Advertisement
Author: નોબત સમાચાર

રાજકીય લોકો પાસે હવે 'શુદ્ધ ખોરાક' બાબતે ચોખ્ખો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે!

કયો રાજકીય પક્ષ સંપૂર્ણ ભેળસેળ નાબૂદીનું વચન આપી શકે તેમ છે?

                                                                                                                                                                                                      

પહેલું સુખ તે જાતે નર્યા..

પરંતુ ગુજરાતના નાગરિકોને તંદુરસ્તીનું પ્રથમ સુખ જ દિવાસ્વપ્ન જેવું લાગે છે! તાજેતરમાં એક બહુ ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા હતા કે જામનગર મહાનગરપાલિકામાં ૨૧ મી સદીના ૨૫ વર્ષ પછી પણ માત્ર પાણીની ગુણવત્તા ચકાસી શકાય તેટલી જ સુવિધા છે! મને લાગે છે કે, આજે પણ રાજ્યની ૮ કરોડની વસ્તી ભેળસેળિયા ભ્રષ્ટાચારીઓના ભરોસે જીવી રહી છે. ચૂંટાયેલા લોકો પણ સિમેન્ટ આધારિત વિકાસ કાર્યોમાં ૨૪ કલાક રચ્યાપચ્યા રહે છે. ભેળસેળ કરનારા લોકોને કડક સજાનો ભય નથી. ધર્મમાં શ્રદ્ધા ધરાવતા ઘણાં લોકો પણ પાપથી ડરતી નથી! ભગવાનના પ્રસાદમાં પણ ભેળસેળ કરી ઘણાં લોકો પાપના પોટલા બાંધે છે. ભૂખેથી મરી જવાય તે ભૂતકાળ બની ગયું છે, નવી વ્યાખ્યા અનુસાર ખાવાથી પણ મરી શકાય છે!

ખોરાકમાં ભેળસેળ પ્રત્યે સરકાર કેમ સાવ સંવેદનહીન છે? ઓલમ્પિક કે એશિયાડ રમતોસ્તવ પાછળ અબજો રૂપિયા ખર્ચીને ધામધૂમ કરવી છે, પરંતુ શુદ્ધ ખોરાક માટે ફદિયું પણ વાપરવું નથી. નવા બજેટમાં ક્યાંય શુદ્ધ ખોરાક માટેની કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી.

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી આવી રહી છે. કયો પક્ષ '૧૦૦ ટકા શુદ્ધ ખોરાક'નો વાયદો કરી શકે તેમ છે? ચૂંટણી ઢંઢેરામાં ૨૦૦-૪૦૦ વાયદાઓને બદલે માત્ર એક જ વાયદો કરે તો પણ યથાર્થ ગણાય. કરૂણતા એ બાબતની છે કે, નીતિકર્તા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ અશુદ્ધ ખોરાક આરોગી માંદા પડે છે, તો પણ જાગતા નથી!

માંદા પડી તરફડતા મતદારો પણ રાજકીય સુસ્તી માટે જવાબદાર છે. રાજકીય લોકો પાસે હવે 'શુદ્ધ ખોરાક' બાબતે કડક હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ પાસે ૩ દાયકાથી એકહથ્થુ શાસન છે છતાં કામગીરી નિરાશાજનક છે.

શું ગુજરાતમાં લોકશાહી સુષુપ્ત અવસ્થામાં મૂર્છિત થઈ ગઈ છે?

મતદારો જાગો

ગુજરાતમાં મતદારો પોતાના અધિકારો માટે જાગૃત નથી. ચૂંટણી આવે ત્યારે પાઈએ પાઈનો હિસાબ માંગવો જોઈએ. શું સિમેન્ટ કોન્ક્રીટના કામો જ વિકાસ છે? ૨૦૦ કરોડનો ઓવરબ્રિજ માત્ર સુખનું સાધન છે? મહાનગર પાલિકા હસ્તકની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કેમ સાધનો વિહોણી છે? માત્ર જામનગરની જ આ સમસ્યા નથી, આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે.

પ્રજા માટે કોણ બોલશે? કેમ કોઈ બોલતું નથી? કોનાથી ભય લાગે છે? સામાજિક અને વ્યાપારિક સંસ્થાઓ ધંધામાં મશગુલ છે. ચોકીદારો કેમ ચોકી કરતા નથી? ભેળસેળિયા તત્ત્વો શા માટે બેફામ છે?

આગામી ચૂંટણીમાં હવે 'શુદ્ધ ખોરાક' જ મુદ્દો હોવો જોઈએ. રોડ રસ્તા ભલે ત્રણ દાયકા સુધી બનાવ્યા, હવે શુદ્ધ ખોરાક માટે કામ કરો. રાજ્યનો કયો નેતા આ મુદ્દે ઝંડો ઉપાડવા તૈયાર છે? કયો પક્ષ ખોંખારો ખાઈને 'શૂન્ય ભેળસેળ'નું વચન આપી શકે તેમ છે?

સરળતા

રોજિંદા ખોરાકમાં ભેળસેળ એ એક સરળ પ્રક્રિયા છે કે જેમાં નુક્સાનકર્તા વિવિધ પદાર્થો ઉમેરી તેની કુદરતી ગુણવત્તામાં ઘટાડો કરવામાં આવે છે, વજન કે કદ વધારવામાં આવે છે અથવા તેમાંના મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વને દૂર કરવામાં આવે છે. ખોરાકમાં ઉમેરાતા આવા પદાર્થો સામાન્ય રીતે ઉતરતી ગુણવત્તા ધરાવે છે જે હાનિકારક છે. ખોરાકમાં ભેળસેળ દરમ્યાન મૂળભૂત રીતે ઓછી માત્રામાં બિન-પોષણદાયી પદાર્થો ઈરાદાપૂર્વક તેનો દેખાવ, બાંધો કે વજન વધારવા માટે ઉમેરવામાં આવે છે. જો ખોરાકમાં થોડા કે વધુ પ્રમાણમાં હલકા કે સસ્તા પદાર્થો ઉમેરી તેના કુદરતી બંધારણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે તેવો ખોરાક ભેળસેળ યુક્ત કહેવાય છે અને તે દૂષિત બને છે. પરિણામે માનવ તંદુરસ્તીને હાનિકારક નીવડે છે.

ઈરાદા

ભેળસેળ નાબૂદીનું કામ આસમાનના તારા તોડવા જેટલું કઠીન નથી. હીરાની ખાણ ખોદવા જેટલું દુષ્કર પણ નથી. ભેળસેળ પકડવા માટે ઉચ્ચતમ ટેકનોલોજી સરળતાથી દુનિયામાં મળે છે. નરેન્દ્ર મોદી ઈચ્છે તો ૬ માસમાં આખા દેશમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ઊભી થઈ શકે તેમ છે. એક વર્ષમાં ફૂડ ટેક્નિશિયનના ઢગલા થઈ શકે તેમ છે. ગુજરાતમાં હાલમાં એક જ સેન્ટ્રલ લેબ વડોદરામાં છે. જેના ઉપર કામનું ભારણ બહુ મોટું છે. મહિનાઓ સુધી પરિણામો આવતા નથી. મુખ્ય ચિંતા એ છે કે, ભેળસેળ નાબૂદી માટે સરકારના ઈરાદા પણ જણાતા નથી. રાજ્યમાં આખું વર્ષ જુદા જુદા મહોત્સવ બહુ ધામધૂમ અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે. છેલ્લા ત્રણ દાયકામાં 'શુદ્ધ ખોરાક' માટે એક પણ અભિયાન કે ઉજવણી કરવામાં આવી હોવાનું જાણમાં નથી.

દરેક જિલ્લામાં એક આધુનિક ફૂટ ટેસ્ટિંગ લેબોરેટરી હોવી જોઈએ. ગુજરાતમાં એક સમયે અનેક મોબાઈલ ફૂટ ટેસ્ટિંગ વાન શરૂ કરવામાં આવી હતી, તે શું કરે છે? ક્યાં ફરે છે? કેટલા સેમ્પલ ચેક કર્યા? કોઈ જાણકારી નથી. ચૂંટાયેલા નેતાઓને પણ શુદ્ધ, ભેળસેળ રહિત ખોરાક માટે ચિંતા નથી. સીધુને સટ કહીએ તો ઈરાદા જ નથી.

કામગીરી

ગુજરાતમાં 'ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)' શુદ્ધ ખોરાક નિયમનની કામગીરી કરે છે. આ વિભાગની કામગીરી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવી જ મહત્ત્વની છે, આમ છતાં બન્ને વિભાગ બહુ બદનામ અને નિષ્ક્રિય લાગી રહૃાા છે. ખોરાક ઉપરાંત શુદ્ધ હવા પણ મળવી મુશ્કેલ છે. ગુજરાતમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ મરવા પડ્યો છે. પેટ અને શ્વાસના રોગો વધી રહૃાા છે. ખોરાક અને હવા, બન્ને બાબતોમાં સરકારની કામગીરી સંપૂર્ણ નિરાશાજનક લાગી રહી છે.

મેડિકલ

સામાન્ય રોજિંદા ખોરાક ઉપરાંત કરોડો લોકો કોઈને કોઈ પ્રકારે એલોપથી અને આયુર્વેદની દવાઓ ખાય છે. આ દવાઓની શુદ્ધિ પણ શંકાસ્પદ રહે છે. અખબારી અહેવાલો અનુસાર સમયાંતરે અનેક દવાઓ 'હલકી ગુણવત્તાવાળી' જાહેર થાય છે. તેના નિર્માતાઓને શું સજા થઈ, કેટલી કડક સજા થઈ તે બાબત અધ્યાહાર રહે છે. કાયદો એટલો કડક હોવો જોઈએ કે, ગુન્હો કરતાં પણ ભય લાગે!

એલોપથી અને આયુર્વેદની દવાઓની ગુણવત્તા બાબતે 'ઝીરો ટોલરન્સ' નીતિ હોવી જોઈએ.

પ્રકાર

ખોરાકમાં ભેળસેળ કરવા માટે ખાસ જ્ઞાન કે અનુભવની જરૂર નથી. થોડા નાના અનુભવે ભેળસેળ કરી શકાય છે. આ ગોરખધંધામાં મોટા ભાગે અભણ લોકો જ વ્યસ્ત હોય છે. થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે, પ્લાસ્ટિકના ચોખા બને છે! કેળના પાનમાંથી લીલા વટાણા બને છે! ઘોડાની લાદમાંથી જીરાનો પાવડર બને છે. દિવાળી જેવા તહેવારોમાં તે મીઠાઇ અને ફરસાણની ગુણવત્તા હંમેશાં શંકાસ્પદ જ રહે છે. તહેવારોમાં ઘી અને માવાની મીઠાઇ ખાવાથી દૂર રહેવું જોઈએ.ગુજરાતીઓ તેલમાં ગળાડૂબ રહે છે. તેલ જો ભેળસેળ યુક્ત હોય તો તેને કારણે અનેક રોગો થઈ શકે છે, હૃદયરોગને કારણે મૃત્યુ પણ શક્ય છે.

સામાન્ય ભેળસેળયુક્ત ખોરાક

(૧) દૂધઃ પાણી, યુરિયા, ડિટર્જન્ટ

(૨) મસાલા (મરચું/હળદર): ઈંટોનો ભૂકો, કૃત્રિમ રંગ (સુડાન રેડ), સ્ટાર્ચ

(૩) તેલઃ સસ્તા તેલ (આર્જેમોન તેલ)ની ભેળસેળ

(૪) અનાજ/દાળઃ કાંકરા, માટી, રંગીન પથ્થર

(૫) સ્વાસ્થ્ય પર અસરોઃ ફૂડ પોઈઝનિંગ, યકૃત અને કિડનીને નુકસાન, કેન્સર, અને લાંબા ગાળે ગંભીર બીમારીઓ થાય છે.

ફરી મૂળ મુદ્દો

મતદારોએ હવે શુદ્ધ હવા અને ખોરાક બાબતે મત આપતા પહેલાં હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. રસ્તા અને પુલો તો ઘણાં બનાવ્યા, હવે હવા અને ખોરાક શુદ્ધ બનાવો! કેન્દ્ર સરકારે પણ જાગૃત થવાની અને 'શુદ્ધ ખોરાક યાત્રા' કાઢવાની જરૂર છે.

ખોરાકમાં ભેળસેળ પકડવાની પદ્ધતિ માટે કોઈ રોકેટ ટેકનોલોજીની જરૂર નથી. બહુ સામાન્ય પ્રક્રિયા છે.

વિપક્ષ

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નેતાગીરી મુખ્યમંત્રી બનવાના સપનાઓ જોઈ રહી છે, પરંતુ વિપક્ષની ભૂમિકા ભજવવામાં સદંતર નિષ્ફળ રહી છે. પ્રજાનો અસંતોષ અને પીડા આંદોલન રૂપે રજૂ કરવાને બદલે આવેદનપત્રો લખી હવામાં ઊડે છે. ખોરાકમાં ભેળસેળ મુદ્દે બન્ને પક્ષો ઘણી કામગીરી કરી શકે તેમ છે. આમ છતાં 'હલ્લા બોલ' કરી શકતા નથી! બન્ને પક્ષે પોતે પોતાની રીતે ફૂડ ચેકિંગ કામગીરી કરવી જોઈએ અને ખાનગી લેબમાં પરીક્ષણો કરાવી ભેળસેળ પકડવી જોઈએ. આ બહુ સામાન્ય અને સસ્તી કામગીરી છે, સાથે સાથે અતિ મહત્ત્વની બાબત પણ છે. વડોદરાની લેબોરેટરીમાં કેટલી અસુવિધા છે, કામગીરીમાં કેટલો વિલંબ થાય છે તે ઉજાગર કરવાની જરૂર છે. બન્ને પક્ષો ચોકીદારની ભૂમિકા ભજવી શકે તેમ છે.

ભારતીય જનતા પક્ષ આંદોલનો કરીને જ આગળ આવ્યો છે. હાલના બન્ને વિપક્ષો આગામી સ્થાનિક સ્વારાજયની ચૂંટણીમાં 'શુદ્ધ ખોરાક'નું વચન આપી શકે છે.  વિપક્ષના નેતાઓ દારૂબંધીના ગાણા ગાય છે, પરંતુ ભેળસેળ બાબતે મૌન છે. 'ભેળસેળ બંધી' પણ મહત્ત્વની બાબત છે.

સારાંશ

ગુજરાતમાં ભૂ માફિયા, દારૂ માફિયા, ડ્રગ્સ માફિયા, કાળા બજારીયા, કરચોરો કરતાં પણ ભેળસેળ માફિયાઓ વધુ વ્યાપક અને ખૂંખાર લોકો છે. તે લોકોના જીવ જોખમમાં મૂકે છે. કરોડો લોકો અશુદ્ધ ખોરાકને કારણે અનેક લોકો માંદગીના શિકાર બને છે અને પીડાય છે. અબજો રૂપિયાની દવાઓ આરોગે છે. મોટી માંદગીને કારણે દેવામાં ડૂબી જાય છે. તેલ, મરચું, ઘી, દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની ચીજો જો ભેળસેળ મૂક્ત અને શુદ્ધ બની જાય તો ૮ કરોડની પ્રજા તંદુરસ્ત બને. માંદગીમાંથી બહાર આવે, દવા અને સારવારનો જંગી ખર્ચ બચે. પરિણામે રાજ્ય સમૃદ્ધ અને પ્રગતિશીલ બને.

નજીકના ભવિષ્યમાં તો શુદ્ધ ખોરાક બાબતે કોઈ ક્રાંતિ થાય તેવી શક્યતા જણાતી નથી, કારણ કે વર્તમાન શાસકો સિમેન્ટ અને કોન્ક્રીટના વિકાસમાં મગ્ન છે અને વિપક્ષો પણ મૌન છે.

'નોબત'ના વાચકો અને ચાહકોનું જીવન નિરામય રહે તેવી શુભકામના.

 પરેશ છાંયા

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh