સેલવાસમાં વડાપ્રધાન બોલ્યા મહાગઠબંધન મોદી વિરૃધ્ધ નહીં દેશના લોકો વિરૃદ્ધ છે / મહારેલીમાં મમતા બેનર્જીના સ્ટેજ પરથી શત્રુધ્ન સિંહા બોલ્યા સાચુ બોલવું બળવાખોરી કહેવાય તો હું છું બળવાખોર /હાસ્ય લેખક તારક મહેતાના નિધન પછી તેમના પત્ની ઈન્દુ તારક મહેતાનું ૭પ વર્ષની વયે નિધન / યુએસમાં આવ્યું બ્લોક બસ્ટર વાવાઝોડુંઃ કેલિફોર્નીયામાં નિપજયાં પ વ્યક્તિના મૃત્યુઃ ૧૦ કરોડ લોકો પર જોખમ / ર૩૭ પેસેન્જર સાથે ગુમ થયેલા એમએચ- ૩૭૦ પ્લેનનો ભેદ ઉકેલાશે? પ્લેન ક્રેશ થયાનો વડિયો મળ્યો /

ઈમાન વગરની ઈબાદત અધુરીઃ સંતોષ વગરની સમૃદ્ધિ અધુરી

એક દોસ્તે ક્યાંક સોશ્યલ મીડિયામાં ફરતા એક મેસેજ વાંચ્યો, જેનો મતલબ કાંઈક એવો હતો કે, 'દરેક વ્યક્તિ વેંચાય છે અને તેની મજબૂરી મુજબ તેના ભાવ હોય છે...!'

આ વાતમાં અર્ધસત્ય જણાયું. દરેક વ્યક્તિ માત્ર મજબૂરીના કારણે જ વેંચાતી હોતી નથી. માનવીની લાલચ પણ વ્યક્તિને વેંચાવા પ્રેરતી હોય છે. લાલસા જ્યારે સંતોષ પર હાવી થઈ જાય, ત્યારે ઘણી વખત કરોડોપતિ પણ વેંચાઈ શકતા હોય છે.

તાજેતરમાં કર્ણાટકમાં કેટલાક ધારાસભ્યોની રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટેની સોદાબાજીના સ્ટીંગ ઓપરેશનો થયા તે પહેલા ઉત્તરાખંડમાં પણ આ જ પ્રકારે રાજકીય પક્ષો દ્વારા ધારાસભ્યોના ખરીદ-વેંચાણની વાતો થઈ હતી. બે-અઢી દાયકા પહેલા ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદો વેંચાયા હોવાનું પૂરવાર થયું હતું. હવે વિચારવા જેવું છે કે જે ધારાસભ્યો-સંસદસભ્યો વેંચાતા હોય તો તે બધા શું ગરીબ હોય છે...? તેને કઈ મજબૂરી પોતાની વફાદારીને વેંચવા પ્રેરે છે...? દેખીતી રીતે આવા કથિત ખરીદ-વેંચાણા પાછળ લાલચ જ હોય છે. વેંચનાર વ્યક્તિની વધુને વધુ નાણા કમાવાની લાલચ હોય છે, અથવા પાર્ટી માટે ફંડ એકત્ર કરવાની લાલચ હોય છે, તો ખરીદનારની ચૂંટણી જીતવાની લાલચ જવાબદાર હોય છે. ભૂતકાળમાં 'તહેલકા'ના સ્ટીંગ ઓપરેશનમાં એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ નાણા લેતા પકડાયા, ત્યારે પક્ષ માટે ફંડ મેળવવાની દલીલ થઈ હતી, પરંતુ તે અનૈતિક જ કહેવાય. આ બધા પ્રકારના ખરીદ-વેંચાણ પાછળ લાલચ જ હોય છે, જો કે તે પાર્ટીના અધ્યક્ષને પ્રમુખ પદેથી હાંકી કઢાયા અને પછીથી હાંસિયામાં ધકેલાઈ ગયા, તે અલગ વાત છે.

હાલમાં પાક રમજાન મહિનો ચાલી રહ્યો છે. રમજાનમાં રોઝાનું મહત્ત્વ છે, તેમાં કહેવાયું છે કે રોઝા એટલે માત્ર ભૂખ્યા-તરસ્યા રહીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય પસાર કરવો એટલો જ મતલબ નથી, પરંતુ રોઝા દરમિયાન ઈબાદતની સાથે ઈમાન રાખવું જરૃરી છે. આ વ્રત કરતી વખતે 'તકવા' એટલે કે સંયમ રાખવો જરૃરી છે, એટલે કે કોઈપણ ખોટું કે ખરાબ કૃત્ય કરવું, ખોટું બોલવું-સાંભળવું કે વિચારવું એ પણ અયોગ્ય ગણાવાયું છે. રોઝા રાખનાર પવિત્ર અને સંયમી હોય છે, અને ઈમાન રાખીને આ વ્રત કરે છે, અથવા ઉપવાસ કરે છે. એમ કહેવાય છે કે ઈમાન વગરની ઈબાદત અધુરી છે. એટલે કે પ્રામાણિક્તા વગરની પ્રાર્થના અધુરી છે. રોઝાની સાથે ઝકાત અને ખેરાત પણ જરૃરી ગણાવાયા છે. સત્કાર્યો માટે ઝકાત અને ગરીબ-જરૃરતમંદોને મદદ માટે ખેરાત કરવામાં આવે છે. આ બધાનો સરવાળો એ છે કે રમઝાન મહિનાના રોઝાના માધ્યમથી માનવતા પ્રગટે છે.

આ જ પ્રકારના સિદ્ધાંતો લગભગ દરેક ધર્મમાં છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ આવો જ સંદેશ સમાયેલો છે. બાઈબલ, ગુરુગ્રંથ સાહેબ કે ખ્રિસ્તી, યહુદ્દી, પારસી સમુદાયના ધાર્મિક ગ્રંથોમાં પણ કાંઈક આવો જ સંદેશ કોઈકને કોઈક સંદર્ભમાં પ્રગટ થયો છે.

આ જ રીતે વિવિધ વિચારકો અને શાસ્ત્રો-ગ્રંથોમાં એવું કહેવાયું છે કે સંતોષ વગરની સમૃદ્ધિ અધુરી છે. આજે દરેક વ્યક્તિને પોતે જે કાંઈ મેળવે છે અથવા કમાય છે તેમાં સંતોષ નથી. માનવીની અંદર પડેલી લાલસા અને પ્રગતિ કે સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા હોવી, તેમાં તફાવત છે. આ સુક્ષ્મ ભેદરેખા સામાન્ય રીતે સમજાય તેવી નથી. હજારો કમાતી કોઈ વ્યક્તિને લાખો રૃપિયા કમાવાની ઈચ્છા થાય, તો તેમાં કાંઈ ખોટું નથી. કરોડપતિ વ્યક્તિને અબજોપતિ થવાનું સ્વપ્ન હોય, તો તેમાં પણ કાંઈ ખોટું નથી, પરંતુ તેના માટે અપનાવવામાં આવતો માર્ગ તેની યોગ્યતા નક્કી કરે છે. કોઈપણ વ્યક્તિ પરિશ્રમ કરીને, જ્ઞાન-કૌશલ્યનો ઉપયોગ કરીને અને પોતાનું ક્ષેત્ર વધુને વધુ વિક્સાવીને વધુ કમાઈ શકે છે, પરંતુ માનવી જ્યારે અનૈતિક કે અયોગ્ય શોર્ટકટ અપનાવીને વધુને વધુ નાણા મેળવવા કે સંપત્તિ મેળવવા પ્રેરાય, ત્યારે તે પ્રકારની પ્રવૃત્તિની ઈચ્છા થવી તેને લાલસા કહી શકાય. પ્રગતિ કે સામર્થ્ય અથવા સમૃદ્ધિ મેળવવાની પ્રબળ ઈચ્છા અને લાલસામાં અહીં તફાવત છે, જે સુક્ષ્મ છે.

રાજકીય ક્ષેત્રે પ્રજાના પ્રતિનિધિઓના ખરીદ-વેંચાણના મામલા વધુ પ્રકાશમાં આવે છે. જે ધારાસભ્યો, સંસદસભ્યો કે કોઈપણ પદાધિકારી જો આ રીતે સોદાબાજીનો ભોગ બનતા હોય, તો તેમાં તેની મજબૂરી ક્યાં હોય છે...? અત્યાર સુધી કથિત રીતે આવા ખરીદ-વેંચાણમાં જેના નામ ઉછળ્યા હોય, તેમાં ભાગ્યે જ કોઈને નાણાકીય તંગી કે ગરીબી હશે. મોટાભાગના કરોડપતિ હશે, પરંતુ લાલસા તેને મજબૂર કરતી હશે, તેમ માની શકાય.

આ પ્રકારે માત્ર કોઈ પક્ષ-વિપક્ષ કે સરકાર પ્રત્યેની વફાદારી જ નહીં, પરંતુ ઈમાન પણ વેંચાઈ જતું હોય છે, અને આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા પછી બેઈમાનીનો ધબ્બો લાગે છે. આ પ્રકારના તમામ કિસ્સા સાચા જ હોય, તેમ માની લેવું પણ ભૂલભરેલું છે, અને ઘણી વખત ખોટા આક્ષેપો પણ થતા હોય છે, પરંતુ આ પ્રકારની 'ઉધઈ' આપણા રાજકારણમાં સર્વત્ર ઘૂસી ગઈ છે, તે વાતનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

હમણાં હમણાં ગુજરાતમાં મોટા મોટા અધિકારીઓ મસમોટી લાંચ લેતા ઝડપાવા લાગ્યા છે. તેમાં પણ 'લાલસા' જ જવાબદાર હોય છે. માનવીની અંદર સંતોષને દબાવી દેતી લાલસા અથવા લાલચ લાંચ-રૃશ્વત માટેની પ્રેરણા આપે છે. જે મોટા મોટા અમલદારો પકડાઈ રહ્યા છે, તેને ત્યાંથી મળતી કરોડો-લાખોની સંપત્તિ જ એ વાતને પ્રમાણિત કરે છે કે માનવી મજબૂરીમાં જ વેંચાતો હોય તે જરૃરી નથી, પરંતુ મોટા ભાગે લાલસાના કારણે વેંચાઈ રહ્યો હોય છે.

'ઈમાન' શબ્દ એક રીતે ઈશ્વરને પામવાની નિસરણી છે. નાસ્તિકો પણ ઈમાનદાર હોઈ શકે છે, પરંતુ દરેક આસ્તિકો ઈમાનદાર જ હોય છે, તેવું પણ નથી, તેથી 'ઈમાન'નો અંદેશ દરેક ધર્મો તો આપે જ છે, પરંતુ વાસ્તવમાં 'ઈમાન' એક એવો શબ્દ છે, જેને સ્વીકારવો, પચાવવો કે જીવનમાં ઉતારવો એ બહુ હિંમતનું કામ છે. દરેક વ્યક્તિ ઈમાનદાર હોતી નથી, તેવી જ રીતે દરેક વ્યક્તિ બેઈમાન પણ હોતી નથી.

ખૂબ જ સમૃદ્ધ, શ્રીમંત અને ધનાઢ્ય વ્યક્તિઓમાં ઈમાન જ હોતું નથી, તેમ કહેવું તદ્ન ખોટું છે, તેવી જ રીતે દરેક ગરીબ કે આર્થિક રીતે નબળી વ્યક્તિને મજબૂરીમાં ઈમાનદારી વેંચવી પડે, તેમ માનવું પણ ભૂલ ભરેલું છે. એવા અનેક દૃષ્ટાંતો મળી આવશે, જેમાં જાનના જોખમે પણ ઘણી વ્યક્તિ ઈમાન વેંચવા તૈયાર થતી નથી. સંતોષી વ્યક્તિને ઈમાન વેંચવાની જરૃર જ પડતી નથી અને લાલચુ વ્યક્તિને તો ઈમાનની કોઈ કિંમત ભાગ્યે જ હોય છે. લાલચ એવી બૂરી બલા છે, જે માનવીની અંદર રહેલા સંતોષ નામના સદ્ગુણની હત્યા કરી નાંખે છે.

આ સાપસીડીની રમત જેવા તર્કોની પાછળ ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે જીવનમાં થોડું-ઘણું મેળવી લીધું કે કમાઈ લીધું એટલે નિષ્ક્રિય થઈ જવાને સંતોષ કહી શકાય નહીં, પરંતુ સારા કે યોગ્ય માર્ગે પરિશ્રમ દ્વારા વધુને વધુ સમૃદ્ધિ મેળવવાની સાથે સાથે કોઈપણ સંજોગોમાં અનૈતિક, ગેરકાનૂની કે અયોગ્ય માર્ગે 'શોર્ટકટ'થી નાણા કમાવાથી દૂર રહેવાની વૃત્તિને કદાચ સંતોષ કહી શકાય. 'સંતોષ' શબ્દ તાર્કિક દૃષ્ટિએ આર્થિક કે વ્યક્તિત્વના વિકાસનો અવરોધક નથી, પરંતુ પ્રેરક છે. દરેક સફળ વ્યક્તિની પાછળ કોઈ સંતોષી વ્યક્તિત્વની પ્રેરણા હોય છે. કોઈ બેંક લૂંટીને, સ્વયં ઈમાન વેંચીને, ગેરકાનૂની કામો કરીને કે ગુન્હા કરીને મેળવેલી સમૃદ્ધિ ક્યારેય સંતોષ આપતી નથી, પરંતુ યોગ્ય માર્ગે પરિશ્રમ કરીને મેળવેલી થોડી-ઘણી કમાણી પણ સુખચેન અને સંતોષની અનુભૂતિ કરાવે છે, તે હકીકત છે.

ચૂંટણી પંચના હાથમાં બુઠ્ઠી તલવાર...!

ચૂંટણીઓમાં વધતા જતા નાણાના પ્રભાવ અને પ્રજાના પ્રતિનિધિઓના પણ ખરીદ-વેંચાણના થતા સોદાઓના સ્ટીંગ ઓપરેશનો પછી ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને કડક કાયદો બનાવવા અનુરોધ કર્યો હોવાના અહેવાલો છે. વાસ્તવમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના અમલ દરમિયાન ચૂંટણી પંચ માત્ર નોટીસો આપવી, ખુલાસા માંગવા અને વધુમાં વધુ લોક-પ્રતિનિધિત્વ ધારા હેઠળ નાની-મોટી પોલીસ ફરિયાદો નોંધાવવાથી આગળ વધી શકતું નથી, અને ચૂંટણી પૂરી થયા પછી ચૂંટણી દરમિયાન થયેલા કેસોમાં કોઈને રસ હોતો નથી, અને કોઈ મોટી સજા પણ થતી નથી. ચૂંટણી પંચે કાનૂન મંત્રાલયને એવો કાયદો ઘડવાનું કહ્યું હોવાનું સમજાય છે, જેમાં ચૂંટણી પંચને રાજકીય પક્ષો અને ઉમેદવારો સામે સીધા કડક પગલાં લેવાની કોઈ સત્તાઓ મળે. દૃષ્ટાંત તરીકે સામાન્ય ચૂંટણીઓ હોય કે રાજ્યસભા, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જેવી પરોક્ષ ચૂંટણીઓ હોય, જ્યાં ચૂંટણી પંચને નાણાની ગેરકાનૂની લેવડદેવડના તથ્યો મળે તો પુરાવાના આધારે ચૂંટણી પંચ નિર્ધારીત થયેલી ચૂંટણીઓ રદ કરી શકે. ખરેખર તો ચૂંટણી પછી પણ જે ઉમેદવાર કુંડાળા કરીને કે મની-મસલ્સ પાવરથી જીત્યો હોય તેવું પૂરવાર થાય તો તેની ચૂંટણી રદ કરી દેવાની સત્તાઓ પણ ચૂંટણી પંચને આપવી જોઈએ. હાલમાં બુઠ્ઠી તલવારથી લડતું ચૂંટણી પંચ પોતે જ સક્ષમ જણાતું નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00