Advertisement
Author: નોબત સમાચાર

બસોની અવર-જવરના વૈકલ્પિક માર્ગો તથા પાર્કિંગ સ્થળો અંગે તંત્રનું ભેદી મૌન!

પ્રદર્શન ગ્રાઉન્ડના હંગામી એસ.ટી. બસ ડેપોમાંથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના અડધા પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન જ અત્યારે તો ચકડોળે ચડી ગયું છે. ૧૦ મી ઓગસ્ટથી પ્રારંભ થવાની શક્યતા ઉપર પાણી ફરી વળ્યું છે. અદાલતમાં રાજ્ય સરકારે જાહેર કરેલ તમામ એસઓપીનું કડકપણે પાલન કરીને જ, ફાયર સેફ્ટી, મશીન મનોરંજનના ફીટનેસ, વીજજોડાણ, સ્વચ્છતા, પોલીસ વિભાગ વિગેરે અંગે ચોક્કસાઈ સાથેના એનઓસી અને છેલ્લે સૌથી મહત્ત્વના એવા પરફોર્મન્સ લાયસન્સને મહાનગરપાલિકા રજૂ કરશે પછી જ મેળાને મંજુરી મળી શકશે તેવું હાલ જણાય રહ્યું છે, અને ત્યાં સુધી સેસન્સ કોર્ટનો હંગામી મનાઈ હુકમ તો અમલમાં છે જ.

આ તમામ બાબતો સાથે સૌથી મોટો પ્રશ્ન પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ ર૪ કલાક ધમધમતા હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડમાં એસ.ટી.ની બસો, ઉતારૂઓ, રિક્ષાઓ, ખાનગી વાહનોની અવરજવર માટેની વ્યવસ્થાનો છે.

લોકમેળાના આયોજનની જાહેરાત થઈ, પ્લોટોની હરાજી થઈ, ગ્રાઉન્ડમાં તૈયારીઓ થઈ, તેમ છતાં આજ દિવસ સુધી હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડમાં એસ.ટી. બસોની અવરજવર માટે વૈકલ્પિક રૂટોની કોઈ કરતા કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

મ્યુનિ. કમિશનર અથવા જિલ્લા કલેક્ટરે સત્તાવાર રીતે જાહેર જનતાની જાણકારી માટે તેની સંપૂર્ણ વિગતો જાહેરનામા તરીકે મીડિયામાં પ્રસિદ્ધ કરાવવી જોઈએ, પણ... ગમે તે કારણ હોય... આ અતિ ગંભીર સમસ્યા સર્જે તેવા પ્રશ્ન અંગે, ટ્રાફિકની વ્યવસ્થા અંગે ઉચ્ચ અધિકારી શા માટે મોઢે તાળા મારીને બેઠા છે તે સમજાતું નથી. તેમાં વળી કોઈ કોઈ પોતાને મનફાવે તેમ રૂટની વિગતો બહાર પાડ્યે રાખે છે સરકારી તંત્ર કે મનપા આવી હરકતો પ્રત્યે પણ ચૂપ છે.

આ ઉપરાંત પાર્કિંગના સ્થળો અંગે પણ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ડીસીસીના ગ્રાઉન્ડમાં તો રહી રહીને બાલમંદિરનું બિલ્ડીંગ જુનુ છે તેવું બહાનું આગળ ધરીને રાતોરાત તોડી નાખવાની કાર્યવાહી કરી દેવામાં આવી... આ સ્થળ સુધી વાહનચાલકો ક્યાંથી આવ-જા કરશે તેની જાણ જો સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ થશે.

એસ.ટી. બસો માટે જે વૈકલ્પિક રૂટ વિચારાય કે નક્કી થાય, તે માર્ગો પર મેળા શરૂ થાય તે પહેલા જ 'ટ્રાયલ રન' કરાવી લેવા જોઈએ. તહેવારો સિવાયના દિવસોમાં આ વ્યવસ્થા કેટલી અસરકારક કે ઉપયોગી કે પછી ત્રાસદાયક બને છે તે નક્કી થઈ શકે... એટલું જ નહીં, ૧પ/૮ થી ૧૯/૮ સુધીના જન્માષ્ટમીના પાંચ દિવસના મોટા મેળા દરમિયાન આ વૈકલ્પિક રૂટો પર અવરજવરને કોઈ અડચણ થશે કે નહીં તે પણ નક્કી થઈ શકે.

આ તમામ બાબતો લોકોના જાન-માલની સલામતિ માટે, લોકો આપણા પરંપરાગત લોકમેળાનો ભરપૂર આનંદ માણી શકે અને મેળો માણનારા, એસ.ટી. બસની અવરજવર, એસ.ટી.ના ઉતારૂઓ તથા શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવા માટે તંત્રનું ધ્યાન દોરવાનો હેતુ છે.

અખબારી અહેવાલો કે રજૂ થતા સૂચનો-પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના શાસકો, પદાધિકારીઓ અત્યારે તો આંખ આડા કાન ભલે કરે... પણ પ્રજાની સલામતીને પ્રાથમિક્તા આપવા જેટલી સતર્કતા દર્શાવે તો સારૂ.

મેળા શરૂ થાય તે પહેલા જ રાઈડ્સવાળાના ગોરખધંધા

મેળાના આયોજન અંગે વિવાદ જાગ્યો છે. મેળાનો આરંભ ક્યારે થશે તે નક્કી નથી. તેમ છતાં અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં કોઈપણ જાતની મંજુરી/લાયસન્સ વગર અલબત, મેળાની આગોતરી તૈયારીરૂપે નાની-મોટી રાઈડ્સ ખડકાઈ ગઈ છે. તેમાં મનપા તંત્રની મીઠી નજર હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ હરાજીમાં લીધેલા પ્લોટમાં મોટી રાઈડની બાજુમાં નાની રાઈડ, પોપર્કોર્નના કાઉન્ટર વિગેરે ખડકાઈ રહ્યા છે. હરાજીના નિયમોના ભંગ કરવા સાથે મેળા દરમિયાન સલામતિ અંગે પણ જોખમ ઊભું કરવાના ગોરખધંધા ચાલુ થઈ ગયા છે.

અડધા પ્રદર્શન મેદાનમાં ખાલી રહેલી/દર્શાવેલી જગ્યાઓમાં પણ ચાલુ મેળામાં નાની રાઈડ્સ, અન્ય ધંધાવાળા બિન્દાસપણે ગોઠવાઈ જવાના કિસ્સા દર વર્ષે બને છે. એક વર્ષે તો ખાલી દર્શાવેલી જગ્યામાં એસ્ટેટ વિભાગના તત્કાલિન એક અધિકારીની ભાગીદારી સાથે આખેઆખો અને ગેરકાયદે વિશાળ મોતના કૂવો ઊભો કરી મેળામાં લાખોની કમાણી કરી લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh