ગુજરાત આયુ. યુનિવર્સિટીના આસી. રજિસ્ટ્રાર અને પ્રસિદ્ધ કવિ ડો. અશોક ચાવડા 'બેદિલ'નો વિદાય સમારંભ યોજાયો

જામનગર તા. ર૩ઃ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ષ ર૦૦૮ થી પી.આર.ઓ. તરીકે તેમજ વર્ષ ર૦૧પ થી આસીસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત્ અને ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ ડો. અશોક ચાવડા 'બેદિલ' રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે પસંદગી પામતા તેમણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી સ્વૈચ્છિક પદત્યાગ કરતા યુનિવર્સિટીના કુલપતિ ડો. સંજીવ ઓઝાના અધ્યક્ષસ્થાને તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.

ડો. અશોક ચાવડા 'બેદિલ'ને તાજેતરમાં રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ એનાયત થયો હતો ઉપરાંત તેઓ વર્ષ ર૦૧ર માં રાજ્ય સરકારનો 'યુવા ગૌરવ પુરસ્કાર' તેમજ વર્ષ ર૦૧૩ માં કેન્દ્ર સરકારના 'સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર'થી સન્માનિત થઈ ચૂક્યા છે તેમજ વર્ષ ર૦૧૪ માં રાજ્ય સરકારના 'દાસી જીવણ એવોર્ડ' પણ તેમના યશમૂગટમાં ઝળહળે છે.

સાહિત્ય ક્ષેત્રે કવિતા, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદન, સ્ક્રીપ્ટ લેખન વગેરે સ્વરૃપોમાં પ્રતિબદ્ધતાપૂર્વક કાર્યરત ડો. અશોક ચાવડા 'બેદિલ' ગત્ વર્ષે 'રાઈટર્સ ઈન રેસીડન્સ' કાર્યક્રમ અંતર્ગત ૧પ દિવસ રાષ્ટ્રપતિ ભવનમાં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અતિથિ બનવાનું ગૌરવ પણ ધરાવે છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વર્ષ ર૦૦૮ માં તત્કાલીન કાર્યકારી કુલપતિ પ્રો. એમ.એસ. બધેલના કાર્યકાળ દરમિયાન જોડાયેલ ડો. અશોક ચાવડાએ અનુક્રમે એમ.એલ. શર્મા, પદ્મ શ્રી વૈદ્ય રાજેશ કોટેચા તથા ડો. સંજીવ ઓઝાના કાર્યકાળમાં પી.આર.ઓ. તથા આસીસ્ટન્ટ રજિસ્ટ્રારના મુખ્ય પદભાર ઉપરાંત સેનેટ સિન્ડિકેટ સેક્શનના ડેપ્યુટી રજિસ્ટ્રાર, યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલના કન્વેનર, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર ગુજરાતના ડો. ઓર્ડીનેટર, યુનિવર્સિટીના નોડલ ઓફિસર, યુનિવર્સિટીના એસ.સી.-એસ.ટી. સેલના લાઈઝન ઓફિસર તથા સેક્રેટરી, રેગિંગ સ્ક્વોડના ઓ-ઓર્ડીનેટર વગેરે ભૂમિકાઓ પણ વિવિધ સમયગાળામાં પ્રતિબદ્ધતાપૂર્વક નિભાવી છે.

વિદાય સમારંભમાં ડો. અશોક ચાવડા 'બેદિલ'એ પોતાના કાર્યકાળ દરમિયાન કુલસચિવ આર.એમ. ઝાલાના માર્ગદર્શનનો ઋણસ્વીકાર કરી યુનિવર્સિટીના કુલપતિ ડો. સંજીવ ઓઝા અને તેમના ત્રણેય પૂર્વ કુલપતિઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે કુલપતિ ડો. સંજીવ ઓઝાએ ડો. અશોક ચાવડા 'બેદિલ'ની વહીવટી કુશળતા તેમજ કાવ્યપ્રતિભા બન્નેની પ્રશંસા  કરી હતી. ડો. અશોક ચાવડા 'બેદિલ'ના વતન ગમનથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને પ્રતિબદ્ધ અધિકારીની ખોટ પડી છે અને સાથે જ જામનગરના સાહિત્ય જગનને પણ ઉત્તમ સર્જકના સાંનિધ્યની ખોટ સાલશે. યુનિવર્સિટીના સ્ટાફ ઉપરાંત સ્થાનિક સાહિત્યકારોએ ડો. અશોક ચાવડા 'બેદિલ'ને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી ત્યારે ડો. અશોક ચાવડા 'બેદિલ'એ જામનગર સાથેનો સંબંધ સદાય અવિસ્મરણિય રહેવાની લાગણી અભિવ્યક્ત કરી હતી.

close
Ank Bandh 26 January
close
PPE Kit