Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ આતંકી હૂમલો થયા પછી એક તરફ તો આખો દેશ એકજૂથ થઈ ગયો, સરકારની તરત જ ભૂલો કાઢવાના બદલે વિપક્ષોએ સરકાર દ્વારા પાકિસ્તાન સામે લેવાઈ રહેલા પગલાઓને સમર્થન આપ્યુ, અને અનેક મસ્જિદોમાં આતંકવાદી કૃત્યને વખોડવાની સાથેસાથે ભારતીય મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન વિરોધી નારેબાજી કરી અને આતંકીઓની તસ્વીરોને પગ તળે કચડીને પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો, તો બીજી તરફ કેટલાક બટકબોલા નેતાઓએ મનફાવે તેવા ઉટપટાંગ નિવેદનો કરીને માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો, કેટલાક નેતાઓએ હિન્દુ-મુસ્લિમ વિવાદ વકરાવવાનો પાકિસ્તાનનો બચાવ કરતા હોય તેવા નિવેદનો કર્યા. એક તરફ મોદી સરકારના ઘોર વિરોધી અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ આતંકીઓના નાપાક અને નિંદનીય કૃત્યને ખૂબ જ કડક ભાષામાં વિરોધ કરીને નમાઝ વખતે હાથોમાં કાળી પટ્ટી બંધાવી અને બાંધી, તો બીજી તરફ કેટલાક નેતાઓએ પહલગામમાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને હત્યાઓ કરી, તેવી જ રીતે દુકાનોમાંથી ખરીદી કરતા પહેલા તે દુકાનદારનો ધર્મ પૂછવાની વાહિયાત સલાહો આપી. મહારાષ્ટ્રમાં તો ભાજપના જ એક દિગ્ગજ નેતાએ કરેલુ આ પ્રકારનું ભાષણ એટલુ ચર્ચાસ્પદ બન્યુ છે કે, જેને લઈને ભાજપની નેતાગીરીને પણ ભોંઠપ અનુભવવી પડી હશે. ઘણાં લોકો એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે કે, આ પ્રકારના નિવેદનો કોઈ "ગોડફાધરો" ના ઈશારે જ અપાતા હશે, અન્યથા કોઈપણ વિવાદાસ્પદ નિવેદન પછી સંબંધિત રાજકીય પક્ષે તે નેતાની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જે થતી નથી, પરંતુ તે નિવેદનો સાથે પાર્ટી સહમત નથી, તેવું નિવેદન કરીને થાબડભાણાં કરવામાં આવે છે. આ પ્રકારના બોલકા નેતાઓની બોબડી બંધ રહે તો સારૂ...
પહલગામમાં આતંકી હૂમલો થયો, તે પછી ત્યાંની સુરક્ષા વ્યવસ્થાઓ તથા ત્યાં ચાલતા લોલંલોલની પોલ ખૂલી ગઈ, અને ત્યાંના તંત્રો તથા સરકાર સામે સવાલો ઉઠવા લાગ્યા. કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષોએ મૂળભૂત સવાલો પૂછ્યા અને આ ઘોર બેદરકારીની જવાબદારી નક્કી કરવાની માંગણી ઉઠવા લાગી, તો તે સવાલોના જવાબો આપવાના બદલે શાસક પક્ષના કેટલાક નેતાઓ પણ ઉટપટાંગ નિવેદનો કરવા લાગ્યા, પરંતુ એ સમજી લેવાની જરૂર છે કે, સિસ્ટમ, સરકાર કે તંત્રો વિરૂદ્ધ બોલે તેઓ નહીં, પણ દેશ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરતા હોય, તેને જ ગદ્દાર કહી શકાય... લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે.
જો કે, ગઈકાલે યુટયુબર મહિલા નેહાસિંહ રાઠોડ સામે નોંધાયેલી એફઆઈઆર પછી તેની સામે ગંભીર આક્ષેપો થતા નવો જ વિવાદ શરૂ થયો છે.
આપણા દેશના બંધારણમાં જ નહીં, પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ માનવતા, સહ્ય્દયતા, નૈતિકતા અને વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના ધબકે છે. આ દેશમાં નરફત કે ભેદભાવને પહેલેથી જ કોઈ સ્થાન નથી, ત્યારે જો આપણે પણ માથા ફરેલા આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવા લાગશું, તો આપણામાં અને એ આતંકવાદીઓ વચ્ચે ક્યો તફાવત રહેશે...?
લોકતંત્રમાં બધાને બોલવાની સ્વતંત્રતા હોય છે, પરંતુ તેમાં પણ મર્યાદાઓ રાખવી જરૂરત છે. એવા નિવેદનો તો ન જ થવા જોઈએ, જેથી વૈમનસ્ય વધે, હિંસા ભડકે કે વર્ગવિગ્રહ જેવી સ્થિતિ ઊભી થઈ જાય. આ કાળજી ઉભયપક્ષે રાખવી જ જોઈએ, અન્યથા મોટા અનર્થો સર્જાઈ શકે છે.
નેહા રાઠોડ મુદ્દે વિવાદ જાગ્યા પછી એવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે કે, સરકાર સામે સવાલો ઉઠાવવાને દેશદ્રોહ કેવી રીતે ગણી શકાય...?
પાકિસ્તાની નેતાઓ તથા શાહબાઝ સરકારના મંત્રીઓ દ્વારા પણ ભારતને અણુબોમ્બની ધકમી આપવામાં આવી રહી છે અને ચીન-રશિયા પાસે પહલગામ હૂમલાની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી છે, જેને ચીનનું પણ સમર્થન મળ્યું છે. પાક.સરકાર તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાચું બોલે છે કે ખોટું તેની આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમ બનાવીને તટસ્થ તપાસ કરાવવી જોઈએ. આ પ્રકારની માંગણી કરવાની સાથેસાથે ચીન અને રશિયાનું નામ પાકિસ્તાને સૂચવ્યું હોવાથી અમેરિકાના ભવા પણ ઊંચા થયા છે, તો બીજી તરફ ભારતના ટ્રેડ યુનિયનોએ પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો વ્યાપાર બંધ કરી દેતા પાકિસ્તાનને અબજો રૂપિયાનો ફટકો પડવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. સિંધુ સમજૂતિ રદ્દ કરવાની ભારતે કરેલી જાહેરાત પછી પણ પાકિસ્તાનમાં ડર ફેલાયો છે, તો ભારત યુદ્ધ શરૂ કરે તે પહેલા પાકિસ્તાનની સેનાના જવાનો મોટી સંખ્યામાં રાજીનામા સોંપીને સેના છોડી રહ્યાં હોવાના પણ અહેવાલો આવ્યા છે, અને જેલમ નદીમાં પૂર આવતા મુઝફફરબાદમાં સર્જાયેલી સ્થિતિ માટે પાકિસ્તાનએ ભારતને જવાબદાર ગણાવ્યું છે.
જો કે, ભારત કોઈ મોટું કદમ ઉઠાવશે, તેવી ગઈકાલે દિવસભર અટકળો ચાલી અને દેશ અને દુનિયામાં ભારત સરકાર હવે શું કરશે તેવો સવાલ ઉઠતો રહ્યો હતો.
પશ્ચિમ બંગાળની પોલંપોલ અંગે કેન્દ્ર સરકારની મુખ્ય જવાબદારી ગણાય, અને સ્થાનિક તંત્રો પણ જવાબદાર છે તેથી ભારતમાં પહલગામમાં સુરક્ષા વ્યવસ્થાની ખામી અંગે મોદી સરકાર અને ઓમર અબ્દુલ્લાની રાજ્ય સરકાર પર પસ્તાળ પડતી રહી અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બોલાવાયેલા વિશેષ સત્રમાં પણ તેના પડઘા પડશે, તે પહેલેથી નક્કી જ હતું. જમ્મુકાશ્મીર સરકારના સ્થાનિક તંત્રો પણ પહલગામ મુદ્દે સવાલોના ઘેરામાં છે.
ટૂંકમાં પહલગામની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછવામાં આવે કે, કેન્દ્ર અને કાશ્મીરની સરકારોની સુરક્ષા નીતિ કે કેન્દ્રની વિદેશનીતિની ટીકા કરવામાં આવે, તે આપણાં લોકતાંત્રિક દેશમાં નાગરિકો અને પ્રેસ મીડિયા તથા રાજકીય પક્ષોનો અધિકાર છે, અને દેશના વિરોધમાં કે પાકિસ્તાનની તરફેણમાં કે દેશવિરોધી નિવેદનો આપનારા સિવાયના પ્રશ્નોને 'ગદ્દારી" કેવી રીતે ગણાવી શકાય...? તેવા કટાક્ષો પણ અસ્થાને નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial