Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના કુન્નડ નજીક પુલ પાસે ડાયવર્ઝનમાં માટીના ઢગલા સાથે બાઈક ટકરાઈ પડતા સમૂહલગ્નમાં જતા પ્રૌઢનો ભોગ લેવાયો

નાના ખડબા પાસે બે બાઈક ટકરાતા પિતા-પુત્રને ઈજાઃ ટ્રક વચ્ચે યુવાન પીસાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જોડિયાના બાદનપર પાટીયાથી કુન્નડ ગામના પુલ વચ્ચે પુલ નજીક ડાયવર્ઝન પાસે કરવામાં આવેલા માટીના ઢગલા સાથે ગઈકાલે સાંજે એક બાઈકચાલક પ્રૌઢ ટકરાઈ પડ્યા પછી માથું પથ્થર સાથે ટકરાતા ગંભીર ઈજા થવાના કારણે મોતને શરણ થયા છે. આ પ્રૌઢ બાદનપરમાં યોજાયેલા સમૂહલગ્નના કાર્યક્રમમાં જતા હતા ત્યારે માર્ગમાં કાળનો ભેટો થયો હતો. રવિવારે મોટી ખાવડી નજીક ખાનગી કંપનીના વેરહાઉસમાં આગળ પાછળ થઈ રહેલા ટ્રક વચ્ચે એક યુવાન ભીંસાઈ જતા ગંભીર ઈજા પામ્યા છે અને લાલપુરના નાના ખડબા ગામ પાસે બે બાઈક ટકરાઈ પડતા પિતા-પુત્રને ઈજા થઈ છે.

જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા અરજણભાઈ પબાભાઈ ટોયટા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે જીજે-૧૦-એડી ૭૭૬૨ નંબરના બાઈકમાં વાવડી ગામથી બાદનપર ગામ જવા માટે નીકળ્યા હતા.

આ પ્રૌઢ બાદનપર ગામમાં યોજાયેલા ભરવાડ સમાજના સમૂહલગ્નના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયા પછી તેઓ જ્યારે કુન્નડ ગામના પુલ પાસે નાળા નજીક પહોંચ્યા ત્યારે ત્યાં ચાલી રહેલા કામના કારણે કાઢવામાં આવેલા ડાયવર્ઝન પરથી પસાર થવા માટે તે તરફ વળ્યા ત્યારે ડાયવર્ઝનના ખૂણા પર કરવામાં આવેલો માટીનો ઢગલો તેમને દેખાયો ન હતો અને આ ઢગલા પર મોટરસાયકલ ચઢી ગયું હતું.

સામાન્ય સ્પીડમાં રહેલુ મોટરસાયકલ ઢગલા પર ચઢતા બેલેન્સ ગૂમાવી ચૂક્યું હતું. તેના પરથી ફંગોળાઈ ગયેલા અરજણભાઈ રોડ પર પછડાયા હતા અને તેમનું માથું નજીકમાં આવેલા પથ્થર સાથે ટકરાઈ પડ્યું હતું. કપાળ, મ્હોં તથા નાક પર ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. મોડીરાત્રે ટૂંકી સારવારના અંતે અરજણભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નાનાભાઈ કનુભાઈ ટોયટાએ પોલીસને જાણ કરી છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર નવા એંસી ફૂટ રોડ પર આવેલા ગોકુલ દર્શન-રમાં રહેતા કૃણાલભાઈ અશ્વિનભાઈ અજુડીયાના કાકા પરેશભાઈ વલ્લભભાઈ તથા તેમના પુત્ર સ્મિત ગઈ તા.૯ની સાંજે લાલપુર તાલુકાના વાવડી ગામથી નાના ખડબા ગામ તરફ જીજે-૧-પીએચ ૭૩૨૮ નંબરના બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે જીજે-ર૩-ઈ ૨૧૬૦ નંબરના બાઈકના ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં પરેશભાઈને જમણા હાથ તથા પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે અને સ્મિતનો પણ પગ ભાંગી ગયો છે. કૃણાલભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલી ખાનગી કંપનીના વેરહાઉસમાં રવિવારે સવારે પ્રશાંતપુરી દિલીપપુરી ગોસાઈ નામના યુવાન કામ પર હતા ત્યારે ત્યાં માલ ખાલી કરવા માટે આવેલા જીજે-૧-એચટી ૪૧૪૨ નંબરના ટ્રકના ચાલક બોટાદ જિલ્લાના બરવાડા ગામના ઈમરાન કાદર ફકીરે પોતાનો ટ્રક આગળ-પાછળ લીધો ત્યારે ત્યાં હાજર પ્રશાંતપુરીને પોતાના ટ્રક તથા અન્ય ટ્રક વચ્ચે ભીસી નાખતા આ યુવાનને છાતી તથા પેટમાં ગંભીર ઈજા થઈ છે. નગરના ગોવાળ મસ્જિદ વિસ્તારમાં આવેલી તળાવ ફળીમાં રહેતા દેવાંગભાઈ મનિષભાઈ પરમારે મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh