Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વી.વાય.ઓ. વ્રજધામ હવેલીનું પૂ.પા.ગો.શ્રી વ્રજરાજકુમારજીના હસ્તે ભૂમિપૂજન

સંકુલમાં શૈક્ષણિક- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધમધમશેઃ મુખ્ય મનોરથી કાછડીયા પરિવાર દ્વારા વૈષ્ણવ સમાજને રૂ. ચાર કરોડનું ભૂમિદાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના ઈતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયુ છે, અને છોટીકાશીમાં વી.વાય.ઓ. વ્રજધામ હવેલીના નિર્માણનો શંખનાદ ગુંજ્યો છે. પૂ.પા.ગો. શ્રી વ્રજરાજકુમારજી મહોદયના વરદ હસ્તે લાલપુર રોડ પર હવેલીનુ ભવ્ય ભૂમિપૂજન સંપન્ન થયુ છે, જેમાં મનોરથી દાતાઓ દ્વારા દાનનો વરસ્યો છે. મુખ્ય મનોરથી સુરેશભાઈ કાછડીયા પરિવાર દ્વારા વૈષ્ણવ સમાજને ૪ કરોડનું ભૂમિદાન કર્યુ છે. આ સંકુલમાં શિક્ષણ સહિતની બહુવિધ પ્રવૃત્તિઓ ધમધમશે.

વિશ્વભરમાં 'છોટીકાશી' તરીકે  ખ્યાતિ પામેલા જામનગરના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો થયો છે. શહેરના વિકાસ પામી રહેલા લાલપુર રોડ પર, સહજાનંદ પાર્કમાં, વૈષ્ણવ સંપ્રદાયનુ આસ્થાના કેન્દ્ર સમાન 'શ્રી વિ.વાય.ઓ. વ્રજધામ હવેલી'ના નિર્માણ માટેનો મંગલમય પ્રારંભ થયો હતો.

ગઈકાલે મંગળવારે સાંજે આયોજિત એક ભવ્ય અને દિવ્ય સમારોહમાં, પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયના પાવન સાંનિધ્યમાં હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિ વચ્ચે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ ધર્મકાર્યના મુખ્ય મનોરથી અને શહેરના અગ્રણી ઉદ્યોગપતિ સુરેશભાઈ કાછડીયા અને તેમના પરિવારે હવેલીના નિર્માણ માટે અંદાજે ૧૦,૫૦૦ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ ભૂમિનું દાન અર્પણ કર્યું હતું, જેની અનુમાનિત કિંમત ૪ કરોડ રૂપિયા છે.

સુરેશભાઈના પ્રેરણાદાયક કાર્ય બાદ અન્ય દાતાશ્રીઓએ પણ મંચ પરથી લાખો રૂપિયાના દાનની સરવાણી વહાવી હતી.

આ ભક્તિસભર અવસરે ઉપસ્થિત વિશાળ વૈષ્ણવ સૃષ્ટિને સંબોધતા પૂ. પા. ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદય (જેજે શ્રી) એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જામનગરમાં નિર્માણ પામી રહેલી આ હવેલી અનેક રીતે વિશિષ્ટ છે.

તેમણે કહૃાું કે, *દેશ-વિદેશમાં વી.વાય.ઓ. (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) દ્વારા જ્યાં પણ હવેલીઓનું નિર્માણ થયું છે, ત્યાં પ્રથમ સભાઓ અને આયોજન પછી જમીન સંપાદનની કામગીરી થતી હોય છે. પરંતુ જામનગરમાં કુશળ નેતૃત્વ અને ઠાકોરજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા સુરેશભાઈ અને લીનાબેન કાછડીયાએ પ્રથમ ભૂમિ સંપાદન કરી મને સરપ્રાઈઝ આપી છે, જે તેમની અનન્ય ભક્તિ અને કાર્યનિષ્ઠા દર્શાવે છે.*

જેજે શ્રીએ દૃષ્ટાંતો સાથે સમજાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે કોઈ વ્યક્તિનો ઉત્કર્ષ કરવા માંગતા હોય, ત્યારે તેને નિમિત્ત બનાવી શુભ કાર્યોની પ્રેરણા આપે છે, અને જ્યારે કોઈનું પતન કરવાનું હોય ત્યારે અશુભ પ્રેરણા મળતી હોય છે.

ધર્મસ્થાનોના મહત્વ પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે, *કોઈપણ શહેરમાં મોલ, દુકાન કે શોરૂમની જેમ લોકો પાસે ધર્મ અને આધ્યાત્મિકતા માટે પણ વિકલ્પો હોવા જોઈએ. જામનગરના વૈષ્ણવોને હવે પોતાના વિસ્તારમાં જ એક નવો વિકલ્પ ઉપલબ્ધ થઈ રહૃાો છે. દરેક વ્યક્તિની ઉર્જા અલગ હોય છે અને તે પોતાની ઉર્જા અનુસાર ધર્મસ્થાન પસંદ કરતો હોય છે.*

તેમણે સ્પષ્ટ કર્યું કે જામનગરમાં બીજી હવેલીનું નિર્માણ અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ રહૃાું છે અને આ વિસ્તારની વિશાળ વૈષ્ણવ સૃષ્ટિને તેમના ઘરઆંગણે પ્રથમ હવેલી મળી રહી છે. રાજકોટનું ઉદાહરણ આપતા તેમણે કહૃાું કે, *રાજકોટમાં ૫૦ હવેલીઓ છે, અને ૫૧મી હવેલી વી.વાય.ઓ. દ્વારા નિર્મિત થઈ છે, જ્યાં હજારો વૈષ્ણવો દર્શનાર્થે આવે છે.

 જેજે શ્રીએ ભવિષ્યના આયોજન અંગે વિગતો આપતા જણાવ્યું કે, આ હવેલી માત્ર પૂજા-અર્ચનાનું કેન્દ્ર નહીં, પરંતુ એક સંપૂર્ણ સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનશે. અહીં બાળકો, યુવાનો અને વડીલો માટે શિક્ષણ, સંસ્કાર સિંચન અને અન્ય બહુવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવશે. હવેલીમાં શ્રી મદનમોહન પ્રભુ, શ્રી વલ્લભાચાર્ય, શ્રી યમુના મહારાણી અને શ્રી ગિરિરાજજીના દિવ્ય સ્વરૂપો બિરાજમાન કરવામાં આવશે. વધુમાં, જો કોઈ વૈષ્ણવને પોતાના ઘરે કોઈ કારણોસર ઠાકોરજીની સેવા-પૂજામાં અડચણ આવે, તો તેઓ પોતાના ઠાકોરજીને અહીં હવેલીમાં પધરાવી શકે તેવી વિશેષ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે.

આ કાર્યક્રમના મુખ્ય યજમાન અને દાતા સુરેશભાઈ કાછડીયાએ  જણાવ્યું કે, *ઠાકોરજીની પ્રસન્નતા અને વૈષ્ણવોના આધ્યાત્મિક વિકાસના શુભ હેતુથી આ સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે.* મુખ્ય મનોરથી તરીકે તેમના ધર્મપત્ની લીનાબેન કાછડીયા, પુત્ર હર્ષિલભાઈ અને પુત્રવધૂ કરિશ્માબેન કાછડીયા સહિત સમગ્ર કાછડીયા પરિવાર આ ધર્મકાર્યમાં જોડાયો હતો.

 આ ભવ્ય ભૂમિપૂજન સમારોહમાં જામનગરના સામાજિક, રાજકીય, ઉદ્યોગપતિઓ, વેપારી અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં અન્ય મનોરથીઓ અને વૈષ્ણવ ભક્તો મહેમાન તરીકે ઉપસ્થિત રહી આ દિવ્ય ક્ષણના સાક્ષી બન્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh