવાનું થાય ત્યારે રેગ્યુલર ફરવા જવાનું કે રમવાનું કેન્સલ પણ કરવું પડે.

અધિક માસમાં બાળકોના કન્ફ્યુઝડ થવાનું એક બીજું કારણ પણ છે, અને એ છે આપણી ખાવા પીવાની આદતો અને આપણો દંભ.

આપણે બાળકને શિખામણ દઈએ છીએ કે જમતી વખતે અન્નનો બગાડ નહીં કરવાનો, અન્ન દેવતાનું અપમાન નહીં કરવાનું. સાથે જ આપણે ઉપવાસ અને એકટાણા પણ કરીએ છીએ.

પરંતુ ઉપવાસના દિવસે જ આપણે ૨૧ જાતની વાનગીઓથી શોભતી ફરાળી ડીશ તૈયાર કરીએ છીએ. ભારતમાં ફરાળી ડીશનો અર્થ એક જ થાય છે કે, 'રોજિંદા નોર્મલ અને સાદા ખોરાકનો ત્યાગ અને તેના બદલે બી, બટેકા, ઘી, ખાંડ, વગેરેથી બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓની ડીશ.

૨૧ જાતની ફરાળી વાનગીઓનો રસથાળ ધરાવતી આ ફરાળી ડીશ એટલી બધી સ્વાદિષ્ટ હોય છે કે જમી લીધા પછી પણ દિલમાં ફરી ફરીને એક જ ઈચ્છા થાય છે કે, *યે દિલ માંગે મોર..'

તો ચાલો મિત્રો, ક્યારે બોલાવો છું મને તમારી સ્વાદિષ્ટ ફરાળી ડીશ ટેસ્ટ કરવા માટે ?

વિદાય વેળાએ : આપણે ભણેલા ગણેલા છીએ એટલે સરકારી નોકર છીએ. અને અભણ લોકોના હુકમ પ્રમાણે કામ કરીએ છીએ.

પરંતુ જો ભણ્યા ન હોત તો આપણે પણ સરકાર હોત. અને ભણેલા ગણેલા લોકો ઉપર હુકમ ચલાવતા હોત..!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh