હે પ્રભુ સમગ્ર વિશ્વની કોરોનાથી રક્ષા કરો..

રક્ષાબંધન પર્વે પ્રભુને પ્રાર્થીએ

આજે રક્ષાબંધન છે. આ પર્વ બંધુ-ભગિનિના પાવન પ્રેમનું પ્રતીક મનાય છે. ભગિનિ પોતાના ભાઈની સ્વસ્થ અને સુખી જિંદગીની કામના કરે છે અને ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. આ રક્ષાબંધન ભાઈ પ્રત્યે બહેનની લાગણીઓ દર્શાવે છે. રાખડી એ ખરેખર રક્ષા કવચ જ હોય છે.

હકીકતે તો કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને આ રક્ષાકવચ ગમે ત્યારે બાંધી શકે છે. કુંતાજી એ અભિમન્યુની રક્ષા માટે મહાભારતના યુદ્ધ સમયે રાખડી બાંધી હતી. જો કે, રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન વચ્ચેના અતૂટ અને પાવન પ્રેમનું માધ્યમ રાખડી બને છે. ભાઈ પણ બહેનને આ દિવસે અવનવી ભેટ સોગાદો આપે છે, જે માત્ર પ્રતિકાત્મક હોય છે. હકીકતે ભાઈ રક્ષાબંધનના દિવસે બહેનની આજીવન તેમની રક્ષા કરવાનું વચન પણ આપે છે. બહેન માટે ભાઈઓએ મોટા ત્યાગ કર્યા હોય, અથવા બલિદાન આપ્યા હોય તેવી ઘણી કથાઓ પ્રચલિત છે.

અત્યારે કોરોનાની મહામારીએ આપણી જીવન પદ્ધતિ જ બદલી નાંખી છે, હવે મોટા મોટા તહેવારો પણ ઘરની અંદર રહીને જ ઉજવવા પડી રહ્યા છે.

આ વર્ષે રક્ષાબંધનના પર્વે કોઈ બહુ મોટા જાહેર કાર્યક્રમો યોજશે નહીં, તેવી જ રીતે સાતમ-આઠમ, જન્માષ્ટમીના મેળાઓ પણ બંધ રહેશે. નવરાત્રિનું પણ કાંઈ નક્કી નથી. આમ કોરોનાએ માનવીને એટલો લાચાર કરી દીધો છે કે માનવી પોતાના જીવનની ખુશીની પળો કે તહેવારો પણ સામૂહિક રીતે ઉજવી શકતો નથી.

આજે યજ્ઞોપવિત ધારકોએ જનોઈ બદલી હશે તો ભૂદેવોએ યજમાનોને રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હશે. બહેનોએ ભાઈઓ માટે રક્ષા બાંધી શુભકામનાઓ આપી હશે. આ બધું કરવાની સાથે-સાથે આપણે સૌ પોતપોતાના ધર્મ-સંપ્રદાય કે શ્રદ્ધા મુજબ ઈશ્વર-ગોડ-અલ્લાહને પ્રાર્થના કરીએ કે, હે પ્રભુ, કોરોનાની મહામારીથી વિશ્વને બચાવો-ઝડપથી કોવિડ-૧૯ના વાયરસની રસી બની જાય કે દવા શોધાઈ જાય તે માટે અમને સૌને શક્તિ આપો આશીર્વાદ આપો.

ઘણા સ્થળે મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણો ખાતમુહૂર્ત કર્યું હોય, તેનું ખાતમુહૂર્ત કર્યું હોય તેનું ફરીથી લોકાર્પણ કરવાના કે ખાત મુહૂર્ત સંદર્ભે તકતી અનાવરણના કાર્યકર્મો યોજાઈ રહ્યા છે. આ માટે સરકારે મક્કમ થવું જોઈએ અને જે રાજ્ય કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે પાર્ટી સત્તા પર હોય તેમણે પોતાના નેતાઓને આવું કરતા અટકાવવા જ જોઈએ.

નોબત પરિવાર અને માધવાણી પરિવાર રક્ષાબંધનના પર્વે માનવંતા વાચકો, વિજ્ઞાપનકારો, પ્રતિનિધિઓ, વિતરકો, પત્રકારો અને શુભેચ્છકો સહિત સૌને શુભકામનાઓ પાઠવે છે.

બંધુ-ભગિનિના પવિત્ર પ્રેમનો તહેવારઃ રક્ષાબંધન

રેશમના તાંતણાથી બનાવવામાં આવેલ 'રાખડી' યુગોયુગોથી ભાઈ-બહેનના પરસ્પર સ્નેહ અને ભાવભર્યા વ્હાલપની લાગણીનું અતૂટ બંધનની સાક્ષી પૂરતી આવી છે. રેશમના આ તાંતણ ન તો એક બીજાના રક્ષણના સંકલ્પો દર્શાવે છે, પરંતુ જીવનના ઉચ્ચ ધ્યેયો પ્રત્યે દોરી જવાની જવાબદારી નિભાવે છે. કહેવાય છે કે, ઈન્દ્રાણીએ ઈન્દ્રને રાખડી બાંધી હતી, ત્યારે ઈન્દ્રદેવે પોતાના ગુમાવેલી સિંહાસનને પાછું મેળવ્યું હતું અને રાક્ષસોને પરાજય આપ્યો હતો. યમુનાજીએ યમદેવને રાખડી બાંધી હતી ત્યારે યમદેવે કહ્યું હતું કે જે મનુષ્ય આ રાખડીને બંધાવશે તેમને યમદૂતો યાતનાઓ કે કષ્ટો આપશે નહીં. આ પ્રકારે તેનો વાસ્તવિક અર્થ થયો કે રાખડી દ્વારા બહેને પોતાના ભાઈને માટે એ સંકલ્પ કર્યો હતો કે જેના વડે તે ભાઈ કઠણાઈભર્યા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરીને સફળતા મેળવે, અજય ગણાતા એવા લક્ષ્યોને પ્રાપ્ત કરી તેના પર વિજય પ્રાપ્ત કરે. ભાઈ-બહેનનો સંબંધ અતિ પવિત્ર હોય છે. તેમાં નિર્દોષતા સમાયેલ છે. વિકારોનો લેશમાત્ર ભાવ હોતો નથી.

એક સમય એ પણ હતો જ્યારે પત્ની પોતાના પતિને બ્રહ્મચર્યના પાલન અર્થે રાખડી બાંધતી. આથી આ બન્ને વચ્ચેના સંબંધોમાં અતિ મહત્ત્વનો ગણાતો. સંબંધ ભાઈ-બહેનના પવિત્રતા જેવો બની જતો. અમુક વિવરણો મુજબ પ્રાચીનકાળમાં પતિ-પત્ની વચ્ચે પવિતર સંબંધોની ભાવથી રક્ષાબંધનની પરંપરા શરૃ થઈ હતી. પત્ની પોતાના પતિના કાંડા પર રક્ષા-દોરી બાંધીને તેમને બ્રહ્મચર્ય વ્રતનો સંકલ્પ લેવડાવતી હતી, પરંતુ સમય જતા આ રીતરીવાજ લુપ્ત થયો. પરિવર્તન થતા તેની જગ્યાએ ભાઈ-બહેન જેવો પ્રેમ આશા રાખવી કે કલ્પના કરવી દુષ્કર બને છે, પરંતુ એટલું તો નિસંકોચપણે કહી શકાય કે પ્રાચીન સમયે રક્ષાબંધનનો આરંભ કોઈ અન્ય પ્રસંગોને આભારી રહ્યો હશે! સમયની સાથે સાથે રક્ષણ અને બંધનના જુદા-જુદા ખોટા અર્થઘટનો કરવાને કારણે આ તહેવારના સ્વરૃપમાં પરિવર્તન થયું તે સંભવિત છે. સૌ પ્રથમ તો એ ભૂલ થઈ કે રક્ષા શબ્દનો અર્થ માત્ર શારીરિક રક્ષણ કરવા બાબત જ માનવામાં આવ્યો, પરંતુ રક્ષાનો એક અર્થ બીજો પણ થઈ શકે છે. શરીરનું રક્ષણ તો છે, પણ રક્ષા શબ્દનો બીજો અર્થ થાય... કોઈ ગંભીર પ્રકારની રહસ્યાત્મક હકીકતોને મનમાં સાચવીને જાળવણી તે રહસ્યભરી વાતનું રક્ષણ કરવું તે પ્રકારે જાળવવી એ પણ એક રક્ષા છે. 'રહસ્ય રક્ષિત...', એટલે કે રહસ્યનું રક્ષણ કરે છે તે રક્ષાના અર્થને અહીં શારીરિક સાથે મુલવી શકાય નહીં. તે ખોટું બને છે! તો આ પ્રકારે વિપત્તિના સમયે ધનનું રક્ષણ કરવાનું કહેવામાં આવે- તેમનો મતલબ એ સમજવાનો કે જ્યારે વિપરિત સમય આવે ત્યારે આ ધનની રક્ષા કરી બચાવ્યું હોય તો આ ધન આપણું રક્ષણ કરે છે. વાસ્તવમાં તો રક્ષા-દિપક માનસિક ભયની ઉપજ છે. આ પ્રમાણે પ્રાચીન કાળથી જ લોકો દ્વારા 'રક્ષા-ભૂષણ' અથવા 'રક્ષામણી' જેવા પ્રયોગો કરતા હતાં. તેનો ઉલ્લેખો મળી આવે છે.

ધર્મમાં સ્થિર-અડગ રહેવું અને ધર્મથી દૂર ભાગવું નહીં, હટવું નહીં. આ પણ ધર્મની રક્ષા છે. જેમ રક્ષા શબ્દના પ્રયોગોના ઘણાં અર્થોમાં કરવામાં આવે છે. આ જ પ્રકારે બંધન શબ્દના અનેક અર્થો નીકળે છે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે હવે અમારી આશા બંધાણી! આ વાક્યમાં બંધ શબ્દનો અર્થ કોઈ ચીજવસ્તુને રસ્સી વડે બાંધવાનું થતું નથી, પરંતુ કોઈકની સાથે સમાધાન કે સમજુતી સાધવામાં સહકાર પ્રાપ્ત થતો હોય, સરળતા જણાતી હોય, તેવો અર્થ લેવાયો છે. એટલે આ પણ એક બંધન કહી શકાય એટલે એ જોવાનું છે કે 'રક્ષાબંધન'માં બંધન શબ્દનો પ્રયોગ ક્યા અર્થમાં કરવામાં આવ્યો છે. રક્ષાબંધનના ઘણાં બધા નામો છે. પુણ્ય પ્રદાયક પર્વ, બળેવ તથા વિષતોડક પર્વ, રૃપે પણ પ્રખ્યાત છે. આ નામો દ્વારા પણ એ પ્રતિત થાય છે કે આ પર્વનો સંબંધ વિષય-વિકારોને તજવાનો તથા પુણ્યાત્મા બનાવવા સાથે છે!

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit