Advertisement
Author: નોબત સમાચાર

વિમેન વન ડે વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટ ટીમની જાબાંઝ ખેલાડીઓને સંક્ષિપ્તમાં પિછાણીએ...

'મન હોય તો માળવે જવાય'નું આ રહ્યું ઉત્કૃષ્ટ વૈશ્વિક દૃષ્ટાંત...

                                                                                                                                                                                                      

આઈસીસી વિમેન વન-ડે વર્લ્ડકપ મેળવીને જે ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, તે ટીમની પ્રત્યેક ખેલાડીની અલગ-અલગ પ્રેરક કહાનીઓ છે. કોઈ ખેલાડીએ ક્રિકેટ રમવા માટે બાળપણથી જ સપના સેવ્યા, તો કોઈ મહિલા ખેલાડીને પહેલેથી જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની તમામ ખેલાડીઓની સાફલ્યગાથાઓ 'મન હોય તો માળવે જવાય'ના ઉત્તમ અને પ્રેરક દૃષ્ટાંતો છે. આવો, સંક્ષિપ્તમાં આ ખેલાડીઓની સફળતાઓની મીડિયામાં પ્રચલિત ચર્ચા માણીએ...

શેફાલી વર્મા

હરિયાણાના રોહતકની શેફાલી વર્માની ક્રિકેટની ચાહત સામે બાળપણથી જ કેટલાક પડકારો ઊભા થયા હતાં, જ્યારે તે નાનકડી હતી ત્યારે શેરી-ગલીમાં બેટ-દડાથી રમતી હતી, પરંતુ તે સમયે ક્રિકેટને 'છોકરાઓ'ની જ રમત ગણવામાં આવતી હતી,અને આ માનસિક્તાના કારણે શેફાલીને ક્રિકેટ રમતી અટકાવવામાં આવી હતી, તેવું કહેવાય છે. જો કે, શેફાલીએ સંઘર્ષકર્યો અને માત્ર ૧પ વર્ની ઉંમરમાં ભારતીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. હવે તે આક્રમક બેટધર બની ગઈ છે અને ભલભલાની બોલરોને હંફાવે છે.

જેમિમા રોડ્રિગ્સ

જેમિમા રોડ્રિગ્સના પિતા સ્કૂલમાં કોચ હતાં. તેના પરિવારમાં સંગીત ગુંજતું રહેતું હતું, કારણ કે ચર્ચ મ્યુઝિક સાથે તેણીનો પરિવાર સંકળાયેલો હતો. વર્ષ ર૦૧૭-૧૮મા ઘરેલું ક્રિકેટમાં પુરસ્કાર મેળવ્યા પછી ૧૭ વર્ષની ઉંમરે તેણીએ વડોદરામાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે માં ડેબ્યુ કર્યું હતું. ઓપનરથી મીડલ ઓર્ડર સુધી ગમે તે ક્રમે ઉત્કૃષ્ટ બેટીંગની તેણીની ક્ષમતા, તેણીની વિશેષતા બની છે. તેથી દૃઢ મનોબળ ધરાવતી હોવાથી જ ઈંગ્લેન્ડની મેચમાં બહાર રહ્યા પછી જ્યારે વાપસી કરી ત્યારે ૧૩૪ દડામાં ૧ર૭ રન બનાવ્યા હતાં.

કેપ્ટન હરમનપ્રીત કૌર

વર્લ્ડકપની વિજેતા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના પિતા જન્મથી જ હરમનપ્રીતને ઉત્કૃષ્ટ ખેલાડી બનાવવા ઈચ્છતા હતાં અને તેમના ઘરની સામે જ ક્રિકેટના સ્ટેડિયમમાં ક્રિકેટ શીખી હતી. પંજાબના મોગામાં જન્મેલી હરમનપ્રીત કૌર મીડલ ઓર્ડરની બેટધર છે. તેણીએ વર્ષ ર૦૧૭ માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અણનમ ૧૭૧ રન ફટકાર્યા હતાં. આ વિશ્વકપની સેમિફાયનલ મેચ હતી. તેણીએ વર્ષ ર૦૧૩ માં પહેલી સદી ફટકારી હતી, અને વર્ષ ર૦૧૮ ના ટી-ર૦ વિશ્વકપની એક મેચમાં પણ વિક્રમજનક સદી ફટકારી હતી.

હરમનપ્રીત કૌરે મહિલા વન-ડે વિશ્વકપના નોકઆઉટ મેચોમાં ઈતિહાસમાં સર્વાધિક રન બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. ૩૬ વર્ષિય હરમનપ્રીત કૌર દેશભરની મહિલા ક્રિકેટરોની રોલ મેડલ બની ગઈ છે.

સ્મૃતિ મંધાના

મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલી સ્મૃતિ મંધાનાનો આખો પરિવાર ક્રિકેટપ્રેમી છે. તેમનો ભાઈ શ્રવણ અંડર ૧૬ ની સ્પર્ધામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતો હતો, ત્યારે તેણીને વધુ પ્રેરણામળી અને ૧૬ વર્ષની ઉંમરે વર્ષ ર૦૧૩ માં બાંગલાદેશ સામેની મેચમાં તેણીએ ડેબ્યુ કર્યું હતું. તેણીએ વર્ષ ર૦૧૬ માં હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા એક દિવસીય મેચમાં સદી ફટકારી, ત્યારથી ઓપનર બેટધર સ્મૃતિ મંધાનાએ સફળતાઓની ઊંચી ઊડાન ભરી છે, અને હવે વન-ડે વર્લ્ડકપમાં વિજય પછી તેણીની લોકપ્રિયતા પણ ઘણી જ વધી છે. તેણી વન-ડે મેચોમાં અગ્રીમ સ્થાને છે. તેણીને વર્ષ ર૦રર માં વન-ડે ટીમની વાઈસ કેપ્ટન પણ બનાવાઈ હતી.

દિપ્તિ શર્મા

દિપ્તિ શર્માને આગ્રાની ઓલરાઉન્ડર વન્ડર વુમન પણ કહેવામાં આવે છે. તેણી નાનપણથી જ તેના ભાઈ સાથે ક્રિકેટના સામાનની બેગ લઈને જતી હતી, અને મેદાનની બહાર આવતા દડાને પાછો મેદાનમાં ફેંકી દેતી હતી. એક વખત તેણીએ મેદાનની બહાર આવેલો બોલ ઝડપથી થ્રો કર્યો, જેથી તેણી પૂર્વ ભારતીય ક્રિકેટર હેમલતા કાબાની નજરમાં આવી ગઈ. તેણીએ તે પછી પ્રેરણા આપી અને દિપ્તિને ક્રિકેટ રમવાની તકો મળી. દિપ્તિએ ૧૭ વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યું અને વિશ્વસનિય ઓલરાઉન્ડર બની ગઈ. તેણીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય વન-ડે મેચોમાં ૧પ૦ વિકેટો ઝડપી છે. વર્ષ ર૦૧૭ માં તેણીએ વન-ડેમાં કરેલો ૧૮૮ રનનો સ્કોર ભારતીય મહિલા ક્રિકેટરો પૈકી સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. દિપ્તિ શર્માની વુમન્સ વન-ડે વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ઉપયોગી ભૂમિકા તથા ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતાના કારણે તેણી ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ પ્રિય છે.

ઋચા ઘોષ

ઋચા પ. બંગાળના સિલીગુડીમાં જન્મી હતી અને બાળપણથી જ તેણીમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. તેણીના પિતા તેણીને ટેબલ ટેનિસમાં માહીર બનાવવા ઈચ્છતા હતાં, પરંતુ તેણીએ ક્રિકેટમાં ઋચિ દર્શાવી, તો પિતા મનવેન્દ્ર ઘોષે તેમાં પણ પ્રેરક સમર્થન કર્યું. તેણીએ ૧૬ વર્ષની ઉંમરે વિકેટકિપર તરીકે ડેબ્યુ કર્યું હતું, અને બેટીંગમાં પણ પાવરધી બનવા લાગી હતી. વર્ષ ર૦ર૦ માં મહિલા વિશ્વકપની ફરી વખત મેચમાં સબ્સિટ્યુટ તરીકે મેદાનમાં ઉતરનાર ઋચીએ શ્રેષ્ઠ વિકેટકિપીંગ ઉપરાંત બેટીંગમાં પણ સારો દેખાવ કર્યો છે.

હરલીન દેઓલ

હિમાચલ પ્રદેશ ક્રિકેટમાં ઓલરાઉન્ડ કાબેલિયત મેળવનાર હરલીન દેઓલની જન્મભૂમિ ચંદીગઢ છે. તેણીએ ક્રિકેટ કારકિર્દીની ટી-ર૦ મેચમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને વર્ષ ર૦૧૯ માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ડેબ્યુ કર્યું હતું, જો કે હરલીન ટીમમાં કાયમી જગ્યા મેળવી શકી નહીં. વર્ષ ર૦ર૧ માં તેણીની ફિલ્ડીંગે ફરીથી સૌનું ધ્યાન ખેંચ્યું. ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેણીએ બાઉન્ડ્રી પર એક અઘરો કેચ ઝડપ્યો, તે પછી તેણી ટીમમાં ત્રીજા સ્થાનની બેટધર પણ બની હતી.

પ્રતિકા રાવલ

ફાયનલમાં ઈજાગ્રસ્ત હોવાથી બહાર રહેવું પડ્યું, તે પ્રતિકા રાવલ પણ ઓપનર બેટધર છે. દિલ્હીમાં જન્મેલી પ્રતિકાને પિતાનો સહયોગ મળ્યો અને જીમખાનામાંથી ક્રિકેટની કારકિર્દીનો માર્ગ મળ્યો. તેણીના પિતા પણ બીબીસીઆઈ દ્વારા પ્રમાણિત અમ્પાયર હોવાથી પહેલેથી જ પ્રતિકાને ઘરમાંથી પ્રોત્સાહન મળતું હતું. તેણી બાસ્કેટબોલમાં પણ પારંગત હતી. તેણીએ બોર્ડની પરીક્ષામાં પણ ૯ર ટકાથી વધુ ગુણ મેળવ્યા હતાં. તેણીએ મહિલા વન-ડેમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવવાનો વિક્રમ પણ સ્થાપિત કર્યો છે.

ઉમા છેત્રી

આસામની ગોલાઘાટમાં જન્મેલી ઉમા છેત્રી ટીમ ઈન્ડિયામાં પૂર્વોત્તરની બહેતર ખેલાડી છે. ટીમ ઈન્ડિયાની રેગ્યુલર વિકેટકિપર-બેટધર ક્રિકેટરને ઈજા થતા ઉમા છેત્રીને વન-ડેમાં રમવાની તક મળી હતી. તેણીએ વર્ષ ર૦ર૪ માં ચેન્નાઈમાં ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ડેબ્યુ કર્યું હતું.

 ક્રાંતિ ગૌડ

મધ્યપ્રદેશના ધુવારામાં જન્મેલી ક્રાંતિ ગૌડ શાનદાર ઝડપી બોલર છે. ટ્રાયબલ વિસ્તારની આદિવાસી વર્ગની આ મહિલા ખેલાડીએ એ પૂરવાર કરી દીધું છે કે 'મન હોય તો માળવે જવાય...'

તેણીના પિતા પોલીસ કોન્સ્ટેબલ હોવા છતાં દીકરીને રમતગમત માટે પ્રેરિત કરવામાં સમગ્ર પરિવારે યોગદાન આપ્યું હતું, અને એક તબક્કે તો તેણીની માતાના આભૂષણો પણ ગીરવે મૂકવા પડ્યા હોવાનું કહેવાય છે. તેણીએ પ્રારંભમાં કેટલોક સંઘર્ષ કર્યો, અને પરિવારે તકલીફો વેઠી, પણ અંતે ક્રાંતિએ ક્રાંતિ સર્જી અને ઝડપી બોલર તરીકે ખ્યાતિ મેળવી.

સ્નેહ રાણા

ઉત્તરાખંડના દહેરાદૂનમાં જન્મેલી સ્નેહ રાણાએ નવ વર્ષની ઉંમરે ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણીએ મહિલા પ્રિમ્યિર લીગમાં ગુજરાત જાયન્ટ્સની ટીમની કપ્તાની પણ કરી હતી. બ્રિસ્ટલની ટેસ્ટ મેચની તેણીની ૮૦ રનની રમત યાદગાર બની છે. ટીમની અંદર-બહાર થવા છતાં તેણીએ હાર માની નહીં અને અંતે આંતરરાષ્ટ્રીય વન-ડે ટીમમાં સ્થળ મેળવ્યું.

રેણુકા ઠાકુર

હિમાચલ પ્રદેશના શીમલામાં જન્મેલી રેણુકા ઠાકુર જ્યારે ત્રણ વર્ષની જ હતી, ત્યારે તેણીના પિતાનો દેહાંત થઈ ગયો હતો. માતા સુનિતા અને ભાઈ વિનોદે તેણીને ઉછેરી અને પિતાનું સપનું સાકાર કરવા તેણીને ક્રિકેટર બનાવી. સરકારી નોકરી કરતા ભાઈએ તેણીને પ્રોત્સાહિત કરી. તેણીએ વર્ષ ર૦રર માં રાષ્ટ્રમંડળ ગેમ્સમાં સર્વાધિક ૧૬ વિકેટો લેવાનો વિક્રમ પણ સર્જ્યો હતો.

અરૃંધતી રેડ્ડી

હૈદ્રાબાદમાં જન્મેલી અરૃંધતી રેડ્ડીએ વર્ષ ર૦૧૮ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને વર્ષ ર૦ર૪ માં વન-ડે માં રમવાની તક મળી. વર્ષ ર૦રપ ના વિમેન્સ વર્લ્ડ કપ માટે તેણીએ જગ્યા બનાવી. ગયા વર્ષ પાકિસ્તાન સામેની મેચમાં તેણીનું નોંધપાત્ર યોગદાન હતું. તેણી પૂર્વ કપ્તાન એમ.એચ. ધોનીની પ્રશંસક રહી છે.

રાધા યાદવ

ગુજરાતના વડોદરામાં જન્મેલી રાધા યાદવ સ્પિન-ઓલરાઉન્ડર છે. ઘરેલું ક્રિકેટમાં વડોદરા તરફથી રમે છે. તેણી ટી-ર૦ ઈન્ટરનેશનલ મેચોની વિશેષજ્ઞ ગણાય છે. વર્ષ ર૦ર૧ માં વન-ડેમાં તેણીએ ડેબ્યુ કર્યું હતું. તેણીનો પરિવાર નાના સરખા ઘરમાં રહેતો હતો. તેણીએ સતત ર૭ ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક કે તેથી વધુ વિકેટો ઝડપવાનો વિક્રમ સર્જ્યો છે.

અમનજોત કૌર

ચંદીગઢમાં જન્મેલી અમનજોત કૌરને બાળપણથી જ તેમના પિતાનું પ્રોત્સાહન મળ્યું હતું. એવું કહેવાય છે કે, પોતે બનાવેલા બેટથી જ અમનજોતે પ્રથમ વખત ક્રિકેટ રમ્યું હતું. સમનજોત કૌરે જ્યારે ડેબ્યુ કર્યું ત્યારે ટી-ર૦ ઈન્ટરનેશનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બની હતી, પરંતુ હાથમાં ઈજા થતા વર્ષ ર૦ર૪ માં મોટાભાગે મેદાનથી બહાર રહી હતી. અમનજોત કૌર આઠમા કે તેથી નીચેના નંબરે વિશ્વકપમાં પ૦ થી વધુ રન બનાવનારી બીજી ખેલાડી બની હતી, જ્યારે તેણીએ શ્રીલંકા સામે ભારતને જીતાડ્યું હતું.

શ્રી ચરણી

આંધ્રપ્રદેશના કડપ્પામાં જન્મેલી શ્રી ચરણી નાનકડી હતી, ત્યારે પ્લાસ્ટિકના બેટથી રમતી હતી. તે પછી સ્કૂલના શિક્ષણ સાથે સાથે તેણી એથ્લેટ બની, પરંતુ ક્રિકેટ તરફના આકર્ષણના કારણે તેણીને વન-ડે ટીમમાં જગ્યા મળી ગઈ. તેણીએ ડાબોડી સ્પીનર તરીકે સફળતા મેળવી. ઈંગ્લેન્ડમાં ટી-ર૦ માં જ્યારે તેણીએ ૧૦ વિકેટ ઝડપી ત્યારે ખૂબ વાહવાહી થઈ અને તેણી પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બની હતી.

દેશનું ગૌરવ વધારતી વર્લ્ડકપ વિજેતા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ મી ઓક્ટોબર ૧૯૭૬ થી બેંગ્લોરમાં વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ સામે રમી હતી, અને પ્રથમ વન-ડે ક્રિકેટ મેચ પહેલી જાન્યુઆરી ૧૯૭૮ ના કોલકાતામાં ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સાથે રમી હતી, જ્યારે પ્રથમ ટી-ર૦ મેચ પાંચમી ઓગસ્ટ ર૦૦૬ ના ડર્બીમાં ઈંગ્લેન્ડની ટીમ સામે રમી હતી. આમ મહિલા ક્રિકેટ ટીમ લગભગ પાંચ દાયકાથી ઘરેલુથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની મેચો રમી રહી છે, પરંતુ હવે મહિલા ક્રિકેટ ટીમને પુરુષ ક્રિકેટ ટીમ જેટલું જ મહત્ત્વ અને લોકપ્રિયતા મળવા લાગી છે, જે મહત્ત્વપૂર્ણ છે.

આ વખતે વર્લ્ડ કપ જીત્યા પછી મહિલા ક્રિકેટ ટીમ પર ઈનામો અને અભિનંદનની જે વર્ષા થઈ રહી છે, તે ઘણી જ પ્રોત્સાહક છે, અને મહિલા ક્રિકેટ ટીમમાં દેશના ચારેય દિશાના રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી ઘણી ખેલાડીઓ સામાન્ય પરિવારોમાંથી આવતી હોવાથી એ પણ પૂરવાર થઈ રહ્યું છે કે, દેશના કોઈપણ ખૂણેથી મહિલા ખેલાડી કોઈપણ વર્ગમાંથી હોય, પરંતુ તેની ક્ષમતા અને કૌશલ્યને તક મળે તો તે દેશને ગૌરવ જરૂર અપાવતી હોય છે.

જો કે, ભારતમાં મહિલા ક્રિકેટની ઔપચારિક શરૂઆત વર્ષ ૧૯૭૩ માં સોસાયટી એક્ટ હેઠળ લખનૌમાં ભારતીય મહિલા ક્રિકેટ સંઘની સ્થાપનાનું રજિસ્ટ્રેશન કરાવીને કરાઈ હતી. ભારતીય મહિલા ક્રિકેટ સ્મૃતિ મંઘાનાને બે વખત પ્રતિષ્ઠિત આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે. આ વખતે ભારતે પહેલો વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે. આ પહેલા ૧ર વર્લ્ડકપ રમાઈ ચૂક્યા છે. બુધવારે વિમેન્સ વર્લ્ડકપ ક્રિકેટ ટીમે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી ત્યારે ગરિમામય દૃશ્યો ખડા થયા હતાં.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh