માર્કેટ સ્કેન

તા. ૨૮-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ભારત - અમેરિકા ટ્રેડ ડીલ મુદ્દે અનિશ્ચિતતા અને સ્થાનિક નબળા કોર્પોરેટ પરિણામોના પગલે આજે ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યું હતું. ભારત અને યુ. કે. વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં વધારો થવાની અપેક્ષા છતાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશોને ૧૫% થી ૫૦% ટેરિફ લાદવાની ચીમકી અને બીજી તરફ યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલના સંકેત વચ્ચે આજે સ્થાનિક બજારમાં સેન્ટીમેન્ટ ફરી ડહોળાયું હતું. વધુમાં વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને રૂપિયામાં કડાકાની અસર પણ જો વા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૪૧%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૦% અને નેસ્ડેક ૦.૨૪% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૩ અને વધનારની સંખ્યા ૧૫૫૪ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર રિયલ્ટી, ટેક, ફોકસ્ડ આઈટી, આઈટી, બેન્કેકસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ., અદાણી પોર્ટસ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા શેરો ૧.૫૦% થી ૦.૫૦% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે કોટક બેન્ક, ટીસીએસ લિ., ઈન્ફોસીસ લિ., ભારતી એરટેલ, લાર્સન લિ., બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેકનોલોજી અને ટાઈટન લિ. જેવા શેરો ૬.૫૦% થી ૦.૩૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ. ૯૭૮૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૯૮૦૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૯૭૮૩૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૯૭૯૭૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૂ. ૧,૧૩,૧૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ. ૧,૧૩,૨૬૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ. ૧,૧૨,૯૨૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ. ૧,૧૩,૨૧૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ... આગામી દિવસોમાં બજારમાં તેજી માટે નોંધપાત્ર સેક્ટર્સમાં ડિફેન્સ, પાવર, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રકચર અને પીએસયૂ બેંકોનો સમાવેશ થાય છે. સરકાર તરફથી પૂરતું કેપિટલ સપોર્ટ, રોકાણની સ્થિતિમાં સુધારો અને મેક ઇન ઈન્ડિયા જેવા પગલાં આ સેક્ટર્સને આગળ વધારશે. રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રિફિકેશનથી જોડાયેલા સ્ટૉક્સ પણ તેજી દાખવી શકે છે. બીજી તરફ, આઈટી અને ફાર્મા સેક્ટરમાં નફારૂપી વેચવાલી તથા વૈશ્વિક માહોલને કારણે થોડો દબાવ જોવા મળી શકે છે. ખાસ કરીને યુએસ અને યુરોપમાંથી નરમ ડિમાન્ડ તથા રેગ્યુલેટરી અનિશ્ચિતતાઓ આ સેક્ટર્સ પર ભાર પાડી શકે છે. એફએમસીજી સેક્ટર પણ રોકાણકારોની પસંદગીમાંથી થોડીક બહાર રહી શકે છે કારણ કે ગ્રામ્ય માંગ હજુ પૂર્ણપણે પુનઃપ્રાપ્ત થઈ નથી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેકસ જે જૂનમાં ૫૮.૪૦ હતો તે જુલાઈમાં વધી ૬૦.૭૦ પહોંચી ગયો છે. એકંદર વેચાણમાં વધારો, નિકાસ ઓર્ડરોમાં મજબૂતાઈ તથા ઉત્પાદનના ઊંચા સ્તરને પરિણામે સંયુકત પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ)માં વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈને પરિણામે વર્તમાન મહિનામાં દેશની એકંદર વેપાર પ્રવૃત્તિમાં વધારો થયો હોવાનું ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એચએસબીસી પ્રારંભિક સંયુકત ઈન્ડેકસ પરથી જણાય છે.
બીજી બાજુ ફુગાવાજન્ય દબાણ સતત વધી રહ્યું છે અને કાચામાલના ખર્ચ તથા ઉત્પાદનના દરો જુલાઈમાં ઊંચે ગયા છે. વેપાર વિશ્વાસ પણ માર્ચ ૨૦૨૩ બાદની નીચી સપાટીએ પહોચી ગયો છે, જ્યારે રોજગાર વૃદ્ધિ નરમ પડી પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે. ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ જે જૂનમાં ૫૮.૪૦ રહ્યો હતો તે જુલાઈમાં વધી ૫૯.૨૦ રહ્યો હતો. જે સાડાસતર વર્ષની ઊંચી સપાટીએ છે. બીજી બાજુ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે જૂનમાં ૬૦.૪૦ હતો તે જુલાઈમાં ઘટી ૫૯.૮૦ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્ર અને શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.