જામનગરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે મંત્રી જયેશ રાદડિયાએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

પરેડ, માર્ચ પાસ્ટ, પોલીસ બેન્ડ, ટેબ્લો નિદર્શન, કોરોના વોરિયર્સનું સન્માન વગેરે કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યુંઃ

જામનગર તા. ર૬ઃ જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ૭ર માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કર્યા પછી મંત્રીએ જામનગર પોલીસદળ, હોમગાર્ડ, એન.સી.સી. વગેરેના જવાનોની માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ માર્ચપાસ્ટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલને પુરસ્કૃત કર્યા હતાં.

ઉજવણી પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતા મંત્રી જયેશભાઈ રાદડિયાએ ગુજરાતમાં જન્મ લેનાર પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અંતઃકરણપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં અને જણાવ્યું હતું કે, ગાંધી-સરદારના નામ હંમેશાં અમર રહેશે.

મંત્રીએ જણાવ્યું કે, ૧૯પ૦ માં આપણા ભારત દેશે પોતાનું આગવું બંધારણ સ્વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્ત કર્યું, તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે.

બંધારણના ઘડવૈયાનો આભાર માનતા તેમણે વધુમાં ઉમેર્યું કે, વર્ષો પહેલા ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત થવા આપણે એક્તા દર્શાવી અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. આજે ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર ભારતવર્ષે પોતાની એક્તાના દર્શન દુનિયાને કરાવ્યા છે. કોરોના નામના અદૃશ્ય દુશ્મનને હરાવવા ગુજરાતીઓએ એક બની મક્કમ મુકાબલો કર્યો છે. સૌના સહિયારા પુરુષાર્થથી જ ગુજરાતમાં આ મહામારીમાં ૯૬ ટકાથી પણ વધારે રિકવરી રેટ રહ્યો છે. આપણા દેશના વૈજ્ઞાનિકો દુનિયાને રાહ ચીંધી રહ્યા છે. ભારતમાં સ્વદેશી બે રસીઓનો અવિષ્કાર થયો છે.

આ મહામારીના સમયમાં પણ લડત આપીને આપણે ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કર્યું છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. ગુજરાત અનેક ક્ષેત્રે પ્રથમ છે ત્યારે ગુજરાતની વિકાસયાત્રાને વધુ બળવત્તર બનાવવા અને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે આગળ વધવા જનતા જનાર્દનને મંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા વિવિધ વિભાગના કોરોના મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાથે જ હોમગાર્ડમાં ઉત્કૃષ્ટ સેવા બદલ જવાનોને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ, જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક સુરક્ષા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ્-સ્વચ્છ ભારત, વન વિભાગ દ્વારા વન સંરક્ષણ અજૈવિક વૈવિધ્ય, પી.જી.વી.સી.એલ. દ્વારા કિસાન સૂર્યોદય યોજના-સોલાર રૃફ ટોપ યોજના અને આર.ટી.ઓ. જામનગર દ્વારા ટ્રાફિક અવેરનેસ-માર્ગ સલામતી અંગેના ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ક્રમે પી.જી.વી.સી.એલ., દ્વિતીય ક્રમે ગ્રામ વિકાસ એજન્સી અને તૃતીય ક્રમે વનવિભાગને શ્રેષ્ઠ ટેબ્લો નિદર્શન માટે મંત્રીના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.

પોલીસ બેન્ડની સૂરાવલીઓથી જામનગર દેશ ભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રીએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ, વરિષ્ઠ નાગરિકો, સ્થાનિક પ્રજાજનો, પત્રકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit