Advertisement
Author: નોબત સમાચાર

દેશના ૧૫ મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને લીધા શપથઃ રાજ્યસભાના નેતાગણ સાથે મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ રાષ્ટ્રપતિ ભવનમાં

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧રઃ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને હરાવીને વિજયી બનેલા સી.પી. રાધાકૃષ્ણનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતાં. શપથવિધિ પછી તેઓ રાજ્યસભાના નેતાઓની મુલાકાત લઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને આજે દેશના ૧૫મા ઉપરાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે હરીફ ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી સુદર્શન રેડ્ડીને બહુમતી સાથે હાર આપી હતી. આરએસએસ સાથે જોડાયેલા તમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા સી પી રાધાકૃષ્ણન(ઉ.વ. ૬૭) એ ૪૫૧ મત હાંસલ કર્યા હતા, જ્યારે બી. સુદર્શન રેડ્ડીને ૩૦૦ મત મળ્યા હતા.

ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો અને સમર્થકોની સંખ્યાને ધ્યાનમાં લેતાં સી પી રાધાકૃષ્ણનની જીત પહેલાંથી જ નિર્ધારિત હતી. એનડીએ પાસે ૪૨૭ સાંસદ હતા, આ સિવાય વાયએસઆર કોંગ્રેસ પક્ષના ૧૧ સાંસદો અને અન્ય પક્ષનું સર્મથન પણ હતું. જેથી તેઓ ૩૭૭નો આંકડો સરળતાથી પાર કરી ગયા. એનડીએના પક્ષમાં ક્રોસ-વોટિંગના સંકેત પણ જોવા મળ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત પછી રાધાકૃષ્ણને ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ મૂર્મુએ નવી નિમણૂક માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો કાર્યભાર સોંપ્યો છે.

કોઈમ્બતુરમાંથી બે વખત સાંસદ અને તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાધાકૃષ્ણન રાજકારણમાં દાયકાથી વધુ સમયથી સેવા આપી રહૃાા છે. તેમણે રાજકીય કારકિર્દી જનસંઘથી શરુ કરી હતી, બાદમાં ભાજપમાં સામેલ થયા.

વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓએ શપથવિધિ સમારોહમાં ભાગ લીધો હતો. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વેંકૈયા નાયડુ પણ સમારોહમાં પહોંચ્યા હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ રાજીનામું આપ્યાના ૫૩ દિવસ પછી એક જાહેર કાર્યક્રમમાં દેખાયા હતા. ધનખરે ૨૧ જુલાઈના સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શપથગ્રહણ પછી ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને બપોરે રાજ્યસભાના તમામ નેતાઓની મુલાકાત કરી હતી.

રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીના જણાવ્યા અનુસાર, ૭૮૧ સાંસદમાંથી ૭૬૭ લોકોએ મતદાન કર્યું, મતદાનની ટકાવારી ૯૮.૨% હતી. આમાંથી ૭૫૨ મત માન્ય અને ૧૫ અમાન્ય હતા. એનડીએને ૪૨૭ સાંસદનું સમર્થન હતું, પરંતુ વાયએસઆરસીપીના ૧૧ સાંસદે પણ રાધાકૃષ્ણનને સમર્થન આપ્યું હતું.

ચૂંટણીમાં મતદાન કરવાથી ૧૩ સાંસદો દૂર રહૃાા. એમાં બીજુ જનતા દળ (બીજેડી)ના સાત સાંસદો, ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના ચાર, શિરોમણિ અકાલી દળના એક અને એક અપક્ષ સાંસદનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે એનડીએ ઉમેદવારને અપેક્ષા કરતાં ૧૪ મત વધુ મળ્યા, જેના કારણે વિપક્ષી છાવણીમાં ક્રોસ-વોટિંગની અટકળો શરૂ. થઈ ગઈ.

ઉપરાષ્ટ્રપતિ બનેલા સી.પી. રાધાકૃષ્ણન ૧૯૯૮ અને ૧૯૯૯માં ભાજપની ટિકિટ પર કોઈમ્બતુર લોકસભા બેઠક જીત્યા હતા. ૧૯૯૮માં તેઓ ૧.૫ લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. ૧૯૯૯માં પણ તેઓ ૫૫,૦૦૦ મતોથી જીત્યા હતા.

રાધાકૃષ્ણન એક સમયે કેન્દ્રીય મંત્રી બનવાની ખૂબ નજીક હતા, પરંતુ એ જ નામને કારણે પાર્ટી મેનેજરોએ ભૂલ કરી અને આ પદ બીજા નેતા પોન રાધાકૃષ્ણનને સોંપવામાં આવ્યું. આમ છતાં તેમણે ફરિયાદ કરી નહીં અને સંગઠનમાં સક્રિય રહૃાા.

રાધાકૃષ્ણન ૨૦૦૪થી ૨૦૦૭ સુધી તામિલનાડુ ભાજપ-પ્રમુખ હતા અને ૧૯,૦૦૦ કિમી લાંબી રથયાત્રા કાઢી હતી. આમાં તેમણે નદીઓને જોડવા, આતંકવાદનો અંત લાવવા, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને ડ્રગ્સના વ્યસન સામે અવાજ ઉઠાવ્યો હતો. ૨૦૨૦થી ૨૦૨૨ સુધી તેઓ ભાજપના કેરળ પ્રભારી હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh