Advertisement
Author: નોબત સમાચાર

બહાદુરી અને સંસ્કારના પ્રતીક સમા સિંહો અને મનુષ્ય વચ્ચે સામ્યતાઃ વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ

વિશ્વ સિંહ દિવસની રાજય સરકાર ૧૦ ઓગસ્ટે બરડા ડુંગરમાં કરશે ઉજવણી

                                                                                                                                                                                                      

માનવીય મૂલ્યો સાથે સિંહ ઘણી બધી રીતે જોડાયેલા છે. જેમ કે, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, નૈતિક, આર્થિક, પર્યાવરણીય બાબતો અને સામાજિક રીતે મનુષ્ય અને સિંહમાં ઘણું સામ્ય છે. વિશ્વના ઘણાં બધા ભાગોમાં હજારો વર્ષો પહેલાંથી સિંહ એક મહત્ત્વના પ્રતીક તરીકે સ્થાન પામ્યો છે.

'ગીરનો સિંહ' પુસ્તકમાં રસપ્રદ વિવરણ

ગીરનો સિંહ પુસ્તકમાં લેખક ર્ડા. સંદિપકુમાર અને બીજા લેખક મોઇન પઠાણે આ પુસ્તકમાં એવું નોધ્યું છે કે, રાષ્ટ્ર હોય કે ધર્મ, સિંહ હંમેશાં ભવ્યતા, બહાદુરી અને સંસ્કારના પ્રતીક સમો રહૃાો છે. ભગવાનને પણ સિંહનાં લક્ષણોથી સંબોધિત કરવામાં આવે છે. તે બળવાન, નિર્ભય, ભયાનક અને વિધ્વંસક છે. આશરે ૩૨,૦૦૦ વર્ષ પહેલાં મધ્યયુરોપમાં પશુ આકૃતિની એક મૂર્તિ મળી. આ મૂર્તિનું અડધું શરીર માણસનું અને અડધું સિંહનું હતું. આવી બીજી કોઈ મૂર્તિ મળી નથી. ધાર્મિક રીતે આને ભગવાનની મૂર્તિ માનવામાં આવી. ઐતિહાસિક અને ધાર્મિક રીતે અર્ધમાનવ અને સિંહની આવી પ્રતિમાઓ રક્ષક અને ભગવાનની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વમાં આવા ઐતિહાસિક પુરાવા બીજાં ઘણાં સ્થળોએ મળ્યા છે. મોટામાં મોટી પ્રતિમા ઇજીપ્તના સ્ફિનક્ષની છે જે અર્ધમાનવસિંહ આકૃતિ વાળાં દેવી છે. સેખમેત એ પુરાતન ઇજિપ્તનાં દેવી છે. તે યુદ્ધનાં દેવી છે.

વિવિધ ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ

આ પુસ્તકમાં જણાવ્યા મુજબ ધર્મ ગ્રંથોમાં પણ સિંહનો ઉલ્લેખ જોવા મળે છે. બાઇબલમાં સિંહનો ઉલ્લેખ સત્તા અને શક્તિ તરીકે કરવામાં આવ્યો છે. ઇસુના લાયન ઓફ જુદાહ છે. બાઇબલમાં સિંહ અને સિંહની સરખામણી વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. સિંહ જે પશુઓ વચ્ચે પ્રભાવશાળી છે તે કદી પાછો નથી પડતો. તેના ચાર મુખ છે. એક મુખ દેવદૂતનું છે. બીજું મનુષ્યનું, ત્રીજું સિંહનું અને ચોથું બાજ પક્ષીનું. તેઓ સાથે મળીને સિંહ જેવી ગર્જના કરી શકે અને સિંહના બાળકની માફક ઘુરકિયાં કરી શકે. આ બધી બાબતો ખ્રિસ્તી ધર્મમાં સિંહનું મહત્ત્વ બતાવે છે. ભગવાન ઇસુને પણ સિંહનું પ્રતીક આપવામાં આવ્યું છે. ઇસુ ખ્રિસ્તના સંદર્ભમાં સિંહને સંયમ અને ભવ્યતાના તેજ સમા ગણવામાં આવે છે.

ઇસ્લામ ધર્મમાં પણ સિંહનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. મહમંદ પયગંબર (સ.અ.વ.) ના કાકા હમઝા-ઇબ્ન- અબ્દુલમુત્તલિબને અલ્લાહના સિંહ અને સ્વર્ગના સિંહ તરીકે ગણવામાં આવ્યા છે. સિંહના માથાવાળા દેવદૂતો અલ્લાહના સિંહાસનને ટેકો કરે છે. ઇસ્લામિક કળામાં પણ સિંહ આકૃતિઓને સ્થાન છે.

બૌદ્ધ ધર્મમાં સિંહને રાજાશાહી અને રક્ષણના પ્રતીક માનવામાં આવ્યાં છે. સાથે સાથે દયા અને ગર્વના પ્રતીક પણ માનવામાં આવે છે. બોધિસત્ત્વમાં સિંહ પ્રતીક રૂપ છે. તેમને 'બુદ્ધના પુત્રો' કે 'બુદ્ધના સિંહ' તરીકે માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં સિંહને ધર્મના રક્ષક તરીકે માનવામાં આવે છે. પૌરાણિક સમયમાં સિંહ ભારતના ઘણા ભાગોમાં જોવા મળતા અને હિંદુ ધર્મમાં પણ સિંહ ઘણું પવિત્ર સ્થાન ધરાવે છે.

હિરણ્યકશ્યપનો નૃસિંહ ભગવાને કર્યો વધ

હિન્દુ ધર્મમાં સિંહનાં મૂળ ઘણાં ઊંડે સુધી ઊતરેલાં છે. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર અર્ધમાનવ અને અર્ધસિંહનો હતો. પૌરાણિક કથા અનુસાર આ નૃસિંહ અવતારે પોતાના ભક્ત પ્રહલાદને તેના પિતા હિરણ્યકયપ નામના રાક્ષસથી બચાવ્યો હતો. સિંહાસન, સિંહ' અને 'આસન' એ સંસ્કૃત શબ્દ છે. પૌરાણિક સમયમાં રાજાને બેસવાની ખુરશી અથવા આસનને સિંહાસન કહેવામાં આવતું. સોનેરી કેશવાળીવાળો સિંહ સૂર્યના પ્રતીક સમાન છે.

દુર્ગામાતાજીનું વાહન સિંહ

સૂર્ય પ્રકાશ ફેલાવી અંધકારનો નાશ કરે છે. મા દુર્ગા, જે જગતની માતા છે, જેની પાસે જગતનું સર્જન, સંચાલન અને સંહારની શક્તિ છે તેનું વાહન સિંહ છે. મા દુર્ગા સિંહ ઉપર વિરાજમાન છે, જે ભયમાંથી મુક્તિની ખાતરી આપે છે. સિંહ માત્ર ધર્મમાં જ નહીં, ધર્મની સમાનતાનું પણ ઉદાહરણ છે. ધાર્મિક માન્યતાને વૈજ્ઞાનિક પુરાવાની જરૂર નથી હોતી. પ્રાચીન સમયથી અમુક ધાર્મિક માન્યતાઓ હજુ ચાલતી આવે છે. તેમાં કોઈ પરિવર્તન નથી.

સમગ્ર વિશ્વમાં ૧૦મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે. ગુજરાતમાં આ વર્ષે રાજયકક્ષાની ઉજવણી બરડા ડુંગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh