Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂરજ ડૂબવાની અણી ઉપર હતો અને સ્નિગ્ધા તૈયાર થવામાં પડી હતી. આશ્લેષ સવારે ગયો ત્યારે જ કહેતો ગયો હતો કે આજે તું બની ઠનીને તૈયાર થઈને રહેજે. સાંજે આપણે હોટેલ ડ્રીમલેન્ડમાં જઈશું. બહાર હરીશુ-ફરીશુ અને તાજા મજા થઈને પછી હનીમૂન ઉજવીશું.
આશ્લેષની રૂટીન વાતોમાં હનીમૂન તો આવી જ જતું. કેમ કે એ ભીતરથી દરિયા જેવો પ્રેમથી ઉછળતો ઉત્સાહી, આવેગથી ભરપૂર અને સંપૂર્ણતઃ ઉર્જાવાન પુરૂષ હતો. એની વાકપટૂતા, આંખોમાં આંખ નાખીને વાતો કરવાની સ્ટાઈલ, સતત હસતા રહેવાનો સ્વભાવ અને શોખીન જીવડો કોઈપણ યુવતીને સહેલાઈથી આકર્ષી જતો! અને સ્નિગ્ધા એટલે જ તો ખુશ હતી. છતાં પણ ક્યારેક નાની સી કસક તેના હૈયાને ચૂભી જતી. પણ ઘડીક પૂરતી જ.! પછી તો એ ચૂભન લોહીમાં ક્યાં ઓગળી જતી એ ખબર ન પડતી. પણ ઘડીક પૂરતી તો સ્નિગ્ધાને દુઃખી કરી દેતી. એ હતી તેના પહેલા પતિ પ્રવિણની યાદો! જ્યારે જ્યારે પણ આશ્લેષ તેને આશ્લેષમાં લેતો ત્યારે કયાંકને કયાંક પ્રવિણ અદૃશ્ય રીતે આડો આવી જતો. પછી આશ્લેષના અનુબંધનમાં બંધાઈને પડેલી સ્નિગ્ધાનો મૂડ સ્વિંગ થઈ જતો. જો કે, આશ્લેષ તેનાથી પરિચિત હતો અને એ, સ્નિગ્ધાના સ્વિંગ થઈ ગયેલા મૂડને બરાબર ઠીક કરી દેતો હતો અને બરાબર ઠીક થઈ ગયા પછી સ્નિગ્ધા સંપૂર્ણ રીતે આશ્લેષમાં ડૂબી જતી. પછી એ સઘળું ભૂલી જતી. પણ શરૂઆતની બે-પાંચ મિનિટ તો એ જરૂર અસ્વસ્થ થઈ જતી. અત્યારે ડ્રેસીંગ ટેબલ સામે બેઠા બેઠા એ બધી જ ઘટનાઓ સ્નિગ્ધાને યાદ આવી ગઈ.. કે, આશ્લેષ કઈ રીતે પોતાની લાઈફમાં આવી ગયો!
એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં ક્લાર્ક જેવી નોકરી કરતા પ્રવિણે એક સાંજે ઉત્સાહથી પોતાની સુંદર પત્ની સ્નિગ્ધાને ફોન કરતા કહ્યું ઃ સ્નિગ્ધા, આજે જમવાનું થોડું અલગ અને ટેસ્ટી બનાવજે. આજે મારી ઓફિસમાં સેલ્સ એક્ઝિકયુટીવ તરીકે એક નવા સાહેબ હાજર થયા છે પણ તને નવાઈ લાગશે કે, એ મારો બચપણનો જીગરી દોસ્ત છે. નાના હતા ત્યારે મમ્મીની સાથે મામાના ગામ જતા ત્યારે મામાના ઘરની સામે એક મસ્ત વાડી હતી ત્યાં અમે રમવા જતા. એ વાડીવાળા લાલજીમામાનો દીકરો આશ્લેષ આટલું બધું ઊંચું એટલે કે એમ. ફાર્મ સુધી ભણીને અમારી કંપનીમાં નોકરીએ લાગ્યો છે. હું તો પહેલી જ વાર મળ્યો ને ઓળખી ગયો. અને એ પણ ઓળખી ગયો. એટલે મેં તો એને એમ જ કહી દીધું કે તારે તો મારે ત્યાં જ રહેવાનું અને મારે ત્યાં જ જમવાનું. એણે જો કે એ બાબતનું તો પછી વિચારશું એમ કહ્યું પણ આજે રાત્રે જમવા તો જરૂર આવશે જ. તુ કંઈક દેશી એવું બનાવજે એટલે એને એમ થાય કે ઘર જેવું જમવા મળ્યું.!
અને તે દિવસે રાત્રે વન બેડરૂમ હોલ કીચનના ફલેટમાં આશ્લેષ આવીને બેઠો. આમતેમ જોતો હતો ત્યાં જ પદમણી જેવી સ્નિગ્ધા ટ્રેમાં પાણી ભરીને આવી.
માછલી જેવી બે પાણીદાર આંખો, ધનુષ્યાકાર આઇબ્રો, નીતંબ લગી પહોંચતો કાળા ભમ્મર વાળનો ચોટલો, મોસંબીની ચીર જેવા બે હોઠ, ચોળાફળી જેવી પાતળી આંગળીઓ અને મધના રેલા જેવી કાયા. તનરૂપી શિલ્પમાં પૂરેપૂરું માંસ ભર્યું હોય અને એ જોબન એણે નવી નકોર પહેરેલી સાડીમાંથી છલકાઈ રહ્યું હતું. આશ્લેષ તેને જોતો જ રહી ગયો! બોલીવુડની ભલભલી હિરોઈન સ્નિગ્ધા આગળ પાણી ભરે એવું રૂપ યૌવન અને જોબન જોઈ આશ્લેષ પહેલી જ નજરે કિલન બોલ્ડ થઈ ગયો. એ ટ્રેમાંથી પાણી ભરેલો ગ્લાસ ઉઠાવવાને બદલે સ્નિગ્ધાને જ અનિમેષ તાકી રહ્યો હતો. અને સ્નિગ્ધા પણ એટલી ભોળી તો નહોતી જ કે, આશ્લેષની એ નજરોને પ્રમાણી ન શકે! એ પણ આશ્લેષના હેન્ડસમ બોડી સ્ટ્રક્ચર અને પૌરુષી અદાથી વિચલિત થઈ જ ચૂકી હતી. પાણી... એણે હસીને યાદ દેવડાવ્યું. આશ્લેષ ઝપકી ગયોઃ ઓહ ભાભી સોરી... પણ થયું કે તમને ક્યાંક અગાઉ જોયા છે.'
ઓહો, એવું? જાણે સ્નિગ્ધાના હોઠોમાંથી ફૂલ ખર્યાઃ કહો તો ખરા દેવરજી, મને ક્યાં જોઈ હતી? અને પછી હસી પડતી કહેઃ યાદ કરાવો તો મને ય યાદ આવે.
જવાબમાં આશ્લેષ મૂંઝાઈ રહ્યો કે પ્રવિણે જ એ ઉકેલ મેળવી આપ્યો. અરે, આપણે ગઈ સાલ લગ્ન પછી તરત જ મામાના ઘરે રોટલો ખાવા ગયા હતા ત્યારે તું, મામી, જ્યોતિ અને સુધા બધા સામે જ લાલજી મામાની વાડીએ કપડા ધોવા ગયેલા. ત્યારે જ જોઈ હશે વળી. બીજે ક્યાં?
ઓહ યસ.. યસ.. ભાભી! પ્રવિણભાઈ કહે છે તે સાચું છે, હું જસ્ટ ઉપરના રૂમમાં વાંચવા બેઠો હતો ને નીચેથી હસાહસ અને શોર બકોર સાંભળ્યો. હું જ્યોતિનો અવાજ ઓળખી ગયો ને મેં નીચે જોયું. તો તમે જ હતા. જયોતિ મારા મમ્મીને તમારી ઓળખાણ આપી રહી હતી. એમ કહીને આશ્લેષે મુદ્દો પૂરો કર્યો પણ એવું કંઈ જ નહોતું બન્યું એ સ્નિગ્ધાને ખબર હતી. હા, તેઓ સામે વાડીએ ગયા હતા પણ બેસવા માટે !
સમયનું ચક્ર આગળ ચાલવા લાગ્યું અને આશ્લેષનો આવરો-જાવરો પ્રવિણના ઘરે વધવા લાગ્યો. એક દિવસ આશ્લેષ આવ્યો ત્યારે પ્રવિણ ઘેરે નહોતો. સ્નિગ્ધા એકલી જ હતી અને આશ્લેષ સ્નિગ્ધાને પોતાના આશ્લેષમાં લઈને પોતાની લાગણી જાહેર કરી દીધી. સ્નિગ્ધા પણ હવે આશ્લેષ તરફ સંપૂર્ણ રીતે ઢળી ચૂકી હતી. એણે એ ક્ષણોમાં પોતાની જાતને વહેતી મૂકી દીધી. અને બે ધડકતા જોબન એક મર્યાદાને ઓળંગી ગયા. જ્યારે દરવાજે ડોર બેલ વાગી ત્યારે ભાનમાં આવ્યા. સ્વસ્થ થવામાં વાર લાગી. જે કંઈ બની ગયું હતું એ અનૈતિક હતું. બંને ગિલ્ટ અનુભવી રહ્યા. બહારથી વારંવાર ડોરબેલની સ્વીચ દબાતી રહી અને ઉન્માદ પછીની ક્ષણોમાં સ્નિગ્ધાએ ગભરાયેલી અવસ્થામાં દરવાજો ખોલ્યો, તો પ્રવિણે આશ્લેષને પણ જોયો.
પણ એને સમજતા વાર ન લાગી. એણે બંનેને બેસાડીને શાંતિથી કહ્યુંઃ હું સમજુ છું અને ઘણાં દિવસથી મને અંદેશો પણ આવી ગયો છે. તું જો એક પરિણીતાને પ્રેમથી અપનાવી શકતો હોય તો મને તમારો સંબંધ મંજુર છે. પણ ભમરા જેમ એક ફૂલને ચૂસી એને ફેંકી નહીં દેતો કારણકે એણે તારી ઉપર વિશ્વાસ મૂકીને એના તન-મનને તારી આગળ સમર્પિત કર્યું છે. ભવિષ્યે પણ તું એને મૂકી દઈશ, તો એ તો માફ કરી દેશે, પણ હું ક્યારેય માફ નહીં કરું સમજયો?
જવાબમાં સ્નિગ્ધાની આંખમાં આંસુ આવી ગયા અને આશ્લેષે પ્રવિણની હાજરીમાં સ્નિગ્ધાના માથા ઉપર હાથ રાખીને પ્રોમિસ આપ્યું અને બીજે દિવસે પ્રવિણે એને મુક્ત કરી દીધી.
૦૦૦
અચાનક નીચેથી ગાડીના હોર્નનો અવાજ આવ્યો. અને સ્નિગ્ધા શણગાર સજતી સજતી વિચારધારામાં ડૂબી ગઈ હતી તે બહાર આવી. એ દોડીને ગલેરીમાં ગઈ તો આશ્લેષ ગાડીમાંથી ઉતરીને ઉપર આવતો દેખાયો. આશ્લેષ કટકટ પગથિયાં ચડીને ઘરમાં આવ્યો ત્યારે સ્નિગ્ધાએ એ જ પાનેતર પહેર્યું હતું. જે પાનેતર આશ્લેષ સાથેના મંદિરમાં ભગવાનની સાક્ષી એ કરેલ ગાંધર્વ લગ્નને દિવસે પહેર્યું હતું.
'કહો તો, પ્રીતમજી કેવી લાગુ છું? જે આશ્લેષને પૂછી રહી. ''પરફેક્ટ એકદમ પરફેક્ટ. મારી હોથલ પદમણી..!!'' પણ.. એટલું બોલીને આશ્લેષ અટકી ગયોઃ પણ... પણ... મારી હોથલ સાથે આજે હનીમૂન ઉજવાઇ શકશે નહીં.''
''અરે પણ કેમ?'' સ્નિગ્ધાનો મૂડ ઓફ થઈ ગયો.
આઈ એમ સો મચ સોરી. કેમ કે હેડ ઓફિસમાંથી અત્યારે જ ઇમેલ ઉતર્યો છે, અને અમારે ચારેય ફાર્માસિસ્ટોએ અત્યારે રાત્રે સાડા આઠ વાગે દિલ્હી બાય કાર જવાનું છે.'' પણ શું કામ? ''સ્નિગ્ધા ગુસ્સે થઈને પૂછી રહી.
ધેટ્સ વ્હાય, કે કેન્સરની એક રસી, કે જે મારી કંપની બજારમાં મૂકી રહી છે એનું ટેસ્ટીંગ અને એનું રીએકશન કાલથી,. દિલ્હીમાં અમારી રૂબરૂમાં જ થશે અને એ ટ્રેનિંગ માટે મારી પસંદગી થઈ છે. સોરી ટુ સે દીક્કુ, મારે જવું ફરજિયાત છે. નહિતર તો ઓ.કે.. સ્નિગ્ધા આંસુના બે ટીપાંના બદલામાં ગુસ્સો, ચીડ. દર્દ, દુઃખ બધું બધું જ ઘોળીને પી ગઈ.
૦૦૦
સ્નિગ્ધાએ બેગ તૈયાર કરી દીધી અને એ જ કપડા પહેરી ફટાફટ જમવાનું બનાવી નાખ્યું. રાત્રે સવા આઠે તો કંપનીની ગાડી ફ્લેટના દરવાજે આવીને પણ ઊભી રહી ગઈ. બાય... લવ યુ સો મચ સ્વીટુ એક ચુંબન અને એક પ્રેમાળ હગ કરી આશ્લેષ પગથિયાં ઉતરી ગયો.
આવજોની મુદ્દામાં હાથ લાંબો કરી સ્નિગ્ધા કંપનીની કાર હાઇ-વે ઉપર ચડી ત્યાં સુધી ગેલેરીમાં ઊભી રહી.. અને પછી ભીના નેત્રે રૂમમાં પાછી ફરી.પણ કોણ જાણે કેમ મૂડ સ્વિંગ થઈ ગયો હતો. અચાનક મનનું પંખી ફડફડ કરતુ કશાક ઓથારથી પિંજરામાં પાંખો ફફડાવી રહ્યું હતું.!
એ ખુરશીમાં બેસી પડી. કોણ જાણે કેટલો સમય પોતાની' પાસ્ટ લાઈફ'ના વિચાર વમળમાં પસાર થઈ ગયો. કંઈ જ ખબર ન રહી. અચાનક તેનો મોબાઈલ રણકયો. તેણે જોયું તો આશ્લેષનો જ ફોન હતો.
હા, આશુ... તે બોલી? તો જવાબમાં સામેથી અજાણ્યો પુરુષ પૂછતો હતોઃ આપ મિસિસ આશ્લેષ પટેલ બોલો છો? સ્નિગ્ધા પટેલ?''
હા.. જી... હા... જી... હું સ્નિગ્ધા,.. મિસિસ આશ્લેષ પટેલ બોલું છું પણ આપ કોણ?''
હું સિટી એમ્બ્યુલન્સ ૧૦૮ના ડ્રાઈવર ક્રિપાલસિંહ બોલું છું. આપના પતિ જે ગાડીમાં જતા હતા એ ફ્લાય ઓવરથી નીચે ગબડી પડતા અંદર જે બીજી ચાર વ્યક્તિ બેઠી હતી એ બધા જ સીરીયસ છે. તમે પ્લીઝ સિટીની' સિવિલ હોસ્પિટલ'- આઇ.સી.યુ.મા તાત્કાલિક પહોંચો અને પ્લીઝ મોબાઇલ સાથે જ રાખજો.''
૦૦૦
મગજ શૂન્ય થઈ ગયું. સ્તબ્ધ! સ્પિચલેસ! વંટોળ ઉઠયો જાણે. શું કરવું? ક્યાં જાઉ? કોને લઈને જાઉ? શું કરુ?!
અજાણ્યુ સિટી. અજાણ્યા લોકો.. અજાણી ભૂમિ..અને અજાણી પોત!!
તે ફસડાઇ પડી.
અચાનક એક નામ યાદ આવ્યું. હા, એ નામ સહારો બની શકે એમ હતું કદાચ! એજ તો એ એક નામ હતું!
કશું પણ વિચાર્યા વગર કોલ જોડ્યો. બીજી જ રીંગે સાંભળાયુઃ હા, સ્નિગ્ધા, બોલ શું થયું?
'આશ્લેષને... આશ્લેષને... એક્સિડન્ટ.. સિવિલ હોસ્પિટલ..' અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. સામેથી જવાબ આવ્યોઃ'' તું ચિંતા ના કર. હું ઇસી મિનિટે નીકળું છું તારા ફ્લેટે આવું છું. તું તૈયાર રહે..
દસ જ મિનિટમાં એ સ્નિગ્ધાના ફલેટે પહોંચ્યો અને સ્નિગ્ધા, એ જ પાનેતર પહેરેલા નવવધૂના લિબાશમાં એના ખભે માથું ઢાળી રડી પડી ત્યારે એ વ્યક્તિએ તેના માથા ઉપર હાથ મૂકીને કહ્યુંઃ પ્લીઝ, તું રડ નહીં. ચિંતા ના કર, તારા ચૂડી ચાંદલાને હું કંઈ નહીં થવા દઉં...
-એ પ્રવિણ હતો !!
યોગેશ પંડ્યા
ઉત્ક્રાંતિકાળથી આઝાદ ભારત સુધીની પૌરાણિક, ઐતિહાસિક અને અદ્યતન યુગ સુધીની રસપ્રદ યાત્રા...
આપણાં દેશમાં પ્રાચીનકાળથી જ લોકતાંત્રિક શાસન વ્યવસ્થાઓ મોજુદ હતી અને ગણરાજ્યો પણ હતાં, તેવા ઉલ્લેખો શાસ્ત્રો, ગ્રન્થો તથા લોકવાયકાઓના માધ્યમથી તથા પરંપરાગત રીતે ભજવાતા રહેલા નાટકો, ભવાઈ, રામ-કૃષ્ણલીલાઓ અને વિવિધ સ્તોત્રો-મંત્રો દ્વારા જાણવા મળે છે. હજારો વર્ષ પહેલાના રામાયણ અને મહાભારતકાળમાં પણ રાજા-રજવાડા તથા ચક્રવર્તી મહારાજાઓની શાસન વ્યવસ્થાઓમાં ભિન્ન-ભિન્ન શાસન પ્રણાલિઓ જોવા મળે છે, જે પૈકી લોકતાંત્રિક વ્યવસ્થાઓ ધરાવતા રાજાઓ, તાનાશાહો અને ઘાતકીશાસકોની કથાઓ પણ આપણે જાણીએ છીએ.
અત્યારે બ્રિટનમાં છે, તેવી લોકતાંત્રિક રાજાશાહી પણ પ્રાચીનકાળમાં ભારતના કેટલાક રાજ્યોમાં અસ્તિત્વમાં હતી. તેવી જ રીતે હાલમાં ઉત્તર કોરિયાના તાનાશાહ જેવા શાસકો પ્રાચીનકાળથી માંડીને મધ્યકાલીન શાસન વ્યવસ્થાઓના સમયગાળામાં પણ મોજુદ હતાં. આપણે ઘણાં એવા પ્રચલિત દૃષ્ટાંતો પણ સાંભળતા આવીએ છીએ કે જેમાં રાજાએ કોઈ ન્યાયસંગત વ્યવસ્થા હેઠળ પોતાના પરિવારજનો તથા સામાન્ય જનતા વચ્ચે કોઈ ભેદભાવ વગર ફેંસલા લીધા હોય...
રામરાજ્યની પરિકલ્પના
અત્યારે જે રામરાજ્ય સ્થાપવાની વાતો થાય છે અને ગાંધીજીના સમયગાળામાં પણ લોકશાહી મળ્યા પછી ભારતમાં રામરાજ્યની જે પરિકલ્પના પ્રસ્તુત થતી રહેતી હતી, તેને સંત તુલસીદાસજીએ અદ્ભુત રીતે વર્ણવી હતી. તુલસીદાસજીનું સાહિત્ય લોકતંત્ર, લોકમંગલ અને આદર્શ રાજ્ય વ્યવસ્થાનું પથદર્શક ગણાવાયું છે. તુલસીદાસજીએ રામરાજ્યની જે વ્યવસ્થા કરી અને કોન્સેપ્ટ આપ્યો, તે કોઈને કોઈ સ્વરૂપમાં અત્યારના લોકતંત્રમાં મોજુદ હોવાની પ્રસ્તુતિ પણ વિવિધ પ્લેટફોર્મ્સ પર થતી રહે છે.
રામચરિત માનસમાં રાજતંત્ર માટે અનૈતિક્તાઓ વજર્ય ગણાવાઈ છે, એટલે કે શાનસ વ્યવસ્થામાં અનીતિને કોઈ સ્થાન જ ન હોઈ શકે, તેમ કહેવાયું છે. વાલ્મિકી રામાયણ, ભવભૂમિ રામાયણ વગેરેમાં તત્કાલિન સમાજ વ્યવસ્થા તથા શાસન વ્યવસ્થા પ્રતિબિંબિત થાય છે, જ્યારે તુલસીકૃત રામચરિત માનસમાં સોળમી અને સત્તરમી સદીના ભારતની તત્કાલિન અસરોને રામાયણકાળની શાસન વ્યવસ્થાઓમાં છૂપાયેલી લોકતાંત્રિક ભાવનાઓથી ગર્ભિત રીતે સમજાવવામાં આવી હોય, તેવું લાગે છે. એકંદરે એમ કહી શકાય કે તુલીદાસજીના સમયગાળાની કેટલીક વિષમતાઓ કે સમસ્યાઓનું સમાધાન રામાયણકાળની શાસન પ્રણાલિઓમાંથી શોધવાનો પવિત્ર અને તર્કબદ્ધ પ્રયાસ થયો હોય તેમ જણાય છે. રામરાજ્યની પરિકલ્પનાઓ પણ વિવિધ કાળખંડોમાં બદલતી રહી હોય તેવું તારણ પણ નીકળે છે.
મહાભારતકાળમાં લોકતંત્ર
મહભારતમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓનો ઉલ્લેખ ગણવ્યવસ્થાઓના સ્વરૂપમાં વર્ણવાયો છે. શાંતિ પર્વમાં ભીષ્મપિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાંથી તે સમયની લોકતાંત્રિક વ્યવસ્થાઓ કેવી રીતે ચાલતી હતી તેનું વર્ણન છે. એ જ પ્રકારે મહાભારત, શ્રીમદ્ ભાગવત તથા અન્ય ગ્રન્થોમાં પણ મહાભારતકાળમાં જનસુખાકારી, સુરક્ષા અને શાસનમાં લોકભાગીદારીના ઘણાં દૃષ્ટાંતો તથા ઉલ્લેખો પણ મળે છે.
આ સંવાદમાં ભીષ્મપિતામહ યુદ્ધિષ્ઠિરને કહે છે કે રાજાએ ગણસમૂહોના નિર્ણયોને કેન્દ્રમાં રાખીને શાસન ચલાવવું જોઈએ. કોઈપણ જાતના ભેદભાવ વગર અનેક સભ્યોના સમૂહને 'ગણ' કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે કંસવધ પછી મથુરામાં ગણરાજ્ય અથવા લોકતાંત્રિક વ્યવસ્થાઓનું પુનઃ સ્થાપન કર્યું હતું તેમ કહેવાય છે.
કેટલાક પ્રાચીન ગ્રન્થો, ચલણી સિક્કાઓ, ભીંતચિત્રો, પ્રાચીનકાળનું અન્ય સાહિત્ય, કાવ્યો, શ્લોકો, વિભિન્ન અભિલેખો, શિલાલેખો તથા તત્કાલિન સમયના અવરોધોમાંથી પણ ભારતમાં હજારો વર્ષ પહેલા લોકતાંત્રિક વ્યવસ્થાઓ મોજુદ હતી, તેવા પ્રમાણો મળતા હોવાના તર્ક સાથે વિવિધ દૃષ્ટાંતો પણ જુદા જુદા પ્લેટફોર્મ પર અપાતા હોય છે.
પ્રાચીનકાળની લોકતાંત્રિક વ્યવસ્થાના દૃષ્ટાંતો
એવું પણ કહેવાય છે કે વેદોમાં પણ 'સભા' તથા 'સમિતિ'નો ઉલ્લેખ જોવા મળે છે. આ સમિતિઓને અત્યારની સંસદ, પ્રધાનમંડળો અને આધુનિક કમિટીઓનું મૂળથી સ્વરૂપ માની શકાય. તે સમયે રાજા કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાના મંત્રીઓ (જેને તે સમયે અલગ અલગ નામોથી ઓળખવામાં આવતા હતાં), વિદ્વાનો તથા તદ્વિષયક નિષ્ણાતોની સલાહ લેતા, જેને અત્યારના મંત્રીમંડળ સાથે સરખાવી શકાય. તે સમયે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કે લોકોની સમસ્યાઓ હલ કરવા માટે સમિતિઓ રચાતી હોવાના ઉલ્લેખો પણ જોવા મળે છે. તે પછી વિવિધ મંતવ્યો, અલગ-અલગ અભિપ્રાયો અને મત-મતાંતરોના ઉકેલ માટે સંવાદ કરીને અંતિમ નિર્ણયો લેવા રાજસભાઓ બોલાવાતી હતી, જેમાં વિસ્તૃત વિચાર-વમર્શ કરીને જ ફેંસલાઓ રાજા દ્વારા લેવામાં આવતા હતાં.
આપણા અખંડ ભારતમાં તે સમયે પ્રવર્તમાન ભારત ઉપરાંત ઘણાં બધા પડોશી દેશો આવેલ હતાં. એવું કહેવાય છે કે રૂગ્વેદમાં 'ગણતંત્ર' શબ્દનો ઉપયોગ ૪૦ વખત, અથર્વવેદમાં ૯ વખત તથા અન્ય ગ્રન્થો, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્યમાં તો અનેક વખત આ શબ્દપ્રયોગો થયા છે, એટલું જ નહીં, કેટલાક સાહિત્યમાંથી તો પ્રાચીન કાળમાં કઈ રીતે ગણતંત્રો કાર્યરત હતાં, તેના વિસ્તૃત વર્ણનો પણ પ્રચલિત થયા છે.
પ્રાચીનકાળમાં લોકતાંત્રિક વ્યવસ્થાના સંદર્ભો
રૂગ્વેદમાં એવો ઉલ્લેખ છે કે રાજસભાના પ્રારંભે કેટલાક શ્લોકોનું સામૂહિક ગાન થતું હતું. જેમાંથી લોકસેવા, જનહિત અને સર્વકલ્યાણ, વિશ્વકલ્યાણ જેવા ઉદ્દેશ્યો તથા ભાવનાઓ પ્રગટ થતી હતી. આ શ્લોકો તથા અન્ય ઉલ્લેખોમાં રાજસભા, છોટીસભા એટલે કે સમિતિ, રાજન એટલે રાજા, ગૃહસ્થ નેતા, પ્રધાન વગેરે શબ્દો ક્રમશઃ જોડાયા હોય તેમ જણાય છે. રૂગ્વેદમાં એવું પણ કહેવાયું છે કે ગૃહસ્થ નેતાની સ્થિતિ નિરપેક્ષ નહોતી, એટલે કે તેને રાજસભા (વિધાનસભા) દ્વારા બદલી શકાય, તેવી વ્યવસ્થા હતી. ઈન્દ્રનું પદ પણ કાંઈક આ પ્રકારની લોકતાંત્રિક વ્યવસ્થાઓની ફલશ્રૂતિ જ હોવાનું મનાય છે.
લોકમત, લોકોની ભાવનાઓ, લોકોની જરૂરિયાતો તથા માંગણીઓને 'સમ્જ્ઞાન' શબ્દમાં સમાવાઈ હોય તેમ જણાય છે, કારણ કે તેનો પર્યાયવાચી શબ્દ 'સામૂહિક ચેતના' એવો બતાવાયો છે. રાજસભામાં 'સમ્જ્ઞાન'ને કેન્દ્રમાં રાખીને જ વિસ્તૃત ચર્ચા-પરામર્શ થતા અને તેના આધારે જ નિર્ણયો લેવાતા હોવાનું મનાય છે. 'સમ્જ્ઞાન' શબ્દ પછીથી 'સજ્ઞાન' થઈ ગયો અને તેને વર્તમાન સ્વરૂપમાં નાની વિધાનસભા, જનરલ બોર્ડ કે લઘુસંસદ તરીકે પણ ઓળખી શકીએ. રૂગ્વેદમાં 'સજ્ઞાન'માં બોલાતા સામૂહિક શ્લોકમાં 'સંમનઃ સમચિતમ્, સમયન્ત્ર આકૃતિ' શબ્દોનો અર્થ 'મન, હૃદય, નીતિ અને (લોકોની) આશા-આકાંક્ષાઓનું મિલન થાઓ' તેવો કરવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં માનવ સભ્યતા
ઉત્ક્રાંતિકાળ અથવા જીવસૃષ્ટિના ઉત્તરોત્તર વિકાસના સંદર્ભે વિવિધ અભિપ્રાયો તથા દૃષ્ટાંતો આ પ્રાચીનભારતમાં માનવ સભ્યતાના વિકાસના ઉલ્લેખો જોવા મળે છે. માનવ સભ્યતાના ક્રમશઃ વિકાસમાં જનક્રાંતિ, પાષાણયુગ, તામ્ર-પાષાણ યુગ, કાંસ્ય યુગ, સિંધુ ઘાટીની માનવ સભ્યતા, વૈદિકકાળ, ઉત્તરવૈદિક કાળ, મધ્યકાળ અને અર્વાચીનકાળ સુધીની માનવસભ્યાઓ વિકસી, તે દરમિયાન ભારતવર્ષમાં કોઈને કોઈ સ્વરૂપમાં ન્યાયિક વ્યવસ્થાઓ મોજુદ હોવાના દૃષ્ટાંતો પણ અપાતા રહ્યા છે. કૌરવો-પાંડવોના ભરતવંશ-કુરૂવંશથી પ્રાચીન ભારતના રાજવંશોના શાસન દરમિયાન લાંબા સમય સુધી ન્યાયતંત્ર કે માનવતાને હાનિકર્તા કાળખંડો પણ આવ્યા હતાં, તો તે પછી તાનાશાહો કે સરમુખત્યારશાહી માનસ ધરાવતા રાજાઓ-સમ્રાટો-શહેનશાહોના સમયગાળામાં પણ કેટલાક રાજ્યોમાં અંકુશિત ન્યાયતંત્રો મોજુદ હતાં, તેવા દૃષ્ટાંતો અપાતા હોય છે. કુરવંશ, હર્યકવંશ, શિશુનાગ વંશ, નંદવંશ, મૌર્યવંશ, સુંગવંશ, કણ્વવંશ, સજ્ઞવાહનવંશ, ચેદીવંશ, હિંદ-પવન, કૃષ્ણવંશ, કદંબવંશ, ગંગવંશ, ગુપ્તવંશ, મૌખરીવંશ, હૂણવંશ, મૈત્રકવંશ, ઉત્તર ગુપ્તવંશ, ગૌડવંશ, પુષ્પભૂતિવંશ, પાલવંશ, સેન્વંશ, રાષ્ટ્રકુશવંશ, ગુર્જર પ્રતિહાર વંશ, કલચૂંટી ચેદિવંશ, પરમારવંશ, લોદીવંશ, મહદેલે વંશ, સોલંકીવંશ, ચંદેલવંશ, ગહડવાલવંશ, ચૌહાણવંશ, તોમરવંશ, ચાલુક્યા બાદામી વંશ, ચાલુક્ય કલ્યાણી વંશ, ચાલુક્ય વેંગી વંશ, પલ્લવ વંશ અને ચોલવંશ સુધીની વંશવાલીઓમાં પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા દરમિયાન કેટલાક અપવાદોને બાદ કરતા ન્યાયિક વ્યવસ્થાઓને લઈને ખૂબ જ સ્પષ્ટ ઉલ્લેખો જોવા મળતા નથી; અને આ વંશવાળીને લઈને મત-મતાંતરો હોઈ શકે, પરંતુ જો પૌરાણિક અને પ્રાચીન સાહિત્યો તથા ગ્રન્થો, શાસ્ત્રો, ગદ્ય-પદ્ય સ્વરૂપની કર્ણોપકર્ણ પ્રચલિત કથાઓ, કાવ્યો, શ્લોકો, મંત્રો, નાટકો તથા લોક સાહિત્યમાંથી એટલું જરૂર ફલિત થાય છે કે આપણાં દેશમાં પ્રાચીનકાળથી જ ન્યાયિક વ્યવસ્થાઓ કોઈને કોઈ સ્વરૂપે મોજુદ હતી.
પ્રાચીન ભારતમાં ન્યાયિક વ્યવસ્થાઓ ધર્મ સાથે જોડાયેલી હતી અને ન્યાયોચિત સમાજ વ્યવસ્થા રાખવી એ રાજા અથવા શાસકની પ્રાથમિક જવાબદારી અને નૈતિક કર્તવ્ય મનાતું હતું. જમ્બુદ્વીપ, ભારતખંડ, અજનાભવર્ષ, આર્યાવર્ત,આર્યવર્ત, ભારતવર્ષ, હિન્દ, હિન્દુસ્તાન, ભારત, ઈન્ડિયા સહિતના વિવિધ નામોથી આપણે દેશના ઉલ્લેખો વિશ્વના વિવિધ પ્રાચીન સાહિત્યોમાં પણ મળે છે. પ્રાચીનકાળમાં પણ વિવિધ અપરાધો માટે જુદા જુદા રાજ્યોમાં અલગ-અલગ ન્યાય-વ્યવસ્થાઓ હતી. પ્રાચીનકાળમાં પણ કેટલીક વિશેષ અદાલતો સ્થપાતી હતી,જેને ચોક્કસ હેતુઓ માટે ન્યાય કરવાની સત્તા અપાતી હતી, જેમાં 'કંટકશોધન' ન્યાયિક વ્યવસ્થા વધું પ્રચલિત હતી, જે ત્રિસ્તરિય હતી.
વિવિધ સંદર્ભો-મતમતાંતરો
પ્રાચીનકાળમાં ભારતીય ઉપખંડ સિવાયના દેશો સહિત દુનિયામાં ન્યાયિક વ્યવસ્થાઓ, નયાયતંત્રો અને ન્યાયવિહિન શાસન વ્યવસ્થાઓ અંગે વિવિધ પ્રકારના સંદર્ભો સાથે અભિપ્રાયો અપાતા રહ્યા છે. આ અંગે અનેક મતમતાંતરો છે, અને અનેક કથાઓ પ્રચલિત છે. કોઈને કોઈ સ્વરૂપે જળવાયેલા પ્રાચીન ગ્રન્થો, કથાનકો તથા માન્યતાઓનો સંદર્ભ અભ્યાસુઓ, લેખકો તથા ઈતિહાસકારો પોતપોતાની રીતે લેતા આવ્યા છે. ગ્લોબલ હિસ્ટ્રી માટે કોઈ સેન્ટ્રલાઈઝ કે અધિકૃત આધારોના અભાવે વિવિધ કથાઓ પ્રચલિત છે, અને તેમાં પણ મતમતાંતરો છે. અહીં પ્રસ્તુત તમામ વિવરણો તથા સમગ્ર લેખની પ્રસ્તુતિ વિવિધ સંદર્ભો, વાચન તથા ઉપલબ્ધ નોલેજ પર જ આધારિત છે અને સૌથી વધુ પ્રચલિત અને સ્વીકાર્ય હોય, તેવા જ વિવરણોનું આલેખન કરવાનો પ્રયાસ કર્યો છે, અને તેની યથાર્થતા કે સચોટતા અંગે કોઈ દાવો કરી શકાય નહીં. આવો, આપણે પ્રાચીનકાળની વિગતોની આછેરી ચર્ચા કર્યા પછી હવે પછી મધ્યકાળ અને અર્વાચીનકાળ સુધીની આ જ રીતે ઉપલબ્ધ જ્ઞાન આધારિત ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ...
ભારતમાં ન્યાતંત્રની યાત્રા
આપણે અગાઉ જોયું તેમ આપણા દેશમાં પ્રાચીનકાળમાં પણ ફેમિલીકોર્ટ જેવી પારિવારિક મધ્યસ્થ ન્યાય વ્યવસ્થા હતી, તેના ઉપર ઊંચા ન્યાયાલય અને તેનાથી ઉપર ન્યાયાધ્યક્ષ, ન્યાયાધિકારી, પ્રદિવિવક, મુખ્ય ન્યાયાધીશ હતાં, જેઓ હાલની હાઈકોર્ટોની જેમ કામ કરતા અને સર્વોચ્ચ ન્યાયધિશ તરીકે સ્વયં રાજા રહેતા હતાં, જો કે રાજાની પણ એક અદાલત રહેતી હતી, જેમાં સુનાવણી થતી અને અંતિમ નિર્ણય રાજા કે સર્વોચ્ચ શાસક લેતા હતાં, તે પ્રકારના ઉલ્લેખો તત્કાલિન સાહિત્ય તથા પ્રચલિત કથાઓમાં જોવા મળે છે. આ અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે.
મધ્યકાલિન યુગમાં ભારતમાં વિવિધ સામ્રાજ્યો હતાં, અને તે મુજબ અલગ અલગ ન્યાયિક વ્યવસ્થાઓ હતી. વિવિધ વંશો તથા સલ્તનતો મુજબ ન્યાય વ્યવસ્થાઓ બદલતી રહી હતી. ભારતમાં આઝાદી પહેલાની છેલ્લી બ્રિટિશ સલ્તનત હતી, જેની અસરો હેઠળ જ આઝાદ ભારતનું ન્યાયતંત્ર કાર્યરત રહ્યા પછી બંધારણીય સુધારાઓ તથા વ્યવસ્થાઓના વિસ્તરણ, મોડિફિકેશન અને આધુનિકરણની સાથે સાથે ભારતીય ન્યાયતંત્રમાં ઘણાં બદલાવ આવ્યા છે અને હજુ પણ સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય બેન્ચ તથા સંસદના સંયોજનથી ન્યાયતંત્રમાં સિસ્ટોમેટિક સુધારા-વધારાઓને અવકાશ રહે છે.
આઝાદ ભારતની ન્યાયપ્રણાલિ
આઝાદ ભારતની ન્યાયપ્રણાલિ પિરામીડ આકારની છે, જેમાં સર્વોચ્ચ ન્યાયાલય અથવા સુપ્રિમ કોર્ટ સર્વોચ્ચ છે. તેના પછી હાઈકોર્ટો મુખ્યત્વે દરેક રાજ્યોમાં સર્વોપરિ છે. કેટલાક રાજ્યોમાં એકથી વધુ હાઈકોર્ટો છે. તે પછી દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાલયો હોય છે. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટો પણ કેટલાક જિલ્લાઓમાં એકથી વધુ હોઈ શકે છે. તે પછી તાલુકા તથા ડિવિઝન કક્ષાએ નીચલી અદાલતો કાર્યરત હોય છે. નીચલી અદાલતો તેનાથી ઉપલી અદાલતોને અધીનસ્થ હોય છે. તે ઉપરાંત ટ્રિબ્યુનલો, વિશેષ અદાલતો, ફાસ્ટટ્રેક કોર્ટો, લોક અદાલતો વિગેરે વિવિધ સ્વરૂપની કાર્યરત હોય છે. તે ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાને વહીવટી તંત્રના અધિકારીઓને મેજેસ્ટેરિયલ પાવર્સ અપાયા હોય છે, તેની અદાલતોમાં પણ ચેપ્ટર કેસો વગેરે ચાલતા હોય છે. કેન્દ્રિય અને સ્ટેટ એજન્સીઓને લગતા કેસો, આર્થિક કેસો, ભ્રષ્ટાચારના કેસો વગેરે ચલાવવા માટે ઈડી, સીબીઆઈ કોર્ટો અન્ય સ્પેશ્યલ કોર્ટો તથા રેવન્યુ કોર્ટો વગેરે પણ કામ કરે છે, જેને નિયત કરેલા મુદ્દાઓ પર જ સુનાવણી કરવાની સત્તા હોય છે. આ ઉપરાંત 'લોકપાલ' અને લોકાયુક્ત જેવી વ્યવસ્થાઓ પણ ન્યાયિક હેતુઓ માટે કાર્યરત હોય છે.
ભારતમાં ડિજિટલ જ્યુડિશ્યરીની અવધારણા
ભારતમાં ડિજિટલ જ્યુડિશ્યરીની અવધારણા હેઠળ કેટલાક પ્રારંભિક કદમ ઉઠાવાયા છે, લાઈવ સ્ટ્રીમીંગ, મહત્ત્વના ફેંસલાઓનું પ્રેઝન્ટેશન (પ્રસ્તુતિકરણ), ક્રિયોસ્ક સિસ્ટમ, વેબસાઈટ પર તદ્વિષયક ઈન્ફર્મેશન વગેરે પછી જેલમાંથી જ આરોપીઓને વર્ચ્યુલી કોર્ટ સમક્ષ રજૂ કરવા તથા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવા જેવા કદમ ભારતીય ન્યાયતંત્રે ઊઠાવ્યા છે અને આ કોન્સેપ્ટ કોરોનાકાળ પછી ઝડપભેર સ્વીકૃત પણ બન્યો છે, કારણકે કોરોનાકાળમાં વર્ચ્યુલ સુનાવણી તથા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જુબાની, દલીલો તથા ક્રોસ એક્સ્ઝામિનેશન સહિતના પ્રયોગો સફળ રહ્યા હતાં.
એક એવો કોન્સેપ્ટ છે, જેમાં આખી અદાલત જ વર્ચ્યુલી ચાલે... ન્યાયાધિશ, વકીલો, વાદી-પ્રતિવાદી, સાક્ષીઓ વગેરે જ્યાં હોય ત્યાંથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પરસ્પર જોડાય અને સમગ્ર કાર્યવાહી ચાલે... ભારતમાં આ કોન્સેપ્ટ હેઠળ પ્રાયોગિક ધોરણે સફળતા મળ્યા પછી તેનું વિસ્તૃતિકરણ થઈ શકે છે... થઈ પણ રહ્યું છે...
નીચલી અદાલતોથી માંડીને હાઈકોર્ટો તથા સુપ્રિમ કોર્ટને સાંકળીને નાગરિકો માટે એક ઈ-કોર્ટ પ્રોજેક્ટની વિચારણા, ચર્ચા-પરામર્શ અને તમામ પાયાઓનો અભ્યાસ કર્યા પછી ઈ-કોર્ટ મોબાઈલ એપના માધ્યમથી પક્ષકારો, વકીલો તથા નાગરિકોને કેસ સ્ટેટસ, ટાઈમ ટેબલ, મહત્ત્વના ચૂકાદાઓ વગેરે જાણી શકાય તેવી વ્યવસ્થા સફળ થઈ રહી છે. આ માટે ઈ-કોર્ટ, સેવા મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ હોય છે.
વર્ચ્યુલ જસ્ટિસ સિસ્ટમ્સ હેઠળ ઈ-કમિટી દ્વારા આઈસીજેએસ સિસ્ટમ વિક્સાવાઈ રહી છે, જેના માધ્યમથી ન્યાયતંત્ર સાથે સંકળાયેલા તમામ સ્તંભો વચ્ચે ડેટા ઈન્સ્ટ્રક્શન્સનું આદાન-પ્રદાન થઈ શકે છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ, પોલીસતંત્ર, જેલો, અદાલતો તથા અપરાધિક ન્યાયપ્રણાલિ સાથે સંકળાયેલા એકમો વચ્ચે ડેટા એન્ડ ઈન્ફર્મેશનના આદાન-પ્રદાનની સિસ્ટમ માટે ઈ-કમિટીની આ પહેલ પછી આ દિશામાં વધુ પ્રગતિ થાય અને ઝડપી, સરળ, સસ્તો ન્યાય નાગરિકોને મળે, તથા તેમાં અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય, તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ માટે ક્યુઆરકોડ પીડીએફ ફાઈલોનું આદાન-પ્રદાન, ઓનલાઈન સર્ચીંગ અને વેબસર્ફીંગ જેવા નવા નવા શબ્દોનો વધી રહેલો પ્રયોગ એ સૂચવે છે કે ભારતીય ન્યાયતંત્રનું ડિજિટલાઈઝેશન એકંદરે દેશની જનતા માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધ પૂરવાર થશે.
ભારતીય ન્યાયતંત્ર સામેના પડકારો
ભારતીય ન્યાયતંત્ર અનેક પ્રકારના પડકારો સામે પણ ઝઝુમી રહ્યું છે. એક અંદાજ મુજબ દેશની અદાલતોમાં કુલ પેન્ડીંગ કેસોની સંખ્યા લગભગ પાંચ કરોડની આસપાસ છે. નીચલી અદાલતોમાં જ નહીં, હાઈકોર્ટો તથા સુપ્રિમકોર્ટમાં પણ પેન્ડીંગ કેસો ઢગલાબંધ છે. આપણા દેશની વસતિ ૧૪૦ કરોડને વટાવી ગઈ છે, પરંતુ તેની સરખામણીમાં ન્યાયાધિશોની સંખ્યા ઘણી જ ઓછી છે. દુનિયામાં દર દશ લાખની વસતિ દીઠ સરેરાશ પ૦ ન્યાયાધિશો હોય છે, જ્યારે ભારતમાં આ સરેરાશ લગભગ ર૧ જજોની જ છે. ન્યાયાધિશની પસંદગી તથા નિમણૂકોની પ્રક્રિયામાં થતો વિલંબ પણ એક મુખ્ય સમસ્યા છે. ભારતીય ન્યાયતંત્ર લોજેસ્ટિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં અદાલતો માટેના સંકુલો, ફર્નિચર, વીજળી-પાણી, શૌચાલયોની વ્યવસ્થાઓ તથા સંલગ્ન સુવિધાઓમાં ઘણાં બધા સુધારા-વધારાની જરૂર છે. અદાલતો માટે અદ્યતન સંકુલો તથા સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ગુજરાત અગ્રેસર હોવાનું ગૌરવ પણ ધ્યાને લેવામાં આવી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી અદાલતોના સંકુલોની અંદર ફાયરીંગ, જજોને ધાક-ધમકી કે દબાણ લાવવાના નિષ્ફળ નુસ્ખા, કેદીઓનું પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જવું, પેરોલ પરથી કેદીઓનું પરત નહીં ફરવું, સાક્ષીઓ હોસ્ટાઈલ થવા કે ભયભીત થવા, અદાલતોની સૂચનાઓ, નિર્દેશો કે (હવે) નિર્ણયોનો અનાદર કરવો, જજો દ્વારા લેવાતા નિર્ણયો સામે નારાજગી કે અસંતોષ હોય તો અપીલની જોગવાઈઓનો વિકલ્પ અપનાવવાના બદલે તેની વિરૂદ્ધ પ્રોપાગન્ડાનો વિકલ્પ અપનાવવો, કેટલાક રનીંગ કેસોનું પક્ષપાતપૂર્ણ ડિબેટીંગ, સોશ્યલ મીડિયા ટ્રાયલ જેવા નવા પડકારો તથા ખાસ કરીને દિન-પ્રતિદિન વધી રહેલા કેસોની સંખ્યા સામે કેસોના ઉકેલ કે નિકાલની ગતિમાં અનેકગણા વધારાની જરૂરિયાત જેવી અનેક ચેલેન્જીસનો સામનો પણ ભારતીય ન્યાયતંત્ર કરી રહ્યું છે.
અદાલતો પર હમણાંથી રાજનૈતિક, રાજનીતિના કારણે થતા વેરઝેર પછી થતા ક્રાઈમ તથા રાજનૈતિક હેતુઓથી થતી જાહેર હિતની અરજીઓનું ભારણ પણ ખૂબ જ વધી રહ્યું છે, તો બીજી તરફ શિક્ષણ તથા સંચારના વધી રહેલા પ્રમાણના કારણે આવેલી લોકજાગૃતિના કારણે હવે નાગરિકો પણ વ્યક્તિગત, સામાજિક, આર્થિક, પારિવારિક, રાજકીય કે અન્ય બાબતોમાં કાનૂન અને ન્યાયતંત્રનો સહારો લેતા થયા છે. તેના કારણે પણ અદાલતો પર ભારણ વધી રહ્યું છે, જો કે કાનૂની પ્રક્રિયા તથા અદાલતો તથા તંત્રોના માધ્યમથી લોકો વધુમાં વધુ ન્યાય મેળવતા થાય, તે આવકારદાયક જ છે અને તેને પ્રોત્સાહન મળવું જ જોઈએ, પરંતુ તેની સામે પૂરતા પ્રમાણમાં અદાલતો, જજો, સંલગ્ન સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચરની પ્રાપ્તિ તથા ખાસ કરીને ન્યાયિક પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને તે પણ અત્યંત જરૂરી જ છે ને?
લોકઅદાલતોમાં પ્રિ-લિટિગેશન, વિવિધ પ્રકારના ક્લેઈમના કેસો સહિતના કેસોનો ઝડપભેર અને સમાધાનકારી ઢબે ઝડપી ઉકેલ આવે, તે દિશામાં ટોપ-ટુ-બોટમ અદાલતોએ અપનાવેલો અભિગમ સરાહનિય છે. આ જ પ્રકારે જો કેટલાક કેસોનું સુખદ અને સમાધાનકારી નિરાકરણ અદાલતોની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કે કે પ્રિ-પ્રોસીડીંગ એટલે કે અદાલતી કાર્યવાહી શરૂ થતા પહેલા જ મોટી સંખ્યામાં ઉકેલ થવા લાગે, તો અદાલતોમાં નવા કેસોનું જેટલું પ્રમાણ ઘટે, તેટલા જુના કેસોનો ઉકેલ આવવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. દાયકાઓ જુના કેસોના ત્વરિત નિકાલ માટે એક અલાયદુ માળખું ઊભું કરવાના સૂચનો પણ થઈ રહ્યા છે જે પ્રેક્ટિકલી શક્ય હોય તો તે દિશામાં વિચારણા પણ થઈ શકે છે.
આઈપીસી અને બીએનએસઃ વિહંગાવલોકન
બ્રિટિશકાળમાં ભારતીય દંડ સંહિતા એટલે કે ઈન્ડિયન પિનલ કોડ અંગ્રેજોએ ભારતમાં લાગુ કર્યો હતો. વિદેશી શાસકોએ પોતાના દેશથી અલગ રીતે ભારતીયો માટે બનાવેલો આ કાયદો આઝાદી પછી પણ અમલમાં રહ્યો હતો, જેને ઈન્ડિયન પિનલ કોડ-૧૮૬૦ તરીકે ઓળખવામાં આવતો હતો. આ કાયદામાં મહત્તમ બદલાવ કરીને પરંતુ મૂળ હાર્દ તથા બંધારણીય માપદંડો જાળવી રાખીને ભારતીય સંસદે ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી) ના સ્થાને નવો કાયદો ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) પસાર કર્યો હતો, જેને ભારતીય ન્યાય સંહિતા-ર૦ર૩ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો રાષ્ટ્રપતિની મંજુરી સાથે જુુલાઈ-ર૦ર૪ થી ભારતમાં લાગુ થયો છે. આ કારણે જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં અમલી બન્યો છે. આઈપીસીમાં પ૧૧ કલમો હતી, જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં કુલ ૩પ૮ કલમો જ રાખવામાં આવી છે. આઈપીસીની કેટલીક કલમો રદ્ કરવામાં આવી, તો કેટલીક કલમો મર્જ કરવામાં આવી છે, જ્યારે કેટલીક નવી કલમો પણ ઉમેરાઈ છે. કેટલીક કલમોમાં મામુલી બદલાવ કરાયો છે. આઈપીસીમાં કેટલીક કલમો મુજબના અપરાધો બદલ જેલસજા, દંડ કે બન્નેની જોગવાઈ હતી, તેમાં નવા કાયદામાં વધારો પણ કરાયો છે. ભારતીય ન્યાય સંહિતામાં નાના અપરાધોના અપરાધીઓને સુધરવાની તકો મળે તે માટે સામૂદાયિક સેવા (સામાજિક સેવા) કરાવવા જેવા ઉપાયો માટે થયેલ વિચારણાના અંતે કેટલાક એવા અપરાધો નક્કી કરાયા છે જેમાં સામૂદાયિક સજા થઈ શકે છે. આઈપીસીના સ્થાને તદ્ન નવો કાયદો બીએનએસ લાગુ કરાયો હોવાથી હવે તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને જ કાનૂની પ્રક્રિયા અંગેના નિર્ણયો લેવા હિતાવહ ગણાય.
સીઆરપીસીના સ્થાને બીએનએસએસ
ક્રિમિનલ પ્રોસિઝર કોડ (સીઆરપીસી) ૧૯૭૩ ના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ર૦ર૩ પણ ભારતીય સંસદમાં પસાર થયા પછી રાષ્ટ્રપતિની મંજુરી સાથે ભારતમાં અમલી બન્યો છે, જે જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં લાગુ પડી શકે છે, કારણ કે આ પહેલા કલમ ૩૭૦ હટાવાયા પછી ભારતીય બંધારણ સમગ્ર દેશને લાગુ પડે છે. વિવિધ અપરાધો માટે સીઆરપીસીમાં ગિરફ્તારી, અભિયોજન, તપાસ તથા જામીન વગેરે પ્રક્રિયાઓની જે જોગવાઈઓ હતી, તેમાંથી ઘણી કલમોમાં બદલાવ કરાયા છે, તો કેટલાક સુધારા-વધારા પણ થયા છે.
બીએનએસએસમાં ડિજિટલ એવિડેન્સ મેનેજમેન્ટ, ટેકનોલોજિકલ એન્ટિગ્રેશન, ડિજિટલ એવિડેન્સ ફાઈલીંગ, ડિજિટલ ડોક્યુમેન્ટ્સ ફાઈલીંગ, ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ ફાઈલીંગ પ્રોસીઝર, કોર્ટ પ્રોસિડીંગમાં વીડિયો કોન્ફરન્સ વગેરે અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ન્યાયિક પ્રક્રિયાને ઝડપી, સચોટ અને સરળ બનાવવા માટેની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તે ઉપરાંત પણ ઘણાં સુધારા-વધારા, વિસ્તૃતિકરણો, ક્લેરીફિકેશનો તથા અન્ય ફેરફાર કરાયા છે.
ભારતીય સાક્ષ્ય અધિનિયમ
સંસદે ત્રીજો મહત્ત્વનો કાયદો બદલ્યો છે. ઈન્ડિયન એવિડેન્સ એક્ટ અથવા ભારતીય પુરાવાના કાયદાની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ (બીએસએ) લાગુ કરાયું છે. આ નવા કાયદા (બીએસએ) માં મોટાભાગની જોગવાઈઓ એવિડેન્સ એક્ટમાં હતી, તે યથાવત્ રખાઈ છે. માત્ર કેટલાક સુધારા-વધારા કરાયા છે, જ્યારે કેટલીક નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. નવા કાયદામાં ઈલેક્ટ્રોનિક પુરાવાઓ રેકોર્ડઝને પણ પ્રાથમિક્તા આપવામાં આવી છે.
ટૂંકમાં આ ત્રણેય કાયદાઓ મૂળ સ્વરૂપે ચાલુ રાખીને અને તેમાં ધરખમ ફેરફારો સાથે સુધારા-વધારા કે વધ-ઘટ કરીને તેને નવા નામો અને નવી અસરથી લાગુ કરાયા છે.
આ ત્રણેય નવા કાયદાઓ અંગે આધારભૂત, વૈધાનિક અને સંપૂર્ણ માહિતી માટે તો તેનો ગહન અભ્યાસ કરવો પડે અને તેના આધારે જ વધુ જાણકારી મેળવી શકાય કે આગળ વધી શકાય. અહીં માત્ર વાચકોની જાણકારી માટે સંક્ષિપ્ત અને ઉપલબ્ધ માહિતીના આધારે વિહંગાવલોકન જ રજૂ કરાયું છે. કોઈપણ કાનૂની કાર્યવાહી માટે તો આ ત્રણેય નવા કાયદાઓને જ આધાર બનાવી શકાય.
શુભકામનાઓ... અભિનંદન
'નોબત'માં સંગત વિભાગમાં 'મન હોય તો માળવે જવાય' લેખના વાચકો સહિત તમામ વાચકો દેશવાસીઓ તથા વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને દિવાળીની શુભેચ્છાઓ અને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા અંતરમાંથી આનંદ ઉભરે છે. એક એડવોકેટ તરીકેની મારી નવી ઈનિંગ તથા રાજ્ય સરકારના માહિતી અધિકારી તરીકે ત્રીસેક વર્ષની ફરજોના સમયગાળા દરમિયાન સંપર્કમાં રહેલા તમામ સહયોગીઓ અને પથદર્શકો, મારા વિદ્યાર્થીકાળના ગુરુજનો તથા સહપાઠીઓ, મારા માદરે વતન જામ-રાવલના હમવતનીઓ, મારા પ્રિય મિત્રો તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગી બનનાર સૌ કોઈને મારા તરફથી, મારા પરિવાર તરફથી, માધવાણી પરિવાર તરફથી અને 'નોબત' પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ...
હેપ્પી ન્યુ યર...
વિનોદ કોટેચા
જામનગરને કાશી સાથે સરખાવવાના અનેક કારણો છે. આ બંને નગર બે નદીઓ વચ્ચે વસેલ છે. તે કુદરતી ભૌગોલિક કારણ તો ખરું જ, પણ તે ઉપરાંત મંદિરો, દેરાસરોની બહુલતા. તે માનવ સર્જિત ઉપલબ્ધિ પણ તે સરખામણી કરવા મનને લલચાવે છે.
પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે વૈદિક પાઠશાળા, સંગીત અને આયુર્વેદ એ ત્રણ બાબતો આ બંને નગરને સગોત્રી બનાવે છે.
યુગો જુના વારાણસીની સામે પાંચેક શતક પૂર્ણ કરવા જઈ રહેલું જામનગર, એક અર્વાચીન કાશી ગણાય એવા આ પાંચ ગુણોના પંચગુણાનુવાદ પૈકી આજે તેના વૈદિક જ્ઞાનની વાત કરવી છે.
આયુર્વેદ આમ તો ચતુર્વેદમાં અથર્વવેદનો એક ઉપવેદ છે. તેથી સંસ્કૃતના પ્રકાંડ પંડિતો અને વેદ પાઠશાળા ધરાવતા જામનગર માટે આયુર્વેદનો વિકાસ થવો તે કાંઈ આશ્ચર્યનો વિષય નથી.
ઝંડુ ભટ્ટના પિતાજી વિઠ્ઠલજી વૈદ્ય, ઝંડુ ભટ્ટના પિતામહના પિતામહ કાશીરામ ભટ્ટ, ઝંડુ ભટ્ટના ભાઈ જટાશંકરભાઈ અને મણીભાઈ, તે બધા પણ મહાન વૈદ્યરાજ હતા. પરંતુ તેમાં સર્વોચ્ચ સ્થાન પર શ્રી ઝંડુ ભટ્ટને મૂકવા પડે. તે ઉપરાંત વિજયશંકર ઉર્ફે બાવાભાઈ અચલજી વૈદ્ય પણ જામનગરના પ્રખ્યાત વૈદ્ય હતા.
નગરમાં સુખનાથ મહાદેવના મંદિરમાં રસશાળા બનાવવામાં આવેલ હતી. ભારતભરમાં તેવું કદાચ પહેલી વખત બન્યું હશે કે ટપાલ અને ટ્રેન દ્વારા દવાઓ મોકલવા માટે રેલવે સ્ટેશન નજીક ટપાલ ખાતાએ એક ટપાલ કચેરી ઊભી કરવી પડી હોય. જામનગરમાં આ રીતે ઊભી કરવામાં આવેલી પોસ્ટ ઓફિસ આજે પણ ત્રણબત્તી પાસે ડી.એસ.પી. બંગલા સામે વિદ્યયમાન છે.
એમ કહેવાય છે કે પ્રજાના કાર્યની રૃખમાં જો સાચ હોય, લોકોના કલ્યાણનો પડઘો પડતો હોય, તો તે નજરોવાળા પારખું શાસકને સ્પર્શ કર્યા વગર રહે નહીં. તે અનુસાર તે પ્રજા વત્સલ શાસકો એ નગરને અનુપમ એવી આયુર્વેદ એસોસિએશનની ભેટ આપી અને તે આયુર્વેદ મહાવિદ્યાલય ન બની જાય ત્યાં સુધી સંવર્ધિત કરી.
ઈસવીસન ૧૯૪૪માં મહારાજા દિગ્વિજયસિંહજી દ્વારા આયુર્વેદ ચિકિત્સાલયનો પ્રારંભ થયો. આ પ્રકલ્પના મૂળમાં ડોક્ટર પ્રાણજીવન મહેતા હતા. ડોક્ટર મહેતાને થયેલા હઠીલા રોગને જ્યારે યુરોપિયન મેડિકલ સાયન્સ દૂર ન કરી શક્યું, ત્યારે ખંભાળિયા જેવા તાલુકા કક્ષાના કેન્દ્રમાં રાણ જેવા એક નાના ગામમાંથી આવી અને વૈદિક કામ કરતા વૈદ્યરાજ પુરુષોત્તમ ડુંગરજી શાસ્ત્રીએ તેમના રોગને નિર્મૂળ કર્યો. તે વાતથી પ્રેરાઈને તેમણે આયુર્વેદને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું.
મહારાજા દિગ્વિજયસિંહજી અને રાજમાતા ગુલાબકુંવરબાને ડૉ. મહેતાએ વિનંતી કરી અને આજની જી.જી. હોસ્પિટલની સામે ૧૦ એકર જગ્યા આયુર્વેદ સંસ્થાન માટે મંજૂર કરાવી. આ વિસ્તારના અગ્નિ ખૂણામાં મહારાજા જુવાનસિંહજી આયુર્વેદિક સંગ્રહસ્થાન નામે એક સમૃદ્ધ સંગ્રહસ્થાન બનાવ્યું. તેની સાથો સાથ અનેક ભાષાના અલભ્ય એવા ૪,૧૩૮ પુસ્તકો વસાવ્યા જેમાં સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, આદિ ભાષાઓનો સમાવેશ થતો હતો.
આ સંગ્રહસ્થાનમાં શાસ્ત્રોક્ત આધાર પ્રમાણે નમુના તૈયાર કરી, વૈદિક ઉપયોગ માટેના તાંબા ધાતુમાં બનેલા યંત્રો બનાવ્યા. જેમાં દુર્લભ એવા લવણ યંત્ર, ધૂપ યંત્ર, વગેરેનો સમાવેશ થાય છે. સાથોસાથ માટીના યંત્રો જેવા કે તેજોયંત્ર, તુલાયંત્ર, ગૌરીયંત્ર વગેરે પણ બનાવડાવ્યા.
આ સંગ્રહસ્થાન શુષ્ક અને ફક્ત આયુર્વેદ પૂરતું જ સીમિત ન રહે પણ રસ ટપકતું રહે, તે માટે તેમાં ઐતિહાસિક, અર્થશાસ્ત્રીય, સાંસ્કૃતિક, ભૌગોલિક માહિતી આપતા નકશા ચિત્રો અને માહિતી પત્રકો પણ પામેલ કર્યા.
વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દ્રજીના પુસ્તક બરડાની વનસ્પતિ પૈકીની ૬૧૧ વનસ્પતિને ત્રણ ખંડમાં જયકૃષ્ણ તોરણ તરીકે સજાવી અને મૂકવામાં આવ્યા.
આ એસોસિએશનના ઉપક્રમે આયુર્વેદ નામે એક માસિક પત્ર પણ પ્રગટ કરવાનું શરૃ કર્યું. જેમાં આયુર્વેદની માહિતીઓ લોક ભોગ્ય સ્વરૃપે રજૂ કરવામાં આવતી. તે સમયના વિદ્વાનો બહુશ્રુત અને ઘણી બધી વિદ્યાઓના જાણકાર હતા.
આ સંસ્થાના કાર્યમાં વિખ્યાત આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય રામપ્રસાદજી તથા સંસ્કૃત પાઠ શાળાના આચાર્ય ત્રંબકરામ શાસ્ત્રી, પુરાણો અને સંસ્કૃતિના મૂર્ધન્ય સાહિત્યકાર એવા શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી, પુરાતત્ત્વ જેનો મુખ્ય વિષય હતો તેવા શ્રી હરિલાલ રંગીલાદાસ માંકડ જેવી વ્યક્તિઓ રસ લેતા. મહર્ષિ ચરક દ્વારા રચાયેલ વિખ્યાત ગ્રંથ ચરક સંહિતાને અંગ્રેજી અનુવાદ સાથે ૬ ભાગમાં આ સંસ્થાએ બહાર પાડ્યો હતો. તે સંહિતા એટલી બધી વ્યાપક પ્રસિદ્ધિ પામી હતી કે ભારતીય કલાકાર તરીકે કોલકાતાથી ખાસ વિમાનમાં ચાઇના રિપબ્લિકની જુદી જુદી યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાન આપવા ગયેલા શાંતિનિકેતન, બંગાળના વિખ્યાત કલાકાર શ્રી અર્ધેંદુકુમાર ગાંગુલીને ચીનના તે બધા સ્થાનો પર, જામનગર, તેની આયુર્વેદિક યુનિવર્સિટી અને તેના ગ્રંથ ચરક સંહિતા વિશે, જાણવા માટે ચીનના નાગરિકોએ વ્યાપક ઉત્સુકતા બતાવી હતી.
આ કોલેજના આચાર્ય તરીકે, વારાણસીમાં સર્વોપલ્લી રાધાકૃષ્ણના હાથે જેનું બહુમાન થયેલું, તેવા વિખ્યાત વૈદ્યરાજ જાદવજી ત્રિકમજી આચાર્ય હતા. સમસ્ત ભારતમાં અભ્યાસ કરતા, અનુસ્નાતક કક્ષાના આયુર્વેદના અભ્યાસી વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા સ્કોલરશીપ આપતી, તેમાં મૈસુર, કાંગડા, હૈદરાબાદ, ત્રાવણકોર, નવસારી, કાશી, વગેરે સ્થાનના વિદ્યાર્થીઓ લાભાર્થી રહેતા. આ સંસ્થામાં નિર્માણ થયેલ ભવ્યભવન નવી દિલ્હી સ્થિત હાલની સુપ્રિમ કોર્ટના બિલ્ડીંગની જાણે રેપ્લીકા હોય તેવું સુંદર રીતે નિર્માણ થયેલ છે. જવાહર રોડ (બેડી બંદર રોડ) પરથી પસાર થતા કોઈપણ નવ આગંતુક તે ઇમારત જોઈ અને ત્યાં થંભ્યા વિના રહી ન શકે.
તે વખતે બનેલા મહાલયો આજ ૮ દાયકા પછી પણ મોકળાશ ધરાવતા લાગે છે. તે બાબત તે સમયના રાજવી અને સ્થપતિઓની દૂરંદૃષ્ટિનું પરિણામ છે. આ દિપાવલીના અવસરે સંસ્કૃત પાઠશાળા, સંગીત ઉન્નત મંદિરો, સરિતાદ્વય અને આયુર્વેદ એ પાંચ પ્રજ્વલિત દીપકથી, જામનગર ઉર્ફે છોટીકાશીની આરતી ઉતારુ, તો તેને અતિત રાગ ન ગણશો.
સતીષચંદ્ર વ્યાસ
નર્મદાશંકર ગોરને રામપુરમાં બધા નભુગોરના હુલામણા નામથી બોલાવતા, વિવાહથી માંડીને વરશી સુધી અને ગોરમાં પૂજવાથી ગરૃડપુરાણ સુધીનું તમામ કામ ગોરબાપા એવી શૈલીમાં કરતા કે ગામડાની અભણ પ્રજાને બધું પૂરેપૂરું સમજાઈ જતું.
આજુબાજુના બધા ગામડામાં નભુગોરની નામના ઘણી સારી હતી પરંતુ કુદરતે એક દિવસ ગોરાણીને ઉપર બોલાવી લીધા. લગ્ન પછી પંદર વરસે ગોરાણીને 'સારાદિ' હતા. પરંતુ એકજ દિવસની પુત્રીને નભુગોરના હાથમાં સોંપીને જમના ગોરાણી સુવાવડમાં મૃત્યુ પામ્યા. નિસહાય ગોર એમ હિંમત હારે એવા નહતાં. સમયની સાથે નાનકડી ઉષા પાડોશીઓના સહારે મોટી થવા માંડી. અને એમને એમ દશ વર્ષના વહાણા વાઈ ગયા હવે તો ઉષા ચૂલા પર રોટલા પર ઘડવા માંડી હતી. અને બાજુના સુંદરપુર ગામે નિશાળે ભણવા પણ જવા માંડી હતી. નભુગોર નાનકડી ચોટલી પણ ગૂંથી દેતા. અને ત્રીજી ચોપડી ભણતી ઉષાને મમરા વઘારીને નાસ્તાનો ડબ્બો પણ ભરી દેતા.
દીકરીને દેવું વધતા વાર નથી લાગતી. નાનકડી ઉષા હવે બારમા વર્ષમાં પ્રવેશી ચૂકી હતી.
સાત ચોપડી ભણી લીધા પછી ભણવાનું મૂકી દીધું હતું અને ઘરકામમાં તેમજ ઘર સામેના મંદિરની સાફસૂફી તેમજ સવાર સાંજની આરતીનું કામકાજ નિયમિત સંભાળતી.
આમને આમ ગોરમહારાજનો સુખી સંસાર ચાલતો હતો. અને ગોરબાપા માં અને બાપ બન્નેનો સ્નેહ ઉષા ને આપતા હતાં. હવે ઉષા અઢાર વર્ષની થઈ હતી. ગોરબાપાને વિચાર આવતો કે હવે ઉષાના હાથ પીળા કરવા પડશે. પણ ગરીબ બ્રાહ્મણની છોકરી હારે કોણ પરણશે, છતાં ગોર ભગવાન ઉપર ભરોસો રાખતાં.
એવામાં એક દિવસ મુંબઈ સેટ થયેલ ગામના જ એક બ્રાહ્મણ કુટુંબના સભ્યો તેમનું બંધ મકાન ખોલી સાફસુફ કરીને અઠવાડિયા માટે આવ્યા. તેમનો પુત્ર રમેશ મુંબઈમાં જ નોકરી કરતો હતો. સાંજે એ લોકો ગોરને ઘરે આવતી કાલે ભગવાનને થાળ ધરાવવાનો હોવાથી મળવા આવ્યા. અને મંજુબેન તથા રમેશ ઉષાને જોઈ.
સીધી સાદી હરણીના બચ્ચા જેવી ઉષા મંજુબેનની આંખમાં વસી ગઈ અને ગોર નામોઢે ઉષાનું માંગુ નાખ્યું. પરંતુ એકની એક નમાઈ પુત્રીને પરણાવીને મુંબઈ મોકલવા ગોરનું મન માનવતું ન હોતું. પાડોસીઓએ ગોરને સમજાવ્યા, અને અંતે ઉષાના રૃપિયો અને નાળિયેર દેવાઈ ગયા. રમેશને ચાંદલા પણ થઈ ગયા. અને માત્ર સવારૃપિયો લઈને તે લોકો મુંબઈ ચાલ્યા ગયા. બે મહિના પછી લગન લેવાના સમાચાર આવી ગયા.
અને એક દિવસ પૂનમના દિવસે મુંબઈથી મિની બસમાં પચીસેક માણસ આવ્યા. અને સવારે આવેલી જાન બપોર પછી ચારેક વાગ્યે ઉષાને પરણીને લઈને ચાલી ગઈ. ગલીના છેડા સુધી ગયેલા ગોરમહારાજ મિનિબસ દેખાતી બંધ થઈ ત્યાં સુધી ઊભા રહ્યા અને ઊડતી ધૂળની ડમરીમાં ઉષાનો ચહેરો જોતા રહ્યા.
ખાલી ઓરડાની સાંકળ ઉઘાડતા ગોરનું કાળજુ કપાઈ ગયું, પરંતુ હૈયા માથે મણએકનો પથ્થર રાખી ગોર જીવવા મંડ્યા. અને હવે ગોરાણીની યાદ આવવા લાગી. પરંતુ સમયના ઘોડાને કયાં લગામ છે?
આમને આમ ૬ માસ વીતી ગયા, ગામનો એક જુવાન સંજય કામ અર્થે મુંબઈ ગયેલો તે ઉષાને ઘેર જઈ આવેલો, અને ઉષાને જોઈને તે દુઃખી પણ થઈ ગયેલો. છોડ ઉપરથી તોડેલું ગુલાબ બે દિવસ પછી કરમાઈ ને જેવું થઈ જાય તેવી ઉષા લાગતી હતી. અને સંજય ને તેણે પૂછયું મારા બાપુ શું કરે છે? અને સંજયને કહ્યું બાપુને કહેજે હું મજામાં છું મારી ચિંતા ના કરે.
સંજયે આપેલા આટલા સમાચાર ગોરને માટે ઘણાં હતા, તે નિરાશ થઈ જતાં, પરંતુ ઉષાની યાદ તેમનામાં નવું જોમ પૂરતી.
ગામમાં પાનવાળાની દુકાને એક જ ટેલિફોન હતો. એક દિવસ સમાચાર આવ્યા કે ઉષા બહુ જ માંદી પડી ગઈ છે, અને હવાફેર માટે તેને ગામડે મુકવા મુંબઈથી ગાડી લઈને સાસરીયા આવવાના છે. ગોરનો જીવ તાળવે ચોટી ગયો.
કોકે સમાચાર આપ્યા કે મંજુબેનના ઘર પાસે મેટાડોર આવી છે, અને ગોર દોડતા પહોંચ્યા, પરંતુ ગાડીમાંથી ઉષાને બદલે ઉષાની લાશ જ ઉતારવામાં આવી. કોક ખાટલો લઈ આવ્યું, તેમાં ઉષાનો નિર્જીવ દેહ રાખવામાં આવ્યો. ગોરની તો વાચાજ જાણે હણાઈ ગઈ હતી. મંજુબેન અને સાથે બીજા પુરૃષ ચા બનાવતા પ્રાઈમસ ફાટ્યો હતો અને ઉષા સખત દાજી જતાં મૃત્યુ પામી હતી. જમાઈ સાથે આવ્યા પણ નહોતા, ગામ આખું ભેગું થઈ ગયું અને મેટાડોર તો બે મિનિટમાં ધૂળ ઉડાડતી ચાલી પણ ગઈ, મુંબઈના રસ્તે, અને નિર્જીવ ઉષા સોપતી પણ ગઈ.
ગામલોકોએ ગોરના ઘેર ઉષાના દેહને લઈ જઈ અને નનામી તૈયાર કરી, ગોર તો એક નિર્જીવ પુતળું બની ગયા હતાં. કોઈક પતરાની પેટી ખોલીને ચૂંદડી લાવ્યું, જે ચૂંદડી પહેરીને ગોરાણી પરણીને આવેલા, ચૂંદડી ઓઢાડીને ઉષાની નનામી લઈને ડાઘુઓ ચાલ્યા.
નનામી સાંકડી શેરીમાંથી પસાર થઈ... અને ગોર વાંસે દોડ્યા મારી ઉષાને કયાં લઈ જાવ છો? અને તેમના હાથમાં પ્લાસ્ટિકનો ડબ્બો હતો... બેટા ઉષા તારો મમરાનો ડબ્બો તો લેતીજા, અને ગોર જમીન પર ફસડાઈ પડ્યા... તેમનું પ્રાણપંખી પણ ઉડી ચૂક્યું હતું.... તે દિવસે રાત્રે રામપુરમાં કોઈના ઘરે ચૂલો સળગ્યો નહોતો.
એસ.એલ. મહેતા 'સાહિલ'
અજીબ દાસ્તાં હૈ યે.. કહાં શુરૃ કહાં ખતમ!
સવારે સારા મૂડમાં ગાતાં ગાતાં હું હસુભાઈને ઘેર પહોંચ્યો.
હસુભાઈની પ્લેટમાં અડધો ખાખરો હતો. હસુભાઈ ખાખરાના ખૂબ નાના ટુક્ડા કરી ખાઈ રહ્યા હતા.
ગીતના શબ્દોમાં એક ફેરફાર કરી એમણે ગીત ઉપાડી લીધું.
અજીબ નાસ્તા હૈ યે.. કહાં શુરૃ કહાં ખતમ!
ડાયેટિંગ પર ઉતર્યા છો?
ડાયેટીંગ પર ઉતારવામાં આવ્યો છું! કર્તરિ અને કર્મણિ પ્રયોગ માણસને શાળામાં શીખવાડવાથી ભાગ્યે જ આવડે છે. પરણ્યા પછી તરત આવડી જાય છે.
હસુભાઈ, તમારી ફાંદ અત્યારે ડોલરની જેમ ઉંચકાતી નથી કે રુપિયાની જેમ લબડતી નથી, તો પછી ડાયેટીંગ કેમ? ચાલો બહાર નાસ્તો કરવા!
ના પાડીને હસુભાઈએ જે ઘટના સંભળાવીએ ટૂંકમાં વર્ણવું છું.
બે દિવસ પહેલા હસુભાઈએ હેમાબેનને કહ્યું, મારા મર્યા પછી પણ દેશ અને પરિવાર મને સારી રીતે યાદ કરે એવું મારે કંઈ કરી જવું છે!
હેમાબેને કહ્યું, મોટી રકમની લોન લઈને જશો તો દેશ યાદ કરશે અને મોટી રકમનો વીમો ઉતરાવી જશો તો પરિવાર યાદ કરશે!
હસુભાઈએ પરિવાર પર કળશ ઢોળ્યો અને પોતાના અમૂલ્ય જીવનને મૂલ્યમાં કન્વર્ટીબલ કરવા માટે હસુભાઈ વીમો ઉતરાવવા ગયા.
વીમા એજન્ટ પાર્ટટાઈમ કવિ હતો. એણે દલપતરામના સાંભળી શિયાળ બોલ્યુંના ઢાળમાં ગાઈને સંભળાવવા માંડ્યું.
તમે મરો પત્ની ફાવે, પત્ની મરે તમે ફાવો
તમે બન્ને મરો ત્યારે બાળકોને થાય લ્હાવો
હસુભાઈએ ગાઈને જ જવાબ આપ્યો,
તારી પાસે ઈન્સ્યોરન્સની નથી કોઈ એવી સ્કીમો?
જેમાં મરે એજન્ટ તો પાકી જાય મારો વીમો
એજન્ટ હબકી ગયો. પરાણે સ્વસ્થ થઈ કહ્યું, એવો કોઈ વીમો હોતો નથી.
એજન્ટે આગળ કહ્યું, તમારા કોલેસ્ટેરોલ અને સુગર નોર્મલ હશે તો જ વીમો ઉતરશે. તમારે કેવા ડોક્ટર પાસે જવું છે, સાચો રિપોર્ટ આપે એવા કે નોર્મલ રિપોર્ટ આપે એવા?
દરેક દર્દી એમ ઈચ્છે કે સાચો રિપોર્ટ નોર્મલ હોય અને નોર્મલ રિપોર્ટ સાચો હોય. હસુભાઈ કોલેસ્ટેરોલનો રિપોર્ટ કરાવવા ગયા. કોલેસ્ટેરોલ ૨૦૦ની અંદર આવવું જોઈતું હતું. પણ ૨૦૧ આવ્યું.
પહેલા તો રિપોર્ટમાં ડબલ સેન્ચ્યુરી જોઈને પોતે રોહિત શર્મા અને વિરેન્દ્ર સહેવાગની કેટેગરીમાં આવી ગયા હોય એવી ખુશી થઈ.
ત્યાં જ રિપોર્ટ જોઈ ડોક્ટરે એટેક કર્યો, એટેક ન આવે એ માટે લિપિડ ઓછું કરવાની દવા લેવી પડશે.
કેટલા દિવસ?
જીવનભર!
હસુભાઈને થયું, અણીનો ચૂક્યો સો વરસ જીવે અને એક પોઈન્ટથી હારેલો રોજ દવા પીવે!
દવા કઈ કંપનીની છે? એક-બે એમ.આર. (મેડિકલ રીપ્રેઝન્ટટેટીવ) હસુભાઈના ઓળખીતા હતા.
ડોક્ટરને કંપનીનું નામ યાદ ન આવ્યું, અરે પેલી!
કઈ?
અરે..એ જ કંપનીની, જેણે મને ગયા વરસે દિવાળીમાં સિંગાપુર ફરવા મોકલ્યો હતો!
હસુભાઈને થયું, ડોક્ટરો કેટલા કૃતજ્ઞ હોય છે! દવાની કંપનીનો ઉપકાર પણ વિસરતા નથી!
હસુભાઈ આ કૃતજ્ઞ ડોક્ટર બદલી બીજા તજજ્ઞ પાસે ગયા. નવા ડોકટરને ત્યાં એમનો રિપોર્ટ ૧૯૯ આવ્યો. એમણે કહ્યું કે કોઈ જ દવાની જરૃર નથી. દવાની કંપનીવાળા તો લૂંટવા બેઠા છે.
હસુભાઈને આ સતયુગી ડોક્ટરની પાછળ તેજવર્તુળ દેખાયું. ત્યાં જ ડોક્ટર બોલ્યા, મારા વાઈફ ન્યૂટ્રીશન એક્સપર્ટ છે. એ તમારો દવાનો ખર્ચો બચાવી લેશે.
ડાયેટિશ્યને ડબ્બા પધરાવતાં કહ્યું, આ ડાયેટ ફૂડ બહુ મોંઘો નહીં પડે, દવાના ખર્ચમાં થોડાક જ ઉમેરવા પડશે.
હેલ્ધી ફૂડની વેલ્ધી કિંમત જોઈ હસુભાઈને ખ્યાલ આવ્યો કે હોટેલના ભરપેટ ભોજન કરતાંય ડાયેટિશ્યનના ડાયેટ ડબ્બા મોંઘા હોય છે.
હસુભાઈએ એમ પૂછવું હતું કે આમાં ફૂડ ફ્રેશ હોય? પણ એમ પૂછવાથી કોઈ સાચો જવાબ ન આપે એટલે એમણે એમ પૂછ્યું, આ ડબ્બાની એક્સપાયરી કેટલી?
આ ડાયેટ ફૂડની એક્સપાયરી સિક્સ મંથ! ડાયેટિશ્યને જવાબ આપ્યો. જુદી રીતે ટ્વીસ્ટ કરીને પૂછેલા સવાલના જવાબરૃપે ડબ્બાનો ફૂડ છ મહિના સુધી ફ્રેશ ગણાય એવું અમૂલ્ય જ્ઞાન લઈને, હસુભાઈ ત્યાંથી મૂલ્યવાન ડબ્બા લીધા વગર છટક્યા.
હસુભાઈને ત્યાં ડોક્ટર કહે તે કરતાં સસરાના ડૉટર કહે એનું વજન વધુ પડતું. ઘરે હેમાબેને બન્ને રિપોર્ટ જોઈને નક્કી કર્યું કે હસુભાઈની તબિયત ખીણની ધાર પર છે, હવે એક પણ વધારાની કેલેરી કાળ બનશે. હવે એક પણ ગ્રામ વધારાની ફૅટ એમના માટે ફૅટલ (જાનલેવા) નીવડી શકે છે. ૧૯૯માંથી ૨૦૦ થતાં કેટલી વાર? તેથી હેમાબેનની દેખરેખ નીચે હસુભાઈનું ડાયેટીંગ શરૃ થયું. હેમાબેને નક્કી કર્યું કે હવેથી નાસ્તામાં રોજ અડધો જ ખાખરો મળશે. ડાય ઓર ડાયેટની વચ્ચે હસુભાઈનો મરો અથવા ભૂખે મરો અભિયાન શરૃ થયું,
મેં હસુભાઈને પૂછ્યું, રોજ સવારે ૫૦ રુપિયાનો ખમણનો લોચો અને પચાસ રુપિયાના ફાફડા ઝાપટી જનારા તમે.. માત્ર અડધો ખાખરો ખાશો?
હસુભાઈએ ડૂસકું મૂકવાની ઈચ્છા ત્યાગીને સંકલ્પનું બળ વ્યક્ત કર્યું. રાજમહેલની રેશમી તળાઈ પર સૂનારા રાણા પ્રતાપ અઢાર વરસ જંગલમાં ઘાસપાંદડા પર સૂતા જ હતા ને! એમ હું પણ અડધો જ ખાખરો ખાઈશ!
હસુભાઈના દેહમાં રાણા પ્રતાપના આત્માની ઝલક હું જોઈ રહ્યો હતો, ત્યાં જ હસુભાઈ બોલ્યા, તમને કંઈ આઈડિયા છેકે મોટો ખાખરો ક્યાં મળે? પેલું ઢોસામાં પેપર ઢોસા હોય ને, એવું ખાખરામાં જમ્બો ખાખરો ન આવે? આ તો અડધો જ ખાવાનો છે એટલે.. બાકી..
હું સવારસવારમાં ફાફડા અને ખમણનો લોચો ખાવા જઈ રહ્યો હતો, એ જાણ્યા પછી હસુભાઈએ મિત્રધર્મને ન્યાય આપવા ડાયેટીંગ એક દિવસ મોડું ઠેલ્યું. ખાખરાના ઉચિત ડાયેટને બદલે ફાફડાના ચીટ ડાયેટ પર કળશ ઢોળ્યો.
રઈશ મનીઆર
ભારતની ૧૫૦ કરોડની વસ્તી ઉપર હાલમાં માત્ર ૨૫ કરોડની વસ્તી ધરાવતા દક્ષિણના રાજ્યોનો ફિલ્મ ઉદ્યોગ રાજ કરી રહ્યો છે. મુંબઈનું બૉલીવુડ હવે દક્ષિણ તરફ કામ માટે દોડધામ કરી રહ્યું છે. તાજેતરમાં જુનિયર એન.ટી.આર.ની ફિલ્મ દેવરા રજૂ થઈ તેના બોક્સ ઓફિસના આંકડા આ ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ કરે છે. દેવરાએ પ્રથમ સપ્તાહમાં તેલુગુ ભાષાના વર્ઝનમાં ૬૮.૬ કરોડનો જંગી ધંધો કર્યો, તેની સામે હિન્દી વર્ઝન માત્ર ૭ કરોડની કમાણી જ કરી શક્યું. જ્યારે તમિલમાં ૦.૮ કરોડ, કન્નડમાં ૦.૩ કરોડ અને મલયાલમમાં ૦.૨ કરોડની કમાણી કરી.
દક્ષિણના પાંચ રાજ્યમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને તેલંગણાનો સમાવેશ થાય છે. ભારતનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદમાં ધમધમે છે. આ મનોરંજનું મોટું મથક બની ગયું છે. દેશના આઝાદીના સમયથી મુંબઈ માયાનગરી સાથે મનોરંજન નગરીનું પણ બિરૃદ ધરાવે છે. મુંબઈના બોલિવુડે સૌ પ્રથમ દક્ષિણનો અનુભવ હેમામાલીની અને રેખાથી કર્યો. રેખા ત્યાંનાં સુપરસ્ટાર શિવાજી ગણેશનની પુત્રી છે અને તેની યુવાનીમાં કમનીય કાયા અને મારકણી અદાઓથી હિન્દી ફિલ્મ જગત રોમાંચિત થઈ ગયું. રેખાની હાઇટ છ ફૂટ ઉપર હોવાથી હિન્દી હીરો તેની સાથે કામ કરવાથી ખચકાટ અનુભવતા હતા. તે સમયના ફ્લોપ સ્ટાર અમિતાભ બચ્ચનની હાઇટ સાથે મેચ થતાં નિર્માતાઓ તે તરફ દોડ્યા. ૧૯૭૩ માં બન્નેની જોડી બનાવી દો અંજાને ફિલ્મ બની હતી. ત્યારબાદ શ્રીદેવી અને જયા પ્રદાએ બહુ લાંબો સમય મુંબઇમાં રાજ કર્યું.
બાહુબલી યોગદાન
દક્ષિણ ભારતનું સિનેમા, દક્ષિણ ભારતના ચાર મુખ્ય ફિલ્મ ઉદ્યોગોનો સમૂહ છે જેમાં તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડનો સમાવેશ થાય છે. તેઓ બોલચાલની ભાષામાં અનુક્રમે ટોલીવુડ, કોલીવુડ, મોલીવુડ અને સેન્ડલવુડ તરીકે ઓળખાય છે. ચારેય ઉદ્યોગોનો લાંબા સમય સુધી સ્વતંત્ર રીતે વિકાસ થયો હોવા છતાં તેના કલાકારો અને ટેકનિશિયનોએ આ નવી ઓળખને આકાર આપવામાં મદદ કરી. ૨૦૧૦ સુધીમાં દક્ષિણ ભારતના ૬૪૦૦ અને ભારતના ૧૧ હજાર સિનેમા થિયેટરમાંથી લગભગ ૬૫%નું ઘર બની ગયું.
૨૦૨૧ માં, તેલુગુ ફિલ્મ ઉદ્યોગ બોક્સ ઓફિસની આવકની દૃષ્ટિએ ભારતના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગ બની બેઠો. તેલુગુ સિનેમાએ ભારતીય બોક્સ ઓફિસની આવકના ૨૦%ની સિદ્ધિ હાંસલ કરી. ત્યારબાદ તમિલ ૧૫%, કન્નડ ૭ % અને મલયાલમ ૯% નું યોગદાન કરે છે. ૨૦૨૨ સુધીમાં, દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગોની સંયુક્ત આવક મુંબઈ સ્થિત હિન્દી ભાષાના ફિલ્મ ઉદ્યોગ (બોલીવુડ) કરતાં વધી ગઈ.
રાજ્ય ભાષાની સીમાઓને બાજુ પર રાખીને, તાજેતરના વર્ષોમાં તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ઉદ્યોગોના દક્ષિણ ભારતીય કલાકારો, લેખકો અને દિગ્દર્શકો ફિલ્મોનું નિર્માણ કરવા માટે 'દક્ષિણ ભારતીય સિનેમા' તરીકે એકબીજા સાથે સહયોગ કરી ઊભરી આવ્યા. આ સહયોગને કારણે બાહુબલી, કેજીએફ, લોકેશ, જેલર, પુષ્પા, આર.આર.આર., કલ્કી ૨૮૯૮ એડી, સાલાર અને દેવરા જેવી મોટી હિટ ફિલ્મો મળી. દક્ષિણ ભારતીય સિનેમાના ઉદ્ભવ પછી હિન્દી ફિલ્મોના કલાકારો અને અભિનેત્રીઓ જેમણે તેમની સ્ટાર વેલ્યુમાં ઘટાડો અનુભવ્યો હતો તેઓએ ઉદ્યોગમાં તેમની કારકિર્દી ટકાવી રાખવા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ભાગ લેવાનું શરૃ કર્યું છે.
બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન પણ દક્ષિણ તરફ ઊડાઊડ કરે છે. તાજેતરમાં દશેરાના દિવસે તેની અને દક્ષિણના સુપર સ્ટાર રાજનીકાંતની ફિલ્મ વેટ્ટયાન રજૂ થઈ. જેમાં પ્રારંભમાં તમિલ ભાષાના વર્ઝન એ ૧૬ કરોડનો વકરો કર્યો, જ્યારે હિન્દી ભાષાએ માત્ર ૨ કરોડની કમાણી કરી હતી. દક્ષિણના નિર્માતા દિગ્દર્શક રાજામૌલીનો દુનિયામાં ડંકો વાગે છે. તેમને બાહુબલી અને આર.આર.આર. બે ફિલ્મએ જ બે હજાર કરોડનો જંગી ધંધો કર્યો હતો. તેની ફિલ્મના નાટુ નાટુ ગીતને ઓસ્કાર પણ મળ્યો છે.
આઈફા એવોર્ડ
સફળ ફિલ્મો માટે દર વર્ષે આઈફા એવોર્ડનું આયોજન થાય છે. આ વર્ષે દુબઈમાં ૨૦૨૪ ની સફળ ફિલ્મો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું. જેની યાદી પણ ચોંકાવનારી છે. તમામે તમામ ૧૭ એવોર્ડ દક્ષિણની ફિલ્મોને ફાળે ગયા! જેમાં (૧) શ્રેષ્ઠ ફિલ્મ જેલર, તમિલ, (૨) શ્રેષ્ઠ અભિનેતા નાની દાસર અને વિક્રમ, (૩) શ્રેષ્ઠ અભિનેત્રી એશ્વર્યા રાય, ફિલ્મ પોનીયન સેલવન (૪) શ્રેષ્ઠ દિગ્દર્શક મનીરત્નમ (૫) શ્રેષ્ઠ સંગીત એ. આર. રહેમાન (૬) ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ સિદ્ધિ ચિરંજીવી, (૭) ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ યોગદાન પ્રિયદર્શન (૮) વુમન ઓફ ધ યર સામાંથા રૃથ પ્રભુ (૯) શ્રેષ્ઠ નેગેટિવ રોલ, તમિલ, એસ. જે. સૂર્યા (૧૦) શ્રેષ્ઠ નેગેટિવ રોલ મલયાલમ, અર્જુન રાધાકૃષ્ણન વિગેરે વિગેરે.
રામોજી ફિલ્મ સિટી
રામોજી ફિલ્મ સિટી એ ભારતના હૈદરાબાદ સ્થિત એક વિશાળ ફિલ્મ સ્ટુડિયો સુવિધા છે. ૧૭૦૦ એકરમાં ફેલાયેલું છે અને તે વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયો સંકુલનું બિરૃદ ધરાવે છે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા પ્રમાણિત છે. તેની સ્થાપના તેલુગુ મીડિયા ટાયકૂન રામોજી રાવ દ્વારા ૧૯૯૬ માં કરવામાં આવી હતી. ધ ગાર્ડિયન અખબાર તેને ''શહેરની અંદર એક શહેર'' તરીકે વર્ણવે છે. આ સ્થળ ફિલ્મો માટે ફેફસાં સ્વરૃપે માનવામાં આવે છે. મુંબઇમાં રાજકપૂરનો આર. કે. સ્ટુડિયો, ફિલ્મ સિટી, ગોરેગામ છે, પરંતુ તે રામોજી ફિલ્મ સિટીની સરખામણીમાં બહુ નાના ગણાય.
ફિલ્મ સિટીમાં જંગલો, બગીચાઓ, હોટેલ્સ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, એપાર્ટમેન્ટ બ્લોક્સ, હવેલીઓ અને વર્કશોપ સહિત વિશાળ શ્રેણીના સેટ છે. તે કાયમી ૪૭ સેટથી સજ્જ હોય છે, તેમજ વિવિધ ફિલ્મ એકમોને સેવા આપતું કેન્દ્રીય રસોડું છે. અહી આધુનિક ૬ હોટલનો પણ સમાવેશ થાય છે અને તે સ્થળની અંદર વિન્ટેજ બસ અને એસી કોચ દ્વારા પરિવહન પ્રદાન કરે છે. રામોજી ફિલ્મ સિટી આશરે ૧૫૦૦ સ્ટાફ સભ્યો અને ૮૫૦૦ એજન્ટોને રોજગારી આપે છે, જે વિવિધ ભારતીય ભાષાઓમાં વાર્ષિક આશરે ૫૫૦ ફિલ્મોનું સંચાલન કરે છે. તે એક દિવસમાં ૨૨ શૂટ કરવા સુધીની સુવિધા કરવાની ક્ષમતા ધરાવે છે.
તે ફિલ્મ નિર્માણ ઉપરાંત સામાન્ય લોકો માટે મનોરંજન અને આનંદ પ્રમોદનું સ્થળ છે. રામોજી ફિલ્મ સિટી લોકપ્રિય પ્રવાસી આકર્ષણ પણ છે. તેમાં મનોરંજન પાર્ક સહિત વિવિધ કુદરતી અને કૃત્રિમ આકર્ષણોનો સમાવેશ થાય છે. દર વર્ષે લગભગ બે મિલિયન પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. અહીં પ્રસિદ્ધ વૃંદાવન ગાર્ડન, મુઘલ ગાર્ડન, રાજસ્થાનાં મહેલો, કિલ્લા, લંડન જેવી અદ્દલ પ્રતિકૃતિ ધરાવે છે.
બૉલીવુડ
અત્યાર સુધી ભારતની ઓળખ મુંબઈનું બૉલીવુડ હતું. ત્યાં જાહોજલાલી, ધનના ઢગલા અને અભિનયનો દરિયો હતો. રાજકપૂર, રાજેન્દ્ર કુમાર, દિલીપ કુમાર, નરગિસ, વૈજયંતી માલા, પ્રાણ, રણજીત, શબાના આઝમી, સંજીવ કુમાર, અમોલ પાલેકર, રાજશ્રી ફિલ્મ્સ, નૌશાદ, ઑ.પી. નૈયર, કલ્યાણજી આણંદજી, લક્ષ્મી-પ્યારે, બર્મન દાદા, લતા, આશા, કિશોર, રફી, મન્ના ડે, સીપ્પી પરિવાર જેવા હજારો લોકોનો દબદબો હતો. મુંબઈ માયાનગરીની સાથે મનોરંજન નગરી તરીકે પણ પ્રખ્યાત હતું. મુંબઇનો નાટ્ય ઉદ્યોગ પણ ધમધમતો હતો. સફળ ગુજરાતી નાટકો મોટા ભાગે મુંબઇમાં જ આકાર લેતાં હતા. આઈ.એન.ટી. નાટ્ય સંસ્થાના નાટકો દેશ ઉપરાંત દુનિયાના ગુજરાતીઓમાં પણ લોકપ્રિય હતા. હોલિવૂડના આધારે બૉલીવુડ નામકરણ થયું હતું. ગુજરાતી ફિલ્મોમાં ઢોલનું પ્રભુત્વ હોવાથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ઢોલિવૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો કે, બૉલીવુડ સંપૂર્ણ રીતે રામ શરણ થયું નથી. હિન્દી ફિલ્મો પણ ટક્કર આપતી રહે છે. તાજેતરમાં રજૂ થયેલી હિન્દી ફિલ્મ સ્ત્રી-૨ ૯૦૦ કરોડના ધંધા સુધી પહોંચી ગઈ છે અને તેને દક્ષિણની ફિલ્મ દેવરાના પાટિયાં ઉતારી દીધાં! ગુજરાતી ફિલ્મ વશ ઉપરથી અજય દેવગણે બનાવેલી હિન્દી ફિલ્મ શૈતાન પણ ૨૦૦ કરોડની ક્લબમાં રહી. કિરણ રાવની ફિલ્મ લાપતા લેડિઝ પણ બોક્સ ઓફિસ ઉપર સારો દેખાવ કરી શકી.
હિન્દી ફિલ્મોને દક્ષિણનું ગ્રહણ કહેવાનો આશય એ છે કે, ૨૦૨૪ માં બોલિવૂડની કુલ ફિલ્મોના ધંધા જેટલો ધંધો દક્ષિણની ચાર પાંચ ફિલ્મો કરી લે છે. બૉલીવુડને કોરોના થયો છે અને આઈ.સી.યુ.માં છે. બીજી રીતે કહીએ તો ક્ષય લાગુ પડી ગયો છે. જો નજીકના ભવિષ્યમાં રામબાણ ઈલાજ નહીં કરવામાં આવે તો બોલિવૂડની હાલત અને છાપ ઢોલિવૂડ જેવી થઈ જશે.
હવે
દિવાળી પછી પણ પડદા ઉપર ધમાલ રહેવાની છે. અલ્લુ અર્જુનનું પુષ્પા-૨ આવે છે. બાહુબલીની ટીમ રામાયણ બનાવે છે. નાતાલના તહેવારો ઉપર રાજામૌલી પણ ત્રાટકવા તૈયાર છે. ટ્રેડ રિપોર્ટ અનુસાર ૨૦૨૪ના અંત સુધીમાં દક્ષિણની ૧૧ ફિલ્મ રજૂઆત માટે તૈયાર છે.
'નોબત'ના વાચકો અને ચાહકોને નવા વર્ષની હાર્દિક શુભકામના અને આગામી વર્ષ સુખમય અને મનોરંજનમય રહે તેવી શુભેચ્છા.
પરેશ છાયા
જગતપાલે ડ્રોઈંગરૃમનો દરવાજો ખોલ્યો, અને ખૂબ જ સાવચેતીપૂર્વક કાન લગાવીને સાંભળવાની કોશિશ કરવા લાગ્યો. એને કોઈપણ જાતનો અવાજ ન સંભળાયો. એનાં બાળકો ત્યાં નહોતાં. નોકર પણ સૂઈ ગયો હતો.
ધોધમાર વરસતા વરસાદમાં એને ઘડિયાળનો કાંટો ઝડપથી સરકતો દેખાતો હતો. લોખંડની સાંકળ અને લોખંડના વજનદાર ટુકડા એની કારની પાછળની સીટ પર હતાં. એણે પોતાનો ઓવરકોટ પહેરી લીધો.
એણે ઘડિયાળ પર નજર નાખી અને વિચાર્યું કે હવે એણે નીકળી જવું જોઈએ. એણે લાઈટની સ્વિચ બંધ કરી દીધી અને દબાતા પગલે ઘરની બહાર આવ્યો. બહાર આવીને એણે ધીરે રહીને દરવાજો બંધ કરી દીધો.
વરસાદનું પાણી એને બરફ જેવું લાગી રહ્યું હતું. એણે પોતાના હાથથી ધકેલીને કારને ગેરેજમાંથી બહાર કાઢી. પછી ગેરેજનો દરવાજો બંધ કરીને તાળું મારી દીધું. જેથી કરીને ખુલ્લી ગેરેજ જોઈને કોઈને ખ્યાલ ન આવે કે કાર કયાંક બહાર ગઈ છે.
પછી એ કાર સ્ટાર્ટ કરીને ખૂબ જ ધીમી ઝડપે ત્યાંથી નીકળી ગયો. એ સૂમસામ જગ્યા પર એ સમયે કોઈ જ નહોતું. વરસતા વરસાદના કારણે સડક પર અજવાશ પણ ખૂબ જ ઓછો હતો.
એ જ્યારે પુલ પરથી પસાર થયો ત્યારે સ્ટેશન પર લાઈટોનો અજવાશ દેખાવા લાગ્યો. અમુક કુલી તથા સ્ટેશનના કર્મચારી ત્યાં ટહેલતા-ટહેલતા સાડા બાર વાગ્યાની ટ્રેન આવવાની વાટ જોઈ રહ્યા હતા.
જગતપાલે રેલવે સ્ટેશનની સામેની ફૂટપાથ પાસે કાર લાવીને ઊભી કરી દીધી. એણે કારની આગળની બત્તીઓ બુઝાવી દીધી અને કારમાં બેઠા-બેઠા પોતાના શિકારની વાટ જોવા લાગ્યો.
ટ્રેન થોડીક લેટ હતી. લગભગ પંદર મિનિટ સુધી વાટ જોયા પછી જગતપાલે જોયું કે દૂરથી ટ્રેન આવવાનો અવાજ સંભળાયો. અને થોડીક જ પળોમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને રોકાઈ ગઈ. અને એ સાથે જ શોરબકોર વધી ગયો. એટલે ટ્રેનની સીટી વગાડીને જતી રહેવા સિવાય બીજો કોઈ અવાજ જગતપાલને સંભળાયો નહિ.
હજુ પણ વરસાદ ધોધમાર પડી રહ્યો હતો. ટ્રેન જતાં જ જગતપાલ જેની વાટ જોઈ રહ્યો હતો એ સત્યજીત એની નજરે ચડી ગયો. સ્ટેશનની બહાર આવી ચૂકેલા સત્યજીતના ભારેખમ બૂટનો અવાજ આખી સડક પર છવાઈ ગયો. જગતપાલે જોયું કે સત્યજીત પગે ચાલીને જ એની કાર તરફ આવી રહ્યો હતો. વરસાદથી બચવા માટે એણે માથું ઝૂકાવેલું હતું. સામેની ફૂટપાથ પાસે આવીને એ ચાલતો ચાલતો જગતપાલની કાર પાસેથી પસાર થઈ ગયો. અંધારા અને વરસાદના કારણે એ કાર અને કારમાં બેઠેલા જગતપાલને જોઈ શકયો નહિ.
જગતપાલે સત્યજીતને થોડેક આગળ સુધી જવા દીધો. પછી કારની લાઈટ ચાલુ કરીને કારને સ્ટાર્ટ કરી દીધી. કારને સત્યજીતની બિલકુલ નજીક લઈ જઈને બોલ્યો, 'ઓહ !સત્યજીતસાહેબ ! આવી જાવ, હું તમને ઘરે મૂકી દઉં.'
'ઓહ, જગતપાલ ! ખરા સમયે તમે અહીં આવ્યા છો. આવા વરસાદમાં મારે કોઈની મદદની જરૃર હતી જ !'
કહેતાં સત્યજીતે કારનો દરવાજો ખોલ્યો અને એમાં બેસી ગયો. કોઈએ એને જોયો નહિ. જગતપાલે વરસતા વરસાદમાં કારને સડસડાટ દોડાવી મૂકી.
'હું ઘરે જઈ રહ્યો હતો.' જગતપાલ બોલ્યો, 'મેં ટ્રેન આવતાં જોઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે આજે રવિવાર છે, અને તમે આ જ ટ્રેનમાં હશો. એટલે મેં વિચાર્યું કે તમને પણ સાથે લઈ જાઉં.'
'તમારો ખૂબ ખૂબ આભાર.' સત્યજીત બોલ્યો.
'હકીકતમાં વાત એમ છે ને કે...' જગતપાલે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, 'એમાં મારો સ્વાર્થ હતો. હું એક કામ અંગે તમારી સાથે વાતચીત કરવા માગું છું...'
'મારું માનવું છે કે એ કામની વાત આપણે કાલે કરીએ તો કેમ ?'
'ના, એવું નહિ બની શકે.' જગતપાલે કહ્યું, 'કારણ કે એ કામ આપણા ટ્રસ્ટ બાબતનું જ છે.'
'ઓહ, હા,મેં ગયા અઠવાડિયે ટ્રસ્ટની ફાઈલો મને સોંપી દેવા માટે તમને લખ્યું હતું. એ જ બાબતમાં ને ?'
'હા, તમે લખ્યું હતું, પણ હેમેન્દ્ર અત્યારે પરદેશ ગયો હોવાના કારણે હું એ ફાઈલો તમને સોંપી શકું એમ નથી.'
'જુઓ જગતપાલ, હું ખૂબ જ સારી રીતે જાણું છું કે હેમેન્દ્ર સાથે એ ફાઈલોને કંઈ લેવાદેવા નથી. તમે સીધેસીધું એમ કેમ નથી કહેતા કે તમારે એ ફાઈલો મને સોંપવી નથી ?'
'જુઓ મિ. સત્યજીત ! મારે તમને એ ફાઈલો સોંપી તો દેવાની જ છે. પણ એ માટે મને ત્રણ મહિનાનો સમય જોઈએ છે.'
'ના, જગતપાલ ! એવું નહિ બને. મારી પણ અમુક મજબૂરીઓ છે. તમારે એ ફાઈલો મને આપી જ દેવી પડશે.'
'હું આપવાની કયાં ના પાડું છું ? પણ થોડોક સમય...હું તમને ખૂબ જ વિનંતી સાથે કહું છું. તમે થોડોક સમય રોકાઈ જાવ. રોકાઈ જવાનું કારણ પણ તમે ખૂબ જ સારી રીતે જાણો છો.'
'હા-હા, ખૂબ જ સારી રીતે જાણું છું. તમે કરેલા બધા ગોટાળા બાબતમાં હવે બધું સરખું કરવા માગો છો. પણ હું એવું નહિ થવા દઉં. મને લાગે છે કે હું તમારી કારમાં પણ ખોટો જ બેઠો છું. મહેરબાની કરીને મને અહીં ઉતારી દો.'
કહેતાં સત્યજીતે કારનો દરવાજો ખોલવા માટે દરવાજાનું હેન્ડલ ઘુમાવ્યું, અને એ સાથે જ જગતપાલે ચાલુ કારે એક હાથથી સત્યજીતના પાછળના ભાગેથી કોલર પકડીને એને જોરથી ખેંચ્યો. અને એક જોરદાર બ્રેક મારીને કાર ત્યાં જ ઊભી કરી દીધી. કાર ઊભી રહી કે એણે કારની પાછળની સીટ પર મૂકેલી સાંકળ ખેંચી લીધી. અને સાંકળને સત્યજીતની ગરદનમાં ફસાવીને એની ગરદન સાંકળ સાથે ખેંચવા લાગ્યો.
આ બધું અચાનક બની ગયું હોવાના કારણે સત્યજીત પોતાનો સહેજપણ બચાવ કરી શકયો નહિ. એણે પોતાની ગરદન ફરતે ફસાયેલી સાંકળને દૂર કરવા માટે સાંકળ પકડવાની કોશિશ કરી, પણ એની ગરદનમાં જાણે સાંકળ એ રીતે ઊતરી ગઈ હતી કે સાંકળ એની આંગળીઓમાં પકડાતી નહોતી. એ દરમિયાન જગતપાલે ગરદન ફરતે સાંકળની તાણ વધારી દીધી અને થોડીક જ પળોમાં તો સત્યજીતની આંખોના ડોળા બહાર નીકળી આવ્યા હતા અને ગરદન છોલાવવાના કારણે ત્યાંથી લોહી પણ નીકળવા માંડયું હતું.
જગતપાલે જ્યારે જોયું કે સત્યજીતે હાથ-પગ પછાડવાના બંધ કરી દીધા છે અને એનું શરીર ઠંડું પડી ગયું છે ત્યારે એણે સાંકળની પકડ ઢીલી કરી નાખી. સાંકળને એમને એમ રહેવા દઈને એણે ખિસ્સામાંથી રૃમાલ કાઢીને પોતાના ચહેરા પરનો પરસેવો લૂછી નાખ્યો.
સત્યજીતને મારી નાખવાની પોતે બધી તૈયારી કરીને આવ્યો હતો, એટલે અત્યારે એના ચહેરા પર જોઈએ એટલો ગભરાટ તો નહોતો. છતાંય સત્યજીતની હત્યા કરતા પોતાને કોઈ જોઈ તો નથી ગયું ને એ જોવા માટે એણે રાતના અંધકારમાં ચારેય તરફ નજર દોડાવી લીધી. છેક આગળના ચાર રસ્તા સુધી સન્નાટો છવાયેલો હતો. આટલી મોડી રાતે ધોધમાર વરસતા વરસાદમાં કોણ બહાર નીકળે ?
જગતપાલ સામે હવે સત્યજીતની લાશ ઠેકાણે પાડવાની મૂંઝવણ હતી. જોકે, એણે આ માટે અગાઉથી વિચારીને જ રાખ્યું હતું.
જગતપાલે લાશના ઘૂંટણિયેથી વળી ગયેલા પગને સીધા કર્યા. જેથી કરીને લાશને સીટ પર બરાબર લેટાવી શકાય. એણે પોતાના ચહેરા પરનો પરસેવો લૂછી નાખ્યો અને ફરી કારની અંદરથી ચારેય તરફ નજર દોડાવી લીધી. હજુ સુધી કોઈ વાહન સુદ્ધાં આ તરફથી પસાર નહોતું થયું.
થોડોક રાહતનો દમ લઈને એણે કાર સ્ટાર્ટ કરી અને ગિયરમાં નાખીને કારને પૂરપાટ દોડાવી મૂકી. એણે લાશને ઠેકાણે લગાવવા માટે શહેરથી દૂર જે નદીકિનારે નક્કી કર્યો હતો એ અગાઉ લગભગ પંદરેક કિલોમીટર દૂર હતો. વરસાદ પૂરજોશમાં હતો. વીજળીના કડાકા વચ્ચે ચમકતા લિસોટામાં સત્યજીતની ડોળા નીકળેલી લાશ સાફ દેખાઈ આવતી હતી.
આટલા સખત વરસાદમાં પણ જગતપાલ કારને પૂરપાટ દોડાવી રહ્યો હતો. આગળના કાચને એ વારેઘડીએ રૃમાલથી સાફ કરતો જતો હતો. કાચની આરપાર જોવામાં એને ખૂબ જ તકલીફ પડતી હતી. બહાર કારની હેડલાઈટમાં એને સડક ધૂંધળી ધૂંધળી દેખાતી હતી. કારના વાઈપર કાચ પરના વરસાદના પાણીને દૂર કરવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યા હતા. સડક એકદમ અંધારી અને સૂમસામ હતી. શહેર છોડીને કાર હવે હાઈવે પર આવી ચૂકી હતી. વરસાદના કારણે હજુ જગતપાલને સામે કોઈ વાહન મળ્યું નહોતું. કાર ચલાવતા ચલાવતા જગતપાલ વચ્ચે વચ્ચે સત્યજીતની લાશ તરફ જોઈ લેતો હતો.
લગભગ દસેક મિનિટ સુધી કાર ચાલ્યા પછી જગતપાલે હાઈવે છોડીને એ ઢાળ પર કારને ઉતારીને એ કાચા રસ્તે કાર આગળ વધારી. પાંચેક મિનિટનો કાચો રસ્તો પસાર કર્યા પછી કાર એ નદીકિનારે આવીને ઊભી રહી.
વરસાદ થોડો ધીમો પડયો હતો. એ સાથે જ જોરદાર સૂસવાટા મારતો પવન જાણે વરસાદના છાંટાને એક તરફ ખેંચી જતો હતો. નદીકિનારે દેડકાંઓનો ટરર....ટરર...અવાજ ભયાનક સન્નાટાને વધુ ભયાનક બનાવી રહ્યો હતો.
જગતપાલ કારનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો. બહાર ચારેય તરફ નજર દોડાવીને એણે જોઈ લીધું. એ પછી એ પોતાની સીટ પાસેથી સામેની સીટ તરફ ગયો. એ તરફનો દરવાજો ખોલતાં જ લાશ એની તરફ ઝૂકી ગઈ. સાંકળ વીંટળાયેલી લાશને ઊંચકીને જગતપાલ કારથી થોડેક દૂર લઈ ગયો. ત્યાં ભીની માટી પર લાશને મૂકીને એ કારમાંથી એક પછી લોખંડના બધા જ વજનદાર ટુકડા લઈ આવ્યો. એ લોખંડના મોટા ટુકડા એણે સાંકળ સાથે બાંધી દીધા અને થોડાંક લોખંડના ટુકડા સત્યજીતની પેન્ટના ખિસ્સામાં ઠસાવી દીધા.
હવે જગતપાલ લાશને પોતાના ખભા પર ઉઠાવવાની કોશિશ કરી, જેથી કરીને એ નદીકિનારે જઈને પાણીમાં ફેંકી શકે.
પણ સત્યજીતની વજનદાર લાશ જગતપાલથી ઊંચકાઈ નહિ. આથી જગતપાલને એક બીજી યુક્તિ સૂઝી. એણે લાશને પીઠ પાછળ ઘઉંની બોરીની જેમ ગોઠવીને લાશના બન્ને હાથ પકડીને લાશને પોતાની પીઠ પાછળ એ રીતે ઉપાડી લીધી કે જાણે કોઈ મજૂર ઘઉંની બોરી ઊંચકીને જતો હોય. એમ કરવામાં લાશના બન્ને હાથ એની ગરદન ફરતે આવી ગયા હતા. પછી એ ધીરે-ધીરે ચાલવા લાગ્યો. પણ ચાલવામાં એને ખૂબ તકલીફ પડતી હતી. વળી આવું કરવાથી લાશ સાથે બંધાયેલી સાંકળ એની ગરદન પાસે ગૂંચળું વળી ગઈ હોવાના કારણે એને ગૂંગળામણ જેવું પણ લાગતું હતું. એક તો વજનદાર લોખંડના ટુકડાના કારણે વજનદાર લાશ અને એમાં વળી આ હાલત, એટલે જગતપાલ વરસતા વરસાદમાં પણ એકદમ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.
નદીકિનારો આવતાં જ એણે જોયું કે ત્યાં તો કાદવ ખૂબ જ પ્રમાણમાં હતો. એના પગ છેક ઘૂંટણ સુધી કાદવમાં ખૂંપી ગયા. લાશના પગ પણ કાદવને સાથે લઈને ઢસડાઈ રહ્યા હતા. છતાંય જેમ તેમ કરીને જગતપાલ નદીકિનારે પહોંચી ગયો.
ત્યાં એ થોડીક પળો સુધી એમને એમ રોકાયો, અને પછી એક તરફ ઝૂકીને એણે લાશને પીઠ પરથી નીચે પટકવા માટે એક ઝટકો આપ્યો. પણ લાશ એની પીઠ પરથી નીચે ન પડી. એણે પોતાની ગરદન ફરતે વીંટળાયેલા લાશના હાથ અલગ કરવાની કોશિશ કરી, પણ હાથ એ જ રીતે વીંટળાયેલા રહ્યા. એ લાશના હાથની પકકડ ઢીલી ન કરી શકયો. લાશ એના શરીર સાથે બહુ ખરાબ રીતે ચીપકી ગઈ હતી. આવું થવાથી જગતપાલ ઘડીકવાર માટે ફફડી ઊઠયો. લાશ એની પીઠ પર એ રીતે સવાર હતી કે જાણે એ કોઈ લાશ નહિ પણ જીવતી વ્યક્તિ હોય. લાશને પીઠ પરથી દૂર કરવા માટે એ ખૂબ ધમપછાડા કરીને થાકી ગયો હતો.
અંધારામાં એને બરાબર દેખાતું પણ નહોતું. વળી વરસાદ પણ ધોધમાર પડી રહ્યો હતો. અને એમાં ચીકણી માટીના કાદવના કારણે એ પરેશાન થઈ ઊઠયો હતો. લાશને ઠેકાણે પાડવા માટે આ જગ્યા પસંદ કરવા બદલ એને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. પણ હવે શું થાય ?
હિંમત કરીને જગતપાલ લાશને છેક પાણી પાસે લઈને પહોંચ્યો અને ત્યાં ચીપકી ગયેલી લાશ સાથે પોતે નીચે પછડાયો.
ધબાક....કરતાંકના અવાજ સાથે એ લાશ સાથે જ જબરી રીતે પછડાયો હતો. લાશ સાથે ગૂંચળું વળીને વીંટળાયેલી સાંકળ પણ એણે પોતાના શરીર પરથી દૂર કરવાની કોશિશ કરી, પણ એય એવી રીતે ગૂંચળું વળી ગઈ હતી કે હવે એના શરીરથી છૂટી પડતી નહોતી.
જગતપાલે પોતાના શરીર સાથે ચીપકી ગયેલી લાશને અહીં પણ છૂટી કરવાની ખૂબ કોશિશ કરી, પણ એ જેમ કોશિશ કરતો હતો એમ એમ એ ઊંડા કાદવમાં લાશની સાથે પોતે પણ ખૂંપતો જતો હતો. એ જેમ જેમ કાદવની બહાર નીકળવાની કોશિશ કરતો એમ એમ એ અંદર ઊતરતો જતો હતો. લાશ સાથે બંધાયેલા વજનદાર લોખંડના ટુકડાના કારણે સત્યજીતની લાશ અને જગતપાલ ખૂબ જ ઝડપથી કાદવમાં ઊંડા ને ઊંડા ખૂંપતા જતા હતા.
સત્યજીતની વજનદાર આખી લાશ હવે કાદવમાં ઊતરી ચૂકી હતી જ્યારે બચવા માટે તરફડિયાં મારતો જગતપાલ જોરજોરથી ચીસો પાડી રહ્યો હતો. પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને રાતના લગભગ ત્રણેક વાગ્યા હોવાના કારણે એની ચીસ કોઈ સાંભળી શકે એમ નહોતું. હવે જગતપાલ ચીકણા કાદવમાં હાથ-પગ પછાડવા સિવાય કંઈ જ કરી શકે એમ નહોતો. થોડીક પળો સુધી આખા જંગલમાં જગતપાલની મરણતોલ ચીસો સંભળાતી રહી અને પછી છેવટે બધું શાંત થઈ ગયું.
પોતે જેની હત્યા કરી હતી એ સત્યજીતની અકડાઈ ગયેલી લાશ છેવટે જગતપાલને પણ જીવતેજીવતો કાદવમાં લઈને ગરકાવ થઈ ગઈ.
નઝમા યુનુસ ગોલીબાર
૧૯૪૭ માં દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયો અને ૧૯૪૮ ની ૧પ મી ફેબ્રુઆરીના જામનગરમાં 'કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય' અસ્તિત્વમાં આવ્યું. બે દિવસમાં જ 'કાઠિયાવાડ' શબ્દ દૂર થયો અને 'સૌરાષ્ટ્ર રાજ્ય'નો આરંભ થયો. વહીવટી નજરે સૌરાષ્ટ્ર રાજ્યના પાંચ જિલ્લા હતાં, તેના નામ હાલાર જિલ્લો, ગોહિલવાડ જિલ્લો, ઝાલાવાડ, સોરઠ અને મધ્ય સૌરાષ્ટ્ર હતાં. આ પછી છેક ૧૯પ૯ માં સૌરાષ્ટ્રના જિલ્લાઓની પુનઃ રચના કરવામાં આવી અને 'હાલાર'ના બદલે 'જામનગર' નામ સ્વીકાર પામ્યું. આમ ૧૯પ૯ માં જે તે શહેરના નામ મુજબ જિલ્લાના નામ આવ્યા પણ માત્ર 'કચ્છ' જિલ્લાએ 'ભૂજ' નામ સ્વીકારવાની ના પાડી અને એની ભૌગોલિક સ્વતંત્રતાના કારણે 'કચ્છ' એવું અતિપ્રાચીન નામ આ જિલ્લા પૂરતું ચાલુ રહ્યું.
જામનગર જિલ્લામાં આરંભે દશ તાલુકા હતાં, તે ર૦૧૩ ના નૂતન વિભાજન મુજબ ચાર તાલુકાનો 'દેવભૂમિ દ્વારકા જિલ્લો' અસ્તિત્વમાં આવ્યો અને કુલ છ તાલુકાનો જામનગર જિલ્લો આજે છે. આ જિલ્લાના ગામનામનો વિચાર કરતા અનેકવિધ વિશિષ્ટતાઓ નજરમાં આવે છે! પ્રાચીનકાળના 'વદર'/'પાદર' જેવા ગામ નામો જામનગર જિલ્લામાં નથી. હા, જામજોધપુર તાલુકામં સમખાવા પૂરતું 'બુટાવદર' છે! બીજી બાજુ અર્વાચીન કહેવાય એવા 'રણજિતપરા' એકથી વધારે છે!
ખેર, સૌથી મોટી જિજ્ઞાસા ગામ નામો કેવી રીતે આવે છે તેના વિેશે છે. ગામ નામોની હાલ પ્રાપ્ત જુનામાં જુની ચર્ચા આપણા દેશના મહાન વૈયાકરણી પાણિનિએ પોતાના સુપ્રસિદ્ધ ગ્રન્થ 'અષ્ટાધ્યાયી'માં કરેલી છે. પાણિનિનો સમય આજથી બે-અઢી હજાર વર્ષ પૂર્વેનો છે. આપણા બીજા સુપ્રસિદ્ધ વિદ્વાન વાસુદેવશરણ અગ્રાવલે ૧૯પ૬ માં 'પાણિનિકાલીન ભારતવર્ષ' નામનો મહાન ગ્રન્થ આપ્યો. આ ગ્રન્થના બીજા અધ્યાયમાં મગધ, પાંચાલ, કુરૃ, ગાંધાર વગેરે જનપદોની ચર્ચા છે અને દરેક જનપદ નાના-મોટા નગર તથા ગામડા, નેસ વગેરેથી બનેલા હોવાનું જણાવી નગરના અને ગામના નામ કેવી રીતે આવ્યા તેની માહિતી છે.
પાણિનિ જણાવે છે કે ભૌગોલિક સ્થિતિ અનુસાર જે તે ગામ નામ આવેલા છે જેમ કે સામાન્ય સપાટ જમીનમાં થયેલા 'ગામ'ને 'આનક (આણા)' નામાંત લાગે છે. પશુપાલકોના રહેઠાણને 'ઘોષ, વ્રજ (નેસ)' કહે છે, ખેતીકામ કરનારનું ગામ 'ખેડ (ખેડા-ડા)' નામાંત છે. બે જનપદની વચ્ચે વસેલા ગામને 'ગર્ત' કહે છે. નાનું તળાવ અથવા ઘૂના ઉપર વસેલા ગામ માટે 'હિદ-ઓદ-દ)' નામાંત છે. નાની નદી કે વોંકળા ઉપરનું ગામ 'વહ-વાહ-વાસ' કહેવાય છે. આમ મોટાભાગના ગામ નામોનું વિશ્લેષણ પાણિનિમાં મળે છે.
સૌરાષ્ટ્રના ગામ નામોનો અભ્યાસ કરતા મોટાભાગના ગામ નામો 'વનસ્પતિ' આધારિત છે. 'વનસ્પતિ'માં મોટાવૃક્ષો અને ત્યાં થતા મુખ્ય પાકનો સંબંધ જોવા મળે છે. અન્ય ગામ નામો દેવી, દેવતા કે પિતૃ (આદિપુરુષ) ઉપરથી તેમજ ગાય, ભેંસ, કૂતરો જેવા પાલતુ પશુના નામ ઉપરથી પણ ગામ નામ આવેલા છે.
હવે જામનગર જિલ્લાનો વિચાર કરીએ તો એના કુલ છ તાલુકાઓમાં જામનગર અને કાલાવડ આ બે તાલુકા આશરે સો-સો ગામડાના છે, જ્યારે બાકીના ચાર તાલુકા સિત્તેર-એંશી ગામો ધરાવે છે. કુલ ગામ આશરે પાંચસો છે. આ ગામોનું પુરાતત્ત્વ સર્વેક્ષણ ૧૯૮૦-૮૩ માં થયેલું છે અને પાંચ-પાંચ હજાર વર્ષ પૂર્વેના સંખ્યાબંધ ટીંબા એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા દ્વારા નોંધાયેલા છે, જો કે એના અસલ ગામ નામ વિશે સ્પષ્ટતા મળતી નથી. જામનગર જિલ્લાનું અતિ વ્યાપક સર્વેક્ષણ સૌરાષ્ટ્રના જાણીતા પુરાતત્ત્વવિદ્ પી.પી. પંડ્યા દ્વારા થયેલું છે, તેઓ ૧૯પ૦ માં લખોટા મ્યુઝિય, જામનગરના ક્યુરેટર હતાં અને જામનગર પાસેના વસઈ ગામનું ખોદકામ કરીને તેને સિન્ધુ સભ્યતાનું (હડપ્પા, મોહેજોદડો સંબંધી) ગામ જાહેર કરેલું. આ પછી સસોઈ નદીના મુખ પાસેના આમરા વગેરે ગામો પણ પાંચ-પાંચ વર્ષ જુના ગામો સિદ્ધ થયેલા.
આમરા, વસઈ, લાખાબાવળ જેવા અતિ પ્રાચીન ગામો જામનગર જિલ્લામાં છે. તેમ વિભાપર, સતાપર, જશાપર, ધ્રોળ વગેરે સોળમી સદીથી જામનગરના જાડેજા વંશજના નામ ઉપરથી વસેલા ગામો પણ છે. એક વિશિષ્ટ ગામ નામ 'શીશાંગ' કાલાવડ તાલુકામાં છે! આ ગામમાં લૂણગૌરીનો એક પાળિયો નોંધાયેલો છે. ભાઈ પાછળ સતી થયેલી બહેનનો આ પાળિયો છે.
જામનગર જિલ્લામાં વનસ્પતિ આધારિત જે ગામો છે તે આ પ્રમાણે છેઃ ખીજડિયા, જાંબુડા, પીપળી, આંબરડી, વડિયા, વડવાળા, વાંસજાળિયા, ટીંબડી, લીંબુડા, દેકડ, કાલાવડ, ખારચિયા, ગુંદા વગેરે. અહીં ખીજડો, જાંબુ, પીપર, વડ, ખાખરો, ગુંદી જેવા વૃક્ષો અનુમાની શકાય છે. જામનગર જિલ્લામાં 'આંબલી' વધારે લોકપ્રિય અથવા સર્વત્ર ઉગતું ઝાડ લાગે છે. જુઓ, કેટલી આંબરડી છેઃ આંબરડી જામ, આંબરડી ભૂપત, આંબરડી દેરી, આંબરડી મેઘપર, આંબરડી-મેવાસા વગેરે. દેવતા કરતા દેવી (માતાજી) સંબંધી ગામ નામો અહીં વધારે જણાય છે. જામનગર એટલે આશાપુરા તો છે જ, તે ઉપરાંત ખીમેલ-ક્ષેમેલ માતા ઉપરથી ખીમરાણા, ચાવંડ-ચામુંડા ઉપરથી ચાવડા, કાળકા-લોંઠી ઉપરથી લોંઠિયા, બાલવી અને ચૂર માતા સાથે બાલવા અને ચૂર, પીઠડ- પીઠડિયા, હર્ષદ-હર્ષદપુર વગેરે.
આદિપુરુષ, પિતૃ, આગેવાન ઉપરથી આવેલા ગામ નામોમાં અલિયાજી અને બાડાજી (બે આગેવાન રાજસ્થાની ભાઈઓ) ઉપરથી 'અલિયાબાડા' મુખ્ય છે. લાખો ફૂલાણી કે લાખાજી ઉપરથી લાખાણી, મોડજીનું મોડપર તેમજ હરિપર, રામપર, ખેંગારપર વગેરે પાછળ હરિ, રામ, ખેંગાર અનુમાની શકાય છે. પાલતું પશુ ઉપરથી 'રોઝી બેડ' અને જામજોધપુર પાસે બોચિયા કૂતરા ઉપરથી 'બોચવડી નેસ' હાલ નજરમાં આવે છે. હડિયાણા જેવા ગામ નામો પાછળ નાગકથાઓ સાંભળવા મળે છે. જામનગર પાસેનું 'નાગના' પણ નાગદેવતા ઉપરથી આવેલું ગામ નામ છે. આજથી પંદર-વીસ વર્ષ પૂર્વે 'નોબત'ના પાના ઉપર જ 'જામવિમર્શ' નામની લેખમાળા શરૃ કરેલી ત્યારે આખો જામપંથક નાગદેવતા સંબંધી ગામ નામો ધરાવતો હોવાનું અનુમાન કરેલું. ત્યારે હયાત જામનગરના ઈતિહાસ લેખક હરકિસનભાઈ જોષીએ નાગડા વજીરની વાત કરેલી. ખુદ ભૂજિયો કોઠો અને નાગેશ્વર મંદિર, નાગદેવતાનો સંદર્ભ ધરાવે છે. જામનગરની એક ઓળખાણ 'નાગનેસ' અને 'નાગણી' તરીકેની છે. નાગમતી અને રંગમતીમાં જો 'નાગ' સ્વીકારો તો 'રંગ'નો અર્થ કેમ બેસાડશો? આ અને આવા પ્રશ્નો નાગની ઐતિહાસિક્તા વિશે છે. આના વિશે હજુ વધુ ઊંડા ઉતરીને સંશોધનો થવા ઘટે.
છેલ્લે એક નોંધઃ પાણિનિ આપે છે તે 'આનક' જામનગર જિલ્લાના કેટલા ગામ નામોમાં મળે છે? જુઓ, 'ખીમરાણા-અહીં ખીમરાનું અથવા ખેમલમાતાનું સ્થાન તે ખીમરાણા' એમ સમજાય છે. સંસ્કૃતમાં 'આનક' ગામવાચક શબ્દ છે, તેનું તદ્ભવ 'આણા' થાય છે. 'ખીમરાણા'માં 'ખીમર પ્લસ આણા' છે (ર + આ = રા) ગુજરાતના સુપ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી હરિલ્લભ ભાયાણીએ આપણા ગામ નામોની ભાષાગત ચર્ચા કરી છે. ભોગીલાલ આંડેસરાએ છેક ૧૯૪ર માં 'ગુજરાતના શહેરો અને ગામોના નામ' વિશે સ્વતંત્ર પુસ્તક આપ્યું છે. સાંડેસરા દ્વારા 'ગુજરાત સ્થળ નામ સંસદ'ની સ્થાપના થયેલી અને જુદા જુદા વિદ્વાનો દ્વારા વડોદરા, ખંભાત વગેરે શહેરોના નામો વિશે વ્યાખ્યાનો થયેલા, જામનગર તો ઠીક, આ સંસદમાં સૌરાષ્ટ્રના સ્થળ નામો વિશે પણ એકેય વ્યાખ્યાન થયેલું નહિં!
આનક (આણા) વાળા ગામોમાં મકવાણા, મોખાણા, સચાણા, ગજણા, ગોવાણા, નંદાણા, નરમાણા જેવા ગામ નામો 'આનક' ગામના માંત ધરાવે છે અને ભાષાની દૃષ્ટિએ હજાર વર્ષ જુના ગામો છે. સંસ્કૃતમાં જે પદ્ર અને વદ્ર છે તે ગુજરાતીમાં 'પાદર' અને 'વદર' બનેલ છે. જામનગર જિલ્લામાં 'બેરજા' નામના ગામોની સંખ્યા વિશેષ છે. 'બેરજા' પાછળ 'દ્વિભૂજ' (બે નદી કે વોંકળાઓનો સંગમ) અનુમાની શકાય છે. આ ગામો પણ હજાર વર્ષ જુના છે, અને નાની-મોટી ફૂલઝરના સંગમ ઉપર વસેલું 'બેરજા' દક્ષિણ ભારતની આચાર્યાશ્રી રાજાનુજના આરાધ્યા દેવ શ્રીરંગમ્ (લક્ષ્મીનારાયણ) ની પરંપરામાં છે અને સૌરાષ્ટ્રનું સૌથી જુનું લક્ષ્મીનારાયણ મંદિર ધરાવે છે.
પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીમદ્ વલ્લભાચાર્યજી-શ્રીમહાપ્રભુજી કુલ ત્રણવાર દ્વારકાની યાત્રાએ આવેલ છે અને ત્રણેય વખતે જુદા જુદા માર્ગથી દ્વારકા પધારેલ છે. જીવનના છેલ્લા ત્રીસ વર્ષમાં આપશ્રી સૌરાષ્ટ્રમાં પધાર્યા છે અને તે વખતના યાત્રા માર્ગના ગામ નામોની નોંધ તેમના દિગ્વિજય ગ્રન્થો અને 'સંપ્રદાય કલ્પદ્રુમ'માં મળે છે. શ્રી વલ્લભ મોરબીથી જામનગર જિલ્લામાં પ્રવેશ્યા છે. મોરબીમાં ૧પ૦૦ કથા કરી છે અને બેઠકની સ્થાપના થઈ છે. આ સમયે 'જામનગર'ની સ્થાપના થઈ નથી એટલે નાગના (નવાનગર) માં કથા થઈ છે અને બેઠકની સ્થાપના થઈ છે. નવાનગર પછી યાત્રા ખંભાળિયામાં પ્રવેશી છે, જે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લો છે અને દ્વારકા-બેટથી યાત્રા કચ્છમાં ઉતરી ગઈ છે. આ સમયના ગામ નામોની વિગત સ્વતંત્ર લેખની અપેક્ષા રાખે છે.
આપણા યુવા સંશોધકો આ દિશામાં શોધખોળ કરે એવી નવા વર્ષની શુભકામના સાથે...
નરોત્તમ પલાણ
વિચિત્ર લાગે છે ને આ શીર્ષક? થોડા સમય પહેલાં મારો એક ટ્રેનીંગ પ્રોગ્રામ દિલ્હીમાં પતાવીને ટ્રેનના ૧ ના ડબ્બામાં આરામથી લેપટોપ ઉપર કામ કરતો હતો. સવારના સાડા ચાર વાગેલા. કડકડતી ઠંડી અને આબુ રોડ સ્ટેશન આવ્યું. સ્ટેશન ઉપર આવી ઠંડીમાં નિરવ શાંતિ હતી. રાજધાની ટ્રેન કોઈ જગ્યાએ બહુ ઊભી નથી રહેતી. પણ ૨૦ મિનિટ થયા છતાં ટ્રેન હજી ઊભી હતી. હું સ્હેજ બહાર નીકળ્યો તો જાણવા મળ્યું કે ટેકનિકલ ખામી છે અને હજી ૧૫-૨૦ મિનિટ મોડું થશે. ત્યાં એક આધેડ ઉંમરના કાકા કોફી વેચવા નીકળ્યા...મને કહે, ગરમ કોફી યા ચાય પીઓ... ઠંડી મેં મજ્જો આયેગો! મેં કહ્યું આપો ત્યારે... પહેલો ઘૂંટડો પીધો તો કોફી સાવ ઠંડી લાગી. એટલે મેં એની ભાષામાં જ કહ્યું, ચાચાજી, આપ તો કહતે થે કી મજ્જો આયેગો..મુજે તો બિલકુલ નહીં આયો! આ માણસે મને જે જવાબ આપ્યો એ મારી ૩૬ વર્ષની ટ્રેનિંગનાં સરવાળા કરતાં પણ ખૂબ મોટો હતો! આ કાકા મને કહે, સાહબ, મજ્જો આયો નહીં જાતો, લાયો જાતો હૈ!... કહીને કાકા આગળ ચાલવા માંડ્યા. હું તો એને જાતા જોઈ જ રહ્યો. કેટલી મોટી વાત શીખવાડી ગયો આ અભણ માણસ! ડબ્બામાં પાછો આવીને કાકાનો આ જવાબ મેં ડાયરીમાં લખ્યો મજ્જો આયો નહીં જાતો, લાયો જાતો હૈ!... અને આ દિવાળીએ આના ઉપર જ 'નોબત' માં લેખ લખવો એમ નક્કી કર્યું!
પ્રશ્ન એ છે કે તમે જિંદગી વિશે શું માનો છો? તમને તમારી જિંદગીથી સંતોષ છે? તમને જિંદગી જીવવાની મજા આવે છે? આવા સવાલના તમે શું જવાબ આપો? આપણી આ એક જ જિંદગીના પણ અનેક પડાવો હોય છે. દસ વર્ષે બાળકને જિંદગી જુદી લાગતી હોય છે. વીસ વર્ષે આંખોમાં અનેક સપનાંઓ અંજાયેલાં હોય છે.
ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ...માં બર્થ ડે ઊજવાતા રહે છે અને જિંદગી ઘટતી રહે છે. જિંદગીની સૌથી મોટી સમસ્યા જો કોઇ હોય તો તે એ છે કે, જિંદગી જ્યારે સરખી સમજાવા લાગે ત્યાં તો એ અડધી પૂરી થઇ ગઇ હોય છે! માણસ છેક સુધી જિંદગીને સેટલ કરવા મથતો જ રહે છે. જરાક એવું લાગે કે, હવે જવાબદારીમાંથી મુક્ત થયા છીએ ત્યાં વળી કંઇક નવું સામે આવીને ઊભું રહી જાય છે. આપણે નસીબ, લક, તકદીર, ડેસ્ટિની જેવી વાતો કરીને ક્યારેક સાંત્વના તો ક્યારેક સહાનુભૂતિ મેળવતા રહીએ છીએ. દરેક માણસે દરેક પરિસ્થિતિમાં પોતાનાથી થઇ શકે એટલું બેસ્ટ કરવાના પ્રયાસો કર્યા હોય છે. ખૂબ મહેનત કર્યા પછી જ્યારે એવો વિચાર આવે છે કે, મારે જે જોઇતું હતું એ મને મળ્યું છે ખરું? જિંદગીના સવાલો સહેલા હોતા નથી અને જવાબો તો તેનાથી પણ અઘરા હોય છે.
સૌથી સુખી માણસ એ છે જેના મનમાં કોઇ ભાર નથી. મોટાભાગના લોકો કોઇ અફસોસ સાથે જીવતા હોય છે. કોઇને પોતાની જીવનસાથી સાથે ઇશ્યૂ છે, તો કોઇને પોતાનાં સંતાનો સાથે બનતું નથી. કોઇને મિત્ર હેરાન કરી ગયા છે, તો કોઇ સાથે દગો થયો છે. રિલેશનશિપ ક્રાઇસિસ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. માણસ આર્થિક ફટકો સહન કરી શકે છે. પણ માનસિક આઘાત પચાવી શકતો નથી. સૌથી મોટી વેદના પોતાના લોકો જ આપતા હોય છે. માણસ પોતે ધારતો હોય અને ઇચ્છતો હોય એમ જીવી શકતો નથી. એના કારણે ફરિયાદો જન્મે છે, પરિણામે જિંદગી વેડફાતી રહે છે.
પણ જિંદગી તો દરેક તબક્કે કંઇક શીખવતી જ હોય છે. આપણે એમાંથી કેટલું શીખીએ છીએ તે મહત્ત્વનું હોય છે. દુનિયામાં જેટલા મહાન માણસો થઇ ગયા છે એમણે જતી જિંદગીએ એવી જ વાત કરી છે કે, જિંદગીમાં ધનદોલત, સુખ સાહ્યબી અને સાધનો જરૃરી છે, પણ એ બધાં કરતાંયે વધુ મહત્ત્વનું કંઇ હોય તો એ છે પ્રેમ, સંબંધ અને સ્વાસ્થ્ય. જે લોકોને આ ત્રણ તત્ત્વો વહેલાં સમજાઇ જાય છે એ લોકો જિંદગી સારી રીતે જીવી શકે છે. ઘણાં લોકોને જિંદગી પૂરી થઇ જાય ત્યાં સુધી આવું બધું સમજાતું જ નથી. સમજ, ડહાપણ, આવડત, બુદ્ધિ અને જ્ઞાન સરવાળે એ જ સાબિત કરે છે કે, આપણને કેવું જીવતા આવડે છે? હમણાં જ આપણા દેશના રતને આપણને ટાટા કહી દીધું. તેમની જિંદગી દરેક માણસ માટે એક એવું ઉદાહરણ છે કે તમે ગમે તે મુકામે પહોંચી જાઓ, પણ તમારી માણસાઈને જીવંત રાખજો. ભારતના દરેક ધર્મના લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોય એવી બધાને લાગણી થઇ છે! અફસોસ એ વાતનો રહ્યો કે કોઈપણ રાજકીય પક્ષ એમની સિદ્ધિ બદલ એમને ભારત રત્ન ન આપી શક્યો! જો કે આવા રતનને અન્ય કોઈ રત્નની જરૃર હોય ખરી? પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ઘણો ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એને સમૃદ્ધિ કહેવાય. એ સુખ ક્યાંથી આવે છે? ચાર જગ્યાએથી આવે. પહેલી આવે શરીરની સમૃદ્ધિમાંથી એટલે કે સ્વાસ્થ્યમાંથી. બીમારી કે ઈજાથી મુક્ત હોવું તે. બીજી આવે સમયની સમૃદ્ધિમાંથી એટલે કે ઈચ્છા હોય તે, ઈચ્છા હોય ત્યારે, ઈચ્છા હોય તે રીતે કરવાની સ્વતંત્રતા. ત્રીજી આવે સામાજિક સમૃદ્ધિ એટલે કે સંબંધોમાંથી. શિક્ષણ, જીવનશૈલી કે વ્યવસાયથી પ્રતિષ્ઠા મેળવવી તે. અને ચોથી આવે નાણાકીય સમૃદ્ધિ કે પૈસામાંથી એટલે કે ભૌતિક ચીજવસ્તુમાંથી.
ભૌતિક સુખની અનુભૂતિ કરવા માટે આ ચાર અનિવાર્ય શરત છે. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે. જે દુર્લભ છે, જેની અછત છે એ સમૃદ્ધિ છે. એ અર્થમાં, તમારી પાસે પૈસો પુષ્કળ હોય, પણ શરીર અને મનના સુખનો અભાવ હોય, તો તમે ગરીબ છો.
જિંદગી વિશે એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને રાકેશ ઝુનઝુનવાલાએ જે વાત કરી છે એ સમજવા જેવી છે. સ્ટીવ જોબ્સને પેન્ક્રિયાઝનું કેન્સર ડિટેક્ટ થયું હતું. ડોક્ટરે તેમને કહી દીધું હતું કે, હવે તમારી પાસે માંડ ૫-૬ મહિના છે. સ્ટીવ જોબ્સે કહ્યું. આ મરવા માટેની તૈયારીનો સમય હતો. મારે ફેમિલીને કહી દેવાનું હતું કે, હવે હું જઇ રહ્યો છું. જે કંઇ વ્યવસ્થાઓ કરવાની હોય એ પૂરી કરવાની હતી. હું એક એવી બીમારીનો ભોગ બન્યો હતો જે લાઇલાજ હતી. તમે ગમે તે હોવ અને તમારી પાસે ગમે તેટલું હોય એનાથી કોઇ જ ફેર પડતો નથી એ વાત મને ત્યારે બરાબર સમજાઇ ગઇ હતી. મારી સારવાર દરમિયાન પેન્ક્રિયાઝના કેન્સરનું સ્ટેજ અને લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવાના હતા. લેબોરેટરીમાં જે ડોક્ટર ચેક કરતા હતા તેની આંખોમાં પણ ત્યારે આંસુ હતાં. જ્યારે એને ખબર પડી કે કેન્સર ઓપરેટ થઇ શકે એમ છે અને તબિયત સુધરી શકે એમ છે ત્યારે ઓપરેશન થયું અને હું સારો થયો. બીમારીના સમય દરમિયાન મને સમજાયું કે, મોત ગમે ત્યારે આવી શકે છે એટલે રોજ એવી રીતે જ જીવવાનું કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે. અઘરા સમયે જે તમારી સાથે હોય છે એ જ તમારા લોકો હોય છે, બાકીનું બધું જ ગૌણ થઇ જાય છે. જિંદગીની પ્રાયોરિટીઝ શું છે એના વિશે વિચાર કરીને જ આગળ વધવું જોઇએ. દરેક વ્યક્તિએ સમયને ઓળખવો જોઇએ, કારણ કે જિંદગીમાં એ સતત ઘટતો જતો હોય છે.
હવે રાકેશ ઝુનઝુનવાલાએ જે કહ્યું છે તેના પર નજર કરી લઇએ. ૪૦ હજાર કરોડની નેટવર્થ થઇ ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમને કેવું લાગે છે? તેમણે સરસ વાત કરી હતી કે, કેટલી સંપત્તિ છે એ મહત્ત્વનું છે જ નહીં, ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કેવી રીતે જીવો છો! મારી પાસે અત્યારે જે સંપત્તિ છે એના દશ ટકા જેટલી જ હોત તો પણ હું અત્યારે જીવું છું એમ જ જીવતો હોત. હું રહું છું એ જ ઘરમાં રહેતો હોત. રાકેશ ઝુનઝુનવાલાને સિગારેટ અને દારૃની આદત હતી. તેણે કહ્યું કે, મારે એમાં ધ્યાન રાખવાની જરૃર હતી. આદતો પડતા પડી જાય છે, પણ એ તમને બહુ હેરાન કરે છે. સ્વાસ્થ્ય સૌથી મોટી મૂડી છે એ સમજાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હોય છે. હું એનો પણ અફસોસ કરતો નથી. જિંદગી જીવવામાં માનું છું. રાકેશ ઝુનઝુનવાલાના નામે કેટલીય વાતો સોશિયલ મીડિયા પર ફરતી રહે છે. કેટલીક એવી વાતો છે કે જે તેમણે કરી પણ નથી, છતાંયે તેમના નામે ફરે છે. તેમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તમારા જીવનસાથી, તમારા પરિવારજનો અને તમારા મિત્રોને પ્રેમ કરો, એ જ તમારી જિંદગીને જીવવા જેવી બનાવે છે.
તમે અમેરિકન પૉપસ્ટાર માઈકલ જેક્સનનું નામ સાંભળ્યું હશે. ૨૦૦૯માં એનું અવસાન થયું ત્યારે એની નેટવર્થ ૫૦ કરોડ અમેરિકન ડૉલરની હતી. એ એક અશ્વેત મજદૂર પરિવારમાં જન્મ્યો હતો, પરંતુ વિટિલિગો નામની ચામડીની બીમારીને કારણે સફેદ થઈ ગયો હતો. ચામડીને તડકાથી બચાવવા માટે એ મેકઅપ અને સ્કિન-ક્રીમ લગાવતો હતો. માથામાં અને પીઠમાં ઈજા થઈ હોવાથી એ આજીવન પેઈનકિલર દવા પર રહેતો હતો. માઈકલને મૃત્યુનો સતત ડર લાગતો હતો. એને ૧૫૦ વર્ષ જીવવું હતું. મોત અને રોગને હાથતાળી આપવા માટે એણે શક્ય હોય એટલી ગોઠવણ કરી રાખી હતી. એ કોઈને હાથ મિલાવતી વખતે પણ ગ્લવ્ઝ પહેરતો હતો. પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરનું રોજેરોજ ધ્યાન રાખવા માટે એણે એકાદ ડઝન ડૉક્ટરોની એક ફોજ રાખી હતી. એનો ખોરાક લૅબોરેટરીમાં ટેસ્ટ થઈને એના ટેબલ પર આવતો હતો. શરીરને ચુસ્ત રાખવા માટે એની આસપાસ ૧૫ ટ્રેઈનર રહેતા. એ રોજ રાતે ઑક્સિજન-બેડ પર સૂતો હતો. બેડની ટેકનોલૉજી આખી રાત એના ઑક્સિજન સ્તરને સતત નિયંત્રિત કરતી હતી. એ નિયમિતપણે એવા લોકોને પૈસા દાનમાં આપતો, જેઓ ઈમરજન્સીમાં એને કિડની, ફેફસાં, આંખો, વગેરે દાનમાં આપી શકે. એણે એના નાક પર બે વખત સર્જરી કરાવી હતી. એણે ગાલમાં નકલી ખંજન પડાવ્યાં હતાં. એ ઉપરાંત, કપાળ, ગાલનાં હાડકાં અને હોઠ પર પણ સર્જરી કરાવી હતી. ડૉક્ટરોએ એની ચામડીને યુવાન રાખવા માટે બોટોક્સનાં ઈન્જેક્શન આપેલાં હતાં. જે માણસ ડૉક્ટર વગર ઘરની બહાર પગ પણ મૂકતો નહોતો એનું હૃદય ૨૫ જૂન, ૨૦૦૯ના અટકી ગયું ત્યારે એની આજુબાજુમાં ડઝન ડૉક્ટરો હતા. પચ્ચીસ વર્ષમાં એણે ડૉક્ટરોને પૂછ્યા વગર કશું ખાધું નહોતું. જીવનના છેલ્લા ૬૦ દિવસ એ ઊંઘ્યો નહોતો. એના મોત પછી લોહીમાંથી પ્રોપોફોલ અને બેન્ઝોડાયેઝેપાઈન નામની દવાનો હૅવી ડોઝ મળી આવ્યો હતો જે ઊંઘ માટેનો હેવી ડોઝ નિયમિતરૃપે લેતો હતો. એ ઉપરાંત, એન્ઝિઓલિટિક, મિડાઝોલમ, ડાઈઝેપામ, લિડોકેઈન અને ઈડ્રિન નામની દવાઓના અંશ પણ હતા. આ બધા મેડિકલ નામો છે જે ઊંઘ, હતાશા, ચિંતા, સ્નાયુ રિલેક્સન્ટ, આલ્કોહોલ ડિટોક્સિફિકેશન, સ્નાયુઓની તીવ્ર ખેંચાણ, ન્યુરોલોજીકલ વિકૃતિઓ માટે એ આ દવાઓ લેતો!. હવે જો પૈસો જ સુખ આપી શકતું હોત, તો ૫૦ કરોડ ડોલરના આસામીને ઊંઘ અને હતાશાની ગોળીઓ લેવી પડે??? પોસ્ટમોર્ટમ વખતે એનું શરીર તદ્દન હાડપિંજર બની ગયું હતું, વાળ ઊતરી ગયા હતા, પાંસળીનાં હાડકાં તૂટેલાં હતાં અને આખા શરીરમાં ૮૦ જેટલાં ઈન્જેક્શનનાં કાણાં હતાં. ૫૦ કરોડ ડોલરનો આસામી માઈકલ જેક્સન અત્યંત ધનવાન હતો, પણ મરી ગયો ત્યારે સાવ જ લાચાર અને ગરીબ હતો!!!
અમર, અકબર, એન્થની ફિલ્મમાં અમિતાભ બચ્ચન સોનાનાં બિસ્કિટ ભરેલી પેટી લઈને ભાગતા વિલન જીવનને કહે છેઃ એસા તો આદમી લાઈફ મેં દોઈચ ટાઈમ ભાગતા હૈ, યા તો ઑલિમ્પિક કા રેસ હો યા પુલીસ કા કેસ હો...! ફિલ્મમાં જીવન છતે પૈસે ભિખારી છે.
પૈસો પોતે સમૃદ્ધિ નથી. પૈસો સમૃદ્ધિનો માપદંડ છે. તમે ગર્લફ્રેન્ડને સ્વિત્ઝરલૅન્ડ ફરવા લઈ જાવ તો એના માટે બહુ પૈસા જોઈએ, પણ અસલી સમૃદ્ધિ તો ગર્લફ્રેન્ડ જ કહેવાય, પૈસા નહીં. ખિસ્સામાં સોનાના સિક્કા ભરેલા હોય, પણ જંગલમાં ભૂલા પડી ગયા હો તો મોબાઈલ ફોન, ટૉર્ચ કે દોસ્તનો સંગાથ સમૃદ્ધિ કહેવાય. આપણે જેમ તાપમાનને માપવા માટે સેલ્શિયસનો માપદંડ શોધ્યો હતો તેમ પૈસાની શોધ એટલા માટે કરી હતી, જેથી આપણી સ્કીલ અને ક્ષમતાને માપી શકાય. અસલી સમૃદ્ધિ પૈસા નથી, પૈસાથી આપણે શું કરીએ છીએ એ છે.
અર્થશાસ્ત્ર વિષયના ભીષ્મ પિતામહ આદમ સ્મિથ એક પ્રશ્ન વિદ્યાર્થીઓને અચૂક પૂછતાંઃ જીવન જીવવા માટે વધુ શું જરૃરી છે? ડાયમંડ કે પાણી? જવાબ તો પાણી જ છે ને! તો પછી પાણી કરતાં ડાયમંડ વધુ મોંઘો કેમ છે? પાણી વગર તો જીવી ન જ શકાય; જ્યારે ડાયમંડ તો માત્ર દેખાડા માટે જ છે! પણ જેની અછત હોય તે મોંઘુ હોય એટલે ડાયમંડ મોંઘો છે! કોઇપણ વસ્તુની માર્કેટ વેલ્યુ અને માણસજાત માટેની વેલ્યુ એ બંને અલગ અલગ બાબતો છે. ડાયમંડ દુર્લભ છે અને જ્વેલરી તરીકે એ આકર્ષક છે એટલે એની માર્કેટ વેલ્યુ ઊંચી છે. પણ એની વ્યાવહારિક ઉપયોગીતા લિમિટેડ છે અને માણસજાતની સુખાકારી માટે તો એની ઉપયોગીતા ઝીરો જ છે! એનાથી ઉલટું, પાણી જીવન જીવવા માટે અતિ આવશ્યક છે. પાણીની વ્યાવહારિક ઉપયોગીતા પણ અમર્યાદિત છે. પણ ડાયમંડની સરખામણીમાં એ આસાનીથી આખી દુનિયામાં મળે છે એટલે એની માર્કેટ વેલ્યુ સાવ ક્ષુલ્લક છે! સંપત્તિવાન અને સમૃદ્ધિવાનમાં આ જ ફેર છે. જેની પાસે કરોડોના ડાયમંડ હોય એ સંપત્તિવાન કહેવાય; પણ સમૃદ્ધિવાન પણ કહેવાય એ જરૃરી નથી. આથી ઉલટું, નાનકડા બાળક પાસે ખોબો ભરીને દરિયાના છીપલાં હોય તો એ સમૃદ્ધિવાન કહેવાય; ભલે સંપત્તિવાન ન કહેવાય.
જો કે એ વાત પણ સાચી છે કે, તમે કંઇક હોવ તો જ લોકો તમારો ભાવ પૂછે છે. ધ્યાન રાખવા જેવી વાત એ પણ છે કે, કંઇક બની ગયા પછી શું? આપણે ટોચ ઉપર હોઇએ અને એકલા હોઇએ તો એનો કોઇ જ અર્થ રહેતો નથી. એવા ઘણાં સફળ અને ધનાઢ્ય લોકો છે જે એકલતાથી પીડાય છે. જેની સાથે વાત કરવાવાળું કોઇ જ નથી. કેવી રીતે ટાઇમ પાસ કરવો એ એમના માટે સૌથી મોટો ઇશ્યૂ છે. જિંદગીનો કોઇ પણ તબક્કો હોય તમારી સાથે જેને પોતાનું કહી શકાય એવું કોઇ હોય તો એ પૂરતું છે. કોઇનો સાથ હશે તો સંઘર્ષ પણ સરળ રહેશે. જેટલી સફળ વ્યક્તિ છે એની જિંદગી પર પણ નજર નાખી જોજો, લગભગ તમામે એવું કહ્યું છે કે, મારા ફેમિલીના સાથે મારા માટે આ શક્ય બનાવ્યું છે. મૂલ્યો, સિદ્ધાંત અને સંસ્કાર એ જ છે જે આપણને આપણી અને આપણા લોકોની નજીક લઇ જાય. લોકો ધીમે ધીમે એકલા પડી રહ્યા છે, રિઅલ વર્લ્ડને બદલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં રાચવા લાગ્યા છે. જે નજીક છે એ દૂર ન થઇ જાય એની કાળજી રાખવાનો આ સમય છે. બાકી બધું મળી રહેશે, પણ પોતાની વ્યક્તિ અને થોડાક મિત્રો નહીં હોય તો જતી જિંદગીએ બધું વ્યર્થ લાગશે. માત્ર કામ, કેરિયર, સફળતા, પોપ્યુલારિટી અને સ્ટેટસ સારી જિંદગી માટે જરૃરી નથી, એ બધું તો જ એન્જોય કરી શકાશે જો આપણી પાસે આપણા લોકો અને આપણા મિત્રો હશે તો! માટે પોતાના લોકોને સમય અને સાથ આપો. કોઇનો હાથ હાથમાં હોય એ જરૃરી છે અને પાછળ વળીને જોઈએ ત્યારે થોડાક એવા ચહેરા પણ હોવા જોઇએ જે હોંકારો દેવા હાજર હોય! અસ્તુ! હેપ્પી હેપ્પી દિવાળી....
દિવાળીનું બોનસ
અપના અંજામ તો માલૂમ હૈ સબકો ફિર ભી
અપની નઝરો મેં હર ઇન્સાન સિકંદર ક્યૂં હૈ ...
- સુદર્શન ફાકિર
મનોજ શુક્લ
દિવાળી ભારતનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે. તે માત્ર દીવાઓનો તહેવાર જ નહીં, પણ આ તહેવાર બુરાઈ પર સચ્ચાઈની જીત, અંધકાર પર પ્રકાશ અને દુઃખ પર સુખના વિજયનું પ્રતીક છે. ઘરોને દીવાઓથી શણગારીને દિવાળી ઊજવવામાં આવે છે, ઘરનો તમામ કચરો, જૂના સામાન અને અન્ય ગંદકીની સફાઈ કરવામાં આવે છે. પરંતુ, દિવાળીની આ ભવ્ય સફાઈમાં આપણે ઘણીવાર પોતાના મન અને મનોબળની સફાઈ કરવાનું ભૂલી જઈએ છીએ. દિવાળી માત્ર ફિઝિકલ રીતે કચરો દૂર કરવાની જ વાર્તા નથી, તે મનનો કચરો સાફ કરવાનો પણ અવસર છે.
મનનો કચરો એટલે માનસિક બોજો, ખરાબ વિચારધારા, માઠા વિચારો, ભૂતકાળની તકલીફો અને કોઈક કિસ્સામાં તો અત્યંત માનસિક આઘાત. આ બધું જીવનમાં નકારાત્મકતા ફેલાવવાની સાથે માનસિક સ્વાસ્થ્યને નબળું કરે છે. શારીરિક સ્વાસ્થ્ય જેટલું મહત્ત્વનું છે, એટલું જ, કદાચ એ કરતાં પણ વધારે મહત્ત્વનું છે માનસિક સ્વાસ્થ્ય.
દિવાળી આપણી જીવનશૈલીમાં એક નવા પ્રારંભનું પ્રતીક છે. જોતાં કે દિવાળીનો તહેવાર ઘરની સફાઈ સાથે સંકળાયેલો છે, તે એક સીમાચિહ્ન બની શકે છે તે માટે કે આપણે મનની અંદર પણ એક આત્મમંથન અને સંસ્કારની સફાઈ કરીએ. ચાલો, આ દિવાળી ઉપર આજે આપણે કઈ રીતે પોતાના મનનો કચરો સાફ કરીને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવી શકીએ એ વિશે ચર્ચા કરીએ.
૧. ભૂતકાળને છોડીને ભવિષ્યનો સ્વીકાર
મનના કચરામાં સૌથી મોટો હિસ્સો છે ભૂતકાળની ચિંતાઓ અને એથી જોડાયેલા દુઃખદ અનુભવ. માનવ સ્વભાવ છે કે આપણે નકારાત્મક અનુભવોને લાંબા સમય સુધી સાથે રાખીએ છીએ. ભૂતકાળની નબળાઈઓને આટલું મહત્ત્વ આપવું વ્યાજબી નથી. તે નફરત, ગુસ્સો, અફસોસ કે દુઃખ પણ હોઈ શકે છે.
એક મનોચિકિત્સક તરીકે મારી સલાહ છે કે ભૂતકાળને છોડવું શીખવું જોઈએ. આ પ્રશ્નોનો પાયે મૂલ્યાંતર કરી, તેમાંથી શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. મનમાં જે આઘાત અને ગાંઠો પડ્યાં છે, તેમાંથી છૂટો પાડી મનને તાજું અને ખુલ્લું બનાવવું જોઈએ.
૨. માન્યતાઓનું મૂલ્યાંકન અને બદલાવ
આપણું મન ઘણાં કિસ્સાઓમાં પૌરાણિક ધારો, જૂની પરંપરાઓ અને પરિવારમાંથી મેળવેલી માન્યતાઓથી ઘેરાયેલું હોય છે. આ માન્યતાઓ કેટલાક પ્રસંગોમાં જરૃરી અને હકારાત્મક હોઈ શકે છે, પરંતુ ઘણીવાર તે આપણા માનસિક સ્વાસ્થ્યને બાધક બની શકે છે. મળવાની ઈચ્છા, બધું સાચું હોવું જોઈએ અથવા આવી ઘટનાઓ તો સાથે જ છે જેવી માન્યતાઓ ક્યારેક આપણને એક જહેરી ચક્રમાં ફસાવી દે છે.
દિવાળી દરમિયાન આપણી માન્યતાઓનું મૂલ્યાંકન કરવું જરૃરી છે. જે નકારાત્મક વિચારો અને માન્યતાઓ આપણને નુકસાન પહોંચાડે છે, તેમને બદલી શકીએ એવો પ્રયાસ કરવો જોઈએ. આવ્યું તે સારું છે અને મારી યાત્રા વિશિષ્ટ છે જેવા સકારાત્મક દૃષ્ટિકોણો અપનાવવાથી મનમાં ઊર્જાનો નવો સંચાર શરૃ થાય છે.
૩. મન ફ્રી થવા દોઃ મેડિટેશન અને પ્રાણાયામ
મનને ફ્રી અને તંદુરસ્ત બનાવવાનું એક શક્તિશાળી સાધન છે મેડિટેશન અને પ્રાણાયામ. આ નૈતિક અને આધ્યાત્મિક પ્રથા દ્વારા આપણે આપણા મનની અંદર શાંતિ અને સંતુલન મેળવી શકીએ છીએ. મેડિટેશન ન માત્ર આપણને માનસિક રીતે તંદુરસ્ત બનાવે છે, પરંતુ તે સ્ટ્રેસ અને ચિંતા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ મદદરૃપ છે.
પ્રણાયામ, એટલે કે શ્વાસ-પ્રશ્વાસની યોગ્ય પ્રક્રિયા દ્વારા, આપણે મનના તાણ અને નકારાત્મકતાઓને દૂર કરી શકીએ છીએ. આ નિયમિત અભ્યાસ દ્વારા મનમાં સંતુલન આવે છે, જેનો સીધો ફાયદો આપણાં માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.
૪. નકારાત્મકતાનો સમીક્ષાત્મક અભિગમ
અમે આપણા દૈનિક જીવનમાં ઘણીવાર નકારાત્મકતા સાથે સંકળાયેલા રહીએ છીએ. નકારાત્મકતાના સ્ત્રોતો ઘણીવાર નક્કી કરી શકાય છેઃ માઠા સંબંધો, ખરાબ સહચર્ય અથવા અત્યંત પડકારજનક પરિસ્થિતિઓ. નકારાત્મક સંદેશાઓને સતત પડકારવું આપણા સ્વાસ્થ્ય માટે જરૃરી છે.
આ દિવાળી, નકારાત્મક પરિસ્થિતિઓ અને વિચારોને સમીક્ષા કરવાનો સમય છે. નકારાત્મક વાતાવરણમાંથી દૂર થવું અને નવા સકારાત્મક દૃષ્ટિકોણ સાથે જવું, આપણા જીવનમાં નવું ઉર્જા ચક્ર ચલાવી શકે છે. જો આપણે આ પ્રક્રિયા નિયમિત કરીએ, તો આપણું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.
૫. માફીઃ અંતરાત્માની મેલને દૂર કરવી
માફી, એ મનના કચરાને દૂર કરવાની સૌથી શક્તિશાળી રીત છે. મનમાં કિનારાઓ ઊભી કરીને કસિયાળા અને દુખદ અનુભવોને જીવતા રાખવાની જગ્યાએ, તેમાંથી છૂટા થવા માટે માફી એક ઉત્તમ સાધન છે.
કોઈ વ્યક્તિએ આપણી સાથે ખરાબ વર્તાવ કર્યો હોય, તો તેનાથી છૂટા થવું, તે પરિસ્થિતિમાંથી ગતિશીલ રહેવું એ માનસિક શાંતિનો સૌથી મોટો માર્ગ છે. આ દિવાળી પર, તે વ્યક્તિઓ અને ઘટનાઓને માફ કરવું સખત હોવા છતાં, તે આપણા મનને હળવું કરી શકે છે.
૬. સોશિયલ મીડિયાથી દૂર થવું
આ દિવસોમાં, ટેકનોલોજી અને સોશિયલ મીડિયા આપણું મોટું સમય અને માનસિક ઉર્જા લે છે. સતત સમાચાર, જાહેરાતો અને સોશિયલ મીડિયા પરના ત્વરિત સંદેશાવ્યવહારથી માનસિક સ્તરે તાણ અને ચિંતા સર્જાય છે.
આ દિવાળી પર, આપણા માટે કોઈ ડિજિટલ ડિટોક્સનું આયોજન કરવું યોગ્ય રહેશે. પોતાના મનને ટીવી, સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ ઉપકરણોથી થોડા સમય માટે દૂર રાખવું એ મનની તાજગી માટે ખૂબ ઉપયોગી હોય છે. આથી મનને શાંતિ મળે છે અને એ તણાવને સરળતાથી દૂર કરી શકાય છે.
૭. સકારાત્મક બાંધણીઓ અને સંબંધોનું મૂલ્ય વધારવું
અન્ય લોકો સાથેના અમારા સંબંધો આપણા માનસિક સ્વાસ્થ્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક સંબંધો આપણા માટે ખૂબ જ મૂલ્યવાન હોય છે, પરંતુ કેટલાક સંબંધો એવા પણ હોય છે જે આપણને માનસિક રીતે નબળા પાડે છે.
આ દિવાળી, સંબંધોના મૂલ્યનું ચિંતન કરવા અને એ વ્યક્તિઓ સાથે સમય વિતાવવા પર ધ્યાન આપવું જોઈએ, જે આપણને પ્રોત્સાહિત કરે છે અને સકારાત્મક ઉર્જા આપે છે. સમર્થન અને પ્રેમ આપનારાઓ સાથેના સંવાદો માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.
૮. પ્રકૃતિ સાથેનું સમન્વય
પ્રકૃતિમાં પસાર કરેલો સમય આપણા મનને નવી શાંતિ અને અનંત ઉર્જા આપે છે. જ્યારે તમે બગીચામાં ચાલો છો, વૃક્ષો સાથે રહો છો, તે સમયે તમારી અંદરનો તાણ ગાયબ થવા લાગે છે. પ્રકૃતિ આપણા મનને તરોતાજા કરી તેને શાંતિમય બનાવે છે.
આ દિવાળી પ્રકૃતિ સાથે વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરો. કોઈ બાગમાં જાઓ, સૂરસૂર્યના પ્રકાશમાં ચાલો અથવા કોઈ પહાડ કે સમુદ્રકિનારા પર શાંતિથી બેસો. આ સરળ પ્રક્રિયાઓ આપણા મનના કચરાને સાફ કરીને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
૯. ધ્યાન અને સહાનુભૂતિ
આપણા આજના ઝડપથી ચાલતા જીવનમાં, બીજા લોકોની સાથે સહાનુભૂતિ અને સમજેવું પણ માનસિક સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. આપણે આપણા દુઃખમાં ફસાઈ જઈને ક્યારેક બીજાને સમજશું તે કોઈ બીજાના દુઃખને ઓળખવું ભૂલી જઈએ છીએ. સહાનુભૂતિનું વિકાસ ખૂબ મહત્ત્વનું છે, કારણ કે તે આપણે બીજા લોકોની સાથે સકારાત્મક અને ટેકો આપતા સંબંધો બાંધવા માટે મદદરૃપ થાય છે.
આ દિવાળી પર, ધ્યાન અને સહાનુભૂતિનો અભ્યાસ શરૃ કરી શકાય. જયારે તમે બીજાના સ્ત્રોતો અને તેમની પરિસ્થિતિને માનસિક રીતે સમજો છો, ત્યારે તમારા મનની નકારાત્મકતા ઓછી થાય છે. બીજાના દુઃખને જાણી અને તેમને મદદ કરવાથી આપણા જીવનમાં એક નવી દૃષ્ટિ અને આત્મસંતુષ્ટિ આવે છે.
૧૦. લક્ષ્યનિર્ધારણ અને જીવનમાં હેતુ
ક્યારેક આપણું જીવન બિનમૂલ્યક લાગવા લાગે છે, અને એ જ સમયે અમૂક લક્ષ્યો અને હેતુઓને અપનાવવો મહત્ત્વનો બની જાય છે. જીવનમાં હેતુઓ નક્કી કરીને અને તેમને પ્રાથમિકતા આપીને આપણે મોટો માનસિક કચરો દૂર કરી શકીએ છીએ.
જેમ ઘરની દિવાળી સફાઈમાં બધું જ છેક સુધી સમારકામ અને પુનઃવ્યવસ્થા કરવામાં આવે છે, એમ જ જીવનમાં પણ એ સુખદ પરિસ્થિતિઓ, ઈચ્છાઓ અને હેતુઓનું આયોજન કરવું જરૃરી છે. તમારા જીવનમાં નાના-મોટા લક્ષ્યો રાખીને એ તરફ દિશા નક્કી કરવી, તે માનસિક રીતે તમારા જીવનને સંતુલિત અને સંતોષમય બનાવે છે.
૧૧. સ્વસ્થ જીવનશૈલી અપનાવવી
આપણા માનસિક સ્વાસ્થ્યનું એક મોટું ભાગ શારીરિક સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે. સ્વસ્થ જીવનશૈલી, જેમાં યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતો આરામ અને યોગ્ય વ્યસ્તતા આવે છે, તે આપણા મનને સ્થિર અને મજબૂત બનાવે છે.
આ દિવાળી પર, એક નવો પ્રારંભ કરી શકાય છે, જેમાં નિયમિત વ્યાયામ, યોગ્ય આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલીને અપનાવી શકાય. આ વ્યવહાર તમારા માનસિક તણાવને ઘટાડવામાં મદદરૃપ થશે. પૂરો આરામ અને ઊંઘનું ધ્યાન રાખીને આપણે નવું ઊર્જા સ્તર પ્રાપ્ત કરી શકીએ છીએ.
૧૨. ગ્રેટિટ્યુડ
આભારી થવું એ માનસિક સ્વાસ્થ્ય માટે સૌથી મોટી ચાવી છે. જે આપણા જીવનમાં છે તે માટે આભારી થવું, નકારાત્મક લાગણીઓને દૂર કરી શકે છે. જો આપણે તે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે આપણને પ્રાપ્ત છે, તો આપણું મન ધીમે ધીમે સકારાત્મક તરફ દોરાય છે.
આ દિવાળી, ગ્રેટિટ્યુડનો અભ્યાસ શરૃ કરો. દરરોજ પોતાના જીવનમાં થયેલા સારા અનુભવોને યાદ કરો અને તેઓ માટે આભારી રહો. આ નાનું પગલું તમારા માનસિક સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે.
૧૩. પ્રોફેશનલ મદદ લેવી
ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે જ્યારે આપણે પોતે જ હલ શોધી શકતા નથી. તે સમયે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની મદદ લેવી પણ જરૃરી બની શકે છે. ઘણાં લોકો માનસિક સમસ્યાઓથી સંકળાયેલાં હોવા છતાં એ મુદ્દાઓને નજરઅંદાજ કરે છે. પરંતુ, ક્યારેક પ્રોફેશનલ મદદરુપ બની શકે છે અને તેનાથી આપણો માનસિક કચરો દૂર કરવામાં મદદ મળે છે.
જો તમે લાંબા સમયથી તાણ, ડિપ્રેશન, ચિંતા અથવા અન્ય કોઈ માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો વિનમ્રતા સાથે ટેરાપીસ્ટ અથવા કાઉન્સેલરના માર્ગદર્શનને અપનાવો. આ પ્રક્રિયા તમારા માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો કરશે.
૧૪. આંતરમુખી અભ્યાસ
આ દિવાળી, આંતરમુખી અભ્યાસ કરવો એ તમારા મનની સફાઈની દિશામાં મોટું પગલું છે. આંતરમુખી અભ્યાસ, એટલે કે સેલ્ફ-રિફ્લેક્શન, એ સમજવા માટેનો માર્ગ છે કે ક્યાં આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ અને આપણા વિચારોમાં શું ફેરફાર કરવા જરૃરી છે.
અંતરમુખી અભ્યાસ દ્વારા, આપણે આપણા વિચારો, લાગણીઓ અને કરાયેલા કર્મોનું નિખાલસ મૂલ્યાંકન કરી શકીએ છીએ. શું હું સાચા માર્ગે છું? શું મારા કેટલાક વિચારો અથવા પ્રવૃત્તિઓ મને ગેરમાર્ગે દોરી રહ્યા છે? આવા પ્રશ્નોના જવાબો આપણી માનસિક સ્વાસ્થ્યના સુધાર માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
૧૫. અન્યોને મદદ કરવાનો ઉત્સાહ
આ મનની સફાઈની પ્રક્રિયા દરમ્યાન, બીજાને મદદ કરવાનું પણ મનમાં શાંતિ લાવવાની અને આપણાં કચરાને સાફ કરવાની ઉત્તમ રીત છે. જ્યારે આપણે બીજાને સહાયતા કરીએ છીએ, ત્યારે તે ક્રિયા આપણને આંતરિક સંતોષ આપે છે અને અમે આપણાં દુઃખ અને સમસ્યાઓમાંથી નીકળવા સક્ષમ બને છે.
આ દિવાળી, કેટલાક નવું કરો. બીજાની સાથે તમારી સંપત્તિ અથવા સમયનો થોડો ભાગ વહેંચો. જરૃરિયાતમંદોને મદદ કરી, તેમને આનંદ આપો, અને એ આનંદથી તમારું મન વધુ હળવું અને ખુશ રહેશે.
૧૬. ટોક્સિક તત્ત્વો દૂર કરવા
આપણા જીવનમાં ટોક્સિક તત્ત્વો ઘણાં રૃપમાં આવી શકે છે, જેમ કે ખરાબ સાહસ, મફત સલાહો, નકારાત્મક લોકો, અને અપ્રામાણિક માહિતી. આવા તત્ત્વો આપણું જીવન તણાવ અને માનસિક ઉથલપાથલથી ભરેલા રાખે છે.
આ દિવાળી, ટોક્સિક પરિસ્થિતિઓ અને લોકો સાથેનો નાટકીય અંત લાવો. એવા લોકો કે પરિસ્થિતિઓથી દૂર રહો, જે તમારા માટે અનાવશ્યક બોજો બને છે. એવું કરવાથી તમારું મન હળવું બનશે અને વધુ સ્પષ્ટતાથી વિચારી શકશે.
૧૭. વિચારવા માટે સમય કાઢો
દિવાળીનો તહેવાર આપણા માટે માત્ર ઉત્સવ જ નહીં, પણ વિચારનું અવસર પણ છે. તહેવારની ઉજવણીમાં નફરત, અફસોસ, દુઃખ કે બિનજરૃરી ભાવનાઓને બહાર કાઢો અને તમારા જીવનમાં શું સારું ચાલે છે તે જાણવાનો પ્રયાસ કરો.
વિચારધારા કે માથા ખપાવવાનો સમય કાંઈક ઊંડાણપૂર્વકના પોતાનાં આત્મનિરીક્ષણ માટે આપી શકાય. કંઈક લખવા માટે, તમારા વિચારોને વ્યક્ત કરવા માટે અથવા તમારી જીવનયાત્રાના અમુક મોખરે આવેલાં વિઘ્નોને સમજવા માટે આ સમયે અંતર્મુખી વિચાર કરવાની ખૂબ જ જરૃર છે.
૧૮. માનસિક આરોગ્યમાં નિયમિતતા રાખવી
આમ તો દિવાળીની સાથે વ્યક્તિને નવા માર્ગ પર ચાલવાનો મોટો ઉત્સાહ મળે છે, પણ માનસિક આરોગ્ય માટે એક દિવસની સફાઈ પૂરતી નથી. રોજિંદા જીવનમાં સુધારાને અનુકૂળ બનાવવું, નિયમિત માનસિક પ્રેક્ટિસ અને સમયાંતરે આરોગ્ય તપાસ કરતાં રહેવું પણ અગત્યનું છે.
સફાઈની જેમ, માનસિક સ્વાસ્થ્યની સતત કાળજી રાખવી જરૃરી છે. રોજિંદા મનને તરોતાજા રાખવા માટે યોગ, મેડિટેશન અને માનસિક રીતે હકારાત્મક રહેવા માટે કશુંક નવું શીખવું ખૂબ જરૃરી છે.
આખરેઃ આ દિવાળી, નવા વિચારો અને ઉર્જાનો સ્વાગત કરો
આ દિવાળી પર, ફક્ત ફિઝિકલ અથવા બહારની દુનિયાની સફાઈને મહત્ત્વ આપશો નહીં. પોતાના મનની અંદર પણ કચરો સાફ કરો. ભરોસો, શક્તિ, સમર્પણ અને આશા સાથે આગળ વધો. દિવાળીનો મહાત્મ્ય માત્ર ઘર અને રસ્તાઓને ઝગમગાવતા દીવાઓમાં નથી, પરંતુ તે દૃષ્ટિકોણમાં છે, જે દરેક જણ પોતાના મનમાં પ્રગટાવી શકે છે.
માનસિક સ્વાસ્થ્યને ફક્ત સફાઈ સાથે નહીં, પરંતુ સુધાર, આરામ અને શાંતિ સાથે સંકળાયેલી એક યાત્રા માનો. આ યાત્રામાં તમે ભીતરની દરેક રંજકતા, નકારાત્મકતા અને માનસિક મેલને દૂર કરીને એક નવું, તાજું અને સુંદર જીવન શરૃ કરી શકશો.
આ દિવાળી, નવું ઉગી રહેલું પ્રકાશ તમારું માર્ગદર્શન બની રહે, અને તમે તમારી અંદરનો કચરો હંમેશાં માટે દૂર કરી સકારાત્મકતા અને શાંતિની નવી કિરણો પ્રગટાવશો.
આ દિવાળી, ફક્ત ઘરની જ નહીં, પણ મનની પણ સફાઈ કરવાની જરૃર છે. આપણું મન પણ એ ઘર જેવી જ જગ્યામાં વસે છે, જ્યાં નકારાત્મક વિચારધારા, ભૂતકાળના અનુભવ, અફસોસ અને તણાવનો કચરો સચવાઈ રહે છે. આ કચરો આપણે સતત દબાણમાં રાખે છે અને માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડે છે.
આ વખતે દિવાળી પર, મનને પણ અજમાવી તેમાંથી બિનજરૃરી અને નકારાત્મક ભાવનાઓને દૂર કરવા માટે સમય કાઢો. આ નવો ચમત્કારિક પ્રારંભ તમને શાંતિ, તાજગી અને તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્ય તરફ દોરી જશે.
જીવનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે શારીરિક સફાઈ જેટલી જ મહત્ત્વપૂર્ણ છે, તેટલી જ મનની પણ છે. મનની સફાઈ એ દિવાળીની સાચી ચમક છે. શારીરિક સફાઈ અને પરંપરાગત ઉજવણીનો મહત્તમ આનંદ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે આપણું મન પણ હળવું, સુખમય અને ચિંતાવિહીન હોય. આ દિવાળી, આપણે ફક્ત દીવાઓ જ નહીં, પરંતુ મનની અંદરનો પ્રકાશ પણ પ્રગટાવી શકીએ, જે જીવનમાં નવી આશા, શ્રદ્ધા અને સુખના કિરણો ફેલાવશે.
મનન ઠકરર
તુને હું એમ કઉ કે આપણી લખમી યાં રાજી ખુશીથી રયેસે, તુ ઇના સુખી સંસારમાં દવ લગાડમાં. એને તો શાંતિથી રહેવા દે!
લક્ષ્મી ભલેને સુખી હોય પણ અહીંયા વાલાની વહુએ તો આપણા સૌનું જીવતર હરામ કીધું એનું હું! કાયમના ઉપાડા લીધા સે, હવે લાંબુ નહીં હાલે હું તો કહું એ બલાને મેલી આવો ને આપણી લખમીને તેડી આવો એટલે શાંતિ થાય. કસ્તુર ડોસી દાંત ભીસતા બોલી.
સોરઠના નાનકડા ગામડાનો માલધારી પરિવાર નેસમાં રહે ને ગાડર બકરા ચારી ગુજરાન ચલાવે. સમાજના રિવાજ પ્રમાણે દેવરાજ ડોસાના દીકરા દીકરીના સગપણ સામસામે થયા એટલે પોતાની દીકરી લખમીને વાલા સાથે વળાવીને વાલાની બેન નાથીના પોતાના દીકરા લાખા સાથે લગ્ન કર્યા એટલે સામ સામે સગપણ કીધું. દીકરો લાખો તામશી સ્વભાવનો અને દારૂનો વ્યસની. આખો દિવસ કંઈ કામ કરે નહીં ને નાની નાની વાતમાં પત્ની નાથીને મારજૂડ કરી હેરાન પરેશાન કરે.
નાથી બિચારી ગભરૂબાઈ ધણી અને સાસુનો ત્રાસ મૂંગા મોઢે સહન કરે. એ આશાએ કે હમણાં પારણું બંધાશે ને બધા દુઃખ વયા જશે. એમ માની લાખા હારે રગડ થગડ લગ્ન સંસારનું ગાડું ગબડાવ્યે જતી.
સામા પક્ષે લખમીનો પતિ વાલો ખૂબ સંસ્કારી અને સારા સ્વભાવનો ને પ્રેમાળ. અને લખમી પણ ખૂબ જ ચારિત્રવાન અને સંસ્કારી હતી. પતિ પત્ની બંને એકબીજા માટે ખૂબ જ માન સન્માન અને પ્રેમ હતો. બંને ખૂબ જ સુખ શાંતિથી આનંદથી રહેતા હતા. વાલો તેની પત્ની લખમીને અનહદ પ્રેમ કરતો હતો.
તમને કહું! તમે લાખાભાઈને જરા સમજાવો કે ઈ શાંતિ રાખે, નાની નાની વાતમાં નાથીભાભીને હેરાન ના કરે! બિચારી એટલું સહન કરશે? એક દિવસ લખમીએ પોતાના પતિને કહ્યું.
હા એને મારી રીતે ઘણીવાર સમજાવ્યું પણ એનો તો સ્વભાવ એવો કે એ કોઈનું માને નઇ ને ઉપરથી કસ્તુર ફઇ પણ ઓછા ઉતરે એમ નથી. વાલાને બોલવાની તક મળતા બોલ્યો.
હા પણ કંઈક તો ઉકેલ લાવવો પડશે ને! આ રોજ રોજની રામાયણ થોડી કરાય. તમે ગામના પાંચ વડીલોને અને મુખીબાપાને લઈને જાવ ને કંઈક સમજાવો. લખમી ચિંતા કરતા બોલી.
હારુ આ અમાસ જાવા દે પછી કંઈક કરીએ.
ભલે,
તું મારા ઘરમાંથી બારી નીકર! તું મને જોતી જ નથી. એક રાતે લાખો દારૂ પીને ઘરે આવીને ધમાલ કરી નાથીને માર મારવા લાગ્યો.
હું થયું? શેની માથાકૂટ શે? લાખાની મા કસ્તૂરડોશી વચમાં દોડી આવતા બોલી.
માડી, આને તું સમજાવ! મારા ચાર પાંચ ભાઈબંધુ આવે સે અને મેં એને રોટલા ઘડવાનું કીધું ને આ ના પાડે સે તારા બાપનું છેતી ના પાડે છે તે? લાખો ક્રોધિત થઈ બોલ્યો.
મારા બાપનું નથી પણ તમે આમ દારૂ પીને મને હેરાન કરો છો કંઈક તો દયા કરો અને મેં રોટલાની ના ક્યાં પાડી છે મેં તો એમ કીધું કે રોટલા લઈને વાડીએ જતા રહેજો. અહીંયા નહીં. નાથી રડતા રડતા બોલી. જોયું ને માં? કેવી બોલે છે કે આયા નહીં, હું હવે તો આયા જ મારા ભાઈબંધોને બોલાવીશ અને બધા આયા જ ફરીમાં બેસી અને ખાટલો નાખીને દારૂ પીસુ. જા તારાથી થાય ઈ કરી લે ! લાખો દારૂના નશામાં ડોલતા બોલ્યો.
હવે તો આ ફાટલ બાઇને વેલેરી માવત્રે તગળ .. જીવતર હરામ કીધું સે બધાનું કોણ જાણે કયાં ચોઘડીએ આવી સે કોઈને શાંતિ જ લેવા દેતી નથી. કસ્તુર ડોસી દીકરાનું ઉપરાણું લેતા બોલી.
તમે માં દીકરો શાંતિ રાખો, ઈના ભૂલો કે આપણી દીકરી યે સામે દીધી છે એ દીકરીને જમાઈ કેમ રાખે છે ઈમાંથી કંઈક તો પાઠ ભણો! કોઈ દી રાવ આવી સે આપણી લખમીની? દેવરાજ ડોસો બંનેને સમજાવતા બોલ્યો.
તે રાવ ના જ આવે ને મારી લખમી છે કેવી હાવ બિચારી ગરીબડી ગાય જેવી, એના મોઢામાં તો જરાય જીભ જ નથી બધું મુંગે મોઢે કામ કરતી જાય. એક આપણા ભાગમાં જ આ કપાતર આવી.. કસ્તુર ડોસી નાથીઆ સામું આંગળી ચિંધતા બોલી.
માળી, ઘાસલેટનું ડબલું લાવ આજ તો આ કભાગીને બારીને મારી નાખુ હવે એને જીવતી ના રહેવા દઉં. એમ કહી લાખો ભંડારીયામાં જઈને ઘાસલેટનું ડબલું લેવા દોડયો.
હા હવે તો એમ જ કર બારીને મારી નાખ એટલે બલા ટળે કસ્તુર ડોસી નિર્દય થઈ બોલી.
લાખો ઘાસલેટનું ડબલું લઈને નાથી તરફ ધસી આવ્યો અને દારૂના નશામાં ધૂત થઈ નાથી પર આખું ડબલું રેડી દીધું. માડી આને ક્યાંય જાવા ના દેતી, એનો હાથ પકડી રાખો. હું ચૂલા પાહેથી બાકસ લઈ આવું. જા ...જટ જા, મેં એને પકડી રાખી છે. કસ્તુર ડોશી નાથીને પાછળથી કસીને પકડતા બોલી.
લાખો ચુલામાંથી બાકસ લઈ ફળિયા તરફ દોડ્યો કસ્તુરડોશી નાથીને કચકચાવીને પકડી ઊભી હતી. બસ, હવે તારો ખેલ પૂરો..! એમ ઊચા અવાજે બોલીને લાખે બાકસની દિવાસળી પેટાવવા પ્રયાસ કર્યો...પણ દિવાસળી પેટીને તરત ઠરી ગઈ બાકસ જરા હવાયેલી લાગતી હતી. તેમ છતાં લાખો હિંમત હાર્યા વગર બીજી દિવાસળી પેટાવવા પ્રયાસ કર્યો પરંતુ એ પણ સળગી નહીં પછી તો ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો.
મારી નાખો મને ..!
નાથી જોર જોરથી રડતી જાય લાખો એક પછી એક એમ આઠ દસ દિવાસળી સળગાવવા પ્રયાસ કર્યો પણ ફરિયામાં ભારે પવનને હિસાબે દિવાસળી પેટે નહીં હવે છેલ્લી દીવાસળી બાકી હતી એ પણ પેટી નહી લાખો ગુસ્સાનો માર્યો પરસેવે રેબજેબ થઈ ગયો. એકાએક એને કશુંક યાદ આવ્યું અને આ સમસ્યાનો કંઈક ઉકેલ મળ્યો હોય તેમ લાખાએ વિજયી સુમિત કર્યું અને પોતાની બંડીમાંથી લાઇટર કાઢ્યું ને બોલ્યો કે હવે બચીને ક્યાં જઈશ હરામજાદી.. એમ કહી લાઇટરની જાળ પેટાવી નાથી તરફ આગળ ધસ્યો. ઘાસલેટથી લથબથ નાથીને મોત સામું દેખાયું હોય એમ શરીરમાંથી કંપારી છૂટી ગઈ અને જાણે પોતાના અંતિમ ઉદગાર હોય તેમ રડતાં રડતાં બે હાથ જોડી બોલી મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મારા બધા કટમ્બને માતાજી હાજા નરવા રાખે એવી પ્રાર્થના માતાજી સવને સદબુદ્ધિ આપજો..ને મારા મર્યા પસી લોકલાજે કરિયાનો ખોટો ખરસ ના કરતાં ગરીબ ગુરબાને બટકું રોટલો ખવરાવજો તો મારો આતમો રાજી થાહે.. હે પરભૂ મારી લાજ રાખજે..! બસ હવે તો પળમાત્રમાં લાઇટરની જાળ આખા શરીરમાં ફેલાઈ જશે એમ વિચારી નાથી બે આંખો બંદ કરી બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગી.
એવામાં લાખાનો બાપ દેવરાજ દોડી આવ્યો અને પોતાના હાથમાં રહેલ ગેડો લાખાના કાંડામાં એવો માર્યો કે લાખના મોંમથિ ઓય માડી રે! એવી રાડ નીકળી ગઈ ને લાઇટર દૂર ગમાણમાં જઇ પડ્યું.
બાપ, તું રે વા દે નહિતર તને આજ પૂરો કરી નાખીશ એમ કહી દારૂના નશામાં ધૂત થયેલો લાખો દેવરાજ ડોસા હાથમાંથી ગેડો જુટવી લઈને બોલ્યો.
વહુ બેટા, તમે આ ફરીયામાંથી બહાર વ્યા જાવ.. દેવરાજ ડોસો પરિસ્થિતિ જોઈને બોલ્યો.
ના બાપુ, ઈ ભલે મને મારી નાખે મારે હવે જીવતું નથી રેવું. નાથી રડતા રડતા બોલી.
ના વહુ બેટા, તમને તમારા ભાઈ વાલા ના હમ છે તમે જાવ હમણાં ને હમણાં નીકળી જાવ, દેવરાજ ડોસો દુઃખી થઈ બોલ્યો.
નાથી પરિસ્થિતિ સમજી જલદી ડેલા બહાર નીકળી બાજુની ફળીમાં ચાલી ગઈ. બીજે દિવસે સવારે મનેકમને પોતાના પિયરમાં તેડી જવા સમાચાર મોકલ્યા.
તમે આપણી લખમીને તેડી આવો હવે આપણે દીકરી અને દુશ્મનના ઘેર રહેવા ના દેવાય. બીજા દિવસે કસ્તુર ડોસીએ દેવરાજ ડોસાને કહ્યું.
પણ એ બિચારીનો હું વાંક છે ઈતો એના ઘરે સુખી છે ને વળી જમાઈ પણ એનું બરાબર ધ્યાન રાખે છે. દેવરાજ ડોસો દલીલ કરતા બોલ્યો.
ના, ઇ હું કઈ ના જાણું આપણા દીકરાનું ઘર ભાંગ્યું તે એના દીકરાનું ઘર ભાંગે તો જ ખબર પડે ને.. ! ને તમારે ના જાવું હોય તો હું લાખાને મોકલું કસ્તુર ડોશી ગુસ્સામાં રાતીપીળી થતાં બોલી.
ભલે જેવા ભાગ લક્ષ્મીના.. એમ કહી દેવરાજ ડોસો વાડીએ ચાલતો થઈ ગયો.
સાંભળ્યું, કાલ મારા બાપુ મને તેડવા આવે છે. લખમી તાવડીમાં રોટલો તાવીથાથી ફેરવતા બોલી. કેમ?
નાથી ભાભી આયા આવી છે ને એટલે.
પણ એમાં આપણું શું ગુનો? આપણે ક્યાં કંઈ વાંધો છે.
ના વાંધો કંઈ નથી પણ મારી માં એમ કે છે કે એના દીકરાનું ઘર ભાંગ્યું તો તમારુંય...લખમી રડતા રડતા બોલી.
ભલે આવે તેડવા પણ હું તને નહીં જવા દઉં! વાલો લખમીનો હાથ પોતાના હાથમાં લેતા બોલ્યો.
જાવું તો મારેય નથી પણ હું શું કરું મારા ભાઈ ના કરેલ પાપની સજા તો મારે ભોગવે જ છૂટકો. લખમી નિરાશ થઈ બોલી.
નથી જાવું ઈ પાકું ને? વાલાએ મક્કમ થઇ પૂછ્યું.
ના, આયાથી મારી લાશ જાશે પણ જીવતા જીવતો નહીં જ લખમી આત્મવિસવાસ સાથે બોલી.
હું પણ તારા વિના નઇ રઈ શકું. વાલો ગળગળો થઈ બોલ્યો.
તો એનો કંઈક ઉપાય?
બનાવ બે કટોરા દૂધના.. આ જગત આપણે હારે જીવવા દયે તો મરવા તો દેહે ને? વાલો આક્રમક અવાજમાં બોલ્યો
વહેલી સવારે લખમીનો બાપ દેવરાજ ડોસો ગાડું લઈ તેડવા આવે અને ત્યાં જાપામાં ગામ આખું સફેદ ફારિયા લઈને ઊભું છે. ગામમાં કઈક અજુગતું બન્યું છે એમ જાણી ઉતાવળે પગે લખમીની ફળી તરફ ભાગે છે. ડેલીમાં પગ મૂકતાં દીકરી લખમી અને જમાઈની નનામી જોઈ પોક મૂકી રડી પડે છે અને બોલે છે.
દીકરી લખમી હું તને તેડવા નતો આયવો હું તો નાથી વહુ ને....!
કેતન મોટલા
પાર્ટ ૧
સવારનો સમય હતો. સૂર્ય હજી ઊગ્યો ન હતો. વાતાવરણનો અંધકાર પોતાની સાથે સવારની તાજગી પ્રસરાવતો હતો. આવા સમયે જેલનું વાતાવણ રોજની જેમ શાંત હતું. સવારે વહેલા ઉઠી ગયેલા, અને હજી પણ સૂતેલાં કેદીઓ પોતપોતાની કોટડીઓમાં પુરાયેલા હતા.
આ બધા કેદીઓ કરતા ચંદ્રસિંહ જુદા તરી આવતા હતા. ચંદ્રસિંહ આટલી વહેલી સવારે ઉઠીને, નાહી ધોઈને જેલના બગીચાના ઓટલા પર બેઠા હતા. તેની બાજુમાં બે પોલીસ કોન્સ્ટેબલો ઊભા હતા.
ચંદ્રસિંહનું ભરાવદાર શરીર અને અણીદાર મૂછો તેના વજનદાર ચહેરાને વધુ વજનદાર બનાવતા હોય તેમ લાગતું હતું. તેવો આકાશમાં હજુ ન આથમેલા શુક્રના તારાને એકીટશે જોઈ રહ્યા હતા.
હજી બે મહિના પહેલા જ ચંદ્રસિંહ ખૂન કેસમાં દોષી સાબિત થયા હતા. કોર્ટ કેસ પણ લાંબો ચાલ્યો ન હતો. કારણ કે ચંદ્રસિંહએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો હતો. અંગ્રેજી ન્યાયાધીશે ચંદ્રસિંહને ખતરનાક અને જોખમી માણસ ગણાવ્યા હતા, અને ફાંસીની સજા ફટકારી હતી.
અને આજનો દિવસ તેમની સજા માટે નક્કી કરવામાં આવ્યો હતો.
મૃત્યુના મુખમાં ઊભેલા ચંદ્રસિંહના મુખ પર મૃત્યુનો ભય દેખાતો ન હતો. સફેદ ખાદી પહેરીને તે કોઈ લગ્નમાં જનાર મહેમાન જેવા વધુ લાગતા હતાં.
બાજુમાં ઊભેલા પોલીસ કોન્સ્ટેબલે પૂછ્યું, ''ચંદ્રસિંહ મૃત્યુનો ભય નથી લાગતો?''
ચંદ્રસિંહએ આકાશમાં દેખાતા શુક્રના તારા પરથી નજર હટાવી, પૂછનાર તરફ જોઇને બોલ્યા, ''ના, લઘુભા.. કર્મનું ફળ તો ભોગવવું જ પડે''
પૂછનાર લઘુભા થોડાક આશ્ચર્યગત થઈ ગયા. થોડી ક્ષણો પૂરતી શાંતિ પ્રસરી ગઇ. અંધારામાં તમરા બોલવાનો અવાજ આ શાંતિનો ભંગ કરતો હોય તેમ આવતો હતો. લઘુભાની સાથે ઊભેલા બીજા કોન્સ્ટેબલ બળવંતસિંહે થોડી ક્ષણો બાદ કહ્યું, ''ચંદ્રસિંહ આજે તમને ફાંસી આપવાની છે. તમારી છેલ્લી ઈચ્છા કાયદા પ્રમાણે પૂરી કરવામાં આવશે. આથી જો તમારે કોઈ ઈચ્છા હોય તો જણાવો''
''મારી છેલ્લી ઈચ્છા... હું મારી વાત લખાવવા માંગું છું. અને તે છાપાઓમાં છપાય તે છે... પણ જો આ શક્ય હોય તો. ચંદ્રસિંહે થોડીકવારમાં જવાબ આપ્યો.
''બિલકુલ શક્ય બનશે. પણ તમારી વાત લાંબી ન હોવી જોઈએ, અને સજાના અમલનાં સમય પહેલા પૂરી થવી જોઈએ. છાપામાં છપાવવાની વાત, તે તમે શું લખાવો છો, તે જેલના ઉપરી અધિકારીઓ વાંચીને પછી નિર્ણય લેશે કે તે છપાવવા યોગ્ય છે કે નહિ'' બળવંતસિંહે જવાબ આપ્યો.
ચંદ્રસિંહે શરત માન્ય રાખી. લઘુભા થોડીકવારમાં જ ઓફિસમાથી પેન અને કાગળ લઈ આવ્યો અને લખવા માટે તૈયાર થઈ ગયો. ચંદ્રસિંહે આંખો બંધ કરી દીધી..જાણે કોઈ દુઃખને દબાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું તેના ચહેરા પરથી લાગતું હતું. થોડીકવાર તેમ જ રહી, તેમણે આંખો ખોલી અને બોલવાનું ચાલુ કર્યું.
''લાલ આંખો હજી પણ મને ભુલાતી નથી. મારા ગામમાં ભીખો રહેતો. ચહેરો અને શરીર સામાન્ય માણસ કરતાં થોડાક પાતળા હતા. પણ ચહેરો અને તેની લાલ આંખો કોઈપણ માણસને ડરાવી દે તેવી હતી. ગામમાં એવું કહેવાતું કે, ''જે પણ માણસ તેની આંખોમાં જોવે, તે માંદો પડી જાય''...અને આવા ઘણાં બધા દાખલાઓ ચર્ચાતા પણ હતા. આવી છાપના કારણે ભીખાને કોઈ કામ પણ મળતું ન હતું... તેથી તે ભીખ માગીને જીવતો...ભીખ આપનાર પણ ગામમાં બે-ત્રણ ઘરો જ હતા. બાકીના વિસ્તારમાં ભીખ આપનાર પણ નહોતા. ગામના લોકો તેને ધિક્કારતા.. તે નીકળતો ત્યારે લોકો ઘરોના બારણાં દરવાજાઓ પણ બંધ કરી દેતા. છોકરાઓ રમતા હોય તો ઘરમાં ચાલ્યા જતા. બધા તેના પડછાયાથી પણ ડરતા. જો તે ગામના મંદિરની આસપાસ દેખાય તો લોકો પથ્થરમારો કરતા.
હું ભીખા વિષે જાણતો હતો... પણ મને તે બાબતમાં કોઈ રસ નહોતો અથવા તો મેં ક્યારેય આ બાબતમાં ગંભીરપણે વિચાર્યું નહોતું.
એક દિવસ મારી પત્ની બજારમાંથી ઘરે આવતી હતી અને ભીખો તેને રસ્તામાં સામો મળ્યો. તે રસ્તાની બીજી તરફથી જતો હતો. મારી પત્નીની નજર ભીખા પર પડી અને તેની આંખો પર પણ પડી. તેની આંખો જોઈ તે ડરી ગયેલી. આ વાત મારી પત્નીએ ઘરે આવી મને કહી હતી. મેં તેને કહ્યું પણ હતું કે ડરવાનું કોઈ કારણ નથી. અને સામાન્ય વાત સમજી ધ્યાન આપ્યું નહોતું.
બીજા દિવસે મારી પત્નીને સખત તાવ આવ્યો. ડોક્ટરને બતાવ્યું... દવાઓ કરી.. પણ દિવસે ને દિવસે બીમારી વધતી ચાલી. છેલ્લે તે અર્ધબેભાન અવસ્થામાં ''લાલ આંખો.....લાલ આંખો..... બચાવો..... બચાવોની'' બૂમો પાડવા લાગી હતી. તે રાત મારા માટે કપરી નીવડી. આડોશી પાડોશી પણ ઘરે ભેગા થઈ ગયા હતા. બધાએ ભીખાના કારણે આવી હાલત થઈ હોવાનું અને હવે તેને ગામમાંથી કાઢી મુકવો જોઈએ... હવે આમ તે કેટલા લોકોનો ભોગ લેશે...તેવી વાતો ચાલતી હતી.... ત્યાં જ તે અમાસની કાળી રાત્રે બે વાગ્યે, જ્યારે હું પાણી પીવા બહાર ગયો હતો ત્યારે મારી પત્નીની મરણચીસ સાંભળી, ''બચાવો...બચાવો...તે લાલ આંખો...''.
હું તરત જ દોડતો અંદર આવ્યો. પાડોશીઓ પણ ત્યાં જ હતા. અને મારી દેખતા જ મારી પત્નીએ દેહ છોડી દીધો. તે મૃત્યુ પામી. મને શ્વાસ ભરાય આવ્યો. એક ખાલીપો... શૂન્યાવકાશ શરીરના અંગેઅંગમાં લાગી ગયો. લાગતું હતું જાણે હું અને શરીર બંને અલગ થઈ ગયા છીએ.
પછી તો બધું ખૂબ ઝડપથી બન્યું. મને પાડોશી અને સંબંધીઓએ સાચવીને બેસાડી દીધો. સવારના મારી પત્નીને અગ્નિદાહ આપવામાં આવ્યો.પણ તે અગ્નિદાહ કરતા પણ વધારે તીવ્ર અગ્નિ મારા અંતરમાં સળગી રહ્યો હતો. મારી પત્નીની હત્યારી તે ''લાલ આંખો''ને મારે ફોડી નાખવી હતી.....*
સમશાનથી આવ્યા બાદ, થોડાક સગા સંબંધીઓને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. બપોરની આસપાસ બધાની નજર ચૂકવી હું ભીખાના ઘર તરફ ચાલી નીકળ્યો. દાતરડાને મેં કપડામાં છુપાવી રાખ્યું હતું.
ભીખો ગામનાં છેડે આવેલ હરિજનવાસમાં રહેતો હતો. તેની ભાંગેલા તૂટેલ ઝૂંપડી બધાથી અલગ હતી. તેની ડેલી ખોલીને હું અંદર પ્રવેશ્યો ત્યારે તે નીચે બેસી કંઈક બાંધી રહ્યો હતો. મને જોઇ, તે હલનચલન કરે, તે પહેલાં જ મેં દાતરડાના ઘા મારવા માંડ્યા. લોહીના છાંટા ચારે તરફ ઉડ્યા. મને ખબર નથી કે મેં કેટલાક ઘા માર્યા....અને તેને ક્યાં વાગ્યું. મને જ્યારે શ્વાસ ચડ્યો ત્યારે મેં મારવાનું બંધ કર્યું. લોહીના ખાબોચિયામાં ભીખાનું શરીર પડ્યું હતું. તે જીવે છે કે મરે તેની પણ તપાસ કર્યા વગર હું ચાલી નીકળ્યો. અને મારી જાતને પોલીસ હવાલે કરી દીધી. મારા લોહીથી ભરાયેલા કપડાં જોઈને અંગ્રેજી ઇન્સ્પેક્ટર પણ ડરી ગયા હતા.
બીજા દિવસે પોલીસ દ્વારા ખબર પડી કે ભીખાનું મૃત્યુ ત્યારે જ થઈ ગયું હતું. તેની આંખો ફૂટી ગઈ હતી. આ વાત જાણી મારા વેરનો અગ્નિ શાંત પડયો. મને કોઈ અફસોસ નહોતો.
ત્રીજા દિવસે ઇન્સ્પેક્ટરે મારી ઉપર-છલ્લી પૂછતાછ કરી ત્યારે તેમણે કહ્યું કે, ''જ્યારે મેં ભીખાની હત્યા કરી તે દિવસે ભીખાની એકની એક દીકરી મૃત્યુ પામી હતી. છેલ્લા અઠવાડિયાથી તેને સખ્ત તાવ આવતો હતો. અને જ્યારે મેં તેની હત્યા કરી ત્યારે, ગામના માણસો કે સગા સંબંધી કોઈ ન આવતા, ભીખો ત્યારે એની એકની એક દીકરીની નનામી બાંધતો હતો.''
''અને જ્યારે તે મારી પત્નીને રસ્તામાં મળ્યો ત્યારે તે ડૉક્ટરને બોલાવવા ગયો હતો. પણ ડોક્ટરે પહેલાની જેમ જ તપાસવા કે સારવારની ના પાડી દીધી હતી. અને છેલ્લે નાસીપાસ અને આઘાત પામેલ, પોતાની એકની એક દીકરીને બચાવવા મરણિયો બનેલો બાપ પોલીસ સ્ટેશનને મદદ માંગવા આવેલો. અને અંગ્રેજી ઇન્સ્પેકટરે જાતે, પોલીસવાનમાં ડોક્ટરને ફરજિયાત બેસાડીને લઈ ગયેલા. અને તપાસ કરાવેલી. પણ સારવારમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. હવે સારવાર અર્થ વગરની હતી.''
''ચંદ્રસિંહ તમે વેરમાં અંધ બની ગયા હતા. તમે ભીખાની હત્યા નથી કરી, પણ એક અસહાય બાપની હત્યા કરી છે, જે મૃત્યુ પામેલી એકની એક દીકરીની જ્યારે તે નનામી બાંધતો હતો.. ત્યારે તેની હત્યા કરી છે.''
આમ કહી ઇન્સ્પેક્ટર ચાલી ગયા. પણ મને હવે ભાન થયું કે મેં વેરની અગ્નિમાં કેવું ભયાનક પાપ કર્યું. ઈશ્વરના દરેક સંતાનને જીવન જીવવાનો અધિકાર છે. પછી ભલે તે અપંગ હોય કે ઉતરતી જ્ઞાતિમાં જન્મયો હોય. પછી મને મારા કર્મ પર પસ્તાવો થયો. ભીખાની અસહાય પરિસ્થિતિનો વિચાર પછી મને કોરી ખાવા લાગ્યો. શું વીતી હશે તે બાપ પર જેની એકની એક દીકરીને તપાસવા ડોક્ટર પણ તૈયાર નહોતા? પૈસા આપવા છતાં પણ તૈયાર નહોતા. જેની એકને એક દીકરીની નનામી બાંધવા પણ કોઈ ન આવ્યું. માણસે પશુ કરતાં પણ હીન-હલકી કક્ષાનું વર્તન કર્યું.
જે લાલ આંખોને હું વેરની આગમાં બાળી નાખવામાં આવતો હતો. આજે તે જ આંખો મને પ્રશ્ન પૂછી રહી છે, ''આખરે ભીખાનો ગુનો શું હતો?''...''શા માટે કોઈ માણસ તેની દીકરીની નનામી બાંધવા પણ ન આવ્યો?''... ''શા માટે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ પ્રત્યે આટલી નફરત?''
આજે પણ તે આંખો મને ભુલાતી નથી.
આટલું બોલી ચંદ્રસિંહ મૌન થઈ ગયા. તેની આંખો બંધ થઈ ગઈ. ત્યાં જ હુકમ સંભળાયો ''સમય થઈ ગયો છે લઘુભા.. કેદીને લેતા જાવ''.
હર્ષદ રાઠોડ
કાશીબા તો આજે સવારથી કામે લાગ્યા હતા, ઓલા જગા કુંભારને બોલાવી લીધો હતો, પાડોશી પશો કહે કાશીબા તમે આ જગાને શું કામ બોલાવ્યો? કાશીબા તાડૂક્યા અને કહે આ પરસાળ અને સામે મઢુલી લીપાવવી છે, એણે કીધું'તું કે બા કોઈ પણ કામ હોય તો કહેજો, કરી દઈશ દિવાળી આવે છે તો મનેય થોડા પૈસા મળે, બાકી મને ખબર છે એનું કામ લીપણનું નથી. કાશીબાનું ઘર બહુ સરસ આમ જુવો તો સામે મોટી ઓસરી એય માટીના લીપણવાળી એના પછી અંદરનું ઘર એટલે પાકું ઈંટ, સિમેન્ટનું, ત્રણ ઓરડા નીચે અને બે ઉપર, ફળીયામાં એક મઢુલી હતી રાઘવને ગમતી, ઈ સ્કૂલમાં હતો ત્યારે બનાવડાવી હતી અને રાઘવ ત્યાં બેસી ભણતો અને ઘણીવાર ભણતા ભણતા સુઈ જતો. રાઘવ અને પશો સાથે ભણતા ઈ મઢુલીમાં અને ફળીયાની ફરતે પહેલા વાડ હતી હવે દીવાલ છે. આવું સરસ ઘર ઘરમાં રહેવાવાળા કોણ? તો એનો દીકરો વહુ અને એ પોતે, પૌત્ર રાઘવ પરદેશ છેલ્લા ચૌદ વરહથી તે આજે આવવાનો છે. આઠ વર્ષથી એના કોઈ વાવડ નહોતા, એના ભાઈબંધ મનુ વકીલ ખબર આપે કે ઈ મજામાં છે. કાશીબા અને એના દીકરા વહુ કીધા કરે કે ઈ મજામાં છે તો, પોતે કેમ વાત નથી કરતો? અને મનુ વકીલ ટાળ્યા કરે. તે છેક આજે રાઘવ આવવાનો છે ઈ ખબર પશાએ આપ્યા. હા અઠવાડિયા પહેલા જ પશાએ રાઘવના પિતાને કહ્યું કે ધનતેરસે રાઘવ આવે છે. બસ પછી પૂછવાનું શું? ખુશીથી રાડ પડાઈ ગઈ વાહ મારો રઘલો આવે છે. કાશીબા અંદરથી દોડ્યા અને બહાર આવીને કહે, સાચું મારો રઘુ આવે છે? એટલામાં રાઘવની માં પણ આવ્યા અને કહે અહાહા આ દિવાળી ઝગમગાટ કરી દેશું, આખી પાળી, ટોડલા અને કાંગરા દીવડાથી ભરી દેશું રઘુરામ આવે છે. જોવાનું એ છે કે સરસ નામ રાઘવ અને બધા એને એમની રીતે નામ દઈ બોલાવે છે. આ વાત ચાલે છે ત્યાં તો કંચન હરખઘેલી આવીને તાળી પાડતી બોલી વાહ કાશી બા, ઈ આવી ગયા, કાશી બા કહે એ ઘેલી, મારો રઘુ તારો ઈ ક્યાંથી થઇ ગયો? આ કંચન એટલે આમ તો પશાની બહેન રાઘવ જેવડી જ અને રાઘવઘેલી નાનપણથી, એ વખતમાં તો ગામડે છોકરીયું જેને મનનો માણીગર માની લે પછી ઈ જ હોય એના સિવાય કોઈ નહિ. સાચે રાઘવને હૃદયથી ચાહતી હતી અને જ્યારથી એણે રાઘવને મન હૃદયથી માની લીધેલા ત્યારથી એનું નામ નો'તી લેતી. પછી તો રાઘવ પણ એના પ્રેમમાં હતો. એની ઇચ્છા કંઈક જુદું સ્પેસ ટેકનોલોજીનું ભણવાની હતી એટલે એને જવું હતું. રાઘવ નાનપણથી ભણવામાં બહુ જ હોશિયાર, પ્રથમ નંબરે જ હોય અને એ પછી એ ગ્રેડ હોય, એના માસ્તરો એના પિતાને કહેતા કે આ કંઈક બનશે, એને જે ભણવું હોય એ ભણવા દેજો. કોઈ જોર નહિ કરતા કે તારે આ ભણવાનું છે કે આ બનવાનું છે. એને જે ભણવું હોય જે બનવું હોય એ બનવા દેજો. એ જે વિચારે છે એ ભણવું હોય તો પરદેશ જાવુ પડશે. તો જાવા દેજો. તમારે પૈસાની તો કોઈ ખોટ નથી. ગામમાં સૌથી વધારે જમીન ખેતર છે. આટલા સાથીઓ છે, ભરપૂર આવક છે અને એકનો એક દીકરો છે.
આ રાઘવની સાથે સાથે એક ગામના મુખીનો છોકરો કિશન ભણતો. એને રાઘવની ઈર્ષા બહુ હતી. જોકે ભણવામાં એ પણ હોશિયાર, આ લોકોનો એક સિનિયર મનુ વકીલ ત્યાં જ હતો એની મદદથી કિશન પહેલા પરદેશ ગયો, રાઘવ પછી એની અને મનુ વકીલની જ મદદથી ગયો. કિશનના પિતા ભલે ગામના મુખી ખરા પણ પૈસા પ્રસિદ્ધિમાં રાઘવના પિતા વધારે સક્ષમ, મુખી અને એને ફાવે, એમણે જ કહેલું કે તમારા દીકરાને કહો કે રાઘવને મદદ કરે. કિશનને આમ તો એમ થતું હતું કે રાઘવ મારાથી આગળ નીકળી જશે કારણ કે એ છે વધારે હોશિયાર અને પોતાની રીતે નવી ટેકનોલોજી વિશે જાણ્યા, શીખ્યા કરે એવો. મારે પ્રોફેસર પાસેથી શીખવું પડે અને એ નવું શીખવાડે એવો છે, પ્રોફેસર્સનો પ્રિય થઈ પડશે. રાઘવ ત્યાં પહોંચ્યો અને ભણવામાં લાગી પડ્યો, એને ભણવા સિવાય કાંઈ નહીં. એટલો શાર્પ કે બે-બે સેમેસ્ટર સાથે ક્લીઅર કરતો હતો. એ શરૂઆતથી જ પ્રોફેસરોનો પ્રિય થઈ પડ્યો હતો, ચાર સેમેસ્ટર પછી તો એને ઇન્ટર્નશિપ મળવા લાગી થોડી થોડા પૈસા પણ મળતા. કિશનને આ પ્રગતિ જોઈ બહુ જ ઈર્ષા થતી. રાઘવ કિશનથી આગળ જવા માંડ્યો, વાત તો ત્યારે વંશી કે રાઘવને હજી ભણવાનું પૂરુ કરવાની વાર હતી અને પ્લેસમેન્ટમાં બે-ત્રણ કંપનીએ એને ઊંચા વાર્ષિક પેકેજમાં ઓફર આપી દીધી. એક કંપનીએ તો એપોઇન્ટમેન્ટ લેટર પણ આપી દીધો. આ વાત કિશનને ખટકી, મનુ વકીલ બેયના સ્વભાવ જાણે એને કિશનનો બળતણિયો અને વેર વૃત્તિવાળો સ્વભાવ ખબર અને કિશન એનાથી આગળ જનાર અને પ્રસિદ્ધિ મેળવનારને પછાડવા કાંઈ પણ કરી શકે. અને એ એણે કર્યું. મનુ વકીલને હતું કે આ ઝેરીલો કાંઈ પણ કરશે કારણ કે એ જાણતો હતો કે પૈસાનો મદ એને બહુ છે. ભલે રાઘવ વધારે પૈસાવાળો પણ એ વાપરે કે વેડફે નહીં, આડા અવળા કોઈ શોખ નહીં, હા ખાવાનો શોખીન એમાં પૈસા નાખે પણ વેડફે નહીં. જ્યારે કિશન બધી વાતે પૂરો. ભણવા સાથે વીકએન્ડમાં ક્લબ, પાર્ટી બધું જ. ખાનગીમાં ડ્રગ પણ. આ કિશને કંઈક ગોઠવણ કરી રાઘવને ડ્રગ કેસમાં ફસાવી દીધો, કિશને એના જ કોઈ કલીગની મદદ લીધી. એ કલીગને રાઘવ પણ ઓળખે, હોસ્ટેલમાં બાજુના રૂમમાં જ રહે, સારા ટર્મ્સ, એ માણસે રાઘવને કહ્યું કે એક ભાઈ સંપેતરું આપી જશે તમે લઇ તમારા રૂમમાં રાખજો. સારી ભાવનાથી એણે હા પાડી, એ આપવા આવનાર ડ્રગ સપ્લાયર હતો. થેલીમાં ઉપર ખાવા વગેરે વસ્તુ અને નીચે નશાના ડ્રગ, પેલો આપવા આવ્યો અને આપતો હતો એ બધો વિડીયો કિશને ઉતારી લીધેલો. એ વિડીયો કોઈ ત્રીજાની જ મદદ કોપ્સને પહોંચાડ્યો. એ લોકો આવ્યા અને રાઘવને ડ્રગ સપ્લાય કરનાર તરીકે લઇ ગયા. અને ત્યાં તો સજામાં વાર ન થાય. રાઘવને બચાવવામાં મનુ વકીલે બહુ પ્રયત્ન કર્યા પણ રાઘવને સજા થઇ. એણે મનુ વકીલને કહ્યું ઘરે ખબર ન પડે. મનુ વકીલને ખબર કે આ કારસ્તાન કિશનનું જ છે. એણે કિશનને કહ્યું કે તે આ ખોટું કર્યું. પણ હું તને નહિ છોડું. અને બીજું કોઈને કહેતા નહિ, નહિ તો ક્યાં ખોવાઈ જઈશ ખબર નહિ પડે. અને મનુ વકીલે રાઘવ નિર્દોષ છે એના બધા પુરાવા ભેગા કર્યા, કિશન ડ્રગ લે છે, ડ્રગ સપ્લાયર સાથે સંબંધ છે, બીજા મિત્રને પાર્સલ આવશે એ કહેવા કિશને કહેલું, આપવા આવનાર સપ્લાયર હતો, રાઘવને ફસાવવા આ કરેલું વગેરે બધું જ અને પાંચ વર્ષે રાઘવ બહાર આવ્યો નિર્દોષ. બધે જાહેર થયું એ નિર્દોષ છે, રાઘવને પૈસા પણ મળ્યા, મનુ વકીલ એને પોતાને ઘેર લઈ ગયો. રાઘવ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. એને આ નાલેશીના આઘાતમાંથી બહાર આવતા વાર લાગે એમ હતું. રાઘવને જે કંપનીએ એપોઇન્ટમેન્ટ આપી હતી એ કંપની એ પણ મનોચિકિત્સક કાઉન્સેલિંગમાં મદદ કરી. રાઘવ નોકરી પણ કરતો ગયો, રિફ્રેશ પણ થતો ગયો. આ બધામાં મનુ વકીલ સતત સાથે હતો, હવે રાઘવ મનુ વકીલને પૂછ્યા વગર કાંઈ કરતો નહિ, એ એની બધી વાત મનુને કરતો. એમાં એણે કીધું કે મારે હવે ઘેર જાવું છે, હું થાક્યો છું, કદાચ પાછો નહિ આવું. મનુ વકીલ કહે એમ જિંદગીથી હારી ના જવાય. તું આ દિવાળીમાં જા અને નવા વર્ષ પછી નવા જોશ સાથે પાછો આવ. તું જા હું પાછળ જ આવું છું. તને લઈને આવીશ.
આજે ધનતેરસની રાત્રે રાઘવ આવવાનો હતો. ગામ આખું ઉત્સાહમાં હતું. રાઘવને સત્કારવા શેરીએ શેરીએ દીવડા હતા. પશો ભાઈબંધોને લઇ ત્રણ કાર લઇ એને તેડવા શહેર ગયા હતા. અને રાત્રે એ કાફલો ગામમાં પ્રવેશ્યો અને ફટાકડા ફૂટવા માંડ્યા રોકેટો ઉડવા માંડ્યાં બધાને ખબર પડી ગઈ રાઘવ આવ્યો. કેટલું હૈયું ભરાયું હશે રાઘવનું કે આવતા વેંત પરસાળમાં બેઠેલા કાશી બાના ખોળામાં માથું નાખી રોવા માંડ્યો. એમને એમ કે મારો રઘુ આટલા વર્ષથી મારાથી અળગો રહ્યો એટલે, બાકી રોજ સવારે એને મારા ખોળામાં થોડીવાર સુવા જોઈએ. આજે બાર વર્ષે એને થાય ને કે માડીનો ખોળો માંડ મળ્યો. બાકી એની વેદના કોણ સમજે, હા એના પિતાને બધી ખબર હતી પણ મનુએ ના પાડી હતી, કહ્યું હતું કે કાકા આ તમને શું કામ કહું છું? એને સાચવજો, મનથી સ્વસ્થ કરજો. કોઈને કહેતા નહિ, હવે બધું સારું છે. એ મનથી ભાંગી પડ્યો છે એને સ્વસ્થ કરી, પાછો લાવવાનો છે, મિત્રો આવું બનતું હોય છે. તમારી પ્રગતિ સહન ન કરનાર તમારા પોતાના જ હોય છે. બસ ગામમાં દિવાળીની મોજ અનોખી હતી. અને બેસતા વર્ષે ગામને કાશીબાએ પોતાના આંગણે જમાડ્યું. ભગવાન રામ ચૌદ વર્ષે અયોધ્યા આવ્યા ત્યારે દિવાળી મનાવી હતી, અહીં રાઘવ એટલે રામ જ ચૌદ વર્ષે ઘેર આવ્યો છે. સૌને દિવાળીની શુભેચ્છા...
હરેશ ભટ્ટ
હવાના એક જોરદાર સૂસવાટા સાથે રીમઝીમ વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું. કબર પાસે ઊભા ઊભા ઓમકારનાથે પોતાના ઓવરકોટના કોલર ઊંચા કરી દીધા. એની છેલ્લી સિગારેટ પણ પૂરી થઈ ગઈ હતી અને એ એનો છેવટ સુધીનો કશ લઈ લેવા માગતો હતો. ચારેય તરફ ઊંડી ખામોશી છવાયેલી હતી. કબ્રસ્તાનમાં એ એની પહેલી રાત હતી. આ રીતે એ કબ્રસ્તાનમાં પહેલી જ વાર આવ્યો હતો. કબ્રસ્તાનની અંદર અને બહાર બધે સન્નાટો છવાયેલો હતો.
અચાનક ટોર્ચની રોશનીએ ઓમકારનાથને ચોંકાવી દીધો. ટોર્ચનો પ્રકાશ સીધો ઓમકારનાથ પર પડયો હતો. ઓમકારનાથે એ તરફ જોયું. અંધારામાં પહેલા તો એને કંઈ જ ન દેખાયું. પણ સન્નાટામાં એક ખોખરો અવાજ એના કાને અથડાયો, 'આ શું કરી રહ્યો છે ?'
ઓમકારનાથ તરત જ ઊભો થયો અને પાવડાને એક બાજુ મૂકતાં એણે જવાબ આપ્યો, 'હું કબર ખોદી રહ્યો છું.'
ખોખરા અવાજની થોડીક કઠોરતા ઓછી થઈ અને ફરી અવાજ સંભળાયો, 'ઘણી મહેનત પડી રહી હશે.'
ટોર્ચની રોશનીથી અંજાઈ ગયેલી આંખોએ ઓમકારનાથે ધીરે-ધીરે સામે ઊભેલી વ્યક્તિઓને જોવાનું શરૂ કરી દીધું. એ ત્રણ માણસો હતા. બે પોલીસના ડ્રેસમાં હતા, અને એક બુઢ્ઢો, જે વરસાદ અને અડધી ઊંઘમાંથી ઊઠવાના કારણે ચીડાયેલો દેખાતો હતો. ઓમકારનાથે એને ઓળખી લીધો. એ કબ્રસ્તાનનો ચોકીદાર હતો. વરસાદથી ભીંજાયેલા એના કપડાં અને વાળ પરથી પાણીના ટીપાં ટપ-ટપ ટપકી રહ્યા હતા.
એ બુઢ્ઢો બોલ્યો, 'એ તો પોતાનું કામ કરીને ભાગી જ ગયો હોત. પણ કબર ખોદવાનો અવાજ સાંભળીને મારી આંખ ખૂલી ગઈ...' પછી એણે કબર તરફ જોયું, 'હજુ તો એ એક જ ફૂટ જેટલી કબર ખોદી શકયો છે.' એણે કહ્યું, 'હકીકતમાં મડદું તો હજુ ઘણી ઊંડાણમાં દફનાયેલું છે.'
કબ્રસ્તાનમાં ઊભેલો ઈન્સ્પેકટર નવાઈથી કબરની આસપાસ વીખરાયેલી માટી જોઈ રહ્યો હતો, જે ઓમકારનાથના પાવડાથી નીકળી હતી અને વરસાદે જેને ભીંજવીને કીચડ સમાન કરી નાખી હતી.
ઈન્સ્પેકટરની સાથે આવેલા પોલીસે ઓમકારનાથને ધમકાવતાં કહ્યું, 'કબર ખોદીને તું શું કાઢી રહ્યો હતો-મડદું ?'
'ના.' ઓમકારનાથે કહ્યું, 'હું મારી કવિતાનું પુસ્તક કાઢી રહ્યો હતો.'
'કવિતાનું પુસ્તક ?' ઈન્સ્પેકટરના ચહેરા પર આશ્ચર્ય ટપકી પડયું. શંકા અને અવિશ્વાસની ભેળસેળવાળી નજરે એણે ઓમકારનાથ તરફ જોયું. 'શું કબરમાંથી કવિતા ઊગે છે ?'
'ના, સાહેબ, મારો મતલબ એવો નથી.' ઓમકારનાથે જવાબ આપ્યો, 'જ્યારે મારી પ્રેમિકા સુલતાના અવસાન પામી ત્યારે મારી જિંદગીનો સહુથી મોટો સહારો જ જતો રહ્યો. એને સામે બેસાડીને કોણ જાણે કેટલીયે કવિતાઓ મેં લખી હતી. હું કવિ છું અને એ મારી કવિતા હતી. અને એ જ્યારે આ દુનિયા છોડીને ચાલી ગઈ ત્યારે મને લાગ્યું કે એની સાથે મારી કવિતાઓએ પણ દફન થઈ જવું જોઈએ. એટલે મેં અહીં આવીને મારું કવિતાનું પુસ્તક પણ સુલતાના સાથે દફનાવી દીધું.'
ઈન્સ્પેકટર ઓમકારનાથ સામે આંખો કાઢીને જોઈ રહ્યો. એની સાથોસાથ પોલીસ અને એ બુઢ્ઢો ચોકીદાર પણ એને ઘુરી ઘુરીને જોઈ રહ્યો હતો. દૂર-દૂર ટાવરમાંથી બે વાગવાના બે ટકોરા સંભળાયા. અચાનક બેચાર કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાયો અને ફરી પાછો એ જ સન્નાટો છવાઈ ગયો.
'જ્યારે તેં તારું પુસ્તક કબરમાં દફનાવી દીધું છે, તો પછી હવે એને પાછું શા માટે કાઢે છે ?' ઈન્સ્પેકટરે પૂછયું.
ઓમકારનાથે પાવડો જમીન પરથી ઉપાડીને કબર પર મૂકી દીધો અને કહ્યું, 'આજે સાંજે મને લાગ્યું કે હું સ્વાર્થી છું. દુનિયાએ એ જાણવું જ જોઈએ કે મારી કવિતાની શક્તિનું અસલી રહસ્ય શું હતું. મેં એની મહોબ્બતની દોલત મારી કવિતાઓમાં કેદ કરીને રાખી હતી.'
'તો શું તું સુલતાનાનો પતિ છે ?'
'ના, હું તો ફકત એની સુંદરતાનો પૂજારી છું.' ઓમકારનાથે જવાબ આપ્યો.
ઈન્સ્પેકટર થોડોક મૂંઝાયેલો દેખાયો. એણે ચોકીદાર તરફ જોતાં કહ્યું, 'મેં ઘણાં મોટા મોટા પાગલ જોયા છે. પણ આ તો બધાથી ચઢી જાય એવો છે. તમે સારું કર્યું કે આની ખબર પોલીસચોકીમાં કરી દીધી.'
પછી એ ઓમકારનાથ તરફ ફરતા બોલ્યો, 'તારું નામ ?'
'ઓમકાર.'
ઈન્સ્પેકટરે એનો હાથ પકડી લેતાં કહ્યું, 'ચાલ અમારી સાથે પોલીસ સ્ટેશને, ત્યાં જ તારી સાથે શું કરવું એ જોઈશું.'
પોલીસ સ્ટેશને ગયા પછી ત્યાં એક બીજા ઈન્સ્પેકટર સામે ઓમકારનાથને ઊભો કરવામાં આવ્યો. એણે ઓમકારનાથને પૂછયું, 'તો તું ઓમકારનાથ છે ? અને પાછો કવિ પણ ?'
'જી હા.' ઓમકારનાથે માથું ધુણાવ્યું.
'પણ તારું નામ તો મેં આજ સુધી સાંભળ્યું નથી. તું શું સુલતાનાનો આશિક છે ?'
ઓમકારનાથે કહ્યું, 'હા.'
ઈન્સ્પેકટરે ટેબલ પર મૂકેલો રિપોર્ટ વાંચ્યો અને કહ્યું, 'એનો પતિ અબ્દુલ્લા એક કારખાનાનો માલિક છે. એને કેન્સર થઈ ગયું હતું. બરાબર ને ?'
'જી હા.' ઓમકારનાથે કહ્યું.
'શું તારી સાથે એનો કોઈ સંબંધ છે ?'
'ના, એ તો મને ઓળખતી પણ નહોતી. હું ફકત એને પ્રેમ કરતો હતો.'
ઈન્સ્પેકટર થોડીક વાર સુધી ચૂપ બેઠો રહ્યો. કમરામાં સન્નાટો છવાયેલો હતો. ફકત દીવાલ પર ટાંગેલી ઘડિયાળ ટીક...ટીક... કરી રહી હતી. બહાર ધીમો ધીમો વરસાદ હજુ પણ ચાલુ જ હતો.
'તારો ધંધો શું છે ?' ઈન્સ્પેકટરે આગળ પૂછયું.
'હું દરજી છું. મારી એક 'સુલતાના ટેલર' નામની દુકાન છે.'
ઈન્સ્પેકટર હસી પડયો. 'વાહ રે આશિક...તો તેં તારી દુકાનનું નામ પણ તારી પ્રેમિકા પરથી રાખ્યું છે.' પછી એનો અવાજ એકદમ કડક થઈ ગયો-'સાચું કહે, કબરમાંથી તું શું કાઢી રહ્યો હતો ?'
'ઈન્સ્પેકટર, હું પહેલા જ કહી ચૂકયો છું કે હું મારી કવિતાનું પુસ્તક કાઢી રહ્યો હતો.'
ઈન્સ્પેકટર બોલ્યો, 'કયાંય તારી કોઈ કવિતા છપાયેલી છે ?'
'ના, હજી સુધી તો એક પણ નથી છપાઈ.'
'એટલા માટે જ તેં આ ચાલાકી કરી છે. જેથી કરીને લોકોની સામે તું આવી શકે, અને આ રીતે દુનિયા તને ઓળખવા લાગે.'
ઓમકારનાથ ચૂપ રહ્યો.
ઈન્સ્પેકટરે આગળ કહ્યું, 'હું જાણતો હતો કે તું આ બધું જાણીજોઈને કરી રહ્યો હતો. તું પોતે જ એવું ઈચ્છતો હતો કે તું પોલીસની નજરે ચડી જાય, જેથી કરીને તું કવિતાના નામે ગિરફતાર થઈ શકે અને આખા શહેરમાં સનસનાટી મચી જાય. બીજા દિવસ અખબારોમાં તારું નામ ગાજતું થઈ જાય. તું દુનિયામાં એક મશહૂર થઈ ગયેલા કવિની નકલ કરવા માગતો હતો. એ કવિએ પણ પોતાની પત્નીના અવસાન પછી એના બધા જ કાવ્ય સંગ્રહો એની કબરમાં દફનાવી દીધા હતા. એ પછી થોડાક સમય બાદ એણે એ બધા જ સંગ્રહો બહાર કાઢીને એને પ્રગટ કર્યા હતા, જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. મારા હિસાબે તું પણ આવું જ કરીને લોકોમાં પ્રખ્યાત થવા માગતો હતો. કાલ સવારના અખબારોમાં તારું નામ ચમકાવવા માગતો હતો. પણ હું એવો મૂરખ નથી કે તને ગિરફતાર કરું....'
ઓમકારનાથે કહ્યું, 'પણ હું તો ફકત મારી કવિતાનું પુસ્તક જ મેળવવા માગતો હતો.'
ઈન્પેકટરે એને તતડાવતાં કહ્યું, 'ચૂપ રહે, હું બધું જ જાણું છું. ગેરકાયદે કબર ખોદવાના આરોપમાં હું તને ગિરફતાર કરી શકું છું. પણ એનાથી તો તું લોકપ્રિય થઈ જઈશ.'
ત્યારે ઓમકારનાથ હસી પડયો. એણે કહ્યું, 'જો તમારું એવું જ માનવું હોય તો ભલે. આવી હાલતમાં હું મારું પુસ્તક સુલતાનાને બદલે તમને અર્પણ કરી દઈશ.'
ઈન્સ્પેકટરનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ઓમકારનાથ તરફ આંગળી ઉઠાવતાં એ બોલ્યો, 'તું હમણાં જ અહીંથી નીકળી જા અને જો હવે પછી કયારેય પણ કબ્રસ્તાનની આસપાસ દેખાયો, તો તને પાગલખાનામાં મોકલી દઈશ.' કહેતાં ઈન્સ્પેકટરે એક પોલીસને બૂમ મારી અને કહ્યું, 'આ નાલાયકને ધક્કા મારી મારીને બહાર કાઢો.'
૦ ૦ ૦
જ્યારે ઓમકારનાથે એના બૉસને બધી વાત સંભળાવી ત્યારે એનો બૉસ હસીને લોટપોટ થઈ ગયો. એ ઓમકારનાથને શાબાશી આપતાં બોલ્યો, 'મને એવા લોકો ખૂબ જ પસંદ છે, જે લોકો હંમેશાં હોશમાં રહે છે, અને ખાસ કરીને મુસીબતના સમયે.'
ઓમકારનાથે કહ્યું, 'અડધી ખોદાયેલી કબર તરફ ઈન્સ્પેકટરને જોતાં મારી તો હાલત જ બગડી ગઈ હતી. જો એ સમયે ઈન્સ્પેકટરે કબરને ધ્યાનથી જોઈ હોત તો આપણો આખોય પ્લાન ચોપટ થઈ જાત.'
ઓમકારનાથનો બૉસ રાઘવન તિજોરી તરફ ગયો અને રૂપિયાની થપ્પી કાઢીને ઓમકારનાથને આપતાં બોલ્યો, 'આ લે, ઓમકાર, તારો હિસાબે ચૂકતે થઈ ગયો.'
ઓમકારનાથે નોટો ઉપાડીને પોતાના ઓવરકોટના ખિસ્સામાં મૂકી દીધી.
ઓમકારનાથ બૉસ રાઘવને કહ્યું, 'ઓમકાર, તેં તારું કામ ખૂબ જ ચાલાકીથી પાર પાડયું છે. હવે મારા વાયદા પ્રમાણે હું તને નેપાળ મોકલી દઈશ. અને હા....' રાઘવને પોતાના મોટા-મોટા ડોળા બહાર કાઢતાં કહ્યું, 'જો તું ત્યાં સીધી રીતે કામ કરીશ તો હું તને ખૂબ જ આગળ વધારી દઈશ અને જો કોઈ ચાલાકી કરી છે તો તને પણ ત્યાં જ મોકલી દઈશ, જ્યાં તેં માખનલાલને મોકલ્યો છે.'
ઓમકારનાથ તરત જ ઊભો થઈ ગયો. હકીકતમાં પોલીસે જ્યારે ઓમકારનાથને પકડયો ત્યારે એ કબર નહોતો ખોદી રહ્યો, પણ કબરમાં માટી નાખી રહ્યો હતો. પણ ઈન્સ્પેકટર એમ સમજ્યો કે ઓમકારનાથ મડદું કાઢવા માટે આવ્યો છે. ઓમકારનાથ ત્યારે માખનલાલની હત્યા કરીને એની લાશને કબરમાં દફન કરી ચૂકયો હતો. માખનલાલની હત્યા કરવાનું કામ રાઘવને જ ઓમકારનાથને સોંપ્યું હતું.'
એચ.એન. ગોલીબાર
'આપણું ઘર'ના ઓટલે બેઠેલી દીપુ આજે વિચારે ચડી છે કે કેવું કેવું જીવનમાં બનતું આવે છે? જે પતિએ મને અભિમાની કહીને કાઢી મૂકી હતી, હું 'આપણું ઘર'ના સ્વજનોની સેવા કરતી હતી, એ એને નહીં ગમતું હોવાથી અને કોઈનાં રૂપનાં મોહમાં ફસાઈને મને છૂટાછેડા આપી દીધાં હતાં. આજે આટલી ઉંમરે જ્યારે રૂપ નથી રહ્યું, વૃદ્ધાવસ્થા આવી છે, નિવૃત્તિનું જીવન છે, હવે પૈસો કમાવવાની કે મહેનત કરવાની અવસ્થા રહી નથી ત્યારે એજ કૌશલને એની રૂપાળી કહેવાતી સ્ત્રી મિત્રએ કાઢી મૂક્યો અને જે 'આપણું ઘર'થી એને સખત નફરત હતી એજ સંસ્થાને ઉંબરે આશરો લેવા આવી ચઢ્યો છે. કેવી છે કુદરતની લીલા! કરેલાં કર્મો ક્યારેક ને ક્યારેક તો સામે આવીને ઊભા જ રહે છે ને એનું ફળ તો ભોગવવું જ પડે છે અને દીપુ પોતાના ભૂતકાળમાં સરી પડી....
દીપુની નજર સામે એ ગોઝારી ઘટના તાજી થઈ ગઈ. એના પપ્પા જેન્તિલાલ એક કંપનીમાં ક્લાર્કની નોકરી કરતા હતાં અને માતા જમનાબેન ગૃહિણી હતાં. એક ભાઈ મનન. હું ઘરમાં મોટી હતી. પિતાની મર્યાદિત આવકને છતાંય બન્ને ભાઈ બહેનને ઉચ્ચ શિક્ષણ આપવામાં જરાય પાછી પાની નો'તી કરી. આગળ જતાં મને એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી અને ઘરમાં જાણે 'દિવાળીના' તહેવાર સમો માહોલ છવાઈ ગયો. એક એવી ખુશી જેની કોઈએ કદી કલ્પના પણ નોતી કરી. સાથે સાથે મનનને ડોકટર બનાવવાના સપનાં પણ પિતાએ જોયાં હતાં અને હવે આર્થિક રીતે હું પણ મદદરૂપ થતી હોવાથી મનનને ડોકટર બનાવવાનું સપનું પણ જલદીથી જ સાકાર થશે.
એક દિવસ જેન્તિલાલ પોતાની સાયકલ પર નોકરી પરથી છૂટીને ઘરે આવતાં હતાં. વિચારોમાં ખોવાયેલા જેન્તિલાલને રેલ્વેનું ફાટક બંધ છે એનો ખ્યાલ જ ના રહ્યો ને એ આગળ જવા લાગ્યા. ઓચિંતા જ આંખો સામે વાહનોનો તેજ પ્રકાશ આવ્યો અને આંખો અંજાઈ ગઈ. બરોબર એજ સમયે પાછળથી એક કાર જોરથી આવીને એમની સાઈકલ સાથે ટકરાઈ ગઈ. જેન્તિલાલ ઉછળીને રેલવે ના પાટા પાસે પડ્યા. કોઇ કશું સમજે કે વિચારે કે જેન્તિલાલ કાંઈ પણ સમજે એ પહેલાં તો સડસડાટ કરતી ગાડી આવી અને એમના પગ પરથી પસાર થઈ ગઈ. ફાટક પાસે ઊભેલાં સૌના જાણે શ્વાસ જ થંભી ગયા. પેલા કારના માલિકે જ એમ્બ્યુલન્સ બોલાવીને જેન્તિલાલને દવાખાને લઈ ગયા.
જેન્તિલાલની હાલત ખૂબ જ ખરાબ હોવા છતાંય પોતે પોતાનાં ઘરનું સરનામું આપ્યું. પેલા કારના માલિકે એમના ઘેર સંદેશો મોકલાવ્યો. જેન્તિલાલને ઓપરેશન થિયેટરમાં લઈ જવા પડે તેમ હતાં. એમનાં સગાવહાલાની રાહ જોવાતી હતી. થોડીજ વારમાં દીપુ અને જમનાબેન આવી પહોંચ્યા. જેન્તિલાલને જોઈને બેઉ જમીન પર ફસડાઈ પડ્યા. ડોક્ટરે પરિસ્થિતિથી વાકેફ કર્યા, ને કહ્યું કે ''તાત્કાલીક ઓપરેશન કરવું પડશે.'' બેઉ મૂંઝવણમાં હતાં છતાંય દીપુએ મક્કમ થઈને હા પાડી, અને ડોકટરને ખર્ચ બાબતે પૂછ્યું. ત્યાં જ પેલા કારના માલિકે નજીક આવીને કહ્યું કે, બેટા તું ખર્ચની ચિંતા ના કરીશ. આ અકસ્માત મારી ભૂલથી થયો છે ને હું તારા પિતા માટે બધું જ કરી છૂટીશ. એમની તમામ જવાબદારી મારી છે.
અથાગ મહેનત કરવા છતાંય ડોકટર જેન્તિલાલને બચાવી ના શક્યા. મરતાં પિતાને એક જ ચિંતા હતી, દીકરીની! એના લગ્નની! દીપુએ પિતાને વચન આપ્યું કે એ ભાઈ મનન અને માતા બેઉની જવાબદારી સંભાળશે, ભાઈને ડોક્ટર બનાવશે અને પેલા કારના માલિકે પણ જેન્તિલાલને આશ્વાસન આપ્યું કે તમારી દીકરીનાં લગ્ન હું કરાવીશ. એની માટે યોગ્ય મુરતિયો પણ હું જ શોધીશ. આજથી એ મારી દીકરી સમાન છે. આટલું સાંભળતા જ જેન્તિલાલે સદાને માટે પોતાની આંખો મીંચી દીધી.
દીપુ અને જમનાબેન માથે જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો.
ભગવાન પણ કેવો છે? અમારા જેવા મધ્યમ વર્ગના લોકોનાં જીવનમાં ખુશીની એક લહેરને પણ ફરકવા નથી દેતાં ને એ લહેરખી આવે ના આવે ત્યાં તો દુઃખ રૂપી મોટું વાવાઝોડું ત્રાટકવા માટે તૈયાર જ હોય છે જાણે દીપુ વિચારી રહી હતી.
હવે એક બાજુ નોકરી, ઘર અને મનનને ભણાવવાની એમ ત્રેવડી જવાબદારી દીપુ પર આવી પડી, એના ભાર તળે જાણે એ કચડાતી જતી હતી પણ મક્કમતાથી આ બધી પરિસ્થિતિનો સામનો પણ કરતી રહેતી હતી.
થોડા સમય પછી જમનાબેનના દૂરના ભાઈ દીપુ માટે એક છોકરાનું માંગું લઈને આવ્યાં. છોકરો 'કૌશલ' એના પિતા પણ નોતા. એક જ દીકરો હતો. કૌશલના પિતાને સરકારી નોકરી હતી. એટલે એમનું પેન્શન આવતું હતું. કૌશલ એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજરની નોકરી કરતો હતો. એની માતા સાથે પોતાનાં ઘરનાં ઘરમાં રહેતો હતો. સારો પગાર, ઘરનું ઘર અને એક જ સંતાન હોવાથી જમનાબેને દીપુને સમજાવીને એની સાથે સગાઇની હા પાડી દીધી. કૌશલને પણ દીપુ પ્રથમ નજરે જ ગમી ગઈ હતી. દીપુ બહુ ઉજળેવાન તો નહોતી, પણ નમણી હતી. પાછી શિક્ષિકા હતી ને! એટલે મીતભાષી પણ ખરી જ અને ઠરેલ સ્વભાવની. કૌશલ અને દીપુ વચ્ચે મુલાકાત ગોઠવાઈ. બેઉએ એકબીજાની પસંદ નાપસંદ, અને વિચારોની આપ લે કરી. દીપુને કૌશલનો સ્વભાવ થોડો અલગ અને અહંકારી લાગ્યો. પણ તેણે વિચાર્યું કે આમ ઉભડકની મુલાકાતથી કે કલાક બે કલાકના પરિચયથી કોઈનાં માટેની ધારણાં ના બાંધી લેવાય. કદાચ આ મારો વહેમ પણ હોઈ શકે, એવું પણ બને કે જેમ જેમ એકબીજાની સાથે રહેતા જઈશું તેમ તેમ બધું સારુ થતું જાય.
થોડા સમય પછી બેઉનાં લગ્ન લેવાયા. દીપુએ પોતાને સાસરે પહેલાં પગરણ પાડ્યાં. એક નવોઢાનું જેવું સ્વાગત થાય એનાથી પણ વિશેષ રીતે દીપુનું સ્વાગત થયું. દીપુ તો જાણે એક સપનાંની દુનિયામાં આવી ગઈ હતી. એનાં સાસુ એને સગી માં નો પ્રેમ આપતા હતાં અને કૌશલ પણ દીપુમય જ બની ગયો હતો અને સાથે સાથે મનન અને જમનાબેનનું પણ એટલું જ ધ્યાન રાખતો હતો.
મનન હવે ડોકટર બની ગયો હતો અને હવે વધારે અભ્યાસ અર્થે અને ઉચ્ચ ડિગ્રી માટે સ્કોલરશીપ સાથે ભણવા માટે અમેરિકા જતો રહ્યો. જમનાબેન એકલા પડી ગયા. દીપુ પણ નોકરી કરે છે એટલે વધુ સમય જમનાબેન સાથે નથી રહી શકતી. તેમની સાર સંભાળ તો લેતી જ રહે છે. જમનાબેન પણ પોતાનો સમય 'આપણું ઘર'ના સ્વજનો સાથે જ વિતાવતા લાગ્યાં. ત્યાં તેમને જાણે પોતાનો પરિવાર મળી ગયો હતો. અહીં તેમની એકલતા પણ દૂર થતી હતી.
એક દિવસ અચાનક જ સવારનાં પહોરમાં કૌશલ દીપુને બોલવા લાગ્યો,
તને બહુ અભિમાન આવી ગયું છે? તું નોકરી કરે છે એનું?
દીપુ શાંત સ્વરે બોલી,
ના, શેનું અભિમાન? હું તો ઘણાં વર્ષથી નોકરી કરુ જ છું ને? એનું અભિમાન ના હોય.
કૌશલ, ના, હવે મને લાગે છે કે તું બદલાઈ ગઈ છે. તારાથી હવે ઘરમાં ધ્યાન નથી અપાતું, તને તારા રૂપનું અભિમાન છે એમને? તું શું માને છે?
દીપુ, કૌશલ તું આમ કેમ બોલે છે? હું ક્યાં તને કાંઈ કહું છું? ઘરની બધી જ જવાબદારી તો ઉપાડી લીધી છે મેં અને એની સાથે સાથે નોકરીની જવાબદારી પણ પૂરી તો કરું જ છું ને! તને કઈ વાતની ખોટ આવવા દીધી છે મેં? અત્યાર સુધી તો આપણો સંસાર સારી રીતે ચાલે જ છે ને! તો પછી તું આમ કેમ બોલે છે?
કૌશલ, ના તને એમ છે કે તું બહુ જ રૂપાળી છે, બહુ ગુણીયલ છે, પણ તું તો સાવ ડોબા જેવી જ છે અને સાવ કદરૂપી છે, મને તું જરાય પસંદ નથી. હું તારાથી ત્રાસી ગયો છું અને મારે હવે તારાથી છૂટાછેડા લેવા છે. પછી તું તારે જેમ અને જેની સાથે રહેવું હોય ત્યાં રહેજે. આમેય તને તો એવો જ વહેમ છે ને કે તારા રૂપનાં બધા દીવાના છે ને તારી આગળ પાછળ તો સત્તર ફરશે, તો જા હવે એમની સાથે જ જીવજે.
એમ બોલતો કૌશલ નોકરી પર જવા નીકળી ગયો.
દીપુ સમજી જ ના શકી કે કૌશલ આજે એકાએક આમ કેમ બોલવા લાગ્યા? સીધુ છૂટાછેડા? છૂટાછેડાની વાતથી તો દીપુનું મન જાણે ચકરાવે ચડી ગયું. એની આંખે અંધારા આવી ગયાં. ચક્કર આવવા લાગ્યા. થોડીવાર તો માથું પકડીને બેસી જ રહી.
દીપુનું મગજ અને હૃદય જાણે સુન્ન પડી ગયા હતા. છતાંય નોકરી પર જવાનો સમય થયો હતો એટલે થોડી સ્વસ્થ થઈને ચ્હા પણ પીધાં વગર જ નોકરીએ જતી રહી. નોકરીનો સમય સવારનો હતો, અને બપોરે એક વાગે તે છૂટીને ઘરે આવી. ઘરના કામ પતાવીને તે દરરોજ સાંજે ચાર વાગે 'આપણું ઘર' નામની સંસ્થામાં સેવા કરવા માટે જતી હતી.
આ સંસ્થામાં એક દિવસ એને એના પિતા જેન્તિલાલ જ લઈ ગયા હતા. ત્યાં જેન્તિલાલના મિત્ર રહેતાં હતાં. જેન્તિલાલ કાયમ રજાના દિવસે એમના મિત્રને મળવા માટે જતાં હતાં. સાથે સાથે ત્યાં રહેતાં અનાથ એવા સ્વજનો જેવા વડીલોની સેવા પણ કરતાં હતાં. એમને જોઈતી ચીજવસ્તુઓ લાવી આપે, દવાખાને લઈ જાય, દવાઓ લાવી આપે. આમ નાનીમોટી સેવા જે એમનાથી થઈ શકે તે કરતાં અને દીપુને પણ ઘણીવાર પોતાની સાથે લઈ જતાં. દીપુને પણ ત્યાં જવું વધારે ગમતું હતું. બધાની સાથે બેસે, એમના દુઃખ દદની વાતો સાંભળે, એમને બહારની દુનિયાની વાતો કરે, ધર્મની વાતો કરે, રામાયણ, મહાભારત, ભાગવત, શિવપુરાણ જેવા ધાર્મિક પુસ્તકો વાંચી સંભળાવે. આમ જેન્તિલાલની જેમ જ દીપુને પણ આપણું ઘર જાણે પોતાના જીવનનો એક ભાગ જ લાગતો હતો અને એટલે જ આજ સુધી એ આ કામ નિઃસ્વાર્થ ભાવે કરતી રહી છે.
એના આવા સેવાભાવી સ્વભાવથી અને એના કામથી પ્રભાવિત થઈને ત્યાંના ટ્રસ્ટીઓએ દીપુને 'આપણું ઘર' સંસ્થાની સંચાલિકા બનાવી દીધી. દીપુ હવે તેની નવરાશનો સમય અહીં જ વધારે પસાર કરતી હતી અને એટલે જ કદાચ કૌશલને આ નથી ગમ્યું અને એણે છૂટાછેડા માંગ્યા છે દીપુ પાસે.
સમય જતાં બેઉનાં છૂટાછેડા થઈ ગયા. દીપુ પણ મક્કમ મને એકલી રહેવા તૈયાર થઈ. નોકરીમાં પણ તેને બઢતી મળી હતી. તે હવે આચાર્ય બની ગઈ હતી. એની જવાબદારી હવે વધી ગઈ હતી. આજ સમય દરમિયાન એની માતા જમનાબેનનું અવસાન થઈ જાય છે. ભાઈ મનને તો અમેરિકામાં જ એક છોકરીને પસંદ કરી, એની સાથે લગ્ન કરીને કાયમ માટે ત્યાં જ સ્થાયી થઈ ગયો છે.
દીપુ હવે સાવ એકલી પડી ગઈ. એકલતા ક્યારેક ક્યારેક એને સાવ ભાંગી નાંખે છે. આપણું ઘર એની નજર સામે આવે છે ને એ બધાં સ્વજનોના ચહેરામાં જ એને એના પિતા અને માતાનો ચહેરો દેખાય છે ને એજ એની હિંમત બની જાય છે. દીપુ એક રૂમ ભાડે રાખીને રહે છે. જરૂર પૂરતો જ ખર્ચ કરીને બાકીનો બધો જ પગાર નિયમિતરૂપે સંસ્થાને દાનમાં આપતી રહે છે.
આજે તો આપણું ઘર સંસ્થા એક વટવૃક્ષ સમી બની ગઈ છે. દીપુએ પોતાના પરિશ્રમથી એનો વહીવટ ખૂબજ સરસ રીતે કર્યો અને એમાં એક સુંદર મંદિર બંધાવીને જાણે વડીલો માટે સેવા પૂજા પાઠ કરવાનું ધામ બનાવી દીધું છે. સુંદર બાગ બગીચા, દવાખાનું, પુસ્તકાલય અને એક એવી શાળા પણ ખોલી છે જેમાં કોઈજ ધોરણનું પુસ્તકીયું જ્ઞાન નથી અપાતું પણ નાના મોટા દરેકને એમાં પ્રવેશ મળે છે અને દરેક પોતાની મનગમતી પ્રવૃત્તિ ત્યાં કરીને એ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. જેવીકે ચિત્ર, સંગીત, ઉધોગ, નૃત્ય વગેરે જેવી.
દીપુ ખૂબ જ ખુશ થઈને આ બધું કરતી રહે છે. જાણે આ જ એનું ઘર છે. એનો પરિવાર છે અને અહીં વસતાં દરેકના અંતરના આશીર્વાદ મેળવતી રહે છે. હવે દીપુ પણ નિવૃત્ત થઈ ગઈ છે. હવે તેનું સંપૂર્ણ ધ્યાન આપણું ઘર સંભાળવામાં જ લાગેલું છે. તે પોતાનો બધો જ સમય અહીં સૌની સેવા કરવામાં જ પસાર કરે છે.
આપણું ઘર સંસ્થાને શ્રેષ્ઠ સંસ્થા, શ્રેષ્ઠ વહીવટ, શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ સરકારશ્રી તરફથી એવોડૅ મળે છે. સંસ્થાનું બહુમાન થાય છે અને સાથે સાથે શ્રેષ્ઠ સંચાલિકા તરીકેનો એવોડૅ પણ દીપુને મળે છે. એનું પણ સન્માન થાય છે અને સાથે સાથે આ સંસ્થાની શાખાઓ અન્ય શહેરોમાં ખોલવા માટે સરકાર તરફથી અનુરોધ કર્યો છે અને સરકારી મદદ પણ મળે છે. દીપુએ પૂરેપૂરા દીલથી, લગનથી કરેલી મહેનતનું ફળ પૂરા પરિવારને ચાખવા મળે છે ને આજે ખરા અર્થમાં આ સંસ્થા એક વટવૃક્ષ બનીને એની વડવાઈઓ દેશના ખૂણે ખૂણેથી એક નવું વટવૃક્ષ બનવા થનગની રહી છે.
આમ વૃદ્ધાશ્રમ એ કોઇ નિરાશ્રિતો માટે રહેવા માત્રનું સ્થળ નથી હોતું પરંતુ એવા વડીલો માટેનું આશ્રયસ્થાન છે જ્યાં સૌ સાથે મળીને એક પરિવાર જેમ રહે છે. નીતનવી પ્રવૃત્તિઓ કરીને ખુશખુશાલ જીવન વિતાવી શકે છે. જે એમને પોતાના સંતાનો પાસેથી નથી મળતું એ સુખ પણ અહીં મેળવીને આનંદથી સમય પસાર કરી શકે છે. એટલે ખરેખર વૃદ્ધાવસ્થામાં પોતાની જ ઉંમરના લોકોની વચ્ચે રહેવાથી એમની ઉંમર પણ જાણે વધી જાય છે. એવા જ લોકોની સાથે રહેતી દીપુ ખુશ છે.
સમય જતાં એક દિવસ સવારે 'આપણું ઘર'ના આંગણે દીપુ ઓટલા પર બેઠી છે ને એકાએક જ કૌશલને આવેલો જોતાં જ એની આંખો આગળ અંધારા આવી ગયા ને ચશ્મા જરા સરખા કર્યાને ધ્યાનથી જોયું તો એ જ કૌશલ જેણે તેને તરછોડી દીધી હતી. જોકે દીપુને તો થોડા જ સમયમાં જાણવા મળ્યું હતું કે કૌશલે તેની જ સેક્રેટરીની સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા લીધા હતાં અને આજે એજ કૌશલને અહીં કેમ આવવું પડ્યું હશે? એમ વિચારતી કૌશલને આવકારે છે.
કૌશલ પોતે અહીં આવવાનું કારણ દર્શાવતો બોલ્યો કે, દીપુ જે છોકરી માટે મેં તને તરછોડી દીધી હતી ને, આજે એણે જ મારી સાથે છેતરપિંડી કરીને, બધી જ મિલકત હડપ કરીને, મારીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે અને આજે બાસઠ વષૅની ઉંમરે પહોંચેલા મને એકાએક મારી દીપુ અને એનું 'આપણું ઘર' યાદ આવ્યું અને હું અહીં આવી ગયો. દીપુની સામે જોઈને બે હાથ જોડીને માફી માંગતો અહીં પ્રવેશ આપવા માટે આજીજી કરતો કૌશલ ત્યાં જ બેસી ગયો.
આજે મને મારી જ આંખ પર વિશ્વાસ નથી આવતો. આંખોમાં જાણે ઝાકળ બાઝી ગઈને બધું ઝાંખું દેખાવા લાગ્યું. પાલવનાં છેડાથી આંખોને લૂછીને આજે પણ એટલા જ માન સન્માનથી કૌશલને ખુરશીમાં બેસાડીને જરૂરી માહિતી મેળવીને ફોર્મ ભરીને 'આપણું ઘર' પરિવારનો એક સદસ્ય બનાવી દીધો.
હવે ફરી પાછા અહીં જ બેઉ એક સાથે મળીને કામ કરવા લાગ્યા. પણ બેઉ વચ્ચે એક અંતર હંમેશ માટે રહી ગયું. કર્મોનું, સંસ્કારનું, વિચારોનું અને હૃદયનું પણ....
દીપિકા ચાવડા
આમ તો જાણીતી વાત છે, છતાં ડાબેરી, જમણેરી શબ્દોના ઉદ્ભવથી શરૂ કરૂ.
ઈસ. ૧૭૮૯માં વિખ્યાત ફ્રેન્ચ ક્રાંતિના આરંભે સમાજમાં બે સ્પષ્ટ વર્ગ પડી ગયા હતા. રાજા લૂઈ સોળમાનું સમર્થન કરનારાઓમાં ધર્મગુરુઓ, ધનિકો, વેપારીઓ મુખ્ય હતા, જે ઈચ્છતા હતા કે લૂઈનું શાસન યથાવત રહે. સામે બીજો વર્ગ એવો હતો જે ક્રાંતિનો સમર્થક હતો અને શાસન વ્યવસ્થા, સમાજ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનનો હિમાયતી હતો. એ વર્ગમાં મજૂરો, ખેડૂતો અને બેરોજગારો સામેલ હતા. લૂઈ સોળમાએ જ્યારે નેશનલ એસેમ્બ્લી બોલાવી ત્યારે તેનાં સમર્થકો સમ્રાટના સિંહાસનથી જમણે અને વિરોધીઓ ડાબે બેઠા. આ ગોઠવણ અનાયાસે જ થયેલી હતી, પરંતુ નેશનલ એસેમ્બ્લીની કાર્યવાહી દરમિયાન બેરન ડી ગોવિલ નામના નેશનલ એસેમ્બ્લીના અધ્યક્ષે સમર્થકોને જમણેરી અને વિરોધીઓને ડાબેરી તરીકે સંબોધ્યા. ત્યારથી દુનિયાભરમાં સ્થાપિત હિત સમર્થકો જમણેરી અને સ્થાપિત હિત વિરોધીઓ ડાબેરી તરીકે ઓળખાતા રહ્યા છે.
ગત સદીના આરંભે જગતમાં જમણેરી શાસકો પ્રભાવશાળી રહ્યા હતા. યુરોપમાં બ્રિટન પોતે લોકતાંત્રિક દેશ હોવા છતાં પરંપરાગત રાજાશાહીનો સમર્થક હતો. જર્મની અને ફ્રાન્સમાં પણ જમણેરી પરિબળો પ્રેરિત લોકશાહી હતી. રશિયામાં ઝારશાહી હતી. ભારતમાં અંગ્રેજ રાજ હતું પરંતુ બ્રિટિશ તાજ હેઠળનું સમગ્ર ભારત પોતે તો અનેક રાજા-રજવાડાંઓમાં વહેંચાયેલું હતું. પૂર્વે જાપાનમાં પણ રાજાશાહી હતી. ચીનમાં પણ વંશિય શાસન હતું. ૧૯૧૭ની બોલ્શેવિક ક્રાંતિ પછી સમગ્ર દુનિયાની શાસન અને સમાજ વ્યવસ્થામાં જબ્બર ભૂકંપ આવી ગયો. મજૂરો, ખેડૂતો, કામદારોના સંગઠને લેનિનની આગેવાની હેઠળ ૩૦૦ વર્ષ જૂની ઝારશાહી ઉખેડીને ફેંકી દીધી અને કાર્લ માર્ક્સના સામ્યતાના સિદ્ધાંત આધારિત જગતની પહેલી સામ્યવાદી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવી.
આ ઘટનાના પગલે દુનિયાભરમાં નવી રાજકીય વિચારધારા વાવાઝોડાની જેમ ફૂંકાઈ ગઈ. બહુ ઝડપથી રશિયાના પાડોશી દેશો સામ્યવાદના વાહક બનવા લાગ્યા. યુરોપમાં પણ તેનો પવન ફૂંકાયો. જ્યાં રાજાશાહી કે લોકશાહી મજબૂત હતી એવા બ્રિટન કે અમેરિકા જેવા દેશોમાં સામ્યવાદ સત્તા પર તો ન આવ્યો, પરંતુ એક મહત્ત્વની રાજકીય વિચારધારા તરીકે તે પ્રભાવશાળી જરૂર બન્યો. ભારતમાં પણ એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આવ્યા અને સામ્યવાદી વિચારધારા પૂરી તાકાતથી પ્રભાવક બની. ભગતસિંહથી માંડીને સુભાષબાબુ સહિતના નેતાઓ સીધી કે આડકતરી રીતે સામ્યવાદથી પ્રભાવિત થયેલા હતા.
રશિયાની બોલ્શેવિક ક્રાંતિ અને ભારતમાં મહાત્મા ગાંધીની સક્રિયતા લગભગ સમકાલીન ગણાય. સામ્યવાદ કાર્લ માર્ક્સના રાજકીય સિદ્ધાંતોને અનુસરતો હોવાથી ધર્મનો ઈનકાર કરે છે. માર્ક્સ એવું માનતો હતો કે દુનિયાભરના તમામ વંચિતો, શોષિતોનો કોઈ ધર્મ નથી. દરેક ધર્મે તેમનું એકસરખું શોષણ જ કર્યું છે. માર્ક્સનું એક બહુ જાણીતું વિધાન પણ અહીં ટાંકું. તેણે કહ્યું હતું કે, દુનિયાના તમામ વંચિતો, શોષિતો એક થાવ... તમારે કંઈ જ ગુમાવવાનું નથી, સિવાય કે તમને સદીઓથી જકડી રહેલી જંજિરો..!
સામ્યવાદી વિચારધારા પ્રભાવશાળી જરૂર છે પણ તેમાં ધર્મનું પરિબળ સમાચું નથી એ પારખીને મહાત્મા ગાંધીએ ભારતીય જનસમાજની બૌદ્ધિકતા, માનસિકતા અને પરંપરાને ધ્યાનમાં રાખીને સમાજવાદી વિચારધારાનું એક એવું રાજકીય મોડેલ અપનાવ્યું જેમાં ધાર્મિક આસ્થા પણ હતી અને દલિતો, વંચિતોની ખેવના પણ હતી. આ એવી વિચારધારા હતી જે જમણેરી પણ નહિ અને ડાબેરી પણ નહિ, એ બંને અંતિમોથી સરખું અંતર રાખીને અલગ અસ્તિત્વ ઊભું કરતી હતી. સામ્યવાદનો પ્રભાવ ભારતમાં પ્રસરતો રોકી શકાય એ માટે જ ગાંધીજીએ, કોંગ્રેસી નેતાઓની નારાજગી છતાં, અસ્પૃશ્યતાના કાર્યક્રમોને કોંગ્રેસના નીતિગત સિદ્ધાંત સાથે જોડ્યા. હિન્દુ આગેવાનોનો રોષ વ્હોરીને પણ તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો અને સર્વધર્મ સમાવેશક વિચારધારાને આગળ ધપાવી. ભવિષ્યમાં જોકે ગાંધીજી ક્યાંયના ન રહ્યા અને હિન્દુ, મુસ્લિમ, દલિત, સવર્ણ દરેકના ડફણાં ખાધા. એ અલગ ચર્ચાનો મુદ્દો છે.
આઝાદી પછી ભારતમાં નહેરુ સર્વશક્તિમાન અને બિનહરિફ હતા. નહેરુ સામ્યવાદથી પ્રખર અંજાયેલા હતા. છતાં તેમણે પણ ગાંધીજીના સમાજવાદી મોડેલનું જ અનુસરણ કર્યું. ફક્ત એક જ બાબત તેઓ ચૂકી ગયા. ગાંધીજી ભારતીય જનમાનસના પરખંદા હતા અને એ પરખ એમણે રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં અનેક વખત દેશભરનો પ્રવાસ ખેડીને કેળવેલી હતી. ગાંધીજી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું સમર્થન કરતા હતા, પરંતુ પોતે હિન્દુ છે, ઈશ્વરમાં અડીખમ આસ્થા ધરાવે છે એવું એમણે ક્યાંય પણ, કદી પણ છૂપાવ્યું નથી. નહેરુ અત્યંત વિચક્ષણ અને અભ્યાસુ હતા પરંતુ છેવાડાના ભારતીય સાથેનો તેમનો નાતો ગાંધીજી જેટલો મજબૂત ન હતો. એટલે નહેરુએ ધર્મ વિશેના અંગત ખ્યાલને કોંગ્રેસની વિચારધારામાં ઘૂસાડી દીધો અને બિનસાંપ્રદાયિકતા પર ભાર મૂક્યો. શાસન કોઈ એક ધર્મને વરેલુ ન હોય. શાસકને મન દરેક ધર્મ એકસમાન. અહીં સુધીય વાંધો ન હતો.
પરંતુ નહેરુની વિદાય અને ઈન્દિરાના આગમન પછી પરિસ્થિતિ ઝડપથી બદલાઈ. સંસ્થા કોંગ્રેસના અનુભવી ખેરખાંઓ સામે ચડિયાતા સાબિત થવા ઈન્દિરાએ સંખ્યાત્મક રાજનીતિ અર્થાત વોટબેન્ક પોલિટિક્સની શરૂઆત કરી અને એ રીતે મુસ્લિમ તૃષ્ટિકરણનો આરંભ થયો. છેક ખિલાફત મૂવમેન્ટના જમાનાથી મુસ્લિમો પોતાના મતાધિકારનું મૂલ્ય બરાબર સમજતા હતા એટલે સાગમટે મતદાન કરીને પોતાના હિતો સાચવતા તેમને આવડતું હતું. હિન્દુઓ અનેક જાતિવાદી વલણોમાં વિભાજિત હતા અને એ કદી એકજૂટ મતદાન કરવા ટેવાયેલા ન હતા. ઈન્દિરાના જમાનાથી કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તેનો ભરચક ફાયદો લીધો. તેમાં પછી કાળક્રમે મુલાયમની સપા, કાંશીરામ-માયાવતીની બસપા, લાલુની રાલોદસ હિતના પક્ષોએ પોતપોતાની રીતે વોટબેન્કના ટૂકડા પાડ્યા. જેમાં છેવટે તો સમગ્ર હિન્દુ સમાજનું જ નુકસાન થતું રહ્યું.
ભારતમાં ગાંધીજીની મધ્યમમાર્ગિય વિચારધારા અત્યંત બળકટ હતી તેની સામે ડાબેરી વિચારધારા પણ મજબૂત હતી. ન હતી તો એ જમણેરી વિચારધારા. ગાંધીજી પ્રેરિત હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની વાત એટલી બધી પ્રબળ અને પ્રભાવક હતી કે નહેરુયુગ પછી તો 'હું હિન્દુ છું' એવું જાહેરમાં બોલવું એ પણ સંકુચિતતા અને જડતાની નિશાની ગણાતું હતું. (એટલે જ વિશ્વ હિન્દુ પરિષદે એંશીના દાયકામાં સૂત્ર પ્રચલિત કર્યું હતુઃ ગર્વ સે કહો હમ હિન્દુ હૈ)
એ ખાલીપો પૂરવા માટે રા.સ્વ. સંઘે જનસંઘને રાજકીય મેદાનમાં ઉતાર્યો. તેનાં મુખ્ય બે કારણ હતા. ગાંધી હત્યા કેસમાં સંડોવણીના આરોપોમાંથી માંડ સંઘનો છૂટકારો થયો હતો, છતાં જનમાનસમાં તેની છાપ હજુ કલંકિત હતી. આથી ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કરવો હોય તો સંઘવિચાર રાજનીતિમાં પણ હોવો જોઈએ એવી દૂરંદેશીથી તત્કાલીન સરસંઘચાલક માધવરાવ ગોળવલકરે જનસંઘનું મોડેલ બનાવીને સક્રિય રાજનીતિમાં પ્રવેશવાની સ્વયંસેવકોને અનુમતિ આપી.
ત્યાં સુધીમાં સ્થાપિત થઈ ચૂકેલી કોંગ્રેસની મધ્યમમાર્ગિય વિચારધારા સામે જનસંઘે અનેક ગોથાં ખાધા. અનેક પ્રયોગો કર્યા. અનેક વાર પછડાટ મેળવી. કટોકટીમાં અન્ય વિચારધારા સાથે કોલસાની દલાલી જેવું સમાધાન પણ કર્યું અને હાથ કાળા થયા પછી જનસંઘનું કલેવર ઉતારવાની ફરજ પડી. એમાંથી જન્મ થયો ભાજપનો. પરંતુ જનસંઘ અને ભાજપ એ માત્ર નામ બદલવાની પ્રક્રિયા ન હતી. એક દુકાન ન ચાલે તો નામ બદલીને નવેસરથી પ્રયાસ કરવાની વાત ન હતી. તેમાં કેટલાંક અત્યંત મહત્ત્વના પરિવર્તનો આવ્યા. જનસંઘના સમગ્ર કાર્યકાળ દરમિયાન તેની માતૃસંસ્થા રા.સ્વ.સંઘ અને તેની અન્ય ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ સક્રિય રાજનીતિમાં કશે ન હતી. હવે ભાજપની સહાયતા માટે, ભાજપના આવશ્યક એજન્ડાને પાર પાડવા માટે સંઘ પરિવાર ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ પણ સામેલ થઈ હતી. એમાં એંશીના દાયકામાં સૌથી પ્રમુખ ભૂમિકા વિશ્વ હિન્દુ પરિષદની હતી. આજે બહુમતી હિન્દુ સમાજની રાજકીય મહેચ્છા ભભૂકતી થઈ છે તેની પાછળ ઘણેખરે અંશે એંશી-નેવુના દાયકામાં વિશ્વ હિન્દુ પરિષદે કરેલા પ્રયાસો કારણભૂત છે. ત્યારે રા.સ્વ.સંઘની પરિપાટી પર કેળવાયેલા જે યુવાન હતા એ આજે વરિષ્ઠ નાગરિકો છે અને એ માહોલમાં જે ઉછર્યા હતા એ આજે ૩૫ થી ૫૦ના વયજૂથમાં છે અને એ બંને વયજૂથ ભાજપના મજબૂત ઝંડાધર બની રહે છે.
આઝાદી પછી પહેલી જ વાર વિચારધારાના મધ્યમમાર્ગ અને ડાબેરી સામે જમણેરી વિચાર ભારતમાં પ્રભાવશાળી બન્યો છે. સત્તા હાંસલ કરી છે અને મજબૂત જનાધાર ધરાવે છે. ભારતમાં ડાબેરી વિચારધારા કદી પાંગરી શકી નહિ તેનું મુખ્ય કારણ ધર્મ સાથેનું તેમનું આડવેર. આજે તો ભારતમાં ડાબેરીઓ કેરળને બાદ કરતાં લગભગ નામશેષ છે. એ સંજોગોમાં જમણેરી વિચારધારાની સીધી લડાઈ માત્ર અને માત્ર કોંગ્રેસની મધ્યમમાર્ગિય વિચારધારા સાથે જ છે. કોંગ્રેસ પોતે મુસ્લિમ તૃષ્ટિકરણના ખ્યાલથી એટલી બધી અળખામણી બની ચૂકી છે કે બે પેઢી બદલાય ત્યાં સુધી જનમાનસમાંથી કોંગ્રેસનું એ કલંક હટે તેમ નથી.
ડાબેરીઓ છે નહિ. કોંગ્રેસ પોતે મરણાસન્ન છે. અન્ય પ્રાદેશિક પક્ષો તો કોંગ્રેસના જ મિનિએચર છે. મર્યાદિત વોટબેન્ક પૂરતું મોડેલ બનાવીને અસ્તિત્વમાં આવેલા છે. એ સંજોગોમાં લગભગ કોઈ પડકાર વિહોણી સ્થિતિ ભાજપ પાસે છે અને એ હજુ લાંબા સમય સુધી ટકશે. અહીં લાંબા સમય સુધી ટકશે એટલે સતત ભાજપ જ સત્તા પર રહેશે એવું હરગીઝ નથી. સત્તાની આવ-જા તો અનેક પરિબળો પર આધારિત હોય. પરંતુ બહુમતીવાદની આ રાજકીય વિચારધારા સંબંધિત છે. ભારતીય રાજનીતિમાં આઝાદી પછી પહેલી જ વાર જમણેરી વિચારધારા મજબૂત બની છે અને એ હજુ પણ પ્રભાવશાળી રીતે આવનારા પાંય દાયકા સુધી પડકાર ઊભો કરતી રહેશે. તેનું મુખ્ય કારણ એક જ છેઃ બહુમતી હિન્દુઓનો અન્યાયબોધ. આ અન્યાયબોધ હજુ બે પેઢી સુધી યથાવત રહેશે અને સર્વોપરિતા સાબિત કરવા મથતો રહેશે.
ધૈવત ત્રિવેદી
અવિનાશ....પ૦ વર્ષની ઉંમર... મોટી કંપનીનો માલિક... તેની કંપનીમાં કેટલાય કર્મચારી કામ કરે, પ૦ વર્ષની ઉંમરે પણ એકસરસાઈઝ, જીમ, વિગેરેથી શરીર ફીટ રાખ્યું હતું. પૂરતી હાઈટ, ઉઘડતો વાન તેમાં પણ બ્યુટી પાર્લરે હવે સ્ત્રીઓની સાથે-સાથે પુરૂષોની બ્યુટી ટ્રીટમેન્ટ કરવાનું શરૂ કર્યુ એટલે પાર્લરની રેગ્યુલર ટ્રીટમેન્ટથી વધારે હેન્ડસમ લાગતો. શરીર પર એક ઈંચ પણ ચરબી નહીં. ઓફિસમાં હોય ત્યારે સૂટ-ટાઈ-સૂઝ... કડક બોસ... કામ માટે એકદમ કડક, પણ કર્મચારી સાથે રીસેષના સમયે કે ઓફિસ અવર્સ પછી મળવાનું થાય ત્યારે મિત્રની જેમ વર્તતો ઓફિસમાં કોઈ સ્ત્રી કર્મચારી સાથે ગેરવર્તન ન કરે... પણ હતો તો પુરૂષ જ ને... પૂર્ણ પુરૂષ - રંગીન મિજાજ એવું ન હતું કે તેની પત્ની સુંદર ન હતી. તેની પત્ની પણ તેના જેવી જ ખૂબસૂરત અને સ્ટાઈલીસ... પણ પુરૂષોને ક્યાં કોઈ દિવસ પત્નીથી સંતોષ રહે છે...? સુંદર પત્ની હોવા છતાં તેના તરફ કોઈ જ ફરિયાદ ન હોવા છતાં પુરૂષોની આંખો હંમેશાં અન્ય સ્ત્રીઓ પર ફરતી જ હોય છે ને... અવિનાશ પણ છેવટે પુરૂષ જ ને... પોતાના રૂપ, સ્માર્ટનેસ, પોતાની પોઝીશન અને પૈસાના જોર પર ક્યારેક ક્યારેક અન્ય સ્ત્રીઓનો સંસર્ગ કરી લેતો એવું નહીં કે તેને પત્ની માટે પ્રેમ ન હતો. ઘરમાં તે પત્ની અને દીકરીને પૂરેપૂરો સાચવતો. આ તો 'જસ્ટ ફોર ચેન્જ' એમ કહીને મિત્રો સામે આંખ મિચકારતો. પ્રેમ-બ્રેમ એવું કંઈ નહીં, કોઈ યુવતી કે સ્ત્રી ગમી જાય એટલે તેને મળવાના-મેળવવાના પ્રયત્ન કરતો, મળી જાય, જોઈએ તે મેળવી લે... પછી સંબંધ બહુ આગળ ન વધારતો.
આજે પણ આવો જ મોકો હતો. અરીસા સામે ઊભો હતો. પૂરા કદના આયનામાં પોતાની જાતને જોઈ. પછી મનોમન કહ્યું ' આજે તો જાતને વધારે શણગારવી છે, વધુ યુવાન દેખાવું છે' તે વોર્ડરોબ ખોલીને ઊભો રહ્યો. ઓફિસમાં હંમેશાં સૂટ પહેરતો અવિનાશ આવા 'ખાસ' પ્રસંગે જિન્સ, ટીશર્ટ-શર્ટ પહેરતો. વોર્ડરોબ સામે ઊભીને દસેક મિનિટ કપડા ઉથલાવ્યા પછી હમણાં જ ખરીદેલું નવી ફેશનનું ટીશર્ટ પહેરયું. નવું જિન્સ પહેરયું, સાથે નવો બેલ્ટ અને એકદમ સ્ટાઈલીસ વોચ... ચહેરાને ક્રીમ લગાડીને વધારે હેન્ડસમ કર્યો, વાળ બરાબર સેટ કર્યા અને ઉપરથી સુંગધીત સ્પ્રે... આવા ખાસ પ્રસંગ માટે માદક સ્પ્રે તેણે રાખ્યું હતું. તેનો ફૂવારો શરીર પર કર્યો અને જાતને અરીસામાં જોઈ, જાણે દસ વર્ષની ઉંમર ઘટી ગઈ. પોતાની જાત માટે અભિમાન થયું. તેની આંખમાં કામદેવતાનો નશો છવાયો અને એ નશામાં દેખાણી શર્વરી ર૪-રપ વર્ષની યુવતી - તેની તાજી-તાજી સેક્રેટરી... કેટલી સ્માર્ટ, કેટલી સુંવાળી, કેટલી નશીલી... તેની જોતા જ અવિનાશના તનબદનમાં નશાની લહેર દોડી જતી તેને પામવા તેનું લોહી ગરમ થઈ જતું. પણ અવિનાશે એક નિયમ રાખ્યો હતો કે, ઓફિસમાં ક્યારેય કોઈ સ્ત્રી કર્મચારી સાથે ગેરવર્તૂણક નહીં કરવાની... શર્વરી બે મહિનાથી સેક્રેટરી તરીકે હતી. પણ અવિનાશે ઓફિસમાં ક્યારેય કામ સિવાય વાત કરી ન હતી. ઈન્ટરવ્યું આપવા આવી ત્યારે જ જણાવ્યું હતું કે, તેનો પરિવાર ગામડે રહે છે. પોતે અહીં એકલી અકે નાનકડા ફલેટમાં રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. એટલે પગારમાંથી મોટાભાગની રકમ ઘરે મોકલે છે. અવિનાશે તેનો ફલેટ ક્યાં છે એ પણ પૂછી લીધું હતું. બે મહિનાથી સેક્રેટરી તરીખે સાથે રહેતી હતી. દરેક ક્ષણે તેને સ્પર્શવા ઉછળતા મનને અને તેને જોઈને ઉત્તેજીત થતા તનને કેવી રીતે કાબુમાં રાખ્યું હતું. તે અવિનાશ જ જાણતો હતો. આજે બે મહિને તેની તરસને જળ મળવાનું હતું. અને જળ પણ કેવું...? ગમે તેટલું ગટગટાવો તો પણ પ્યાસ ન ઘટે એવું. અવિનાશે વિચારી લીધું કે હજી તો પાંચ વાગ્યા છે.... સાડાપાંચની આસપાસ તેના ઘરે પહોંચી જઈશ. રજાનો દિવસ છે. એટલે શર્વરી ઘરે જ હશે. અવિનાશે પોતાના ઘરમાં પણ કહી દીધું કે આજે એક પાર્ટીમાં જવાનું છે. એટલે રાત્રે આવતા કદાચ મોડું થશે... તેણે વિચાર્યુ... સાડા પાંચથી સાડા દસ... સાડા અગિયાર... આહા... પાંચ...છ કલાક... આજે તો શર્વરીના રોમરોમને સ્પર્શી લેવું છે. બે મહિનાથી ઉછળતી ઉત્તેજનાને શાંત કરવી છે. આજે તો ધરાયને શર્વરીને માણવી છે. વિચારતા-વિચારતા જ તેના મન-મગજ પર નશો છવાય ગયો... તેના ચહેરા પર સ્મિત આવી ગયું.
આગળ કંઈ વિચારે તે પહેલા તેની અઢાર વર્ષની દીકરી તમન્ના તેના રૂમમાં આવી, આવીને અવિનાશને વળગી પડી... "વાઉ ડેડી... કેટલા યંગ લાગો છો...! મારા ફ્રેન્ડસ તો ક્યારેય માનતા જ નથી કે તમે મારા ડેડી છો...." અવિનાશે તેના ગાલ પર ટપલી મારી... "એ તો તારે પ્રાઉડ લેવાની વાત છે ને દીકરી" "હા... ડેડી... જ્યારે કોઈ એમ કહે કે તારા પપ્પા યંગ લાગે છે ત્યારે મને પ્રાઉડ થાય જ છે..." અવિનાશે હસીને તેના કપાળે વ્હાલ કરતા કહ્યું... "આજે અત્યાર ક્યાં જવાનું છે...? કોલેજ તો આજે રજા છે ને... તો અત્યારે...? ફ્રેન્ડસ સાથે જાય છે...? ક્યારે પાછી આવીશ...?
"ના પપ્પા... ફ્રેન્ડસ સાથે નથી જતી. આવતા મહિને યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ છે. તેમાં દરેક એક્ટિવીટીમાં એક એક એન્ટ્રી મોકલવાની છે. મારે મોનો એક્ટીંગમાં કૃતિ રજૂ કરવી છે. મેં નામ લખાવ્યું છે. ઘરે પ્રેક્ટીસ પણ કરી છે. આખી કોલેજમાંથી મોનો એકટીંગમાં ત્રણ જ એન્ટ્રી આવી છે. આજે તેનું સિલેકશન છે. બીજી કોલેજમાંથી પ્રોફેસર આવે, અમારે ઓડિશન આપવાનું છે. તેમાંથી તેઓ જેને પસંદ કરશે તેને યુનિ.માં પરફોર્મ કરવાની તક મળશે... બસ મને બેસ્ટ ઓફ લક વિશ કરો કે મારૂ સિલેકશન થઈ જાય" અવિનાશે તેને વ્હાલથી ગળે લગાડી અને કહ્યું, "મારી દીકરી... તું એટલી હોશિયાર અને સ્માર્ટ છો કે તને બેસ્ટ ઓફ લકની જરૂર જ નથી... જો જે ને તારૂ સિલેકશન થઈ જશે." "થેન્ક્યું ડેડી..." એમ કહીને વ્હાલભરી પપ્પી આપીને તમન્ના દોડી. અવિનાશ વ્હાલથી જોતો રહ્યો. પછી ફરીથી શર્વરીનો વિચાર કરી અરીસામાં જોઈ. વાળમાં છેલ્લી મિનિટનો હાથ ફેરવીને સીટી વગાડતો, હાથમાં કારની ચાવી રમાડતો બહાર નીકળ્યો. તેને આવતો જોઈને ડ્રાઈવરે કારનો પાછલો દરવાજો ખોલ્યો... પણ અવિનાશે તેને ના કહી કે , આજે તે જાતે કાર લઈને જશે. ડ્રાઈવરે આગલો દરવાજો ખોલ્યો... અને અવિનાશે સીટી વગાડતા વગાડતા કાર હંકારી દીધી...
રસ્તામાં શર્વરીનો વિચાર કરતો હતો. કેટલી યંગ... કેટલી ખૂબસૂરત... કેટલી સ્માર્ટ, કેટલી નશીલો... વિચાર કરતા જ તે રોમેન્ટીક થઈ જતો. તેણે શર્વરીને નોકરી તેની કાબેલીયત પર કે તેની લાયકાત પર નહી, તેની સુંદરતા જોઈને આપી હતી. નોકરી આપતી વખતે જ નક્કી કર્યુ હતું કે, એકાદ મહિનામાં તો તે શર્વરીને પોતાની બનાવી લેશે, પોતાની તરસ છીપાવી લેશે... પણ એવો મેળ જ ન પડ્યો... રોજ સવારથી સાંજ ઓફિસમાં હોય અને રજાના દિવસે તેના મમ્મી-પપ્પાને મળવા શર્વરી ગામડે જતી. અને ઉતાવળ કરવી અવિનાશના સ્વભાવમાં ન હતું. આમ પણ એકાદ મહિનો જવા દેવાનો તેનો ઈરાદો હતો જ... પણ આ તો બે મહિના થઈ ગયા.... આ વખતે તો રજા આવતી હતી. તેના બે દિવસ પહેલા જ અવિનાશે શર્વરીને કહી દીધું કે આ રજામાં ઘરે ન જતી. એક મિટિંગ છે. કદાચ તારી જરૂર પડે તો ફોન કરીશ. શર્વરીએ પણ નોર્મલ વાત સમજીને અવિનાશની વાત સ્વીકારી લીધી હતી. તેને ક્યાં ખબર હતી કે અવિનાશના મનમાં શું છે...? તે તો રજાના દિવસે ઘરે રહીને મિટિંગ માટે ફોનની રાહ જોતી હતી.
શર્વરીના વિચાર કરતો કરતો અવિનાશ કાર ચલાવતો હતો. કારમાં રોમેન્ટીક ગીત ચાલુ હતાં તે કાર ચલાવતા ચલાવતા પણ આવનારી ક્ષણોના વિચાર કરીને ખુશ થતો હતો. જો કે, શર્વરી હા પાડશે કે નહીં તેવી ક્યાં ખાત્રી હતી. પણ તેને એટલો ભરોસો કે અભિમાન હતું કે, ગરીબ ઘરની યુવતી નોકરી બચાવવા માટે તેની વાત માની લેશે... અને આ તો સોદો હતો ને... શર્વરીને સાથે રહ્યાં પછી તેને માણી લીધા પછી અવિનાશ તેના ખાતામાં રૂપિયા જમા કરાવવાનો જ હતો... અવિનાશને પોતાની સ્માર્ટનેસ અને રૂપિયાના પાવર પર ભરોસો હતો. શર્વરી મિડલ ક્લાસ એરિયામાં રહેતી હતી. ત્યાં કાર પાર્ક થાય તેવી જગ્યા ન હતી. તે કાર થોડી દૂર પાર્ક કરીને શર્વરીના ફલેટ પર પહોંચ્યો. ડોરબેલ દબાવતા... બે મિનિટમાં શર્વરીએ બારણું ખોલ્યું... ઓફિસમાં ડ્રેસકોડમાં આવતી શર્વરી અને અહીં ઘરમાં ટ્રાઉઝર - ટીર્શટમાં શર્વરી અલગ લાગતી હતી. શર્વરી અવિનાશ સામે જોઈ રહી... સરને અહીં જોઈને તેની આંખમાં આશ્ચર્ય થયું. 'સર તમે...? અહીં મારા ઘરે...? પ્લીઝ સર અંદર આવો ને... મિટિંગમાં જવાનું છે...? ફોન કરી દીધો હોત તો હું આવી જાત..." શર્વરીના અવાજમાં બોસ પ્રત્યે આદર હતો.
"ના... મિટિંગમાં તો નથી જવાનું... એ તો આજે કેન્સલ થઈ. મને સવારે જ મેસેજ આવ્યો, તને ખોટી રોકી... પણ સવારે કહું તો પણ તું ન જઈ શકે એ વિચારીને ન કહ્યું, આ તો આ બાજુ નીકળ્યો હતો. તો યાદ આવ્યું કે, તું અહીં રહે છે... એક તો તને ઘરે ન જવા દીધી એ ગિલ્ટ મનમાં હતો. બીજું મને ખબર છે કે, તું એકલી રહે છે અને આજે રજાના દિવસે બોર થતી હોઈશ... એટલે થયું કે, લાવ તને મળી લઉ... આમ પણ તરસ લાગી હતી તો..." અવિનાશે જાણી જોઈને વાક્ય અધુરૃં છોડી દીધું.
'સર બેસોને... એમ કહીને શર્વરી ખચકાઈ... ખરેખર તો શર્વરીના એક રૂમ, કીચનના ફલેટમાં સગવડ ન હતી. પોતે એકલી હતી એટલે એક સાધારણ બેડ, એકાદ ખુરશી અને રસોડાનો થોડો સામાન... તે ખચકાઈ કે બોસને આવા સાધારણ બેડ પર બેસવાનું કેમ કહેવું...? અવિનાશ તેની મુંઝવણ પામી ગયો. તે જાતે જ બેડ પર બેસી ગયો... શર્વરી આંખમાં આદરના ભાવ સાથે પાણી લેવા અંદર ગઈ... અવિનાશે બેડ પર હાથ ફેરવ્યો... રૂ નું ગાદલું, સાધારણ કોટન ચાદર... એક ક્ષણ તેનો હાથ અટકે...પણ પછી શર્વરીનો વિચાર આવ્યો કે ઘર સાધારણ છે, પણ તેમાં રહેનારી તો અસાધારણ છે ને... ભલે ને બેડશીટ કોટન છે, પણ શર્વરી તો રેશમી છે ને...? મારે ક્યાં અહીં કાયમ રહેવું છે...? શર્વરી એકવાર માની જાય પછી તો બિઝનેસ ટૂરના બહાને બહારગામ ક્યાં નથી જવાતું...? તેણે ફલેટની સાધારણતા અને બેડશીટનું બરછટપણું નજરઅંદાજ કરીને શર્વરીની અસાધારણતા, તેની માદકતા વિશે વિચાર્યુ... ત્યાં શર્વરી પાણી લઈને આવી. અવિનાશે ગ્લાસ લેવાના બહાને તેની આંગળીઓ સ્પર્શી લીધી. શર્વરીએ તે સ્પર્શને સહજ માન્યો, અવિનાશે પાણી પી ને ગ્લાસ પાછો આપ્યો. શર્વરી ગ્લાસ કીચનમાં મૂકીને પાછી આવી. શું વાત કરવી...? બોસની સરાભરા કેમ કરવી એ વિચારમાં શર્વરી અવિનાશની સામે ઊભી રહી, અવિનાશે કહ્યું... "શર્વરી... આ ઓફિસ નથી.. તારૃં ઘર છે. અને હું અત્યારે બોસ નથી, ઊભા રહેવાની જરૂર નથી... બેસી જા" શર્વરીએ ખુરશી ખેંચી... અને અવિનાશની સામે બેઠી. અવિનાશે બેડ પર પાછળની તરફ હાથ ફેલાવીને જાતને થોડી રીલેક્સ કરી... આરામથી બેઠો, પછી શર્વરીને કહ્યું, "ખુરશીમાં નહીં... અહીં મારી બાજુમાં બેસ" શર્વરી સહેજ ખચકાઈ... બોસનું આ રૂપ પહેલીવાર જોયું. અવિનાશે કહ્યું, "જો શર્વરી... તું સુંદર છે એ તો તને ખબર જ છે. સાથે ભણેલી અને હોશિયાર પણ છો જ... કામમાં પણ પરફેક્ટ છો જ... તારો પગાર, તારી આવડત અને કામ પ્રત્યેની લગનનો મેળ છે. પણ તું તારા ઘરની સ્થિતિ જાણે જ છે, આટલા પગારમાં તારો અહીંનો ખર્ચ અને તારા ઘરનો ખર્ચ કેમ મેનેજ કરીશ...? તું અહીં આવ... શરમ છોડ... બાકી તું સમજદાર છો જ... મારાં અહીં આવવાનો ઈરાદો તું સમજી ગઈ હોઈશ. તને જોઈ ત્યારથી તને પામવા ઈચ્છું છું... તું હા પાડ... મારી ઈચ્છા પૂરી કર... તારા એકાઉન્ટમાં કાલે દસ હજાર રૂપિયા જમા થઈ જશે. અને આ એકવખતની વાત નથી પછી તો આપણે બિઝનેસ ટૂર પર પણ સાથે જઈશું, તને નવી નવી જગ્યા જોવા મળશે, બિઝનેસનો અનુભવ મળશે, અને મારી ઈચ્છા પૂરી થતી રહેશે, દર વખતે તારા એકાઉન્ટમાં રકમ જમા થતી રહેશે... આ તારી કિંમત નથી, તું તો અનમોલ છો, આ તો મારા તરફથી તને ભેટ છે. અને હા... આમાં જબરજસ્તી પણ નથી, તારી હા પછી જ આગળ વધીશ" અવિનાશે વાત પૂરી કરી. શરીર લંબાવી દીધું, હવે રાહ જોતો હતો કે શર્વરી ખુરશી પરથી ઊભી થઈને બેડ પર આવે છે કે, નહીં...? જો કે તેને ભરોસો હતો જ કે શર્વરી માની જ જશે.
શર્વરી બે ચાર મિનિટ અચકાઈ, તેની આંખમાં લાચારી ઉમટી આવી. ચહેરા પર કાળાશ આવી ગઈ. કંઈ બોલી ન શકી, અવિનાશ કંઈ ન બોલ્યો, બસ ધીમા અવાજે રોમેન્ટીક ગીત ગુનગુનાવતો રહ્યો, શર્વરી શું કરવું એ વિચારમાં હતી. તેની આંખ સામે ગામનું નાનું ઘર, પિતાની ઓછી આવક, ઘરની ગરીબી, નાના ભાઈ-બહેનને ભણાવવાની ચિંતા તરવરી ગઈ. સામે અવિનાશની વાત માની જવાથી આવકમાં થતો વધારો અને ઘરમાંથી દૂર થતી ગરીબી દેખાઈ ગઈ. અંતે તેની કંગાળ આર્થિક સ્થિતિની મજબુરી જીતી ગઈ. ધીમા પગલે સંકોચાતી આવીને બેડ પર બેઠી. અવિનાશે 'ધેટ્સ માય ગુડ ગર્લ' કહીને બાથમાં લીધી. શર્વરીના હાથ આગળ ન વધ્યા. અવિનાશને શર્વરી સાથે આપે એવો આગ્રહ પણ ન હતો. તે શર્વરીના શરીર પર હાથ ફેરવતો હતો. આંખ-ગાલ-હોઠ, કાન, ગરદન પરથી ફરતો ફરતો હાથ નીચે ઉતરતો હતો, તેમ-તેમ શર્વરી વધુ સંકોચાતી જતી હતી.
અવિનાશે કહ્યું "શર્વરી આટલી શરમ ન રાખ... તું સાથ આપે એવો આગ્રહ નથી, પણ નોર્મલ તો રહે..." શર્વરી કંઈ બોલી ન શકી... અવિનાશે પોતાના હાથ અટકાવ્યા નહીં... તેનેે ઉતાવળ હતી... ટીશર્ટ... ટ્રાઉઝરના આવરણ હેઠળ ઢંકાયેલી શર્વરીની રેશમી મખમલી કાયાને સ્પર્શ કરવાની... પણ તેની પાસે ચાર-પાંચ કલાક હતાં... એટલે શાંતિથી આગળ વધતો હતો. સ્પર્શ, કીસ પછી શરીરના આવરણ હટાવવા તેના હાથ ટીશર્ટની કોર્નર સુધી પહોંચ્યા ત્યાં તેના મોબાઈલની રીંગ વાગી... 'ઓહ શીટ...' કહીને કંઈક ચીડથી તેણે મોબાઈલ હાથમાં લીધો. પણ સ્ક્રીન પર દીકરી તમન્નાનો ફોટો જોઈને તેના ચહેરા પરથી ચીડની રેખા ગાયબ થઈ ગઈ... એક હાથ શર્વરીના શરીર પર ફરતો રાખીને બીજા હાથે ફોન ઉપાડ્યો..." બોલ દીકરા.... કેવું રહ્યું તારૃં ઓડીશન...? સિલેકશન થઈ ગયું ને...?
સામા છેડેથી તમન્નાના અવાજને બદલે કસરૃં સંભાળયું, રડતા-રડતા બોલી... "ડેડી..." અવિનાશના અવાજમાં ચિંતા ભળી ગઈ... "શું થયું...? કેમ રડે છે..." તમન્ના રડતા-રડતા બોલી. "ડેડી... મેં કહ્યું હતું ને કે ઓડીશન લેવા બીજી કોલેજના પ્રોફેસર આવવાના છે... તો બીજી કોલેજમાંથી પ્રોફેસર સાવંત આવ્યા હતાં. તેમણે અમારા ત્રણેયનું પરફોર્મન્સ જોયું, પછી થોડીવાર અમને બેસાડી રાખ્યા... તે સરે રિઝલ્ટ નક્કી કરવા અલગ ચેમ્બર માંગી...? અમારા એક સરે તેમને પોતાની ચેમ્બર આપી. પ્રો. સાવંત તે ચેમ્બરમાં ગયા. થોડીવાર પછી મને બોલાવી, પહેલા તો મારા વખાણ કર્યા કે તારી એક્ટીંગ પરફેક્ટ છે.
તને જ યુનિવર્સિટી મોકલવી જ છે. તું અહીં તો ફર્સ્ટ છો જ, પણ જોજે યુનિ.માં પણ તું જ ફર્સ્ટ આવીશ... હું તને સિલેક્ટ કરૃં છું... આમ તો યુનિ.માં યુથ ફેસ્ટિવલમાં પણ જજ તરીખે હું જ આવીશ... મારી સાથે બીજા બે જણા જ્જ તરીખે હશે. પણ મારો નિર્ણય માન્ય ગણાશે. હું આ કોલેજમાંથી તારૃં નામ મોકલું છું... પણ તું જાણે છે ને કે કંઈપણ મેળવવા માટે કંઈક આપવું પડે, તું સમજે છે ને મારી વાત...? જો કે આજકાલના કોલેજ સ્ટુડન્ટને આવું કંઈ સમજાવવું પડતું નથી. આજના યંગસ્ટર્સ એટલું તો સમજે જ છે, અને આગળ વધવા માટે કંઈક આપવા તૈયાર જ હોય છે. બોલ તું તૈયાર છો ને...? ડેડી... આવું કહીને તેમણે ધમકી આપી છે કે જો હું તેમની વાત ન માનું તો મને ક્યારેય યુનિ.ના યુથ ફેસ્ટિવલમાં નહીં મોકલે..." તમન્નાએ રડતા-રડતા કટકે-કટકે વાત પૂરી કરી.
અવિનાશ ગુસ્સામાં ધ્રુજી ઉઠ્યો "આવી હિંમત... હમણાં હું આવું છું... તારા પ્રોફેસરને થપ્પડ મારીશને એટલે તેની બુદ્ધિ ઠેકાણે આવી જશે."
"ના ડેડી... અહીં આવવાની જરૂર નથી... થપ્પડ મારવાનું કામ મેં પૂરૃં કરી જ દીધું છે. તેના ગાલ પર એક લાફો મારીને આવી ગઈ... ભાડમાં જાય યુથ ફેસ્ટિવલ... મારે ક્યાં એવી જરૂર છે...? મારી ક્યાં એવી કોઈ મજબુરી છે કે હું તેની વાત માનું...? મેં બરાબર કર્યંુ ને ડેડી..." તમન્ના હવે થોડી સ્વસ્થ હતી...
"હા... દીકરા... તે બરાબર કર્યંુ... અવિનાશને દીકરી પર ગર્વ થયો.
"પણ... ડેડી મને એક વાત નથી સમજાતી... આ પુરૂષો સ્ત્રીની મજબુરીનો ફાયદો ઉઠાવવા કેમ તત્પર રહેતા હશે...? મજબુર હોય તેને વશમાં કરી લેવાની...? શું આવા પુરૂષોને બહેન કે દીકરી નહીં હોય...? તેમની બહેન કે દીકરી સાથે આવું થાય ત્યારે તેમને ખબર પડે કે મજબુર સ્ત્રીનો ફાયદો લેવો એ કેટલું તકલીફદાયક છે...?" તમન્નાની વાત સાંભળીને અવિનાશનું મગજ ઘુમી ગયું. તમન્ના બોલતી રહી અને તેણે 'પછી વાત કરીએ' કહીને ફોન કાપી નાખ્યો... દીકરીના શબ્દોથી તેના મગજમાં ધમધમાટ વ્યાપી ગયો. ફેશનેબલ વસ્ત્રો અને સ્પ્રેથી ઘટાડેલી ઉંમર અચાનક વધી ગઈ હોય તેવું લાગ્યું. વિચારમાંને વિચારમાં શર્વરીના શરીર પર ફરતો હાથ ક્યારે તેના માથા પર પહોંચી ગયો. ખબર જ પડી.
પણ શર્વરી સ્ત્રી હતી ને... આ સ્પર્શમાં આવેલો બદલાવ પારખી ગઈ. અવિનાશને પૂછ્યું, "શું થયું સર... તમે બરાબર છો ને...?"
"ના... શર્વરી... કંઈ નથી થયું... અને ઘણું બધું થતા રહી ગયું. શર્વરી મારી દીકરીના શબ્દોએ મને સજાવ્યું કે સ્ત્રીની મજબુરીનો ફાયદો લેનાર પુરૂષ જાનવર જેવો હોય છે, તું મારી દીકરીથી થોડી જ મોટી છો, અને આજે મારામાં રહેલા પુરૂષ સામે બાપની જીત થઈ... તું ચિંતા ન કરતી... તારે જ્યારે જરૂર હોય ત્યારે નિસંકોચ મારી પાસેથી રૂપિયા લઈ જશે... તારો પગાર પણ વધારી દઈશ... અને પ્રોમિશ કે બીજીવાર આવું ક્યારેય નહીં જ થાય..." કહેતા-કહેતા અવિનાશે આંખમાં આવતા આંસુ છુપાવવા આડું જોઈ લીધું.
'થેન્કયું સર..." શર્વરીની આંખમાં આભારના ભાવ હતાં...
અવિનાશ શર્વરીના ઘરની બહાર નીકળી ગયો. તેના ખભા પર જુવાન દીકરીના બાપ હોવાની સમજણનો ભાર હતો.
દિપા સોની
પ્રિય વ્હાલા વાચક મિત્રો મારી આજની સ્ટોરી કંઈક અલગ પ્રકારની છે. કેમ કે મારી સ્ટોરીમાં અંત શું આવશે તે હું પણ જાણતો નથી. તો પ્લીઝ! કૃપા કરીને આ સ્ટોરીમાં અંત શું આવી શકે તે આપશ્રી મને આપનો અભિપ્રાય આપો તેવી આશા રાખુ છું.
સરીતા બેટા, જલદી ઊઠ, કોલેજ જવાનું મોડું થઈ જશે. સરીતાના મમ્મીએ કહ્યું. ઓકે મમ્મી બસ હમણાં જ ફટાફટ તૈયાર થઉં છું, કહી સરીતા ફટાફટ તૈયાર થવા લાગી... તૈયાર થઈ સરીતા કોલેજ જવા રવાના થઈ. આમ પણ ભણવામાં પણ એકદમ મેચ્યોર હતી અને સહેલીઓની સાથે પણ સારૂ ટ્યુનીંગ હતું, પણ બધી જ સહેલીઓમાં સરીતા અવ્વલ નંબરની હતી. ભણવામાં પણ અને સુંદરતામાં પણ... ઘણાં કોલેજિયન છોકરાઓ તેમની પર ફીદા હતાં, પણ સરીતા કોઈની પણ સામે આંખ ઊઠાવીને પણ જોતી ન હતી, તેવા તેના સંસ્કાર હતાં, પરંતુ એક દિવસ એવો પણ આવ્યો કે સરીતાના મનમાં પણ ઝંઝવાત જાગ્યો.
વાત જાણે અમ હતી કે કોલેજમાં એક કાર્યક્રમ હતો. માત્ર કોલેજિયન છોકરાઓનો જેમાં પ્રથમ ક્રમાંક પર સાગર નામનો યુવાન આવ્યો, જે કોલેજનો હોનહાર વિદ્યાર્થી હતો. સાગર મધ્યમ પરિવારમાંથી હતો એટલે બીજા વિદ્યાર્થીની જેમ ફેશનેબલ નહોતો, પરંતુ સરીતાના મનમાં તો સાગર પહેલી જ નજરે વી ગયો. ભલેને સાગર મધ્યમ પરિવારમાંથી હતો. જ્યારે સરીતા થોડી પૈસાપાત્ર પરિવારમાંથી હતી, પણ સરીતાના મનમાંથી સાગર હટતો જ નહતો. બીજા દિવસે સરીતાએ સામે ચાલીને સાગર સાથે મુલાકાત કરી અને પ્રથમ નંબર આવવા બદલ અભિનંદન આપ્યા. સામે સાગરે પણ આભાર કહ્યું. પછી તો બન્નેની મુલાકાતો વધતી ગઈ અને બન્ને ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા તે પણ ન સમજાયું. આ વાતની જ્યારે સરીતાના ઘરમાં જાણ થઈ ત્યારે તેના ઘરમાં ભૂકંપ સર્જાયો, અને તાબડતોબ સરીતાને દૂર-દૂર બીજા શહેરમાં એડમિશન લઈ બીજા શહેરમાં મોકલવાની તૈયારી કરી લીધી.
આ વાતની જાણ સાગરને થઈ ત્યારે ગમે તેમ કરીને એકવાર સરીતાને મળવાનું નક્કી કરી લીધું, અને સરીતાના ફ્રેન્ડ દ્વારા મળવાની યોજના બનાવી લીધી ને મળવા પહોંચી ગયો, જેમાં પહેલેથી જ સરીતા તેની રાહ જોઈ રહી હતી. સાગરને જોઈ સરીતા ચોધાર આંસુએ રડવા લાગી. સાગર- ઓહ માય સાગર! સાગરે સાંત્વના આપતા સરીતાને છાની રાખી. સરીતાએ કહ્યું કે મને બીજા શહેરમાં એડમિશન મળી ગયું હોવાથી હું જઈ રહી છું. મારા ઘરનાના દબાણને વશ થઈને કદાચ આપણી આ છેલ્લી મુલાકાત હોઈ શકે, તો પ્લીઝ! સંભાળજે તું! તારૂ ધ્યાન રાખજે! તું હંમેશાં માટે મારા દિલમાં છે, હતો અને સદાયની માટે રહીશ! હું તને ક્યારેય પણ ભૂલી નહી શકું. બન્નેએ ઘણી બધી વાતો કરી એકબીજાને સાથે રહેવાના કોલ પણ આપી દીધા અને સાગરે કહ્યું કે હું તારી રાહ જોઈશ... જ્યાં સુધી તું પાછી નહીં આવે ત્યાં સુધી હું મારા જીવનમાં કોઈને પ્રવેશવા પણ નહીં દઉં, તો પ્લીઝ સરીતા તું તારો અભ્યાસ કરીને પાછી આવ ત્યારે મને જણાવજે... હું મારા ઘરનાને તારા ઘરે મોકલી આપણા લગ્નની વાત કરીશું. ઓકે! સાગર હું પણ તે દિવસની રાહ જોઈશ! ઓકે! બાય! કહી બન્ને છૂટા પડ્યા.
આમને આમ થોડો સમય વીતી ગયો. ત્યાં અચાનક એક દિવસ સરીતા પર જાણે આભ ફાટ્યું. તેના મમ્મી-પપ્પાએ તેના લગ્ન અમેરિકા સ્થિત એક બિઝનેસમેન સાથે નક્કી કરી દીધા ને સરીતાને સાગરને મળવાની કે વાત કરવાનો એક મોકો પણ કુદરતે ન આપ્યો અને તે પરણીને અમેરિકા વસી ગઈ. આ બાજુ સાગરને જાણ થતા તે સાવ ભાંગી પડ્યો, અને મનોમન પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ભગવાને જીવન આપ્યું છે ત્યાં સુધી બીજા કોઈને પરણીશ નહીં. પરણીશ તો ભલે ગમે ત્યારે, વર્ષો પછી કે આવતા જન્મારે, પણ પરિણીશ તો માત્ર સરીતા સાથે જ... આમ કહી જીવન પસાર કરવા લાગ્યો.
બીજીબાજુ સરીતા પણ વિદેશ સેટલ થઈ અને તેના પતિ સાથે જીવન જીવવા લાગી અને સમય પસાર થવા લાગ્યો ને ત્રણ બાળકોની માતા પણ બની ગઈ, પણ તેના દિલના એક ખૂણામાં સાગરને હજુ પણ રાખીને તેને યાદ કરતી રહી ને વિધાતાને દોષ આપતી. સરીતાનો એક પણ દિવસ એવો નહીં ઊગ્યો હોય કે તેણે સાગરને યાદ ન કર્યો હોય.
આ બાજુ સાગર પર પણ ઘરના તેમજ સગા-વ્હાલાઓ તરફથી લગ્ન કરવા પ્રેશર સર્જાવા લાગ્યું, પણ સાગર યેન-કેન પ્રકારે બહાના બનાવી લગ્ન તરફ આગળ જ નહતો વધતો. તેને તો બસ સરીતાની જ આશા હતી કે એક દિવસ તે મારી લાઈફમાં જરૂરથી પાછી આવશે.
પરંતુ કહેવાય છે ને કે વિધાતાના લેખમાં મેખ કોણ મારી શકે! ઉપરવાળાએ જે ગોઠવણી કરી હોય છે તેમાં કોઈ ફેરફાર ન કરી શકે! તે પ્રમાણે, સાગરે ખૂબ જ દબણવશ થઈને, મનને મારીને પણ, ઘરનાઓને રાજી રાખવા પણ એક જગ્યાએ હા પાડી દીધી ને થોડા દિવસોમાં તો સગાઈ પણ થઈ ગઈ, પરંતુ કુદરતનો કહેર તો જુઓ આ બાજુ સાગરની સગાઈ થઈ અને બીજી બાજુ સરીતા વિધવા થઈ. હા... વિધવા! તેના પતિનું માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ નિપજ્યું.
આમને આમ ૬-૧૨ મહિના વીતી ગયા. સરીતા ઉપર શું વિત્યું તેની જાણ સાગરને થઈ ને તેણે ખૂબ દુઃખ પણ અનુભવ્યું, અને મનોમન બોલ્યો કે ભલે સરીતા સાથે જે પણ બન્યું, પણ કાશ! મારી સગાઈ ન થઈ હોત તો હું સરીતાને હજુ પણ અપનાવી શકુ, અને તે માટે તેણે પ્રયત્નો પણ ઘણાં કર્યા, પરંતુ ઘરના પાસે તેનું કંઈ ચાલ્યું નહીં. પેલી બાજુ સરીતાને પણ જાણ થઈ કે સાગર લગ્ન કરવા જઈ રહ્યો છે,છતાં પણ તેના મનમાં આાનો એક સંચાર હતો કે હજુ પણ બાજી હાથમાં છે. જો સાગરનો કોન્ટેક થાય તો તેને સમજાવી શકું કે હું મારૂ બધું અહીં સેટલમેન્ટ કરી, મારા બાળકોને સેટલ કરી ત્યાં ઈન્ડિયા આવતી રહું ને આપણે લગ્ન કરી શકીએ, જેમ-તેમ કરી તેણે સાગરનો કોન્ટેક તો કર્યો. ફોન પર વાત પણ થઈ અને તેને સમજાવ્યું પણ ખરૂ પણ હવે વાત સાગરના હાથમાં નહતી. તેને તો ઘરનાના દબાણવશ થઈ માત્ર કહેવા પૂરતા લગ્ન તો કરવા જ પડે તેમ હતાં. તેના દિલો-દિમાગ પર તો માત્ર સરીતા જ હતી. સાગર ભગવાન સામે જોઈ મનમાં બબડવા લાગ્યો, કે 'હે ભગવાન! જ્યારે મારે સરીતા સાથે લગ્ન કરવા હતાં ત્યારે તે મારાથી તેને છીનવી લઈ મારાથી દૂર મોકલી દીધી અને જ્યારે અત્યારે મારો સમય આવે છે કે હું બીજાની સાથે લગ્ન કરવા માંડ તૈયાર થયો ત્યારે તે તેને પાછી મોકલી? હું શું કરૂ? ભગવાન! હું શું કરૂ કહી આંસુ વહાવા લાગ્યો'.
ધીરે-ધીરે સાગરના લગ્ન નજીક આવવા લાગ્ય ને માંડ બે મહિના બચ્યા હતાં, લગ્ન આડે! ત્યાં એક દિવસ સરીતાનો ફોન આવ્યો સાગર ઉપર કે સાગર પ્લીઝ! થોડો સમય મારી રાહ જો. હું અહીં બધી, મારા બાળકો સહિતની ગોઠવણી કરી ત્યાં આવું છું, હંમેશને માટે તારી થવા માટે, તો પ્લીઝ! જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું લગ્ન પાછા ઠેલી દેજે પ્લીઝ! સાગર! પ્લીઝ!
સાગરની હાલત પણ દયાજનક હતી. તે ન તો લગ્ન ઠેલી શકે અને ન તો સરીતાને અહીંયા આવવા માટે ના પાડી શકે. શું કરવું? તેની દ્વિધામાં તે ફસાઈ ગયો, પણ તેણે નિર્ણય તો લઈ જ લીધો છે કે હવે સગાઈ તો થઈ ગઈ છે તે માટે ઘરના સામે પણ જોવું પડે, જો હું સગાઈ તોડી નાંખું તો મારા ઘરનાની બદનામી થાય ને મને સમજી શકે તેવી દામીની જેવી પત્ની મળે છે જે મને કદાચ સરીતાને ભૂલાવી શકવાની પ્રેરણા પણ આપે. ભલે સરીતા મારાથી ક્યારેય પણ ભૂલાશે જ નહીં, પણ આમાં દામીનીનો તો શું વાંક? મારી બધી જ ખબર હોવા છતાં તે મને અપનાવવા તૈયાર છે, તો મારે પણ તેની પ્રત્યે વફાદારી રાખવી પડશે.
આમ કરતાં-કરતાં લગ્ન આડે માંડ પાંચેક દિવસ આડા રહ્યા હતાં ત્યારે સરીતાનો ફરી સાગર પર ફોન આવ્યો, કે સાગર હજુ પણ પાછો વળી જા ને પ્લીઝ! લગ્ન ન કર. તું કહે તો હું અત્યારે જ અહીં અમેરિકાથી રવાના થઉં પણ પ્લીઝ! પણ પ્લીઝ! પાછો ફરી જા! સાગરે કહ્યું કે 'સોરી! સરીતા હવે કંઈ જ થઈ શકે એમ નથી. માંડ-માંડ મેં મારા મનને દામીનીને અપનાવવા માટે તૈયાર કર્યું છે તો પ્લીઝ! હવે હું કંઈ જ કરી નહીં શકુ, પ્લીઝ! સરીતા મને દ્વિધામાં ન મૂક, જે થાય છે તે થવા દે. ભવિષ્યમાં જોઈશું કે શું કરવું. સરીતા! મારી હાલત એકદમ કફોડી છે કે ન તો હું લગ્ન અટકાવી શકું કે ન તોતારા આવવા સુધીનો ઈંતજાર કરી શકું. તો અત્યારે તો હું લગ્ન કરૂ જ છું. તું મારી કિસ્મતમાં હોઈશ તો એક દિવસ ભગવાન આપણને જરૂર ભેગા કરશે. તો પ્લીઝ! હવે મને ટેન્શનમાં ન નાખ! અને જે પણ કંઈ થઈ રહ્યું છે તે થવા દે!' કહી સાગરે ફોન મૂકી દીધો.
આમને આમ ચાર વર્ષ જેવો સમય વીતી ગયો. બન્ને એકબીજા સાથે ફોન પર વાત રેગ્યુલર કરે છે ને સાગર પણ સરીતાને ભૂલી નથી શકતો, સરીતા સાગરને નથી ભૂલી શકતી. સરીતા કહે છે કે, 'સાગર તું દામીની સાથે કંઈક એવું કર કે એ નારાજ થઈને તારાથી ડાયવોર્સ લઈ લે અને હું તારી લાઈફમાં પાછી ફરૂ.' પણ સાગરે કહ્યું કે તે શક્ય જ નથી. તેનો ફોલ્ટ જ નથી તો હું શું કરી શકું? તે મને ૧૦૦ ટકા પ્રેમ આપી રહી છે અને સામે હું તેને ૧ ટકા પ્રેમ પણ નથી આપી શકતો. તો તે હિસાબે ક્યા કારણથી તેનાથી છૂટવું. તો પ્લીઝ! હવે મને ભૂલી જા. તું પણ તારી લાઈફ બીજે ક્યાંક સેટલ કરી! હા! આપણો પ્રેમ અમર રહેશે, કદાચ ઈતિહાસના પાને લખાય તેમ! પણ સોરી, હું દામીનીને છોડી શકું એમ નથી અને તને અપનાવી શકું તેમ નથી! પણ સરીતા તો ખૂબ જ જીદ લઈને બેઠી છે કે મને તો તું જ જોઈએ...
તો વાચક મિત્રો હવે તમે જ કહો કે આમાં શું થઈ શકે? શું સાગર દામીનીને છોડી શકે? શું સાગર સરીતાને અપનાવી શકે? શું થઈ શકે આમાં તો આપનો અભિપ્રાય જણાવવા વિનંતી...
ચેતન પાબારી
હું હંમેશાંના નિયમ મુજબ રાત્રે જમીને ગામના ચોરે ગયો. ત્યાં અમે બધા મિત્રો કાકા કહેવતી શંકર, હરિઓમ્ હરિ ફેઈમ હરિહરરાય, હરખચંદ હોલીવૂડ, પીકાયૂ પહેલવાન વિગેરે તારક મહેતાની ગોકુલધામ સોસાયટીની જેમ દરરોજ ભેગા થતા હતાં અને એકબીજાની તકલીફનું નિવારણ કરતા હતાં.
આજે તો સિયા સેલ્ફીવાળી પણ આવી હતી.
આજે જોયું તો પીજીવીસીએલના એક અધિકારી મિત્ર માથે હાથ દઈને બેઠા હતાં.
મેં પૂછ્યુંઃ "કેમ આજે આમ બેઠા છો, મજા નથી...?"
તો કહેઃ "મજા તો છે, પણ મજા પડતી નથી."
ત્યાં જ કાકા કહેવતીશંકરે પૂછ્યું ઃ "એવી તે શી તકલીફ છે...? કંઈ કહે, તો રસ્તો નીકળે, આમ મોઢું વકાસવાથી કંઈ નહીં થાય."
"એવું છે ને કાકા," તેણે કહ્યું ઃ "હમણાં સરકારે ઓર્ડર કર્યો છે કે, ગમે તેમ કરીને બધે જ પ્રિપેઈડ સ્માર્ટ મીટર લગાવો અને લોકો આંદોલન કરી રહ્યાં છે, શું કરવું તેજ ખબર નથી પડતી."
"હવે તો રીટાયરમેન્ટ આરે છું, પણ લાગે છે કે હવે સસ્પેન્ડ થવાની નોબત આવી જશે."
"અરે, એમ કેમ સસ્પેન્ડ થવું પડે...? આપણે એવું કરીશું કે, લોકો સ્માર્ટ મીટર લેવા પડાપડી કરશે. અરે, નહીં મળે તો ઉપવાસ આંદોલન પણ કરશે." હરખચંદ હોલીવૂડે કહ્યું.
"શું વાત છે...? એવું થાય તો મજા પડી જાય..."
આ સાંભળી કાકા વિચારમાં પડી ગયા.
ત્યાં હરિ ઓમ્ હરિ ફેઈમ હરિહરરાયે કહ્યું ઃ- "તમે એક કામ કરો, આપણી મહાનગરપાલિકા જેવી સ્કીમ કાઢો. સ્કીમ...સ્કીમ...સ્કીમ..."
"અરે તું સ્કીમ બોલે છે કે સ્કેમ બોલે છે...?" પીકાયૂ પહેલવાને પૂછ્યું.
"સ્કેમ નહીં, સ્કીમ, સ્કીમ, જે વ્યક્તિ પ્રિપેઈડ સ્માર્ટ મીટર ફીટ કરાવશે, તેને બીલમાં એડવાન્સ પેમેન્ટનું સ્પે. ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઉપરાંત મીટર જો સિનિયર સિટીઝનના નામ ઉપર હશે તો પ% ડિસ્કાઉન્ટ. વળી સંસ્થાનું હોય તો રપ% ડિસ્કાઉન્ટ, બી.પી.એલ. કાર્ડ હોલ્ડરને ૩૦% ડિસ્કાઉન્ટ... વિગેરે ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ કરનારાને ર% વધુ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી દો.
પછી જુઓ, બધા જ મીટર ફીટ કરાવી લેશે."
"કેમ કે, ગામના અડધા લોકોને પ્રિપેઈડ મીટરમાં એડવાન્સ પેમેન્ટ કરવાનું હોય અને બાકીનાને બે મહિને બીલ ભરવાનું હોય તો કોણ વહેલાં ભરે...? સીધી વાત છે ને...?" પીકાયૂ પહેલવાને કહ્યું.
"પણ લોકો તો એમ કહે છે કે "અમારી પાસે સ્માર્ટ ફોન પણ નથી." તેનું શું...?"
"તેનો પણ મારી પાસે અફલાતુન રસ્તો છે."
"એમ, શું છે...?"
"તમે જેમ સિક્યુરિટી ડિપોઝિટ રૂા. ૧૦-૧૦ કરીને બધાને પાછી આપવના છો, તેમ બધાને ૧૦,૦૦૦/- નો સ્માર્ટફોન આપો. એનાં દર મહિને બિલમાં દશ-દશ ના...ના... સો-સો રૂપિયા કાપી લો કોઈ ના નહિં પાડે."
"ના તો નહીં પાડે, પણ પછી પૈસા ન ભરે તો..?"
"અરે, જીવશે ત્યાં સુધી તમારૃં બીલ ભરશે જ ને, જાશે ક્યાં...? પૈસા તો વ્યાજ સહિત વસુલ થઈ જાશે." પીકાયૂ પહેલવાને કહ્યું.
"તો પછી 'એપલ' ફોન આપીએ તો...?" હરખચંદ હોલીવૂડ ડબકો મૂકતા કહ્યું.
"જો એપલ ફોન આપીએ તો ભલે ને, સોને બદલે પાંચસો રૂપિયા દર મહિને કપાય, પણ લોકો કેવાં ખુશ થઈ જશે...!
બધા સામેથી પ્રિપેઈડ મીટર માંગશે, અરે, માંગશે શું, લાઈન લગાવશે.
અને લંગરીયાવાળા પણ સ્માર્ટ મીટર લેવા લાઈનમાં ગોઠવાઈ જશે અને બબડશે પણ....
'આખી જિંદગી ઈલેક્ટ્રીકની ચોરી કરીશું તો પણ એપલ ફોન તો નહીં જ ખરીદી શકાય. તેની બદલે કાયદેસર બીલ ભરીને જ લેવું શું ખોટું...!"
તમે જોજો તો ખરા, કોઈ માડી આવીને કહેશે ઃ "સાહેબ, મારો નાનકો રડે છે. તેને એપલનો જ ફોન જોઈએ છે. તે તો આપઘાત કરવાની ધમકી પણ આપી રહ્યો છે. સાહેબ, અમારા ઘરમાં બે રૂમ છે. તમે બન્નેમાં અલગ-અલગ મીટર ફીટ કરાવી દો, ભલે હું ડબલ બીલ ભરીશ, પણ મને બીજો એપલનો ફોન આપી દો..." સિયા સેલ્ફીવાળીએ કહ્યું.
"તમે જુઓ તો ખરા, સ્માર્ટ મીટરની પાછળ લોકો ઘેલા થશે. તમે પ્રિપેઈડ સ્માર્ટ મીટર નહીં આપો તો લોકો ધરણાં પણ બેસી જશે."
"તમારી એક જાહેરાત થશે ને કે, 'સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ આઈફોન' પછી જોજોને દરેક ઘર જેમ મોદી પરિવાર છે, તેમ સ્માર્ટ પરિવાર બની જશે..."
હરખચંદ હોલીવૂડે કહ્યું ઃ "વળી તમે ઘરેઘરે દરવાજા ઉપર સ્ટીકર પણ લગાવી શકશો, કે "આ ઘરમાં સ્માર્ટ મીટર છે..."
'તેથી ચોરી કરવા જેવું કંઈ નથી..." સિયા સેલ્ફવાળી ટહુકી.
પણ હરખચંદે વાત ચાલુ રાખતા કહ્યું ઃ "સાહેબ, ખરેખર જો તમે આ સ્કીમ ચાલુ કરો તો મને લાગે છે કે, એપલ કંપનીના સીઈઓ આપનું સન્માન કરવા ભારત આવે અને એકબાજુ મોદી સાહેબ અને બીજી બાજુ અમિત શાહ હોય, પાછળ આખું મંત્રીમંડળ તાળી પાડતું હોય, એમ બધાની વચ્ચે સન્માન કરતાં જે સ્પીચ આપે તેમાં બોલે ઃ 'વાહ, તમે તો કમાલ કરી દીધી. અમારા અમેરિકામાં પણ ઘરેઘરે આઈ ફોન નથી, અને તમારા ભારતમાં... શું વાત છે...! ખરેખર ભારત સ્માર્ટ બની ગયું છે. આપના જેવા અધિકારી સન્માનના અધિકારી છે.'
ત્યાં પધારેલા પ્રાઈવેટ પાવર કંપનીના સી.ઈ.ઓ. વિચારતા હશે કે અમે હજી કેમ સ્માર્ટ નથી બન્યાં...?
ત્યારે કાકા કહેવતીશંકર બબડ્યાઃ 'આનું જ નામ તે બાર હાથનું ચીભડું ને..."
અનિલ સરૈયા
વર્તમાનનો ફાઈવ-જી યુગ સ્માર્ટ ફોન ઉપર ચાલે છે. સોશ્યલ મીડિયા પર રીલ્સ જોવાનો મોટાભાગના સ્માર્ટ ફોન યુઝર્સનો દૈનિક નિયમ હશે. સમય (નવરાશ) મળે એટલે તરત સોશ્યલ મીડિયા એપ્સ પર સ્ક્રોલીંગ ઈન્ટરનેટના યુગમાં લોકપ્રિયતાનું નવું નામ 'વાયરલ' છે. બધાને વાયરલ થઈ જવું છે. સેલ્ફી, રીલ, સ્ટેટ્સ વગેરેના ઉપયોગ કરી ડિજિટલ દુનિયામાં તહેલકો મચાવી દેવા લોકો દિવાના થયા છે.
લોકોનું ધ્યાન ખેંચવા જોખમી સ્થળોએ ફોગોગ્રાફી, વીડિયોગ્રાફી કરી લોકો સોશ્યલ મીડિયા પર હિટ થવાના પ્રયાસો કરે છે. આવા જ એક પ્રયાસમાં મહારાષ્ટ્રમાં એક યુવતી કાર સાથે ખીણમાં ખાબકતા યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આવા નાના-મોટા અનેક અકસ્માતો થાય છે. રિલ્સના ચક્કરમાં.
ઘણાં લોકો અવનવા લૂકમાં ધંધો કરી તેના વીડિયો સોશ્યલ મીડિયામાં મૂકે છે અને લોકો તેના વ્યવસાયને સપોર્ટ કરવા લાગે છે. ડોલી ચાયવાલા આનું ઉદાહરણ છે. બિલ ગેટ્સ તેની ટપરીએ આવ્યા પછી ડોલી સ્ટાર બની ગયો છે અને હવે મોટા કાર્યક્રમોમાં અતિથિ તરીકે હાજર રહેવા રૂપિયા પાંચ લાખ જેટલી ફી લે છે.
એમ.બી.એ. ચાયવાલા અને બી.ટેક. પાનીપૂરીવાલી પણ સોશ્યલ મીડિયાના જોરે સફળ ધંધાર્થી થયાના ઉદાહરણરૂપ છે, પરંતુ થોડા સમય હાઈપ ક્રિએટ થયા પછી હવે આ બન્નેનો કારોબાર ડાઉન થઈ ગયો હોવાના અહેવાલ છે. તમારી પાણીપૂરી કે તમારી ચા માં કોઈ વિશેષતા કે ઉત્તમ ગુણવત્તા નહીં હોય તો અન્ય બાબતોથી ઊભી કરેલી ઉત્કંઠા દિર્ઘજીવી નહી જ હોય.
વ્યક્તિગત રિલ્સની બાબતમાં પણ એ જ બાબત લાગુ પડે છે. સંજોગવશ કે ભાગ્યવશ તમે કોઈ વખત કોઈ પોસ્ટ વડે વાયરલ થઈ જશો, પરંતુ જો તમારામાં પ્રતિભા નહીં હોય તો તમારી લોકપ્રિયતા અલ્પજીવી જ રહેશે.
સોશ્યલ મીડિયાની લોકપ્રિયતા ફૂગ્ગા જેવી છે. ગમે ત્યારે ફૂટી શકે, પરંતુ વર્તમાનમાં બધાને રેડીમેઈડ ફૂગ્ગાની જ આદત પડી ગઈ છે. જે તરફ પવન હોય એ તરફનો 'ફૂગ્ગાવો' સોશ્યલ મીડિયામાં જોવા મળે છે.
ઘણાં લોકો વિવાદિત નિવેદનો કરી વાયરલ થવાની ઝંખના પૂરી કરતા હોય છે, તો કેટલાક લોકો અશ્લિલતાનો પણ સહારો લઈ રહ્યા છે.
સોશ્યલ મીડિયાના યુગમાં લોકો ખ્યાતિ અને કુખ્યાતિ વચ્ચેનો ભેદ ભૂલી રહ્યા છે. ઘણાં લોકોની પોસ્ટ પર લાખો વ્યૂઝ હોય છે, પરંતુ એમાં મોટાભાગના લોકો એ પોસ્ટને બિરદાવતા હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. વિવાદ નિહાળવો લોકોને ગમે છે. માનવ સ્વભાવનો આ ગુણ ડિજિટલ મીડિયાનું ચાલક બળ છે. વિવાદિત બાબતોની પોસ્ટ જ વધારે વાયરલ થતી હોય છે, ત્યારે એ પોસ્ટ કરનાર લોકપ્રિય છે એમ કહેવું કેટલું સાર્થક કહેવાય?
વિવાદિત-મર્યાદાભંગ કરતી પોસ્ટ એ કોઈ કલાકૃતિ કે પ્રસ્તુતિ નહીં, પરંતુ 'તમાશો' છે અને આવા 'તમાશા' જ ધૂમ મચાવી રહ્યા છે. ટોળે વળવાની માનવ સહજ પ્રકૃતિનું ડિજિટલાઈઝેશન એટલે સોશ્યલ મીડિયા પોસ્ટનું 'વાયરલ' થવું. લોકો વાયરલ થવા માટે 'તમાશો' કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા મથતા કે બની બેઠેલા લોકોના કન્ટેન્ટમાં ગુણવત્તા ચકાસો તો મોટાભાગના ઈન્ફલુએન્સર ૩પ ટકા ગુણ પણ ન મેળવી શકે એવી સ્થિતિ છે.
ઘણી વખત સોશ્યલ મીડિયા એક પ્લેટફોર્મ તરીકે સોલીડ કાર્ય કરે છે. કોઈ નવોદિત કે સંઘર્ષરત ગુમનામ કલાકારની કૃતિ કે પોસ્ટ વાયરલ થાય અને તે રાતોરાત દેશભરમાં ખ્યાતિ મેળવે છે. ક્યારેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી મેળવી લે છે, પરંતુ આ બધા પાછળ પાયામાં તો તે કલાકારની પ્રતિભા અને ગુણવત્તાયુક્ત કૃતિ જ હોય છે એ ન ભૂલવું જોઈએ.
મોટાભાગે સોશ્યલ મીડિયા પર ફેમસ લોકો એટલા પ્રતિભાવાન હોતા નથી જેટલા તેઓ ખ્યાતનામ છે. ડિજિટલ દુનિયામાં સોશ્યલ મીડિયાએ એક રીતે લોકપ્રિયતાને હાથવગી બનાવી દીધી છે, પરંતુ મોટેભાગે તે સસ્તી (યુઝ એન્ડ થ્રો) લોકપ્રિયતા જ સાબિત થાય છે. લોકો એવી રીતે ખ્યાતિ મેળવી રહ્યા છે કે જેનાથી પ્રસિદ્ધિ બદનામ થઈ જાય. આવી પ્રસિદ્ધિનો નશો કારકિર્દી-સંબંધો-જીવન ખરાબ કરી શકે છે.
લાસ્ટ સ્ટેટમેન્ટ
દરેક કલાકાર કન્ટેન્ટ ક્રિએટર નથી હોતા અને દરેક કન્ટેન્ટ ક્રિએટર કલાકાર હોતો નથી.
(શીર્ષક પંક્તિઃ આદિત્ય-જામનગરી)
આદિત્ય જામનગરી
મેષઃ (અ, લ, ઈ) :
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપણી રાશિકુંડલીમાં બીજે ગુરૂ, હર્ષલ, ચોથે મંગળ, છઠ્ઠે કેતુ, સાતમે ચંદ્ર-નિચનો સૂર્ય, આઠમે બુધ-શુક્ર દસમે પ્લુટો, અગિયારમે સ્વગ્રહી શનિ તથા બારમે નેપ્ચ્યુન-રાહુ રહેલા છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનના કેતુ તથા અષ્ટમ્ ભુવનમાં બુધ-શુક્ર રહેલા છે.રાશિપતિ મંગળનો નિચભંગ થાય છે જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. છઠ્ઠે છાયાગ્રહ છે, જેથી જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી ઈચ્છનિય બનશે. રાહુ બારમે છે, આકસ્મિક ચિંતાથી મનોભાર રહેતો લાગશે. નાની-નાની બીમારીમાં જાતે દવા લેવાનું નિવારશો. જુની બીમારી મંદ ગતિએ સુધરતી લાગશે. પરિવારના સભ્યો કે વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. સપ્તમેષ આઠમે હોતા સામાજિક કે જીવનસાથીની તંદુરસ્તીના પ્રશ્નો અંગે દોડધામ રહેતી લાગશે. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ અનુભવશો. સંતાનથી વિવાદ નિવારશો. જામીનગીરી જેવા કાર્યોમાં સાવચેતી જરૂરી બનશે. ફક્ત માનસિક શ્રમ કરતા હોય તેમને માટે મગજને આરામ, શરીરને શ્રમ આપવો જરૂરી બનશે. છઠ્ઠે તથા આઠમે ગુરૂની દૃષ્ટિ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક બનશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપણી રાશિકુંડળના ધનસંગ્રહ સ્થાનમાં ભાગ્યેશ-વ્યયેશ ગુરૂ રહેલો છે, જેથી ભાગ્ય થકી ધનપ્રાપ્તિ થતી લાગશે. પારિવારિક આવક વૃદ્ધિ શક્ય બનશે. સંતાનથી ધનલાભ રહેશે. ગુરૂ વ્યયેશ પણ છે, જેથી આકસ્મિક ખર્ચ ઉદ્ભવતો લાગશે. બિનજરૂરી ખરીદી નિવારશો. ધર્મકાર્ય તથા માંગલિક કાર્યો પાછળ વિશેષ ખર્ચ રહેશે. ધનેશ આઠમે છે, તેથી ભાગબટાઈમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. ચતુર્થેશ અસ્તનો હોતા જમીન-મકાન-મિલકતમાં બિનજરૂરી રોકાણ ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. વર્ના પૂર્વાર્ધમાં આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકે છે. અહીં અગાઉ કરેલી બચત ખૂબ જ ઉપયોગી નિવડશે. વર્ષના ઉત્તરાર્ધમાં ભાગ્ય-લાભ સ્થાનને દૃષ્ટિ કરતો ગુરૂ વિકાસની તક ઉપલબ્ધ કરાવશે. છાયાગ્રહ બારમે રહેતા આવકની ગણતરીના આંકડાઓ ઘણી વખત ઘટતા લાગશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ રહેશે. બિનઅનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ નિવારશો.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષપ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં પ્લુટો રહેલો છે. કર્મેશ શનિ લાભસ્થાનમાં સ્વગ્રહી છે, જેથી ધર્મના ક્ષેત્રે આર્થિક લાભ પ્રાપ્ત થાય. છઠ્ઠાનો અધિપતિ બુધ આઠમે વિપરિત રાજયોગ કરે છે. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળતી લાગશે. સંતાનના નામથી ધંધો હશે તો નવું રોકાણ સમજપૂર્વક કરશો. સપ્તમેશ આઠમે છે. સામાજિક કાર્યોમાં જશપ્રાપ્તિ મધ્યમ રહેશે. નવા પ્રોજેક્ટો કે નવી એજન્સી અંગે વિશેષ અનુકૂળતા રહેતી લાગશે. જુની ઉઘરાણી કે આકસ્મિક ખર્ચ અંગે વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. ચોથે નિચનો મંગળ હોવાથી ધંધાની જગ્યાના પ્રશ્નોથી ચિંતિત રહેશો. કર્મેશ લાભ સ્થાનમાં હોતા કર્મનું ફળ મંદ, પરંતુ સ્થિર ગતિએ પ્રાપ્ત થતું લાગશે. પરદેશના કાર્યોમાં પ્રગતિ થતી લાગશે. આપની રાશિકુંડળના સેવા સ્થાનમાં છાયાગ્રહ છે. ભાગ્યેશ ગુરૂ ધનસ્થાનમાં છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગાર વધારો કે આર્થિક માંગ પૂરી થતી લાગશે. રાહુ ઘણીવાર મનોભાર સર્જી શકે છે. અહીં સમયનો સદુપયોગ કરીને હળવાશ અનુભવી શકશો. આર્થિક જવાબદારીવાળા કાર્યો અંગે અન્ય ઉપર વધુ પડતો વિશ્વાસ ચિંતા ન કરાવે તે જો જો. પૂરક જ્ઞાનપ્રાપ્તિ અંગે અનુકૂળતા રહેતી લાગશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પંચમેશ કેન્દ્રમાં છે. ગુરૂ બીજા સ્થાનમાં છે, જેથી વિદ્યપ્રાપ્તિમાં સારૂ રહેશે. વર્ષપ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળવાશ અનુભવી શકશો. રાહુ બારમે છે. અભ્યાસના ખર્ચ સિવાય બિનજરૂરી ખર્ચ નિવારશો. જામીનગીરી જેવા કાર્યો નિવારશો. પાપગ્રહ મંગળ ચોથે હોવાથી પડવા-વાગવા કે ઝડપી વાહનો અંગે તકેદારી કેળવશો. શનિ અગિયારમે સ્વગ્રહી છે. મિત્રો-સહેલીઓથી સહકાર પ્રાપ્ત થતો લાગશે. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. પૂરક જ્ઞાનપ્રાપ્તિ કે નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. રાહુ બારમે આભાષી ગ્રહ છે. બધું જ આવડે છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અવરોધ ઉત્પન્ન ન કરે તે જો જો. અધ્યાપક ગણ પાસેથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરી શકશો. વતનથી દૂર અભ્યાસ કરવા જવાનું વિચારતા હોય તો જે-તે સ્થળની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી બનશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં ચંદ્ર-નિચનો સૂર્ય રહેલો છે. ગુરૂ પરિવાર ભાવમાં છે, જેથી ગૃહસ્થ જીવનમાં સારૂ રહેશે. પારિવારિક પ્રશ્નો હળવા થતા લાગશે. આવકવૃદ્ધિ શક્ય બનશે. રાહુ બારમે છે. આળસ નિવારીને સાવચેતીપૂર્વક કર્મ કરશો તો કાર્યબોજ હળવો થતો લાગશે. વિકાસની તક પ્રાપ્ત થશે. મિત્રો-સ્નેહીથી લાભ થશે. તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-દોડધામ ઉદ્ભવી શકશો. સામાજિક કાર્યોમાં જશપ્રાપ્તિ વિલંબે મળશે. પંચમેશ કેન્દ્રમાં નિચસ્થ છે. સંતાનના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. ભૌતિક સુખોના સાધનોની ખરીદી કરવાની ઈચ્છા બળવત્તર બનતી લાગશે. હપ્તે મળતી વસ્તુ સમજપૂર્વક વસાવશો. કલા-સંગીત કે રચનાત્મક કાર્યોમાં રસ-રૂચિ કેળવી શકશો. સ્વની ઓળખના પ્રયાસોથી આત્મવિશ્વાસ વધતો લાગશે. આકસ્મિક ખર્ચમાં બચત વપરાતી લાગશે. પરદેશથી સારૂ રહેશે.
વૃષભ (બ, વ, ઉ) :
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે હર્ષલ-ગુરૂ, બીજે નિચનો મંગળ, પાંચમે કેતુ, છઠ્ઠે ચંદ્ર-નિચનો સૂર્ય, સાતમે બુધ-શુક્ર, નવમે પ્લુટો, દસમે સ્વગ્રહી શનિ તથા બારમે નેપ્ચ્યુન, રાહુ રહેલા છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના રોગશત્રુ સ્થાનમાં સૂર્ય-ચંદ્ર રહેલા છે. અષ્ટમ્ભુવનમાં કોઈ ગ્રહ નથી. રાશિમાં અષ્ટમેષ, લાભેશ ગુરૂ રહેલ છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહે. પારિવારિક તથા ધાર્મિક કાર્યો શક્ય બને. સામાજિક-માંગલિક કાર્યો પાછળ ખર્ચ રહે. ત્રીજો મંગળ કાર્યશક્તિમાં વધારો કરવામાં સહાયક બનશે. વિદ્યાભુવનમાં રહેલો કેતુ સંતાનની તંદુરસ્તી અંગે ચિંતા કરાવે. મનસ્થાન ઉપર મંદગ્રહ શનિની દૃષ્ટિ છે, જેથી આળસવૃત્તિથી કાર્યબોજ વધતો લાગશે. યોગ્ય શ્રમ, મહેનત, ખાન-પાનમાં સમયપાલન જરૂરી બનશે. જુની બીમારી અંગે વર્ષનો ઉત્તરાર્ધ હળવાશયુક્ત રહેશે. સમાજ કે પરિવારમાં વધુ પડતા અગ્રેસર બનીને કર્મ કરતા થાકની ફરિયાદ કરશો. મનગમતા કાર્યોમાં સમય ફાળવશો તો હળવાશ અનુભવી શકશો. પહેલો ગુરૂ તથા યોગકારક શનિ તંદુરસ્તીના પ્રશ્નોમાં હળવાશ અપાવી શકશે. જાગૃત રહેશો તો સ્વસ્થ તંદુરસ્તી જાળવી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનેશ બુધ કેન્દ્રમાં રહેલો છે. કારક ગુરૂની દૃષ્ટિ ધનેશ ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. રાહુ અગિયારમે રહેતા અટકતા લાભો પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો. યોગકારક શનિ દસમે સ્વગ્રહી છે. કર્મક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે મંદગતિએ સ્થિરતા પ્રાપ્ત થતી લાગશે. સંતાનના પ્રશ્નોથી વિશેષ ખર્ચ રહેશે. આર્થિક જવાબદારીવાળા કાર્યો શક્ય હોય તો નિવારવા. ગુરૂ ધનસ્થાને રહેતા નાના-મોટા લાભો પ્રાપ્ત થતા લાગશે. શનિની દૃષ્ટિ બારમે છે. ભૌતિક સુખોના સાધનોની ખરીદી પાછળ વિશેષ ખર્ચ કરશો. વધુ વળતર કે લોભ-લાલચથી નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. દેશાવરના કાર્યોમાં સ્પષ્ટતા-ચોક્સાઈને અગત્યતા આપવી જરૂરી બનશે. પારિવારિક ભાગબટાઈથી મળતા લાભો અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેતો લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના કર્મભુવનમાં યોગકારક શનિ રહેલો છે. લગ્નમાં ગુરૂ છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમનું ફળ પ્રાપ્ત થતું લાગશે. નવા ગ્રાહકો પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો. ગુરૂની બન્ને ત્રિકોણ તથા કેન્દ્રસ્થાન ઉપર દૃષ્ટિ રહેશે. અટકતા કાર્યો કે ઉઘરાણી જેવા કાર્યો ઉકલતા લાગશે. સંતાનની પ્રગતિ થતી લાગશે. એકથી વધુ ધંધાઓ કરવા વિચારશો. શનિ મંદગ્રહ છે તેથી ઘણી વખત કાર્યો ધીમી ગતિએ થતા લાગશે. અગિયારમે રાહુ દેશાવરના કાર્યોમાં સફળતા અપાવતો લાગશે. નવી યોજનાઓ, નવી પ્રોડક્ટ અંગે અનુકૂળતા રહેશે. જુના માલનો ઝડપથી નિકાલ જરૂરી બનશે. કર્મચારીઓ પાછળ વિશેષ ખર્ચ રહેશે. ધંધામાં પ્રતિસ્પર્ધાધઓ રહેતા નફાનું પ્રમાણ ઘટાડીને પણ ધંધાનો ટાર્ગેટ ઊંચો રાખવા પ્રયત્નશીલ બનશો. ધંધાના વિકાસ અર્થે નવા સાધનો વસાવવા માટે પ્રેરાશો. આપની રાશિકુંડળના સેવાસ્થાનમાં સૂર્ય-ચંદ્ર, ભાગ્યભુવનમાં પ્લુટો તથા કર્મભુવનમાં સ્વગ્રહી શનિ રહેલો છે, જેથી કર્મના ક્ષેત્રે મંદગતિએ સફળતા મળતી લાગશે. પ્રમોશન કે પગાર વધારા અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સર્વિસ કરતી મહિલાઓ માટે કાર્યબોજ સાથે મનોભાર રહેતો લાગશે. ફરજ અંગેની તાલીમ કે પરીક્ષામાં વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. ભાગ્યોદયની તક પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કેતુ રહેલો છે. પાંચમે તથા પંચમેશ બુધ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં સફળતા રહેશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરવામાં અનુકૂળતા રહેશે. મંદગ્રહ શનિ કેન્દ્રમાં છે, જથી વર્ષપ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળવાશ અનુભવી શકશો. મંગળ ત્રીજે છે, રમતગમત-સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશો. લેખન-પ્રોજેક્ટ જેવા કાર્યોમાં અનુકૂળતા રહેશે. રાહુ મિત્રભાવમાં છે, સહાધ્યાયીઓથી સહકાર રહેશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળ વિશેષ ખર્ચ ઉદ્ભવતો લાગશે. ગુરૂ રાશિમાં તથા ધનભાવમાં પરિભ્રમણ કરશે. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભો પ્રાપ્ત થતા લાગશે. ભાઈ-બહેનોથી વિશેષ સહકાર પ્રાપ્ત થશે. બિનજરૂરી ખર્ચ નિવારીને શિક્ષણના સાધનો-પુસ્તકો વગેરે પાછળ ખર્ચ કરશો તો પરીક્ષા સમયે હર્ષ પામશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના જીવનસાથી ભાવમાં રહેલા બુધ, શુક્ર ઉપર ગ્રહની દૃષ્ટિ છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. જીવનસાથીના ઉત્સાહથી, કાર્ય સફળતાથી હર્ષ પામશો. ધનેશ કેન્દ્રમાં ગુરૂથી દૃષ્ટિમાં છે. જીવનસાથીથી વિશેષ આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. વતન, મિલકત, માતૃપક્ષના પ્રશ્નોથી ચિંચિત રહેશો. રાહુ લાભ સ્થાનમાં છે. હરિફોથી વિજય પ્રાપ્ત થતો લાગશે. કર્મના ક્ષેત્રે લાભ રહેશે. ચર રાશિમાં ચાર ગ્રહો છે. પ્રવાસ-પર્યટનથી સારૂ રહેશે. કેન્દ્રત્રિકોણને દૃષ્ટિ કરતો ગુરૂ આકાંક્ષાઓની મંજિલે પહોંચવામાં હિંમત આપતો લાગશે. મકાન-વાહનની જાળવણીનો ખર્ચ વધતો લાગશે. સંતાનના અભ્યાસ અંગેના પ્રશ્નોથી ચિંતિત રહેશો. આધ્યાત્મિક ક્ષેત્રે મંદ ગતિએ સફળતા મળતી લાગશે. સસ્તી વસ્તુઓની લાલચમાં લોભાશો તો આર્થિક હાનિ ઉદ્ભવી શકે છે.
મિથુન (ક, છ, ઘ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળમાં બીજે નિચનો મંગળ, ચોથે કેતુ, પાંચમે ચંદ્ર-નિચનો સૂર્ય, છઠ્ઠે બુધ-શુક્ર, આઠમે પ્લુટો, નવમે સ્વગ્રહી શનિ, દસમે રાહુ-નેપ્ચ્યુન તથા બારમે ગુરૂ-હર્ષલ રહેલા છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે રાશિકુંડળના રોગશત્રુ સ્થાનમાં બુધ-શુક્ર, સપ્તમ્ ભુવનમાં પ્લુટો તથા રાશિપતિ છઠ્ઠે રહેલો છે, જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ સારી રહેશે. જુની બીમારી અંગે ડોક્ટરની સલાહ જરૂરી બનશે. વર્ષના ઉત્તરાર્ધમાં આપની કાર્યશક્તિ સારી રહેશે. કાર્યનું ફળ મળતા તથા નાના-નાના લાભો પ્રાપ્ત થતા હર્ષ પામશો. વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેશે. તૃતીયેશ નિચસ્થ છે, પ્રવાસમાં અજાણ્યા પદાર્થ લેવાનું નિવારશો. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેશે. નાની-નાની બીમારી અંગે સાવચેતી જરૂરી બનશે. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ પામશો. આરામ અંગે યોગ્ય સમયનું આયોજન જરૂરી બનશે. પેકિંગમાં મળતા ફૂડમાં એક્સપાયરી ડેટ જોવી જરૂરી બનશે. નાના-નાના ચહલ-પહલ જેવા કાર્યો જાતે કરવાનું જરૂરી બનશે. મનગમતા કાર્યોમાં સમય ફાળવશો તો વિશેષ માનસિક શાંતિ પ્રાપ્ત તી લાગશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં લાભેશ મંગળ રહેલો છે. ભાગ્યેશ શનિ સ્વગ્રહી છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. પારિવારિક આવક વૃદ્ધિ થતા હર્ષ પામશો. નાણાકીય લેતી-દેતીના કાર્યોમાં વિવાદ નિવારશો. મંદગ્રહ શનિ ભાગ્યમાં છે, જેથી મંદગતિએ ભાગ્યોદય થતો લાગશે. કર્મના ક્ષેત્રે ધનપ્રાપ્તિ રહેશે. વર્ષ પ્રારંભે ગુરૂ બારમે છે, જેથી સામાજિક કાર્યો, જીવનસાથી, ભાગીદારી તથા કર્મના ક્ષેત્રે આકસ્મિક ખર્ચ ઉદ્ભવતો લાગશે. પારિવારિક ખર્ચનો આંક વધતો લાગશે. અહીં કરકસર, આયોજનથી આર્થિક સંતુલન જાળવી શકશો. જમીન-મકાન-મિલકત વગેરેમાં રોકાયેલા નાણા પરત મળતા લાગશે. અહીં બાંધછોડ કરવી જરૂરી બનશે. વર્ષના પૂર્વાર્ધમાં બિનજરૂરી લોન લેવાનું નિવારશો. હપ્તે મળતી વસ્તુઓ સમજપૂર્વક વસાવશો. વારસાકીય પ્રશ્નો વિલંબે ઉકેલાતા લાગશે. જુની વસ્તુના નિકાલથી મળતી રકમ નવી વસ્તુઓ ખરીદવામાં સામાન્ય સહાયક બનતી લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના કર્મભુવનમાં નેપ્ચ્યુન-રાહુ રહેલો છે. કર્મેશ ગુરૂ બારમે છે. ભાગ્યેશ શનિ સ્વગ્રહી છે, જેથી કર્મના ક્ષેત્રે મંદ ગતિએ સફળતા મળતી લાગશે. દેશાવરના કાર્યોમાં સારૂ રહેશે. શનિ બળવાન હોતા બૌદ્ધિક કાર્યો, આયોજન, મેનેજમેન્ટ વગેરે જેવા કાર્યોમાં સફળતા મળતી લાગશે. ચોથે છાયાગ્રહ છે, ધંધાની જગ્યાના રિનોવેશન કે અન્ય કાર્યોમાં વિલંબ થતો લાગશે. ધંધા માટે નવી જગ્યાની ખરીદી કે ભાડે જગ્યા મેળવવા પણ સાવચેત રહેવું જરૂરી બનશે. સંતાનના નામથી ધંધો હશે તો નવું રોકાણ શક્ય હોય તો નિવારશો. વધતા વહીવટી ખર્ચને આયોજનપૂર્વક ઘટાડી શકશો. નાણાકીય અટકતા લાભો અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. આપની રાશિકુંડળના સેવા સ્થાનમાં બુધ-શુક્ર રહેલ છે. ભાગ્યેશ શનિ સ્વગ્રહી છે. કર્મ સ્થાનમાં રાહુ છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. નાના-નાના લાભો પ્રાપ્ત થતા લાગશે. સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહેશે. આપ આપની કાર્યશક્તિનો વિકાસ કરી શકશો. પરદેશના કાર્યો મંદ ગતિએ ઉકલતા લાગશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ કર્મ તથા અધુરી જવાબદારીવાળા કાર્યો અંગે જાગૃતતા કેળવવી પડશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં ચંદ્ર રહેલો છે. પંચમેશ શુક્ર છઠ્ઠે શનિની દૃષ્ટિમાં છે, જેથી જ્ઞાનપ્રાપ્તિમાં મંદગતિએ સફળતા મળતી લાગશે. પંચમેશ છઠ્ઠે હોતા વર્ષ પ્રારંભથી જ જ્ઞાનપ્રાપ્તિ માટે ચિંતન-મનન કરવું જરૂરી બનશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ શરૂ કરી શકશો. પારિવારિક પ્રશ્નો હળવા બનતા રાહત અનુભવશો. બિનજરૂરી દોડધામ કે સમયનો વ્યય પરીક્ષા સમયે નિરાશ ન કરે તે જો જો. વર્ષના પૂર્વાર્ધમાં ગુરૂ બારમે છે, જે અભ્યાસ અંગે વિશેષ ખર્ચ કરાવશે. સ્કોલરશીપ કે પૂરક ધનપ્રાપ્તિ અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગેની ઈચ્છા ફળતી લાગશે. વક્તૃત્વ સ્પર્ધા, પ્રોજેક્ટવર્ક, સંશોધન વગેરેમાં સારો દેખાવ કરી શકશો. શનિની દૃષ્ટિ ત્રીજે હોતા ઘણી વખત આળસવૃત્તિથી કાર્યબોજ વધતો લાગશે. મિત્રવર્તુળમાં ખોટો દખાડો કરવાની વૃત્તિ નિવારશો. અજાણી જગ્યાએ પ્રવાસના સ્થળોએ સાવધાની રાખવી.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના સામાજિક ભુવનમાં કોઈ ગ્રહ નથી. સપ્તમેશ તથા કારક ગુરૂ બારમે છે, જેથી જીવનસાથીથી વિવાદ નિવારશો. જીવનસાથી પાછળ આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકશો. પરદેશના તથા સામાજિક કાર્યોમાં સારૂ રહેશે. રહેઠાણ કે વાહનમાં ફેરફાર કરવાની ઈચ્છા વર્ષના પૂર્વાર્ધમાં શક્ય બનતી લાગશે. રાશિપતિ છઠ્ઠે છે. તંદુરસ્તી પ્રત્યે જાગૃતતા જરૂરી બનશે. પૌષ્ટિક આહાર, રહેણી-કરણીથી શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખશો તો હર્ષ પામશો. સ્વકર્મે ધનઉપાર્જન કરતી મહિલાઓ માટે વર્ષના ઉત્તરાર્ધમાં ભાગ્ય તથા લાભ સ્થાનને દૃષ્ટિ કરતો ગુરૂ આર્થિક લાભ અપાવવામાં સહાયક બનશે. જીવનસાથીનો આર્થિક વિકાસ થતો લાગશે. દેખાડો કરવાની વૃત્તિ નિવારશો અન્યથા કર્જના ભાગીદાર બનશો. મિત્રો-સહેલીના પ્રશ્નથી ચિંતિત રહેશો. વારસાકીય પ્રશ્નોમાં વિવાદ નિવારશો. રચનાત્મક કાર્યોમાં રસ-રૂચિ કેળવી શકશો.
કર્ક (ડ, હ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષપ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે નિચનો મંગળ, ત્રીજે કેતુ, ચોથે ચંદ્ર-નિચનો સૂર્ય, પાંચમે બુધ-શુક્ર, સાતમે પ્લુટો, આઠમે સ્વગ્રહી શનિ, નવમે નેપ્ચ્યુન-રાહુ તથા અગિયારમે હર્ષલ-ગુરૂ રહેલા છે.
વર્ષ પ્રારંભે નાની પનોતી ચાલુ છે.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ-સ્થાનમાં કોઈ ગ્રહ નથી. અષ્ટમ્ ભુવનમાં સ્વગ્રહી શનિ છે. રાશિપતિ ચંદ્ર ચોથે છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. રાશિમાં ઉગ્ર ગ્રહ હોતા પડવા-વાગવાથી તકેદારી રાખવી પડશે. ષષ્ઠેશ ગુરૂ પોતાના ભાવથી છઠ્ઠે છે, જેથી જુની બીમારીમાં રાહત રહેતી લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં માંગલિક-ધાર્મિક કાર્યો પાછળ દોડધામથી થાકની ફરિયાદ કરશો. પારિવારિક સભ્યોની તંદુરસ્તી અંગે ખર્ચ-ચિંતા રહે. ભૌતિક સુખોની તમન્નાથી શરીર ઉપર વધુ બોજ નાખશો તો ડોક્ટરની મુલાકાત શક્ય બનશે. રાહુ ભાગ્યભુવનમાં છે. આધ્યાત્મિકવૃત્તિ વિક્સાવીને મનની શાંતિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનશો. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે વધતી બચતથી હર્ષ પામશો. ગૃહસ્થજીવનમાં વિવાદ ન સર્જાય તે જો જો. વ્યાધિપતિ પાંચમે છે. સંતાનની તંદુરસ્તી અંગે જાગૃતતા કેળવવી પડશે. મનગમતા કાર્યોમાં સમય ફાળવશો તો હળવાશ પામશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનસ્થાન પાપકર્તરી યોગમાં છે, જેથી આર્થિક આયોજન ઈચ્છનીય બનશે. અટકતા નાણા કે ઉઘરાણી અંગે જાગૃતતા કેળવશો. વર્ષના પૂર્વાર્ધમાં પારિવારિક આવકવૃદ્ધિ શક્ય બનશે. પંચમેશ રાશિમાં છે. સંતાન, જ્ઞાન કે આકસ્મિક લાભથી નાની-નાની રકમો મળતા હર્ષ પામશો. મિલકત વેંચાણના પ્રશ્નો વર્ષના પૂર્વાર્ધમાં ઉકલતા લાગશે. શનિની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે. પારિવારિક તથા ભાગ-બટાઈથી મળતા લાભોમાં ઉદારતાવૃત્તિ રાખશો. કર્મના ક્ષેત્રે નવા સંબંધોથી લાભ રહેશે. શત્રુ ત્રિકોણમાં છે. અહીં બિનજરૂરી ખરીદી નિવારશો. ધનસ્થાન પાપકર્તરી યોગમાં છે. વધુ વળતર કે લોભ-લાલચથી નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. વર્ષના પૂર્વાર્ધમાં સંતાન તથા જીવનસાથીથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. રોજિંદી આવક-જાવકમાં ઘણી વખત અનિયમિતતા રહેતી લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મેશ મંગળ રાશિમાં નિચનો બનીને રહેલો છે. ભાગ્યેશ લાભ સ્થાનમાં છે, જેથી કર્મના ક્ષેત્રે સારૂ રહેશે. આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. ભાગ્યસ્થાનમાં રાહુ છે. દેશાવરના કાર્યોમાં સફળતા મળતી લાગશે. ચતુર્થેશ-લાભેશ પાંચમે છે. સંતાનના નામથી ધંધો હશે તો નાણાની પ્રવાહિતતા વધતા હર્ષ પામશો. પારિવારિક સંયુક્ત ધંધામાં પ્રગતિ થતી લાગશે. ધંધાની જગ્યાના રિનોવેશન કે અન્ય કાર્યો ઉકલતા લાગશે. અહીં ખર્ચયોગ વધતો લાગશે. નાની પનોતી ચાલુ છે. ધંધાના માટે નવી જગ્યા ખરીદી કે જગ્યા ભાડે લેવામાં પણ સાવચેતી જરૂરી બનશે. વધતા વહીવટી ખર્ચને આયોજનપૂર્વક ઘટાડી શકશો. આપની રાશિકુંડળીના સેવાસ્થાનમાં કોઈ ગ્રહ નથી. અષ્ટમ્ ભુવનમા સ્વગ્રહી શનિ છે. રાશિપતિ કેન્દ્રમાં છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. અટકતા લાભો કે પગાર વધારા જેવા પ્રશ્નો ઉકલતા લાગશે. ખાતાકીય પરીક્ષા, વિશેષ જ્ઞાનપ્રાપ્તિ કે ટ્રેનિંગ અંગે અનુકૂળતા રહેતી લાગશે. ફરજમાં ગેરહાજરીથી વિકાસનો માર્ગ ચઢાણવાળો ન બને તે જો જો. પ્રેઝન્ટેશન જેવા કાર્યોમાં સફળતા મળતી લાગશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં બુધ-શુક્ર રહેલો છે. કારક ગુરૂની દૃષ્ટિ પાંચમે છે, જેથી વિદ્યાભ્યાસમાં પ્રગતિ રહેશે. રાશિમાં મંગળ રહેલો છે, જેથી ઉત્સાહ-ઉમંગ અનુભવશો. રમત-ગમત-સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશો. વિવાદી કાર્યો નિવારશો. ગુરૂની દૃષ્ટિ પાંચમે છે, જેથી અભ્યાસ અટકી ગયો હોય તો વર્ષના પૂર્વાર્ધમાં અભ્યાસ પુનઃ શરૂ કરી શકશો. બીજું સ્થાન પાપકર્તરી યોગમાં છે. ખાન-પાનમાં પરેજી કેળવવી જરૂરી બનશે. બિનજરૂરી ઉજાગરા, જંકફૂડ, સમયનો વ્યય પરીક્ષા સમયે મનોભાર ન સર્જે તેનું ધ્યાન રાખવું. ગુરૂની દૃષ્ટિ ત્રીજે છે, લેખનશક્તિનો વિકાસ કરી શકશો. વતનથી દૂર અભ્યાસ કરતા હો તો બિનજરૂરી ખર્ચ નિવારશો. રાહુ ભાગ્યમાં છે. પ્રવાસ-પર્યટનમાં અજાણ્યા સ્થળે ખોટા સાહસો નિવારશો. પૂરક પ્રવૃત્તિથી ધનપ્રાપ્તિના પ્રયત્નો વર્ષના પૂર્વાર્ધમાં શક્ય બનશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં પ્લુટો રહેલો છે. સાતમે ગુરૂની દૃષ્ટિ છે, જેથી ગૃહસ્થ જીવનમાં સારૂ રહેશે. જીવનસાથીની આવક વૃદ્ધિ થતાં વર્ષ પામશો. ગુરૂ લાભ સ્થાનમાં છે. સહેલીથી સહકાર પ્રાપ્ત થશે. તંદુરસ્તીના નાના-નાના પ્રશ્નોમાં જાતે દવા લેવાનું નિવારશો. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બનશે. કર્મસ્થાન ઉપર શનિની દૃષ્ટિ છે, જવાબદારીવાળા કાર્યોમાં સાવચેતી રાખવી ઈચ્છનિય બનશે. ધનેશ નિચનો છે. લોભ-લાલચ કે વધુ વ્યાજની આશાથી નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. પિયર પક્ષના પ્રશ્નો હળવા થતા રાહત અનુભવશો. સર્વિસ કરતી મહિલાઓ માટે કાર્યબોજ રહેતો લાગશે. ગૃહસજાવટની ઈચ્છા શક્ય બનશે. સાતમે દૃષ્ટિ કરતો ગુરૂ સામાજિક કાર્યોમાં ગતિશિલતા આપશે. ભૌતિક સુખ-સગવડના સાધનો વસાવવાની ઈચ્છા ફળતી લાગશે. જીવનસાથીથી બૌદ્ધિક વિવાદોમાં જીદ નિવારજો.
સિંહ (મ, ટ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે બીજે કેતુ, ત્રીજે ચંદ્ર-નિચનો સૂર્ય, ચોથે બુધ-શુક્ર, છઠ્ઠે પ્લુટો, સાતમે સ્વગ્રહી શનિ, આઠમે રાહુ-નેપ્ચ્યુન, દસમે ગુરૂ-હર્ષલ તથા બારમે નિચનો મંગળ રહેલ છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના રોગશત્રુ સ્થાનમાં પ્લુટો, આઠમે નેપ્ચ્યુન-રાહુ રહેલ છે. રાશિપતિ સૂર્ય ત્રીજે નીચનો છે, જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ સારી રહેશે. બીજે છાયાગ્રહ છે. ખાન-પાનમાં વાસી પદાર્થ-અજાણ્યા પદાર્થો ખાવાનું નિવારશો. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી ઈચ્છનિય બનશે. રાશિપતિ પાપકર્તરી યોગમાં છે, જેથી ઘણીવાર બિનજરૂરી મનોભાર રહેતો લાગશે. વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા રાહત અનુભવશો. બેઠાડુ જીવનશૈલીથી અને વધતા વજનથી ચિંતિત ન બનો તે માટે યોગ્ય શ્રમ-કસરતને પ્રાધાન્ય આપવું જરૂરી બનશે. શનિની દૃષ્ટિ કેન્દ્ર ત્રિકોણ પર હોતા પ્રવાસ-પર્યટનમાં તંદુરસ્તી જાળવવી જરૂરી બનશે. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નો હળવા બનતા લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં રોગપ્રતિકારક શક્તિ વિક્સાવી શકશો. હકારાત્મક મનોવલણથી ઉત્સાહ અનુભવશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં છાયાગ્રહ રહેલો છે. ભાગ્યેશ મંગળ બારમે નિચનો છે. ધનસ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી આર્થિક ક્ષેત્રે મધ્યમ સારૂ રહેશે. અટકતા લાભો, પારિવારિક ભાગ-બટાઈના પ્રશ્નો અંગે અનુકૂળતા રહેતી લાગશે. છાયાગ્રહ રાહુ આઠમે છે, વારસાકીય પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. વર્ષના પૂર્વાર્ધમાં સંતાનથી આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ બનશે. સામાજિક કે માંગલિક કાર્યોમાં દેખાડો કરવાથી કર્જદાર ન બનો તે જો જો. રાશિ પાપકર્તરી યોગમાં છે, ધનપ્રાપ્તિની દોટમાં તંદુરસ્તી ન બગડે તે જો જો. પારિવારિક આવકવૃદ્ધિ અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં શ્રમના ફળ સ્વરૂપ નાના-નાના લાભ મળતા હર્ષિત થશો. કરકસરથી નાણા ખર્ચ કરશો તો બેંક બેલેન્સમાં વધારો કરી શકશો.
નોકરી-ધંધા-વ્યવસાયઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભવનમાં હર્ષલ-ગુરૂ રહેલા છે. કર્મેશ શુક્ર સ્વસ્થાનને દૃષ્ટિ કરે છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમનું ફળ, લાભ મળતા લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં વેંચાણ, સેવાનો આંક ઊંચે જતો જોઈ શકશો. નવા ગ્રાહકો મળતા હર્ષ અનુભવી શકશો. સંતાનના નામથી ધંધો હશે તો વિશેષ વિકાસ થતો લાગશે. હરિફો-પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થતો લાગશે. ભાગ્યેશ બારમે છે. ઘણીવાર ધીમી ગતિએ કાર્યો થતા લાગશે. દેશાવરના કાર્યોમાં સાવચેતી કેળવશો. નવી યોજના તથા પ્રોજેક્ટો અંગે અનુકૂળતા થતી લાગશે. જુના માલનો ઝડપથી નિકાલ જરૂરી બનશે. કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાતા હર્ષ અનુભવશો. ઉત્પાદન ક્ષેત્રે બજારની માંગ અને ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. આપની રાશિકુંડળીના સેવા સ્થાનમાં પ્લુટો, આઠમે નેપ્ચ્યુન-રાહુ રહેલા છે. રાશિપતિ સૂર્ય ત્રીજે નિચનો છે, જેથી સર્વિસમાં શ્રમથી સફળતા મળતી લાગશે. પગાર વધારો કે પ્રમોશનના પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. વર્ષના ઉત્તરાર્ધમાં પ્રોજેક્ટ વર્ક, સ્પર્ધાત્મક કાર્ય વગેરેમાં સફળતા પ્રાપ્ત થતી લાગશે. સામાજિક પ્રવૃત્તિથી રજાનું પ્રમાણ વધી ન જાય તે જો જો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પચંમેશ ગુરૂ કેન્દ્રમાં છે, જેથી જ્ઞાનપ્રાપ્તિ સારી રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ મિત્રભાવમાં રહેશે. મિત્રો-સહેલીથી લાભ-સહકાર પ્રાપ્ત થશે. લેખનશક્તિનો વિકાસ કરી શકશો. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભ જન્મના ગ્રહને આધિન થતા લાગશે. મંદગ્રહ શનિની દૃષ્ટિ રાશિ ઉપર છે. આળસ ત્યજીને કર્મ કરતા સફળતા મળતી લાગશે. કરકસરથી નાણા બચાવશો તો સંશોધન, પ્રોજેક્ટવર્ક જેવા કાર્યોમાં અનુકૂળતા રહેતી લાગશે. બધું જ આવડે છે, તેવો વધુ પડતો આત્મવિશ્વાસ પરીક્ષા સમયે નિરાશ ન કરાવે તે જો જો. વર્ષપ્રારંભથી જ પરીક્ષાની તૈયારીમાં લાગી જશો તો બીજો કેતુ મનોભારમાંથી મુક્તતા અપાવી શકશે. કેન્દ્રમાં શુભ ગ્રહો છે, તેથી તર્કશક્તિ, બૌદ્ધિક શક્તિ અને વિચારધારાનો વિકાસ કરી શકશો. ઉતાવળ-ઉશ્કેરાટ ટાળવા.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં સ્વગ્રહી શનિ રહેલો છે. પરિવારભાવમાં છાયાગ્રહ છે. ગુરૂ કેન્દ્રમાં છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. પારિવારિક પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. આળશ નિવારીને કર્મ કરશો તો કાર્યબોજ હળવો કરી શકશો. લાભેશ બુધ ચોથે છે. સહેલીથી સહકાર રહેશે. મિલકત-રહેઠાણ પાછળ ખર્ચ રહેતો લાગશે. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ ઈચ્છનિય બનશે. જશપ્રાપ્તિ વિલંબે મળતી લાગશે. સાતમે શશકયોગ થતાં ભાગ્યોદયની તક પ્રાપ્ત થતી લાગશે. પરદેશ કે પરદેશની વ્યક્તિ તથા વસ્તુથી લાભ રહેશે. શુક્ર કેન્દ્રમાં છે. કલા-સંગીત-રચનાત્મક કાર્યોમાં રૂચિ કેળવી શકશો. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. જીવનસાથીથી મળતા આર્થિક લાભોમાં વૃદ્ધિ થતી લાગશે. આધ્યાત્મિક કાર્ય કરીને નિજાનંદ પ્રાપ્ત કરવા કાર્યશીલ બનશો.
કન્યા (પ, ઠ, ણ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે કેતુ, બીજે ચંદ્ર-નિચનો સૂર્ય, ત્રીજે બુધ-શુક્ર, પાંચમે પ્લુટો, છઠ્ઠે સ્વગ્રહી શનિ, સાતમે નેપ્ચ્યુન-રાહુ, નવમે હર્ષલ-ગુરૂ, તથા અગિયારમે નિચનો મંગળ રહેલ છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં સ્વગ્રહી શનિ છે. અષ્ટમ્ ભુવનમાં કોઈ ગ્રહ નથી. રાશિપતિ બુધ ત્રીજે રહેલો છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. રાશિમાં છાયાગ્રહ છે. જુની બીમારી મંદ ગતિએ સુધરતી લાગશે. ભોજન સ્થાનમાં વ્યયેશ સૂર્ય હોતા વાસી, અજાણ્યા ખાદ્યપદાર્થ લેવાનું નિવારશો. પરિવારના સભ્યો કે વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ ચિંતા રહે. ગુરૂની દૃષ્ટિ રાશિ ઉપર હોતા યોગ્ય શ્રમ-કસરત જરૂરી બનશે. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ અનુભવશો. ફ્કત માનસિક શ્રમ કરતા હોય તેમના માટે મગજને આરામ અને શરીરને શ્રમ આપવું જરૂરી બનશે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તા, લોભ વગેરે અંગે વિચારવા, મનોમંથન કરવા ગુરૂ સહાયક બનશે. સામાજિક સંબંધોમાં દોડધામથી થાકની ફરિયાદ કરશો. છઠ્ઠે શનિ રહેતા રોગપ્રતિકારક શક્તિ વિક્સાવી શકશો. માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં લાભેશ ચંદ્ર તથા વ્યયેશ સૂર્ય રહેલા છે. આવકવૃદ્ધિ શક્ય બનશે. ખર્ચયોગ વિશેષ રહેતા બચતનું પ્રમાણ ઘટતું લાગશે. જુની ઉઘરાણી કે અટકતા નાણા અંગે બાંધછોડ કરવી પડશે. રાહુ સાતમે છે. જીવનસાથી કે સામાજિક બાબતો અંગે આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકે. પંચમેશ છઠ્ઠે છે. સંતાનના ધંધા-વ્યવસાય માટે આર્થિક રોકાણ સમજપૂર્વક કરશો. કર્મેશ પોતાના ભાવથી છઠ્ઠે છે. ભાગીદારીના આર્થિક પ્રશ્નો ઉકલતા લાગશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ બનશે. વર્ષના ઉત્તરાર્ધમાં શ્રમના ફળસ્વરૂપ નાના-નાના લાભો પ્રાપ્ત થતા હર્ષ અનુભવશો. પ્રવાસ, મોજ-શોખની વસ્તુના સાધનોમાં નાણા વાપરશો. બિનજરૂરી ખરીદી નિવારીને આર્થિક ક્ષેત્રે મજબૂત રહી શકશો.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મેશ બુધ ત્રીજે ગુરૂની દૃષ્ટિમાં છે, જેથી કર્મના ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થતી લાગશે. તૃતીયેશ લાભસ્થાનમાં છે, કાર્યનું ફળ મળતા હર્ષ પામશો. સંયુક્ત પારિવારિક આવકમાં વૃદ્ધિ થતી લાગશે. રાશિમાં કેતુ છે. ઘણી વખત બિનજરૂરી ચિંતા ઉદ્ભવતી લાગશે. વ્યયેશ ધનસ્થાનમાં છે. અહીં પુનઃ ચૂકવણીની ક્ષમતા મુજબ લોન લેશો. જીવનસાથીના નામથી ધંધો-વ્યવસાય હશે તો આર્થિક વ્યવહારો સમજપૂર્વક કરશો. વધુ નફાની લાલચમાં બિનઅનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ મનોભાર સર્જી શકે છે. ધંધા-વ્યવસાયની જગ્યાના પ્રશ્નો ઉકલતા લાગશે. આપની રાશિકુંડળીના સેવા સ્થાનમાં સ્વગ્રહી શનિ રહેલો છે. રાશિપતિ બુધ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. ગુરૂ ભાગ્ય સ્થાનમાંથી પસાર થતા પગાર વધારો કે પ્રમોશન જેવા પ્રશ્નો ઉકલતા લાગશે. ખાતાકીય પરીક્ષા કે નવા પ્રોજેક્ટ વગેરે અંગે શ્રમ અને સમયનું આયોજન જરૂરી બનશે. આર્થિક જવાબદારીવાળા કાર્યો કે અન્ય અગત્યના કાર્યો અંગે અન્ય લોકો પર વધુ પડતો વિશ્વાસ ચિંતા ન કરાવે તે જો જો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં પ્લુટો રહેલો છે. પાંચમે મંગળ તથા ગુરૂની દૃષ્ટિ છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં પ્રગતિ રહેશે. મંગળની દૃષ્ટિ ઘણી વખત ઉતાવળ-ઉશ્કેરાટ અપાવી શકશે. સ્પર્ધાત્મક પરીક્ષા, હરિફાઈ વગેરેમાં વિશેષ શ્રમ પ્રેક્ટિસ જરૂરી બનશે. કેન્દ્રમાં રાહુ છે, જેથી સમયનો સદ્ઉયોગ કરીને વર્ષ પ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળાવશ અનુભવશો. ભાગ્યેશ ધનલાભમાં છે. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભો અંગે અનુકૂળતા રહેતી લાગશે. કર્મસ્થાન પાપકર્તરી યોગમાં છે. વિવાદો નિવારશો. ઉતાવળ-ઉશ્કેરાટથી નુક્સાન-ચિંતા ઉદ્ભવી શકે. અધ્યાપકગણ પાસેથી નમ્રતાથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરી શકશો. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. નવી જાણકારી, જ્ઞાન પ્રાપ્ત થતું લાગશે. વ્યસનો છોડીને નાણા બચાવશો તો જ્ઞાનપ્રાપ્તિના વિશેષ સાધનો વસાવી શકશો. વિશેષ એકાગ્રતાથી કાર્ય કરશો તો સફળતા મળતી લાગશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના જીવનસાથી ભાવમાં નેપ્ચ્યુન, રાહુ રહેલો છે. સપ્તમેશ ભાગ્યસ્થાનમાં છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. રાહુ સાતમે હોતા ઘણી વખત વિવાદો ઉદ્ભવી શકશે. શનિ છઠ્ઠે છે. હરિફો-પ્રતિસ્પર્ધીઓના પ્રશ્નો મધ્યગતિએ ઉકલતા લાગશે. શનિની દૃષ્ટિ ત્રીજે છે. ભાઈ-ભાંડુના પ્રશ્નોથી ચિંતા રહેતી લાગશે. ખરીદીમાં સસ્તી વસ્તુની લાલચમાં લોભાશો તો આર્થિક હાનિ થતી લાગશે. અટકતા લાભો વર્ષના પૂર્વાર્ધમાં પ્રાપ્ત થતા લાગશે. ગુરૂ ત્રિકોણમાં છે. ધાર્મિક કાર્યો પાછળ વિશેષ ખર્ચ કરશો. શુક્ર શુભગ્રહો સાથે છે. ગુરૂની દૃષ્ટિમાં છે. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. જીવનસાથીથી વિશેષ આર્થિક લાભ મળતા હર્ષિત થશો. સ્વકર્મે ધન પ્રાપ્ત કરતી મહિલાઓ માટે વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની દૃષ્ટિ ધનભાવે રહેતા પગાર વધારો કે પ્રમોશન પ્રશ્નો ઉકલતા લાગશે. પરદેશ કે પરદેશની વસ્તુ તથા વ્યક્તિથી સારૂ રહેશે. નાના પ્રવાસોથી હર્ષ પામશો.
તુલા (ર, ત):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમા પહેલે ચંદ્ર-નિચનો સૂર્ય, બીજે બુધ-શુક્ર, ચોથે પ્લુટો, પાંચમે યોગકારક શનિ, છઠ્ઠે રાહુ, આઠમે ગુરૂ-હર્ષલ, દસમે નિચભંગ થતો મંગળ તથા બારમે કેતુ રહેલ છે.
વર્ષ દરમિયાન નાની કે મોટી પનોતી નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં નેપ્ચ્યુન, રાહુ રહેલા છે. આઠમે ગુરૂ-હર્ષલ રહેલા છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. જુની બીમારીમાં રાહત રહેતી લાગે. પાંચમેશ સ્વગ્રહી છે. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા લાગશે. ગુરૂ પરિવાર ભાવને દૃષ્ટિ કરે છે. પારિવારિક સભ્યોની સ્વાસ્થ્યના પ્રશ્નોથી રાહત રહેતી લાગશે. વર્ષના ઉત્તરાર્ધમાં વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા હર્ષ પામશો. ખાવા-પીવા અંગે સંયમ જરૂરી બનશે. નાની-નાની બીમારીમાં જાતે દવા લેવાનું નિવારશો. સામાજિક સંબંધોમાં દોડધામથી થાકની ફરિયાદ કરશો. જુના વ્યસનો મંદગતિએ ઘટતા લાગશે. આળસવૃત્તિથી કાર્યબોજ વધતા ચિંતિત રહેશો. કર્મના ક્ષેત્રે વધુ પડી દોડધામ કરતા થાકની ફરિયાદ કરશો. બિનજરૂરી ઉજાગરા ન કરતા સમયનું મૂલ્ય સમજીને તેને બચાવવાની કોશિશ કરશો તો નવા વર્ષમાં ડોક્ટરની મુલાકાતથી બચી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં બુધ-શુક્ર રહેલા છે. ધનેશ મંગળનો નિચભંગ છે. ગુરૂની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે સારૂ રહે. ધન મેળવવાની ઈચ્છા પ્રબળ બનતી લાગશે. યોગકારક શનિ બળવાન છે. રહેઠાણ-મિલકત અંગેના કાર્યોથી મળતા આર્થિક લાભોથી હર્ષ પામશો. ગુરૂની દૃષ્ટિ ધનભાવ ઉપર છે, જેથી પારિવારિક આવકવૃદ્ધિ શક્ય બનશે. ભૌતિક સુખ-સાધનોની ખરીદી અંગે લોન લેવા વિચારશો. આકસ્મિક ખર્ચ સમયે અગાઉ કરેલી બચત ખૂબ જ ઉપયોગી નિવડશે. બિનજરૂરી આર્થિક વ્યવહાર નિવારશો. વિલ-વારસા કે આર્થિક વિવાદો અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. લાભેશ સૂર્યનો નિચભંગ છે, જેથી અટકતા લાભો મળતા લાગશે. ધનપ્રાપ્તિ અંગે વિશેષ શ્રમ અને સમયનું આયોજન જરૂરી બનશે. જમીન-વતન-મિલકતથી લાભ નોંધી શકશો. આર્થિક જામીનગીરી જેવા કાર્યો શક્ય હોય તો નિવારવા.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકંડળીના કર્મભુવનમાં નિચભંગ થતો મંગળ છે. રાશિપતિ લગ્નમાં છે, જેથી કર્મના ક્ષેત્રે પ્રગતિ રહેશે. પરિવારથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ રહેશે. અધિકારી વર્ગથી વિવાદ નિવારશો. કર્મેશ અસ્તનો છે. કાર્યબોજ રહેતો લાગશે. કર્મચારીઓની આર્થિક માંગ વધતી લાગશે. અહીં આયોજનથી વહીવટી ખર્ચ ઘટાડી શકશો. નવા પ્રોજેક્ટો કે નવી યોજનાઓ અંગે વર્ષનો ઉત્તરાર્ધ અનુકૂળ રહેશે. પંચમેશ સ્વગ્રહી છે, તેથી સંતાનના નામથી ધંધો હશે તો આવકવૃદ્ધિ થતી લાગશે. પડતર માલના ભાવમાં ઘટાડો કરીને વેંચાણ કરતા હળવાશ અનુભવી શકશો. ધંધાના વિકાસ માટે માર્કેટીંગ, ગ્રાહકસેવા જરૂરી બનશે. આપની રાશિકુંડળીના સેવા સ્થાનમાં નેપ્ચ્યુન-રાહુ રહેલા છે. અષ્ટમ્ભુવનમાં રહેલા ગ્રહની દૃષ્ટિ બીજે છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગારવધારો-સ્થળાંતર જેવા કાર્યો ઉકલતા લાગશે. સામાજિક સંબંધોમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. પ્રતિસ્પર્ધાઓથી વિજય મળશે. જાગૃત બનીને કર્મ કરશો તો ભાગ્યસ્થાનમાંથી પસાર થતો ગુરૂ લાંબાગાળાના લાભો અપાવવામાં સહાયક બનશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના વિદ્યાભુવનમાં યોગકારક સ્વગ્રહી શનિ છે, કારકગુરૂ આઠમે છે, વિદ્યાપ્રાપ્તિમાં શ્રમ-આયોજનથી સફળતા મળતી લાગશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળ ખર્ચયોગ વધતો લાગેશ. સહાધ્યાયી મિત્રોથી સહકાર મળી રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે અનુકૂળતા રહેતી લાગશે. મંગળ કેન્દ્રમાં નિચભંગ છે, જેથી રમત-ગમત-સ્પર્ધા-હરિફાઈ વગેરેમાં પ્રતિસ્પર્ધીઓથી વિજય મળતો લાગશે. અહીં પૂર્વ અભ્યાસની પ્રેક્ટિસ આવશ્યક બનશે. ગુરૂ આઠમે છે. આર્થિક વહીવટો સમજપૂર્વક કરશો. આર્થિક જામીનગીરી જેવાકાર્યો શક્ય હોય ત્યાં સુધી નિવારવા. બિનજરૂરી, દોડધામ, વ્યસન કે ઉજાગરાથી પરીક્ષા સમયે તંદુરસ્તીમાં વિક્ષેપ ન પડે તે જો જો. પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે અનુકૂળતા રહેશે. બધું જ આવડે છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ પરીક્ષા સમયે નિરાશ ન કરાવે તે જો જો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના જીવનસાથી ભાવમાં કોઈ ગ્રહ નથી. સપ્તમેષ મંગળનો કેન્દ્રમાં નિચભંગ છે. પરિવાર ભાવ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી ગૃહસ્થજીવનમાં સારૂ રહેશે. જીવનસાથીથી લાભ-સહકાર પ્રાપ્ત થશે. લાગણીના સંબંધોમાં નિરાશા ઉદ્ભવી શકે છે. જુની બીમારીમાં સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને. છઠ્ઠે રાહુ છે. હરિફો-પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મળતો લાગશે. વારસાકીય કાર્યો અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. આર્થિક જવાબદારીવાળા કાર્યોમાં સાવચેતી કેળવવી જરૂરી બનશે. સહેલીઓથી આર્થિક વ્યવહારો સમજપૂર્વક કરશો. વિલ-વારસાના પ્રશ્નોમાં સમાધાનવૃત્તિ અપનાવવી જરૂરી બનશે. ભૌતિક સુખોની તમન્ના વધતી લાગશે. સ્વકર્મે ધન-ઉપાર્જન કરતી મહિલાઓને કર્મના ક્ષેત્રે પ્રગતિ રહેશે. અટકતા લાભો પ્રાપ્ત થશે. ભાંડુ કે પિયરપક્ષના પ્રશ્નો વર્ષના પૂર્વાર્ધમાં ઉકલતા હર્ષ પામશો.
વૃશ્ચિક (ન, ય):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે બુધ-શુક્ર, ત્રીજે પ્લુટો, ચોથે સ્વગ્રહી શનિ, પાંચમે રાહુ-નેપ્ચ્યુન, સાતમે હર્ષલ, નવમે નિચભંગ થતો મંગળ, અગિયારમે કેતુ તથા બારમે ચંદ્ર-નિચનો સૂર્ય રહેલ છે.
વર્ષ પ્રારંભે નાની પનોતી ચાલુ છે.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં તથા અષ્ટમ્ ભવનમાં કોઈ ગ્રહ નથી. શનિપતિ મંગળ ભાગ્યભુવનમાં નિચભંગ બનીને રહેલો છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. રાશિમાં શુભગ્રહ હોતા ભૌતિક કાર્યોમાં સફળતા મળતા હર્ષ પામશો. પરિવાર ભાવનો અધિપતિ પોતાના સ્થાનથી છઠ્ઠે છે. પાંચમે રાહુ છે, પારિવારિક સભ્યોની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. તૃતીયેશ ચોથે છે, જેથી કાર્યશક્તિ વિક્સાવી શકશો. રાશિપતિ મંગળ ઊંચનો છે, રાશિ ઉપર ગુરૂની દૃષ્ટિ છે, જેથી નાની-નાની બીમારી અંગે સાવચેતી ઈચ્છનિય બનશે. પાંચમો રાહુ સંતાનના આરોગ્ય બાબતેના પ્રશ્નોથી ચિંતા કરાવશે. બારમે અમાવસ્યાયોગ થાય છે, જુના વ્યસનો ત્યજતા વર્ષના ઉત્તરાર્ધમાં બચત કરી શકશો. બારમો કર્મેશ કર્મના ક્ષેત્રે વધુ પડતી દોડધામથી થાકની ફરિયાદ કરાવશે. નવા વર્ષમાં કુદરતી આહાર, સમયપાલન તથા યોગ્ય શ્રમથી સ્વસ્થ રહી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનેશ ગુરૂ સાતમે છે. ભાગ્યેશ ચંદ્ર બારમે છે, જેથી આર્થિક ક્ષેત્રે મધ્યમ સ્થિતિ રહે. લાભસ્થાનમાં છાયાગ્રહ છે. નાણાકીય લેતી-દેતીમાં સાવચેતી ઈચ્છનિય બનશે. પાંચમે રાહુ છે. સંતાનના નામથી આર્થિક રોકાણ સમજપૂર્વક કરશો. જમીન-મકાન-મિલકતમાં લાંબાગાળાના રોકાણો લાભપ્રદ રહેશે. પારિવારિક ભાગ બટાઈમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. કર્મેશ સૂર્ય બારમે છે. દેશાવરના કાર્યોમાં સફળતા મળતી લાગશે. ધનેશ શત્રુ ક્ષેત્રી છે. આવકની ગણતરીના આંકડાઓ ઘણી વખત ઘટતા લાગશે. પરિવારના સભ્યોની ભૌતિક સુખ-સગવડના સાધનોની ખરીદી પાછળ વિશેષ ખર્ચ રહેતો લાગશે. ગુરૂની દૃષ્ટિ ત્રીજે છે. કાર્યશક્તિનો વિકાસ કરી શકશો. નાની પનોતી ચાલુ છે. આળસવૃત્તિથી કાર્યબોજ વધી ન જાય તે જો જો. નાણાકીય અટકતા લાભો વર્ષના પૂર્વાર્ધમાં પ્રાપ્ત થતા લાગશે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મસ્થાન ઉપર શનિની દૃષ્ટિ છે. કર્મેશ સૂર્ય બારમે છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમથી સફળતા મળતી લાગશે. દ્વિતીયેશ ગુરૂ કેન્દ્રમાં છે. જ્ઞાન-પરિવારથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. આર્થિક નિર્ણયોમાં ઉતાવળ નિવારશો. કર્મેશ વ્યયભુવનમાં હોતા ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ રહેશે. અધિકારી વર્ગથી વિવાદ નિવારશો. વર્ષના પૂર્વાર્ધમાં ભાગીદારીના પ્રશ્નો ઉકલતા લાગશે. ષષ્ઠેશ નિચનો છે. કર્મચારીઓની આર્થિક માંગ વધતી લાગશે. પડતર માલના ભાવમાં ઘટાડો કરીને વેંચતા હળવાશ અનુભવશો. ધંધાના વિકાસ માટે માર્કેટીંગ જરૂરી બનશે. આળસવૃત્તિ નિવારીને સમય તથા કામનું આયોજન કરશો તો આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. આપની રાશિકુંડળના સેવાસ્થાનમાં કોઈ ગ્રહ નથી. રાશિમાં શુભગ્રહો છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગાર વધારો કે પ્રમોશનના પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા મળતી લાગશે. સર્વિસ કરતી મહિલાઓ માટે કાર્યબોજ વધતો લાગશે. અધિકારી વર્ગથી બગડેલા સંબંધો સુધારવા અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સર્વિસ અંગેના પ્રવાસોમાં વિવાદ નિવારશો.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના વિદ્યાભુવનમાં નેપ્ચ્યુન-રાહુ રહેલો છે. વિદ્યાપતિ ગુરૂ કેન્દ્રમાં છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં સારૂ રહેશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરી શકશો. વતનથી દૂર અભ્યાસ કરવા જવા વિચારતા હો તો જે-તે સ્થળની સંપૂર્ણ માહિતી મેળવીને કદમ માંડશો. વિદ્યાપ્રાપ્તિ અંગે ખર્ચ વધતો લાગશે. મિત્ર સ્થાનમાં કેતુ છે. મિત્રો-સહેલીની પસંદગીમાં સાવચેતી જરૂરી બનશે. ચર રાશિમાં ચાર ગ્રહો છે. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. પ્રવાસમાં અજાણ્યા સ્થળોએ ખોટા સાહસો નિવારશો. મહત્ત્વકાંક્ષા વધશે. પૂરક જ્ઞાનપ્રાપ્તિ કે નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગે વર્ષનો મધ્ય ભાગ અનુકૂળ રહેશે. રાહુ આભાસી ગ્રહ છે, વિદ્યાભુવનમાં છે, બધું જ આવડે છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અવરોધ ઉત્પન્ન ન કરાવે તે જો જો. બિનજરૂરી ઉજાગરા કે દોડધામથી પરીક્ષા સમયે ચિંતિત બની શકો છો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળના પતિભુવનમાં હર્ષલ તથા ગુરૂ રહેલા છે. સપ્તમેષની સાતમી દૃષ્ટિ છે, જેથી જીવનસાથીથી સારૂ રહેશે. જીવનસાથીથી આવકવૃદ્ધિ શક્ય બનશે. રાહુ પાંચમે છે, વિદ્યા-સંતાનના પ્રશ્નોથી ચિંતિ રહેશો. લાભસ્થાનમાં કેતુ છે. મિત્રો-સહેલી પાછળ ખર્ચ રહેશે. મંદગ્રહ શનિ ચોથે છે. મિલકત-રહેઠાણના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. કર્મસ્થાન પાપકર્તરી યોગમાં છે, સ્વકર્મે ધન પ્રાપ્ત કરતી મહિલાઓ માટે વિશેષ શ્રમ જરૂરી બનશે. દ્વિતીયેશ શત્રુક્ષેત્રી છે. ખાન-પાનમાં પરેજી જરૂરી બનશે. અજાણ્યા-વાસી ખાદ્યપદાર્થો, જંકફૂડ વગેરેથી નાની-નાની બીમારીઓ ઉદ્ભવી શકે. સપ્તમેશ શુક્ર ઉપર શનિની દૃષ્ટિ છે. સામાજિક કાર્યોમાં જશપ્રાપ્તિ વિલંબે મળશે. આકસ્મિક ખર્ચમાં બચત વપરાતી લાગશે. વિવાદો નિવારીને માનસિક શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. જાગૃત રહેશો તો શ્રમનું વિશેષ ફળ પ્રાપ્ત થતું લાગશે.
ધન (ભ, ધ, ફ, ઢ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં બીજે પ્લુટો, ત્રીજે શનિ, ચોથે રાહુ-નેપ્ચ્યુન, છઠ્ઠે હર્ષલ-ગુરૂ, આઠમે નિચનો મંગળ, દસમે કેતુ, અગિયારમે ચંદ્ર-સૂર્ય, તથા બારમે બુધ-શુક્ર રહેલા છે.
વર્ષ પ્રારંભે નાની કે મોટી પનોતિ નથી.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં હર્ષલ-ગુરૂ તથા અષ્ટમ્ ભુવનમાં નિચનો મંગળ રહેલ છે. રાશિપતિ છઠ્ઠે છે, જેથી તંદુરસ્તીની તકેદારી ઈચ્છનિય બનશે. ખાન-પાનમાં તીખા-ગરમ પદાર્થ તેમજ વાસી ખાદ્યપદાર્થ નિવારશો. સપ્તમેશ બારમે છે. સમાજ કે પરિવારમાં વધુ પડતા અગ્રેસર બનીને કર્મ કરશો તો થાકની ફરિયાદ કરશો. જીવનસાથીના તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહે. શનિ ત્રીજે છે. કાર્યશક્તિ વિક્સાવીને મનોભાર હળવો કરવા કોશિશ કરશો. શુક્ર ભૌતિક સુખોનો કારક છે અને બારમે છે, જેથી બિનજરૂરી ઉજાગરા કે વ્યર્થ દોડધામ ન કરતા સમયનું મૂલ્ય સમજશો તો ડોક્ટરની મુલાકાત લેવામાંથી અલિપ્ત રહી શકશો. સામાજિક કામોમાં વિવાદ ન સર્જાય તે જો જો. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે વધતી બચતથી હર્ષ પામશો. પ્રવાસમાં જરૂરી દવાઓ સાથે રાખવી જરૂરી બનશે. કુદરતી આહાર, સમયપાલન, યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં પ્લુટો રહેલો છે. ધનેશ શનિ ત્રીજે સ્વગ્રહી છે. ધનસ્થાન ઉપર ધનનો કારક ગ્રહ ગુરૂની દૃષ્ટિ છે, જેથી આર્થિક ક્ષેત્રે સારૂ રહે. અટકતા નાણા કે ઉઘરાણી અંગે બાંધછોડ કરવી જરૂરી બનશે. લાભેશ બારમે છે. નાણાકીય લેતી-દેતીમાં સાવચેતી કેળવશો. પારિવારિક ખર્ચની માંગ વધતી લાગશે. ખરીદીમાં બિનજરૂરી ખરીદી ન થાય તે જો જો. આવક કરતા જાવક વધતી લાગશે. શનિની દૃષ્ટિ પાંચમે છે. સંતાનના વિદ્યાભ્યાસ તથા ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ વિશેષ ખર્ચ રહેશે. રાહુ ચોથે છે. મિલકત-જમીન વગેરેમાં રોકાયેલા નાણા વર્ષના ઉત્તરાર્ધમાં પુનઃ પ્રાપ્ત થતા લાગશે. વિલ-વારસાથી મળતા આર્થિક લાભોમાં બાંધછોડ કરવી જરૂરી બનશે. ગુરૂ ધનસ્થાનને દૃષ્ટિ કરે છે, જેથી કર્મના ક્ષેત્રે સફળતા રહેશે. ગોચરના ગ્રહો આવક સામે જાવક દર્શાવે છે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષપ્રારંભે આપની રાશિના કર્મભુવનમાં છાયાગ્રહ છે, કર્મેશ બારમે છે, જેથી કર્મના ક્ષેત્રે સફળતા મેળવવા માટે વિશેષ શ્રમ કરવો જરૂરી બનશે. કર્મસ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ છે. ધંધા-વ્યવસાયમાં આર્થિક વિકાસ તથા કર્જમાં ઘટાડો સંભવી શકશે. ગુરૂની બારમે દૃષ્ટિ છે. ધંધા-વ્યવસાયના વિકાસ અર્થેના સાધનો વસાવી શકશો. ધનસ્થાન ઉપર ગ્રહની દૃષ્ટિ જોતા પારિવારિક આવકવૃદ્ધિ શક્ય બનશે. સંતાનના નામથી ધંધો હશે તો વર્ષના ઉત્તરાર્ધમાં પ્રગતિ થતી લાગશે. ભાગીદારીના પ્રશ્નોમાં જતું કરવાની ભાવના કેળવવી પડશે. વહીવટી ખર્ચ વધતો લાગશે. કર્મચારીઓની વધુ પગાર કે કમિશન અંગેની માંગણી વધતી લાગશે. ધંધાના વિકાસ અર્થે ગ્રાહક સેવા, સમયપાલન જરૂરી બનશે. આપની રાશિકુંડળીના ચોથા સ્થાનમાં હર્ષલ, ગુરૂ તથા અષ્ટમ્ભાવમાં નિચનો મંગળ રહેલ છે, જેથી સર્વિસમાં શ્રમ-સમયપાલનથી પ્રગતિ રહેશે. અટકતા લાભો કે પગાર વધારા જેવા પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. સહકર્મચારીઓથી સહકાર પ્રાપ્ત કરી શકશો. વર્ષના પૂર્વાર્ધમાં ખાતાકીય પરીક્ષા, વિશેષ જ્ઞાનપ્રાપ્તિ કે ટ્રેનિંગ અંગે વિશેષ અનુકૂળતા રહેતી લાગશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પંચમેશ આઠમે છે. વિકાસકારક ગુરૂ છઠ્ઠે છે, જેથી વિદ્યાપ્રાપ્તિ માટે વિશેષ શ્રમ-સમયનું આયોજન જરૂરી બનશે. વર્ષ પ્રારંભથી જ વાચન-મનન-ચિંતન કરશો તો વર્ષના ઉત્તરાર્ધમાં ત્રિકોણનો ગુરૂ જ્ઞાનપ્રાપ્તિમાં સહાયક બનશે. અભ્યાસ સિવાય બિનજરૂરી પ્રવૃત્તિઓમાં સમય ન વેડફાય તે જો જો. વર્ષના પૂર્વાર્ધમાં રમત-ગમત-સ્પર્ધામાં સારો દેખાવ કરી શકશો. ભાગ્યેશ મિત્રસ્થાનમાં છે. મિત્રો-સહેલીથી લાભ-સહકાર મળશે. શનિની દૃષ્ટિ વિદ્યાભુવન ઉપર છે. અહીં આળસવૃત્તિ નિવારવી જરૂરી બનશે. અભ્યાસ અટકી ગયો હોય તો વર્ષના ઉત્તરાર્ધમાં પુનઃ પ્રારંભ કરી શકશો. ગુરૂની દૃષ્ટિ કર્મભુવન ઉપર છે. અભ્યાસ સાથે પૂરક પ્રવૃત્તિથી ધનપ્રાપ્તિના પ્રયતનો ફળતા લાગશે. વતનથી દૂર અભ્યાસ કરવા જવાનું ઈચ્છનિય બનશે.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં કોઈ ગ્રહ નથી. સપ્તમેશ બુધ બારમે છે. જીવનસાથીથી બૌદ્ધિક વિવાદ નિવારશો. જીવનસાથીની કાર્ય સફળતાથી હર્ષ પામશો. ધનેશ ત્રીજે સ્વગ્રહી છે. આર્થિક ક્ષેત્રે વિકાસ થતો લાગશે. ભૌતિક સુખ-સગવડના સાધનો વસાવવાની ઈચ્છા ફળતી લાગશે. પિયરપક્ષના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. સ્વકર્મે ધનપ્રાપ્ત કરતી મહિલાઓ માટે કર્મ તથા ધન સ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ વિકાસ માટે સહાયક બનશે. હરિફોથી વિજય મળતો લાગશે. વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂની દૃષ્ટિ મિત્રભાવ ઉપર રહેતા મિત્રો-સહેલીથી સહકાર રહેશે. સંતાનના અભ્યાસ અંગેના પ્રશ્નોથી ચિંતા રહેતી લાગશે. પ્રવાસ-પર્યટનમાં અજાણી જગ્યાએ સાવચેતી કેળવશો. તૃતીયેશ શનિ સ્વગ્રહી છે. માંગલિક પ્રશ્નો ઉકેલાતા હર્ષ અનુભવશો. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. રચનાત્મક કાર્યોમાં રસ-રૂચિ કેળવશો.
મકર (ખ, જ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે પ્લુટો, બીજે સ્વગ્રહી શનિ, ત્રીજે નેપ્ચ્યુન-રાહુ, પાંચમે હર્ષલ-ગુરૂ, સાતમે નિચભંગ થતો મંગળ, નવમે કેતુ, દસમે ચંદ્ર-નિચનો સૂર્ય તથા અગિયારમે બુધ-શુક્ર રહેલા છે.
વર્ષ પ્રારંભે મોટી પનોતિનો ત્રીજો તબક્કો ચાલુ છે
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુસ્થાન તથા અષ્ટમ્ ભુવનમાં કોઈપણ નવી, રાશિપતિ બીજે સ્વગ્રહી છે. રાશિ ઉપર ગુરૂ ગ્રહની દૃષ્ટિ છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. આળસવૃત્તિ ઘટતા કાર્યબોજ હળવો થતો લાગે. જુની બીમારીમાં રાહત રહેશે. સંતાનની તંદુરસ્તીના પ્રશ્નો હળવા બનતા રાહત અનુભવશો. જુના વ્યસનો છોડતા બચત સાથે સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું લાગશે. મંગળની દૃષ્ટિ રાશિ પર છે. યાત્રા-પ્રવાસ દરમિયાન ખાન-પાનમાં સાવધાની રાખવી. આયોજનથી મનોભારમાંથી મુક્ત કરી શકશો. વિવાદી કાર્યો નિવારીને મનોભારમાંથી મુક્ત રહી શકશો. ફક્ત માનસિક શ્રમ કરતા હોય તેમના માટે મગજને આરામ અને શરીરને શ્રમ આપવો જરૂરી બને. શુક્ર ભૌતિક, સુખનો કારક છે. રાશિપતિની કેન્દ્રમાં છે, જેથી બિનજરૂરી ઉજાગરા, વ્યર્થ દોડધામ ન કરતા સમયનું મૂલ્ય સમજશો તો ડોક્ટરની મુલાકાત ઘટી શકશે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં ધનેશ શનિ સ્વગ્રહી બનીને રહેલો છે. લાભેશ મંગળની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. આવક સામે ખર્ચ યોગ પણ વધતો લાગશે. વ્યયેશ પાંચમે છે. સંતાનના શૈક્ષણિક કે માંગલિક કાર્યો પાછળ વધતા ખર્ચથી ચિંતિત રહેશો. અટકતા નાણા મંદગતિએ પ્રાપ્ત થતા લાગશે. ચતુર્થેશ નિચનો છે. સંયુક્ત મિલકતથી મળતા લાભોમાં બાંધછોડ જરૂરી બનશે. રાહુ ધનસ્થાનમાં આવશે. આર્થિક વ્ય્વહારો સમજપૂર્વક કરશો. સપ્તમેષ વ્યસ્તનો છે. સામાજિક પ્રસંગોએ દેખાડો કરવાની વૃત્તિ નિવારશો. ભૌતિકસુખોની તમન્ના વધતી લાગશે. બિનજરૂરી ખરીદી નિવારીને આર્થિક ક્ષેત્રે મજબૂત રહી શકશો. બચની માત્ર ઘટતી લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં શ્રમના ફળસ્વરૂપ નાના-નાના લાભો પ્રાપ્ત થતા લાગશે. યાત્રા-પ્રવાસમાં ધાર્યા કરતા વધારે ખર્ચ થઈ શકે છે.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીમા ચંદ્ર-સૂર્ય રહેલા છે. કર્મેશ લાભસ્થાનમાં છે. લાભેશમંગળની દૃષ્ટિ કર્મસ્થાન ઉપર છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમ-સમયપાલનથી સફળતા મળશે. કર્મના ક્ષેત્રે કાર્યબોજ ઘટાડવા સમયનું આયોજન જરૂરી બનશે. લાભેશ સાતમે છે, જીવનસાથીના નામથી ધંધો-વ્યવસાય હશે તો વિશેષ પ્રગતિ થતી લાગશે. સપ્તમેષ અસ્તનો છે. પાપગ્રથી દૃષ્ટિમાં છે. નવી ભાગીદારી શક્ય હોય તો નિવારશો. ભાગીદારીના જુના પ્રશ્નોમાં બાંધછોડ જરૂરી બનશે. ભાગ્યેશ-કર્મેશની યુતિ લાભ સ્થાનમાં છે, જેથી એકથી વધુ ધંધાઓ કરવા શક્ય બનશે. નવમો કેતુ દેશાવરના કાર્યોમાં સહાયક બનતો લાગશે. નવી પ્રોડક્ટ કે નવીયોજનાઓ અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુરૂપ રહેતો લાગશે. આપની રાશિકુંડળીના સેવાસ્થાનમાં તથા અષ્ટમ્ભુવનમાં કોઈ ગ્રહ નથી. સર્વિસમાં મંદગતિએ પ્રગતિ થતી લાગશે. પગારવધારો-સ્થળાંતર જેવા કાર્યો ઉકલતા લાગશે. કાર્યશક્તિનો વિકાસ થતા જશપ્રાપ્તિ મળતી લાગશે, જેથી સહકર્મચારીથી સહકાર મળી રહેશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ કર્મ તથા અધુરી જવાબદારીવાળા કાર્યો અંગે જાગૃતત કેળવવી જરૂરી બનશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં વિદ્યાકારક ગુરૂ રહેલો છે. પાંચમે બુધ-શુક્રની દૃષ્ટિ છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં સારૂ રહેશે. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરી શકશો. ગુરૂની દૃષ્ટિ લાભસ્થાન ઉપર છે. સ્કોલરશીપ કે અન્ય આર્થિક લાભ મળવાની શક્યતા રહેશે. વર્ષ પ્રારંભે પારિવારિક પ્રશ્નો હળવા થતા હળવાશ અનુભવશો. નાના-નાના સર્ટીફિકેટ કોર્સ અંગે ગર્વનો પૂર્વાર્ધ અનુકૂળ રહેશે. સમયનો સદુપયોગ કરીને વર્ષ પ્રારંભથી જ સજાગ રહેશો તો પરીક્ષા સમયે સારો દેખાવ કરી શકશો. વ્યયેશ પાંચમે છે, બિનજરૂરી ખર્ચ નિવારીને શિક્ષણના સાધનો-પુસ્તકો વગેરે પાછળ ખર્ચ કરશો તો પરીક્ષા સમયે હર્ષ પામશો. ચતુર્થેશ નિચનો છે. વતનથી દૂર અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તો તેમાં સફળતા મળતી લાગશે. અધ્યાપકગણ પાસેથી મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ થતું લાગશે. રમતગમત-સ્પર્ધા વગેરેમાં સારો દેખાવ કરી શકશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં નિચનો મંગળ રહેલો છે. સપ્તમેષ કેન્દ્રમાં છે, જેથી ગૃહસ્થજીવનમાં મધ્યમ સારૂ રહેશે. પરિવાર ભાવનો અધિપતિ સ્વગ્રહી હોતા પારિવારિક પ્રશ્નો હળવા થતા લાગશે. આવકમાં વૃદ્ધિ થતા હર્ષ પામશો. રાહુ ત્રીજે છે, આળસ નિવારીને કર્મ કરશો તો કાર્યબોજ હળવો કરી શકશો. સાતમે ઉગ્ર ગ્રહ છે. જીવનસાથીથી વિવાદ નિવારશો. લાભેશ નિચનો છે. સહેલી પાછળ ખર્ચ રહેશે. કેતુ ભાગ્યમાં છે, પરદેશના કાર્યોથી સારૂ રહેતું લાગશે. પિયર પક્ષના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગે. ખરીદીમાં સસ્તી વસ્તુની લાલચમાં લોભાશો તો આર્થિક ક્ષતિ લાગશે. ધાર્મિક કાર્યો પાછળ સમય-શક્તિનો ખર્ચ કરશો. વર્ષના મધ્યભાગમાં કાર્યશક્તિનો વિકાસ કરીને મનગમતી પ્રવૃત્તિ કરી શકશો. ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. પાકકળાનો વિકાસ કરી શકશો. જમીન-મિલકતના પ્રશ્નો વર્ષના મધ્યભાગ પછી ઉકલતા લાગશે. સપનાઓ સાકાર કરવા ઝઝુમશો.
કુંભ (ગ, સ, શ):
વિક્રમ સંવત ર૦૮૧ ના વર્ષપ્રારંભે આપની રાશિકુંડળીમાં પહેલે સ્વગ્રહી શનિ બીજે નેપ્ચ્યુન-રાહુ, ચોથે ગુરૂ-હર્ષલ, છઠ્ઠે નિચભંગ થતો મંગળ, આઠમે કેતુ, નવમે સૂર્ય-ચંદ્ર, દસમે બુધ-શુક્ર, તથા અગિયારમે પ્લુટો રહેલો છે.
વર્ષ પ્રારંભે મોટી પનોતિનો બીજો તબક્કો શરૂ છે.
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં મંગળ, આઠમે કેતુ તથા રાશિપતિ સ્વગ્રહી બનીને રહેલ છે, જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. શનિ મંદ ગ્રહ છે, જુની બીમારીમાં મંદ ગતિએ રાહત રહેતી લાગશે. ધનસ્થાનમાં રાહુ છે. તંદુરસ્તીના પ્રશ્નો અંગે વિશેષ ખર્ચ કરશો. ભોજનમાં વાસી-અજાણ્યા ખાદ્યપદાર્થો લેવાનું નિવારશો. પારિવારિક સભ્યોના સ્વાસ્થ્યના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેતી લાગશે. યોગ્ય શ્રમ-કસરતથી વજન ઘટાડવાની ઈચ્છા ફળતી લાગશે. કર્મના ક્ષેત્રના પ્રશ્નો તથા દોડધામથી થાકની ફરિયાદ કરશો.રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરી શકશો. સામાજિક કાર્યોના વિવાદથી મનોભાર ન સર્જાય તે જો જો. જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે વધતી બચતથી હર્ષ પામશો. ખાન-પાનમાં નિયમિતતા જરૂરી બનશે.નવા વર્ષમાં કુદરતી આહાર, સમયપાલન, યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેવાનું સૂચવે છે.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં રાહુ રહેલો છે. ધનેશ ગુરૂ કેન્દ્રમાં છે. રાશિપતિ સ્વગ્રહી છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. અટકતા નાણા, ઉઘરાણી કે કર્મનું વિશેષ ફળ પ્રાપ્ત થતું લાગશે. છાયાગ્રહ બીજે છે, જેથી નાણાકીય લેતી-દેતીમાં સાવચેતી જરૂરી બનશે. પંચમેશ યોગકારક સાથે છે. સંતાનના જ્ઞાન થકી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. પારિવારિક ભાગ-બટાઈમાં ઉદારતાવૃત્તિ કેળવવી પડશે. શનિની દૃષ્ટિ ત્રીજે છે, આર્થિક કરારો, લખાણોમાં સાવચેતી કેળવશો. સામાજિક પ્રસંગોએ દેખાડો કરવાની વૃત્તિથી કર્જદાર ન બનોતે જો જો. ચતુર્થશ-પંચમેશની યુતિ કેન્દ્રમાં રાજયોગ કરે છે. મિલકત-સંતાન-માતૃપક્ષથી આર્થિક લાભ પ્રાપ્ત થતો લાગશે. સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં ખર્ચ ઉપર સંયમ જરૂરી બનશે. ગુરૂની વ્યય સ્થાન ઉપર દૃષ્ટિ શુભમાર્ગે ખર્ચ કરાવશે.વિલ-વારસા જેવા કાર્યો ઉકલતા લાગશે. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં બુધ-શુક્ર રહેલા છે. કર્મેશ મંગળ છઠ્ઠે નિચનો છે, જેથી કર્મના ક્ષેત્રે શ્રમથી સફળતા મળે. રાશિપતિ સ્વગ્રહી છે. નવા ગ્રાહકો પ્રાપ્ત થતા હર્ષ થશે. બીજે રાહુ છે. ઉછીના નાણા આપવા કે આર્થિક જામીનગીરી જેવા કાર્યોમાં સાવચેતી કેળવશો. વધુ વળતર કે વ્યાજની લાલચમાં નાણાનું ખોટું રોકાણ ન થઈ જાય તે જો જો. ધનેશ કેન્દ્રમાં રહીને કર્મભુવનને દૃષ્ટિ કરે છે. કર્મના ક્ષેત્રે શ્રમનું ફળ પ્રાપ્ત થતું લાગશે. ભાગીદારીના પ્રશ્નો મંદગતિએ ઉકલતા લાગશે. ચતુર્થેશ સ્વસ્થાનને દૃષ્ટિ કરે છે. ધંધાની જગ્યાના પ્રશ્નો ઉકલતા લાગશે. ઉત્પાદનક્ષેત્રે માંગ અને ગુણવત્તા ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. નવા ગ્રાહકો, સંબંધો વિક્સાવીને આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. આપના સેવાસ્થાનમાં નિચભંગ થતો મંગળ, અષ્ટમ્ભુવનમાં કેતુ તથા ભાગ્યેશ શુક્ર કેન્દ્રમાં ગુરૂની દૃષ્ટિમાં છે, જેથી સર્વિસમાં પ્રગતિ રહેશે. પગાર વધારો કે પ્રમોશન જેવા પ્રશ્નો ઉકલતા લાગશે. હરિફોથી વિજય પ્રાપ્ત થતો લાગશે. કર્મસ્થાનમાં શુભ ગ્રહ છે. અધિકારીવર્ગથી સહકાર રહેશે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ કર્મ તથા અધુરી જવાબદારી અંગે જાગૃતતા કેળવવી જરૂરી બનશે.
વિદ્યાર્થીઓ માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના વિદ્યાભુવનમાં કોઈ ગ્રહ નથી. પંચમેશ બુધ ગુરૂથી દૃષ્ટિમાં છે, જેથી વિદ્યાભ્યાસમાં પ્રગતિ રહેશે. કારક ગુરૂ શત્રુક્ષેત્રી છે, જેથી વિદ્યાપ્રાપ્તિમાં શ્રમ-આયોજનથી સફળતા મળતી લાગશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળ ખર્ચ યોગ વધતો લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે અનુકૂળતા રહેતી લાગશે. અહીં પૂર્વાભ્યાસની પ્રેક્ટિસ આવશ્યક બનશે. વ્યયેશ રાશિમાં છે. આર્થિક જામીનગીરી જેવા કાર્યો શક્ય હોય તો નિવારશો. નાના-નાના સર્ટીફિકેટો કોર્સ અંગે સફળતા મળતી લાગશે. બીજે છાયાગ્રહ છે. ખાણી-પીણીમાં શર્ત જેવા કાર્યો નિવારશો. બિનજરૂરી ઉજાગરા, દોડધામ, વ્યસનોથી પરીક્ષા સમયે તંદુરસ્તીમાં વિક્ષેપ ન પડે તે જો જો. પ્રવાસ-પર્યટનમાં અજાણ્યા સ્થળોએ ખોટા સાહસો નિવારશો. અભ્યાસ અટકી ગયો હોય તો પુનઃ અભ્યાસ શરૂ કરવા અંગે વર્ષનો પૂર્વાર્ધ અનુકૂળ રહેતો લાગશે. જગતમાં વહેતી જ્ઞાનજળની સરિતામાંથી વધુને વધુ જ્ઞાનરસ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના જીવનસાથી ભાવમાં કોઈ ગ્રહ નથી. સપ્તમ્ સ્થાન પાપકર્તરી યોગમાં છે. જીવનસાથીથી બૌદ્ધિક વિવાદ નિવારશો. સપ્તમેશ ભાગ્યમાં છે. જીવનસાથીના ભાગ્ય થકી આર્થિક લાભ મળતો લાગશે. કેન્દ્રમાં શુક્ર શુભગ્રહ સાથે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થતા હર્ષ પામશો. આઠમે કેતુ ઉપર ગુરૂની દૃષ્ટિ છે. ગુઢ પ્રશ્નો ઉકલતા લાગશે. રાહુ બીજે છે. આર્થિક બાબતો અંગે અન્ય ઉપર વધુ પડતો વિશ્વાસ મનોભાર સર્જી શકે છે. વિલ-વારસાના પ્રશ્નોમાં સમાધાનવૃત્તિ અપનાવવી ઈચ્છનિય બનશે. સંતાનના શિક્ષણ કે માંગલિક પ્રશ્નો અંગે ખર્ચ-ચિંતા રહેશે. સહેલીઓથી સારૂ રહેશે. ગુરૂની દૃષ્ટિ કર્મભુવન ઉપર રહેતા સ્વકર્મે ધનઉપાર્જન કરતી મહિલાઓને કર્મના ક્ષેત્રે પ્રગતિ રહેશે. રહેઠાણ-ગૃહસુશોભન વગરે અંગે વિશેષ ખર્ચ રહેશે. ધાર્મિક કાર્યની ઈચ્છા વર્ષના ઉત્તરાર્ધમાં ફળતી લાગશે. પારિવારિક પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ બનશો.
મીન (દ, ચ, ઝ, થ):
વિક્રમ સંવત ર૦૮૧ માં આપની રાશિકુંડળમાં પહેલે રાહુ-નેપ્ચ્યુન, ત્રીજે હર્ષલ-ગુરૂ, પાંચમે નિચભંગ થતો મંગળ, સાતમે કેતુ, આઠમે નિચનો સૂર્ય-ચંદ્ર, નવમે બુધ-શુક્ર, અગિયારમે પ્લુટો, બારમે શનિ રહેલ છે.
વર્ષ પ્રારંભે મોટી પનોતિનો પ્રથમ તબક્કો ચાલુ છે
આરોગ્ય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના રોગશત્રુ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. અષ્ટમ્ ભુવનમાં ચંદ્ર-નિચનો સૂર્ય રહેલ છે. રાશિપતિ ગુરૂ ત્રીજે શત્રુક્ષેત્રી છે, જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ સારી રહેશે. રાશિમાં રાહુ છે, જુની બીમારી અંગે ડોક્ટરની સલાહ જરૂરી બનશે. દ્વિતીયેશ ત્રિકોણમાં છે, ખાન-પાનમાં ગરમ-તીખા પદાર્થનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું સારૂ. પરિવારના સભ્યો કે વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ-ચિંતા રહેશે. સપ્તમ્ સ્થાનમાં છાયાગ્રહ છે. સામાજિક કે કર્મના પ્રશ્નોથી દોડધામથી થાકની ફરિયાદ કરશો. વ્યયેશ વ્યયમાં હોતા જુના વ્યસનો ત્યજતા માનસિક રાહત સાથે હર્ષ પામશો. પંચમેશ ચંદ્ર ખાડે છે. સંતાનના ખાન-પાન, રહેણી-કરણીના પ્રશ્નોથી ચિંતિત રહેશો. પંચમ્ભુવનમાં ઉગ્ર ગ્રહ છે. સંતાનથી વિવાદ નિવારશો. નવમે ગુરૂની દૃષ્ટિ હોતા ધર્મ, આધ્યાત્મિક્તા, શુભ કાર્યો અંગે વિચારણામાં ગુરૂ સહાયક બનશે. યોગ્ય શ્રમ-કસરતથી સ્વસ્થતા જાળવી શકશો.
નાણાકીય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં કોઈ ગ્રહ નથી. ધનેશ મંગળનો નિચભંગ છે. ગુરૂની દૃષ્ટિ ભાગ્ય તથા લાભસ્થાન ઉપર છે, જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. ધન મેળવવાની ઈચ્છા પ્રબળ થતી લાગશે. મિત્રો-સહેલીથી નાના-નાના આર્થિક લાભો પ્રાપ્ત થતા લાગશે. મંગળની બારમે શનિ ઉપર દૃષ્ટિ છે. આકસ્મિક ખર્ચ ઉદ્ભવતો લાગશે. અહીં અગાઉ કરેલી બચત સહાયક બનશે. ગુરૂની દૃષ્ટિ ધર્મત્રિકોણ ઉપર હોતા પ્રવાસ-યાત્રા વગેરે પાછળ ખર્ચ રહેશે. શુક્ર ત્રિકોણમાં છે. ભૌતિક સુખ-સાધનોની ખરીદી શક્ય બનશે. બિનજરૂરી આર્થિક વ્યવહાર નિવારજો. સાતમે કેતુ હોતા આર્થિક ભાગીદારી જેવા કાર્યોમાં સાવચેતી જરૂરી બનશે. ધનેશ નિચનો છે. આર્થિક જવાબદારીવાળા કાર્યોમાં અન્ય ઉપર વધુ પડતો વિશ્વાસ નિરાશા સાથે ચિંતામાં મૂકી શકે છે. વતન કે મિલકતથી આર્થિક લાભ મળતો લાગશે. વર્ષના પૂર્વાર્ધમાં નવી તક, નવા સંબંધોથી લાભ-સહકાર પ્રાપ્ત કરી શકશો. આર્થિક વિકાસ માટે દોડશો.
નોકરી-ધંધા-વ્યવસાય બાબતેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના કર્મભુવનમાં કોઈ ગ્રહ નથી. કર્મેશ ગુરૂ પોતાના ભાવથી છઠ્ઠે શત્રુક્ષેત્રી છે, જેથી કર્મના ક્ષેત્રે વિશેષ શ્રમથી સફળતા પ્રાપ્ત થતી લાગશે. ભાગ્યેશ મંગળ ત્રિકોણમાં નિચનો છે, જેથી નાના-નાના લાભો પ્રાપ્ત થતા લાગશે. જુની ઉઘરાણી અંગે સાવચેતી ઈચ્છનિય બનશે. પંચમેશની દૃષ્ટિ ધનસ્થાન ઉપર છે. સંતાનની કે સંયુક્ત પરિવારની આવકમાં વૃદ્ધિ થતી લાગશે. કર્મેશ શત્રુક્ષેત્રી છે. બિનઅનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ મનોભાર સર્જી શકે છે. ચોથા સ્થાનનો કારક ચંદ્ર આઠમે છે. ધંધાની જગ્યાના પ્રશ્નોથી ચિંતિત રહેશો. નવમે શુભગ્રહો ગુરૂથી દૃષ્ટિમાં છે. દેશાવરના કાર્યોમાં સારૂ રહેશે. ધનેશ નિચનો છે, વધતા વહીવટી ખર્ચને આયોજનપૂર્વક ઘટાડશો તો મનોભારમાંથી મુક્ત રહી શકશો. ધંધામાં આધુનિક્તા માટે નવા સાધનોની ખરીદી શક્ય બનશે. નોકરિયાત વર્ગને સર્વિસમાં મંદ ગતિએ પ્રગતિ રહેશે. ધનેશ મંગળનો નિચભંગ થતા પ્રમોશન, પગાર વધારો વગેરે પ્રશ્નો ઉકલતા હર્ષ પામશો. ખાતાકીય પરીક્ષા કે પૂરક જ્ઞાનપ્રાપ્તિ અંગે વિશેષ શ્રમ કે સમયનું આયોજન કરવું હિતાવહ રહેશે. અગત્યના નિર્ણય સમજપૂર્વક લેશો. નાણાકીય જવાબદારીવાળા કાર્યો અંગે સજાગ રહેશો. શ્રમના સથવારે કર્મ કરીને જીવનમાં કશુક કરીને બનવા, પામવા સ્વપ્નશીલ બનશો.
વર્ષ પ્રરંભે આપની રાશિકુંડળીના જ્ઞાનભુવનમાં નિચનો મંગળ રહેલો છે. પંચમેશ આઠમે છે, જેથી જ્ઞાનપ્રાપ્તિ અંગે જાગૃતતા જરૂરી બનશે. રાશિમાં રહેલો રાહુ ઘણી વખત વિચારોમાં અનિયમિતતાનો નિર્માણ કરી શકે. પંચમેશ ખાડે હોતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ, હરિફાઈ વગેરેમાં વિશેષ શ્રમ જરૂરી બનશે. મંદગ્રહ બારમે છે, જેથી સમયનો સદુપયોગ કરીને વર્ષપ્રારંભથી જ વાચન-ચિંતન-મનન કરશો તો પરીક્ષા સમયે હળવાશ અનુભવી શકશો. અધ્યાપકગણ પાસેથી નમ્રતાથી જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરી શકશો. શનિની દૃષ્ટિ બીજે છે. ખાનપાનમાં પરેજી જરૂરી બનશે. પ્રવાસ-પર્યટનથી હર્ષ રહેશે. નવી જાણકારી, જ્ઞાન પ્રાપ્ત થતું લાગશે. વ્યયેશ વ્યયભાવમાં છે. વ્યસનો છોડીને નાણા બચાવશો તો જ્ઞાનપ્રાપ્તિ માટે વિશેષ સાધનો વસાવી શકશો. વતનથી દૂર અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આધ્યાત્મિક વૃત્તિ કેળવીને માનસિક શાંતિ મેળવવા પ્રયત્ન કરશો તો હળવાશ અનુભવી શકશો.
બહેનો માટેઃ
વર્ષ પ્રારંભે આપની રાશિકુંડળીના પતિભુવનમાં કેતુ રહેલો છે. સપ્તમેષ ભાગ્યમાં છે, જેથી જીનસાથીની પ્રગતિ થતાં હર્ષ અનુભવશો. કેતુ સાતમે છે. વિવાદી કાર્યો નિવારશો. છઠ્ઠુ સ્થાન પાપકર્તરી યોગમાં છે. જુની બીમારી અંગે જાગૃતતા જરૂરી બનશે. સામાજિક કાર્યોમાં મંદગતિએ સફળતા મળશે. મિત્રો-સહેલીથી સહકાર પ્રાપ્ત થશે. રહેઠાણમાં ગૃહસજાવટની ઈચ્છા ફળતી લાગશે. ચર રાશિમાં ચાર ગ્રહો છે. પ્રવાસથી હર્ષ રહેશે. ભોજન સ્થાનનો અધિપતિ નિચનો છે. ખાદ્યપદાર્થોની ખરીદીમાં કિંમત, એક્સપાયરી ડેટ, વજન, સ્કીમ વગેરે અંગે પેકીંગ પર જોવું ખાસ જરૂરી બનશે. પરદેશ કે પરદેશની વસ્તુ કે વ્યક્તિથી સારૂ રહેશે. પિયરપક્ષના પ્રશ્નોથી ચિંતિત રહેશો. નાની-નાની ઈચ્છાઓ ફળીભૂત થતી લાગશે. આધ્યાન્મિક ક્ષેત્રે મંદગતિએ સફળતા મળતી લાગશે. બિનજરૂરી વસ્તુઓ વસાવવાનું નિવારશો. કલા-સંગીત કે રચનાત્મક કાર્યોમાં રસરૂચિ કેળવશો તો સ્વની ઓળખના પ્રયાસથી સફળ થશો. નવું વર્ષ આશાસ્પદ છે.