Advertisement
Author: નોબત સમાચાર

ગુંદમોરામાં યુવાનની એકતરફી પ્રેમના કારણે હત્યા થયાનો રિમાન્ડમાં આરોપીઓનો ઘટસ્ફોટ

બનાવના દિવસે બે યુવતી અને તેના પિતાએ ગુણીયું ઓઢાડી તિક્ષણ પદાર્થ ઝીંક્યો હતોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૫: ખંભાળિયાના ગુંદમોરા ગામમાં ગયા રવિવારે એક સતવારા યુવાનની થયેલી હત્યામાં પોલીસને રિમાન્ડ દરમિયાન હત્યાનું કારણ જાણવા મળ્યું છે. પોતાની પિતરાઈ બહેન કહી શકાય તેવી યુવતીના એકતરફી પ્રેમમાં આ યુવાને જીવ ગૂમાવ્યો હોવાનું બહાર આવી રહ્યું છે. બનાવના દિવસે તે યુવતીના ઘેર ધસી ગયેલા આ યુવાન પર તે યુવતીએ ઉશ્કેરાઈને હુમલો કર્યા પછી તે યુવતીની બહેન તથા પિતાએ ગુણીયુ ઓઢાડી ગળાટૂંપો આપવા ઉપરાંત માથામાં તિક્ષણ પદાર્થ ફટકારી આ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના રામનગરના ગુંદમોરા વાડી વિસ્તારમાં રહેતા અને સગા કાકા-મોટા બાપાના ભાઈ-બહેન દ્વારા તેના કુટુંબી ભાઈની હત્યા કરાઈ હતી. તે બનાવ અંગેની ડીવાયએસપી વિસ્મય માનસેતા દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે ઝડપાયેલા આરોપી પ્રૌઢ તથા તેની બે પુત્રીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો જાહેર થઈ છે.

આ પ્રકરણમાં જશવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા (ઉ.વ.રપ)ની હત્યા થઈ હતી. તેના આરોપમાં પિતાના કાકા રવજીભાઈ ચોપડા તથા તેની બે પુત્રી કિરણ રવજીભાઈ અને કાજલ રવજીભાઈની ધરપકડ કરાઈ હતી. હત્યાના કારણ અંગે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં ખૂલ્યા મુજબ બે વર્ષ પહેલાં જ જશવંતના લગ્ન અન્ય એક યુવતી સાથે થયા હતા. તેમ છતાં પોતાની પિતરાઈ બહેન થતી કિરણને જશવંત એકતરફી પ્રેમ કરતો હતો અને તેના વીડિયો બનાવી બ્લેકમેઈલીંગ કરી જશવંતે અઘટિત માગણી પણ કરી હતી.

બનાવના દિવસે જશવંત તેણીના ઘેર પહોંચ્યો હતો જ્યાં ઉશ્કેરાયેલી કિરણે તેના પર હુમલો કર્યાે હતો અને મદદમાં આવેલા કાજલ તથા પિતા રવજીભાઈએ જશવંતના ગળામાં ગુણીયુ પહેરાવી તેના વડે ટૂંપો આપી દીધો હતો અને માથામાં તિક્ષણ પદાર્થનો ઘા ઝીંકી દેતા જશવંતની હત્યા થઈ ગઈ હતી.

ઉપરોક્ત બનાવમાં પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટ પણ મંગાવાઈ રહ્યા છે. ઈન્ચાર્જ પીઆઈ નિકુંજ જોષી, પીએસઆઈ જાદવ તથા પોલીસ ટૂકડી વિશેષ તપાસ કરી રહી છે. હત્યાના આ બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની સેવાઈ રહેલી શંકા ખરી પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh