ગામડાઓના ગરીબ પરિવારોને ઘેર રસોઈ ગેસના ચૂલા પ્રજ્જવલિતઃ પૂનમબેન માડમ

જામનગર તા. ૧૯ઃ સામાજિક-આર્થિક અને જાતિય વસતિ ગણતરી ર૦૧૧ ના અનુક્રમે જાહેર કરાયેલા બી.પી.એલ. પરિવારોના મહિલા સદસ્યને ગેસનું જોડાણ તેમના નામે નિઃશુલ્ક વિતરણ માટેની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો શહેરના ટાઉનહોલમાં સાંસદ પૂનમબેન માડમે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.

ગરીબ પરિવારોની મહિલાઓને ગેસ કનેક્શન એનાયત કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એલ.પી.જી. સબસિડી નહીં લેવાની એક અપીલના કારણે આજે લાખોની સંખ્યામાં ગરીબોના ઘરે ગેસના ચૂલા પ્રજ્જવલિત થયા છે, એ દેશવાસીઓની લાગણીઓ અને એક્તા પ્રતીક સમાન બાબત છે. ગામડાઓને સુખ સમૃદ્ધ બનાવવા કેન્દ્ર અને રાજ્યની સરકાર કટીબદ્ધ છે. દરેક ગામને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જે માટે માત્ર યોગ્ય દિશાની જ જરૃરત છે. આ યોજના જામનગર જિલ્લાની બહેનોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી રક્ષાબંધનની ભેટ છે.

આ તકે કલેક્ટર માકડિયાએ જણાવ્યું હતું કે, ગામડાના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખીને સરકારે વિવિધ યોજનાઓ આપી છે તેનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. મેયર પ્રતિભબેન કનખરાએ ઉપસ્થિત સૌ બહેનોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વિસ્તૃતમાં જાણકારી આપી અને ગેસ કનેક્શનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ગામની અનેક મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શનો સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, જિલ્લા વિકાસ અધિકારી મુકેશ  પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કર, શહેર અગ્રણીઓ, જામનગર ડિસ્ટ્રીક્ટ એલ.પી.જી. ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના સભ્યો તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

close
Ank Bandh
close
PPE Kit