તંત્રી લેખ

અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી તો વર્ષ-૧૯૪૭ માં મળી, પરંતુ તે પછી બે-અઢી વર્ષની બંધારણસભાની મહેનત પછી ભારતની શાસન વ્યવસ્થા ચલાવવા માટે એક લેખિત બંધારણ ઘડાયું. આ બંધારણના ઘડતર માટે બંધારણ સભાની રચના થઈ હતી, અને વિવિધ સમિતિઓની રચના થઈ હતી. આ સમિતિઓ પૈકી ડ્રાફટ સમિતિના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકર હતાં, તે સર્વવિદિત છે.
એ સૌ કોઈ જાણે છે કે, વર્ષ-૧૯પ૦ ની ર૬મી જાન્યુઆરીથી ભારત પ્રજાસત્તાક થયું. એટલે કે, વાસ્તવમાં પ્રજાનું શાસન સ્થાપિત થયું તે પછી બંધારણ હેઠળ જ ચૂંટણીઓ થઈ અને વર્ષ-૧૯પરથી લોકસભામાં બહુમતિના આધારે દેશના વડાપ્રધાન અને તેના દ્વારા રચાયેલા મંત્રીમંડળે કાર્યભાર સંભાળ્યો. આ બંધારણમાં જરૃર પડ્યે સુધારા-વધારા કરવાની જોગવાઈ પણ રખાઈ હોવાથી આજ સુધીમાં ૧૦૦ થી વધુ બંધારણીય સુધારા થઈ ચૂક્યા છે.
આજના દિવસે દેશભરમાં ખુશીનો માહોલ હોય છે અને ભારત આઝાદ થયા પછી લોકો દ્વારા, લોકો માટે લોકોનું શાસન સ્થાપિત થયું, જેનો ઉમંગ પ્રથમ પ્રજાસત્તાક પર્વથી જ જળવાતો રહ્યો છે. આ દરમિયાન પ્રતિવર્ષ પ્રજાસત્તાક પર્વ ઉજવાતું રહ્યું છે, તે પૈકી કેટલાક વર્ષ કોઈને કોઈ કામો યાદગાર બની ગયા છે, તો કેટલાક વર્ષ વિશેષ સંજોગોના કારણે પણ યાદ રહી ગયા છે. જો કે, ભારતની જનતાએ ક્યારેય ભારતનું ગૌરવ ઘટવા દીધું નથી, તેવી જ રીતે ભારતીય સેનાએ દેશના સાર્વભૌમત્વની રક્ષા માટે હજારો બલિદાન પણ આપ્યા છે. વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા...
આ વર્ષે પ્રજાસત્તાક પર્વે કોઈ વિદેશી અતિથિ નથી. બ્રિટનના વડાપ્રધાનને આ માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ બ્રિટનમાં કોરોનાનું નવું સ્વરૃપ ઝળકતા તેઓએ ભારતનો પ્રવાસ રદ્દ કર્યો. આ કારણે આ વર્ષે વિદેશી અતિથિની ગેરહાજરી છે. જો કે, અપવાદરૃપ કિસ્સામાં ભૂતકાળમાં પણ આવું બન્યું હશે, બાકી પ્રતિવર્ષ કોઈને કોઈ વિદેશી અતિથિઓ આપણા દેશના પ્રજાસત્તાક પર્વની લાલ કિલ્લાના ધ્વજવંદન પરેડમાં ઉપસ્થિત રહેતા જ હોય છે.
આ વર્ષે પ્રથમ વખત રાફેલ વિમાન પ્રજાસત્તાક પરેડમાં સામેલ થયા છે. આ રાફેલ વિમાનના કારણે ભારતની સૈન્યશક્તિ વધુ મજબૂત બની છે, તેવો દાવો સરકાર કરે છે. સેનાને મજબૂત બનાવવા માટે રાફેલ જેવા શક્તિશાળી યુદ્ધ વિમાનોની જરૃર પણ હતી, પરંતુ તેની ખરીદીની પ્રક્રિયા એટલી તો વિવાદાસ્પદ રહી, કે રાફેલની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દાને કોંગ્રેસે ગત્ લોકસભાની ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત રીતે શાબ્દિક પ્રહારો પણ કર્યા હતાં. જો કે, રાફેલ વિમાનો દ્વારા ભારતીય સેનાએ દેખાડેલ કર્તબથી દર્શકો પ્રભાવિત થયા હતાં.
આ વર્ષે પ્રજાસત્તાક પર્વ પ્રતિવર્ષ કરતા આ બધા કારણો, ઉપરાંત કોરોના અને ખેડૂતોની ટ્રેક્ટર રેલીના કારણે પણ અલગ પડે છે. આ વર્ષે આ બન્ને કારણોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પણ પ્રભાવિત કરી છે, અને વ્યાપક અસરો પડી છે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પણ ગાઈડ લાઈનનું પાલન કરાવવું અનિવાર્ય હોવાથી કાંઈક અલગ જ રીતે ઉજવણી થઈ રહેલી જણાય છે. મોઢા પર માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને ઓછી સંખ્યામાં લોકોની હાજરીના કારણે પ્રજાસત્તાક પર્વની આ વર્ષની ઉજવણી પણ કાંઈક અલગ જ દેખાઈ રહી છે.
આ વર્ષે પ્રજાસત્તાક પર્વે દિલ્હીની ફરતે ગોઠવાયેલા હજારો કિસાનોએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના વિરોધમાં "વટ"થી કાઢેલી ટ્રેક્ટર રેલીઓ અને તેના સંદર્ભે આજે જે કાંઈ ઘટનાઓ બની રહી છે, તે પણ કદાચ ઐતિહાસિક બની જશે.
પ્રજાસત્તાક પર્વે જ પ્રજાજનોનો કોઈ વર્ગ, શાસન, સરકાર કે સિસ્ટમથી નારાજ થઈને આ પ્રકારનું આંદોલન બબ્બે મહિનાથી કરી રહ્યો હોય, તે પણ અનેક સવાલો ઊભા કરે છે. આજે દેશભરમાંથી ટ્રેક્ટરો દિલ્હી પહોંચ્યા હોય અને ખેડૂતો ત્રણ કાયદા રદ્દ કરવા અને એમએસપીનો કાનૂન બનાવવાની માંગણી પર અડગ હોય, અને સરકાર કાનૂન સુધારવા તૈયાર હોય, પણ કાયદા રદ્દ કરવાની ના પાડતી હોય, તેવા સંજોગો પછી દોઢ વર્ષ કાયદા મોકૂફ રાખવાનો સરકારનો પ્રસ્તાવ પણ ફગાવીને ખેડૂતો ટ્રેક્ટર રેલીઓ કાઢી રહ્યાં હોય, તો તે સ્થિતિ પણ પ્રજાસત્તાક પર્વે સરકાર માટે ક્ષોભજનક જરૃર ગણાય.