Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત ગ્રામજનોની ઉગ્ર રજૂઆત
જામનગર તા. ૭: કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામનો મુખ્ય માર્ગ જાણે જામનગર જિલ્લો કે ગુજરાતના નકશામાંજ ન હોય તેવી દયનીય, જર્જરિત અને જોખમી હાલત છેલ્લા દસ-દસ વર્ષથી રહી છે.
કાલાવડ તાલુકાના ધાંધલ પીપળીયા ગામનો માર્ગ, જે ગ્રામજનોને કાલાવડ તાલુકા મથક અને અન્ય નજીકના ગામો સાથે જોડે છે, તે હવે માત્ર માર્ગ ન રહેતા, એક જીવલેણ ફાંસલા સમાન બની ગયો છે. છેલ્લા ૧૦ વર્ષથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના પરિણામે મોટા ખાડાઓ, ઉબડ-ખાબડ સપાટી અને ધૂળની ડમરીઓ એ રસ્તાની નિયતિ બની ગઈ છે. આ માર્ગ પરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે તો તે અત્યંત જોખમી પૂરવાર થઈ રહ્યો છેે.
ચોમાસાની ઋતુમાં આ રસ્તાની સ્થિતિ વધુ વણસી જાય છે. સામાન્ય વરસાદમાં પણ અહીં મોટા ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો તળાવમાં ફેરવાઈ જાય છે. પાણી ભરાઈ જવાથી ખાડાઓની ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બની જાય છે, અને પરિણામે વાહન ચાલકોના સ્લીપ થવાના કે ગબડી પડવાના અનેક બનાવો બન્યા છે. આવા અકસ્માતોમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જયારે કેટલાક કિસ્સાઓમાં તો જીવનું જોખમ પણ ઊભું થયું છે. બાળકો અને વૃદ્ધો માટે આ માર્ગ પરથી પસાર થવું એ રોજિંદી યાતના બની ગઈ છે.
આ માર્ગની દુર્દશા એટલી હદે છે કે ગામમાં કોઈ બીમાર પડે તો તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં પણ ભારે મુશ્ક્ેલીઓનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ આ રસ્તા પરથી પસાર થતા ખચકાય છે, અથવા તો તેમને સમયસર પહોંચવામાં વિલંબ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતવર્ગ તેમજ પીપરડી જી.આઈ.ડી.સી., રાવકી જી.આઈ.ડી.સી. તેમજ ગોંડલ માર્કેટીંગ યાર્ડ જતા ખેડૂતોના વાહનો પણ દરરોજ આ રસ્તા પરથી પસાર થતી વખતે મુશ્કેલીઓ પડે છે. રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે, જેનાથી ગ્રામજનોને આર્થિક બોજ પણ વેઠવો પડે છે.
સ્થાનિક ગ્રામજનો દ્વારા પંચાયત થઈ લઈને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. લેખિત અને મૌખિક બંને રજૂઆતો કરવા છતાં, તંત્રના કાને ધાંધલ પીપળીયા ગામના લોકોની વેદના અથડાઈ હોય, તેમ લાગતું નથી. ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું તેમનું ગામ કાલાવડ તાલુકાના નકશામાં નથી ? આ સવાલોનો જવાબ તંત્રો પાસે નથી. આશ્ચર્ય બાબત એ છે કે ચૂંટણીના સમયમાં આ જ રસ્તા પરથી અનેક રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય છે. મત માંગવા આવતા નેતાઓ ગામલોકોને મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ આ રસ્તો તેમની પ્રાથમિકતામાંથી બહાર નીકળી જાય છે. "આવતીકાલે રસ્તો બની જશે, પ્રક્રિયા ચાલુ છે," "ફંડ મંજૂર થઈ ગયું છે" જેવા જવાબો આપીને વર્ષોથી ગ્રામજનોને વાયદાઓ પર જીવાડવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, છેલ્લા દસ વર્ષથી રસ્તાની સ્થિતિ 'જેમ હતી તેમ' જ રહી છે, અને કદાચ વધુ ખરાબ પણ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial