Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રિમે કોની ઝાટકણી કાઢી ?

                                                                                                                                                                                                      

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાના મુદ્દે અપીલ થતા જિલ્લા અદાલતમાં લાંબી સુનાવણી થઈ અને ગઈકાલે હંગામી સ્ટે મળ્યો ત્યારથી આજ સવાર સુધી આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જનમત અને પ્રેસ-મીડિયા પછી હવે અદાલતની અટારી સુધી પહોંચેલો શ્રાવણી મેળાનો મુદ્દો એટલો તો ચગડોળે ચડયો છે કે લોકોમાં આશંકાઓની આંધી ઉઠી અને અટકળોનું બજાર ગરમ થયા પછી આ અંગે આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે ને !

હવે અદાલતોએ પણ તંત્રોને આયનો દેખાડીને કાન મરડવા પડી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પણ વિવિધ પ્રજાકીય પ્રશ્ને અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત સરકારનો કાન આમળતી રહે છે, અને કેટલીક સુનાવણી દરમ્યાન આકરી ટિપ્પણીઓ સાથે કેટલાક દિશા-નિર્દેશો પણ આપતી રહે છે. સુપ્રિમકોર્ટ પણ વખત આવ્યે સરકારી તંત્રો, સિસ્ટમ અને મોટા માથાઓને સાંકળીને તીખી ટિપ્પણીઓ કરીને તટસ્થ સખ્તાઈ દર્શાવતી હોય છે, અને જનહિત, બુનિયાદી સમસ્યાઓ તથા સિસ્ટોમેટિક દૂષણો સામે લાલ આંખ પણ કરતી હોય છે. ઘણી વખત આ કારણે સંસદ, વધેયિકા અને ન્યાયતંત્ર વચ્ચે સમન્વય અને સત્તામર્યાદાના સવાલો પણ ઉઠતા હોય છે, પરંતુ ભારતના ન્યાયતંત્રે હંમેશાં લોકલક્ષી, તટસ્થ અને ન્યાયિક વલણ દાખવ્યું હોવાની લોકોમાં વિશ્વસનિયતા ઊભી કરે છે. ભારતનું ન્યાયતંત્ર હાઈકોર્ટના ન્યાયાધિશ કક્ષાની હસ્તીને પણ કસુર થયે બક્ષતું નથી, તેનું તાજુ દૃષ્ટાંત જેના ઘરમાંથી બળેલી ચલણી નોટોનો જંગી જથ્થો મળી આવ્યો હતો, તે જસ્ટિસ વર્માનો કેસ છે. આ કેસમાં સુપ્રિમકોર્ટે રચેલી સમિતિએ જસ્ટિસ વર્માને દોષિત ઠેરવ્યા પછી હવે સંસદમાં મહાભિયોગ પસાર કરવાની જવાબદારી સરકાર અને વિપક્ષો એટલે કે સંસદની છે, પરંતુ ન્યાયતંત્રે પોતાને મળેલો વિશષાધિકાર વાપરીને તટસ્થ તપાસ કરીને બંધારણીય ધોરણે કડક કદમ ઉઠાવ્યા છે, તે ભારતીય ન્યાયતંત્રની ઉચ્ચકક્ષાએ જળવાઈ રહેલી ન્યાયસંગત અને તટસ્થ ન્યાયપ્રણાલિ પુરવાર કરે છે. જો ભૂલ થઈ જાય તો તે સ્વીકારી લેવાની ક્ષમતા પણ ન્યાયતંત્રમાં છે, જે સામાન્ય રીતે રાજકીય પક્ષોમાં હોતી નથી.

વિપક્ષના નેતાઓ અવારનવાર મોદી સરકાર પર એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપો કરતા રહે છે અને સી.બી.આઈ., ઈ.ડી., અને આઈ.ટી. જેવી એજન્સીઓ સરકારના ઈશારે માત્ર વિપક્ષના નેતાઓને જ નિશાન બનાવી રહ્યા હોવાના આક્ષેપો થતા રહે છે, અને તપાસ એજન્સીઓ દ્વારા થતી કાર્યવાહીને લઈને ઘણી વખત અદાલતો પણ ટકોર કરતી રહે છે. એવા ઘણાં દૃષ્ટાંતો છે, જેમાં સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવીને એજન્સીઓને પણ તતડાવી હોય.

તાજુ દૃષ્ટાંત વિજય મદનલાલ ચૌધરીના કેસમાં સુનાવણી દરમ્યાન ઈ.ડી. ને લઈને સુપ્રિમકોર્ટે વ્યક્ત કરેલી ચિંતાનું છે. આ સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે ઈ.ડી.ની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, અને કાનૂની મર્યાદાઓમાં રહીને કામ કરવાની તાકીદ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા હાથ ધરાતા કેસોમાં ગુનો સાબિત થવાનું પ્રમાણ માત્ર ૧૦ટકા જેટલું જ હોવાનું આંકડાઓ સાથે જણાવાયુ હોય, તો ઈ.ડી. જેવી બંધારણીય એજન્સી માટે શરમજનક ગણાય.

સર્વોચ્ચ અદાલતે આ તપાસ એજન્સીની ઈમેજ ખરડાઈ રહી છે, તે અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું પડે, ધૂર્તતા કે ચાલાકી ચાલે નહીં. ઈ.ડી.એ દાખલ કરેલા મનીલોન્ડીંગના માંડ ૧૦ટકા કેસો જ પુરવાર થયા હોય, ત્યારે ઈ.ડી.ને સાક્ષીઓ તથા આધાર-પૂરાવા અને પ્રક્રિયા પર વધુ કામ કરવાની જરૂર છે, અને કાયદાની મર્યાદામાં પરંતુ સચોટ કેસ બનાવવો જોઈએ, જેથી દોષિતો છુટી ન જાય અને નિર્દોષને લાંબો સમય વિના કારણે જેલમાં વિતાવવો ન પડે.

આ કેસમાં ઈ.ડી.એ કરેલી એક દલીલે અદાલતમાં આશ્ચર્ય ઉભું કરી દીધું હતું. ઈ.ડી. તરફથી એેવી દલીલ થઈ કે ધનાઢય આરોપીઓ મોંધી ફી ખર્ચીને મોટા મોટા વકીલો રોકીને બચી જાય છે, ત્યારે અદાલતે ટકોર કરી કે ઈ.ડી. એ કાયદાની મર્યાદામાં રહેવું જોઈએ અને ધૂર્ત જેવું વર્તન કરવું ન જોઈએ.

અદાલતે રાજનેતાઓ દ્વારા થતા આક્ષેપોનો ઉલ્લેખ પણ કર્યો અને સંસદમાં પણ સંસદસભ્ય દ્વારા ઈ.ડી. દ્વારા પાંચ હજાર કેસ થાય, તેના ૧૦ટકાને જ સજા અપાઈ શકે છે, તેવી સંસદમાં થયેલી ચર્ચાનો સંદર્ભ આપ્યો હતો.

સુપ્રિમકોર્ટની બેંચે કરેલી આ ટિપ્પણી પહેલા ગયા મહિને જ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ પણ ઈ.ડી.ની કાર્યપદ્ધતિ સામે સામે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે સોલિસિટર જનરલે અદાલતોની આ પ્રકારની ટિપ્પણીઓથી એજન્સીની છબિ ખરડાય છે, અને સ્થાપિત હિતો દ્વારા એજન્સીની સામે જે નેટેટિવ સેટ કરવામાં આવી રહ્યો છે, તેને બળ મળે છે. હવે ફરીથી સર્વોચ્ચ અદાલતે ફરીથી ઈ.ડી. સામે આ પ્રકારની ટકોર કરી હોય, ત્યારે વિપક્ષો દ્વારા ઈ.ડી. સહિતની એજન્સીઓ નો સરકાર દ્વારા દુરૂપયોગ થઈ રહી હોવાની વાતને પણ પુષ્ટિ મળે છે. હવે એજન્સીઓના દુરૂપયોગનો મુદ્દો ફરીથી ટોક ઓફ ધ નેશન બન્યો છે.

હમણાથી "એફિડેવિટ"ની બહુ ચર્ચા છે. અદાલતી કાર્યવાહીમાં કોઈપણ મુદ્દે એફિડેવિટ કરવું એ એક પ્રક્રિયાત્મક સામાન્ય બાબત છે, પરંતુ જામનગરના મેળાના આયોજનની વ્યક્તિગત કે સંસ્થાકિય રીતે સ્પષ્ટ જવાબદારી સ્વીકારતું એફિડેવિટ કરવાની વાત હોય કે પછી રાષ્ટ્રીય ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં થયેલી "મતચોરી"ના સચોટ પ્રેઝન્ટેશન સાથે મીડિયાને આંકડાઓ આપનાર રાહુલ ગાંધીને ચૂંટણીપંચે તેના સમક્ષ એફિડેેવિટ સાથે રજૂઆત નિયમોનુસાર કરવાની વાત કરી હોય, અને આજે તેઓ બેંગલુરૂમાં "મત અધિકારી રેલી" યોજી રહ્યા હોય, આ મુદ્દો ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ સાંકળતો હોવાથી તેને સામાન્ય પ્રક્રિયા નહીં ગણતા ગંભીર રીતે હેન્ડલ કરવામાં આવે, તે જ જનહિત અને લોકતંત્રના હિતમાં રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh