Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંગણવાડી, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, ગ્રામ પંચાયતોની મુલાકાતઃ ખેડૂતો- શ્રમિકો- વિદ્યાર્થીઓ સાથે સંવાદ
જામનગર તા. ૧૩: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે અતિ વ્યસ્તતા વચ્ચે પણ એક વર્ષમાં જિલ્લાના ૧૦૦ ગામોની મુલાકાત લઈ લોકપ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. વહીવટી સમીક્ષાથી લઈને રાત્રિ સભા સુધી યોજીને કલેક્ટરે ગ્રામ્ય સ્તરે પહોંચી વિકાસ કાર્યોને નવી ગતિ આપી છે. શિક્ષણ, આરોગ્ય અને પોષણ અંગે આંગણવાડી તથા શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત સેવાઓ સુનિશ્ચિત કરી છે. ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા મુલાકાતો અને માર્ગદર્શન થકી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને મનોદિવ્યાંગ બાળકો સાથે દિવાળીની ઉજવણી અને શાળાએ જતા વિદ્યાર્થીઓ સાથેના સંવાદની રાજ્યકક્ષાએ નોંધ લેવાઈ છે.
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ગત તા. ૧-૪-૨૦૨૫ થી ૧૦-૨-૨૦૨૬ સુધીના આશરે એક વર્ષના ટૂંકા ગાળામાં વહીવટી વ્યસ્તતાની વચ્ચે પણ જનસેવાને પ્રાધાન્ય આપી જિલ્લાના ૧૦૦ જેટલા અંતરિયાળ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. કલેક્ટરની આ મુલાકાતો માત્ર વહીવટી નિરીક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા, ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારી યોજનાઓના સીધા અમલીકરણનું એક સબળ માધ્યમ બની છે.
આ સમયગાળા દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતોની ઓચિંતી તપાસણી કરી રેકર્ડ અદ્યતન કરવા, વેરા વસુલાત અને સરકારી જમીન પરના દબાણો હટાવવા જેવી વહીવટી કામગીરી હાથ ધરી હતી. શિક્ષણ અને બાળકોના ભવિષ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓએ જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં બાળકોના શિક્ષણનું સ્તર, અભ્યાસેતર પ્રવૃત્તિઓ અને ખાસ કરીને મધ્યાહન ભોજનની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરી બાળકોને પોષણક્ષમ આહાર મળે તેવી તકેદારી રાખી હતી.
આરોગ્ય ક્ષેત્રે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ઓ.પી.ડી., દવાનો જથ્થો અને ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરી ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સારવાર મળે તેવું વાતાવરણ સર્જ્યું હતું.
કલેક્ટરના આ પ્રવાસમાં 'રાત્રી સભાઓ' ગ્રામીણ વિકાસ માટેનું અસરકારક માધ્યમ બની રહી હતી. ગામડાઓમાં રાત્રિ રોકાણ અને સભાઓ યોજી તેઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો, વિકાસના કામોની ચર્ચા કરી અને આયુષ્માન કાર્ડ, આવાસ યોજના તથા કૃષિ યોજનાઓની જાણકારી પૂરી પાડી હતી. ખેડૂતોના હિતમાં તેઓએ ખેતરોની મુલાકાત લઈ પાક, સિંચાઈ અને ખાતરની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી, સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી અન્યોને પણ ઝેરમુક્ત ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.
કલેક્ટર કેતન ઠક્કરની કાર્યશૈલીમાં માનવીય અભિગમ પણ છલકાયો છે. ગત દિવાળીની ઉજવણી શહેરના મનોદિવ્યાંગ બાળકો સાથે કરીને તેઓએ સમાજમાં એક અનોખો સંદેશ આપ્યો હતો, જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિશેષ સરાહના કરી હતી. ઉપરાંત, માર્ગ પર ચાલતા જતા શાળાના બાળકો સાથે શિક્ષણ અને મધ્યાહન ભોજનની સમીક્ષા કરવાના તેમના અંદાજ સહિતની ઉપરોક્ત કામગીરીને રાજ્યના એડી.ચીફ સેક્રેટરી જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી.
મહેસૂલી કોર્ટ કેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો અને મહાનુભાવોની મુલાકાતો જેવી અનેકવિધ જવાબદારીઓ વચ્ચે પણ કલેક્ટરે છેવાડાના માનવી સુધી પહોંચીને જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે નવી કેડી કંડારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial