Advertisement
Author: નોબત સમાચાર

ઉદયપુરની હોટલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડો

ઝડપાયેલા ૫૦માં જામનગરના ત્રણ વ્યક્તિનો સમાવેશઃ બર્થ ડે પાર્ટીના નામે ચાલુ હતી રેવ પાર્ટીઃ

                                                                                                                                                                                                      

ઉદયપુર તા. ૫: ઉદયપુરમાં આવેલી એક હોટલ પર શનિવારે રાત્રે સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીના આધારે અને પોલીસ કર્મચારીઓને ગ્રાહક બનાવીને તે હોટલમાં મોકલ્યા પછી પાડેલા દરોડામાં રેવ પાર્ટી ઝડપાઈ ગઈ છે. તે સ્થળેથી ૪૦ શખ્સ અને ૧૧ યુવતી મળી આવ્યા છે. આ પાર્ટીમાં દારૂ સહિતના નશીલા પદાર્થાે પીરસવામાં આવતા હતા. ઝડપાયેલા શખ્સોમાં મોટાભાગના ગુજરાતના છે અને તેમાં જામનગરના ત્રણ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.

રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા કોડીયાટ રોડ પર એક હોટલમાં શનિવારે રાત્રે પાર્ટી ચાલી રહી હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. એક આસામીના જન્મદિવસની ઉજવણીની પાર્ટીની આડમાં રેવ પાર્ટી યોજાઈ હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડતા ૪૦ પુરૂષ અને ૧૧ યુવતીઓ ત્યાંથી મળી આવી હતી.

જન્મદિવસની પાર્ટીની આડમાં યોજાયેલી રેવ પાર્ટીમાં શરાબ સહિતના અન્ય નશીલા પદાર્થાે આમંત્રિતોને પીરસવામાં આવી રહ્યા હતા. હોટલને ચારેય તરફથી ઘેરી લીધા પછી પોલીસે તેમાંથી ૪૦ જેટલા યુવકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી જામનગરના ત્રણ ઉપરાંત જૂનાગઢ, ગિર સોમનાથ, સુરત, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, અમદાવાદ જિલ્લાના વતનીઓ અને રાજસ્થાનના ઉદયપુર, સીકર, રાજસમંદ, ઝુનઝુન, ચુરૂ, હનુમાનગઢના વતની ૪૦ પુરૂષ મળી આવ્યા હતા.

પોલીસ ટીમે આ દરોડો પાડ્યો ત્યારે ઉપરોક્ત વ્યક્તિઓ હોટલમાં હતા, રેવ પાર્ટીની બાતમી પોલીસને મળી જતાં કેટલાક પોલીસ કર્મચારીઓને ગ્રાહક તરીકે તે હોટલમાં મોકલવામાં આવ્યા પછી અંદરથી વિગતો મળતા પોલીસ ખાનગી વાહનમાં હોટલ પર પહોંચી ગઈ હતી.

પોલીસનો દરોડો પડ્યો હોવાની જાણ થતાં રેવ પાર્ટી કરી રહેલા વ્યક્તિઓમાં દોડધામ મચી હતી. કેટલાક વ્યક્તિઓ હોટલની છત પર છુપાવવા માટે દોડી ગયા હતા પરંતુ હોટલને ચારેયકોરથી કોર્ડન કરવામાં આવી હોય છત પરથી પણ કેટલાક વ્યક્તિઓને ઉતારી લઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

હોટલના પાર્કિંગમાંથી કેટલીક લકઝરી કાર પણ પોલીસે કબજે કરી છે. જાણવા મળ્યા મુજબ હોટલમાં દારૂ સહિતની વાંધાજનક વસ્તુઓ પીરસવામાં આવી રહી હતી અને હોટલ પાસે દારૂ પીરસવા માટેનું માન્ય લાયસન્સ પણ નથી. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

જે વ્યક્તિઓ ઝડપાયા છે તેમાંથી મોટાભાગના ગુજરાતીઓ છે. તેઓ આ પાર્ટીમાં ભાગ લેવા માટે ઉદયપુર આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. તમામ ૫૧ વ્યક્તિને પોલીસ મથકે લઈ જવા માટે પોલીસે ખાનગી બસ બોલાવવી પડી હતી. કોર્ડીયાત રોડ પર અને નાઈ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી ગણેશ હોટલમાં વિશ્વજીત સોલંકી નામનો એક શખ્સ યુવતીઓને બોલાવી રેવ પાર્ટી કરાવતો હોવાનંુ પણ ખૂલ્યું છે. હોટલના માલિક સહિતના વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા જાન્યુઆરી મહિનામાં ઉદયપુરમાં આવી જ રીતે બે ફાર્મહાઉસમાં પણ ધમધમી રહેલી રેવ પાર્ટી ઝડપાઈ ગઈ હતી. જેમાં નેપાળની યુવતીઓ અને અમેરિકાનો એક યુવક પણ મળી આવ્યો હતો. તે પહેલાં ન્યુયર પાર્ટીના નામે પ્રતાપનગરમાં એક હોટલમાં યોજાયેલી પાર્ટી પર પણ પોલીસે દરોડો પાડી ૧૩ યુવતી અને ૪૦ યુવાનોને પકડી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh