આઝાદી પછીનું આપણું સૌનું પોતાનું સાંધ્ય દૈનિક 'નોબત' સાડા છ દાયકાની સફળ સફર સમાપ્ત કરીને ૬૭મા વર્ષમાં શાનદાર પ્રવેશ કરી રહ્યું છે. આવતીકાલે ૧૪ મી મે ના દિવસે નોબતનો સ્થાપના દિન છે. આ ગૌરવપ્રદ અને મંગલમય દિવસે આપણે બધાને સ્વાભાવિક રીતે જ ગર્વ અને ખુશીની અનુભૂતિ થાય. આ સંઘર્ષય યાત્રાની બુનિયાદ રાખનાર અને 'નોબત' સાંધ્ય દૈનિકના આદ્યસ્થાપક આપણા બધાના આદરણીય અને અમારા આદર્શ સ્વ. રતિલાલ માધવાણીને આજે સંગત વિભાગમાં સ્મરણાંજલિ સાથે તેઓની જીવનયાત્રા સંક્ષિપ્તમાં પ્રસ્તૂત કરી છે, જે જરૃર વાંચજો...
આજે 'નોબત' દૈનિક આધુનિક ટેકનોલોજીની પાંખે સાત સમંદર પાર પહોંચ્યું છે અને મૂળ પ્રિન્ટેડ ન્યુઝપેપરના રંગરૃપ જાળવી રાખીને તેને અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટના માધ્યમથી એટલું આકર્ષક બનાવી દેવાયું છે કે લોકો પરંપરાગત રીતે 'છાપુ' હાર્ડકોપીમાં પણ વાંચી શકે છે, અને હથેળીમાં મોબાઈલ સેલફોન અથવા કોમ્પ્યુટર-લેપટોપમાં આગળીના ટેરવે 'નોબત'ને વાંચી પણ શકાય છે. સાંભળી પણ શકાય છે અને શેર પણ કરી શકાય છે.
આજે 'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના દ્વારા તો વાચકોને જુદી જુદી ગીફટ તથા મેગા ડ્રોનો લાભ તો મળે જ છે, સાથે સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ સેલફોનના માધ્યમથી પણ તાજામાં તાજા સમાચાર ચોવીસેય કલાક સુધી લોકોને પહોંચતા કરવામાં આવે છે. વ્હોટ્સએપના માધ્યમથી 'બ્રેકીંગ ન્યુઝ' ના સ્વરૃપમાં તાજામાં તાજા સમાચારો સતત મળતા રહેતા હોવાથી નોબત વાચકો સાથે અવિરત જોડાયેલું રહે છે.
નગરમાં દરરોજ બપોરે વાચકો 'નોબત'ની કાગડોળે રાહ જોતા હોય છે, તેનું કારણ એ જ છે કે 'નોબત'માં છેક બપોર સુધીના તદ્દન તાજા સમાચારો વિશ્વસનિય અને વાચકો સરળતાથી સમજી શકે તેવી શૈલીમાં મળે છે. 'નોબત'માં લોકલથી ગ્લોબલ અને નગરથી નેશન સુધીના તમામ પ્રકારના સમાચારો 'નોબત'ના માધ્યમથી પ્રાપ્ત થાય છે, એટલું જ નહીં અનુભવી લેખકોની કલમે લખાતા વિશેષ લેખો, વિશ્લેષણો, તંત્રીલેખ, સકસેશ સ્ટોરીઝ અને ફોટો સ્ટોરીઝ પણ વાચકોને ખૂબ જ પસંદ આવે છે. નગરમાં બપોરે ઘરે-ઘરે પહોંચતું 'નોબત' સમી સાંજ થતા થતા તો હાલારના ગામડે ગામડે પહોંચી જાય છે, તે ઉપરાંત ભિવંડી સહિતના જિલ્લા બહારના કેટલાક સ્થળે પણ 'નોબત'ને ઝડપભેર પહોચાડવામાં આવે છે. આ આખી સાંકળરૃપ કામગીરી અમારા અનુભવી સાથીદારો વર્ષોથી રોજીંદા નિભાવે છે અને વાચકો સુધી સમયસર આ અખબાર પહોંચી જાય છે.
બપોરે આ અખબાર છપાયા પછી પણ બ્રેકીંગ ન્યુઝ તો સતત ચાલું જ રહે છે, અને સમી સાંજે યુટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર દ્વારા તે પછીના તાજા અપડેટ સહિતના સમાચારો પ્રસ્તૂત થાય છે. જેનો એક બહોળો શ્રોતાવર્ગ પણ ઊભો થયો છે, જે અમારા મારા ગૌરવ અને સંતોષની વાત છે.
'નોબત' સાંધ્ય દૈનિક ઈ-પેપરના સ્વરૃપમાં પણ ખૂબ જ વંચાય છે અને તેના ગ્લોબલ ફીડબેક પણ આપને મળતા રહે છે તે ઉપરાંત ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, યુટ્યુબ, ટેલિગ્રામ વગેરે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ્સ તથા વેબસાઈટના માધ્યમથી 'નોબત' ગ્લોબલ બન્યું છે અને તેનો વૈશ્વિક વાચકવર્ગ અને શ્રોતાવર્ગ પણ ઊભો થયો છે. 'નોબત' અખબાર અને વીડિયો સમયસર ઘણાં જ લોકપ્રિય બન્યા છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી 'નોબત'ની પોષ્ટ એટલી બધી શેર થાય છે કે, તેને કદાચ માપી જ ન શકાય.
સૌ કોઈ જાણે જ છે કે 'નોબત' પરિવાર અને માધવાણી પરિવાર દ્વારા જનતાની વાચાને નિડરતાથી પ્રસ્તૂત કરવામાં કયારેય પાછીપાની કરી નથી, અને વાચકોની રૃચિ અને લોકોની અપેક્ષાઓ અનુસાર 'નોબત'ની પ્રસ્તૂતિમાં વખતોવખત બદલાવ પણ થતા રહ્યા છે.
તે ઉપરાંત પૂ.રતિલાલભાઈ માધવાણીના સમયથી શરૃ થયેલી સામાજિક, સેવાકીય અને લોક-કલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ આ પરિવાર હંમેશાં અગ્રેસર રહે છે. કુદરતી આફતો, યુદ્ધ, થેલેસેમિયા જાગૃતિ, બ્લડ ડોનેશન કેમ્પ, મહિલા કલ્યાણ અને સોશ્યલ સર્વિસીઝ માટે હંમેશાં સહયોગી બનતો અમારો પરિવાર આ તમામ પ્રવૃત્તિઓને એક નાગરિક તરીકેની પવિત્ર ફરજ સમજીને કરતો રહ્યો છે, અને તેમાં હંમેશાં વાચકો-શુભેચ્છકોનો સહયોગ મળતો રહ્યો છે, જેના અમે આભારી છીએ અમારા પરિવારના મોટાભાગના સભ્યો નગર, હાલાર કે અન્યત્ર સેવારત વિવિધ સંસ્થાઓ સાથે સાંકળાયેલા છે, અને તેના માધ્યમથી અમે અમારા આદર્શ પથદર્શક પૂ. રતિલાલભાઈ માધવાણીની સેવાયાત્રાને જ આગળ વધારી રહ્યા છીએ. અમને ગૌરવ છે.
અમારા અખબાર અને ડિજિટલ-ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાયેલા તમામ વાચકો, દર્શકો-શ્રોતાઓ અને વિજ્ઞાપન દાતાઓ, શુભેચ્છકો, પ્રતિનિધિઓ, વિતરકો, પત્રકારો સહિત હાલારીઓ તથા ગ્લોબલ શુભચિંતકોના સહયોગ બદલ અમે આજે આભાર વ્યકત કરી શુભેચ્છાઓ પાઠવી છીએ.