Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે, અને ભાઈ-બહેનોના પાવન પ્રેમના પ્રતીક સમા આ પ્રસંગે આજે સવારથી જ બહેનો ભાઈઓને રાખડી બાંધી રહી છે, તો ભૂદેવો યજમાનોને રાખડી બાંધીને આશીર્વાદ આપી રહ્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર લીધેલા હોય, તે લોકોએ જનોઈ બદલાવીને વિધિવત રીતે પૂજન-અર્ચન અને સૂર્યનમસ્કાર કર્યા છે, તો ધાર્મિક-સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રક્ષાબંધનને ભૂદેવોની દિવાળી પણ કહેવામાં આવે છે.
રક્ષાબંધનના દિવસે ઘણાં મોટા શહેરોમાં ચાલતી સિટીબસોમાં બહેનો માટે પ્રવાસ ફ્રી કરાયો છે, જેથી બહેનો પોતાના ભાઈને ત્યાં સરળતાથી રાખડી બાંધવા જઈ શકે.
આપણા રાજ્યમાં એસ.ટી.ની સેવાઓ હજુ પર્યાપ્ત નથી, અને જામનગર જેવા શહેરમાં હજુ સિટીબસ સેવા પણ ધક્કાગાડીની જેમ ચાલી રહી હોય, ત્યારે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરીએ આપણા દેશમાં અતિ આધુનિક ૧૩૫ બેઠકોવાળી બસો શરૂ કરવાની વાત કરી છે. રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ વહેતા થયેલા આ પ્રકારના અહેવાલોએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ બસો સફળ રહી, તો એક તરફ તો રેલવે પરનું ભારણ ઓછું થશે, અને બીજી તરફ ખાનગી વાહનોના બદલે સાર્વજનિક વાહનોમાં આરામદાયક મુસાફરીનો વિકલ્પ બહુ હેતુક પૂરવાર થશે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આમતો સપનાંઓ દેખાડવામાં ભાજપ સરકાર માહીર છે, પરંતુ જ્યારે કાંઈક અલગ જ ઈમેજ અને મિજાજ ધરાવતા નીતિન ગડકરી જો કોઈ દાવો કરતા હોય, તો તે તદ્દન પોકળ હોતો નથી, તેથી આ પ્રકારની બસની ચર્ચા આજે સમગ્ર દેશમાં થઈ રહી છે.
ગડકરીએ કરેલા દાવા મુજબ સૂચિત ૧૩૫ સીટર ફલેશ ચાર્જિંગ બસ મેટ્રો કરતા સસ્તી મુસાફરીનો વિકલ્પ પુરો પાડશે. આ પ્રોજેકટ સૌ પ્રથમ નાગપુરમાંથી શરૂ થશે અને તે પછી દિલ્હી-મુંબઈ સહિતના મેટ્રોપોલિટન શહેરોમાં વિસ્તારાશે. આ બસની ટિકિટ ડીઝલ બસોની સરખામણીમાં ૩૦ટકા ઓછી હશે, પરંતુ તેમાં વિમાન જેવી લકઝરી સુવિધાઓ, ખાણી-પીણીની વ્યવસ્થાઓ પણ હશે. આ બસ સેવા દિલ્હીથી જયપુર, દહેરાદુન, ચેન્નાઈ, બેંગ્લુરૂ સુધીના મોટા શહેરો વચ્ચે શરૂ કરવાનું આયોજન ઘડાયું છે.
આ ઉપરાંત ગડકરીએ જાહેર પરિવહનના ક્ષેત્રે ૩૬૦ રોપ-વે કેબલ કાર બનાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરીને હાઈડ્રોજન ફયુલના ૧૦ પ્રોજેક્ટો અને ૧૦૦ કિલોમીટર પ્રતિદિવસની ગતિથી ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય હોવાનો દાવો કર્યો છે.
જો કે, દાવાઓ, વાયદાઓ અને વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર હોય છે. ગડકરી આ પ્રકારના ડાયનેમિક કદમ ઉઠાવી રહ્યા હોય, તો પણ તેને ઉચ્ચકક્ષાએથી કેટલું પીઠબળ મળે છે અને પબ્લિકનો કેટલો પ્રતિસાદ મળે છે, તેના પર આ નવા પ્રોજેકટોનો આધાર રહેવાનો છે.
મોદી સરકાર "મોટું" જ વિચારે છે, અને લાંબા ગાળાના જાયન્ટ પ્રોજેકટો અમલી બનાવે છે, પરંતુ મૂળભૂત જરૂરિયાતો, લોકોની પ્રાથમિક સુવિધાઓ અને માળખાકીય સગવડો ખાડે જઈ રહી છે, માર્ગોને દર ચોમાસે થીગડાં મારવા પડી રહ્યા છે અને અનેક અભિયાનો છતાં ગંદકી ઘટી રહી નથી, ત્યારે એક મોટા વૈજ્ઞાનિકે મોટી બિલાડી માટે મોટો અને નાની બિલાડી માટે નાનો દરવાજો બનાવ્યો હોવાનું વ્યંગાત્મક દૃષ્ટાંત યાદ આવી જાય છે.
જો સરકાર કે અર્ધસરકારી સંસ્થાઓ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત સ્થાનિક કે દેશવ્યાપી-રાજ્યવ્યાપી પરિવહન સંતોષકારક સેવાઓ આપતી હોત અને રોજીંદી જરૂરિયાતોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી હોત, તો લોકોને ખાનગી પરિવહન વ્યવસ્થાઓ પર વધુ વિશ્વાસ ન હોત. શિક્ષણ, પરિવહન, તબીબી સેવાઓ અને નવા યુગની ઓનલાઈન સેવાઓમાં સરકારી અને તેની સંસ્થાકીય વ્યવસ્થાઓ વામણી પૂરવાર થઈ રહી છે, તે હકીકત છે.
આપણા દેશમાં ૧૩૫ સીટર બસો ચાલુ કરતા પહેલા તે પ્રકારના વાહનો માટે જરૂરી ક્ષમતા ધરાવતા માર્ગો અને અનુસાંગિક વ્યવસ્થાઓ પણ ઊભી કરવી પડે તેમ છે. આપણા દેશમાં તો માર્ગો પર ઢોર કે કૂતરૂ આડુ ઉતરતા લોકોના જીવ જતા હોય, વડોદરા નેશનલ હાઈવે પર ગઈકાલે સર્જાયો હતો, તેવો ૪૫ કિલોમીટર કે તેથી પણ લાંબા ટ્રાફિકજામ કલાકો સુધી સર્જાતા હોય કે પછી જામનગર જેવા શહેરોમાં મીની બસો અને એમ્બ્યુલન્સો પણ ઘણી વખત અટવાઈ જતી હોય, ત્યારે અત્યાધુનિક જાયન્ટ બસોના પરિવહનની વાત જ ગળે ઉતરે તેવી નથી, પરંતુ સપના જોવાની ક્યાં મનાઈ છે ? સપનાઓ સાકાર થાય, તે માટે પ્રયાસો થાય કે ન થાય, અત્યારે તો વ્યાપક પ્રચાર-પ્રસાર અને વાહવાહી થઈ જ જવાની છે ને ? તેવી માનસિકતા નીતિનભાઈમાં પ્રવેશી ન ગઈ હોય તો સારૃં...
આજે રક્ષાબંધનના પર્વથી તહેવારોની શ્રેણી શરૂ થઈ ગઈ છે. શ્રાવણ મહિનાના પ્રારંભથી જ શિવભક્તિના માહોલ પછી હવે જન્માષ્ટમીના તહેવારોની તડામાર તૈયારી થઈ રહી છે. જામનગરમાં શ્રાવણનો મેળો અદાલતની અટારીએ પહોંચ્યા પછી ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યો હતો,
'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર નોબતના વાચકો, વીડિયો સમાચારના દર્શકો, બ્રેકીંગન્યુઝના ગ્રુપ મેમ્બર્સ, સોશ્યલ મીડિયામાં નોબતના ફોલોઅર્સ, વિતરકો, પ્રતિનિધિઓ, વિજ્ઞાપનદાતાઓ, શુભેચ્છકો, પત્રકારો, નગરજનો સહિત સૌ કોઈને રક્ષાબંધનના પાવનપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial