ફરારી વાનગી : ૫ોટેટો નાચોઝ ચાટ

                                                                                                                                                                                                      

સામગ્રી : બાફેલા બટાકા ત્રણ નંગ, રાજગરાનો લોટ બે ચમચી, સીંગદાણાનો ભુક્કો ત્રણ ચમચી, લીલા મરચા, સીંધવ મીઠુું, જીરૂ પાવડર, લીંબુનો રસ, દહીં, લીલી ચટણી, દાડમના દાણા, કોથમીર, તળવા માટે તેલ.

બનાવવાની રીત : બાફેલા બટાકાને મેશ કરી તેમાં રાજગરાનો લોટ, સીંગદાણાનો ભુક્કો, સ્વાદ મુજબ લીલા મરચા અને સીંધવ મીઠું ઉમેરો. બધુ બરાબર મિક્સ કરો.

નાની નાની ચપટી અથવા ત્રિકોણ નાચોઝ જેવી પાતળી ટિક્કી બનાવો, તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અથવા શેકી લો.

પછી પ્લેટમાં ગોઠવી, તેના પર દહીં, લીલી ચટણી, દાડમના દાણા અને કોથમીર નાખો.

છેલ્લે લીંબુનો રસ અને જીરૂ પાવડર છાંટો...

આ વાનગીમાં ફરાળી નાસ્તો અને ચાટનો મજેદાર સ્વાદ એકસાથે મળે છે, ઉપવાસમાં કંઈક નવીન અને બાળકોને પણ ગમે તેવી વાનગી...

- જયશ્રી દોશી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જો આજે શ્રીકૃષ્ણ હોત તો...

                                                                                                                                                                                                      

શ્રીકૃષ્ણનંુ નામ સાંભળતા જ આપણા મનમાં એક સુંદર છબિ ઊભી થાય છે. મોરપીંછ-પીળા વસ્ત્રો, હોઠ પર વાંસળી અને ચહેરા પર મનમોહક સ્મિત... પરંતુ શંુ શ્રીકૃષ્ણને માત્ર આટલી જ એક છબિમાં સમાવી શકાય?

કદાચ ના...

કૃષ્ણને સમજવા માટે માત્ર મંદિર પૂરતું નથી. શ્રીકૃષ્ણને સમજવા માટે જીવન તરફ જોવું પડે, કારણ કે કૃષ્ણનું સમગ્ર વ્યક્તિત્ત્વ જીવનના દરેક રંગથી ભરેલુ છે. તેમના જીવનમાં બાળપણની મસ્તી છે, મિત્રતાની ઊંડાઈ છે, પ્રેમની સંવેદના છે, રાજનીતિની સમજ છે, યુદ્ધની કઠોરતા છે અને જીવનને સાચી દિશા આપતું જ્ઞાન પણ છે. એટલે જ કદાચ શ્રીકૃષ્ણ આજે પણ એટલા જ પ્રાસંગિક છે.

આજના ટેકનોલોજીના યુગમાં જ્યારે માણસ પાસે બધું છે, છતાં શાંતિ નથી, ત્યારે કૃષ્ણને ફરીથી વાંચવાની જરૂર છે. આજે માણસ પાસે મોબાઈલ છે, પણ વાત કરવાનો સમય નથી, સોશિયલ મીડિયા છે, પણ સાચા સંબંધો ઓછા છે, હજારો સંપર્કાે છે, પણ મુશ્કેલીમાં હાથ પકડે એવો મિત્ર નથી... એવા સમયમાં મનમાં એક વિચાર આવે કે...

જો આજે શ્રીકૃષ્ણ હોત તો...??

તો કદાચ તેઓ ફરીથી ગીતા લખવાને બદલે આપણને જ સવાલ પૂછી લેત કે...

'તમારા મોબાઈલમાં આટલા બધા નંબર છે, પણ તમારા દુઃખનો નંબર કોની પાસે છે?'

'તમે દુનિયાને બતાવવા માટે ખુશ છો કે ખરેખર અંદરથી ખુશ છો?'

'તમે જીવન જીવી રહ્યા છો કે માત્ર બીજાના જીવનને સ્ક્રોલ કરી રહ્યા છો?'

કદાચ આજના સમયમાં કૃષ્ણની સૌથી મોટી જરૂર એટલા માટે છે કે આપણે માહિતીમાં ખૂબ આગળ વધી ગયા છીએ, પણ સમજણમાં ક્યાંક પાછળ રહી ગયા છીએ...

એક સમય હતો જ્યારે સાંજ પડતા ગોકુળમાં વાંસળીનો અવાજ ગુંજતો હશે, એ અવાજમાં સંગીત હતું, શાંતિ હતી, લાગણી હતી અને કોઈને પોતાની તરફ ખેંચી લેવાની એક અનોખી શક્તિ હતી.. આજે પણ અવાજો ઘણાં છે, મોબાઈલના નોટિફિકેશન, મેસેજ, કોલ, રિલ્સ, વીડિયો, સમાચાર... આજે અવાજો વધ્યા છે, પણ શાંતિ ઘટી છે. આજે આપણે દિવસભર દુનિયા સાથે જોડાયેલા રહીએ છીએ, પણ ઘણીવાર પોતાની જાતથી જ દૂર થઈ જઈએ છીએ, સવારે આંખ ખોલતા પહેલા મોબાઈલ હાથમાં લઈએ છીએ અને રાત્રે આંખ બંધ કરતા પહેલા છેલ્લી નજર સ્ક્રીન પર જ હોય છે... કદાચ... આજે કૃષ્ણ આપણને એટલું જ કહેતા જ હોત કે... 'થોડો સમય દુનિયાને મ્યૂટ કરો અને તમારા મનને સાંભળો. કારણ કે માણસને ક્યારેક સલાહની નહી, શાંતિની જરૂર હોય છે. ક્યારેક જવાબોની નહી, પોતાની જાત સાથે થોડો સમય બેસવાની જરૂર હોય છે.

આજે માણસ પોતાના જીવન કરતા પોતાની ઈમેજ વધારે જાળવે છે. ફોટો સરસ હોવો જોઈએ, કેપ્શન સરસ હોવું જોઈએ, લોકોએ લાઈક કરવું જોઈએ, બધાએ વખાણ કરવા જોઈએ.. અને આ બધાની વચ્ચે માણસ ધીમે ધીમે એક પ્રશ્ન ભૂલી જાય છે, 'હું ખરેખર કોણ છું?'

કૃષ્ણનું જીવન આપણને એક સરસ પાઠ શીખવે છે.. કે તમે દરેક માટે એકસરખા બની ન શકો. કોઈ માટે તમે સારા હશે તો કોઈ માટે ખરાબ. કોઈ તમને સમજી શકશે, તો કોઈ નહી સમજે.. કૃષ્ણને પણ બધા લોકો સમજી શક્યા નહતા, પણ તેમણે પોતાની ઓળખ લોકોની માન્યતા મુજબ નક્કી થવા દીધી નહતી. આજે સોશિયલ મીડિયા પર કોઈ એકાદ કોમેન્ટ કરે તો આપણો આખો દિવસ ખરાબ જાય છે. કોઈની પ્રશંસાથી આપણે ખુશ થઈએ છીએ અને કોઈની ટીકા આપણને તોડી નાખે છે. પણ કૃષ્ણ કહે છે કે, 'બીજાની નજરમાં સારા દેખાવાની ચિંતા કરતા પહેલાં, પોતાની નજરમાં સાચા બનવાનો પ્રયત્ન કરો, કર્મ એ જ તમારી ઓળખ બનાવે છે.'

આજના સમયમાં 'ફ્રેન્ડલીસ્ટ' ખૂબ મોટું હોય છે, પણ સાચા મિત્રોની યાદી ઘણીવાર નાની હોય છે. સુદામા અને કૃષ્ણની મિત્રતા કદાચ આજના સમયમાં સૌથી મોટી પ્રેરણા છે. ત્યાં સ્ટેટસનો પ્રશ્ન નથી, ત્યાં પૈસાની સરખામણી નથી, ત્યાં તેણે મને શું આપ્યું? એવો હિસાબ નથી... સાચી મિત્રતા એ છે કે જ્યાં વર્ષાે પછી મળો અને વચ્ચેનું અંતર વાતોમાં ગાયબ થઈ જાય.. સાચો મિત્ર એ નથી જે તમારી દરેક વાતમાં હા કહે, સાચો મિત્ર એ છે જે તમને ખોટા રસ્તે જતા રોકે. કૃષ્ણ અર્જુનના મિત્ર હતા, પણ જરૂર પડી ત્યારે મિત્ર બનીને બાજુમાં ઊભા રહેવાની સાથે માર્ગદર્શક પણ બન્યા. મિત્રતા માત્ર સાથે ફરવાની વાત છે, જ્યારે આખી દુનિયા ગુંચવાઈ જાય ત્યારે એકબીજાને સાચી દિશા બતાવવાનું નામ મિત્રતા છે.

આજના સમયમાં દરેક સૌથી સામાન્ય વાક્ય છે, 'હું બરાબર છું' પણ ઘણીવાર આ વાક્ય બોલનાર માણસ ખરેખર બરાબર હોતો નથી. અંદરથી થાકેલો હોય છે, દુઃખી હોય છે, જવાબદારીથી દબાયેલો હોય છે, છતાં બધાને કહે છે કે, બધું બરાબર છે... આજના સમયમાં આપણે દરેક વ્યક્તિ પાસેથી સતત મજબૂત રહેવાની અપેક્ષા રાખીએ છીએ, પણ કદાચ જીવનનો સાચો પાઠ એ છે કે, જ્યારે મન થાકી જાય ત્યારે થોડું અટકવું પણ જરૂરી છે. કૃષ્ણ હોત તો બધાને પૂછત કે, 'તમે બધાની ચિંતા કરો છો, પણ તમારી ચિંતા કોણ કરે છે?'

દરેકના જીવનમાં એક કુરૂક્ષેત્ર હોય છે, ક્યારેક આપણને 'સાચું શું? એ ખબર હોવા છતાં નિર્ણય લેવો મુશ્કેલ બને છે અને એટલે જે કૃષ્ણની જરૂર પડે છે... કૃષ્ણના જીવનનો સૌથી મોટો પાઠ કદાચ એ જ છે કે, પરિસ્થિતિથી ભાગવાથી સમસ્યા સમાપ્ત નથી થતી, તેને સમજદારીથી સામનો કરવાથી માર્ગ મળે છે.

કૃષ્ણના જીવનમાં પ્રેમની ચર્ચા થાય એટલે તરત રાધાનું નામ આવે, પણ કૃષ્ણના પ્રેમને માત્ર એક સંબંધમાં બંધાવી શકાય તેમ નથી... કૃષ્ણનો પ્રેમ આપણને સુંદર વાત શીખવે છે કે, પ્રેમ એટલે માલિકીથી બંધનમાં રાખવું એ નહી, પ્રેમ એટલે ખુશી અને વિકાસ માટે જગ્યા આપવી... પ્રેમમાં પકડ નહી, સમજ હોવી જોઈએ...

કૃષ્ણને માત્ર ભગવાન તરીકે પૂજવું સરળ છે. પણ જીવનમાં ઉતારવું થોડું મુશ્કેલ છે... જ્યારે મુશ્કેલી આવે ત્યારે હસવું એ કૃષ્ણ છે, જ્યારે મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે તેની પાસ ઊભા રહેવું એ કૃષ્ણ છે, જ્યારે અન્યાય થાય ત્યારે મક્કમ બનવું એ કૃષ્ણ છે, જ્યારે જીવન ગુંચવાઈ જાય ત્યારે ધીરજ રાખવી એ કૃષ્ણ છે અને જ્યારે સફળતા મળે ત્યારે વિનમ્ર રહેવું એ કૃષ્ણ છે...

..અને સૌથી મહત્ત્વની વાત... જ્યારે આખું જીવન યુદ્ધ જેવું લાગે ત્યારે પોતાની અંદરના અર્જુનને હારવા ન દેવું એ જ કૃષ્ણનો સાચો સંદેશ છે.

કૃષ્ણ કદાચ આજે હોત તો હાથમાં વાંસળી હોત કે મોબાઈલ... એ મહત્ત્વનું નથી.. મહત્ત્વનું એ હોત કે તેઓ આપણને ફરીથી પૂછત કે.. તમે દુનિયાને ખુશ દેખાડવામાં વ્યસ્ત છો કે ખરેખર ખુશ છો?

કદાચ એ પ્રશ્નનો જવાબ શોધવાની સફર જ... કૃષ્ણને સમજવાની સાચી શરૂઆત છે.. જીવનને માત્ર જીવો નહી.. દરેક ક્ષણને અનુભવો, જીવો અને સાચા અર્થમાં સ્વીકારો.. કારણ કે જીવનનું સૌથી સુંદર સંગીત કદાચ તમારા પોતાના મનમાં જ વાગી રહ્યું છે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફરાળી વાનગી

                                                                                                                                                                                                      

સામગ્રી : બાફેલા બટેકા ૩ નંગ, પલાળેલા સાબુદાણા ૧ કપ, સીંગદાણાનો ભુક્કો અડધો કપ, લીલા મરચા અને આદુની પેસ્ટ, ૧ ચમચી, સીંધવ મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર, નાના ચીઝના ક્યુબ્સ, તળવા માટે તેલ.

રીત : બાફેલા બટેકાને મસળી તેમાં પલાળેલા સાબુદાણા નીતારીને, સહેજ કોરા કરીને ઉમેરો, સીંગદાણાનો ભુક્કો, આદુ મરચાની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, કોથમરી મેળવો, બધું સરખી રીતે મીક્સ કરો. પછી હાથમાં થોડું મિશ્રણ લઈ નાની પૂરી જેવું બનાવો, પછી વચ્ચે ચીઝનો ટૂકડો મૂકી બોલ બનાવી લો. તેને મધ્યમ તાપે તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને દહીં સાથે, લીલી ચટ્ટણી સાથે ગરમાગરમ પીરસો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાખડી જે સંબંધોને નહીં, લાગણીઓને બાંધે છે...

                                                                                                                                                                                                      

એક ભાઈ-બહેનની જોડી, નાનપણથી એકબીજા પ્રત્યે બહુ લગાવ... મોટા થયા, બેનના લગ્ન થયા.. અને બંનેના શહેર જુદા થયા... જીવનની દોડધામમાં મળવાનું ઓછું થતું ગયું.. પણ રક્ષાબંધને અચૂક મળેજ... એક વખતે રક્ષાબંધન પહેલા ભાઈને ખબર પડી કે બેન મુશ્કેલીમાં છે, બેને તો ભાઈને ચિંતા ન થાય એ માટે કંઈ કહ્યું ન હતું. છતાં ભાઈને ખબર પડી ગઈ.. તેણે ફોન ન કર્યાે.. સીધો બેનના ઘરે પહોંચી ગયો.. બેને રડતી આંખે કહ્યું, તને ચિંતા થાય અને તું દોડાદોડી કરતા અહી આવી જાય એ માટે જ તને જણાવ્યું ન હતું... ત્યારે ભાઈએ કહ્યું, 'તું મારી બહેન છો.. તારી દરેક મુસીબત મારી છે..' રાખડી એટલે માત્ર રક્ષણ નહી, એકબીજાનો વિશ્વાસ છે, જ્યારે દુનિયા સાથ છોડે ત્યારે હું છું ને, એ અહેસાસ છે...

રક્ષાબંધન એટલે માત્ર ભાઈના કાંડે રાખડી બાંધવાનો તહેવાર નથી. આ તો એક એવો દિવસ છે, જ્યારે બાળપણની યાદો, તકરારો, લાગણી બધું જ એકસાથે આંખ સામે આવી જાય છે. રાખડીનો દોરો બહુ નાજુક હોય છે, પણ તેની સાથે જોડાયેલી લાગણી અંત્યંત મજબૂત હોય છે. બહેન જ્યારે ભાઈના હાથમાં રાખડી બાંધે છે ત્યારે તે માત્ર એટલું નથી કહેતી કે, મારી રક્ષા કરજે, કદાચ એ કહેવા માંગે છે કે, મારા જીવનમાં ગમે તેટલા ઉતાર ચડાવ આવે, પણ તું મારી સાથે રહેશે... અને ભાઈ માટે પણ રાખડી માત્ર દોરો નથી, પણ એ હાથ છે જેની સાથે રમ્યા હતા, ઝઘડ્યા હતા, રીસાયા હતા અને ફરિયાદ કરી હતી.

બાળપણમાં એક થાળીમાં જમવું, સાથે રમવું, એકબીજાની વસ્તુ પર હક્ક જમાવવો, નાની નાની વાતમાં ઝઘડવું અને પાંચ મિનિટ પછી ફરીથી રમવા લાગવું ત્યારે કોઈને એવો વિચાર પણ આવતો નથી કે મોટા થયા પછી એકબીજાથી દૂર થવાનું છે. સમય પસાર થાય.. લગ્ન, નોકરી, જવાબદારીમાં ઘર બદલાય છે, શહેર બદલાય છે અને ક્યારેક કેટલાય સમય સુધી ભાઈ-બહેનનું મળવાનું થતું નથી, પણ આશ્ચર્ય કે આ માત્ર સંબંધનું અંતર વધે છે, લાગણીનું નહી.. એક ફોન આવે કે, કેમ છો? અને બસ આખુ બાળપણ પાછું આવી જાય છે.

રક્ષાબંધને ઘણી બહેનો ભાઈને રાખડી બાંધી શકતી નથી, ક્યારેય શહેરનું અંતર, તો ક્યારેક મતભેદનું અંતર, ક્યારેક સાસરીયાની જવાબદારી, તો ક્યારેક બાળકોની જવાબદારી... કોઈ બહેન ભાઈના ફોટા સામે રાખડી મૂકે છે, આવા સમયે રક્ષાબંધન ખુશી કરતા યાદો વધુ લાવે છે, જે રાખડી હાથ પર બંધાતી નથી તે સીધી હૃદયમાં બંધાયેલી હોય છે.

આજના સમયમાં 'રક્ષા' શબ્દનો અર્થ થોડો વિશાળ આપવાની જરૂર છે. રક્ષાબંધન એટલે ભાઈ-બહેનની રક્ષા કરે એ ભાવના તો ખરી જ... પણ ભાઈએ બહેનની રક્ષા કરવાની છે.. તેના એકાંતથી, તેના દુઃખથી, તેની હતાશાથી... ક્યારેક ભાઈ-બહેનનો એક ફોન એકબીજાને તૂટતા બચાવે છે.. ભાઈ છે, એ વિચાર જ બહેન માટે દુનિયાની સૌથી મોટી હિંમત બની શકે છે...

આજે રાખડી સાથે એક વચન પણ બાંધીએ.. આ રક્ષાબંધને માત્ર રાખડી જ ન બાંધીએ, એકબીજાને સમય આપવાનું વચન બાંધીએ.. વર્ષમાં માત્ર એક દિવસ નહી પણ સમય મળે ત્યારે ફોન કરવાનું વચન બાંધીએ, એકબીજાની સફળતામાં ખુશ થવાનું વચન બાંધીએ, મુશ્કેલીમાં સંભાળ લેવાનું વચન બાંધીએ, જૂના મતભેદને લાંબા સમય સુધી હૃદયમાં ન રાખવાનું વચન બાંધીએ અને સૌથી મહત્ત્વનું... એકબીજાના જીવનમાં પોતાની હાજરી માત્ર તહેવાર પૂરતી ન રહે, પણ જરૂર પડે ત્યારે સહારો બનીને ઊભા રહેવાનું વચન બાંધીએ, કારણ કે સંબંધો ભેટથી મોટા નથી થતા, સંબંધો સમયથી મોટા થાય છે. સમજણથી મોટા થાય છે, સાથે ઊભા રહેવાથી મોટા થાય છે.

સમય આપણને ગમે તેટલા દૂર લઈ જાય, જીવનમાં ગમે તેટલી જવાબદારી આવી જાય, બાળપણ પાછું ન આવે, પણ ભાઈ-બહેનનો સંબંધ ક્યારેય જૂનો થતો નથી, રાખડી હાથમાંથી થોડા દિવસોમાં ઉતરી જાય છે, પણ તેની યાદ આખુ વર્ષ રહે છે, એટલે આ રક્ષાબંધને જ્યારે ભાઈના હાથમાં રાખડી બંધાઈ ત્યારે માત્ર મીઠાઈ જ ન ખવડાવીએ, પણ થોડી લાગણી પણ વહેંચીએ, જ્યારે ભાઈ બહેનને ભેટ આપે ત્યારે માત્ર વસ્તુ જ નહી. થોડો સમય પણ આપે અને જો ભાઈ-બહેન એકબીજાથી દૂર હોય ત્યારે થોડા થોડા સમયે ફોન જરૂર કરીએ.

જીવનમાં ઘણાં સંબંધો આપણને પસંદગીથી મળે છે, પણ ભાઈ-બહેનનો સંબંધ જન્મથી મળે છે... રાખડીનો આ દોરો આપણને એટલું યાદ અપાવે છે કે...

'સંબંધો બાંધવા માટે દોરાની જરૂર નથી,

સાચવવા માટે લાગણીની જરૂર પડે છે..'

'રક્ષાબંધનની શુભકામના...'

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બરડા ડુંગરની ગોદમાં કિલેશ્વર મહાદેવની કથા

                                                                                                                                                                                                      

જામનગર નજીક બરડા ડુંગરની હરિયાળી વચ્ચે આવેલુ આ માત્ર મંદિર નથી પરંતુ પ્રકૃતિ, ઈતિહાસ અને લોકવાયકાનું સુંદર સંગમ સ્થાન છે. આ મંદિર જામ રાજવીઓના સમયમાં વિકસિત થયું હતું અને શ્રાવણ માસમાં હજારો ભક્તો અહી દર્શન કરવા આવે છે.

લોકવાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણે બરડા ડુંગરની હરિયાળી અને શાંત વાતાવરણ જોઈને થોડો સમય ત્યાં વિતાવ્યો હતો. કહેવાય છે કે, અહીં વહેતા ઝરણા, ગાઢ જંગલ અને પ્રકૃતિની મધુરતા જોઈને શ્રીકૃષ્ણે કહ્યું કે, જ્યાં પ્રકૃતિમાં શાંતિ હોય, ત્યાં શિવનો વાસ અવશ્ય હોય. આ જગ્યાએ પાંડવો પણ અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા. એવી લોકમાન્યતા પણ છે. યુધિષ્ઠિરના હાથે અહી સ્વયંભૂ શિવલીંગની સ્થાપના થઈ અને ભગવાન શિવની આરાધના કરવામાં આવી.

કહેવાય છે કે એક વખત આ સમગ્ર વિસ્તાર ભારે દુષ્કાળથી પીડાતો હતો. જંગલ સુકાઈ ગયા, પ્રાણીઓ તરસ્યા થયા અને લોકો ચિંતિત બન્યા ત્યારે એક સાધુએ કિલેશ્વર મહાદેવ સમક્ષ તપ કર્યું અને તેની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવે પોતાના ત્રિશુલથી ધરતીને સ્પર્શ કર્યાે અને ત્યાંથી જળધારા પ્રગટ થઈ. આજે પણ અહીં કિલગંગા અને ઝરણા સાથે જોડાયેલી લોકમાન્યતા પ્રચલિત છે. ચોમાસામાં જ્યારે બરડા ડુંગર હરિયાળી ઓઢે છે, ધીમો વરસાદ વરસે છે અને મંદિરમાં ઘંટનો નાદ ગુંજે છે ત્યારે એવું લાગે છે કે જાણે પ્રકૃતિ પોતે મહાદેવની આરતી ઉતારે છે.

આ કથા આપણને સંદેશ આપેછે કે...

શિવ માત્ર મંદિરમાં નથી, શિવ તો પ્રકૃતિમાં છે...

શિવ માત્ર પથ્થરમાં નથી, શિવ તો શાંતિમાં છે...

શિવ માત્ર પ્રજામાં નથી, શિવ તો કરૂણા-કલ્યાણમાં છે.

છેલ્લે એક પ્રાર્થના...

માથા પર ચંદ્ર, જટામાં ગંગા,

ને ગળામાં શોભે નાગ

ભક્તોના દુઃખ હરવા આવે,

મારા ભોળા ભંડારી મહાદેવ આજ...

નથી માંગવંુ સોનુ ચાંદી

નથી માંગવી દુનિયાની દોલત

બસ ચરણોમાં આપજો સ્થાન

હૃદયમાં રાખજો ભક્તિની જ્યોત...

હર હર મહાદેવ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફરાળી વાનગી : ક્રિસ્પી બટાકા બાઉલ

                                                                                                                                                                                                      

સામગ્રી : બાફેલા બટેકા ૩ નંગ, સીંગદાણાનો ભૂક્કો અડધો કપ, લીલા મરચા, આદુની પેસ્ટ એક ચમચી, જીરૂ અડધી ચમચી, સીંધાલૂણ સ્વાદ મુજબ, લીંબુનો રસ એક ચમચી, કોથમીર, શેકવા માટે ઘી, દહીં, ફરાળી ચેવડો.

રીત : બટાકાને ધોઈને બાફીને, છાલ ઉતારીને સારી રીતે મસળી લો. તેમાં સીંગદાણાનો ભુક્કો, મરચા, આદુની પેસ્ટ, સીંધાલૂણ અને લીંબુ નાખીને મિશ્રણ બાંધો.

હવે મિશ્રણમાંથી નાના લુવા જેટલુ મિશ્રણ લઈ હાથથી બાઉલ/બ્વાટકી જેવો આકાર બનાવો.

તેને તવા પર ઘી લગાવી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.

હવે શેકાઈ ગયા પછી તેમાં સીંગદાણાના ભૂક્કો, દહીં અને ફરાળી ચેવડો મૂકીને ઉપર કોથમીર નાખીને પીરસો.

ટિપ્સ : બટાકાના મિશ્રણમાં એક ચમચી સીંગદાણાનો ભૂક્કો વધારે નાખશો તો વધારે ક્રિસ્પી થશે.. 

- આશા શાહ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તળેટી છોડશું તો જ ટોચ સુધી પહોંચી શકાશે

                                                                                                                                                                                                      

'તળેટી છોડશું તો જ ટોચ સુધી પહોંચશો

પગથિયાં છોડીને શિખર ક્યાંથી પામશો?

થાક આવશે, રસ્તો કઠીન બનશે,

પણ હિંમત રાખશો તો જ રસ્તો સરળ બનશે,

તળેટીમાં રોકાઈને સપના ન જોતા,

એક એક પગલું ભરીને આગળ વધતા રહેશે,

કારણ કે શિખર તેમને જ મળે છે,

જે તળેટી છોડવાની હિંમત કરે છે..'

દરેક ઊંચા પર્વતની શરૂઆત તળેટીથી થાય છે. કોઈપણ વ્યક્તિ સીધી ટોચ પર પહોંચતી નથી. દરેક સફળતાની પાછળ સંઘર્ષની લાંબી સફર હોય છે અને આ સફરની શરૂઆત હંમેશાં એક નાના પગલાંથી થાય છે, આપણે જીવનમાં ઘણીવાર એવી તળેટીમાં ઊભા હોઈએ છીએ કે જ્યાં બધું જ વ્યવસ્થિત અને સુરક્ષિત લાગે છે. ઓળખીતું વાતાવરણ, ઓળખીતા લોકો, રોજનું એ જ જીવન અને ઓછો ડર... પણ આવા વાતાવરણમાં વિકાસ પણ ક્યારેક ઓછો હોય છે. મન કહે છે કે, અહી જ રહી જા, બહાર જોખમ છે, પરંતુ હકીકત એછે કે સુરક્ષિત લાગણી તળેટી ક્યારેક આપણા સપનાઓનું સૌથી મોટું બંધન બની જાય છે.

પર્વતની ટોચ પર દેખાતું આકાશ બધાને ગમેછે. પણ ત્યાં સુધી પહોંચવા માટેના ચઢાણ બહુ ઓછા લોકો પસંદ કરે છે. કારણ કે ચઢાણમાં થાક છે, પરસેવો છે, ક્યારેક એકલતા છે, ક્યારેક નિષ્ફળતા છે. છતાં જે લોકો હિંમત હારતા નથી, તેઓ જ ટોચ પર પહોંચીને નવા નવા દૃશ્યો જોઈ શકે છે. જીવનમાં પણ આવું જ થાય છે. જે વ્યક્તિ જૂની માન્યતાઓ, નિષ્ફળતાનો ડર, લોકો શું કહેશે એની ચિંતા અને પોતાની મર્યાદાઓની તળેટી છોડે છે તે જ નવી ઊંચાઈઓને સ્પર્શે છે. જે હંમેશાં સલામત રસ્તો પસંદ કરેછે તે કદાચ ક્યારેય મંજીલ સુધી પહોંચી શકતા નથી. ઘણીવાર આપણે પોતાના જ વિચારોના કેદી બની જઈએ છીએ. મારાથી નહી થાય, મારી ઉંમર થઈ ગઈ, હવે મોડું થઈ ગયું, લોકો મજાક બનાવશે... આવા વિચારો આપણને તળેટીમા જ રોકી રાખે છે પરંતુ એક ક્ષણ વિચાર કરીએ કે શું જન્મથી જ કોઈ વિજેતા હોય છે? શું કોઈ બાળક ચાલતા શીખતી વખતે ક્યારેય પડતું નથી? પડે છે, ફરી ઊભુ થાય છે અને પછી દોડવાનું પણ શીખી જાય છે. જીવનનો નિયમ પણ એવો જ છે, પડવું અંત નથી, ઊભા થઈને ફરી પ્રયત્ન ન કરવો એ અંત છે.

પ્રકૃતિ આપણને આ જ શીખ આપે છે. નદી જો તેના ઉદ્ગમસ્થાને જ અટકી જાય તો ક્યારેય સમુદ્ર સુધી પહોંચી શકે નહી. બીજ જો માટીની અંદરથી બહાર આવવાનો સંઘર્ષ ન કરે તો વૃક્ષ બની શકે નહી. પતંગ જો પવનનો સામનો ન કરે તો આકાશમાં ઊડી શકે નહી, એટલે જીવનમાં સંઘર્ષને દુશ્મન નહી પણ માર્ગદર્શક માનો, મુશ્કેલીઓ ઘણીવાર આપણને તોડવા માટે નહી, પણ ઘડવા માટે આવે છે. દરેક પડકાર પછી આપણને થોડા વધુ મજબૂત બનીએ છીએ.

સાચી ટોચ માત્ર પૈસા, હોદ્દો કે પ્રસિદ્ધિ નથી સાચી ટોચ એ છે જ્યાં પહોંચીને મનને સંતોષ મળે, જ્યાં પોતાનીઅંદરની ક્ષમતાને ઓળખી શકાય, જ્યાં બીજા માટે પ્રેરણા બની શકાય. કોઈ શિક્ષક માટે ટોચ તેના વિદ્યાર્થીઓની સફળતા હોઈ શકે. કોઈ માતા માટે સંતાનોના સારા સંસ્કાર, કોઈ સમાજ સેવક માટે લોકોના ચહેરાનું સ્મિત અને કોઈ સામાન્ય માણસ માટે આત્મસંતોષભર્યું જીવન...

એક વાત યાદ રાખવી જોઈએ... ટોચ પર પહોંચનાર દરેક વ્યક્તિએ ક્યારેક તળેટી છોડવાનો નિર્ણય લીધો હતો. જો તેઓ પણ ડરીને બેઠા રહેત તો કદાચ આજે દુનિયા તેમને ઓળખતી જ ન હોત... આજે જો જીવન તમને કોઈ નવું પગલું ભરવા માટે બોલાવી રહ્યું હોય તો ડરશો નહી, કદાચ રસ્તો મુશ્કેલ હશે, કદાચ લોકો તમને રોકશે, કદાચ કેટલીક નિષ્ફળતાઓ પણ મળશે, પણ વિશ્વાસ રાખજો... આ બધું જ તમારી સફરનો ભાગ છે, અંત નથી.

આવો આજે આપણે એક સંકલ્પ કરીએ, નિષ્ફળતાના ભયનો, આળસની, નકારાત્મક વિચારોની તળેટી છોડીએ અને આત્મવિશ્વાસથી પગલાં ભરીએ... કારણ કે પર્વતની ટોચ પર પહોંચવાનો આનંદ માત્ર તેને જ મળે છે. જે તળેટી છોડવાની હિંમત કરે... તળેટી સુરક્ષા આપે છે, પણ ટોચ ઓળખ આપેછે. તળેટી આરામ આપે છે, પણ ટોચ આત્મવિશ્વાસ આપે છે અને જીવનમાં જે લોકો તળેટી છોડવાની હિંમત કરે છે, તેમના પગલાંની જ ઘણીવાર ઈતિહાસ રાહ જોતો હોય છે.

છેલ્લે... 'તળેટીમાં ઊભા રહીને ટોચના સપના જોવાથી શિખર મળતું નથી... શિખર સુધી પહોંચવા માટે પહેલું પગલું તળેટીમાંથી બહાર મૂકવું જ પડે છે.'

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શ્રાવણઃ ભક્તિનો મહિનોઃ સાથે અંતરાત્માની સફાઈનો અવસર...

                                                                                                                                                                                                      

'ઓમ નમઃ શિવાય...'

આ પાંચ અક્ષરોમાં જાણે આખું જગત સમાય જાય છે. શ્રાવણ માસ આવે એટલે માત્ર મહિનો જ બદલાતો નથી, પણ વાતાવરણમાં એક અલગ જ આધ્યાત્મિકતા પ્રસરી જાય છે. મંદિરમાં ઘંટારવ સંભળાય, શિવલીંગ પર જળાભિષેક થાય, બિલીપત્ર ચઢે, રૂદ્રાભિષેક થાય અને ભક્તોના હોઠ પર એક જ નામ ગુંજે... હર હર મહાદેવ... શ્રાવણ આવે એટલે જાણે આકાશ થોડું વધારે નમ્ર બની જાય છે, ધરતી થોડું વધારે લીલુ ઓઢી લે છે, વરસાદના ટીપાંમાં જાણે એક નાદ સંભળાય છે.

શિવમંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાઈન લાગે છે. કોઈના હાથમાં પાણીનો લોટો તો કોઈના હાથમાં દૂધનો લોટો, કોઈ બિલીપત્ર લાવે, તો કોઈ ફૂલ... દરેકના હોઠ પર 'હર હર મહાદેવ...' દરેકની એક જ પ્રાર્થના... 'ભોળાનાથ હવે તમે સંભાળી લો...' કદાચ આ જ શ્રાવણ માસની સુંદરતા છે. જ્યારે માણસ પોતાની બધી ગણતરીઓ, તકો અને ચિંતાથી થાકી જાય છે ત્યારે તે શિવના ચરણોમાં આવીને પોતાનું મન મૂકી દે છે. શ્રાવણ એ માત્ર ધાર્મિક માસ નથી.. પણ શ્રાવણ એટલે પોતાની જાત સાથે ફરી એકવાર મળવાનો અવસર.

શ્રાવણ માસ આવે એટલે શિવ યાદ આવે... પણ શિવ આપણને શું યાદ અપાવે છે? શિવ એટલે કલ્યાણ.. આપણા દેવોમાં મહાદેવનું સ્વરૂપ સૌથી અનોખુ છે. માથા પર ચંદ્ર, જટામાં ગંગા, ગળામાં સા૫, શરીર પર ભસ્મ, હાથમાં ત્રિશૂલ અને ડમરૂ, ગળામાં હળાહળતું વિષ અને આસપાસ નંદી... કેવું અદ્ભુત વ્યક્તિત્વ... જે દેવ પાસે સોનાના મહેલો નથી, રાજસી વસ્ત્રો નથી. વૈભવનો દેખાડો નથી, એ દેવને આપણે દેવોના દેવ મહાદેવ કહીએ છીએ.. શિવ આપણને જાણે એક જ વાત કહે છે...

મહાન બનવા માટે ભવ્ય બનવું જરૂરી નથી

મહાન બનવા માટે નિર્મળ બનવું જરૂરી છે.

આજના સમયમાં આપણે બહારનું બધું સુંદર બનાવવાની દોડમાં છીએ, પણ મન...? મનની સફાઈ માટે કેટલો સમય કાઢીએ છીએ? શ્રાવણ કદાચ આ જ સવાલ પૂછવા આવે છે. શ્રાવણ એટલે અંદરની સફાઈનો મહિનો... શ્રાવણ કહે છે કે એકવાર મન પણ સાફ કરી લો... શિવલીંગ પર જળ ચઢાવવાની સાથે પોતાના મન પર પણ શાંતિનું જળ રેડો, કોઈને માફ કરી દો, કોઈ સાથેનો અણબનાવ પૂરો કરો, પોતાના અહંકારને થોડો નમાવો... આ જ સાચો શ્રાવણ છે.

શિવલીંગ પર પાણી કેમ ચઢાવીએ છીએ? શિવપૂજાની સૌથી જાણીતી પરંપરાઓની એક છે જળાભિષેક.. હાથમાં પાણીનો લોટો લઈને ભક્ત શિવલીંગ પર ધીમે ધીમે પાણી રેડે છે. વહેતું પાણી ભક્તની આંખમાં સંતોષ ઉપજાવે છે... પણ શું ક્યારેય વિચાર્યું કે શિવને પાણી જ કેમ..? પાણી શીતળતાનું પ્રતીક છે, પાણી જીવનનું પ્રતીક છે, પાણી શુદ્ધતાનું પ્રતીક છે અને સૌથી અગત્યનું... પણ પોતાના સ્વરૂપમાં સરળ છે, જે વાસણમાં નાખો તેવું સ્વરૂપ ધારણ કરી લે છે... કોઈ ચઢાવતી વખતે આપણે શીખીએ છીએ કે જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે ઢળતા શીખો, પણ મૂલ્ય ન છોડો... પાણી નીચે તરફ વહે છે, તે ક્યારેય ઊંચાઈનો અહંકાર કરતું નથી, કદાચ જળ એ જ વિનમ્રતા શીખવે છે. શિવના મસ્તક પર ચંદ્ર અને જટામાં ગંગા... એક શીતળતા આપે છે અને બીજી જીવન આપે છે.. શિવનું સમગ્ર સ્વરૂપ જ આપણને તાપને શાંત કરવાની વાત કરે છે.

સમુદ્ર મંથન વખતે નીકળેલું હળાહળ વિષ શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું... આ કથા માત્ર પૌરાણિક ઘટના તરીકે વાચવા જેવી નથી... આપણા જીવનમાં પણ રોજ હળાહળ આવે છે... કોઈના અપમાનના શબ્દો, કોઈની અવગણના, કોઈનો વિશ્વાસઘાત, કોઈની ટીકા, પોતાના લોકો તરફથી મળેલી પીડા... આ બધા ઝેરનું શું કરવું... શિવજી કહે છે કે તેને મારી જેમ કંઠ સુધી રોકી રાખો... એટલે જ કદાચ શિવના જળાભિષેકમાં એક ઊંડો સંદેશ છે કે હે મહાદેવ મારા અંદર જે તાપ છે તેને શાંત કરજો... શિવલીંગ પર દૂધ ચઢાવવાની પરંપરા પણ ભક્તિમાં વિશેષ સ્થાન ધરાવે છે. દૂધનો સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે ભક્ત શિવને દૂધ અર્પણ કરે છે ત્યારે તે જાણે પોતાની અંદરની મલિનતાને ધોઈને નિર્મળ બનવાને પ્રાર્થના કરે છે. શિવજીને દૂધ ચઢાવતી વખતે વિચારોને પણ શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરીએ...

મારા મનમાં કોઈ માટે કપટ ન રહે...

મારી વાણીમાં કડવાશ ન રહે...

મારા વર્તનમાં અહંકાર ન રહે...

એ જ સાચો દૂધાભિષેક છે...

શિવપૂજામાં બિલીપત્રનું વિશેષ સ્થાન છે. સામાન્ય રીતે ત્રણ પાંદડાવાળુ બિલીપત્રને ત્રિમૂર્તિ, ત્રિગુણ, ત્રિનેત્ર અને જીવનના અનેક ત્રિઆયામી તત્ત્વો સાથે તેને જોડવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો બિલીપત્ર અર્પણ કરવું એટલે પ્રકૃતિની નાની ભેટ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરવી... આપણી પાસે કંઈ મોટું ન હોય તો પણ નિર્મળ ભાવ હોય એ જ પૂરતું છે...

શિવના ગળાનો સાપ... ભય પર વિજય... શિવના હાથનું ડમરૂ અને સર્જનના નાદનું પ્રતીક... શિવજીના શરીર પરની ભસ્મ એટલે અંતિમ સત્યની યાદ... શિવનું ત્રીજુ નેત્ર.. સાચું જોવાની દૃષ્ટિ... શ્રાવણના સોમવારનો ઉપવાસ એટલે આત્મસંયમ... શ્રાવણ એટલે શિવ તરફ જવાની નહી... પોતાની અંદરના શિવત્ત્વ તરફ જવાની યાત્રા... કારણ કે શિવને શોધવા દૂર જવાની જરૂર નથી... જ્યારે આપણા મનમાંથી દ્વેષ ઓગળે, કોઈના દુઃખમાં આપણું હૃદય ભીનું થાય, જ્યારે ક્ષમા આપણા સ્વભાવનો ભાગ બને ત્યારે.. આપણી અંદર શિવ પ્રગટે છે...

અંતે એટલું જ કહીએ...

હે ભોળાનાથ..

મને એટલું જ આપજો કે...

મારા જીવનથી કોઈને દુઃખ ન પહોંચે..

મારી વાણીથી કોઈનું હૃદય ન તૂટે..

મારાથી કોઈનું અહિત ન થાય

અને મારા મનમાં અંત સુધી

ઓમ નમઃ શિવાયનો પ્રકાશ જળવાઈ રહે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'રસોડાની વસ્તુના ઉપયોગથી બ્યુટી ટિપ્સ'

                                                                                                                                                                                                      

 બેસન અને દહીંને સરખા પ્રમાણમાં ભેળવીને ચહેરા પર દસ મિનિટ લગાવો. ચહેરા પર કુદરતી ચમક આવશે.

હળદર અને મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચામડીમાં ચમક આવશે.

ચોખાનો લોટ દૂધમાં ભેળવીને હળવા હાથે સ્ક્રબ તરીકે ઉપયોગ કરો. તેનાથી મૃત ત્વચા દૂર થશે

કાકડીનો રસ આંખ નીચે લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થશે.

જો ત્વચા તૈલિયી હોય તો ટમેટાનો રસ લગાડવો ફાયદાકારક રહેશે.

ટેનિંગ અને હળવા ડાઘ દૂર કરવામાં બટાકાનો રસ ઉપયોગી થાય છે.

સૂકી ત્વચા અને વાળ માટે નાળિયેર તેલ લગાડવું ઉપયોગી છે.

મેથીના દાણા આખી રાત પલાળી, પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી વાળ નરમ બને છે અને ખોડો દૂર થાય છે.

વાળ ધોયા પછી ચા પતીનું ઠંડુ પાણી લગાડવાથી વાળમાં ચમક આવે છે.

તૈલિયી ત્વચા પર લીંબુનો રસ મધ સાથે ભેળવીને લગાડવાથી ફાયદાકારક રહે છે.

ખાસ નોંધ : કોઈપણ ઘરગથ્થું ઉપાય અજમાવતા પહેલાં હાથ પર થોડું લગાવીને ટેસ્ટ કરવું. જો બળતરા, ખંજવાળ કે એલર્જી જેવું લાગે તો ઉપયોગ ન કરવો...  - જાનકી વસા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રીમઝીમ ગીરે સાવન... પ્રેમ-ઉત્સાહ જીવનને ઉજવવાની ઉંમર નથી હોતી

                                                                                                                                                                                                      

વરસાદ પડે છે ત્યારે માત્ર આકાશ જ નથી વરસતું, ક્યારેક મન પણ વરસે છે. બારીની બહાર ઝરમર વરસતા વરસાદને જોતા જોતા વર્ષાે પહેલાની કોઈ ક્ષણ અચાનક આંખોમાં જીવંત થઈ ઉઠે છે. કોઈનો સ્પર્શ, કોઈનો સાથ યાદ આવે છે. કોઈ અધૂરો સંવાદ, કોઈ રસ્તો, કોઈ ગીત અને મનના ખૂણે વર્ષાેથી શાંતિથી પડેલી લાગણીઓ ફરીથી ભીની થઈ જાય છે, વરસાદ માત્ર ઋતુ નથી, એ તો લાગણીઓનું સંગીત છે. વરસાદના પહેલા ટીપા સાથે માટીની સુગંધ ફેલાય છે, ત્યારે મન અજાણતા જ ભીની યાદોના આંગણે પહોંચી જાય છે. બાળપણમાં વરસાદ એટલે કાગળની હોડી, યુવાનીમાં વરસાદ એટલે પ્રેમની કવિતા અને વૃદ્ધાવસ્થામાં વરસાદ એટલે સ્મરણોની શાંત કવિતા... કદાચ એટલે જ વરસાદને ઋતુ નથી, લાગણીઓનો મહોત્સવ કહેવામાં આવે છે.

પણ શું જીવનના પાંચ-સાત દાયકા પસાર કર્યા પછી વરસાદમાં ભીંજાવવાનો અધિકાર સમાપ્ત થઈ જાય છે? સમાજમાં પણ ઘણીવાર ઉંમરને બંધન બનાવી દેવામાં આવે છે. જાણે અદૃશ્ય નિયમ ઘડી દેવાયા છે કે અમૂક ઉંમરે આવું ન કરાય, હવે આ ઉંમરે બાળકો જેવા થવું શોભે નહી.. પણ હમણાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ પ્રશ્નોનો સરસ જવાબ આપ્યો છે. જીવનના સાત દાયકા પસાર કરેલા શૈલેષભાઈ ઈનામદાર અને વંદનાબેન ઈનામદારે 'રીમઝીમ ગીરે સાવન' ગીતને ફરીથી જીવંત કરીને લાખો લોકોના હૃદયમાં વરસાદમાં ભીંજાવવાની ઈચ્છા જાગૃત કરી છે. તેમણે માત્ર એક ગીતનું પુનઃ સર્જન નથી કર્યું, તેમણે સમગ્ર સમાજને એક જીવનમંત્ર આપ્યો છે કે પ્રેમની કોઈ ઉંમર નથી, ખુશ રહેવાની કોઈ નિવૃત્તિ નથી... ધોધમાર વરસાદમાં ભીંજાતા, એકબીજાનો હાથ પકડીને ચાલતા, એકબીજાની આંખમાં જૂનો પ્રેમ શોધતા અને હસતા આ દંપતીને જોતા મનમાં એક વિચાર આવે કે પ્રેમ, લાગણી, વરસાદ, ખુશી દરેક ઉંમરે માણી શકાય... ઉંમર શરીરની છે, મનમાં તો હજી બાળપણ જીવે જ છે. આપણે બધાં ઉંમરના એક પડાવ પછી હસવાનું ઓછું કરીએ છીએ, ખુશ થતા ડરીએ છીએ, શોખ પુરા કરતા અચકાઈએ છીએ, પણ આ દંપનીએ સાબિત કર્યું કે જીવન વર્ષાેથી નહી પણ ઉત્સાહથી મપાય છે. વરસાદમાં ભીંજાતા દંપતીને જોઈને સ્પષ્ટ થાય છે કે સાચો પ્રેમ ક્યારેય વૃદ્ધ થતો નથી. શરીર પર કરચલી પડી શકે, વાળ સફેદ થઈ શકે, ચાલ ધીમી પડી શકે, પણ જો હૃદયમાં સ્નેહ જીવંત હોય તો દરેક વરસાદ નવેસરથી યુવાની લઈ આવે છે.

આપણે જીવનના દરેક દાયકાને અલગ અલગ ખાંચામાં વહેચી દીધું છે. બાળપણ રમવા માટે, યુવાની પ્રેમ કરવા માટે, મધ્યવય જવાબદારી માટે અને વૃદ્ધાવસ્થા માત્ર યાદો માટે... પણ કુદરતે આવા કોઈ નિયમ નથી બનાવ્યા. વૃક્ષને સિત્તેર વર્ષે પણ વસંત આવે એટલે નવા પાન આવે જ છે, નદીને પુછો તો તે વૃદ્ધ નથી થતી, દરેક વરસાદમાં તે બે કાંઠે, ધસમસતી વહે જ છે... તો પછી માણસે જ શા માટે પોતાની લાગણીઓ માટે ઉંમરની સીમા ઊભી કરી છે? આ દંપતીનો વીડિયો સમાજના મનમાં જામી ગયેલા પૂર્વગ્રહો સામેનું એક મૌન નિવેદન છે.

આજના યુગમાં સંબંધો ઝડપથી બંધાય છે અને એટલી જ ઝડપથી તૂટી પણ જાય છે. આજે સંબંધો મોબાઈલની સ્ક્રીન સુધી સીમિત થઈ ગયા છે. સાથે બેસવા કરતા લોકો સાથે સાથે ફોનમાં વ્યસ્ત રહે છે, આપણે પ્રેમ કરતા તેની જાહેરાત વધારે કરીએ છીએ. ફોટા વધી રહ્યા છે, પણ સંભારણા ઘટી રહ્યા છે. પ્રેમ વ્યક્ત કરવા માટે સમય નથી, લાગણીઓ વ્હેચવા માટે ધીરજ નથી, આવા સમયમાં આ દંપતી આપણને શીખવે છે કે સંબંધોની મજબૂતી સાથે જીવેલી નાની નાની ક્ષણોમાં વસે છે.

આ વીડિયો કરોડો લોકોએ જોયો હશે. કોઈએ તેમાં ખરેખર ગીતમાં રહેલા અભિનેતા-અભિનેત્રીને શોધ્યા નહી હોય, બધાંએ પોતાના જીવનને શોધ્યું હશે. પોતાનો પ્રથમ વરસાદ, પોતાની પ્રિય વ્યક્તિ, પોતાની અધૂરી રહેલી ઈચ્છા, કોઈ સાથે વિતાવેલી વરસાદની મોસમ... બધાના મનમાં કોઈને કોઈ ક્ષણ, કોઈ વ્યક્તિ યાદ આવી જ હશે...

વૃદ્ધાવસ્થા વિશે આપણો સૌથી મોટો ભ્રમ એ છે કે હવે જીવનમાં નવું કંઈ બાકી નથી, પણ સાચું તો એ છે કે આ ઉંમરે જ માણસ નિખાલસ બને છે, દેખાડા ઓછા થઈ જાય છે, અપેક્ષાઓ ઓગળી જાય છે અને બાકી રહે છે કે માત્ર સંબંધોની હુંફ... કોઈએ સુંદર વાક્ય લખ્યું છે કે, 'ઉંમર ચહેરા પર લખાય છે, હૃદય પર નહી' કદાચ એ જ વાત આ વરસાદે ફરી યાદ અપાવી. જીવનની સૌથી મોટી કરૂણતા મૃત્યુ નથી, સૌથી મોટી કરૂણતા એ છે કે જીવતા જીવતા માણસ જીવવાનું છોડી દે છે. જ્યારે મન કહે કે ચાલને વરસાદમાં થોડું ભીંજાઈ આવીએ, ત્યારે ઘુંટણના દુઃખાવા પહેલા સમાજની નજરો યાદ આવે એ જ વૃદ્ધાવસ્થા છે.. જ્યારે સિત્તેર વર્ષની ઉંમર પછી પણ કોઈ પોતાના જીવનસાથીનો હાથ પકડીને વરસાદમાં નિર્ભય હસી શકે, એ જ સાચું જીવન છે.

જીવનમાં સુખની રાહ જોવી નહી, પણ સુખની પળને સર્જવી જોઈએ. ક્યારેક સાથે બેસીને ચા પીવી, જૂનું મનપસંદ ગીત સાંભળવંુ, ખુલ્લી હવામાં ચાલવા જવું કે જૂની યાદોને ફરી જીવી લેવી... એ નાની નાની ક્ષણો જ આખા જીવનને સુંદર બનાવે છે, ઉંમર તો માત્ર એક આંકડો છે, ખરેખર તો જ્યાં સુધી હૃદયમાં પ્રેમ ધબકે છે, આંખમાં સપના ઝળકે છે અને જીવનને માણવાનો ઉમંગ જીવંત છે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ વૃદ્ધ નથી થતી...

ચલો... આપણે પણ સમાજે બાંધેલી ઉંમરની દીવાલો તોડી નાખીએ, હસવું હોય તો ખડખડાટ હસીએ, પ્રેમ કરવો હોય તો ખુલ્લા મનથી કરીએ, વરસાદ આવતો હોય તો નિર્ભય થઈને ભીંજાઈએ અને દરેક દિવસને ઉત્સવની જેમ જીવીએ... કારણ કે જીવનની સુંદરતા લાંબુ જીવનામાં નહી, પણ દરેક ક્ષણને પૂરેપૂરી જીવવામાં છે. રીમઝીમ વરસતા વરસાદની જેમ પ્રેમ પણ સતત વરસતો રહે એ જ સાચું જીવન છે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વાનગી : ચીઝી મેક્સિકન પનીર ટાકોઝ

                                                                                                                                                                                                      

સામગ્રી : ટાકો રોલ્સ ૬ નંગ, પનીર ૨૦૦ ગ્રામ, ડુંગળી એક ઝીણી સમારેલી, કેપ્સિકમ એક ઝીણું સમારેલુ, સ્વીટકોર્ન અડધો કપ, ટમેટુ એક ઝીણું સમારેલુ, મોઝેરેલા ચીઝ એક કપ, ટમેટા સોસ બે ચમચી, ચીલી સોસ, એક સમચી, ઓરેગાનો એક ચમચી, ચીલી ફલેક્સ એક ચમચી, બટર એક ચમચી, મીઠું, કાળા મરીનો પાઉડર સ્વાદ મુજબ...

બનાવવાની રીત :

-પેનમાં બટર ગરમ કરી ડુંગળી અને કેપ્સિકમને બે મિનિટ સાંતળો.

- તેમાં પનીર, કોર્ન અને ટમેટા ઉમેરો.

- ટમેટા સોસ, ચીલી સોસ, ઓરેગાનો, ચીલી ફલેક્સ, મીઠું અને મરી ઉમેરી ચાર-પાંચ મિનિટ હલાવો.

- ટાકો રોલ્સમાં આ મિશ્રણ ભરો.

- ઉપરથી મોઝરેલા ચીઝ છાંટો.

- ૧૮૦ં સી પર પાંચ-સાત મિનિટ બેક કરો અથવા ઢાંકળ વાળા તવા પર સીઝ ઓગળે ત્યાં સુધી ગરમ કરો.

- સાલસા અથવા મેયોનીઝ સાથે પીરસો.

સર્વિંગ ટીપ :

ઉપરથી સ્પ્રિંગ ઓનિયન અને લીંબુનો રસ ઉમેરો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'જેને નથી સમજવું તેને ગ્રંથો પણ નહી સમજાય... અને જેને સમજવું છે, એ તો મૌન પણ સમજી જશે...'

મૌનની ભાષા અને સમજણનો મહિમા

                                                                                                                                                                                                      

આ બે પંક્તિમાં જીવનનું ગહન તત્ત્વજ્ઞાન સમાયેલુ છે. મનુષ્યના જીવનમાં શબ્દોનું ઘણું મહત્ત્વ છે. પણ એ શબ્દ કરતા પણ વધારે કિંમતી જો કોઈ હોય તો તે છે સમજણ... સાચી સમજણ તો હૃદયમાંથી જન્મે છે, શબ્દ તો માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે. જીવનની કેટલીક વાતો એવી હોય છે, જેને સમજાવવા માટે હજારો શબ્દો પણ ઓછા પડે છે અને કેટલીક એવી હોય છે જે એક નજરમાં, એક સ્પર્શમાં કે એક મૌનમાં જ સમજી જાય છે. માનવજીવનની સૌથી અદ્ભુત શક્તિ જો કોઈ હોય તો તે છે સમજવાની ક્ષમતા... કારણ કે જ્યાં સમજણ છે ત્યાં શબ્દો ગૌણ બની જાય છે અને જ્યાં સમજણનો અભાવ છે ત્યાં આખા ગ્રંથો પણ નિઃશબ્દ બની જાય છે.

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે માણસને સમજાવવા માટે વધુ બોલવું જોઈએ, વધુ સમજાવવું જોઈએ, વધુ પુરાવા આપવા જોઈએ, પણ અનુભવ શીખવે છે કે જ્યાં સમજવાની ઈચ્છા જ નથી, ત્યાં હજારો શબ્દો પણ બિનઅસરકારક બની જાય છે. કોઈ વ્યક્તિ આખુ પુસ્તક વાચી શકે, અનેક ધાર્મિક ગ્રંથોનું પારાયણ કરી શકે, જીવનદર્શન પર કલાકો સુધી ચર્ચા કરી શકે, છતાં જો તેના મનમાં અહંકાર, પૂર્વગ્રહ અને સ્વાર્થ હોય તો તે જ્ઞાન માત્ર માહિતી બની રહે છે, તે સમજણ ક્યારેય ન બને... જ્યારે બીજી બાજુ કેટલાક લોકો એવા હોય છે કે જેમને બહુ કહેવાની જરૂર પડતી નથી. તેઓ આંખની ભાષા વાચી લે છે. મૌનમાં છૂપાયેલો સંદેશ સમજી લે છે. ચહેરા પરના સ્મિત પાછળની વેદના પણ અનુભવી લે છે. કારણ કે તેઓ કાનથી સાંભળતા જ નથી, પણ દિલથી અનુભવે છે.

સમજણનું મૂળ શિક્ષણમાં નથી, સંવેદનામાં છે. આજે દુનિયામાં સંવાદના અસંખ્ય માધ્યમ છે, મોબાઈલ છે, ઈન્ટરનેટ છે, સોશિયલ મીડિયા છે, છતાં સંબંધો નબળા પડી રહ્યા છે. કારણ કે આપણે બોલવાનું શીખ્યા છીએ, સાંભળવાનું નહી, આપણે જવાબ આપવાનું શીખ્યા છીએ, સમજવાનું નહી. દરેક વ્યક્તિ પોતાની વાત કહેવાની ઉતાવળમાં છે, કોઈ બીજાના મનમાં શું ચાલે છે તે જાણવાનો સમય જ નથી, એટલા માટે આજે ઘરમાં લોકો સાથે રહે છે, પણ દિલથી દૂર થઈ ગયા છીએ, ઘરમાં વાતો તો રોજ થાય છે, પણ સંવાદ થતો નથી, સાચો સંવાદ ત્યાં થાય છે જ્યાં શબ્દો પહેલા લાગણી સાંભળવામાં આવે. દરેક સંબંધનું આયુષ્ય સમજણ પર ટકેલુ છે. પ્રેમ તો ઘણાં કરે છે. પણ સમજતા બહુ ઓછા હોય છે. કેટલીક વખત માણસ કહે છે કે, 'હું બરાબર છું' પણ તેની આંખો કહી રહી હોય છે કે, 'મને કોઈ સમજી લે...' ઘણીવાર હોઠ પર સ્મિત હોય છે, પણ હૃદયમાં આંસુનો દરિયો હોય છે, જે વ્યક્તિ માત્ર શબ્દ સાંભળે છે તેને બધું સારૃં જ લાગે છે, પણ જો હૃદયથી સાંભળે છે તે મૌનની ચીસ પણ સાંભળી લે છે.

એટલે જ મૌન સૌથી મોટી ભાષા કહેવાય છે. મૌન ક્યારેય ખાલી નથી હોતું... તેમાં પ્રેમ હોય છે, તેમાં ફરિયાદ હોય છે, તેમાં રાહ જોવાની પીડા હોય છે, તેમાં ક્ષમાનો સ્પર્શ હોય છે અને ઘણીવાર એમાં એવી વેદના હોય છે, જે શબ્દોમાં વ્યક્ત જ થઈ શકતી નથી. સાચા સંબંધોમાં ઘણીવાર 'હું તને પ્રેમ કરૂ છું' એ કહેવાની જરૂર જ નથી હોતી એક નજર, એક સ્મિત, એક સ્પર્શ કે માત્ર હાજરી જ બધું કહી જાય છે.

જીવનમાં ઘણી વ્યક્તિઓ મળે છે, કેટલાક આપણને જોવે છે, કેટલાક આપણને સાંભળે છે, પણ બહુ ઓછી વ્યક્તિ એવી મળે છે જે આપણને સમજે છે અને જે દિવસે આવી વ્યક્તિ મળે એ દિવસે જીવનની સૌથી મોટી સંપત્તિ મળી જાય છે. આજના સમયમાં સૌથી વધારે જે ખોટ છે તે પૈસાની નથી, સમયની પણ નથી, માત્ર સમજણની છે. લોકો સલાહ ખૂબ આપે છે, સાથ ઓછો આપે છે પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરતા નથી. કોઈની એક ભૂલ પર આખી વ્યક્તિને ખોટી ઠેરવી દેવી ખૂબ સરળ છે. પણ તેની પાછળની પરિસ્થિતિ સમજવી ખૂબ મુશ્કેલ છે. આપણે ઘણીવાર ઈશ્વરને પૂછીએ છીએ કે, 'હે ભગવાન લોકો મને કેમ સમજતા નથી?' પણ ક્યારેય એવું પોતાને પૂછતા નથી કે 'મેં કેટલા લોકોને સમજવાનો પ્રયત્ન કર્યાે?'

જ્યારે જીવનની સાંજ આવે છે ત્યારે માણસને સફળતા, સંપત્તિ કે પ્રસિદ્ધિ કરતા વધુ એક જ વાત યાદ આવે છે કે મને કોણ વધારે સમજે? કારણ કે આખી દુનિયા સાથે વાત કરી શકાય છે પણ હૃદય ખોલીને માત્ર એ વ્યક્તિ સાથે જ જીવી શકાય જે આપણું મૌન પણ સમજે... તો ચલો આપણે એવા માણસ બનીએ કે કોઈના ચહેરા પરનું હાસ્ય અને આંખની ભીનાશ બંને વાચી શકીએ. કારણ કે શબ્દ કાન સુધી પહોંચે છે, સમજણ હૃદય સુધી પહોંચે છે...

'અંતે ફરી એ જ શાશ્વત સત્ય...' જેને સમજવું નથી તેને ગ્રંથો પણ નહી સમજાય અને જેને સમજવું છે તે મૌન પણ સમજી જશે...'

મૌનની ભાષા શીખી જનારને ક્યારેય અનુવાદની જરૂર પડતી નથી... જ્યાં હૃદય જાગે છે, ત્યાં શબ્દોનું સામ્રાજ્ય સમાપ્ત થાય છે અને સમજણનો સૂર્ય ઊગે છે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સલાહ-સંબંધોની વાસ્તવિકતા... પહેલાં લિવ-ઈન પછી લગ્ન...

                                                                                                                                                                                                      

''આ તારો સ્વભાવ લગ્ન પછી સાવ બગડી ગયો છે... પહેલાં તું આવી/આવો ન હતો...'

'હું તો આવી/આવો જ છું...'

'એ જ ખબર ન પડી ને... પહેલાંથી જ તારો સ્વભાવ ખબર પડી હોત તો હું લગ્ન જ ન કરત...'

'હવે શું થાય? લગ્નના આટલા વર્ષ વીતી ગયા... હવે સહન કર્યે જ છૂટકો...'

'આ તો ઘર-પરિવાર, માતા-પિતાની આબરૂની ચિંતા છે. બાળકોની ચિંતા છે એટલે... બાકી આવા સ્વભાવવાળા સાથે જીવન વિતાવવું કેટલું અઘરૂ છે એ મને જ સમજાય...'

આવા સંવાદો ઘણાં ઘરમાં થતાં હોય છે. લગ્ન પહેલાં અને લગ્ન પછી પતિ-પત્ની બંનેનો એવું લાગતું હોય છે કે સ્વભાવ બદલાઈ ગયો. ઘણી વખત એવો પણ વિચાર આવતો જ હોય કે જો લગ્ન પહેલાં જ સાચો સ્વભાવ ખબર પડી હોત તો લગ્ન જ ન કરત... પણ આપણા સમાજમાં લગ્ન પહેલાં મળવાનું, સાથે રહેવાનું બનતું નથી અને લગ્ન પછી સાચો સ્વભાવ સામે આવે ત્યારે દંપતીને લાગે કે આ તો સાવ આવો/આવી છે? આની સાથે કેમ જીવાય? પણ ત્યારે સમાજ-કુટુંબની બીકથી લગ્ન નિભાવ્યે જતા હોય છે.. પણ લગ્ન પહેલાં સાથે રહેવા મળે તો...?

તાજેતરમાં જાણીતી અભિનેત્રી ઝિનત અમાનનું નિવેદન ચર્ચામાં છે... તેમણે કહ્યું કે, 'પંદર વર્ષના લગ્નજીવન કરતા પાંચ વર્ષ લિવ-ઈન-રિલેશનશીપમાં રહેવું વધુ સારૃં' આ નિવેદનને કેટલાક લોકોએ આધુનિક વિચારધારા તરીકે વધાવ્યું, તો કેટલાકે તેને ભારતીય સમાજની પારિવારિક સંસ્થાને પડકારતી સલાહ ગણાવી.

અહીં પ્રશ્ન એ છે કે શું આવી સલાહ દરેક માટે યોગ્ય છે? શું લગ્ન પહેલાં વર્ષાે સુધી સાથે રહેવું સફળ દામ્પત્યની ખાતરી આપે છે? શું લગ્ન જેવી પવિત્ર સંસ્થાને માત્ર 'ટ્રાયલ તરીકે જોવું યોગ્ય છે? આ પ્રશ્નનો જવાબ ભાવનાથી નહીં,' પણ સમજદારી અને સંતુલિત દૃષ્ટિકોણથી શોધવાની જરૂર છે. દરેક વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ પોતપોતાના અનુભવો પરથી આપશે. જો કોઈના લગ્નજીવનનો અનુભવ કડવો રહ્યો હોય તો તે લગ્ન વિશે સાવચેત રહેવાની સલાહ આપશે... તો કોઈનું દામ્પત્યજીવન સુખી હોય તો તે લગ્નને જીવનનો શ્રેષ્ઠ નિર્ણય કહેશે.

ભારતમાં લગ્ન માત્ર એક કાનૂની 'કરાર' નથી. તે એક 'સંસ્કાર' છે. અગ્નિની સાક્ષીએ લેવાતા ચાર ફેરા માત્ર વિધિ નથી, તે વિશ્વાસ, સમર્પણ, જવાબદારી અને જીવનભરના સાથનું પ્રતીક છે. આજ કારણ છે કે, ભારતીય પરિવારોમાં લગ્નને વ્યક્તિગત નહી, પણ સામાજિક અને સાંસ્કૃતિક જવાબદારી તરીકે જોવામાં આવે છે, ભારતીય સમાજમાં લગ્ન એ વ્યક્તિને જ નહી, બે પરિવારને જોડે છે.

લિવ ઈન રિલેશનશીપનો વિચાર એ માન્યતા પર આધારિત છે કે, લગ્ન પહેલાં બંને વ્યક્તિઓએ સાથે રહીને એકબીજાને સમજવા જોઈએ, કેટલાક લોકો માને છે કે, સાથે રહેતા સ્વભાવ, આદતો, જીવનશૈલી વિશે વધુ સારી સમજ મળે છે.. આ વિચારમાં તર્ક તો છે, પણ પ્રશ્ન હજી એ જ છે કે શું થોડા સમય, થોડા વર્ષ કોઈ સાથે રહેવાથી તેને સંપૂર્ણપણે સમજી શકાય? માનવ સ્વભાવ સતત બદલાતો રહે છે. એવું બને કે લિવ-ઈન રહેતા હોય ત્યારે જવાબદારી ન હોય, બાળકો ન હોય, એટલે સ્વભાવ અલગ હોય પણ લગ્ન પછી નવા સંજોગો, જવાબદારી, બાળકો, પરિવારની પરિસ્થિતિ એ બધાને કારણે લગ્ન પછી સ્વભાવમાં પરિવર્તન આવી શકે...

જો આ સવાલ લઈને લોકો વચ્ચે જઈએ તો બની શકે કે જે લોકો પારંપરિક લગ્નની તરફેણમાં છે તે લિવ-ઈનની વાતને સ્વીકારશે જ નહી, અને જે લોકો લિવ-ઈનની તરફેણમાં હશે તે પણ ચૂપ જ રહેશે, કારણ કે લગ્ન પહેલાં ખૂલ્લેઆમ સાથે રહેવાની વાતને જાહેરમાં સ્વીકારી નહી શકે, બોલી નહી શકે.

જો કે એક વાત સ્વીકારવી જ પડે કે લગ્ન પહેલાં થોડો સમય સાથે રહેવાનો વિકલ્પ મળે તો ઘણાં લગ્નો તૂટી જતા અટકે... અથવા તો ઘણાં લગ્ન થતા પહેલાં જ સંબંધ છૂટી જાય... આપણા સમાજમાં લગ્નમાં સૌથી મોટી અડચણરૂપ કોઈ વાત હોય તો તે એકબીજાનો ફુદડીવાળો સ્વભાવ... લગ્ન પહેલાં બે-ચાર કલાક મળતા હોય ત્યારે સ્વભાવમાં જે શ્રેષ્ઠ હોય તે જ બહાર આવે, બે-ચાર કલાકમાં જે લાગણી-પ્રેમનો દેખાડો થાય એમાં સાચો સ્વભાવ ઓળખાતો નથી અને લગ્ન પછી આ જ નહી દેખાડેલો સ્વભાવ નડે છે.

પણ શું માત્ર સાથે રહેવું એ સફળ સંબંધની ગેરંટી છે? આજે એવા ઉદાહરણ પણ છે કે વર્ષાે સુધી પ્રેમસંબંધમાં રહ્યા પછી પણ લગ્ન થાય એટલે સ્વભાવ માફક ન આવે અને અલગ થઈ જાય. તો બીજી તરફ એવા અસંખ્ય દંપતી છે કે જે પરંપરાગત રીતે લગ્ન કરીને વર્ષાે સુધી સુખી અને સંતોષપૂર્ણ રીતે સાથે જીવ્યા છે. સંબંધની સફળતા તેની પદ્ધતિમાં નહી પણ સંબંધ નિભાવવાની તૈયારીમાં છે.

લિવ-ઈન હોય કે લગ્ન... બંનેમાં પ્રેમ, વિશ્વાસ અને સન્માન ન હોય તો સંબંધ ટકતા નથી. આધુનિકતા સ્વીકારવી ખરાબ નથી, પણ સાચી આધુનિકતા એ છે કે સંબંધમાં સમાનતા, પારદર્શિતા, સન્માન અને જવાબદારી જળવાય, યુવાનો માટે સૌથી અગત્યની વાત એ છે કે સંબંધને  'ટ્રેન્ડ' તરીકે નહીં, પણ જવાબદાર તરીકે જોવો જોઈએ. લગ્ન પહેલાં એકબીજાને સમજવા જરૂરી છે, પણ એ સમજવાનો એકમાત્ર રસ્તો વર્ષાે સુધી સાથે રહેવાનો જ હોય એવું નથી. ખૂલ્લો સંવાદ, પરસ્પર સન્માન પરિવારની સમજ અને જવાબદારીની ભાવના પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.

અંતે એટલું જ કે, લિવ-ઈન એ સલાહ દરેક માટે યોગ્ય નથી તે ખોટું જ છે એમ પણ કહી ન શકાય. દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે, દરેકને નિર્ણય લેવાનો અધિકાર છે, પણ એક વાત સાચી એ છે કે કોઈપણ સંબંધ પ્રેમથી શરૂ થાય છે, વિશ્વાસથી મજબૂત બને છે અને જવાબદારીથી ટકે છે. સંબંધનંુ સાચું સુખ માત્ર સાથે રહેવામાં નહીં, પણ જીવનભર એકબીજાનો સાથ નિભાવવાની તૈયારીમાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લાગણીનું સંક્ષિપ્ત બ્રહ્માંડ માઈક્રોફિક્શન...

                                                                                                                                                                                                      

'સ્ટેશન પર તે આજે પણ સમયસર આવી, ટ્રેન આવી, લોકો ઉતર્યા, પણ જે વચન આપીને ગયો હતો, તે ક્યારેય પાછો ન આવ્યો.'

દીકરો દર મહિને રૂપિયા મોકલતો હતો. માતાને તો માત્ર એટલું જ જોઈતું હતું... 'એક દિવસ તું પોતે પણ આવી જા'...'

વર્ષાે પછી વિદ્યાર્થી મળ્યો, પગે લાગ્યો અને બોલ્યો, સાહેબ... આજે હું જે છું એમાં તમારો ભાગ સૌથી મોટો છે' શિક્ષકનો આખો દિવસ સફળ થઈ ગયો...'

ઘરમાં તેની કોઈ વસ્તુ ન હતી, ફક્ત દીવાલ પર ટાંગેલો એક ફોટો હતો, દરરોજ ધૂળ લૂછતી વખતે, એ ફરી એકવાર તેની સાથે વાત કરી લેતી...'

'કેક પર મીણબત્તીઓ વધી રહી હતી, પણ ઉજવણીમાં લોકો ઘટતા જતા હતા.'

માઈક્રોફિક્શન... ખૂબજ ઓછા શબ્દમાં કહેવામાં આવેલી વાર્તા... જે વાચકના મનમાં લાંબો સમય સુધી જીવંત રહે. ઘણી વખત બે-ત્રણ વાક્યો અથવા પચ્ચસેક શબ્દોથી બનતી વાર્તા પણ એટલી અસરકારક બની જાય છે કે લાંબી નવલકથા જેટલી છાપ છોડી જાય.

આજનો યુગ ઝડપનો યુગ છે. જીવનની દોડધામમાં માણસ પાસે સમય તો છે, પણ એ સમય અનેક નોટીફિકેશન, સોશિયલ મીડિયા અને સતત બદલાતી માહિતી વચ્ચે વહેંચાઈ ગયો છે. લાંબી નવલકથાઓ, વિશાળ વાર્તાઓ અને વિસ્તૃત લેખ વાંચવાનો રસ હજી પણ અમૂક લોકોમાં છે જ, પણ તેના માટે ધીરજ અને સમય ઘટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સાહિત્યના એક નવા સ્વરૂપે વાચકોનું ધ્યાન ખેંચ્યું છે... એ છે માઈક્રોફિક્શન... માઈક્રોફિક્શન એ ટૂંકી વાર્તાનું અંત્યંત સંક્ષિપ્ત સ્વરૂપ છે. તેમાં પાત્રો, ઘટના, સંઘર્ષ અને અંત... બધું જ હોય, પણ ખૂબજ ઓછા શબ્દોમાં... તેનું સૌંદર્ય તેના સંક્ષિપ્તતા અને ગહનતામાં રહેલું છે.

વિશ્વ પ્રસિદ્ધ લેખક અર્નેસ્ટ હેનિંગ્વેને આ પ્રકારની વાર્તાનો શ્રેય આપવામાં આવે છે. તેમની છ શબ્દોની વાર્તા આજે પણ વિશ્વની સૌથી પ્રસિદ્ધ માઈક્રોફિક્શન ગણાય છે....

'ર્હ્લિ જટ્ઠઙ્મીઃ હ્વટ્ઠહ્વઅ જર્રીજ, હીદૃીહ ર્ુહિ' માત્ર છ શબ્દો... પણ કેવડો મોટો દુઃખનો દરિયો તેમાં માસયેલો છે...

ડિજીટલ યુગે વાંચનની રીત બદલી નાખી છે. મોબાઈલની સ્ક્રીન પર લોકો થોડી જ સેકન્ડમાં નક્કી કરે છે કે શું વાચવું અને શું છોડવું? લાંબા લેખો કરતા ટૂંકું, અસરકારક અને વિચારવા મજબૂર કરે એવું લખાણ વધુ વાંચવામાં આવે છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માઈક્રોફિક્શન ઝડપથી લોકો સુધી પહોંચે છે. લોકો તેને વાચે છે, શેર કરે છે અને તેની ચર્ચા પણ કરે છે.

માઈક્રોફિક્શનનું સૌથી મોટું બળ એ છે કે તેમાં બધું જ કહી દેવામાં નથી આવતું, વાચકને વિચારવાની જગ્યા આપે છે. ઘણી વખત વાર્તાનો સાચો અંત તો વાચક પોતાના મનમાં લખે છે. દા.ત. 'દરવાજા પર આજે પણ તેનું નામ લખેલું છે... પણ હવે અંદર જવાનો હક્ક નથી...' બસ આટલા જ શબ્દની વાર્તા... વાચકને અનેક પ્રશ્ન થાય કે કોનું ઘર? ઘરમાં કોણ છે? બહાર કોણ છે? અંદર જવાનો હક્ક કેમ નથી? દરેક વાચક પોતાની રીતે તેનો અર્થ શોધે છે, માઈક્રોફિક્શનમાં એકથી વધારે અંત હોય શકે છે.

માઈક્રોફિક્શન લખવું સહેલુ નથી, લાંબી વાર્તાના લેખક પાસે પાત્રો અને ઘટનાને વિસ્તૃત કરવાની તક હોય છે, જ્યારે માઈક્રોફિક્શનમાં દરેક શબ્દનું મહત્ત્વ હોય છે. એક વધારાનો શબ્દ પણ વાર્તાની અસર ઘટાડી શકે છે. એટલે જ માઈક્રોફિક્શન લખવા માટે ભાષા પર મજબૂત પકડ, કલ્પનાશક્તિ અને સંવેદનાની ઊંડાઈ જરૂરી બને છે.

અહીં એક સવાલ એ પણ છે કે શું માઈક્રોફિક્શન સાહિત્યનું ભવિષ્ય છે? તો આ પ્રશ્નનો જવાબ હા અને ના બંને છે. હા એટલે કે નવી પેઢીને વાચનની દુનિયામાં લાવવા માટે માઈક્રોફિક્શન એક અસરકારક માધ્યમ બની રહ્યું છે. ટૂંકી વાર્તાઓ વાચીને ઘણાં લોકો પછી લાંબા સાહિત્ય તરફ વળે છે અને ના... એટલે કે લાંબી નવલકથાઓ અને વિસ્તૃત વાર્તાઓનું સ્થાન ક્યારેય કોઈ લઈ શકે નહી. ઊંડા પાત્રચિત્રણ અને જીવનના વિવિધ રંગો માટે લાંબા સાહિત્યની જરૂર રહે છે.

ગુજરાતી સાહિત્યમાં છેલ્લા કેટલાક વર્ષાેમાં માઈક્રોફિક્શનનું પ્રમાણ વધ્યું છે. સોશિયલ મીડિયા પર અનેક સર્જકો બે-ચાર લાઈનની વાર્તા લખીને હજારો લોકો સુધી પહોંચે છે. ગુજરાતી ભાષાની સરળતા અને લાગણીસભર અભિવ્યક્તિ માઈક્રોફિક્શન માટે ખૂબ અનુકૂળ છે. જો નવા સર્જકો આ ક્ષેત્રમાં ગંભીરતાથી કામ કરે તો ગુજરાતી સાહિત્યને એક નવી દિશા મળી શકે.

છેલ્લે એટલું કહીશ કે માઈક્રોફિક્શન એ માત્ર ટૂંકી વાર્તા નથી. તે લાગણીનું સંક્ષિપ્ત બ્રહ્માંડ છે. તો સાબિત કરે છે કે અસર શબ્દોની સંખ્યાથી નહી પરંતુ શબ્દોની તાકાતથી જન્મે છે. આજના ઝડપી સમયમાં જ્યાં લોકો પાસે લાંબુ વાચવાનો સમય ઓછો છે, ત્યાં માઈક્રોફિક્શન વાચક સુધી ઝડપથી પહોંચે છે અને થોડા જ શબ્દોમાં મનને સ્પર્શી જાય છે. કદાચ આ જ તેની સૌથી મોટી સફળતા છે. ઓછા શબ્દ, ઊંડી લાગણી, લાંબી અસર... એ જ માઈક્રોફિક્શનની સાચી ઓળખ છે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કૃષ્ણ દૂધ પીવાની ઘટનાઃ આસ્થા કે અંધશ્રદ્ધા ?

                                                                                                                                                                                                      

તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગર અને તલોદમાં કૃષ્ણ પ્રતિમાને દૂધ પીવડાવવાના વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયા હતા. અનેક લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. તો કેટલાક લોકોએ તેની પાછળના વૈજ્ઞાનિક કારણો શોધવાની માંગ કરી. આ પહેલીવાર નથી કે આવી કોઈ ઘટના સામે આવી હોય, આ પહેલાં પણ ગણેશજીની પ્રતિમાઓ દૂધ પીતી હોવાના દાવાઓએ ભારે ચર્ચા જગાવી હતી. શિવલીંગ કે અન્ય વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓ સાથે આવી ઘટનાઓ સમયાંતરે જોવા મળે છે. ક્યારેક મૂર્તિ દૂધ પીતી હોય, તો કયારેક મંદિર-ધાર્મિક સ્થળની દીવાલો પરથી અમી ઝરતું હોય એવી ઘટનાઓ સામે આવતી રહે છે.

આવા પ્રસંગો સામે આવે ત્યારે સમાજમાં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું આ શ્રદ્ધાનો વિષય છે કે અંધશ્રદ્ધા? શું ખરેખર પ્રતિમા દૂધ પી રહી છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે લાગણીઓ કરતા તર્ક અને સમજણનો આધાર લેવાની જરૂર છે.

ભારતીય સમાજમાં ધર્મ અને આસ્થા જીવનનો અભિન્ન ભાગ રહ્યા છે. મંદિર, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ અને ધાર્મિક માન્યતાઓ કરોડો લોકોના જીવનને પ્રભાવિત કરે છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા માણસને માનસિક શાંતિ, આશા અને સંકટના સમયમાં હિંમત આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રિતમાને દૂધ પીતી જોવે છે ત્યારે તેના મનમાં ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. તે તેને દિવ્ય સંકેત કે ચમત્કાર તરીકે સ્વીકારે છે. આ માનવીય સ્વભાવ છે. કારણ કે, આસ્થા ઘણી વખત તર્ક કરતા લાગણીઓ સાથે વધુ જોડાયેલી હોય છે, આથી કોઈ વ્યક્તિ આવી ઘટનાને ભગવાનનો ચમત્કાર માને તો તેની ભાવનાનું સન્માન થવું જોઈએ, તેની શ્રદ્ધાને માનવી જોઈએ. પણ માત્ર આસ્થાના આધારે કોઈ ઘટનાને અંતિમ સત્ય માની લેવું પણ યોગ્ય નથી.

વિજ્ઞાન દરેક ઘટનાને કારણ અને પુરાવાના આધારે સમજવાનો પ્રયાસ કરે છે. વર્ષાે પહેલાં જ્યારે ગણેશજીની પ્રતિમાઓ દૂધ પીતી હોવાના દાવા થયા ત્યારે દેશના અનેક વૈજ્ઞાનિકો અને સંસ્થાઓએ તેના પર અભ્યાસ કર્યાે હતો. તેમના અનુસાર પ્રતિમાની સપાટી અને દૂધ વચ્ચે થતી કેવિલરી એક્શન અને સરફેસ ટેન્શન જેવી ભૌતિક પ્રક્રિયાઓના કારણે દૂધ પ્રતિમાની સપાટી પર ફેલાઈ જતું હતું. લોકોને એવું લાગતું હતું કે દૂધ ગાયબ થઈ રહ્યું છે અથવા પ્રતિમા દૂધ પી રહી છે. હકીકતમાં દૂધનો એક ભાગ પ્રતિમાની સપાટી પર સરકી જતો હતો અને નીચે જમા થતો હતો.

જામનગરના જાણીતા ખગોળશાસ્ત્રી કિરીટભાઈ શાહના જણાવ્યા મુજબ આ સંપૂર્ણ વૈજ્ઞાનિક કારણ છે. મૂર્તિઓ મોટાભાગે પથ્થરની, મારબલની કે ચૂનાના પથ્થરની બનેલી હોય છે. આ મૂર્તિઓ છીદ્રોવાળી હોય છે. છીદ્રો દેખાતા નથી હોતા, પણ વૈજ્ઞાનિક નિયમ કેશાકર્ષણને કારણે મૂર્તિના મોઢા પાસે કે પૂંછ પાસે પાણી કે દૂધ રાખીએ એટલે શોષાય જાય. જેમ આપણે પાણી ભરેલા વાટકામાં દોરી મૂકીએ તો પાણી ધીમે ધીમે ઉપર આવશે જ, એટલે કે દોરીનો જે ભાગ વાટકાની બહાર હોય તે પણ પાણીથી ભીંજાશે જ, પાણી શોષાય જ છે, એવો જ આ કેશાકર્ષણનો નિયમ છે, મોટાભાગે ભેજવાળા વાતાવરણમાં આ ઘટના વધુ થાય છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે મૂર્તિની પાછળની દીવાલ કે મંદિરની દીવાલમાંથી અમી ઝરે છે. પણ એ અમી નથી હોતા, દીવાલનો ભેજ હોય છે, એટલે આ ઘટના સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

વિજ્ઞાનનું કહેવું છે કે જો કોઈ ઘટના ખરેખર અલૌકિક હોય તો તે દરેક પરીક્ષણ અને નિરીક્ષણમાં એકસરખી રીતે સાબિત થવી જોઈએ. અત્યાર સુધી આવી કોઈ ઘટનાને વૈજ્ઞાનિક રીતે ચમત્કાર તરીકે પ્રમાણિત કરવામાં આવી નથી.

આજના ડિજિટલ યુગમાં કોઈપણ વાત મિનિટોમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે, ઘણી વખત લોકો વીડિયો જોયા પછી તેની સત્યતા ચકાસ્યા વગર જ તેને આગળ મોકલી દે છે. પરિણામે અફવાઓ અને ગેરસમજ ફેલાય છે. હિંમતનગર અને તલોદના વીડિયોના સંદર્ભમાં પણ આવું જ બન્યું. ઘણાં બધા લોકો પહોંચી ગયા અને દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યાે અને પોતાની માન્યતાઓ અનુસાર તારણો કાઢ્યા.

આસ્થા અને અંધશ્રદ્ધા વચે ખૂબજ બારીક રેખા છે. આસ્થા એ વિશ્વાસ છે જે વ્યક્તિને સકારાત્મકતા, નૈતિકતા અને માનસિક શક્તિ આપે છે, જ્યારે અંધશ્રદ્ધા એ એવો વિશ્વાસ છે જેમાં તર્ક, પુરાવા અને પ્રશ્ન પૂછવાની જગ્યા રહેતી નથી. જો કોઈ વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા રાખે, પ્રાર્થના કરે અને ધર્મના માર્ગાે ચાલે તો તે આસ્થા છે, પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ ઘટનાની પાછળના કારણો જાણવાનો પ્રયાસ કર્યા વગર તેને ચમત્કાર જાહેર કરી દે અથવા ભ્રમ ફેલાવે તો તે અંધશ્રદ્ધા તરફનું પગલું બની જાય છે. સમાજના વિકાસ માટે આસ્થા અને વૈજ્ઞાનિક અભિગમ બંને જરૂરી છે. એક માણસને આધ્યાત્મિક શક્તિ આપે છે. જ્યારે બીજું તેને સત્ય શોધવાની દિશા આપે છે.

ખરેખર તો આવી ઘટના સામે આવે ત્યારે સંયમ અને સમજદારી દર્શાવવી જોઈએ, લાગણીને, ધાર્મિક માન્યતાને માન પણ આપવું જોઈએ અને વૈજ્ઞાનિક તપાસને પણ પ્રોત્સાહન આપવંુ જોઈએ, અફવાઓને રોકવી જોઈએ, શ્રદ્ધા સાથે વિવેક પણ એટલો જ જરૂરી છે.

આવી ઘટનાઓ આગળ પણ થશે જ, આપણા માટે એ જ શ્રેષ્ઠ માર્ગ છે કે દરેક ઘટનાને ચમત્કાર પણ ન માનવો જોઈએ અને લોકોની આસ્થાની મજાક પણ ન ઉડાડવી જોઈએ. સારો અભિગમ એ છે કે શ્રદ્ધાનું સન્માન કરીએ, સાથે સાથે સત્ય જાણવાનો પણ પ્રયત્ન કરીએ. કારણ કે જ્યાં આસ્થા સાથે વિવેક જોડાય છે ત્યાં અંધશ્રદ્ધાને સ્થાન મળતું નથી.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંબંધોનું સંકુચાતુ આકાશ આ૫ણે ભાવિ પેઢી પાસેથી કંઈક છીનવી રહ્યા છીએ?'

                                                                                                                                                                                                      

એક સમય હતો જ્યારે કોઈ બાળકને પૂછવામાં આવતું કે, તમે કેટલા ભાઈ-બહેન? તારે કેટલા મામા? કેટલા કાકા? તારા ફોઈ ક્યાં રહે છે? તારા માસીના ઘરે ક્યારે જવાનું છે? તારા મામા, કાકા, ફોઈ-માસીના બાળકો એટલે કે તારા કઝીન ભાઈ બહેન કેટલા? ત્યારે જવાબમાં લાંબી યાદી મળતી. પરિવાર માત્ર માતા-પિતા અને સંતાનો પૂરતો મર્યાદિત નહતો, પણ સંબંધોના વિશાળ વૃક્ષથી સમૃદ્ધ હતો. એક દંપતીને આઠ-આઠ, દસ-દસ સંતાનો રહેતા.. આખું કુટુંબ ભેગુ થાય ત્યારે ૫૦-૬૦ લોકો થઈ જતા.. ત્યારપછી આ સ્થિતિ બદલાય. મોંઘવારીએ બાળકોનો ભોગ લીધો હોય તેમ દંપતીને સંતાનોની સંખ્યા ઘટીને ચાર-પાંચ પર આવી... ત્યારપછી પણ સરકારે સૂત્ર આપવંુ પડ્યું કે 'હમ દો, હમારે દો' એટલે કે બે બાળક બસ... ધીમે ધીમે પરિવારના સભ્યોની સંખ્યા ઘટતી ગઈ... અને આજે એ સ્થિતિ છે કે પરિવાર ત્રણ જણાનો જ થઈ ગયો, જેમાં સંબંધોની હરિયાળી ઓછી થતી દેખાય છે.

હાલમાં એક જ સંતાન... એવું ઘણાં દંપતી અપનાવી રહ્યા છે. આર્થિક જવાબદારી, વધતી જતી મોંઘવારી, શિક્ષણનો વધારે ખર્ચ, કારકિર્દીની દોડ જેવા અનેક કારણથી દંપતી એક જ સંતાન ઈચ્છે છે. વ્યક્તિગત રીતે આ નિર્ણય યોગ્ય હશે જ... કારણ કે માતા-પિતા એવું ઈચ્છે કે એક સંતાન હોય તો તેનો ઉછેર સારી રીતે થઈ શકે, તેની બધી જરૂરિયાત પૂરી કરી શકાય, તેને સારામાં સારૃં ભણતર, સારી લાઈફ સ્ટાઈલ આપી શકાય, માતા-પિતા તરીકે સંતાનોના હિતમાં આ નિર્ણય યોગ્ય જ હશે, પણ તેના લાંબાગાળાના સામાજિક પરિણામો અંગે પણ વિચારવાની જરૂર છે.

એક સમય હતો જ્યારે બાળકોનો ઉછેર માત્ર માતા-પિતા જ નહી, આખો પરિવાર મળીને કરતો હતો. દાદા-દાદી, નાના-નાનીનો પ્રેમ, કાકાનો લાડ, મામાની મસ્તી, માસીનું વ્હાલ, ફોઈની હુંફ બાળકોના વ્યક્તિત્વને ઘડતી હતી. પરિવાર માત્ર એક ઘર નહતું, પણ સંબંધોનું જીવંત વિશ્વ હતંુ. આજે આ વિશ્વ સંહુચિત બની ગયું છે. આજે ઘણાં બાળકો એવા છે કે જેમને કાકા, મામા, માસી, ફોઈ જેવા સંબંધોનો અનુભવ જ નથી. કારણ કે તેમના માતા-પિતા પોતે જ એકલા સંતાન છે. પરિણામે સંબંધોની આખી પેઢી ગાયબ થવા લાગી છે. આવતીકાલના બાળકો માટે 'કઝિન' શબ્દ કદાચ બુકમાં કે સીરીયલમાં જોવા મળતી બાબત બની જશે.

ભારતીય સમાજની સૌથી મોટી શક્તિ તેની પરિવાર વ્યવસ્થા છે. મુશ્કેલીના સમયમાં સગા સંબંધીઓ જ સૌથી પહેલા સાથે ઊભા રહેતા હોય છે, પણ જ્યારે સંબંધોનું જાળુ નાનું થવા લાગે છે. ત્યારે વ્યક્તિ વધુ એકલવાયી બનવાની શક્યતા વધી જાય છે. સંબંધોમાં જે ઉષ્મા, સહકાર અને સામાજિક સુરક્ષા ભારતીય કુટુંબ વ્યવસ્થાની ઓળખ હતી, તે ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

ખાસ કરીને હિન્દુ કુટુંબ ઘટી રહ્યા છે. એક જ સંતાન અને એ પણ દીકરી... એવી વિચારધારા લોકોની થવા લાગી છે. અહી દીકરો કે દીકરી, કોણ યોગ્ય કે પછી સંતાનમાં દીકરો હોવો જોઈએ એવી માન્યતાને સમર્થન નથી, પણ આવનારા સમયમાં હિન્દુ કુટુંબની સંખ્યા ઘટતી જશે એ બતાવવાનો પ્રયાસ છે. સંતાનમાં માત્ર દીકરી હોય અને દીકરી લગ્ન પછી સાસરીયે જાય એટલે માતા-પિતા એકલા... અને તેમના મૃત્યુ પછી એક કુટુંબનો ઘટાડો... દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ કરવાની વાત નથી, પણ પરંપરાગત કુટુંબની રચનાના દૃષ્ટિકોણથી સમાજમાં આ બાબતની ચર્ચા કરવાનો પ્રયાસ છે એટલે જ 'બે બાળકો બસ નહી', પણ 'બે બાળકો મસ્ટ' એ સુત્ર અપનાવવાની જરૂર છે.

પરંતુ આ સાથે બીજી વાત પણ છે કે સંતાનોની સંખ્યા કોઈ સુત્ર કે દબાણથી નક્કી નથી થતી. દરેક પરિવારની આર્થિક સ્થિત, સંજોગો અને વ્યક્તિગત પસંદગી અલગ હોય છે. આ વિષય માત્ર ભાવનાત્મક નહી પણ વ્યવહારીક દૃષ્ટિકોણથી પણ જોવાની જરૂર છે. પણ એક બાબત વિચારવી જોઈએ કે શું આપણે સંબંધોની સમૃદ્ધિ ગૂમાવી રહ્યા છીએ? શું આપણે આવનારી પેઢીને સંબંધોના વૈભવથી વંચિત કરી રહ્યા છીએ? શું આપણે લાગણીના અમૂલ્ય ખજાનાને પાછળ મૂકી રહ્યા છીએ?

સંબંધો માત્ર લોહીના નથી હોતા. તે સહકાર, લાગણી સહઅસ્તિત્વ અને સંસ્કારના વાહક છે. બાળકને ભાઈ-બહેન સાથે વહેચવાનું શીખવાડે છે, કાકા-મામા સાથે જોડાણ શીખવાડે છે અને મોટા પરિવાર સાથે જીવવાના સંસ્કાર આપે છે, આ બધું કોઈ સ્કૂલ કે કોઈ બુક શીખવતું નથી.

આથી આજે જરૂર છે કે આપણે સંબંધોના મૂલ્યને ફરીથી સમજીએ, પરિવારની એકતા અને સામૂહિકતા એ આજના સમયની માંગ છે. કારણ કે સમાજ માત્ર લોકોના સમૂહથી નથી બનતો, પણ સંબંધોના તાંતણે ગુંથાયેલા પરિવારમાંથી બને છે અને એટલે જ વિચારવાનંુ છે કે એક સંતાન હોય તેવા સંજોગોમાં આવનારી પેઢી પાસે બધું હશે, પણ 'આપણાપણું' નહીં હોય અને આવનારી પેઢી ભૌતિક રીતે સમૃદ્ધ હોવા છતાં ભાવનાત્મક રીતે ગરીબ બની જશે. 'બે બાળકો મસ્ટ' એ સૂત્ર પર મતભેદ હોઈ શકે, પણ એટલું તો ચોક્કસ છે કે સમાજે સંબંધોના સંવર્ધન અને કુટુંબ વ્યવસ્થાના ભવિષ્ય અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. સંબંધો બચશે તો જ સંસ્કૃતિ બચશે અને તો જ સમાજની ઓળખ જળવાઈ રહેશે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૈસા બધું ખરીદી શકે... પણ લાગણી નહી

                                                                                                                                                                                                      

આધુનિક યુગમાં માણસે અસંખ્ય સુખ-સુવિધા ઊભી કરી છે. ટેકનોલોજીએ દુનિયાને એક ક્લિકના અંતરે લાવી દીધી છે. આજે હજારો લોકો સાથે આપણે સોશિયલ મીડિયા પર જોડાયેલા છીએ. પણ પ્રશ્ન એ છે કે, શું આપણે ખરેખર એકબીજા સાથે જોડાયેલા છીએ? દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજી, આધુનિકતા, વૈભવ અને સુવિધાઓના આ યુગમાં માણસે ઘણું બધું મેળવ્યું છે. આજે એક ક્લિક પર ભોજન મળી જાય છે. એક સંદેશથી દુનિયાના કોઈપણ ખૂણામાં વાત થઈ શકે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકો સાથે જોડાયેલા રહી શકાય છે. છતાં એક પ્રશ્ન સતત આપણો પીછો કરે છે કે, આટલા બધા જોડાણોની વચ્ચે માણસ આટલો એકલો કેમ થઈ ગયો છે??

તાજેતરમાં સામે આવેલી એક ઘટના આ પ્રશ્નને વધુ ગહન બનાવી દે છે. માત્ર ૨૭ વર્ષના એક યુવાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. પોસ્ટમાં તેણે એક ઓફર કરી છે, તે દર મહિને ૬૦૦૦ રૂપિયા આપવાની વાત કરે છે. જેના બદલામાં ઓફર સ્વીકારનાર વ્યક્તિએ તેની સાથે રોજ ૨૦થી ૩૦ મિનિટ ફોન પર વાત કરવાની, તેની વાત સાંભળવાની, મિત્રની જેમ મજાક કરવાની, તેની સાથે હસવાનું, તેની ચિંતા-ટેન્શનની વાત સાંભળીને તેના મનને હળવું કરવા દેવાનું, તેની એકલતાને થોડો સમય માટે દૂર કરવાની... અને આ બધા માટે વ્યક્તિએ તેની પાસે જવાની જરૂર નથી, માત્ર ફોન દ્વારા પણ તેનો મિત્ર બનીને, તેની વાત સાંભળીને તેની એકલતા દૂર કરે તો તેના બદલામાં તે વળતર ચૂકવવા તૈયાર છે. આ ઘટના માત્ર એક સમાચાર નથી, પણ આ સમયનો આજના સમાજનો અરીસો છે. આ એક એવો અરીસો છે જે આપણને આજના યુવાનોની સ્થિતિ દર્શાવે છે. આ અરીસો આપણને ડરાવે છે કે આ સ્થિતિ માટે કોણ જવાબદાર? આજે આવી સ્થિતિ છે તો આવનારા વર્ષાેમાં શું સ્થિતિ હશે?

વિચાર કરો... જે યુવાન પાસે પૈસા છે, સુવિધા છે, કદાચ સારી નોકરી છે, જીવનમાં આર્થિક મુશ્કેલી નથી, તો તે વ્યક્તિ આખરે રૂપિયા ખર્ચીને શું ખરીદવા માંગે છે?

- કોઈ મોંઘી વસ્તુ નહી... કોઈ લકઝરી કાર નહી... કોઈ નવી વસ્તુ નહી... તે ખરીદવા માંગે છે માત્ર થોડોક સાથ, થોડોક સમય, થોડુક ધ્યાન, થોડીક લાગણી અને કોઈ એવી વ્યક્તિ જે તેને પૂછે... આજે કેમ છો?, તમે જમ્યા? તમે  થાક્યા? કેટલું કરૂણ સત્ય છે કે આજે માણસ પાસે ખર્ચવા માટે પૈસા છે, પણ વાત કરવા માટે માણસ નથી. મિત્ર નથી, કુટુંબીજન નથી...

એક સમય હતો જ્યારે સાંજ પડતા ઘરની ઓસરીમાં, ઘરની બહાર ફળીયામાં, શેરીમાં ઓટલા પર, કોઈના ઘરે બધા ભેગા થતા. ઘરના, કુટુંબના, આસપાસના પાડોશીઓ બધા બે-ત્રણ કલાક સાથે બેસતા. એકબીજાને દરેક વાત કહેતા. ખુશીની કે દુઃખની દરેક વાત એકબીજાને કહેતા. ખુશીમાં ખુશ થતા અને દુઃખની વાત હોય તો એકબીજાનો સાથ મળતો. કોઈના ઘરે પ્રસંગ હોય તો દરેક એકબીજાની સાથે ખભ્ભા મિલાવીને ઊભા રહેતા... આમાં ખુશી બેવડાઈ જતી અને દુઃખમાં સહીયારો મળતો. આજે ઘર મોટા થઈ ગયા છે, પણ વાતચીત નાની થઈ ગઈ છે. રૂમ વધી ગયા છે, પણ સંબંધો સંકોચાઈ ગયા છે. મોબાઈલમાં કોન્ટેક્ટસ હજારો છે, પણ દિલના સંપર્કાે ઓછા થઈ ગયા છે અને કદાચ તો આંગળીના વેઢે ગણાય એટલા જ રહી ગયા હશે. આધુનિક જીવનની સૌથી મોટી કરૂણતા કદાચ એકલતા જ છે...

વિશ્વભરમાં થયેલા અનેક અભ્યાસો દર્શાવે છે કે એકલતા હવે માત્ર ભાવનાત્મક સમસ્યા નથી રહી. પણ તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ગંભીર પડકાર બની રહી છે. ડિપ્રેશન, ચિંતા, નિરાશા અને આત્મહત્યાના વિચારો પાછળ ઘણીવાર એકલતાનું ગાઢ અંધારૂ છૂપાયેલુ હોય છે. વિચિત્ર વાત એ છે કે, આ એકલતા ગરીબને જેટલી સતાવે છે એટલી જ અમીરને પણ સતાવે છે. કારણ કે એકલતા ક્યારેય ખિસ્સા જોઈને નથી આવતી, તે હૃદયમાં ખાલી પડેલી જગ્યા શોધે છે. આજના સમયમાં લોકો સંબંધો બનાવે છે. પણ તેને જીવતા નથી, સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનવું સરળ છે, પણ મિત્ર બનવું મુશ્કેલ છે. પોસ્ટ પર હાર્ટ મોકલવું સરળ છે, પણ કોઈના દુઃખને હૃદયથી સમજવું મુશ્કેલ છે. સ્ટેટસ જોવું સરળ છે, પણ વ્યક્તિની સ્થિતિ સમજવી મુશ્કેલ છે. એટલે જ કદાચ હજારો ફોલોઅર્સ ધરાવતા લોકો પણ ઘણી વખત રાત્રે એકલા રડતા હોય છે. બહારથી હસતા દેખાતા ચહેરાઓની અંદર કેટલી ચીસો દબાયેલી હોય છે તેની કોઈને ખબર નથી પડતી...

આ યુવાનની ઘટના આપણને એક મહત્ત્વનો પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે કે શું આપણે ખરેખર એકબીજા માટે સમય કાઢીએ છીએ? છેલ્લે આપણે ક્યારે કોઈ મિત્રને માત્ર તેની ખબર પૂછવા ફોન કર્યાે હતો? છેલ્લે આપણે ક્યારે માતા-પિતા સાથે નિરાંતે બેસીને વાત કરી હતી? છેલ્લે આપણે ક્યારે કોઈની વાત વચ્ચે રોક્યા વગર ધ્યાનથી સાંભળી હતી? આજે લોકો સલાહ આપનારાઓથી ઘેરાયેલા છે. પણ સાંભળનારાઓની ભારે અછત છે. દરેક વ્યક્તિ બોલવા માંગે છે, પણ સાંભળવાવાળા ઓછા છે. ઘણીવાર માણસને ઉકેલની જરૂર નથી હોતી, તેને માત્ર એટલું જોઈએ છે કે કોઈ તેની વાતને ગંભીરતાથી સાંભળે, તેની લાગણીને સમજવાનો પ્રયત્ન કરે, તેની હાજરીને મહત્ત્વ આપે. માણસને જીવવા માટે માત્ર ઓક્સિજન જ જરૂરી નથી, તેને પ્રેમ જોઈએ, સ્વીકાર જોઈએ, હુંફ જોઈએ, સંબંધ જોઈએ, લાગણી જોઈએ, ખુશીમાં નાચવા મિત્ર જોઈએ, દુઃખમાં રડવા ખભ્ભો જોઈએ.

પણ આ બધું પૈસાથી ખરીદી શકાતું નથી... પૈસા સમય ખરીદી શકે લાગણી નહી, સેવા ખરીદી શકે સમર્પણ નહી, આત્મિયતા નહી... સાચા સંબંધો બજારમાં નથી મળતા.. ખરેખર માણસને સૌથી વધુ જરૂર એક એવા વ્યક્તિની હોય છે જે ખુશીમાં હસે, દુઃખમાં સાથ આપે અને કારણ વગર પણ પૂછે કે 'તું ઠીક છો ને?'... કારણ કે જીવનના અંતે બેંક બેલેન્સ નહી પણ સંબંધોની યાદો જ સાથ આપતી હોય છે અને કદાચ એટલા માટે જ આજે સૌથી અમીર વ્યક્તિ એ નથી કે જેની પાસે કરોડો રૂપિયા છે, ખરેખર તો અમીર વ્યક્તિ તો એ છે જેના ફોનમાં એક એવો નંબર છે. જ્યાં તે કોઈપણ સમયે ફોન કરી શકે અને સામેથી જવાબ આવે... 'હું છું ને... બોલ...' છેલ્લે એક સવાલ.. શું આપણે આપણા લોકો માટે સમય આપીએ છીએ કે પછી એક દિવસ તેઓ પણ કોઈ અજાણ્યા વ્યક્તિને પૈસા આપીને પોતાની એકલતા દૂર કરવાનો પ્રયાસ કરશે??

- દિપા સોની, જામનગર.

સ્ત્રીઓ સંગઠિન બને તે જરૂરી

આજે આપણે જોઈએ છીએ કે દરેક ક્ષેત્રમાં સ્ત્રી પોતાનું યોગદાન આપી ચૂકી છે. પછી તે ક્ષેત્ર ઉડ્ડયન હોય, વિજ્ઞાન હોય, કલાક્ષેત્ર હોય, રાજકારણ હોય કે જલ, થલ કે વાયુસેના હોય, કોર્પોરેટ ક્ષેત્રે પણ રાજકારણમાં પણ સ્ત્રીઓની અસ્મિતા ઉજાગર થઈ છે.

પરંતુ ક્યારેય વિચાર કર્યાે કે આ બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓ હોવા છતાં તેનામાં પ્રતિભા અને તેજસ્વિતા હોવા છતાં સ્ત્રીઓની ટકાવારી અત્યંત જૂજ પ્રમાણમાં છે. હજુ પણ આપણો સમાજ પુરૂષપ્રધાન સમાજ છે. સ્ત્રીઓને પોતાની કાબેલિયત પ્રુવ કરવામાં જ ખૂબ સંઘર્ષ કરવો પડે છે.

થોડી ઘણી વામાઓએ પોતાનો ઝંડો લહેરાવી દીધો હોય તો પણ મોટાભાગની સ્ત્રીઓ આજે પણ કશુક નક્કર, સઘન અને સંદેશાત્મક કાર્ય કરવા માટે ઝઝૂમી રહી છે. આપબળે, સ્વબળે આગળ વધેલી આવી નારી શક્તિને હવે છેવાડાની નારી સુધી હાથ લંબાવવો પડશે.

ગરીબ કે બિચારી બન્યા સિવાય અવાજ ઉઠાવવો પડશે. સંગઠિત થવું પડશે. ક્ષેત્ર કોઈ પણ હોય પણ પોતાના નવા પક્ષો સ્થાપવા પડશે. આજે પણ દહેજના નામે સ્ત્રીઓને લાચાર અવસ્થામાં મોતને ભેટવું પડે છે. કાયદાઓ ઘણાં છે પરંતુ સવાલ એ છે કે જો શિક્ષિત સ્ત્રી પણ આવો પરિસ્થિતિનો સામનો ન કરી શકતી હોય તો અશિક્ષિત સ્ત્રીઓ તો ક્યાથી કરી શકે?

ક્યારેક બળાત્કાર જેવા જઘન્ય અપરાધો, ઘરની ચાર દીવાલો પણ સુરક્ષા પૂરી પાડી ન શકે તો શું આ વિષચક્રમાંથી ક્યારેય બહાર નહી નીકળી શકાય?

ભલે સૂર્ય આડે વાદળો આવી જાય પરંતુ સૂર્યને હંમેશાં માટે ઢાંકી શકાતો નથી. હવે જગતના પટ પર પોતાના અસ્તિત્વની આલબેલ પોકારવાનો સમય આવી ગયો છે.

ના.. ના.. આ માટે કાંઈ ઘર પરિવાર, સ્નેહીજનોનો ત્યાગ કરવો જરૂરી નથી, તેમની વચ્ચે રહીને પણ બહેનો પોતાનો રાજમાર્ગ બનાવી શકે છે. આ માટે જરૂરી છે.

- સૌથી પહેલા સ્ત્રીઓએ આર્થિક સ્વાતંત્ર્ય મેળવવું પડશે. પોતાના આર્થિક હિસાબો પોતાની પાસે રાખવા પડશે. સ્ત્રી વધારે ભણેલી ન હોય તો પણ નાના નાના ગૃહઉદ્યોગો, નાની નાની સંસ્થાઓ સ્થાપી શકે. બેંક પણ આ બાબતમાં મદદ કરે છે. પણ સો પહેલા સંગઠિન બનવું પડશે.

- પોતાના માટે થોડોક અલગ સમય ફાળવો. કોઈને કોઈ સર્જનાત્મક કાર્યાે કરવાની શરૂઆત કરો.

- સ્ત્રીઓ આમેય વધારે લાગણીશીલ હોય છે. હવે હૃદયની સાથે બુદ્ધિનું ત્રાજવું પણ સમતોલ કરવું પડશે.

- બાળઉછેરમાં સ્ત્રી/પુરૂષની સંયુક્ત જવાબદારી નિશ્ચિત થવી જોઈએ.

- ગૃહકાર્યમાં પણ સંયુક્ત ભાગીદારી હોવી જોઈએ. ફોરેનમાં આવું થાય છે પણ આપણે ત્યાં હજુ આ પ્રથા અમલમાં આવી નથી.

- ભગવાન બુદ્ધે પણ કહ્યું કે, તારી દીવો તું જ થા... આવો દીપો ભવેત... જ્યાં સુધી શરણાગતિના મોડમાં રહેશો ત્યાં સુધી સ્વતંત્રતા આવશે નહી. થોડુંક ચાલવાનો પ્રયત્ન કરો હજારો હાથ મદદ માટે આંગળી પકડશે.

- શ્રીમતી મધુ મહેતા

રેસીપીઃ મકાઈ-પનીર ટીક્કા

સામગ્રી : બાફેલી મીઠી મકાઈ ૧.૩૫ છીણેલુ પનીર ૧.ક૫, બાફેલો બટેકો ૧, લીલા મરચા બે નંગ ઝીણા સમારેલા, આદુ પેસ્ટ ૧ ચમચી, ચાટ મસાલો ૧ ચમચી, લાલ મરચુ ૧/૨ ચમચી, મીઠું સ્વાદ મુજબ, કોથમીર બ્રેડ કમ્બ્સ ૧/૨, કપ તેલ શેકવા માટે.

બનાવવાની રીત : મકાઈને હળવા ક્રશ કરી લો.

-એક મોટા વાસણમાં મકાઈ, પનીર, બટેકો, લીલા મરચા, આદુ, કોથમીર અને બધા મસાલા ઉમેરી મીક્સ કરો.

- જરૂર લાગે તેમ બ્રેડ કમ્બ્સ ઉમેરી મીક્સ કરો.

- નાના ગોળા અથવા લંબગોળ આકારની ટીક્કી બનાવો.

- ટીક્કીને બ્રેક કમ્બ્સમાં રગદોળી લો.

- તવા પર તેલ મૂકી બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.

પીરસવાની રીત :  લીલી ચટણી, ટમેટો સોસ અથવા દહીંની ડીપ સાથે ગરમાગરમ પીરસો.

ખાસ ટીપ : ટીક્કાની અંદર થોડું ચીઝ ભરી બનાવશો તો બાળકોને ખૂબ પસંદ આવશે.

બહારથી કરકરી-અંદરથી નરમ-પનીરની મજા સાથે મકાઈનો મીઠો સ્વાદ-નાસ્તા માટે એકદમ પરફેક્ટ...

- અલ્પા શાહ, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વેકેશન પૂરૃં... પતંગિયા ફરી સ્કૂલના આંગણે

                                                                                                                                                                                                      

વેકેશન પૂરૃં થયું, ફરીથી શાળાનો સમય આવ્યો. હસતા રમતા પતંગિયાઓ રમકડા છોડી બેગ ઉપાડી સવારે મોડું ઉઠવાના દિવસો પૂરા થયા.. રમત ગમતના રંગીન પળો ભણવામાં બદલાઈ ગયા.. ઊડતા પંખી જેવી મસ્તી હતી. રજાના આકાશમાં ફરીથી નિયમોનું વાદળ છવાયું, શાળાના આકાશમાં પણ આ બંધન ખરેખર બંધન છે બાળકો? આ જ તો માર્ગ છે, પાંખોને મજબૂત બનાવવાનો આજે ભલે પતંગિયા વર્ગમાં પાછા આવ્યા... કાલે એ જ પાંખો લઈને જીવનના આકાશમાં ઊડશે...

ઉનાળાની લાંબી રજાઓ પૂરી થઈ ગઈ. સ્કૂલો ફરીથી શરૂ થઈ ગઈ... સ્કૂલે જતા બાળકોના ચહેરા પર થોડંુ સ્મિત છે તો થોડો ડર પણ છે, થોડી ખુશી છે તો થોડી ઉદાસી પણ છે, મિત્રોને મળવાનો ઉમંગ છે, તો રમકડા છોડવાનું દુઃખ પણ છે. છેલ્લા દોઢ-બે મહિનાથી જે બાળકો સવારે મોડા ઊઠતા હતા, દિવસભર રમતા હતા, મામાના ઘરે ધમાલ કરતા હતા, ફરવા જતા હતા, મિત્રો સાથે ગલીમાં ધૂળ ઉડાવતા હતા, મનમાં આવે ત્યારે ન્હાવાનું, મનમાં આવે ત્યારે ઊઠવાનું અને રમવાનું, મન થાય તે ખાવાનું... નહી કોઈ રોકટોક કે નહી હોમવર્કનું ટેન્શન, નહી સ્કૂલે જવાની ઉતાવળ કે નહી બેગ તૈયાર કરવાની ઝંઝટ, મમ્મીઓને પણ શાંતિ... નહી કોઈ લંચબોક્સ ભરવાનો કે નહી ઝડપ ઝડપથી સ્કૂલે પહોંચાડવાના... પણ વેકેશન પૂરૃં એટલે બધું પૂરૃં... બાળકો ફરીથી સ્કૂલના યુનિફોર્મમાં સજ્જ થઈને બુક્સની દુનિયામાં પાછા ફરી ગયા છે.

વેકેશન જાણે બાળકો માટે ખૂલતું આકાશ હોય છે. કોઈ ટાઈમટેબલ નહી, પરીક્ષાનો ભાર નહી, ભણવાની ચિંતા નહી, વાંચવાની-લખવાની બધામાંથી મુક્તિ, મન થાય ત્યાં સુધી રમો, મન થાય ત્યાં સુધી સૂતા રહો, મન થાય તેવા સપનાઓની દુનિયામાં ખોવાઈ જવું... આ દિવસોમાં બાળકો ખરેખર પતંગિયા જેવા બની જાય છે. નવી નવી રમતો શોધતા રહે અને જીવનના દરેક રંગને માણતા રહે...

પણ દરેક સુંદર સફરનો એક અંત હોય છે. વેકેશન પણ અપવાદ નથી. જૂન મહિનો આવે અને સાથે લાવે છે સ્કૂલની ઘંટડીનો અવાજ, નવી નોટબુકની સુગંધ, નવું બેગ, નવો ડ્રેસ, નવી બધી વસ્તુ, નવા શિક્ષક, નવા મિત્રો અને નવા સપનાઓ સાથે બાળકો ફરીથી એકવાર સ્કૂલે પહોંચી જાય છે. ઘણી વખત લોકો વિચારે છે કે સ્કૂલ એટલે નિયમોનું બંધન. સવારે વહેલા ઊઠવું, સમયસર તૈયાર થવું, હોમવર્ક કરવું અને પરીક્ષાની તૈયારી કરવી પણ જો ઊંડાણથી વિચારીએ તો આ બંધન નથી, પણ ભવિષ્ય ઘડવાનું સાધન છે. જેમ નદી કિનારાઓના બંધનમાં રહીને જ સમુદ્ર સુધી પહોંચે છે, તેમ બાળકો પણ શિસ્ત અને શિક્ષણના માર્ગે ચાલીને જ જીવનની ઊંચાઈઓ સર કરે છે. વેકેશન દરમિયાન બાળકોને મળતી સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. તે તેની કલ્પનાશક્તિને પાંખ આવે છે. તેઓ નવી વસ્તુ શીખે છે, જુદા જુદા ક્લાસ, એક્ટિવીટીસ તેમની આંતરીકશક્તિ ખીલવે છે અને જીવનના નાના નાના, નવા નવા આનંદ અપાવે છે પરંતુ માત્ર સ્વતંત્રતા જ પૂરતી નથી. જીવનમાં આગળ વધવા માટે દિશા પણ એટલી જ જરૂરી છે અને શાળા એ દિશા આપે છે.

સ્કૂલના પ્રથમ દિવસે બાળકોના મનમાં અનેક જાતની લાગણી હોય છે, કોઈ નવું બેગ, તો કોઈ નવા લંચબોક્સ-વોટર બેગ બતાવવાના ઉત્સાહમાં હોય છે. કોઈ મિત્રોને મળીને ખુશ થાય છે, તો કોઈ મમ્મીનો હાથ છોડતા રડે છે. આ દૃશ્યો દરેક વર્ષે આવતા જ હોય છે. વર્ષાે બદલાય, બાળકો બદલાય, પણ સ્કૂલના પ્રથમ દિવસે જોવા મળતા આ દૃશ્યો બદલાતા નથી. કારણ કે બાળપણની લાગણી હંમેશાં એકસરખી જ રહે છે. માતા-પિતા માટે પણ આ સમય ખાસ હોય છે. વેકેશન દરમિયાન ઘરમાં ગુંજતો બાળકોનો અવાજ અચાનક શાંત થઈ જાય છે. ઘરમાં અસ્તવ્યસ્ત પડેલા રમકડા પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. ટીવી, મોબાઈલ, ગેમ બધું શાંત થઈ જાય છે, પણ સાથે એક ખાલીપો પણ અનુભવાય છે. ખાસ કરીને મમ્મી માટે સ્કૂલનો પહેલો દિવસ થોડો ભાવૂક બની જાય છે.

આજના સમયમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી. સ્કૂલ બાળકોને જીવન જીવવાની કળા શીખવે છે. મિત્રતા, સહકાર, શિસ્ત, જવાબદારી અને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ આપે છે. બાળકોના સપના, તેમની શક્તિ, તેની આવડતને અર્થપૂર્ણ બનાવવાનું કામ સ્કૂલ કરે છે. તેથી જ્યારે આપણે કહીએ કે, 'ઊડતા, રમતા પતંગિયા પાછા બંધનમાં આવી ગયા' ત્યારે કદાચ એ વાક્ય અધૂરૃં છે હકીકતમાં પતંગિયા બંધનમાં નથી આવતા, તેઓ પોતાની પાંખોને વધુ મજબૂત બનાવવા માટે એક નવી સફર પર નીકળે છે. આજે જે બાળક વર્ગખંડમાં છે. તે કાલે વૈજ્ઞાનિક, શિક્ષક, ડોક્ટર, કલાકાર અને દેશનો જવાબદાર નાગરિક બનશે.

વેકેશનના રંગો હજુ પણ તેમની યાદીમાં જીવંત રહેશે. મામાના ઘરની મજા, મિત્રો સાથેની મસ્તી, સ્કૂલનો ઘંટ વાગતા દોડતા જતા મિત્રો સાથેની રમતો, હોમવર્ક, શિક્ષકો... આ બધું જ ક્યારેય ભૂલાતું નથી. મોટા થયા પછી જો ફરીથી સ્કૂલમાં જવાનું થાય તો મન ભાવુક થઈ જ જાય છે. કારણ કે સ્કૂલ છોડ્યા પછી, સ્કૂલ જેવી મજા ક્યાંય નથી, સ્કૂલમાં મળતું વેકેશન પછીના જીવનમાં ક્યારેય મળતું નથી.

તો ચલો... આપણે આ નાના પતંગિયાઓને શુભેચ્છા આપીએ... તેમની બેગ ભલે ભારે હોય, પણ તેમના સપના હંમેશાં હળવા અને ઊંચી ઉડાન ભરનારા રહે. કારણ કે સ્કૂલના આંગણેથી જ ભવિષ્યના આકાશ સુધી પહોંચવાનો રસ્તો શરૂ થાય છે. વેકેશન પૂરૂ થયું છે, ઊડાન નહી... પતંગિયા માત્ર બાગમાંથી નીકળે, હવે પોતાના આકાશની તૈયારી કરવા સ્કૂલમાં પાછા ફર્યા છે.

છેલ્લે.... 'ઊડતા પતંગિયા આજે ફરી સ્કૂલમાં બેઠા છે... દરેક ઊંચી ઊડાન પહેલાં પાંખોને ઘડવાની જરૂર પડે છે.'

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટેકનોલોજીનો વિકાસ કે વિચાર શક્તિનો વિલોપ?

                                                                                                                                                                                                      

વાત છે ૧૯૮૪-૮૫ની... હું સ્કૂલમાં હતી.. ગણિતના સરવાળા-બાદબાકી તો ઝડપથી થઈ જતા, પણ ગુણાકાર-ભાંગાકાર, વર્ગ, વર્ગમૂળ, ટકાવારી, અપૂર્ણ સંખ્યાની ગણતરી, ગણિતના સૂત્ર... આ બધું થોડું અઘરૂ લાગતું એ વખતે મારી એક સખીએ કહ્યું કે, 'થોડા સમય પહેલા તેના પપ્પા બોમ્બે ગયા હતા, ત્યાં એવું મશીન મળે છે કે જેનાથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાંગાકાર એવી બધી ગણતરી તેમાં થઈ જાય...' એ સાંભળીને એ સમયે એવી નવાઈ લાગી કે 'ઓહ... એવું હોય?.. આવું મશીન આપણને મળી જાય તો કેવું...' અત્યારે એ વાત એટલે યાદ આવી કે આ મશીન એટલે કે કેલ્ક્યુલેટરે આજના વિદ્યાર્થીઓના મગજ બંધ કરી દીધા છે. નાની નાની ગણતરી પણ કેલ્ક્યુલેટર વગર કરી શકતા નથી...

એક સમય હતો જ્યારે વિદ્યાર્થીઓ પેન્સિલ અને કાગળ લઈને કલાકો સુધી ગણિતના દાખલા ઉકેલતા. નાની નાની ગણતરીઓ મનમાં કરતા, કંઈ પણ ખરીદી કર્યા પછી પૈસાનો હિસાબ તરત જ મગજમાં થઈ જતો. કારણ કે, મગજને કામ કરવાની ટેવ હતી... પછી આવ્યો કેલ્ક્યુલેટરનો જમાનો... શરૂઆતમાં તે એક સહાયક સાધન તરીકે હતું, મુશ્કેલ ગણતરી ઝડપથી કરવા માટે ઉપયોગી હતું, પરંતુ ધીમે ધીમે વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ કરતા મશીન પર વધુ વિશ્વાસ મૂક્યો. આજે સ્થિતિ એવી છે કે ઘણાં વિદ્યાર્થીઓ નાની નાની ગણતરી પણ કેલ્ક્યુલેટર વગર કરતા ગભરાય છે. ગણિતનું જ્ઞાન ઓછું નથી થયું.. પણ વિચારવાની પ્રક્રિયા નબળી પડી ગઈ છે.

હવે... દુનિયા એક નવી દિશામાં જઈ રહી છે... આર્ટિફિશીયલ ઈન્ટેલેજન્સી... એઆઈ તરફ... ચેટ જીપીટી...આ નવી ટેકનોલોજી આજે દરેક પ્રશ્નનો જવાબ સેકન્ડોમાં આપી દે છે. નિબંધ લખી આપે છે, કવિતા બનાવી આપે છે, હોમવર્ક કરી આપે છે, એકાઉન્ટ-આંકડાશાસ્ત્રના મોટા મોટા દાખલા કરી આપે છે, ગુજરાતી-અંગ્રેજીનું એકબીજામાં ભાષાંતર કરી આપે છે. ગમે તે વિષય પર સવાલ જવાબ બનાવી આપે છે. પ્રોજેક્ટ, એસાઈમેન્ટ, બધું જ એઆઈ... વિદ્યાર્થીઓને હવે નોટ્સ બનાવવાની પણ જરૂર છે. પરીક્ષા વખતે ચેટ જીપીટીમાં સવાલ આપીને તૈયાર મળેલા જવાબ વાંચી લે છે. વિદ્યાર્થીએ હવે કંઈ શોધવાની જરૂર નથી, વિચારવાની જરૂર નથી, મહેનત કરવાની જરૂર નથી.. બધું તૈયાર...

આ વાત ફક્ત વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત નથી રહી... આજે મોટા લોકો પણ પોતાના વિચારો કરતા તૈયાર જવાબ પર વધુ આધાર રાખવા લાગ્યા છે. કોઈને શુભેચ્છા આપવી હોય, અભિનંદન આપવા હોય, રિપોર્ટ બનાવવો હોય, ભાષણ તૈયાર કરવું હોય... બધું જ એઆઈ... લોકો હવે લાગણીઓ પણ તૈયાર શબ્દોમાં શોધવા લાગ્યા છે. અગાઉ માણસો વિચારતા હતા અને પછી લખતા હતા.. હવે એઆઈ લખે છે અને પછી માણસ વાંચે છે...

આ પરિસ્થિતિમાં એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે કે શું આપણે સુવિધાઓ વધારી રહ્યા છીએ કે પોતાની વિચારશક્તિ ધીમે ધીમે ગૂમાવી રહ્યા છીએ... કારણ કે સાચુ શિક્ષણ માત્ર જવાબ મેળવવામાં નથી, સાચુ જીવન પણ માત્ર તૈયાર શબ્દોમાં નથી, વિચારવું, અનુભવવું, પ્રશ્ન પૂછવો, ભૂલ કરવી અને પોતાના શબ્દોમાં વ્યક્ત થવું.. એ જ માણસને જીવંત રાખે છે. જ્યારે વિદ્યાર્થીઓ કોઈ પ્રશ્ન ઉકેલવા માટે મથામણ કરે છે, ત્યારે માત્ર જવાબ નથી મળતો, પણ ધીરજ, વિશ્લેષણ, તર્કશક્તિ અને આત્મવિશ્વાસ વિકસે છે અને જ્યારે મોટા લોકો પોતાની રીતે વિચારે છે ત્યારે તેની અંદર સર્જનાત્મકતા જીવંત રહે છે, પણ જો દરેક જવાબ તૈયાર મળી જાય તો મગજ ધીમે ધીમે આળસુ બનવા લાગે છે. જાતે લખવામાં પોતાના વિચારોને વ્યક્ત કરવાની તક મળે છે, પોતાના અનુભવને શબ્દ આપી શકાય છે. પોતાની ખુશી કે દુઃખને વહેંચી શકાય છે. પણ એઆઈ તો કૃત્રિમ છે.. તેમાં માત્ર શબ્દો છે, પણ લાગણી નથી, પ્રસંગો છે પણ અનુભવ નથી.. એટલે જ એ અસરકારક હોવા છતાં સંવેદનશીલ નથી લાગતું.

હવે તો આ ચેટ જીપીટી એકલુ નથી... આવા અનેક સાધનો દુનિયામાં આવી ગયા છે, જે લોકોનું કામ વધુ સરળ બનાવી રહ્યા છે. કોઈ લેખ લખી આપે છે, તો કોઈ ફોટો બનાવી આપે છે... અગાઉ વિદ્યાર્થીઓ કલાકો સુધી લાઈબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતા અને પછી પ્રોજેક્ટ બનાવતા... હવે તો બે મિનિટમાં આખો પ્રોજેક્ટ તૈયાર...

ટેકનોલોજી ખરાબ નથી.. પણ ખરાબ છે તેનો અતિરેક ઉપયોગ... કેલ્ક્યુલેટર પણ ખરાબ નથી અને એઆઈ પણ ઉપયોગી જ છે. પણ તે મદદગાર બનવાને બદલે તેના પર આધાર રાખતા કરી દે એ ખોટું છે... કેલ્ક્યુલેટરનો ઉપયોગ ત્યારે જ યોગ્ય છે જ્યારે મૂળભૂત રીતે ગણિત આવડતું હોય... એ જ રીતે એઆઈનો ઉપયોગ પણ ત્યારે આશીર્વાદ બની શકે જ્યારે માણસ પાસે પોતાના વિચાર, સમજ અને સર્જનાત્મકતા હોય.

જો આપણી આવનારી પેઢી લખવાને બદલે કોપી-પેસ્ટ શીખશે, વિચારવાને બદલે એઆઈનો ઉપયોગ કરશે, લાગણીશીલ શબ્દોને બદલે ટેકનોલોજીએ આપેલુ લખાણ છાપશે તો તેનું મન, મગજ, લાગણી, સંવેદના, વિચારવાની શક્તિ, સર્જનાત્મકતા બધું જ ખલાસ થઈ જશે.

વિચારવાની શક્તિ જ માણસને મશીનથી અલગ બનાવે છે, મશીન જવાબ આપી શકે પરંતુ સંવેદના નહી, લખાણ બનાવી શકે, જીવનનો અનુભવ નહી, માહિતી આપી શકે, પણ મૂલ્ય અને સંસ્કાર નહી...

આથી જ આજે સૌથી મોટી જરૂર છે ટેકનોલોજી અને માનવબુદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાની... ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરો, પણ એટલો નહી કે એક દિવસ પોતાના વિચારો માટે મશીનની જરૂર પડે...

'ચૂડી-ચાંદલો'માં પ્રકાશિત થશે

બહેનો સ્વરચિત રચનાઓ 'નોબત'ને મોકલો...

જામનગરનું પ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત' તેના લોકપ્રિય મહિલા વિભાગ 'ચૂડી-ચાંદલો' માટે સર્જકો અને વાચકો પાસેથી વિવિધ પ્રકારની મૌલિક રચનાઓ આમંત્રિત કરે છે.

મહિલાઓના જીવન, પરિવાર, સમાજ, સંસ્કાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, જીવનમૂલ્ય પર આધારીત લેખ મોકલી શકો છો. ઉપરાંત ગૃહઉપયોગી ટિપ્સ, બ્યુટી અને હેલ્થ સંબંધિત માહિતી, અવનવી વાનગીઓની રેસીપીનું પણ સ્વાગત કરવામાં આવે છે.

મોકલવામાં આવતી તમામ રચનાઓ સ્વલિખિત અને મૌલિક હોવી જરૂરી છે. પસંદગી પામેલી રચનાઓને 'નોબત'ના મહિલા વિભાગ 'ચૂડી-ચાંદલો'માં પ્રકાશિત કરવામાં આવશે.

રચના મોકલનારે રચના સાદા કાગળમાં લખીને અથવા ટાઈપ કરીને નામ, મોબાઈલ નંબર સાથે નોબત કાર્યાલયે પહોંચાડવી... કવર ઉપર 'ચૂડી-ચાંદલો' વિભાગ અવશ્ય લખવું...  (લખાણ વોટ્સએપમાં મોકલવું નહીં)...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્ત્રીને વેકેશન ક્યારે...?

                                                                                                                                                                                                      

સ્ત્રીને પણ એક વેકેશન મળે તો...

ઈચ્છા એની પણ હોય કે સમય અટકી જાય

અને એ થોડું વેકેશન માણી લે.

ના કોઈ ઝાઝો ખર્ચ કે ના કોઈ મોંઘી હોટલ

ચોપાટીની ભેળ અને ચાટમાં પણ ખુશ...

રોજબરોજની જવાબદારીમાંથી થોડી દૂરી

ભીડભાડથી દૂર, જાત સાથે જીવવાની ઈચ્છા

ખૂલ્લા આકાશ નીચે મરજીનું વર્તન

એક દિવસ માટે પણ મનની માલકીન...

સ્ત્રીને પણ જોઈએ એક વેકેશન...

વેકેશન આવે એટલે આખા ઘરમાં આનંદ છવાઈ જાય... બાળકો ફરવા જવાના મૂડમાં આવી જાય, પુરૂષો ઓફિસમાંથી રજાનું ગોઠવે, કોઈ હિલ સ્ટેશન શોધે, ટ્રેનની ટિકિટ બુક કરાવે, હોટલનું ગોઠવે, ક્યાં જવું, કેવી રીતે જવું એ ગણતરી કરે... બધા હરખાય, સગા-સંબંધી, મિત્રોમાં હરખથી ફરવા જવાની વાત કરે, હવે તો ગુગલ બધું જ બતાવે, એટલે બાળકો એ સ્થળે શું જોવાનું છે? શું જમવાનું છે? ક્યાં સારૂ? શું ખરીદી કરવી? એ બધું જોવે, પણ આ બધાની વચ્ચે એક ચહેરો એવો હોય છે, જે ખુશ તો હોય છે, પણ અંદરથી ચિંતામાં હોય છે અને જતા પહેલા જ થાકેલો હોય છે... એ છે ઘરની સ્ત્રી... કારણ કે વેકેશન આવે, ફરવા જવાનું નક્કી થાય એટલે તેના માટે બજાણું કામ થઈ જાય છે. કપડા, નાસ્તા, દવા, પેકીંગ બધું જ તેણે જોવાનું, ફરવાના કપડા, નાઈટડ્રેસ, જરૂર પડે તેવી દવાઓ, અલગ અલગ નાસ્તા બધું જ તેણે ગોઠવવાનું અને ઘર બંધ કરીને જવાનું હોય તો ઘરમાં પણ વ્યવસ્થિત કરીને જવાનું...

બહારગામ ફરવામાં પણ કપડા-નાસ્તાની તેને ચિંતા... સગા-સંબંધી, કુટુંબીજનો માટે ફરવાના સ્થળેથી કંઈક યાદી રૂપે લઈ જવાની ખરીદીની તેને ચિંતા... હોટલ ખાલી કરતી વખતે કંઈ રહી નથી જતું ને... તે જોવાની પણ તેને ચિંતા.. અને પ્રવાસ-ફરવાનું પૂરૂ કરીને પાછા ઘરે આવે ત્યારે બાળકો ફોટા જોવે, રીલ બનાવીને મૂકે, સોશિયલ મીડિયમાં ફરવાની વાતો મૂકે.. પુરૂષો ખર્ચના હિસાબ કરે, થાકી ગયા એમ કરીને આરામ કરે, પણ સ્ત્રી..? તેને આરામ ક્યાં? એ તો પાછા આવીને ઘર વ્યવસ્થિત કરવામાં લાગી જાય... કપડાના ઢગલાને ધોવામાં લાગી જાય.. લઈ ગયેલી બધી વસ્તુ ફરીથી ગોઠવવાની પણ તેની જવાબદારી.. ધાર્મિક સ્થળેથી આવ્યા હોય તો બધાને પ્રસાદ પહોંચાડવાની પણ તેની જવાબદારી... બહારગામમાં હોટલનું જમ્યા હોય એટલે ઘરે આવીને બધાની ફરમાઈશ હોય કે હવે તો ઘરે જ રસોઈ બનાવ... બધા થાકીને બેસી જાય... અને સ્ત્રી થાકને ભૂલીને કામે વળગે...

સ્ત્રી માટે વેકેશનનો અર્થ એટલે માત્ર સ્થળ બદલાય છે, જવાબદારીઓ નહી.. કેટલીય સ્ત્રીઓના જીવનમાં કદાચ એક દિવસ પણ એવો નહી આવ્યો હોય કે જ્યાં સવારે ઉઠીને તેમને વિચારવું પડ્યંુ ન હોય કે, 'આજે બધા માટે શું બનાવું?' એક દિવસ પણ એવો નહી આવ્યો હોય કે જ્યારે તેણે પોતાની મરજીથી રસોઈ બનાવી હોય.. એટલે જ ક્યારેક લાગે છે કે દુનિયામાં સૌથી વધુ સતત કામ કરતી કોઈ વ્યક્તિ હોય તો તે સ્ત્રી જ છે...

એના માટે કોઈ ઓફિસ ટાઈમ નથી, કોઈ રજા નથી, કોઈ વેકેશન નથી.. અને સૌથી દુઃખદ વાત... એ કે તેના કામને ઘણીવાર કામ પણ માનવામાં નથી આવતું.. સ્ત્રી બીમાર પડે તો પણ તેનું ઘર અટકતું નથી, તાવમાં પણ તે રસોઈ કરે છે, બીમારીમાં પણ બાળકોને તૈયાર કરે છે, દર્દમાં પણ ઘરને સાચવે છે, પોતાની બીમારી, તકલીફ દર્દ, આંસુ છૂપાવીને પણ બધાને સાચવે છે.

એક પુરૂષ એમ કહે કે 'થાકી ગયો'... તો બધા જ કહેશે કે, 'આરામ કરો..' પણ એક સ્ત્રી એમ કહે કે 'થાકી ગઈ' તો તેને એમ જ કહેવામાં આવે કે ઘરમાં ને ઘરમાં થાક શેનો...? અને આ એક વાક્ય તેને દુઃખી કરે છે. કારણ કે ઘર સંભાળવું એ માત્ર કામ નથી.. પણ સતત ચાલતી જવાબદારી છે. જેમાં શરીરની સાથે મન પણ થાકે છે. સ્ત્રી માત્ર રસોઈ નથી બનાવતી... તે બધાની પસંદનો ખ્યાલ રાખીને રસોઈ બનાવે છે. ઘરમાં કોને શું ભાવે? કોને ક્યારે શું જોઈએ? કોણ નારાજ છે? બાળકો કેમ ઉદાસ છે? પતિના મન પર કેમ તણાવ છે? સાસુ-સસરા માટે શું જરૂરી છે? સગા-વ્હાલાના સંબંધોમાં શું સાચવવાનું છે. એ બધુ સ્ત્રીને જ સમજાય છે. ઘરનું તાપમાન એસીથી નહી, પણ સ્ત્રીના મનથી નક્કી થાય છે. જો એ ખુશ તો ઘર સ્વર્ગ લાગે.

પણ કમનસીબી એ છે કે સ્ત્રીઓ ક્યારેય પોતાના માટે જીવતી જ નથી.. આખી જિંદગી ફરજો જ પૂરી કરતી રહે છે. ક્યારેક કોઈ સ્ત્રીને પૂછજો કે... છેલ્લે તેણે પોતાના માટે શું ખરીદ્યું હતું? તારી પસંદની રસોઈ ક્યારે બનાવી હતી? તો તેને ક્યારેક યાદ પણ નહી હોય. કારણ કે ખરીદી કરતા પહેલા કે રસોઈ કરતા પહેલા તેને પોતાની પસંદ નહી પણ પતિ-બાળકો કે અન્ય કુટુંબીજનોની પસંદનો જ વિચાર આવે છે. ઘણી વખત તો ખાસ દિવસ એટલે કે તેનો જન્મદિવસ કે લગ્નનો દિવસ હોય તો પણ તો મહેમાનો માટે રસોઈ બનાવતી હોય છે. ઘરમાં બધાના ખાસ દિવસ ઉજવાય, પણ તેના ખાસ દિવસે તેને રજા ન હોય... તેની ખુશીઓ 'પછી ક્યારેક'માં અટવાઈ જાય છે.

સૌથી મોટી વાત... સ્ત્રીને થાક ફક્ત શરીરનો નથી લાગતો, તેને લાગણીનો થાક લાગે છે. હંમેશાં મજબૂત રહેવાનો થાક, હંમેશાં સ્મિત આપવાનો થાક, પોતાના દુઃખ છૂપાવવાનો થાક અને બધાને સાચવતા સાચવતા પોતે ખોવાઈ જવાનો થાક...

સ્ત્રી ફક્ત એટલું જ ઈચ્છે કે કોઈ તેને પૂછે કે તું કેમ છો? તેને મોંઘી ગિફ્ટ કે મોટી ટ્રીપ નથી જોઈતી, તેને જોઈએ છે માત્ર થોડો સમય... જ્યાં તે નિર્ભય બનીને હસી શકે, રડી શકે, જવાબદારી વગર જીવી શકે... ઘરમાં અઠવાડીયે નહી તો પખવાડીએ પણ એક દિવસ એવો આવવો જોઈએ જ્યાં સ્ત્રી કહી શકે કે, 'આજે મારે રજા છે...' સ્ત્રી ખુશ હશે તો જ ઘર ખુશ રહેશે... કારણ કે તે માત્ર વ્યક્તિ નથી, પણ ઘરની ધડકન છે.

છેલ્લે એક સવાલ... પુરૂષોને રવિવાર મળે, બાળકોને વેકેશન મળે.. તો સતત ફરજ બજાવતી, બધાને સાચવતી સ્ત્રીને વેકેશન ક્યારે...?

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણે પોતાની જ સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ...

                                                                                                                                                                                                      

પુરૂષોત્તમ માસ ચાલે છે. આપણા હિન્દુ ધર્મમાં આ માસનું ઘણું મહત્ત્વ છે. પણ નવાઈ એ છે કે હમણા બે દિવસ પહેલાં ગાર્ડનમાં બેઠેલા યુવાન છોકરા-છોકરીઓની વાત પર ધ્યાન ગયું તો ખબર પડી કે તેમાંથી કેટલાયને પુરૂષોત્તમ માસ, તેનું ધાર્મિક મહત્ત્વ, તેની કથા-વાર્તા અંગે કોઈ જાણકારી ન હતી... આવું તો કેટલીય વખત બન્યું છે. ઘણી વખત કિશોર અવસ્થા પહોંચતા બાળકોને ધાર્મિક સવાલ કરીએ તો તેમની પાસે જવાબ ન હોય... અફસોસ ત્યારે થાય કે આવી સ્થિતિમાં તે બાળકોને શરમ ન લાગે અને તેના માતા-પિતા પણ એમ જ કહે કે તેને આવા બધામાં રસ નથી... અરે... ધર્મ એ રસનો નહી, શ્રદ્ધાનો વિષય છે. પણ અફસોસ આપણા હિન્દુઓ જ આપણા ધર્મનું જ્ઞાન બાળકોને આપતા નથી...

એક કિસ્સો યાદ આવે છે... એક બહેનને એક વખત કોઈ સગાના ઘરે નવા ઘરના વાસ્તુપૂજનમાં જવાનું થયું.. જઈને આવ્યા પછી તે બહેન કહે છે કે, 'આવું વાસ્તુ કરવાના ખર્ચ થોડા કરાય? નવા ઘરમાં ધુમાડો લાગે, નવા કલરને અસર થાય, હવનમાં આવેલા લોકોને ધુમાડાથી ખાંસી આવે, આંખમાંથી પાણી નીકળે.. એવું કરવાની શું જરૂર? એના કરતા એટલા રૂપિયામાંથી ફરવા જઈ અવાય ને..?' બોલો... આ શિક્ષિત લોકો શિક્ષણના અભિમાનમાં ધર્મ-ધાર્મિક ક્રિયાને ભૂલી જવા માંગે છે... હવે આમાં હિન્દુ ધર્મને ખતરો કોનાથી છે?

ઘણાં ધર્મમાં માતા-પિતા બાળકોને નાનપણથી જ ધાર્મિકવિધિ, તેના રિવાજ શીખવે છે, તેમનો ધાર્મિક પોશાક પણ ખાસ દિવસોમાં પહેરાવે છે. જ્યારે આપણે જાતે જ આપણો પરંપરાગત પોશાકનો ત્યાગ કર્યાે, કંકુનો ચાંદલો, તિલક, રૂદ્રાક્ષની માળા, શીખા કોઈ રાખે તો અન્ય તેમના પર હસે છે. તેની આસ્થાની મજાક ઊડાવે છે. પાછા આ બધા લોકો જ કહે છે કે 'આપણો હિન્દુ ધર્મ ખતરામાં છે' પ્રશ્ન એ નથી કે ખતરો ક્યાંથી છે? પ્રશ્ન એ છે કે શું આપણે પોતે જ પોતાની સંસ્કૃતિથી દૂર તો થઈ રહ્યા ને?

આજના સમયમાં એક ચિંતા ઘણાં ઘરમાં નિઃશબ્દ રીતે જન્મ લઈ રહી છે. ઘરમાં બધું જ છે... સુખ, સુવિધા, શિક્ષણ, આધુનિકતા... પણ કંઈક ખૂટે છે અને એ છે સંસ્કાર અને પોતાના મૂળ સાથેનો સંબંધ... એક સમય હતો. જ્યારે સવારની શરૂઆત ઘરમાં ઘંટડીના અવાજથી થતી. દાદીના શ્લોક, માતાની આરતી ઘરના વાતાવરણને પવિત્ર બનાવતા. બાળકોને અ.આ.ઈ...ની સાથે જયશ્રી કૃષ્ણ અને ઓમ્ પણ શીખવાતું. સવારના ભગવાનની પૂજા થતી, ઘરની દરેક વ્યક્તિ ભગવાનના મંદિર સામે બેસીને દીવો કરતા અને દર્શન કર્યા વગર ઘરની બહાર ન જતા. પણ આજે બાળકોને આરતી કરવી, દીવો કરવો, પ્રાર્થના કરવી એ બધું ઓલ્ડ ફેશન લાગે છે. બાળકોના હાય-હેલ્લો, ગૂડ મોર્નિંગ અને જયશ્રી કૃષ્ણ ખોવાય ગયું છે. બાળકોના હાથમાં મોબાઈલ છે, પણ હાથ જોડવાની સંસ્કૃતિ ખોવાઈ રહી છે. ઘણાં ઘરોમાં તો ઘરની એક વ્યક્તિ સવારમાં દીવા-અગરબત્તી કરી લે એટલે પૂરૂ... બાકીના સભ્યો માથું પણ નમાવતા નથી.

આ બદલાવ અચાનક નથી આવ્યો. આપણે જ ધીમે ધીમે આપણા બાળકોને સમજાવવાનું બંધ કરી દીધુ કે પૂજા માત્ર રીતરીવાજ નથી. પણ મનને શાંતિ આપતી પરંપરા છે. આરતી માત્ર દીવો ફેરવવાનો ક્રમ નથી, એ ઘરમાં સકારાત્મકતા પ્રગટાવતો સંદેશ છે. પણ આપણે બાળકોને અંગ્રેજી શીખવવામાં ગર્વ અનુભવ્યો. પણ પોતાની સંસ્કૃતિ શીખવવામાં સંકોચ અનુભવ્યો. આજના બાળકોને ભગવાનથી વાંધો નથી, પણ તેમને ધર્મનો અર્થ સમજાયો નથી. જ્યારે બાળકો પૂછે કે, આરતી શું કામ કરવાની? પ્રાર્થનામાં શું કહેવાનું? ત્યારે ઘણી વખત આપણે સમજવાને બદલે એમ કહી દઈએ છીએ કે એ તો વર્ષાેથી આમ જ ચાલે છે એટલે કરવાનું અને બાળકો તથા સંસ્કૃતિ-ધર્મ વચ્ચે અંતર અહીથી જ શરૂ થાય છે. ધ ર્મ જો માત્ર પરંપરા બની જાય અને સમજણ ન રહે તો નવી પેઢી તેને સ્વીકારી શકતી નથી.

સાચો ધર્મ ક્યારેય અંધશ્રદ્ધા નથી શીખવતો. એ તો જીવન જીવવાની કળા શીખવે છે. ભગવદ્દ ગીતા યુદ્ધના મેદાનમાં પણ કર્તવ્ય શીખવે છે, રામાયણ સંબંધોની મર્યાદા શીખવે છે. મહાભારત સત્ય અને અધર્મ વચ્ચેનો ભેદ સમજાવે છે. પણ દુઃખ એ વાતનું છે કે આજના બાળકોનો હેરી પોટર ખબર છે, કાર્ટુન કેરેકટર ખબર છે. પણ અભિમન્યુ કોણ હતો એ ખબર નથી. તેમને વિદેશી તહેવારોની તારીખ યાદ છે, પણ જન્માષ્ટમી કે ગીતા જયંતીનું મહત્ત્વ ખબર નથી. આપણી સંસ્કૃતિ સર્વધર્મ સમભાવ શીખવે છે. સેક્યુલરિઝમનો અર્થ એ ક્યારેય નથી કે પોતાનો ધર્મ ભૂલી જવો પણ અર્થ એ છે કે દરેક ધર્મનો આદર કરો, પણ પોતાના મૂળને ક્યારેય ન ભૂલો. પણ દુર્ભાગ્યે આજે કેટલાક લોકો માટે આધુનિક બનવાનો અર્થ પોતાની જ પરંપરાઓની મજાક બનાવવાનું બની ગયું છે.

માત્ર સમય બદલાઈ ગયો છે એમ કહીને ટાળી શકાય નહી. આજે બાળકો ધર્મથી દૂર થતા જાય છે તેમાં સૌથી વધારે વાંક માતા-પિતાનો છે. આજે માતા-પિતાને પણ પશ્ચિમી સંસ્કૃતિમાં રસ છે. જો કોઈ બાળક પશ્ચિમી તહેવાર ઉજવે તો માતા-પિતા ખુશ થાય છે. આધુનિક ગણાય છે પણ જો બાળક તિલક કરે, મંદિર જાય, શીખા રાખે, રૂદ્રાક્ષની માળા પહેરે તો ઘણાં લોકો તેને જૂની વિચારસરણી સાથે જોડે છે. આ માનસિકતા ધીમે ધીમે આપણી ઓળખ નબળી બનાવે છે.

વિચારવાની જરૂર છે કે શું બાળકોને ઈંગ્લીશ જ્ઞાન અને જુદી જુદી એક્ટિવિટી જ જરૂરી છે કે ધર્મની જાણકારી પણ આપવી જોઈએ? શું આપણે બાળકોને મત્ર કારકિર્દી માટે તૈયાર કરી રહ્યા છીએ કે જીવન માટે પણ? કારણ કે પૈસા માણસને સફળ બનાવી શકે, પણ સંસ્કાર જ માણસને શ્રેષ્ઠ બનાવે છે. ઘરમાં માતા-પિતા જ પૂજાના સમયે મોબાઈલમાં વ્યસ્ત હોય, જો તહેવારો માત્ર ફોટોશૂટ માટે ઉજવાતા હોય, જો સંસ્કૃતિને ટાઈમપાસ ગણવામાં આવે તો પછી બાળકો પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? ધર્મનો અર્થ માત્ર મંદિર જવું નથી પણ ધર્મ એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, સત્ય બોલવું, વડીલનો આદર કરવો એ જ છે. સનાતન ધર્મની ઓળખ ભૂસાય જાય એ પહેલાં આપણે સાવચેત થવાની જરૂર છે.

સમય હજી પસાર થઈ નથી ગયો. જો માતા-પિતા બાળકો સાથે પાંચ મિનિટ ઘરના મંદિરમાં બેસે, દીવા કરે, પ્રાર્થના કરે, તહેવારનો સાચો અર્થ સમજાવે, ઈશ્વર-ભગવાન વિશેની જાણકારી આપે, ધર્મના ડરથી નહી, પ્રેમથી સજાવે તો શક્ય છે કે ઘરમાં સંસ્કારનો દીવો પ્રગટી શકે... કારણ કે ધર્મ પુસ્તકોમાં નહી, પરિવારના વર્તનમાં જીવતો હોય છે.

અંતે એટલું જ કે આપણા ધર્મની જવાબદારી આપણી જ છે. જે લોકો આધુનિકતાની દોડમાં ધર્મથી શરમ અનુભવે છે, મંદિર-પૂજા-પ્રાર્થનાથી દૂર જાય છે તેમની પાસે ભવિષ્ય તો હોય છે પણ કદાચ ઓળખ નહી હોય... આપણે જ આપણો ધર્મ સાચવવાનો છે, નહી તો ઈતિહાસ પણ સાક્ષી છે કે કેટકેટલી વાર આપણા ધર્મ પર-ધાર્મિક સ્થાન પર હુમલા થયા છે, હવે એ ન થાય એ જોવાની જવાબદારી આપણી જ છે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્ત્રીની સફળતાને આજે પણ શંકાની નજરે જોવાય છે

                                                                                                                                                                                                      

'બગીચામાં ફૂલ ખીલે છે તો તેણે કોઈને લાંચ આપી હશે? પતંગિયાએ રંગો પહેરવા મેઘધનુષને લાંચ આપી હશે? ચાંદ ચમકે છે તો તારાઓ સાથે સમાધાન કર્યું હશે? નદી દરિયા સુધી પહોંચે છે તો રસ્તા ખરીદ્યા હશે? કોયલ મીઠંુ ગાય છે તો વસંતને ખુશ કરી હશે? સુરજ રોજ ઊગે છે તો આકાશ પાસે પરવાનગી લીધી હશે? વરસાદ વરસે છે તો વાદળોએ કોઈ સોદો કર્યાે હશે? વૃક્ષ ફળ આપે છે તો જમીન સાથે કોઈ શરત રાખી હશે? દીવો પ્રકાશ આપે છે તો અંધકાર સાથે સેટીંગ કર્યું હશે?'

જો ના... તો... પછી... 'સ્ત્રી સફળ થાય છે ત્યારે સમાજને તેની મહેનત કેમ દેખાતી નથી?

સમાજમાં જ્યારે કોઈ પુરૂષ થાય છે ત્યારે લોકો કહે છે કે, 'ખૂબ મહેનત કરે છે' પણ જ્યારે કોઈ સ્ત્રી સફળ થાય છે ત્યારે ઘણીવાર કાનાફૂસી થાય છે કે, એમ જ કંઈ આટલું આગળ પહોંચી શકાય? કોઈનો સપોર્ટ હશે, કંઈક સમાધાન કર્યું હશે' અને આ સમાધાન એટલે ચારિત્ર્યનો સોદો, કંઈક આપીને કંઈક લેવાની વૃત્તિ... આવું જ સમજાતું હોય છે. એક સ્ત્રીની મહેનત પર વિશ્વાસ કરતા પહેલાં લોકો તેના ચારિત્ર્ય પર શંકા કેમ થતી હશે? કેમ એમ જ વિચારતા હશે કે સ્ત્રી જાતને સોંપીને જ આગળ વધે છે.

આ સવાલ માત્ર એક સ્ત્રીનો નથી. આ સવાલ દરેક એ સ્ત્રીનો છે જે પોતાના સપના માટે લડે છે, દરેક એ સ્ત્રીનો છે જે ઘર અને કામ વચ્ચે પોતાને ભૂલી જાય છે. દરેક એ માતાનો છે કે જે પોતાના બાળકોને શીખવે છે કે મહેનતથી બધું મેળવી શકાય છે. છતાં દુનિયા તેની જ મહેનતને સ્વીકારતી નથી. સ્ત્રી જ્યારે આગળ વધે છે ત્યારે લોકો તેની ડિગ્રી નથી જોતા, તેની પ્રતિભા નથી જોતા, તેની રાતોની ઊંઘ નથી જોતા, તેનો સંઘર્ષ નથી જોતા, જોવે છે તો ફક્ત તેની સફળતા... અને પછી શોધે છે તેને મળેલી સફળતાના રસ્તા... રસ્તા ન મળે તો પછી કારણો પોતાની રીતે ઊભા કરી લે છે અને ત્યાંથી શરૂ થાય છે પાત્રહનન...

સમાજ હજુ પ સ્ત્રીની સફળતા સહન કરવાનું શીખ્યો નથી. કારણ કે સદીઓથી સ્ત્રીને 'સીમિત' જોવાની આદત પડી ગઈ છે. તે રસોડામાં સારી લાગે, ઘરમાં રહે તો સંસ્કારી લાગે, પતિ પાછળ ચાલે તો આદર્શ લાગે, પણ જો એ પોતાના નિર્ણય લે, પોતાનો અવાજ ઊંચો કરે, પોતાની ઓળખ બનાવે તો એ ઘણાં લોકોને ખટકે છે. વિચિત્ર વાત એ છે કે, એક પુરૂષ મોડીરાત સુધી કામ કરે તો તેને ડેડિકેટેડ કહેવામાં આવે છે અને સ્ત્રી મોડીરાત સુધી ઓફિસમાં રહે તો તેને પૂછવામાં આવે છે કે  'ખરેખર કામ જ કરતી હતી ને?' આ વિચારધારા માત્ર અપમાનજનક નથી, પણ ખૂબ ખતરનાક પણ છે. કારણ કે આ અનેક મહિલાઓના આત્મવિશ્વાસને મારી નાખે છે! કેટલીય સ્ત્રીઓ પોતાની પ્રતિભા છૂપાવી દે છે, કેટલીય પ્રમોશનથી ડરે છે, કેટલીય સ્ત્રીઓ આગળ વધવાની તક છોડી દે છે... કારણ કે, તેમને ખબર છે.. સફળતા કરતા લોકોના સવાલ વધુ ભારે પડશે, સફળતા મેળવવા કરેલુ કામ, સંઘર્ષ નહી દેખાય, પણ તેના ચારિત્ર્ય પર આંગળી જરૂર ઉઠશે....

એક સ્ત્રી માટે સફળ થવું આજે પણ સહેલુ નથી. તેને બે ગણી મહેનત કરવી પડે છે. એક તો પોતાની ઓળખ બનાવવા અને બીજી પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે. ઘણાં લોકો કહે છે કે સમાજ બદલાઈ ગયો છે, પણ ખરેખર બદલાયો છે? આજે પણ ઓફિસમાં આગળ વધતી મહિલાને લઈને ગોસિપ થાય છે. રાજકારણમાં આવેલી મહિલાને લઈને વાતો થાય છે. સોશિયલ મીડિયા પર આત્મવિશ્વાસથી બોલતી યુવતીને કેરેકટરલેસ કરી દેવાય છે. સ્ત્રી કેટલીક સિદ્ધિ મેળવે છે, ત્યારે સમાજનો એક વર્ગ કે પછી સ્ત્રીની સિદ્ધિથી બળતરા કરવાવાળા તેને તેની બુદ્ધિથી નહી, પણ તેના શરીરથી જ માપવાનો પ્રયાસ કરે છે અને સૌથી દુઃખદ વાત એ છે કે, ઘણીવાર આંગળી ઉઠાવનારાઓમાં સ્ત્રીઓ પણ સામેલ હોય છે. કારણ કદાચ એ છે કે સમાજે વર્ષાેથી સ્ત્રીઓને એકબીજાની સ્પર્ધક બનાવી દીધી છે. એકબીજાની તાકાત બનવાને બદલે એકબીજાને પછાડવામાં, બદનામ કરવામાં વધુ રસ હોય છે.

એક સ્ત્રી સફળ થાય છે ત્યારે તેની પાછળ કેટલાય વર્ષાેની મહેનત, કેટલીય રાતોની અધૂરી ઊંઘ, કેટલાય શોખનો ત્યાગ હોય છે અને રોજ પોતાને સાબિત કરવાની થકાવી નાખે તેવી લડાઈ હોય છે. એક સ્ત્રી સફળ થાય છે. કારણ કે, તે લાયક છે. કારણ કે તેણે મહેનત કરી છે, દરેક સફળ સ્ત્રીની પાછળ કોઈ સમાધાન નથી હોતું, પણ તેની પાછળ અસંખ્ય ત્યાગ હોય છે.

સમાજે હવે પોતાની નજર બદલવી પડશે, સ્ત્રીના કપડા નહી, તેના કૌશલ્યને જોવું પડશે. તેના સંબંધો નહી તેની સિદ્ધિઓ ગણવી પડશે તેની સામેની ફેલાતી અફવાઓ નહી, તેના સંઘર્ષાે સાંભળવા પડશે. કારણ કે જ્યારે એક સ્ત્રી પર ખોટી આંગળી ઉઠે છે. ત્યારે ફક્ત તે એક જ નહી તેની મહેનત, તેનો સંઘર્ષ, તેના સપના ઘાયલ થાય છે. યાદ રાખો સ્ત્રીનું ચારિત્ર્ય તેના સફળ થવાથી નક્કી નથી થતું, પણ સમાજનું ચારિત્ર્ય જરૂર નક્કી થાય છે કે તે સફળ સ્ત્રીને કઈ નજરે જોવે છે. સ્ત્રીની સફળતા સહન ન કરી શકનાર લોકો માટે તેના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવી સહજ બાબત છે. જ્યારે સ્ત્રીને બદનામ કરવાનું, તેને પછાડવાનું, તેને પાછળ રાખવાનું કોઈ કારણ હાથમાં ન આવે ત્યારે ચારિત્ર્ય પર વાતો ઉડાડવી એકદમ સહેલો રસ્તો છે. કારણ કે આ આરોપની કોઈ સાબિતી નથી હોતી. તેમાં પણ જ્યારે કોઈ સ્ત્રી કોઈ સંસ્થામાં, કોઈ ઓફિસમાં, કોર્પોરેટ લેવલે ઊંચું સ્થાન મેળવે છે ત્યારે તે સ્થાનની રાહમાં ઊભેલા લોકોથી આ સહન નથી થતું અને તેને બદનામ કરવા માટે સરળ રસ્તો અપનાવે છે. કે તેણે 'કંઈક' આપીને આ સ્થાન મેળવ્યું છે. આવા સમાજની, આવા લોકોની તે સ્ત્રીને બીક નથી હોતી, પણ દુઃખ હોય છે કે આવા હલકી માનસિકતા ધરાવતા લોકો સ્ત્રીને, તેના સન્માનને, તેના ચારિત્ર્યને આટલું સસ્તુ કેમ સમજતા હશે? જો આવી રીતે લેતીદેતીનો વ્યવહાર કરીને સ્ત્રી સફળ બની શકતી હોત તો આજે હજારો સ્ત્રીઓ જે દુઃખમાં, ગરીબીમાં જીવે છે તે ન હોત. સ્ત્રી પર આંગળી ઉઠાવતા પહેલાં એક વખત તમારા ઘરની સ્ત્રીઓ પર નજર નાખજો, સ્ત્રી ઊડે તો પાંખો પર સવાલ થાય તેની મહેનતની નહી, ચારિત્ર્યને તોળાય? સફળ સ્ત્રીની સામે આજે પણ સમાજને નમતા શરમ કેમ આવે છે...?

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજનું વેકેશન એક ટ્રેનિંગ કેમ્પ...

                                                                                                                                                                                                      

એક સમય હતો, જ્યારે વેકેશન એટલે માત્ર રજા નહી, પણ નિર્દોષ આનંદનો સમય. સ્કૂલની બેગ ખૂણામાં ફેંકાઈ જતી, સવારનું એલાર્મ બંધ થઈ જતું અને દિવસો કોઈ પ્લાન વગર વહેતા. બાળકો માટે સમય એક રમકડું હતો, જેને તેઓ પોતાના મન મુજબ વાપરતા. ગલીમાં રમવું, મિત્રો સાથે ઝઘડવું અને ફરી હસતા હસતા મળવું, એ બધું જ બાળપણનું સ્વરૂપ હતું. તેમાં કોઈ સર્ટિફિકેટ ન હતું. પણ તેમાં સાચી ખુશી હતી, ત્યારે 'બાળપણ પૂરૃં થતું ન હતું... પણ જીવાતું હતું.'

વેકેશન તો આજે પણ પડે છે, પણ તેનો અર્થ બદલાઈ ગયો છે. હવે વેકેશન આરામ નથી, એક નવું ટાઈમ ટેબલ છે. સવાર યોગાથી શરૂ થાય છે, પછી ડ્રોઈંગ, ડાન્સ, કરાટે, સ્વિમિંગ, સાયકલીંગ, સ્કેટીંગ... દિવસ પૂરો થઈ જાય છે, પણ બાળકોના ક્લાસ પૂરા નથી થતા. 'વેકેશન હવે રજા નથી.. પણ રિઝયૂમ બનાવવાની સિઝન છે.' આ બધું જોતા એક સવાલ થાય છે કે શું આ બાળક છે કે કોઈ પ્રોજેક્ટ? બાળક સતત દોડે છે. શીખે છે. સિદ્ધિ મેળવે છે પણ એ દોડમાં પોતાની જાતને ગૂમાવી રહ્યા છે. તેના ચહેરા પર સ્મિત છે, પણ એમાં થાક છૂપાયેલો છે. 'આજનું બાળક દોડે છે પણ ક્યાં પહોંચવાનું છે એ તેને ખબર જ નથી...'

માતા-પિતાની લાગણી ખોટી નથી. દરેક માતા-પિતા પોતાના બાળકને આગળ વધતું જોવા માંગે છે. પણ આ ઈચ્છા ક્યારેક ચિંતા બની જાય છે અને ચિંતા સ્પર્ધામાં ફેરવાઈ જાય છે. 'બધા શીખે છે તો મારા બાળકોને નહી શીખવું તો પાછળ રહી જશે' આ વિચાર જ બાળકોને સતત દોડાવે છે. 'આપણે બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરીએ છીએ, પણ વર્તમાનમાંથી દૂર લઈ જઈએ છીએ, આજના સમયમાં સૌથી મોટી ખોટ સમયની નથી, પણ સ્વતંત્રતાની છે. બાળક પાસે સમયપત્રક છે, પણ પોતાનો સમય નથી. તે સતત કંઈક શીખે છે, પણ પોતાનો ઓળખવાનો સમય નથી. જ્યારે તેને પૂછવામાં આવે કે 'તને શું ગમે છે?' ત્યારે તે મમ્મી સામે જોવે છે, 'મમ્મી કહે તે'... કદાચ તેનો આ જવબ હોય... આજનું બાળક રમતું નથી, તે પરફોર્મ કરે છે.

વેકેશન જે ક્યારેક આરામ અને આનંદનો સમય હતો. તે આજે એક ટ્રેનિંગ કેમ્પ બની ગયું છે. માટીમાં રમવાનું, ઝઘડવાનું, પડીને ફરીથી ઊભું થવાનું. આ બધું હવે બાળપણમાં બંધાઈ ગયું છે. ટેકનોલોજી પણ આ દોડમાં પોતાનો ભાગ ભજવે છે. એક બાજુ એક પછી એક ક્લાસીસ અને બીજી બાજુ મોબાઈલ. આ બંને વચ્ચે બાળક ફસાઈ ગયું છે. તેની પાસે ખાલી સમય જ નથી.

અહી સૌથી મોટો પ્રશ્ન માતા-પિતાએ પોતાની જાતને પૂછવાનો છે કે શું આપણે બાળકોને ખુશ જોવાનું ભૂલી ગયા છીએ? શું આપણે તેની ખુશીને સિદ્ધિ સાથે જોડી દીધી છે? આપણે માર્કશીટ-રિપોર્ટ કાર્ડ તો વાંચીએ છીએ. પણ બાળકોનું મન વાંચીએ છીએ? આપણે હવે સિદ્ધિઓ ગણીએ છીએ, ખુશી માપતા નથી. વિકાસ જરૂરી છે, પણ દરેક બાળક માટે વિકાસનો અર્થ એકસરખો નથી. કોઈને દોડવું ગમે છે, તો કોઈને ડ્રોઈંગ ગમે છે, કોઈને રમવું છે. તો કોઈને નાચવું છે, પણ જ્યારે આપણે દરેક બાળકને એક જ માપમાં માપવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તેની અનોખી ઓળખ ખોવાઈ જાય છે. 'દરેક બાળક ટેલેન્ટેડ છે, પણ આપણે તેને એક જ ઢાંચામાં ઢાળીએ છીએ...'

આ બધું જોતા એક જ પ્રશ્ન થાય છે કે આ બાળક છે કે મેનેજમેન્ટ ટ્રેની? બાળક સફળ થાય એ લાગણી બરાબર છે, પણ સવાલ એ છે કે આ સફળતા માટે આપણે શું ગૂમાવી રહ્યા છીએ? બાળપણ હવે કદાચ બાળકોના સિલેબર્સમાં જ નથી. બાળકો પાસે પસંદગીની તક જ નથી, માતા-પિતાની પસંદ-ઈચ્છા મુજબ તે દોડે છે, તેને ગમવાનું શીખવાયું જ નથી, તેને ફ્કત કરવાનું જ શીખવ્યું છે, વેકેશન એટલે ભાગદોડ, ધીંગામસ્તી, રમતો, તોફાનો, મામાનું ઘર... પણ આજે વેકેશન એટલે એસી ક્લાસ રૂમ, જુદી જુદી એક્ટિવિટી અને સર્ટિફિકેટ... બાળકોને હવે ઘસારો નથી લાગતો... કારણ કે તેની પાસે જીવવાનો સમય જ નથી.. વેકેશન હવે રજા નથી, તે સ્કિલ અપગ્રેડ પ્લાન છે.

માતા-પિતાને પૂછીશ કે શું તમે ક્યારેય બાળકોને પૂછ્યું છે કે તે ખુશ છે કે નહીં? તેની ખુશીને અચિવમેન્ટ સાથે માપીએ છીએ.. આપણે બાળકને ઓલરાઉન્ડર બનાવવા માગીએ છીએ.. પણ તેને પૂછ્યું કે તે આ માટે તૈયાર છે...?

અંતમાં એ સત્ય સ્વીકારવું જ પડશે કે બાળક કોઈ પ્રોજેક્ટ નથી, તે એક જીવંત લાગણી છે, જેને સમય જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે, પોતાનું ગમતું કરવાની તો ક્યારેક કંઈ ન કરવાની છૂટ જોઈએ છે. કારણ કે ઘણીવાર એ જ ક્ષણોમાં તે કંઈક નવું સર્જન કરતા હોય છે. 'બાળકને વ્યસ્ત રાખવા સહેલા છે, ખુશ રાખવા અઘરા છે.' જો આપણે બાળકોને બાળપણ જ નહી આપીએ તો તેઓ મોટા થઈને સફળ તો બનશે, પણ ખુશ રહેશે કે નહી એ પ્રશ્ન હજી પણ ખૂલ્લો જ રહેશે. જો બાળપણ ખોવાઈ જાય તો સફળતા પણ અધૂરી લાગે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બીજાને ખુશ રાખવામાં, જાત માટે જીવવાનું ભૂલાઈ ગયું...

                                                                                                                                                                                                      

સ્ત્રીનંુ જીવન પોતાની ઈચ્છાઓથી નહી, પરંતુ બીજાની અપેક્ષાઓથી લખાતંુ હોય છે. જન્મથી લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી, તે કોઈની દીકરી, કોઈની બહેન, કોઈની પત્ની, કોઈની વહુ, કોઈની માતા બનીને જીવતી રહે છે પણ 'પોતે' બનીને જીવવાનો સમય તેને નથી મળતો. સમાજમાં સ્ત્રીને હંમેશાં ત્યાગ, સહનશીલતા અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. બાળપણથી જ તેને શીખવવામાં આવે છે કે 'ઘર સાચવવું, સંબંધો જાળવવા, બધાને ખુશ રાખવા' એ જ તેની સૌથી મોટી ફરજ છે, આ વાત ખોટી નથી, પરંતુ જ્યારે આ ફરજ તેની પોતાની ઓળખ, સપનાઓ અને ખુશીઓનો ભોગ લે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું સ્ત્રી ફક્ત બીજા માટે જ જન્મી છે.

ઘણી સ્ત્રીઓનું આખુ જીવન આ એક જ વિચારમાં પસાર થઈ જાય છે કે...

આમ કહીશ તો લોકો શું કહેશે?

આ પહેરીશ તો કોઈને ગમશે કે નહીં?

આવું બોલીશ તો બધા ઊંધુ સમજશે?

આમ રહીશ તો સમાજ શું વિચારશે?

આવા પ્રશ્નો માત્ર શબ્દો નથી, તે એક અદૃશ્ય કેદખાનુ છે. જેમાં અનેક સ્ત્રીઓ વર્ષાે સુધી બંધ રહી જાય છે. એક સ્ત્રી પોતાની પસંદગી કરતા પહેલા દસ વખત વિચારે છે. શું પહેરવું? ક્યાં જવું? કોને મળવું? શું બોલવું? આ બધુ તે પોતાની ઈચ્છા પ્રમાણે નહી પણ સમાજની મંજૂરી મુજબ નક્કી કરે છે. તે રસોઈ બનાવે છે પણ પોતાને શું ભાવે તે વિચારતી નથી, બધાને શું ભાવશે એ વિચારે છે. તે કપડા પહેરે છે, પણ પોતાની પસંદના નહી, લોકો શું કહેશે તે વિચારીને, તે ફરવા જવા માંગે છે, મિત્રોને મળવા ઈચ્છે છે. પણ ઘરકામ અને જવાબદારી વચ્ચે તેની ઈચ્છાઓ દબાઈ જાય છે. ઘણીવાર તો એક સ્ત્રી પોતે શું ઈચ્છે છે તે પણ ભૂલી જાય છે. કારણ કે આખી જિંદગી તેણે બીજાની ઈચ્છાઓને જ પોતાનું જીવન માની લીધું હોય છે.

આ માત્ર ઘરગથ્થું સ્ત્રીઓની જ વાત નથી. ભણેલી, નોકરી કરતી, સ્વતંત્ર દેખાતી સ્ત્રીઓ પણ આ જ સંઘર્ષમાંથી પસાર થાય છે. સમાજના નિયમો કપડા બદલવાથી નથી બદલાતા, લોકો શું કહેશે? એ પ્રશ્ન દરેક વર્ગની સ્ત્રીને સમાન રીતે સતાવે છે. એક સ્ત્રીને નાનપણથી જ શીખવવામાં આવે છે કે કોઈ કદાચ કંઈ બોલે, અપમાન જેવું લાગે, ખરાબ લાગે તો પણ મનમાં નહી લેવાનું, સંબંધ જાળવવાનો ક્યાંય માન ન મળે તો પણ સંબંધ સાચવવા જવું જ, સમજ ન પડે, કોઈ પૂછે નહી તો કંઈ બોલવું નહી, પોતાની પીડા છૂપાવી રાખવી, મોઢું હસતું રાખવંુ અને એટલે જ સ્તરીઓ ઘણીવાર પોતાની આંખના આંસુને અંદર જ દફનાવી દે છે. કેટલીય રાતો એવી હોય છે કે જે તેણે રડતા વિતાવી હોય છે અને છતાં પણ સવાર પડે ત્યારે ફરીથી રડતા વિતાવી હોય છે અને છતાં પણ સવાર પડે ત્યારે ફરીથી સ્મિત સાથે ઊભી થઈ જાય છે. કારણ કે તેને ખબર છે કે તેના આંસુની કોઈને પડી નથી. બધા તેને વેવલી કહેશે. એટલે જ મજબૂત બનીને ઊભી રહે છે.

પણ શું મજબૂત હોવાનો અર્થ હંમેશાં મૌન રહેવું જ છે? સમય ધીમે ધીમે સરકતો જાય છે. યૌવન પસાર થઈ જાય છે. સપના અધૂરા રહી જાય છે અને એક દિવસ પાછળ વળીને જોતી વખતે સમજાય છે કે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં જ વીતી ગઈ.

પછી મન પૂછે છે... 'મારા માટે શું જીવ્યું?' આ પ્રશ્ન ખૂબ ઊંડો છે અને કદાચ આ જ દરેક નારીની સૌથી મોટી મનોવેદના છે, એક સ્ત્રી પણ ઈચ્છે છે કે એક સવાર એવી હોય જ્યાં તે ફક્ત સૂર્યોદય માણે, એક સાંજ એવી હોય જ્યાં નદીકિનારે બેસીને પવન સાથે વાતો કરે, પર્વતોની ટોચ પર ઊભી રહીને ઠંડો-ઊંડો શ્વાસ લે, હાથ ફેલાવીને કુદરતને માણે, હાથમાં એક બુક હોય અને સમય માત્ર પોતાનો જ હોય, કોઈ કારણ વગર હશે, ખુશ થાય, નાચે, ગાય... બસ પોતાની મરજીથી કરે... આ સપનાઓ વૈભવ નથી.. આ તો ફક્ત જીવવાની ઈચ્છા છે.

ઘણીવાર સમાજ સ્ત્રીના 'પોતાના માટે જીવવા'ના નિર્ણયને સ્વાર્થ માને છે, પણ હકીકતમાં તે સ્વાર્થ નથી, તે પોતાની ઓળખ પાછી મેળવવાનો પ્રયત્ન કરે છે, સ્ત્રી જ્યારે કહે છે કે.. 'હવે મારે મારા માટે જીવવું છે, ત્યારે તે કોઈનો ત્યાગ નથી કરતી, તે ફક્ત પોતાને સ્વીકારી રહી છે તે થાકી ગઈ છે, કામથી નહી પણ સતત બધાને ગમતંુ કરતા કરતા થાકી છે, સમાજના ડરથી થાકી છે, અવગણના સહન કરતા થાકી છે, ઉપેક્ષાના ભાર નીચે દબાઈને થાકી છે, તેને સમજાયું છે કે જીવન રાહ નથી જોતું, કાલની ચિંતા કરતા કરતા આજ ખોવાઈ જાય છે. ગઈકાલના ઘા વાગોળતા આજને માણવી છે, આજને ખુશીથી ભરી દેવી છે. કારણ કે પોતાને ખુશ રાખવું એ ગુન્હો નથી, પોતાની પસંદને મહત્ત્વ આપવું એ સ્વાર્થ નથી, પોતાના સપનાને જીવવું એ બળવો નથી.. સમાજે વર્ષાે સુધી સ્ત્રીને કહ્યું, 'બીજાને ખુશ રાખો' પણ હવે સમય છે કે કોઈ તેને કહે કે, 'તું પણ ખુશ રહે..' કરણ કે જ્યારે એક સ્ત્રી ખુશ હોય છે, ત્યારે માત્ર તેનું જીવન જ નહી, આખું ઘર પ્રફુલ્લીત થાય છે. તેના હાસ્યમાં પરિવારની શાંતિ છૂપાયેલી છે. તેના આત્મ સન્માનમાં સંબંધોની મજબુતી વસે છે. સ્ત્રી ફક્ત સંબંધોનું નામ નથી, તે પોતે પણ એક સંપૂર્ણ અસ્તિત્વ છે. તેનો પણ હક્ક છે, પસંદ કરવાનો, ના પાડવાનો, ફરવાનો, હસવાનો, થાકવાનો અને સૌથી મહત્ત્વનું... પોતાના માટે જીવવાનો.

દરેક સ્ત્રીને એક જ સંદેશ... પોતાને ભૂલશો નહી, કારણ કે તમે ફક્ત કોઈની જવાબદારી નથી, તમો એક સુંદર, સ્વતંત્ર અને સંપૂર્ણ જીવન છો અને કદાચ જીવવની સૌથી મોટી જીત એ જ છે કે જ્યારે એક સ્તરી અરીસામાં જોઈને નિર્ભયપણે કહી શકે... 'હવે શું મારા માટે જીવું છું...'

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જીવનની દરેક મુલાકાત એક નવી શીખ

                                                                                                                                                                                                      

જીવન એક અનોખી યાત્રા છે. આ યાત્રામાં આપણે ઘણાં લોકોને મળીએ છીએ. કેટલાક આપણને ગમી જાય છે, તો કેટલાક સમજાવી જાય છે. ક્યારેક કોઈ ખુશી આપે છે, તો કોઈ દુઃખી કરી જાય છે. ક્યારેક કોઈ સાથેનો સંબંધ ટૂંકી મુદ્દતનો હોય છે, તો ક્યારેક મળતી વ્યક્તિ જીવનભર સાથ આપે છે. ક્યારેક કોઈને મળીને હાથકારો થાય છે, તો ક્યારેક હાશકારો... પણ દરેક મુલાકાત, દરેક વ્યક્તિ કંઈકને કંઈક શીખવાડી જાય છે. પરંતુ જો આપણે ઊંડાણથી વિચારીએ તો સમજાય છે. દરેક મુલાકાતનો એક અર્થ હોય છે. જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે નથી આવતી 'જે મળ્યા તે યોગ્ય હતા, જે ગયા તે જરૂરી હતા.' આ એક સરળ લાગતી વાક્યરચના પાછળ ખૂબ ઊંડી વાત છૂપાયેલી છે.

આપણે ઘણી વાર એવું વિચારીએ છીએ કે 'આ વ્યક્તિ મારી જિંદગીમાં કેમ આવી?' અથવા 'આ વ્યક્તિ મારા જીવનમાંથી કેમ દૂર થઈ ગઈ?' પણ સમય જતા સમજાય છે કે જે થયું તે આપણા વિકાસ માટે જ થયું દરેક વ્યક્તિ, દરેક સંબંધ અને દરેક વિચ્છેદ આપણને કંઈકને કંઈક શીખવાડે જ છે.

જીવનમાં જે લોકો આપણને મળે છે, તો કોઈ સંજોગ નથી. તેઓ આપણા જીવનમાં કંઈક ખાસ હેતુથી જ આવ્યા હોય છે. કોઈ આપણને પ્રેમ શીખવે છે. તો કોઈ વિશ્વાસ શીખવે છે, તો કોઈ આપણી જ જાતની ઓળખાણ આપણાથી કરાવી જાય છે, કેટલીક મુલાકાત ખુશી આપે છે. જીવનમાં રંગ ભરે છે, આપણું મન પ્રફુલ્લિત કરે છે. બાળપણના મિત્રો હોય, સ્કૂલના શિક્ષકો હોય કુટુંબના સગા-સંબંધી હોય કે પછી પ્રેમ આ બધા જ લોકો આપતને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તેઓ ન મળ્ય હોત તો કદાચ આપણે આજે જે છીએ તે ન બની શક્યા હોત, તેથી જે મળ્યા તે યોગ્ય છે, કારણ કે તેઓએ આપણા જીવનમાં કંઈક ઉમેર્યું જ હોય છે.

પરંતુ જીવન માત્ર મળવાથી જ પૂરતું નથી. વિયોગ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. ઘણી વખત આપણે જેને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ એ લોકો જ આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે. આ સમયે આપણે તૂટી જઈએ છીએ અને પ્રશ્ન થાય છે કે 'આવું કેમ થયું?' પરંતુ સાચું સત્ય એ છે કે જે લોકો જાય છે, તેઓ પણ કોઈ કારણસર જ જાય છે. કદાચ આપણા જીવનમાં તેમની ભૂમિકા પૂરી થઈ ગઈ હોય, કદાચ તેમણે આપણને જે આપવાનું હોય તે આપી દીધું હોય એવું પણ હોય. વિયોગ, વિરહ, વિચ્છેદ આપણને મજબૂત બનાવે છે. આપણને સમજાવે છે કે જીવનમાં આગળ વધવું આગળ વધવું જ સૌથી મહત્ત્વનું છે, ક્યારેક કોઈ વ્યક્તિના દૂર થઈ જવાથી આપણું જીવન વધુ સ્પષ્ટ બને છે. આપણે સમજીએ છીએ કે શું સાચું છે અને શું ખોટું છે? આ રીતે વિયોગ પણ એક પ્રકારની શીખ છે, જે આપણને આગળ વધવામાં મદદ કરે છે.

જીવનમાં મળતી દરેક વ્યક્તિ આપણને કંઈક શીખવે છે. કોઈ આપણને ધીરજ શીખવે છે. કોઈ સહનશીલતા, કોઈ આત્મવિશવાસ, તો કોઈ સમજણ શક્તિ કેટલાક લોકો આપણને પ્રેમ આપે છે. તો કેટલાક દુઃખ આપે છે. પણ બંનેનો અર્થ એક જ છે.. શીખ.. પ્રેમ આપણને જીવનની સુંદરતા સમજાવે છે અને દુઃખ આપણને જીવનની હકીકત સમજાવે છે. આ બંને વગર જીવન અધુરૂ છે. જ્યારે આપણે આ દૃષ્ટિકોણથી બદલાય છે અને પરિસ્થિતિને દોષ આપવાને બદલે તેનો સ્વીકાર કરીએ છીએ, જે શાંતિ આપે છે.

સંબંધો જવનનો સૌથી મહત્ત્વનો ભાગ છે, દરેક સંબંધ આપણને કંઈક શીખવે છે, પણ દરેક સંબંધ હંમેશાં ટકી રહે એવું જરૂરી નથી. કેટલાક સંબંધો સમય સાથે બદલાય છે, કેટલાક તૂટી જાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે સંબંધ ખોટો હતો. તેનો અર્થ માત્ર એટલો છે કે તેની ભૂમિકા પૂરી થઈ ગઈ છે. જેમ ઋતુઓ બદલાય છે તેમ સંબંધો પણ બદલાય છે, આ સમજણ આપણને સંબંધોમાંથી અપેક્ષા ઘટાડવામાં મદદ કરે છે.

જીવનમાં સૌથી મુશ્કેલ વસ્તુ છે સ્વીકાર... આપણે પરિસ્થિતિને સ્વીકારતા અચકાતા હોઈએ છીએ, પણ જ્યારે સ્વીકાર સરળ બની જાય ત્યારે જીવન પણ સરળ બની જાય. સ્વીકારનો અર્થ એ નથી કે આપણે હાર માની લઈએ, તેનો અર્થ એ છે કે આપણે હકીકતને સમજીને આગળ વધીએ... જે મળ્યું તે માટે આભાર માનીએ અને જે ગયું તેને શાંતિથી જવા દઈએ એ જ સાચો સ્વીકાર છે. સમય જીવનનો સૌથી મોટો શિક્ષક છે. જે વાત આજે સમજાતી નથી, તો કાલે સ્પષ્ટ થઈ જાય છે. સમય આપણને શીખવે છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે. મળવાનો પણ અને છૂટવાનો પણ... સમય સાથે આપણે સમજીએ છીએ કે જે કંઈ થયું તે આપણા માટે સારૃં જ હતું. આ સમજણ આપણને આગળ વધવાની શક્તિ આપે છે.

દરેક મુલાકાત, દરેક વિયોગ અને દરેક અનુભવ આપણને આત્મવિકાસ તરફ લઈ જાય છે. જીવનનો સાચો અર્થ એ નથી કે કેટલા લોકો મળ્યા, પરંતુ એ છે કે તેમાંથી શું શીખ્યા. જ્યારે આપણે આપણા અનુભવમાંથી શીખીએ છીએ ત્યારે આપણે વધુ મજબૂત, વધુ સમજદાર અને વધુ પરિપક્વ બનીએ છીએ. આ જીવનની સાચી સફળતા છે. જીવનમાં જે મળ્યું છે તો યોગ્ય છે અને જે ગયું છે તે જરૂરી છે, એ વાત સ્વીકારવાથી જીવનમાં શાંતિ અને સંતુલન આપે છે. દરેક મુલાકાતને ભેટ અને દરેક વિયોગને શીખ તરીકે સ્વીકારીએ, જીવન એક પુસ્તક જેવું છે. જેમાં દરેક વ્ફક્તિ એક પાનુ છે. દરેક પાનુ કંઈક કહે છે. જો આપણે દરેક પાનાને વાંચવાની, સમજવાની કોશિષ કરીએ તો આખું પુસ્તક વધુ સુંદર બની જાય છે. અંતે.. જીવનનો સાર એટલો જ કે જે મળ્યા તેના માટે આભાર, અને જે ગયા તેના માટે પ્રાર્થના... કારણ કે આપણી આજ બનાવવા માટે બંનેનું યોગદાન છે.

છેલ્લે... જે મળ્યા તે સ્મિત બની...

જે ગયા તે શીખ બની...

જીવનના આ માર્ગ પર

દરેક મુલાકાત દીપ બની..

દુઃખ-સુખના સંગાથે

સમયે શીખવી દીધુ ઘણું...

જે છે તે સુંદર છે..

જે નથી તે પણ યોગ્ય જ છે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'વાર્તા : બાળકો પાસેથી છીનવાયેલો ખજાનો...'

                                                                                                                                                                                                      

મારી ચાર વર્ષની દીકરીને તેની સ્કૂલ/નર્સરીમાં એક વાર્તા શીખવી 'લાયન એન્ડ માઉસ' અંગ્રેજી માધ્યમની સ્કૂલ છે એટલે વાર્તા તે ભાષામાં શીખવી. પણ તે ઘરે આવીને ખુશ થઈને બોલી... 'આજે સ્કૂલમાં વાર્તા શીખવાડી, પણ મને તો પહેલેથી જ ખબર હતી, તે મને વાર્તા કહી હતી ને... એ જ મારા મેમે કહ્યું,' તે મને થયું કે મારી મહેનત સફળ...

હું રોજ રાત્રે મારી ચાર વર્ષની દીકરીને સુવાડવા માટે વાર્તા કહું છું, તેને પણ આદત પડી જ ગઈ છે, વાર્તા સાંભળ્યા પછી જ તેને નિંદર આવે. ક્યારેક એક વાર્તા, તો ક્યારેક બે-ત્રણ વાર્તા... તે કહે તેટલી, તે કહે તેની વાર્તા... ક્યારેક કહેશે સિંહની વાર્તા, તો ક્યારેક કહેશે ખિસકોલીની વાર્તા... તો ક્યારેક ગણેશજી, ક્રિષ્ના, મહાદેવજીની વાર્તા પણ કહેવી પડે... આ વાર્તા માત્ર ઊંઘવા માટેની વાત નથી, પણ એ તો એક નાની દુનિયા બનાવવાનો સમય હોય છે. વાર્તા સાંભળતા તેની નાની આંખમાં ચમક હોય છે, તેમાં ક્યારેક તેના સવાલ પણ આવે, પણ હું ત્યારે એમ જ વિચારૃં કે હું માત્ર વાર્તા નથી કહેતી, હું તેની કલ્પનાશક્તિને પાંખો આપું છું. હું તેના મનમાં નવા વિચારો આપું છું, હું તેને આજુબાજુની દુનિયાથી પરિચિત કરાવું છું, પછી ક્યારેક તેને પણ એવું થાય છે કે તે પણ મને વાર્તા કહે.

બાળપણ... માત્ર ઉંમરનો એક તબક્કો નથી, પણ એ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. એ ખજાનો, જેમાં નિર્દોષતા છે, કલ્પનાઓ છે, રમતો છે, હાસ્ય છે અને એક નિર્મળ આનંદ છે, પરંતુ આજના આધુનિક સમયમાં આ ખજાનો ધીમે ધીમે બાળકો પાસેથી છીનવાઈ રહ્યો છે અને એ ખજાનો છે... વાર્તા... એક સમય હતો જ્યારે સાંજ પડતા જ ઘરના આંગણે દાદા-દાદી કે નાના-નાની આસપાસ બાળકો ભેગા થઈ જતા અને એક હતો રાજા અથવા એક પરી હતી થી શરૂ થતી વાર્તાઓ બાળકોને એક એવા વિશ્વમાં લઈ જતી જ્યાં રાજકુમાર, રાજકુમારી, પરી, રાક્ષસ, સાહસ, સંસ્કાર, અમીરી, ગરીબી, કલ્પનાઓ... બધું જ એકસાથે જીવાતું પણ આજે... બાળકો મોબાઈલમાં ખોવાઈ ગયા છે અને મમ્મીઓ પાસે વાર્તા કરવાની સમજ નથી અથવા સમય નથી.

વાર્તા એ માત્ર સમય પસાર કરવાની વાત નથી. એ તો જીવન જીવવાની કળા શીખવે છે. વાર્તા દ્વારા બાળકોને સચ્ચાઈ, ધીરજ, સન્માન શું છે તેની સમજ પડે છે. 'પંચતંત્ર'ની વાર્તાઓ બાળકોના મનમાં ઊંડો પ્રભાવ પાડે છે. વાર્તા દ્વારા બાળકો સમજી શકે છે કે સારા કામના પરિણામ સારા જ મળે છે અને ખરાબીનો અંત હંમેશાં ખરાબ જ હોય, વાર્તા બાળકોને સમજાવે છે કે સાચું જ બોલાય, ખોટંુ બોલીને એ સમયે જીતી જવાય, પણ પછી તો પરિણામ ખરાબ આવે જ. જ્યારે બાળક વાર્તા સાંભળે છે, ત્યારે એ પોતાના મનમાં દૃશ્યો ઊભા કરે છે. રામ કેવો હશે? પરી કેવી દેખાતી હશે? જંગલમાં શું હશે? આ કલ્પનાઓ બાળકની સર્જનાત્મક શક્તિને વધારે છે. મોબાઈલ કે ટીવી તૈયાર દૃશ્યો બતાવે છે, જ્યારે વાર્તા બાળકને પોતાનું વિશ્વ બનાવવાની તક આપે છે. વાર્તા બાળકોને માત્ર બુદ્ધિશાળી જ નહી, પણ સંવેદનશીલ, લાગણીશીલ પણ બનાવે છે, વાર્તામાં આવતા પાત્રના દુઃખ-સુખ, હાર-જીત સાથે બાળકોના મનમાં પણ તે લાગણી જન્મે છે. વાર્તા બાળકોના હૃદયમાં સહાનુભૂતિ, દયા અને પ્રેમ જેવા ગુણ ઊભા કરે છે.

વાર્તા એ માત્ર કથા નથી, એ એક સંબંધ છે. દાદી-નાનીની વાર્તામાં પ્રેમ છલકાતો હોય છે. બાળકો જ્યારે દાદી-નાની પાસેથી વાર્તા સાંભળે છે. ત્યારે તેમની સાથેનું એટેચમેન્ટ વધે છે. મારી નાની દીકરીને વાર્તા કરૂ ત્યારે તેટલો સમય જાણે બીજુ બધું ભૂલીને વાર્તામાં લીન થઈ જાય છે. તેના નાના મગજમાં કેટલાય સવાલ પણ આવતા હોય છે. વાર્તામાં આવતી ખુશી, દુઃખ, ડર જેવા હાવભાવ તેની આંખમાં પણ જોવા મળતા હોય છે. રોજ સૂતી વખતે બાળકો વાર્તાની રાહ જોવે એ દાદી, નાની, મમ્મીની સારી આદત કહેવાય.

વાર્તાઓ, સાંભળતા સાંભળતા બાળકોની ભાષા સમૃદ્ધ બને છે. નવા શબ્દો, નવા વાક્યો, વિચારવાની નવી રીતે સમજે છે. વાર્તા સાંભળનાર બાળકોમાં વધુ આત્મવિશ્વાસ હોય છે તેમ વધારે સારી રીતે પોતાના વિચારો રજૂ કરી શકે છે, સારૂ વિચારી શકે છે, સારૂ વર્તન કરી શકે છે.

પણ આજનો મારો સવાલ એ છે કે શું આપણે બાળકોનો આ ખજાનો છીનવી રહ્યા છીએ? હા... આજના સમયમાં વાર્તા રૂપી ખજાનો બાળકો પાસે નથી. આજના માતા પિતા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ રમકડા આપે, સારામાં સારી સગવડતા, શિક્ષણ પછી અવનવી એક્ટિવિટીના ક્લાસ, ડાન્સ, ક્રાફ્ટ, કરાટે, સ્વિમિંગ આ બધુ જ બાળકોને માતા પિતા આપે છે અને આ બધા ક્લાસ કરાવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે ભાગદોડ પણ કરે છે. આ બધા માટે માતા પિતા સમય આપે છે. પણ શુંં વાર્તા માટે સમય આપે છે? શ્રેષ્ઠ આપવાની હરિફાઈમાં સંસ્કાર, ધર્મ, સંસ્કૃતિથી પરિચિત કરાવવાનું રહી જાય છે. બાળકો પાસે એક્શન છે, પણ વિચારસરણી નથી, કરાટે આવડે છે, પણ વાર્તા નથી આવડતી... આ તો ભલુ થજો કાર્ટુન  બનાવનારનું કે જેણે પંચતંત્રની વાર્તા, મહાભારત, રામાયણ, ક્રિષ્ન, ગણેશજીનો પરિચય કાર્ટુન રૂપે ટીવી સિરિયલ રૂપે કરાવ્યો અને બાળકો એ બધાથી પરિચિત થયા... છતાં એ જોવામાં અને સાંભળવામાં જે ફર્ક છે તે તો રહેવાનો જ... કાર્ટુનની વાર્તામાં લાગણી નથી, સંબંધ નથી અને દાદી-નાની-મમ્મી પાસેથી સાંભળવામાં આવતી વાર્તામાં આ બધું જ છે. આજના બાળકો પાસે બધું છે, પણ કદાચ બાળપણ નથી...

ચલો ફરી એકવાર વાર્તાની શરૂઆત કરીએ. દરરોજ થોડો સમય કાઢીને બાળકોને વાર્તા કહીએ, એ વાર્તા મોટી હોવી જરૂરી નથી. પણ તેમાં પ્રેમ હોવો જોઈએ તો દિલથી કહેલી હોવી જોઈએ. કારણ કે જે મમતા તમારા અવાજમાં છે તે કોઈ કાર્ટુનમાં નથી. એક દિવસ આપણે જોઈશું કે બાળકો માત્ર વાર્તા સાંભળતા જ નથી પણ પોતે વાર્તા બનાવવાનું શરૂ કરે છે. આપણે જ્યારે બાળકોને વાર્તા કહીએ છીએ ત્યારે તે ફક્ત કથા નથી, પણ તેના મનમાં નવી દુનિયાની રચના થતી હોય છે. વાર્તા એ એક એવું બીજ છે, જે બાળકોને જીવનભર ફળ આપે છે. ચલો, આ ખજાનો તેમને પાછો આપીએ. કારણ કે આ જ ખુશી તેમની યાદોમાં હંમેશાં માટે રહે છે. છેલ્લે એટલું કહીશ...

રોજની એક નાની વાર્તા

બાળપણને રંગીન બનાવે

મમ્મીના મીઠા અવાજમાં

સપનાને પાંખો આપે

નાના દિલમાં વાવેલું બીજ

એક દિવસ વૃક્ષ બની

વાર્તા સાંભળતા બાળકો

એક દિવસ વાર્તાકાર બને...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમાન હક્ક માટે સમાન ફરજ અનિવાર્ય છે

                                                                                                                                                                                                      

હમણાં એક વીડિયો જોયો, પતિ-પત્ની ચિંતામાં વાત કરતા હતા કે પતિની બહેને માતા-પિતાની મિલકતમાંથી અડધો ભાગ માંગ્યો. બહેને કહ્યું કે, માતા-પિતાનું જૂનું ઘર વેચીને અડધી રકમ તેને આપી દેવી. પતિ ચિંતામાં હતો કે ઘર વેચીને અડધી રોકડ બહેનને આપી દેશું તો પછી બાકીની રકમમાંથી ફ્લેટ ક્યાંથી આવશે? ભાડાના ઘરમાં રહેવું પડશે. આ સાંભળીને તેના મમ્મીએ કહ્યું કે, 'બેટા... તું તારી બહેનને કહી દે કે અડધી રકમ નહી, આખું ઘર લઈ જાય, પછી સાથે મને પણ લઈ જાય. મારો ખર્ચ, મારી દવા, મારી જાત્રા, મારી સેવા બધું તે જ કરે... એમ કહી દે...'

વીડિયો જોઈને ખરેખર રાજીપો થયો કે દરેક માતા-પિતા આવું સમજે તો બહેનને મિલકતમાંથી ભાગ આપ્યા પછી ભાઈને પડતી મુશ્કેલી ઓછી થઈ જાય. મારી વાત એ નથી કે દીકરીનો માતા, પિતાની મિલકતમાં હક્ક નથી. મારી વાત એટલી જ છે કે હક્ક કરો છો તો ફરજ બજાવો છો?

દરેક દીકરીને મારો એક સવાલ છે કે માતા કે પિતા બીમાર પડે ત્યારે દવાના ખર્ચમાં ભાગ આપો છો? ભાઈ પાસે ગમે તેટલા રૂપિયા હોય, પણ તમે ફરજ ગણીને થોડી ઘણી મદદ કરો છો? માતા-પિતાના રોજબરોજના ખર્ચમાં નહી, પણ તેમની દવામાં, તેમની જાત્રાના ખર્ચમાં તમે ફરજ બજાવો છો?

હિન્દુ એક્ટ મુજબ દીકરી કુંવારી હોય કે પરણેલી, તેને પિતાની સંપત્તિમાં ભાગીદાર ગણવામાં આવે છે. આ કાયદાએ દીકરીઓને લાંબા સમય બાદ વધુ સલામત બનાવી છે. દીકરી જે લગ્ન બાદ આર્થિક રીતે નબળી હોય તેને કાયદાએ સદ્ધર બનાવી... પણ સાથે સાથે કાયદાએ કેટલાક ભાઈઓ સાથે અન્યાય લખી દીધો.

એક બહેન... સાસરે ખૂબ સુખી, અઢળક રૂપિયા. પણ છતાં સાધારણ આર્થિક સ્થિતિવાળા ભાઈની દયા ન આવી. માતા-પિતા જીવતા હતા ત્યાં સુધી ભાઈ-ભાભીએ તેમની સેવા કરી. બહેન તો ખાલી મોઢું બતાવવા જ આવતી. પણ માતા િ૫તાના મૃત્યુ પછી બહેને ઘરમાં હિસ્સો માંગ્યો. બંગલામાં રહેતી બહેનને ભાઈના જૂના ઘરમાં હક્ક જોઈતો હતો. બહેનને ભાગ આપવા માટે ભાઈએ જૂનું ઘર વેચી દીધુ અને પછી ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. બહેનને ભાઈની તકલીફ કરતા પોતાનો હક્ક વધુ મહત્ત્વનો લાગ્યો.

મારો સવાલ એટલો જ છે કે સંપત્તિમાં સરખા હિસ્સાની માંગ કરતી દીકરીઓ લગ્ન પછી સરખા હિસ્સાની ભાગીદારી નિભાવે છે? મમ્મીનો સ્વભાવ, પપ્પાની બીમારી, તેમનુું અલગ જમવાનું, ઉમર વધતા વધતી જતી જીદ્દ, તેમની જૂની માન્યતાઓ, ચીડિયો, કચકચીયો સ્વભાવ, તેમની દવાના સમય, એકલા ન મૂકી શકવાને કારણે મિસ ક્રાયેલા પ્રવાસ, પાર્ટી, બહાર જમવા જવાનું હોય ત્યારે પણ તેમના માટે ઘરે રસોઈ બનાવવાની ઝંઝટ, તેમની મરજી મુજબનું જીવન-કપડા-રસોઈ... આ બધું કોણ સહન કરે છે? દીકરો-પુત્રવધૂ જ ને... આ બધું તેઓ કરે છે, મરજીથી કરે છે, ફરિયાદ નથી કરતા... પણ પૂછવાનું એટલું જ કે આ બધામાં સાસરે ગયેલી દીકરીની ભાગીદારી હોય છે? જો વારસામાં હક્ક જોઈતો હોય તો માતા-પિતાની શારીરિક, માનસિક, આર્થિક કાળજી લેવી એ ફરજ છે, જ્યાં અધિકાર હોય ત્યાં ફરજ હોય જ છે.

આપણી સંસ્કૃતિમાં દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દીકરીના લગ્ન પછી પણ આર્થિક,  સામાજિક સલામતીની કાળજી માતા-પિતા લેતા હોય છે. આપણા સામાજિક રીવાજો એવા બનાવ્યા છે કે દીકરીને સલામતી મળે. ધીમે ધીમે તેમાં કાયદાનું રક્ષણ ભળ્યું. હવે તો દીકરીઓ કાયદાકીય રીતે પણ સલામત છે. કાયદામાં થયેલા સુધારા મુજબ માતા, પિતાની મિલકતમાં દીકરી-દીકરાને સમાન હક્ક મળે છે. પણ આ કાયદાને કારણે દીકરીઓ દ્વારા પોતાના હક્કની માગણીથી ભાઈ-બહેનના સંબંધોમાં તિરાડ પડી રહી છે. ક્યાંક આ કાયદાનો દુરઉપયોગ પણ થાય છે. દીકરીને માતા પિતાની મિલકતમાં સરખો અધિકાર હોય તો સરખી ફરજ પણ હોવી જોઈએ. દીકરી પરણીને સાસરે જતી રહે પછી જેવી રીતે તેની જવાબદારી વધે છે, તેવી જ રીતે દીકરાના લગ્ન પછી તેની જવાબદારી પણ વધે છે. કહેવાનો અર્થ એ નથી માતા પિતાની જવાબદારી દીકરાની નથી... કહેવાનું એટલું જ કે જો દીકરીને હક્ક જોઈતો હોય તો ફરજ પણ નિભાવવી જોઈએ.

આ તો થઈ સાસરે ગયેલી દીકરીઓની વાત... પણ ઘણાં ઘરમાં દીકરીએ લગ્ન ન કર્યા હોય અથવા લગ્ન થયા પછી પણ કોઈ કારણસર છૂટા પડ્યા હોય અને દીકરી પિયરમાં રહેતી હોય ત્યારે આર્થિક રીતે સશક્ત બનવા તે નોકરી કરતી હોય છે. માતા પિતા ભારે અભિમાનથી કહેતા હોય છે કે, 'અમે દીકરીના રૂપિયા લેતા નથી, તેની આવક એ તેની પાસે જ રાખે છે, બચત કરે છે.' વાત સાચી કે દીકરી પાસેથી પૈસા લેવાનું કોઈ માતા-પિતાને ન જ ગમે. પણ દીકરી હવે કદાચ ઘરમાં જ રહેવાની છે, સાસરે નથી જવાની અથવા બીજા લગ્ન નથી કરવાની, તેવા સંજોગોમાં તેનો ખર્ચ પિતા કે ભાઈ પર જ આવે. દીકરી કમાતી હોય તો તેણે સમજીને જ ઘરમાં મદદ કરવી જોઈએ. ઘણી વખત દીકરીની માતા કહેતી હોય કે, 'દીકરી થોડી ભારે પડે.', હા... એ વાત સાચી કે દીકરી ભારે ન જ પડે. પણ જ્યારે દીકરી બાકીની તમામ જિંદગી ભાઈ-ભાભી સાથે જ રહેવાની હોય ત્યારે તેણે આર્થિક મદદ તો કરવી જ જોઈએ. સાથે સાથે ઘરના કામમાં પણ મદદ કરવી જોઈએ. હું કંઈ ન કરૃં, હું મારા બાપના ઘરે છું, હું કમાવું છું, મારી પાસે રૂપિયા છે. એવું બધું અભિમાનથી કહીને ભાભી પર રૂઆબ ન કરવો જોઈએ. ઘરમાં રહો છો, તો આર્થિક-શારીરિક બંને મદદ કરવી એ ફરજ છે.

મોટાભાગે માતાપિતા દીકરા-પુત્રવધૂ સાથે રહેતા હોય છે. વૃદ્ધ સાસુ ૬૦-૬૫ વર્ષની ઉંમરે પણ સત્તા નથી છોડી શકતા, પુત્રવધૂ પર કડપ રાખે છે. પોતાની મરજીથી ઘર ચલાવે છે. પુત્રવધૂ ૪૫-૫૦ની ઉંમરે પણ સાસુના ભય હેઠળ જીવતી હોય છે. દીકરો પણ પોતાના પરિવાર અને માતા પિતાની જરૂરિયાત પૂરી કરવા સંઘર્ષ કરતો હોય છે. દીકરીઓને આવી જવાબદારી નથી હોતી. દિવસમાં એકાદ વાર ફોન પર વાત અને અઠવાડીયે એકવાર માતા પિતાને મળીને ફરજ પુરી કરે છે. વળી, સાસરેથી આવેલી દીકરીના માનપાન પણ વધારે હોય છે. માતા પિતાની બીમારી વખતે પણ દીકરીના સાસરાની જવાબદારીને વધુ મહત્ત્વ અપાય છે. દિવસમાં એકાદ કલાક માતા પિતાને જોવા આવીને ફરજ પૂરી કરે છે. બધી જ જવાબદારી પુત્રવધૂની હોય છે.

દીકરીઓનો હક્ક નથી એમ નથી કહેતી, પણ જ્યાં લાગણીના સંબંધો હોય, ભાઈ બહેનના સંબંધો હોય ત્યાં વારસા કરતા વ્હાલને અને સંપત્તિ કરતા સંબંધને મહત્ત્વ પહેલા આપવું જોઈએ. આજે દીકરીઓને એટલું જ કહીશ કે ભાઈ મોટો હોય કે નાનો, તેના ખભે હાથ મૂકીને, ગળે લગાવીને એટલું કહેજો કે મમ્મી પપ્પાની જવાબદારી આપણા બંનેની છે... બસ આટલું કહેવું જ મહત્ત્વનું છે, સમાન હક્ક માટે સમાન ફરજ અનિવાર્ય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈચ્છા મૃત્યુ પીડાનો અંત કે માનવતાનો પ્રશ્ન?

                                                                                                                                                                                                      

તમે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં છો કે જે છેલ્લા કેટલાય વર્ષાેથી અસાધ્ય બીમારીથી પીડાય છે? હવે કદાચ બીમારી દૂર થાય અને નોર્મલ જીવન જીવી શકે એવી આશા જ નથી... તેની સાથે તેના કુટુંબીજનો પણ પીડાય છે. આર્થિક, શારીરિક, માનસિક રીતે થાકી ગયા હોય છે, કેટલીક વખત તો આવી બીમારી હોય તેમની દવા પાછળ, સારવાર પાછળ બચત, મિલકત, ઘરેણા પણ વેચી નાખે છે... આવું હોય ત્યારે આપણા બધાને કદાચ મનમાં એવું થાય જ કે 'ભગવાન હવે આ પીડાનો અંત લાવે તો સારૃં.' આપણે ક્યારેય કોઈનંુ મૃત્યુ નથી ઈચ્છતા... પણ અસાધ્ય બીમારી, વર્ષાે સુધી પથારીમાં, લાખો રૂપિયાની સારવાર છતાં પરિણામ શૂન્ય હોય ત્યારે તે પીડિત વ્યક્તિ અને વધારે તો તેના કુટુંબીજનોની સ્થિતિનો વિચાર કરીને આપણા મોઢેથી અનાયસે જ શબ્દ બોલાય જાય કે 'ભગવાન હવે કંઈક રસ્તો કરે તો સારૃં' આપણો ઈરાદો પીડામાંથી છૂટકારો અપાવવાનો જ હોય છે. પણ આપણા દેશમાં હમણાં સુધી આવો કાયદો ન હતો.

હમણાં જ સુપ્રિમ કોર્ટે ગાઝિયાબાદના યુવક હરીશ રાણાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેના માતા-પિતા દ્વારા ઈચ્છા મૃત્યુની માગણી સ્વીકારી છે અને ધીમે ધીમે તેની સપોર્ટ સિસ્ટમ ઓછી કરીને તેને આ પીડામાંથી મુક્ત કરવાની માગણી સ્વીકારી છે. ૧૩ વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને ધીમે ધીમે છૂટકારાની સ્થિતિ તરફ આગળ લઈ જઈને તેની સાથે તેના પરિવારની પીડાનો પણ અંત લાવવાની માગણી સ્વીકારીને હોસ્પિટલને આ પ્રક્રિયા કરવા આદેશ આપ્યો છે.

ઈચ્છા મૃત્યુ... પીડાનો અંત... આ પીડા માત્ર શરીરની નથી, પણ મન, લાગણી અને જીવનના ભારનો પણ પ્રશ્ન છે. ઈચ્છા મૃત્યુ એટલે વ્યક્તિ પોતે પોતાની અસાધ્ય પીડાથી મુક્ત થવા જીવનનો અંત પસંદ કરે. ઘણાં દેશોમાં આ વિષય પર કાયદાકીય નિયમો છે, ભારતમાં હવે આ મુદ્દે નિયમ આવ્યા છે. આ માત્ર કાનૂની દૃષ્ટિએ જ નહી, પણ માનવીય દૃષ્ટિએ પણ સંવેદનશીલ વિષય છે. ક્યારેક શરીરની પીડા અસાધ્ય બની જાય છે, ક્યારેક બીમારીના ખર્ચ કમર તોડી નાખે છે.. અસાધ્ય દુઃખ અને અસાધ્ય બીમારી વખતે 'જીવન એ આશીર્વાદ છે' એ સૂત્ર કામ નથી કરતું... અને ત્યારે ઈચ્છા મૃત્યુનો વિષય મનમાં ઉભરે છે. ઈચ્છા મૃત્યુ એ માત્ર કાનૂની કે તબીબી વિષય નથી.. પણ માનવતા, નૈતિકતા અને સમાજના મૂલ્યો સાથે જોડાયેલો પ્રશ્ન છે, ઈચ્છા મૃત્યુનો અર્થ છે કે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી અથવા પરિસ્થિતિને આધીન જીવનનો અંત લાવવાનું વિચારે... તેમાં પણ બે પ્રકાર છે. એક ડોક્ટર દ્વારા દવા કે ઈન્જેક્શન આપીને જીવનનો અંત લાવવો અને બીજું... બીમારીમાં જીવન ટકાવવા માટેની સારવાર બંધ કરવી.. ભારતમાં બીજા પ્રકારને કડક શરતો સાથે માન્યતા આપવામાં આવી.

જ્યારે આપણે ઈચ્છા મૃત્યુ વિશે વિચારીએ ત્યારે સૌથી પહેલા એ સમજવું પડશે કે 'પીડા શું છે?' પીડા માત્ર શરીરની નથી, પીડા માનસિક, એકલતાની, બીમારીની, અસહાયતાની પણ હોય છે...

કેટલીક વખત માણસ પોતે પોતાની પરિસ્થિતિથી કંટાળીને બોલી જાય છે કે આ કરતા તો મરી જવું વધુ સારૂ...

ઈચ્છા મૃત્યુનો મુદ્દો માનવતાના બે અલગ અલગ પાસા વચ્ચેનો સંઘર્ષ છે, કોઈ એમ કહે કે જીવન ભગવાને આપેલું છે, તેનો અંત લાવવાનો કોઈનો અધિકાર નથી તો.. કોઈ એમ કહે કે જો જીવન પીડા સિવાય કંઈ નથી, તો શાંતિથી વિદાય લેવાનો અધિકાર હોવો જોઈએ. આ બંને વિચાર સાચા જ લાગે છે. જો કે ઈચ્છા મૃત્યુનો સૌથી મોટો પ્રભાવ પરિવાર પર પડે છે, પરિવાર પીડા જોઈ શકતા નથી અને મૃત્યુ આપવા ઈચ્છતા નથી. આવા સંજોગોમાં નિર્ણય તર્કથી લેવાની સાથે સાથે લાગણી, પ્રેમ, અસહાયતા વચ્ચેનો સંઘર્ષ બને છે, પરિવાર 'છોડી દેવા' તૈયાર નથી બીમાર વ્યક્તિમાં 'સાજા થવા'ની શક્તિ નથી.

કાયદામાં ઈચ્છા મૃત્યુને લઈને કેટલીક શરતો છે, ડોક્ટર માટે પણ આ સૌથી મુશ્કેલ પરિસ્થિતિ હોય છે. કારણ કે, ડોક્ટર બન્યા પછી શપથ લેતી વખતે કહ્યું હોય છે કે જીવન બચાવો... પણ પરિસ્થિતિ એમ કહેતી હોય છે કે પીડા દૂર કરો. આ જ રીતે સમાજમાં પણ ઘણી ગેરસમજ છે.

પણ સાચો પ્રશ્ન એ છે કે શું આપણે પીડામાં જીવતા વ્યક્તિ માટે પૂરતી સહાય ઊભી કરી શક્યા છીએ? જો વ્યક્તિ બીમારી, એકલતા, પીડાને કારણે મૃત્યુ પસંદ કરે તો એ આપણી નિષ્ફળતા નથી? જો કે દરેકની પીડા અલગ અલગ હોય, તેમ દરેકની સહનશક્તિ પણ અલગ અલગ હોય છે. કોઈ વર્ષાે સુધી સહન કરી શકે, તો કોઈ માટે એકાદ દિવસ પણ અસાધ્ય હોય... એટલે જ દરેક પરિસ્થિતિ, દરેકને લાગુ નથી પડતી.

ઈચ્છા મૃત્યુમાં સવાલ એ છે કે 'કેવી રીતે જીવવું?' જો આપણે એવો સમાજ, એવી સારવાર, એવી લાગણી બનાવી શકીએ તો કદાચ આ પ્રશ્ન ઊભો ન થાય, છેલ્લે એટલે કે ઈચ્છા મૃત્યુને માત્ર કાનૂની મુદ્દા તરીખે નહી, પણ માનવતાની કસોટી તરીકે જોવું જોઈએ. કારણ કે જીવન આપવું મહાન છે.

પણ પીડાને સમજવું, તેને ઓછી કરવી અને કોઈને એકલા ન છોડવા, કોઈમાં જીવવાની ઈચ્છા જગાડવી એ વધુ મહાન છે.

- દિપા સોની, જામનગર.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઉંમર... માત્ર એક આંકડો

                                                                                                                                                                                                      

અરૂનીમા સિંહા... ટ્રેન અકસ્માતમાં પગ ગૂમાવ્યા બાદ કૃત્રિમ પગ સાથે પર્વતારોહણ શરૂ કર્યું અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યા...

કલ્પના સરોજ... ૪૦ વર્ષની ઉંમર પછી વ્યવસાય શરૂ કર્યાે અને કામાની ટ્યૂબસ કંપનીને જીવંત બનાવી.

દશરથ મનજી... ૪૦ વર્ષની ઉંમર પછી પહાડ કાપવાનું શરૂ કર્યું... બાવીસ વર્ષ મહેનત કરીને  ગામ માટે રસ્તો બનાવ્યો.

કુજા સિંઘ પંજાબના રહેવાસી... ૮૯ વર્ષની ઉંમરે મેરેથોન દોડવાનું શરૂ કર્યું.. અને ૧૦૦ વર્ષની ઉંમરે પણ મેરેથોન પૂર્ણ કરી વિશ્વમાં પ્રેરણારૂપ બન્યા.

આવા તો કેટલાય ઉદાહરણ આપણી આસપાસ પણ હશે જ કે જેમણે ઉંમરના છ દાયકા પસાર કર્યા પછી કંઈક નવું કામ શરૂ કર્યું. ક્યારેક આર્થિક જરૂરિયાત પૂરી કરવા, તો ક્યારેક નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા, ક્યારેક પતિને મદદ કરવાના હેતુથી તો ક્યારેક બધી સામાજિક જવાબદારી પૂર્ણ થયા પછી પોતાની ઓળખ મેળવવા નવું કામ શરૂ કરનારા ઘણાં લોકો હોય છે. ક્યારેક આપણે બોલતા હોઈએ છીએ કે 'હવે ૫૦ વર્ષ થઈ ગયા, હવે શું થાય?' પણ આ વાક્ય આવા લોકોએ ખોટંુ પાડ્યું છે કે જેમણે નિવૃત્તિની ઉંમરે નવી પ્રવૃત્તિ શરૂ કરી.

જો તમારા હૃદયમાં હજુ પણ બાળસહજ કુતૂહુલતા જીવંત છે, જો નવી નવી વસ્તુ જાણવાની તલપ તમારા મનમાં હજી પણ ઝગમગે છે તો સમજજો કે ઉંમર તમારા માટે માત્ર એક આંકડો છે. વર્ષાે ભલે વધતા જાય, કેલેન્ડરના પાના ભલે બદલાતા રહે, પણ મનની તાજગી અને આત્માની ઉર્જા જો અખૂટ રહે તો જીવનની વસંત ક્યારેય મુરઝાતી નથી.

જીવનના લાંબા પ્રવાસમાં ક્યારેક એવી ક્ષણ આવે છે કે જ્યારે આપણે સમજી શકીએ છીએ કે સાચી યુવાની શરીરમાં નહી, નમમાં વસે છે. બાળપણની કેટલીક નિર્દોષ પળો આપણને ક્યારેક યાદ આવી જ જાય છે. રસ્તે ચાલતા ચાલતા નાનો પથ્થર કે ખાલી બોટલ દેખાય તો તેને ઠોકર મારતા મારતા આગળ થકેલવાનું મન થાય, અથવા શાંત પાણીમાં પથ્થર ફેંકીને તેમાં ઉઠતી લહેરો જોવાનો આનંદ જન્મે, વરસાદમાં છબછબીયા કરવાનું મન થાય કે રાત્રે ખુલ્લા આકાશ નીચે બેસીને તારા જોવાનું ગમે તો સમજવું કે તમારી અંદરનો બાળક હજી જીવંત છે. આ નાની નાની ખુશીઓ જીવનને જીવંત રાખે છે. કારણ કે જીવનને સાચો આનંદ મોટા પ્રસંગોમાં નહી પણ આવી નાની ક્ષણોમાં છે!

જો તમારી અંદર એવો તરવરાટ છે કે જે યુવાનોને પણ શરમાવે. જો દિવસના ચોવીસ કલાક તમને ઓછા પડે અને રાત્રે સૂતા પહેલાં બીજા દિવસના કરવાના કામની યાદી બનાવતા હો... તો એ જ જીવનની સાચી ઉર્જા છે, સક્રિય જીવન જ સાચી યુવાની છે, રોજિંદા જીવનમાં સ્ફૂર્તિ હોય, જમીન પર પલાંઠી વાળીને આરામથી લાંબા સમય માટે બેસી શકાતું હોય, દાદરા આરામથી ચડી શકતા હો... તે બતાવે છે કે મન અને શરીર બંને હજી પણ જીવંત છે, જીવનની સૌથી મોટી સંપત્તિ સ્વસ્થતા છે. જો દવા-ગોળી વગર પણ દિવસ આનંદથી પસાર થઈ શકે, જો આખા દિવસની દોડધામ પછી પણ સાંજે પરિવાર કે મિત્રો સાથે બેસીને હસવું ગમે... તો ખરેખર આપણા જીવનમાં ખુશી છે. સંબંધો જીવનનો મોટો આધારસ્તંભ છે. જો તમને નવા લોકોને મળવું ગમે છે, નવા વિચારો સાંભળવા ગમે છે, વર્ષાેથી જોડાયેલા સંબંધોને જીવની જેમ સાચવવા ગમે છે તો સમજજો કે જીવનનું સાચું ધન તમારા હાથમાં છે. સંબંધ, પ્રેમ, લાગણી વગરનું જીવન તો માત્ર શ્વાસનું ગણિત બનીને રહી જાય.

જો તમને ફોટા પડાવવા ગમે છે, સેલ્ફી લેવી ગમે છે, ફિલ્મો જોવી ગમે છે, ગીત-સંગીત ગમે છે, ઘરમાં કામ કરતા કરતા ગીત સાંભળવા ગમે છે, મનગમતું ગીત ચાલુ હોય ત્યારે સાથે ગાતા રહેવું ગમે છે... તો એ જીવનની નિર્દોષ મસ્તી છે. સંગીતની કોન્સર્ટમાં ઝૂમવું, ગરબાના તાલે થીરકવું પ્રકૃતિની વચ્ચે જઈ પવન સાથે વાત કરવી, લહેરાતા ફૂલને અડવું આ બધું ગમતું હોય તો જીવન હજી રંગીન છે... ક્યારેક અરીસામાં પોતાની જાતને જોવી, જોઈને મલકાવું, મનગમતો મેકઅપ કરવો... જાતને સ્વીકારવી, સજાવવી, પ્રેમ કરવો... આ બધું જીવનની સાચી ખુશી છે. તમને આવું બધું ગમે છે? જો હા... તો તમે જીવનને માણો છો... જો ના તો તમે જીવનને ઢસળો છો... જો તમારા મનની મુગ્ધતા, કુતૂહુલ ૧૫-૧૭ વર્ષની ઉંમરે હતા તે જે ૬૦ વર્ષની ઉંમરે હોય તો સમજવું કે દિલ હજી યુવાન છે... ઉંમર તો ફક્ત આંકડો છે.. જીવંતતા તો દિલથી મનાવાય છે... ઉંમર ભલે વધતી રહે, પણ મનમાં બાળપણ સચવાયેલું રહે તો ઉંમરના દરેક પડાવે ખુશી છે... છેલ્લે એટલું કહીશ કે...

ઉંમર તો ફક્ત વર્ષાેની ગણતરી છે,

મન તો હજી વસંતમાં ખીલેલુ છે,

પગલાં ભલે ધીમા થયા હોય થોડા!

પણ સપનાનું આકાશ હજી જીવંત છે,

હાસ્ય, સંબંધ અને પ્રેમની છાંયમાં

જીવનનું વૃક્ષ હરિયાળુ રહી ગયું...

કારણ કે દિલમાં વસેલું બાળક,

હજી સુધી મોટું થયું જ નથી...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'ફોનબુકનો એક નંબર...'

                                                                                                                                                                                                      

ફોનબુક લીસ્ટમાં એક નંબર..

નથી થતી વાત, નથી થતો ડિલીટ..

જોડાયેલી છે તેની સાથે અનેક યાદ..

એક સમયે તે નંબર સ્ક્રીન પર આવતો..

સ્મિત આવતંુ ચહેરા પર..

ચેટ અને કોલ ડિટેલ્સ..

હજી સાચવી રાખ્યા છે ફોનના ખૂણે

હવે નથી તે નંબર આવતો સ્ક્રીન પર..

નથી આવતા મેસેજ વોટ્સએપ પર..

કદાચ નંબર લીસ્ટમાં ન હોય તો પણ..

દિલના ખૂણે કોતરાયેલો છે એ નંબર..

વાત નથી થતી તો શું થયું?..

આંખ બંધ કરતા ચહેરો આવે છે સામે...

છે તમારા ફોનબુકમાં આવો નંબર?

ફોનબુકનો એ એક નંબર.. જે ડિલીટ થતો નથી, અને ફરી ક્યારેય તેમાં ફોન પણ થતો નથી. આધુનિક યુગમાં માણસના સંબંધોનો સૌથી નિષ્ઠુર સાક્ષી જો કોઈ હોય તો એ છે મોબાઈલ ફોન... ફોનબુકમાં સેંકડો નંબર હોય છે.. સમયે સમયે નંબર બદલાય પણ છે, અને ક્યારેક નંબર ડિલીટ પણ થાય છે, પણ આ જ ફોનમાં એક નંબર એવો પણ હોય છે કે જે પર હવે ક્યારેય કોલ કરવાનો નથી, પણ તેને ડિલીટ પણ કરી શકતા નથી.. આ નંબર ફક્ત દસ અંકનો આંકડો નથી, એ એક સંબંધનો સંક્ષેપ છે, એક અધૂરી વાર્તાનું જોડાણ છે, એક સમયખંડનો જીવંત અંશ છે.

કોઈ એક સમય હતો, જ્યારે એ ખાસ નંબર સ્ક્રીન પર દેખાતા જ ચહેરા પર સ્મિત આવી જતું. ફોન હાથમાં લેતા જ દિલની ધડકન વધતી. એ નંબર માટે રીંગટોન અને નોટીફિકેશન ટોન પણ અલગથી સેટ કરી રાખતા, એ નંબર સાથે જોડાયેલી અપેક્ષાઓ, ઉત્સુકતા અને લાગણીઓ.. આ બધું એક અનોખી દુનિયા રચતું. એક મેસેજ આવતો અને આખો દિવસ ખુશી થતી. એ નંબર ઓનલાઈન દેખાય અને દિલમાં શાંતિ આવતી...

મોબાઈલ હવે ફક્ત વાતચીતનું સાધન નથી, એ યાદોની તિજોરી છે. એક ખૂણામાં હજી પણ સાચવેલા ચેટના સ્ક્રીન શોટ, જૂના ફોટા, કદાચ એકાદ વોઈસ મેસેજ આ બધું એક એવી દુનિયા તરફ ૫ાછા લઈ જાય છે, જે હવે વર્તમાનમાં નથી, પણ તેની સ્મૃતિ હજી જીવંત છે. ક્યારેક એકાંતમાં આપણી એ ચેટ ફરી વાચી લઈએ છીએ અને તેમાં વંચાતા શબ્દો, લાગણી જીવંત થઈને આંખના ખૂણા ભીંજવી નાખે છે.

બધા સંબંધો તૂટતા નથી, તેમાં ઝઘડા, મતભેદ એવંુ કંઈ જ નથી થતું, પણ ધીમે ધીમે સૂકાઈ જાય છે. શરૂઆતમાં વાતના સમયમાં ફેર છે, જવાબ મોડા આવે છે, લખેલા-મોકલેલા મેસેજ વાંચ્યા વગરના પડ્યા રહે છે... અને એક દિવસ બધું જ શાંત થઈ જાય છે. ન કોઈ ઝઘડો, ન કોઈ અંતિમ શબ્દો.. ફક્ત અંત.. પરંતુ એ અંત પછી પણ એ નંબર ફોનમાં યથાવત રહે છે. જાણે કોઈ સ્મારક..

ડિલીટ બટન બહુ અઘરૂ છે, માનવીનું મન અધૂરા અધ્યાયને સરળતાથી સ્વીકારી શકતું નથી. અપૂર્ણતા હંમેશાં મનમાં એક ખાલી જગ્યા છોડી જાય છે એ નંબર ડિલીટ કરવો એટલે એક સ્વીકાર કે હવે એ અધ્યાય પૂર્ણ થયો.. અને કદાચ આપણે એ સ્વીકાર માટે તૈયાર નથી હોતા.. ઘણીવાર આપણે કહી દઈએ છીએ કે 'નંબર તો રાખ્યો છે, પણ કોલ નથી કરવો..' પણ સાચું તો એ છે કે એ નંબર આશાનું એક કિરણ છે. ક્યાંક હજી મનમાં એક આશા જીવે છે કે કદાચ એ નંબર પરથી કોઈ દિવસ ફરી ફોન આવશે.

એક સમયે લોકો ડાયરીમાં નામ લખતા. આજે મોબાઈલમાં નંબર સાચવે છે, પણ લાગણીની તિવ્રતા, આજે પણ એટલી જ ઊંડી છે. 'બ્લોક' અને 'અનફોલો' શબ્દો ટેકનોલોજીના છે, પણ દિલને બ્લોક કરવું શક્ય નથી. સચવાયેલો નંબર એ હવે સંવાદનું સાધન નથી, એ સ્મૃતિનું પ્રતીક છે. એક નિશબ્દ સાક્ષી.. કે ક્યારેક કોઈક હતું.. જેની સાથે સપનાઓ વહેંચાતા, જેમની સાથે ભવિષ્યની કલ્પનાઓ રચાતી.. એ યાદ એ લાગણી ક્યારેય ડિલીટ નથી થતા...

પ્રશ્ન એ નથી કે એ નંબર ફોનમાં છે કે નહી.. પ્રશ્ન એ છે કે એ યાદ આપણને તોડે છે કે સાચવે છે? જો એ યાદ આપણને વધુ સંવેદનશીલ બનાવે, વધુ પરિપક્વ બનાવે તો એ સંબંધ, એ યાદ આપણને સાચવે છે.

જો એ યાદ સતત દુઃખ આપે તો એ નંબરને વિદાઈ આપવાથી જ આપણી મુક્તિ થશે... પણ આપણી લાગણી કે પછી નબળાઈ આપણને ડિલીટ કરતા રોકે છે.

સમાજમાં કદાચ દરેક બીજા માણસ પાસે એક એવો નંબર હશે જ કે જેની સાથે વાત નથી થતી, પણ હજી લાગણીના તાંતણે બંધાયેલા છીએ. આ અનુભવ માત્ર યુવાનોનો નથી, મધ્યમ વયના લોકો, વૃદ્ધો.. બધા પાસે કોઈ એવી એક યાદ હોય જ છે જે ફોનબુકની સાથે સાથે દિલમાં સચવાયેલી હોય છે... અને તે મીઠી કે તૂરી કડવી કે મીઠી... એ યાદથી છૂટવાની ઈચ્છા નથી થતી...

ફરી એ જ પ્રશ્ન... શું તમારી પાસે એવો નંબર છે? જો હોય તો તમે એકલા નથી, પણ ડિજિટલ યુગમાં લાખો લોકો પાસે એક 'ડિલીટ ન થતો નંબર' છે જ... જે હવે સંપર્કમાં પણ નથી, પણ સંસ્મરણોમાં સક્રિય છે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બાળકો માટે ટકી રહેવા સંબંધો ફરજ અને મૌન વચ્ચે અટવાયેલું દામ્પત્યજીવન

                                                                                                                                                                                                      

એક દંપતી... લગ્નના દસ વર્ષ... શરૂઆતના વર્ષાેમાં જે પ્રેમ હતો તે સમય જતા વિચારો, અપેક્ષાઓ અને વ્યસ્તતાને કારણે ઘટતો ગયો... નાના નાના મતભેદોએ લાગણીમાં મોટું અંતર લાવી દીધું.. બંને વચ્ચે વાતચીત માત્ર જરૂર પૂરતી જ થતી... સાથે બેસીને પ્રેમથી વાત કરવાનું કે સાથે બેસીને જમવાનું એ ક્ષણો-એ સમય તો ગાયબ જ થઈ ગયો.. બંને વચ્ચે ઝઘડા ન થતા-પણ મૌન ઘણું હતું...

છતાં બંને સાથે હતા.. કારણ કે તેમની નાની દીકરી.. અલગ થઈ જઈએ તો દીકરી પર શું અસર પડશે. એ વિચારે બંનેએ મતભેદ-મનભેદ અને મૌનની સાથે જીવવાનું સ્વીકાર્યું... હવે તે બંને પતિ-પત્ની ન રહ્યા... ફક્ત માતા-પિતા જ બની રહ્યા...

આધુનિક સમાજમાં દામ્પત્યજીવનને લઈને ઘણાં પરિવર્તનો આવ્યા છે. એક સમયે લગ્નજીવનને સાત જન્મનું બંધન માનીને લોકો પોતાની ખુશી-દુઃખ બધું જ સહન કરતા.. આજે સંબંધોમાં પારદર્શિતા અને સ્વતંત્રતા વધ્યા છે. છતાં એક હકીકત એ પણ છે જ કે અનેક યુગલો માત્ર બાળકોના કારણે જ એક સાથે રહે છે. બહારથી બધું સામાન્ય દેખાય છે, પણ અંદરથી સંબંધો ખોખલા બની ગયેલા હોય છે.

આ વિષય અંત્યત સંવેદનશીલ છે. અહીં ટીકા કરવાનો આશય નથી, પણ એ સમજવાનો પ્રયત્ન છે કે બાળકો માટે ટકી રહેલા સંબંધો કેટલી હદે યોગ્ય છે અને તેના માનસિક-સામાજિક પરિણામો શું હોઈ શકે? આજના યુગમાં લગ્ન માત્ર સામાજિક કરાર નથી તે બે વ્યક્તિઓની લાગણી, સમજણ અને પરસ્પર સન્માન પર આધારીત હોય છે, જ્યારે આ ત્રણેય તત્ત્વ ધીમે ધીમે ઓગળવા લાગે ત્યારે સંબંધો ફક્ત જવાબદારી બની જાય છે. અનેક યુગલો, અલગ થવા ઈચ્છે છે, પણ 'બાળકો પર શું અસર પડશે?' એ વિચાર તેમને રોકી લે છે.

ઘણાં માતા-પિતા માનતા હોય છે કે બાળકોને માતા-પિતા બંનેની હાજરી જોઈએ. ભલે તેઓ વચ્ચે પ્રેમ કે સમન્વય ન રહ્યો હોય. તેઓ માને છે કે તૂટેલુ ઘર બાળકો માટે વધુ નુકસાનકારક છે પરંતુ શું માત્ર એક છત નીચે રહેવું જ પરિવારની પરિભાષા પૂરી કરે છે?

બાળકો અત્યંત સંવેદનશીલ હોય છે. તેઓ શબ્દોથી વધારે મૌન અને વર્તનને વાંચે છે. માતા-પિતાની વચ્ચેનો તણાવ, તર્ક-વિતર્ક, અવગણના અને મૌન બધું જ તેમની આંતરિક દુનિયામાં ઊંડુ અસર કરે છે. ઘણાં કિસ્સામાં માતા-પિતા વચ્ચેનો તણાવ ખૂલ્લેઆમ ન હોય પરંતુ ઘરમાં અજાણી ઠંડક હોય છે.. પ્રેમભર્યાે સંવાદ ન હોય, હાસ્ય ન હોય, સહજતા ન હોય ત્યારે બાળકો પણ એમ જ વિચારે કે લગ્નજીવન એટલે માત્ર સમજુતી-સહનશીલતા અને મૌન અને આવા વાતાવરણમાં ઉછરેલા બાળકોમાં સંબંધો પ્રત્યે અવિશ્વાસ જોવા મળે છે. તેઓ કદાચ બહારથી સંયમિત લાગે, પણ અંદરથી તૂટેલા હોય છે.

જ્યારે પતિ-પત્ની એમ કહે છે કે 'અમે બાળકો માટે સાથે છીએ' ત્યારે એમાં બે ભાવ હોઈ શકે છે.. એક સાચો ત્યાગ અને બીજો સામાજિક ભય. કેટલાક માતા-પિતા ખરેખર પોતાના મતભેદ પર કામ કરે છે. કારણ કે તેઓ પરિવાર તોડવા માંગતા નથી, એટલે સમજણ વધારવાનો પ્રયત્ન કરે છે. આવા કિસ્સામાં 'બાળકો માટે' ટકવું અર્થપૂર્ણ બની શકે છે પરંતુ ઘણી વખત 'બાળકો માટે' એ એક ઢાલ બની જાય છે. ભય અને સામાજિક કલંકથી બચવાનો .પાય, સમાજમાં હજુ પણ વિભક્ત દામ્પત્યને સારી નજરથી જોવામાં નથી આવતુંં.

સમાજમાં ઘણીવાર એવો ભાવ હોય છે કે 'ઘર તૂટવું' એ નિષ્ફળતા છે પરંતુ કેટલીક પરિસ્થિતિમાં અલગ થવું વધારે સારો નિર્ણય બને છે. જો બાળક રોજ ઝઘડા, અપમાન કે હિંસા જોઈને ઉછરે તેના બદલે અલગ થવું વધુ યોગ્ય છે. મહત્ત્વની વાત એ છે કે માતા-પિતા અલગ થયા પછી પણ સંયુક્ત રીતે બાળકોની જવાબદારી સ્વૈચ્છાએ નિભાવે.

ભારતીય સંદર્ભમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી. તે બે કુટુંબો અને સામાજિક માળખાનો ભાગ છે. ઘણીવાર પરિવારજનો સગાસંબંધી અને સમાજની અપેક્ષા દંપતીના નિર્ણયને પ્રભાવિત કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અથવા પરંપરાગત પરિવારોમાં 'બાળકો માટે સહન કરવું' એ એક ગુણ તરીખે જોવામાં આવે છે. સ્ત્રીઓ માટે આ દબાણ વધુ હોય છે. તેમને સંતાનની માતા તરીકે પોતાની વ્યક્તિગત ખુશી ત્યાગવાની હોય છે. પરંતુ બદલાતા સમય સાથે સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની રહી છે અને સંબંધોમાં સમાનતા અને સન્માનની માંગ ઉઠાવી રહી છે. આ પરિવર્તન દામ્પત્ય માળખાને નવી દિશા આપે છે.

પ્રશ્ન એ નથી કે 'સાથે રહેવું કે અલગ થવું?' પ્રશ્ન એ છે કે બાળકો માટે કઈ પરિસ્થિતિ વધુ સ્વસ્થ છે. જો માતા-પિતા વચ્ચે મતભેદ હોવા છતાં પરસ્પર સન્માન, શાંતિ, સંવાદ જળવાઈ રહે તો બાળકો માટે ઘરનું વાતાવરણ સલામત બની શકે છે. પણ જો સતત તણાવ, અપમાન અને મૌન હોય તો તે બાળકોના વ્યક્તિત્વ વિકાસને અસર કરે છે. બાળકોને સૌથી વધુ જે જોઈએ છે તે છે સુરક્ષા, પ્રેમ અને સ્વીકાર... તેઓને માતા-પિતાની વચ્ચેનો પ્રામાણિક સંબંધ જોઈએ છે. પણ ઘણાં યુગલો આ સમજતા નથી અને મૌન ધારણ કરે છે. પણ આ સમસ્યાનો ઉકેલ છે જ... અને સંબંધ સુધારવા પ્રયત્ન પણ કરવો જોઈએ. મુખ્ય વાત એ છે કે દંપતી જે નિર્ણય લે તે પ્રેમ અને સમજણથી લેવો જોઈએ. માત્ર ભય અથવા સામાજિક દબાણથી નહી.

સમાજ તરીકે આપણે દામ્પત્યને માત્ર ટકાવી રાખવાની જ નહી પણ તેને ગુણવતાપૂર્ણ બનાવવાની જરૂર છે. બાળકો માટે એકસાથે રહેવું ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે તે બાળકોને સ્વચ્છ, પ્રેમાળ અને સુરક્ષિત વાતાવરણ મળે. બાળકોને તૂટેલું ઘર નહી, પણ તૂટેલા સંબંધો વધુ દુઃખ આપે છે. દરેક યુગલે પોતાના મનમાં એક પ્રશ્ન પૂછવો જોઈએ કે 'અમે ખરેખર બાળકો માટે સાથે છીએ કે માત્ર ડર માટે?' સમાજને પણ એ સમજવું પડશે કે દામ્પત્યનો અર્થ માત્ર સાથે રહેવું જ નથી. તે સાથે ખુશ રહેવું પણ છે. જ્યાં ખુશી ન હોય ત્યાં ઈમાનદારીથી નિર્ણય લેવાની હિંમત પણ એકજાતની જવાબદારી છે.

આ સંવેદનશીલ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે, દોષારોપણ નહી પરંતુ સમજણ અને સહાનુભૂતિ સાથે... કારણ કે અંતે દરેક નિર્યણનું કેન્દ્રબિંદુ છે... બાળકોનું ભવિષ્ય અને તેની ખુશી...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મૃત્યુની ક્ષણો સાચવવાની ભાવના નામશેષ થતી જાય છે

                                                                                                                                                                                                      

આજકાલ સ્મશાનમાં માંડ પચ્ચીસ-ત્રીસ લોકો આવે છે અને એમાં અડધો અડધ લોકો તો ઉંમરવાળા હોય કે જે નનામી ઉપાડી ન શકે, એટલે માંડ દસ-બાર લોકો જ હોય છે કે જે નનામી ઉપાડે છે, પહેલાં ઘરેથી સ્મશાન સુધી અંતિમયાત્રા ચાલતા થતી, હવે શબવાહીની આવી ગઈ. એટલે રોડ સુધી જ નનામી ઉપાડીને જવાનું રહ્યું. તેમાં પણ ઘણીવાર માણસો ન હોય તો શબવાહીનીને અંદર સુધી લાવવી પડે છે. લૌકિક વ્યવહારમાં જવાનું લોકોએ બંધ કર્યું છે, હવે તો સ્મશાન જવામાં પણ લોકોને આળસ આવે છે. કોઈ ગુજરી ગયા છે એવો ફોન આવે એટલે એમ જ પૂછે કે ઉઠમણું-બેસણું ક્યારે છે? અંતિમાત્રાના સમયે માંડ થોડા લોકો હોય, તેમાંથી અડધા તો સ્મશાન સુધી પહોંચીને હાથ જોડીને નીકળી જાય, બીજા થોડા અંતિમવિધિ શરૂ થાય ત્યારે નીકળી જાય... છેલ્લે સુધી તો ઘરના લોકો જ હોય.. સ્વજનને વિદાય કર્યા બાદ ઘરે આવ્યા પછી કોણ કોના આંસુ લૂછે? કોણ તેમને આઘાતમાંથી બહાર લાવે? કોણ આશ્વાસન આપે? કોઈ હોય જ નહી...આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં કોઈના સ્વજનના મૃત્યુની ક્ષણો સાચવવાની ભાવના નામશેષ થતી જાય છે. વર્ષાેના સંબંધ પછી પણ હવે ખાલી મેસેજથી શ્રદ્ધાંજલિ પાઠવી દે છે. હા.. કોઈ મોટી વ્યક્તિનું અવસાન થયું હોય તો લોકો ઝડપથી પહોંચે છે. કારણ કે ત્યાં હાજરી બતાવવાની છે, સંબંધ સાચવવાનો છે, પણ મધ્યમ વર્ગના માણસને આ સમયે હુંફની જરૂર હોય છે, સ્વજનના મૃત્યુ સમયે કોઈની હુંફ, કોઈની હાજરી, ફક્ત ખભા પર મૂકેલો હાથ પણ દુઃખની ઘડી ઘટાડવામાં મદદ કરે છે, પણ... હવે એ પણ ઓછું થતું જાય છે...

એક સમય હતો, જ્યારે ગામમાં કે શહેરના એક  ખૂણે કોઈના અવસાનના સમાચાર આવતા ત્યારે આખા વિસ્તારના લોકો જાતે જ ભેગા થઈ જતા. અંતિમયાત્રા માત્ર એક પરિવારની નહી, પણ સમગ્ર સમાજની સંવેદનાનો પ્રસંગ બનતી, કાંધ આપવા માટે લોકો આગળ આવતા, રસ્તાઓ પર મૌન છવાઈ જતું અને 'રામ નામ સત્ય છે' એ ઉચ્ચાર સાથે એક જીવને અંતિમ વિદાય અપાતી... પણ આજે દૃશ્ય બદલાઈ ગયું છે. અંતિમયાત્રામાં માંડ પંદર-વીસ જણા.. આ પરિવર્તન માત્ર ઉપસ્થિતિનું નથી, પરંતુ માનસિકતા અને સામાજિક બંધારણના બદલાવનું પ્રતિબિંબ છે.

આધુનિક જીવનની દોડમાં 'સમય નથી'એ એક સામાન્ય બહાનું બની ગયું છે. નોકરી, વ્યવસાય, મિટિંગ્સ, પાર્ટી, બાળકોની સ્કૂલ, તેના જુદા જુદા ક્લાસ... આ બધા માટે સમય છે જ... માત્ર અંતિમયાત્રા માટે થોડા કલાક કાઢવા પણ ભારરૂપ બને છે.

પ્રશ્ન એ છે કે 'શું ખરેખર સમય નથી' કે પછી આપણે સંવેદનાને પ્રાથમિકતા આપવી બંધ કરી દીધી છે. અંતિમયાત્રામાં હાજરી આપવી એ માત્ર ઔપચારિકતા નથી. તે શોકગ્રસ્ત પરિવારને નિઃશબ્દ સહારો આપવાનો સંદેશ છે કે અમે તમારી સાથે છીએ...

પણ આજના યુગમાં આ બધું ઓછું થતું જાય છે. શ્રદ્ધાંજલિ પણ સોશિયલ મીડિયા પર ઇૈંઁ લખીને પૂરી થઈ જાય છે. વોટ્સએપ પર સંદેશ લખાય જાય એટલે આપણું કર્તવ્ય પૂર્ણ થઈ ગયું એમ જ માનીએ છીએ. પણ આ એક ક્લિક અને કાંધ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ડિજીટલ શબ્દોમાં તે હુંફ નથી, જે અંતિમયાત્રામાં બાજુમાં ઊભા રહીને આપી શકાય છે.

એક સમયે સંયુક્ત પરિવારો અને નજીકના પાડોશીઓ સમાજનું મજબુત જાળું બનાવતા... આજે ન્યુક્લિયર પરિવાર અને એપાર્ટમેન્ટ, સોસાયટીની સંસ્કૃતિમાં સંબંધો સીમિત થઈ ગયા છે. પાડોશમાં કોણ રહે છે તે પણ ઘણીવાર ખબર નથી હોતી. પરિણામે, અંતિમયાત્રા એક ખાનગી ઘટના બની ગઈ છે, આ પરિસ્થિતિ શોકગ્રસ્ત પરિવાર માટે વધુ એકલતા લાવે છે. વિદાયના ક્ષણે જ્યારે ખભા પર હાથ જોઈએ, ત્યારે આસપાસનો ખાલીપો વધારે દુઃખ આપે છે.

કેટલાક લોકો અંતિમયાત્રાથી દૂર રહે છે. કદાચ તેઓ મૃત્યુનો સામનો કરતા ડરે છે. અંતિમયાત્રા આપણને યાદ અપાવે છે કે જીવન અસ્થિર છે અને એક દિવસ આ યાત્રા આપણા માટે પણ આવશે. આ ભયથી દૂર રહેવા માટે લોકો અંતિમ વિદાયને ટાળે છે. પણ શું દૂર ભાગવાથી સત્ય બદલાઈ જાય છે?

માનવ વિજ્ઞાનીઓ કહે છે કે અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર તથા ત્યારપછીની ક્રિયા એ માત્ર ધાર્મિકવિધિ નથી પરંતુ શોકને સ્વીકારવાનો સામૂહિક પ્રયાસ છે, જ્યારે આ દુઃખના સમયે સ્નેહીજનો, મિત્રો, પાડોશીઓ સમાજના લોકો ભેગા થાય છે. ત્યારે પરિવારને હુંફ મળે છે, તેમનું દુઃખ વહેચાય છે પરંતુ જ્યારે માણસો ઓછા હોય ત્યારે શોક વધુ એકલતાભર્યાે બની જાય છે. અંતિમયાત્રા માટે બે કલાક કાઢવા મુશ્કેલ લાગે છે, પણ બીજા કાર્ય માટે સમય મળી જાય છે. આ પરિસ્થિત આપણા મૂલ્યો પર પ્રશ્નચિન્હ મૂકે છે. જીવનના આનંદમાં જેમ આપણે ભાગ લઈએ છીએ તેમ વિદાયમાં પણ સહભાગી થવું એ માનવીય ફરજ છે.

અંતિમયાત્રામાં હાજરી આપવી એ માત્ર મૃતક માટે સન્માન નથી પણ જીવતા લોકો માટે સહાનુભૂતિ છે. યાત્રામાં પંદર-વીસ લોકો એ ચેતવણી છે કે સમાજ ધીમે ધીમે સંબંધોથી ખાલી થઈ રહ્યો છે. જે દિવસે મરણનો વ્યવહાર  તૂટશે, એ દિવસ પછી સમાજ પણ તૂટશે. આપણે વિચારવું પડશે કે એક દિવસ આપણા માટે પણ અંતિમયાત્રા નીકળશે ત્યારે શું માંડ પંદર-વીસ લોકો હશે? જો આપણે આજે ઉપસ્થિત રહીશું તો આવતીકાલે આપણા માટે સમાજ ઉપસ્થિત રહેશે, અંતિમયાત્રા એ માત્ર વિદાય નથી, તે જીવનની કિંમત અને સંબંધોની ઉંડાઈનું પ્રતિબિંબ છે. લગ્ન પ્રસંગમાં નાચવા માટે તો ભાડે માણસો આવે જ છે, પણ શું હવે નનામી ઉંચકવા પણ ભાડે માણસો લાવશો?

આપણે એ પણ વિચારવું પડશે કે આપણે આપણા બાળકોને પણ આ સંવેદનના પાઠ શીખવવા જોઈએ. વિચારજો... તમારા બાળકો ૧૮વર્ષથી મોટા હોય તો તમે ક્યારેક તેમને બેસણામાં, ઉઠમણામાં, અંતિમયાત્રામાં લઈ ગયા છો? કદાચ ના... તો આ ન લઈ જઈને ભૂલ તો નથી કરતા ને...?

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'શું થયું?... કંઈ નહી'

                                                                                                                                                                                                      

'શું થયું?... કંઈ નહી...' આ બે શબ્દો વચ્ચે છૂપાયેલી છે અનકહી વ્યથા...

સમાચાર પત્ર ખોલો એટલે રોજ રોજ નજરે આવતી ઘટનાઓ એટલે હિંસા, હત્યા, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ... આ બધું બહાર આવે જ છે... સાંભળીને, વાચીને આપણને એકાદ મિનિટ અરેરાટી થાય જ છે. પણ સમાજના અનેક ઘરોમાં, બંધ બારણાની પાછળ, મોટા-મોભાદાર મકાનોમાં એક એવી વ્યથા રોજ જીવતી હોય છે જે ક્યારેય હેડલાઈન બની શકતી નથી.. આ વ્યથાનું નામ છે.. 'શું થયું?... કંઈ નહીં' આ બે વાક્યો વચ્ચે જેટલું મૌન છે, એટલું જ છૂપાવેલુ દુઃખ, દબાયેલો રોષ, અણ કહેલી ફરિયાદો અને અધૂરી આશાઓ છૂપાયેલી છે.

આ કંઈ નથી.. એટલે બધું છે... જ્યારે કોઈ સ્ત્રી એમ કહે કે.. 'કંઈ નથી' ત્યારે કદાચ તે એ કહેવા માંગતી હોય છે કે 'ઘણું છે' પણ તે કહી શકતી નથી.. ક્યારેક આ કંઈ નથી માં આખી રાતની ઊંઘ વગરની આંખ હોય છે, ક્યારેક તેમાં કોઈએ કહેલા કઠોર શબ્દ હોય છે, ક્યારેક તેમાં અવગણનાનો એક લાંબો ઈતિહાસ હોય છે, ક્યારેક તેમાં તૂટેલા સપનાની ખુંચતી કરચો હોય છે, તો ક્યારેક ન બોલાયેલા શબ્દોની ગુંજ હોય છે... પણ સમાજે સ્ત્રીને શીખવ્યું છે કે.. રડવું નહીં, ફરિયાદ કરવી નહી, વાત વધારવી નહી.. એટલે 'શું થયું'ના જવાબમાં 'કંઈ નહીં' કહીને વાતને ત્યાં જ પૂરી કરી દેવી...

આ વ્યથા માત્ર સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. આજનો પુરૂષ પણ જ્યારે કહે છે કે 'કંઈ નહી' ત્યારે તેની અંદર કદાચ નિષ્ફળતાનો ડર છૂપાયેલો હોય છે. જવાબદારીનું ભારણ, સમાજની અપેક્ષાઓ અને મજબૂત દેખાવાની મજબૂરી પણ છૂપાયેલી હોય છે, પુરૂષોને રડવાની પરવાનગી નથી.. અને તેના રડવાને કે તેની વ્યથા-દુઃખને પણ નબળાઈ ગણવામાં આવે છે. એટલે એ પણ કંઈ નહી કહીને મૌન રહેવાનું પસંદ કરે છે અને મૌન એ સૌથી મોટી ચીસ છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જે માણસ વધારે વખત કંઈ નહી કહે છે, એ અંદરથી સૌથી વધુ તૂટી રહ્યો હોય છે. કારણ કે બોલી ન શકવું એ સૌથી મોટી પીડા છે. જ્યારે શબ્દો સાથ નથી આપતા, ત્યારે આંખ અને વર્તન બોલે છે. ચીડ, ગુસ્સો, અચાનક મૌન અથવા હદથી વધુ સહનશીલતા... આ બધું કંઈ નથી ના અલગ અલગ રૂપ છે.

આજના સમયમાં જીવન ઝડપી છે, શું થયું? એ પૂછવાનો સમય છે, પણ સાંભળવાનો સમય નથી, માતા-પિતા બાળકોને પૂછે છે શું થયું? પણ બાળક કહે કે કંઈ નહીં... ત્યારે માતા-પિતા સંતોષી જાય છે. પતિ-પત્નીને પૂછે છે શું થયું? પણ જવાબ મળે છે કે કંઈ નહી.. ત્યારે બધા એમ સમજે છે કે વાત પૂરી થઈ.. પણ હકીકતમાં એ સંબંધમાં એક ઈંટ વધુ ઊંચી થઈ ગઈ હોય છે. મૌનની દીવાલ પ્વધુ મજબૂત થઈ ગઈ હોય છે.

આજના યુગમાં માણસની ખુશી સોશિયલ મીડિયા પરથી મપાય છે. સ્ટેટ્સમાં, ફેસબુક, હસતા ફોટા મુકે, હેપ્પી, બ્લેસ્ડ... ઓલ ઈઝ વેલ લખે.. પરિવાર સાથેના ફોટા મૂકે એટલે બધા વિચારે કે બધુ બરાબર છે. તે ખુશ છે, સુખી છે.. પણ અંદરથી તે ખાલી હોય છે. કોઈ પૂછે શું થયું? તો જવાબ હોય છે કંઈ નહી... કારણ કે દુઃખ બતાવવું ટ્રેન્ડમાં નથી.. ટ્રેન્ડમાં તો મજબૂત હસતા-સુખી દેખાવવાનું છે.

આ સતત દબાયેલી લાગણીઓ ક્યારેક ડિપ્રેશન બને છે. ક્યારેક ગુસ્સો તો ક્યારેક અચાનક તૂટી પડવાનું કારણ બને છે. ઘણાં સંબંધો તો મોટા ઝઘડાથી નહી પણ આ કંઈ નહી એ રોજિંદા જીવનમાં પ્રવેશી જાય, રોજબરોજ બોલાવા લાગે ત્યારે તૂટે છે.

આપણે શું થયું? એ પૂછતા શીખ્યા છીએ. કોઈ ઉદાસ હોય, કોઈના ચહેરા પર ગમગીની હોય, કોઈની આંખમાં આંસુ હોય, બહુ બોલનારા વ્યક્તિ અચાનક બોલવાનું બંધ કરી દે ત્યારે આપણે શું થયું?

એ તરત જ પૂછીએ છીએ. પણ પછી હું સાંભળવા તૈયાર છું, મને કહે કે શું થયું એવું કહેતા નથી. આપણે બાળકોને શીખવવું પડશે કે મનમાં હોય તે કહી દો. સ્ત્રીઓને સમજાવવું પશે કે દુઃખી છીએ એવું બોલવું કમજોરી નથી. પુરૂષોને કહેવું પડશે કે રડવું એ પાપ કે નબળાઈ નથી.. કંઈ નહી એમ કહીને દુઃખ.. હતાશા.. ગુસ્સો મનમાં દબાવી ન રાખો, કહી દો..

કદાચ હવે સમય આવી ગયો છે કે કંઈ નહી એ સ્વીકારવું જ નહી.. કોઈ કંઈ નહી એમ કહે તો માની લેવાને બદલે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કહીએ તેના મૌનને તોડવાની કોશિષ કરીએ, તેના દુઃખને સાંભળવાની તૈયારી રાખીએ, તેના વર્તનને સમજવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ આ કંઈ નહી ના બદલે ઘણું બધું સાંભળવા મળે...

કોઈ માણસ દુઃખી હોય, નારાજ હોય, ગુસ્સો હોય ત્યારે તેને કોઈ સાંભળનાર જોઈએ. તેના આંસુ માટે એક ખભ્ભો જોઈએ, તેની હતાશાને દૂર કરવા કોઈનો સાથ જોઈએ, તેના મનના ઉભરા ઠાલવવા એક હૃદય જોઈએ.. જો આ તેને મળી જાય તો તે હળવાશ અનુભવશે... ઘણાં સંબંધો બચી જશે.. ઘણી વ્યક્તિ આત્મહત્યાના માર્ગેથી પાછી ફરશે અને ઘણાં જીવતા માણસો ફરીથી અંદરથી જીવવા લાગશે.

તો ચલો.. આજથી નક્કી કરીએ કે 'શું થયું'ના જવાબમાં 'કંઈ નહી' એમ સાંભળવા મળે તો માની લેવાને બદલે કહીએ કે... 'ના.. ઘણું છે... ચલો વાત કરીએ'... તો કદાચ કેટલાય જીવન બચી જશે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

લગ્ન પછી સ્ત્રીના જીવનમાં ફેરફાર મૌન એડજસ્ટમેન્ટ...

                                                                                                                                                                                                      

લગ્નના પાંચ વર્ષ પછી એક દિવસ અચાનક પતિએ પત્નીને કહ્યું કે, 'તારો સ્વભાવ બદલાઈ ગયો છે, પત્નીએ હસીને કહ્યું, આ વાતનો જવાબ એકાદ-બે દિવસમાં આપીશ...' તે રાત્રે પત્નીએ પતિનું ઓશીકુ બદલાવી નાખ્યું... પતિ સૂવા આવ્યો ત્યારે બીજુ ઓશીકુ જોઈને ગુસ્સે થયો કે, મારૃં ઓશીકુ ક્યાં? મને બીજુ ઓશીકુ નથી ફાવતું એ ખબર છે ને... પત્ની કંઈ બોલી નહી અને હસીને પતિનું ઓશીકુ આપી દીધું... બીજા દિવસે સવારથી પતિની આદત હોય તેમાં કંઈકને કંઈક ફેરફાર થવા લાગ્યા... પતિનો કોફીનો કપ બદલાઈ ગયો, પેપરની જગ્યા બદલાઈ ગઈ, તેના કપડા, પર્સ તૈયાર ન હતું... ટિફિનમાં તેને ન ભાવતી વાનગી મોકલાય ગઈ.. એક દિવસ પતિ ન બોલ્યો.. બીજા દિવસે ગુસ્સામાં કહ્યું.. આ શું છે? મારી આદત કેમ બદલે છે? તને ખબર છે કે મારે જે જોઈએ તે જોઈએ જ... બધું કેમ બદલાવે છે? બે દિવસથી મારો મૂડ જ નથી રહેતો... ત્યારે પત્નીએ હસીને કહ્યું.. તમારે એક-બે દિવસ તમારૂ રૂટીન બદલાઈ ગયું તો પણ તમે અકળાઈ ગયા.. તમારૂ મગજ ફરી ગયું.. અને મારૃં તો આખું ઘર બદલાઈ ગયું.. મારી લાઈફ સ્ટાઈલ, મારી મરજી, મારી પસંદગી, મારી ઓળખ બધું જ બદલાઈ ગયું... અને તમને શું દેખાયું? ફક્ત મારો બદલાયેલો સ્વભાવ...?

આ કદાચ દરેક સ્ત્રીના મનની વાત છે, લગ્ન પછી જીવન બદલાય જાય એવું બધા કહેતા હોય છે, પણ લગ્ન પછી સ્ત્રીનું જીવન જ બદલાય છે, પુરૂષના જીવનમાં બહુ ફેર પડતો નથી. તે તો લગ્ન પછી પત્નીને પોતાની આદતો જણાવી જ દે છે અને ઘરના પણ તેને એમ જ કહે કે પતિની આદતો સાથે એડજેસ્ટ કરી લે...

લગ્ન-સમાજે ઘડેલી એક એવી વ્યવસ્થા, જેને 'સુખની શરૂઆત' તરીકે જવવામાં આવે છે. શરણાઈના સુર, મંગળસૂત્રની ઝળહળ, હાથોમાં મહેંદી અને આંખોમાં અઢળક સપના... બધું જ નવા જીવનના આરંભનો સંકેત આપે છે. પરંતુ આ આરંભ પછીનો માર્ગ સ્ત્રી માટે કેટલો બદલાઈ જાય છે એ અંગે સમાજ ઘણીવાર મૌન રહે છે. લગ્ન પછી પુરૂષનું જીવન એડજસ્ટમેન્ટથી નહી, પણ એડવાન્ટેજથી આગળ વધે છે, જ્યારે સ્ત્રીના જીવનમાં સતત એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે છતાં તે ફરિયાદ વગર, જાતને ભૂલીને આ બધું કરે જ છે.

લગ્નથી સ્ત્રીની ઓળખ બદલાય છે. દીકરી, બહેન કે કંઈ કામ કરતી હોય તે નામથી લગ્ન પહેલા થતી ઓળખ હવે ફલાણાની પત્ની, ફલાણા ઘરની વહુ જેવા નામથી ઓળખાય છે. સૌથી પહેલાં તો અટક બદલાય છે. ક્યારેક સાસરીયાને નામ ન ગમે તો નામ પણ બદલાય છે.. પણ છતાં સ્ત્રી આ ઓળખ બદલાવને શાંતિથી સ્વીકારી લે છે.. બીજુ કે સરનામું બદલાય છે, શહેર, રાજ્ય અને હવે તો દેશ પણ બદલાય છે. આ બદલાવ માત્ર ઘરનો જ નથી.. બદલાવ છે ઘરની સાથે સાથે વાતાવરણનો, નિયમોનો, રહેણી કરણીનો, પિયરમાં જે રીતભાત હતી તે ક્યારેક સાસરીયામાં અયોગ્ય બની જાય છે.. ક્યારેક તો 'એ બધું તારા પિયરમાં ચાલે અહીં નહીં' એવું પણ સાંભળવું પડે છે. ઘર-શહેરની સાથે ભાષા-સખીઓ બધું જ બદલાય છે.. નવા શહેરમાં, નવા ઘરમાં ફરીથી પોતાની જાતને સ્થાપિત કરવી પડે છે. પુરૂષોને આવું કંઈ જ બદલવાનું નથી.. મોટાભાગે સ્ત્રીઓ જ બધો બદલાવ અપનાવે છે. કારણ કે એડજસ્ટમેન્ટ કરવાનું શીખવવામાં આવે છે.

લગ્ન પહેલાના સપના.. ભણતર, સ્વતંત્રતા.. કારકિર્દી એ બધા સામે હવે પ્રશ્નાર્થ લાગી જાય છે. જવાબદારીના ભાર હેઠળ સમય મળતો નથી કે પછી 'આ બધું અહી ન ચાલે' સાંભળવું પડે છે. ક્યાંક તો ઉચ્ચ શિક્ષણ મેળવેલ હોય તો પણ સાસરીયા નોકરીની ના પાડી દે છે અને તે સપનાના કાટમાળ ઉપર જવાબદારીનો ભાર ઉપાડીને જીવે છે. પુરૂષો માટે કારકિર્દી આગળ વધારવી એ જરૂરિયાત ગણાય છે. જ્યારે સ્ત્રી માટે તે વિકલ્પ બની જાય છે અને કદાચ કારકિર્દી સ્વીકારે તો પણ ઘરની જવાબદારી તો ઉપાડવી જ પડે છે.. છતાં સ્ત્રીઆ બધું સ્વીકારે છે.. કારણ કે પરિવારનું સુખ એ જ તેનું સુખ એમ જ તે વિચારે છે.

લગ્ન પછી રસોડું, એ મુખ્ય મંચ બની જાય છે. હજી પણ 'રસોઈ આવડે છે?' એ સવાલ સ્ત્રીના મૂલ્યાંકનનો માપદંડ છે. ઉચ્ચ ભણતર હોય, સારી નોકરી હોય, ઓફિસમાં સફળતા મેળવી હોય છતાં રસોઈની આવડત એ જ તેના ગુણ-દોષ નક્કી કરે છે. સાથે સાથે રસોઈ આવડવી જરૂરી છે. પણ છતાં સાસરે આવીને સાસરીયાની રીત અપનાવી એ રીતે રસોઈ કરવી એ જ સાચી પરીક્ષા... અને છતાં સ્ત્રી ચૂપ રહીને જીવે છે. મને આ ભાવે કે આ ન ભાવે એ બોલતી પણ નથી. સ્ત્રી માટે એક મોટો, પણ ઓછું દેખાતો ભાર છે, ભાવનાત્મક શ્રમ... ઘરમાં બધાની કાળજી લેવી, સામાજિક જવાબદારી ઉપાડવી, બધાની પસંદનો ખ્યાલ રાખવો.. અને એ પણ મનની સ્થિતિ અથવા આંસુ કે ઉદાસી છુપાવીને હસતા રહીને... આ શ્રમને કોઈ ગણતરીમાં લેતું જ નથી.. કારણ કે ઘર ચલાવવું એ સ્ત્રીની જવાબદારી છે એવી જ માન્યતા ઠોકી બેસાડેલી છે.

પ્રશ્ન એ છે કે આ એડજસ્ટમેન્ટ એ ગુણ છે કે મજબૂરી... સમાજ તેને સહનશીલ, સમજદાર, ત્યાગ જેવા ગુણથી નવાજે છે, પણ શું આ એડજસ્ટમેન્ટમાં પુરૂષનો ફાળો ૨૦-રપ ટકા જેટલો પણ નહીં? જો ના તો આ એડજેસ્ટમેન્ટની પરંપરા પર વિચાર કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવેની સ્ત્રી શિક્ષિત છે, સ્વતંત્ર છે, પગભર છે... લગ્ન પછી એડજસ્ટમેન્ટ બંને તરફથી થાય તો જ લગ્ન સાચા અર્થમાં સહજીવન બને...

લગ્ન પછી સ્ત્રીનું જીવન ખરેખર બદલાય છે. ઓળખ, ઘર, જવાબદારી, સપના... આ બધામાં આવતા બદલાવ સાથે તે સતત એડજસ્ટ કરે જ છે.. અને આ માટે તેના પ્રયાસો પ્રશંસનીય છે જ... પણ તે ચૂપ રહીને કરવાને બદલે હવે તે પ્રશ્ન કરે છે અને કદાચ આ પ્રશ્નો જ આવનારા સમયમાં લગ્નજીવનને વધુ સમાન, વધુ માનવીય બનાવશે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજની પેઢી પાસે બધું જ છે, છતાં ઉદાસ છે...

                                                                                                                                                                                                      

આજની પેઢી પાસે શું નથી? તેમની બુદ્ધિ ભલભલાને પાણી પીવડાવે એવી છે. તેમને મળતી સગવડો કેટલી બધી? ભણવા માટે કેટલી સગવડતા... કુટુંબ-પરિવારનો સતત અને હંમેશાં સાથ... એમ કહીએ તો પણ ચાલે કે આજકાલના માતા-પિતા પોતાના પ્રોગ્રામ-ટાઈમટેબલ બાળકોના સમય મુજબ બનાવે. દરેક સગવડતા.. માતા-પિતા જૂના ફોન વાપરે, જૂનું વાહન વાપરે પણ બાળકોને નવો મોબાઈલ, બાઈક, સ્કૂટી નવું જ અપાવે.. ભણવા માટે દરેક ફરમાઈશ તરત પૂરી થાય.. છતાં.. આજની પેઢી, આજના યુવાન-યુવતીઓના ચહેરા પર ખુશી નથી.. જીવનમાં જાણે રસ નથી.. એવું કેમ?

અત્યારની પેઢીને માતા-પિતા ઊંચા અવાજે બોલી ન શકે, ગુસ્સો કરી ન શકે, કારણ કે.. તેમને ડર લાગે કે તેમના બાળકો નારાજ થઈને કોઈ આડુ અવળું પગલું ભરી લેશે... સ્કૂલ-કોલેજમાં શિક્ષક ખીજાય ન શકે, તેની જીદ પૂરી ન થાય તો ડિપ્રેશનમાં જતા રહે.. ક્યાંય પણ બહાર જાય તો ક્યાં જાય છે એ પૂછતા પણ માતા-પિતા ડરે.. છતાં આજની પેઢી ઉદાસ છે...

આજનો યુગ સુવિધાનો યુગ કહેવાય છે. ટેકનોલોજી, વિજ્ઞાન, આરોગ્ય, શિક્ષણ, મનોરંજન જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ થઈ છે. ખાસ કરીને આજની યુવા પેઢી પાસે એવી એવી સુવિધા છે કે જેની કલ્પના પણ અગાઉની પેઢીએ કરી ન હતી... મોબાઈલ, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા, સ્વતંત્રતા, પસંદગીના અઢળક વિકલ્પો.. આ બધું આજની પેઢી માટે સહજ છે.. છતાં આજના યુવાનો ઉદાસ, અસંતોષી, ચિંતાગ્રસ્ત રહે છે... એકલતા અનુભવે છે...

પ્રશ્ન એ છે કે જ્યારે બધું જ છે, છતાં ઉદાસી કેમ? સગવડતા હોવા છતાં સુખનો અનુભવ કેમ નથી થતો? કદાચ સુવિધા વધી છે, પણ સંબંધો ઘટ્યા છે. પહેલાંની પેઢીમાં ભૌતિક સુવિધાઓ ઓછી હતી, પરંતુ માનવીય સંબંધો ઘનિષ્ઠ હતા. સંયુક્ત કુટુંબ, પાડોશી સાથેના સંબંધો, પરસ્પર આત્મીયતા આ બધું જીવનમાં ભાવનાત્મક હુંફ આપતું હતું. જ્યારે આજે વિભક્ત કુટુંબ, વ્યસ્ત શેડયૂલના કારણે સંબંધો હોવા છતાં લાગણીશીલ જોડાણ ઓછું થયું છે. આજની પેઢી પાસે સોશિયલ મીડિયામાં હજારો ફ્રેન્ડ છે પણ દુઃખ વ્યક્ત કરવા કે રડવામાં સાથ આપવા એક અંગત મિત્ર નથી હોતો.. અને આ એકલતા ઉદાસીનું કારણ બને છે.

બીજું કારણ એ પણ છે કે આજની પેઢી પર અપેક્ષાનો ભાર વધુ છે. માતા-પિતાએ સંઘર્ષ કરીને પોતાના મોજશોખ બાજુ પર મૂકીને બાળકોને ભણાવ્યા હોય, ઉચ્ચ શિક્ષણ આપ્યું હોય એટલે હવે 'સફળ થવંુ જ પડશે' એવો ભાર તેમના મનમાં હોય છે. સાથે સાથે સોશિયલ મીડિયમાં દેખાદેખી, સફળ વ્યક્તિના ફોટા, ખુશીઓની રીલ્સ જોઈને તેમને આ ભાર લાગે છે અને જો તે સફળ ન થઈ શકે તો ઉદાસી અનુભવે છે અને આ સફળતા અને સુખને ભૌતિક સિદ્ધિ સાથે જોડી દેવાય છે. સારો પગાર, મોંઘી ગાડી, બ્રાન્ડેડ કપડા, વારંવાર મોટી હોટલ, રેસ્ટોરન્ટમાં ડીનર થોડા થોડા સમયે બહારગામ ફરવું એ બધાને સુખ ગણી લેવામાં આવે છે અને સુખની વ્યાખ્યા વસ્તુ કે સુવિધા સાથે જોડીને તેને સીમિત કરી દેવામાં આવે છે અને ત્યારે આ સુખ ક્ષણિક બની જાય છે. ઈચ્છાઓના ભાર તળે માનસિક થાક લાગે છે.

પહેલાની પેઢી માટે જીવનનો હેતુ સ્પષ્ટ હતો, પરિવારની જવાબદારી, બાળકોનું ભવિષ્ય અને સામાજિક સંબંધો સાચવવા.. જ્યારે આજે વિકલ્પ વધારે છે પણ સ્પષ્ટ દિશા નથી. હું શું કામ જીવંુ છું, મારે શું જોઈએ છે? મારી ખુશી શેમાં છે? એ પ્રશ્નોના જવાબ આજની પેઢી પાસે નથી, હેતુ સ્પષ્ટ ન હોવાથી દિશાહીન ગમે તે કાર્ય કરતા રહે છે અને પછી ઉદાસીનતા તરફ ધકેલાય છે. પાછું ટેકનોલોજીને કારણે કામ ઝડપથી પૂરા થાય છે છતાં સમય નથી મળતો, સતત એક્ટિવ રહેવું, હંમેશાં બધા પ્લેટફોર્મ પર હાજરી આપવી, એ બધું મનને શાંતિ નથી આપતા... શાંતિ માટે થોડી એકાંત ક્ષણો, મૌન અને જાત સાથે રહેવાની જરૂર હોય છે, પણ આજનું જીવન એટલું ઝડપી છે કે જાત માટે સમય જ નથી. પાછું આજના યુવાનો જાતને નબળી બતાવવા નથી માંગતા, એટલે ઉદાસી... એકલતા હોય તો પણ કોઈની મદદ નથી માંગતા... એકલા એકલા મુંઝવણ અનુભવે અને મનથી તૂટી જાય છતાં લાગણીને દબાવી રાખે.

આ સમસ્યાનો ઉકેલ માત્ર ટેકનોલોજી છોડવામાં કે સુખ સગવડનો ત્યાગ કરવામાં નથી ઉકેલ છે. સંબંધોને મહત્ત્વ આપવું, પોતાની સાથે ઈમાનદાર રહેવું અને સુખની વ્યાખ્યાને સમજવી. પરિવાર સાથે સમય વિતાવવો, મિત્રો સાથે ખુલ્લા મનથી વાત કરવી અને જીવનમાં કોઈક ધ્યેય રાખવો... આ બધા ઉપાયો જ કદાચ સુખ તરફ લઈ જશે.. સોશિયલ મીડિયાના હજારો મિત્રો કરતા બે-ચાર અંગત મિત્રો હોવા જરૂરી છે કે જેની સામે મન ફાવે ત્યારે, મનમાં હોય તે કહી શકાય.

આજની પેઢી પાસે ખરેખર ઘણું બધું છે, પરંતુ સુખ આપમેળે મળતું નથી, સુખ આંતરિક અનુભવ છે. જે સંબંધો, સંતોષ અને અર્થપૂર્ણ જીવનથી ઉપજે છે. જો આજની પેઢી આ સત્યને સમજી શકે તો જીવનમાં સંતુલન આવે અને ખુશી અનુભવી છે. આજનો યુગ પડકારોનો છે, પણ સાથે સાથે શક્યતાઓનો પણ છે. બસ જરૂર છે માત્ર દિશા બદલવાની અને મનની શાંતિ શોધવાની...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સેલિબ્રિટીના ૩-૪ લગ્ન... આપણને બોલવાનો હક્ક છે..?

                                                                                                                                                                                                      

હમણાં સોશિયલ મીડિયામાં ફરતા ફરતા એક વ્યક્તિની પોસ્ટ નજરે ચડી. ફિલ્મી અભિનેત્રી મલાઈકા અરોરાએ ત્રીજી વખત પ્રેમ કર્યાે, ત્રીજી વખત સંબંધમાં જોડાઈ એ બાબત અંગેની પોસ્ટ હતી. પોસ્ટમાં તે વ્યક્તિએ મલાઈકાને આ કાર્ય બદલ ખરાબ શબ્દમાં સંભળાવ્યું હતું. તે વ્યક્તિનું કહેવું હતું કે, 'આવી સ્ત્રીઓ સમાજને, અન્યના ઘરને બગાડે છે.. આવી સ્ત્રીઓ સમાજમાં રહેવાને લાયક નથી.. મારો સવાલ એ છે કે, શું મલાઈકાના જીવન પર ટિપ્પણી કરવાનો આપણને હક્ક છે..?

મલાઈકા અરોરા... પહેલાં લગ્ન ૧૮ વર્ષ ચાલ્યા, પછી બંને છૂટા પડ્યા, પછી બીજી વખત તેને પ્રેમ થયો, તેમાં પણ લોકો તરફથી ઘણી ટીકાઓ થઈ અને હવે એ બીજી વખતના પ્રેમ પછી તેમાંથી બ્રેકઅપ થતાં ત્રીજી વખત કોઈ સાથે તેનું નામ જોડાઈ ગયું, તેનું પોતાનું કહેવું એમ છે કે, 'તેની સાથે ગમે તે નામ જોડી દેવામાં આવે છે. તેનું અંગત જીવન મીડિયા માટે ચર્ચાનો વિષય બની ગયું છે. શું પ્રેમ એ કોઈ ગણિતની ફોર્મૂલા છે કે બે વખત નિષ્ફળ ગયા એટલે હવે બંધ કરી દેવાનું? મલાઈકા સેલિબ્રિટી છે એટલે તેની વ્યક્તિગત પસંદગી ચર્ચાનો વિષય બને છે, પણ પ્રશ્ન એ છે કે શું આપણને આ હક્ક છે..?

ફરી એકવાર ફિલ્મી અભિનેત્રીએ લગ્ન કર્યા, ફરી એકવાર સમાજે આંખો ફાડીને જોયું, ફરી એકવાર સ્ત્રીની જિંદગી જાહેર મિલકત બની ગઈ,  ફરી એકવાર કોઈએ સ્ત્રીને પૂછ્યું નહી અને પોતાનો અભિપ્રાય આપી દીધો. પ્રશ્ન એ નથી કે અભિનેત્રીએ ત્રણ કે ચાર લગ્ન કર્યા, પ્રશ્ન એ છે કે સ્ત્રીના જીવન પર સમાજનો આ અઘોષિત હક્ક ક્યારે રદ્દ થશે? ઘણી વખત અખબાર ખોલતા એક ખબર નજરે ચડે કે અભિનેત્રીએ ફરીથી લગ્ન કર્યા.. અને પછી શરૂ થાય છે ટીવી ડિબેટ, વોટ્સએપ યુનિવર્સિટી, સોશિયલ મીડિયા અને પાનની દુકાને કે ચાની હોટલો પર ઊભેલા નૈતિકતાના મંત્રીઓની ટિપ્પણી...

સમાજની નજરે સ્ત્રીની સૌથી મોટી ભૂલ શું છે ખબર છે? લગ્ન તૂટ્યા એ ભૂલ નથી, પણ ભૂલ એ છે કે લગ્ન તૂટ્યા પછી પણ એ જીવતી રહી, ફરી ઊભી થઈ, ફરી ખુશ થવાની હિંમત કરી.. સ્ત્રી જો તૂટેલા લગ્ન પછી ચૂપચાપ શરમમાં જીવે, એકલી રહે, જીવનની સજા માનીને વિતાવે, બિચારી-બાપડી બનીને અન્યની દયા પર જીવે તો સમાજ સંતોષ અનુભવે છે. પણ જો એ કહે કે, મારે ફરી પ્રેમ કરવો છે, ફરી જીવન જીવવું છે, ફરી ખુશ રહેવું છે, ફરી લગ્ન કરવા છે. તો અચાનક સમાજનું બ્લડપ્રેશર વધી જાય છે. 'પુરૂષના ત્રણ લગ્ન એટલે અનુભવ' અને 'સ્ત્રીના ત્રણ લગ્ન એટલે ચરિત્ર હીનતા'... આ સમીકરણ સમાજમાં ચાલે છે. એક્ટર ત્રણ લગ્ન કરે તો લોકો કહેશે કે રોમેન્ટિક છે, ખુલ્લા દિલનો છે, મસ્ત લાઈફ, જીવી રહ્યો છે.' પણ આ જ રીતે એકટ્રેસ ત્રણ લગ્ન કરે તો લોકો કહેશે કે.. ખરાબ ચરિત્ર છે, લગ્નને મજાક બનાવે છે, સમાજને બગાડે છે.. અરે.. સમાજ અભિનેત્રીના લગ્નથી નહી, આપણી વિચારધારાથી બગડે છે. એક સીધો સવાલ એ કે, લગ્ન તૂટે તો પુરૂષ આઝાદ અને સ્ત્રી આરોપી... આવું કેમ! લગ્નમાં સ્ત્રીને સમજાવાય છે કે, થોડું સહન કરવું પડે, ઘર બચાવવું જોઈએ, બધાં ઘરમાં નાના મોટા ઝઘડા ચાલતા જ હોય... સ્ત્રી સહન કરે ત્યાં સુધી આદર્શ, પણ જ્યારે બહાર નીકળે તો અચાનક બધાં સંસ્કારના રક્ષક બની જાય છે. લગ્ન જો એટલા જ પવિત્ર હોય તો તૂટતી વખતે વાંક માત્ર સ્ત્રીનો જ કેમ? સામાન્ય સ્ત્રી બે-ત્રણ વખત લગ્ન કરે તો કદાચ કોઈ એટલી નોંધ ન લે અને નોંધ લેવાય તો પણ તેના ઘર, પરિવાર, આડોશી-પાડોશી પૂરતી જ... પણ કોઈ અભિનેત્રી લગ્ન કરે, તૂટેલા સંબંધના કાટમાળમાંથી જાતને ઊભી કરીને ફરીથી નવા સંબંધની ઈમારત ચણે, ફરીથી હસે, ખુશ થાય, આત્મવિશ્વાસથી ઊભી થાય ત્યારે એ વાત સમાજને ખટકે છે. સમાજને ખુશ રહેતી સ્ત્રી ખતરનાક લાગે છે, સ્વતંત્ર સ્ત્રી અસહ્ય લાગે છે. પોતાની શરતો પર જીવતી સ્ત્રી સમાજને અરીસ્સો બતાવે છે એ સમાજથી સહન નથી થતું.

અભિનેત્રીના લગ્ન પર પંચાત-ચોપાલ કરનાર મીડિયા મોટે મોટેથી તેનું જીવન, તેના જીવનની ઘટનાઓ, તેનો ભૂતકાળ, અંગત સંબંધો બતાવી બતાવીને કહેતા હોય છે કે લોકો જોઈ રહ્યા છે.. અભિનેત્રીના લગન એટલે જાણે કે મીડિયા માટે સમાચારનો મસાલો, હેડલાઈન લાઈવ ડિબેટ, ચરિત્ર વિશ્લેષણ... એવું કેટલુય... કેટલાય દિવસો સુધી ન્યૂઝ ચેનલ, સોશિયલ મીડિયા આ વિષય પર ચર્ચા કરતા રહે છે... તેનું જીવન દેખાડશે, તેના સંબંધો પર ચર્ચા કરશે, પણ કોઈ નહી પૂછે કે તે શું શું સહન કરીને આવી છે? તેણે કેટલા સમાધાન કર્યા છે? એ કેટલીવાર તૂટીને ઊભી થઈ છે? સોશિય્લ મીડિયા પર સ્ત્રીની-અભિનેત્રીની વાત નહી તેની શીરફાડ વેચાય છે, ડિબેટ થાય છે તેના ચરિત્ર ઉપર... પણ આપણને એ બોલવાનો શું હક્ક...?

આપણે એક વાત બહુ સહેલાઈથી ભૂલી જઈએ છીએ કે સેલિબ્રિટી જાહેર વ્યક્તિ છે, જાહેર મિલકત નથી. એ ફિલમ કરે છે એટલે તેની વ્યક્તિગત જિંદગી પર બોલવાનું આપણને લાયસન્સ છે એમ વિચારવું ગેરસમજ છે. આપણને સેલિબ્રિટીના જીવન પર, તેના અંગત સંબંધો પર બોલવું, વિચારવું, ચર્ચા કરવી ગમે છે, કારણ કે બીજાની જિંદગી પર વાત કરવામાં આપણને કદાચ આનંદ આવે છે અથવા તેની પાસે જે છે તે આપણી પાસે નથી એવી અધૂરૂપ તૂટતી દેખાય છે. અભિનેત્રીના લગ્નમાં આપણે સંખ્યા ગણીએ છીએ કે ત્રીજા લગન કે ચોથા લગ્ન... પણ આપણે એ ક્યારેય નથી ગણતા કે તેના સંબંધોમાં તેણે કેટલું સહન કર્યું? કેટલું સમાધાન કર્યું? સંબંધ ટકાવવા કેટલો પ્રયાસ કર્યાે? લગ્ન નિષ્ફળ જાય એટલે વ્યક્તિ નિષ્ફળ... તેને બીજીવાર પ્રયત્ન કરવાનો હક્ક નથી તેવું જ બધાં વિચારે છે. ખરેખર તો આપણે આવી ચર્ચા કરીને સમાજની ચિંતા કરીએ છીએ કે પછી મજા લઈએ છીએ? આવું કંઈક થાય... સમાજે ઠોકી બેસાડેલા રિવાજોથી અલગ કંઈક કોઈ કરે એટલે બધાને બોલવાનો હક્ક મળી જાય છે.

મારા મતથી કહું તો સંબંધ છૂપાવીને જીવવા વાળા કરતા સંબંધને જાહેરમાં અપનાવવાવાળા વધુ પવિત્ર છે. લેખની શરૂઆતમાં કહ્યું તેમ જે વ્યક્તિએ પોસ્ટ મૂકી કે મલાઈકા જેવી સ્ત્રીઓ સમાજ માટે ખતરો છે, એ વ્યક્તિને મારે પૂછવું છે કે શું તેણે પોતાના લગ્નજીવનમાં વફાદારી કરી છે? છાના છપના અફેર્સ, લગ્નતેર સંબંધો કરતા આવા ખુલ્લા મનથી સ્વીકારેલા સંબંધો વધુ સારા... અને છેલ્લે એટલું જ.. અભિનેત્રી ગમે તે કરે, તેની જિંદગી... આપતને બોલવાનો હક્ક શું..?

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સમજુ જીવનસાથી શોધો નહી સમજુ જીવનસાથી બનો...

                                                                                                                                                                                                      

એક યુગલ.. લગ્નને આઠ-દસ મહિના થયા. પત્નીને હંમેશાં ફરિયાદ રહેતી કે તેનો પતિ આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે, તેને સમય નથી આપતો.. તે માનતી કે તેનો પતિ એવો આદર્શ પતિ બને કે તેની બધી ઈચ્છા પૂરી કરે, તેને મહત્તમ સમય આપે.. આ અપેક્ષા પૂરી ન થતાં તે હંમેશાં ગુસ્સામાં રહેતી... તેની ફરિયાદ અને તેના ગુસ્સાથી થાકીને તેની મમ્મીએ તેને સમજાવ્યું કે... 'બેટા.. તું એ ન જો કે એ તારા માટે શું નથી કરતો.. તું એ શોધ કે એ તારા માટે શું કરે છે? સાથે એ પણ વિચારજે કે તું તેની ખુશી માટે શું કરે છે?' પત્નીએ વિચાર કર્યાે તો સમજાયું કે પતિ 'શું નથી કરતો' તેના કરતા 'શું કરે છે' એ લીસ્ટ વધારે લાંબુ છે... અને પછી તેણે ફરિયાદ કરવાનું બંધ કર્યું, પતિની વ્યસ્તતાને સમજીને તેને અનુરૂપ થવાનો પ્રયત્ન કરવા લાગી.. આથી પહેલા જે રોજ સાંજે 'સમય નથી આપતો' એ વાતને લઈને ચડભડ થતી હતી. તેના બદલે બંને એકબીજાને સમજવા લાગ્યા... પતિને પણ થયું કે પત્નીને થોડો સમય તો આપવો જ જોઈએ... અને બંને વધુ નજીક આવ્યા...

લગ્ન.. એ બે વ્યક્તિઓનું બંધન નથી પણ બે મન, બે સંસ્કાર, બે જીવન પ્રવાહનો સંગમ છે. બે વ્યક્તિ એકબીજાને સમજે ત્યારે લગ્નજીવન સ્વર્ગ બની જાય છે. આપણે ઘણીવાર લગ્ન પહેલા એક જ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે 'મને સમજુ જીવનસાથી મળશે કે નહી?' પણ બહુ ઓછા લોકો પોતાને પૂછે છે કે 'હું સમજુ જીવનસાથી છું?' આ એક વાક્ય સમજુ જીવન સાથી શોધો નહી, સમજુ જીવનસાથી બનો.. એ લગ્નજીવનનું સૌથી ઊંડુ સત્ય કહી જાય છે. 'મને શું મળશે?' એવું પૂછવાને બદલે 'હું શું આપી શકું એવો વિચાર આવે ત્યારે ફરિયાદ જ ન રહે.

સમજદારીનો અર્થ માત્ર શિક્ષણ, હોશિયારી કે પરિપક્વ ઉંમર નથી. સમજદારી એટલે... બીજાની લાગણી સમજી શકવાની ક્ષમતા, પોતાની ભૂલ સ્વીકારી શકવાની હિંમત, જરૂર પડે ત્યારે મૌન રહેવાની કે બોલવાની સમજણ અને ખાસ તો અહંકારને સાઈડમાં રાખવાની તૈયારી... સમજુ જીવનસાથી એટલે એ નહી કે જે દરેક સમયે સાચો જ હોય, પરંતુ એ કે જે સંબંધ સાચવવા તૈયાર હોય, પણ આજના સમયમાં તો લગ્ન પહેલા જ લીસ્ટ તૈયાર થઈ જાય છે.. ઊંચું ભણતર, સારી નોકરી, નરમ દિલ, શાંત સ્વભાવ, સારો દેખાવ, સંસ્કારી, રસોઈ-ઘર સાચવે તેવી, ઘરમાં ભળી જાય તેવી, ગુસ્સા પર સંયમ રાખી શકે, બધા શોખ-ઈચ્છા પૂરી કરે એવા... આવા કેટલાય ગુણ આપણે શોધીએ છીએ, પણ પોતે કેટલા ગુણ ધરાવીએ છીએ એ ક્યારેય ગણતા જ નથી.

..અને લગ્ન પછી સૌથી વધુ ઘટતું હોય તો તે છે સમજણ... કારણ કે લગ્ન પહેલા એકબીજાને પ્રભાવિત કરવા જે જે પ્રયત્ન કર્યા હશે, તે બધા જ લગ્ન પછી સામે આવી જાય છે. લગ્ન પહેલા તું કહે તેમ એમ કહેનારા લગ્ન પછી તું કહે એમ તો નહી જ.. એવું કહે છે ને ત્યારે સમજણ, ખુશી, સુખી દામ્પત્યજીવન ચૂપચાપ ઘરના દરવાજેથી બહાર ચાલી જાય છે. લગ્ન પહેલા એકબીજાને અનુકૂળ થવાની કોશિશ કરનારા લગ્ન પછી એકબીજાને બદલવાનો પ્રયત્ન કરતા હોય છે અને આ વાત જ લગ્નમાં નડે છે. સમજદાર જીવનસાથી બદલાવ નથી લાવતા. તે સ્વીકારવાનો પ્રયત્ન કરે છે તારો સ્વભાવ આવો કેમ છે? કે તને મારી વાત કેમ સમજાતી નથી.. એ કહેવાને બદલે તારો સ્વભાવ સમજવા દે કે મારી વાત સમજવાનો પ્રયત્ન કર.. એવું પણ કહી શકાય.. અથવા જીવનસાથી આપણી વાત ન સાંભળે, ન સમજે ત્યારે તેના મનમાં પણ કંઈક વાત હશે એવું વિચારે એ સમજુ જીવનસાથી... ઘણીવાર સાંભળવાને બદલે સંભળાવી દેવાની આદતથી પણ સંબંધ તૂટે છે... ક્યારેક એવું પણ બને છે કે દેખાદેખીમાં એકબીજા પર ગુસ્સો આવે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં દરેક લોકો પોતાના ફોટા, વીડિયો, રીલ્સ મૂકે છે.. એ જોઈને ક્યારેય પતિ, પત્ની વચ્ચે મતભેદ થાય છે કે બીજાના જીવનસાથી જેવા નથી.. આવી સરખામણી સંબંધ બગાડે છે. સમજદારી એટલે સરખામણીને બગડે, પોતાના વ્યક્તિને સ્વીકારવાની તૈયારી... જે છે, જેવા છે, તે આપણા જ છે એવી સમજ એ જ સમજદારી...

ક્યારેક ચડસાચડસી કે ઝઘડા પછી બોલવામાં પહેલ કોણ કરે? માફી કોણ માંગે? એ વિચારોમાં જ ઝઘડો-અબોલા લાંબા ચાલે છે. માફી માંગવી એ કમજોરી નથી. ખોટા હોય એ માફી માંગે અથવા માફી માંગીએ એટલે આપણી ભૂલ હતી એ સાબિત થાય એવા વિચાર ખોટા છે. માફી માંગવી એ સંબંધ બચાવવાની સમજદારી છે. સમજુ જીવનસાથી મારી વાત ખોટી હતી એવું કહેવામાં શરમ નથી અનુભવતા.. પણ એક સોરી કહી દેવાથી ઝઘડો પતી જતો હોય તો તે બોલવામાં શરમાતા નથી, પણ સમજણ ધરાવે છે.

જો કે સમજદારી પતિ કે પત્ની એક પક્ષની જવાબદારી નથી. સ્ત્રી માત્ર સહન જ કરે અને પુરૂષ માત્ર કમાય એ જ સમજદારી નથી. સમજદારી એટલે બંને એકબીજાના સપના સાચવે, બંને એકબીજાની વાતનું માન રાખો, ઘર-પરિવાર, બાળકો કે આર્થિક બાબતના નિર્ણયમાં એકબીજાના અભિપ્રાય લે. પોતાની લાગણી છૂપાવે નહી.. અને અન્યની હાજરીમાં એકબીજાનું અપમાન કરે નહી અને કોઈ કરે તો તેને ટોકે... એ સમજદારી છે. લગ્ન બચાવવા કાયદો, સજાજ કે બાળકો નહી પણ બે લોકોની સમજદારી જ જરૂરી છે. ફરિયાદ કરો પણ અવગણના ન કરો, ઝઘડો થાય તે ચાલે પણ અપમાન ન કરો... સમજુ જીવનસાથી જાણે છે કે દરેક દિવસ રોમેન્ટીક નથી હોતો, પણ દરેક દિવસ જવાબદારીનો તો હોય જ છે. સમજુ જીવનસાથી શોધવાથી સંબંધ શરૂ થાય છે, પણ સમજુ જીવનસાથી બનવાથી સંબંધ ટકે છે, પરફેક્ટ જીવનસાથી શોધવામાં આખી જિંદગી વેડફવા કરતા, આપણી ખામી દૂર કરીને સમજુ જીવનસાથી બનવું એ જ શ્રેષ્ઠ છે. લગ્ન એટલે પરફેક્ટ માણસ સાથેનું જીવન નહી પણ ઈમપરફેક્ટ માણસ સાથે પરફેક્ટ સમજણ બનાવવાનું સાહસ છે. પ્રેમ એ માત્ર લાગણી નથી, પણ એક જવાબદારી છે જે દરેકે દરરોજ નિભાવવાની હોય છે.

સમજુ જીવનસાથી શોધો નહી, સમજુ જીવનસાથી બનો... કારણ કે, જ્યારે તમે બદલાશો, ત્યારે સંબંધ આપમેળે બદલાશે....

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજ-કાલની છોકરીઓને રસોડું નથી ગમતું.. કારણ??

                                                                                                                                                                                                      

'દીકરીઓને રસોઈ કરવી નથી ગમતી,

નથી ગમતી તેની રોજની અવગણના,

હાથમાં સ્વાદ, હૃદયમાં પ્રેમ હોવા છતાં,

જ્યાં કદર નથી, ત્યાં રસ ક્યાંથી જન્મે ભોજનમાં?

આજ-કાલની છોકરીઓને રસોડું નથી ગમતું.. કારણ કે એવું નથી કે તેમને રસોઈ નથી આવડતી, પણ તેમણે રસોડામાં સ્ત્રીની કદર મરતી જોઈ છે, 'છોકરીઓને રસોડામાં જવું નથી ગમતું' એ હવે ફરિયાદ નથી રહી, આરોપ બની ગઈ છે. લગ્નની વાત આવે ત્યારે સમાજમાં, ટીવીની ચર્ચામાં અને ઘરની બેઠકમાં આ વાક્ય છોકરીઓ સામે હથિયાર બનીને ફેંકવામાં આવે છે. જાણે કે રસોડું ન ગમવું એ ગુન્હો હોય, જાણે કે રસોડામાં ન ઊભી રહે તે દીકરી અયોગ્ય હોય. પણ કોઈ તેને પૂછતું નથી કે, તમને રસોડું ન ગમવાનું કારણ શું છે? સાચું કહીએ તો, આજની છોકરીઓ રસોડાથી ભાગતી નથી તેઓ એ દૃશ્યથી ભાગે છે જે તેમણે નાનપણથી જોયું છે.

આજ-કાલની છોકરીઓએ નાનપણથી પોતાની મમ્મીને રસોડામાં જોઈ છે, પણ તેમણે મમ્મીને આદર પામતી નથી જોઈ. તેમણે જોયું છે કે મમ્મી વહેલી ઉઠે, બધા માટે ચા-નાસ્તો બનાવે, બાળકોને તૈયાર કરે, પતિને ઓફિસ મોકલે, પણ તેણે નાસ્તો કર્યાે, તૈયાર થઈ? આ પ્રશ્ન ક્યારેય કોઈએ પૂછ્યો નથી. તેમણે જોયું છે કે રસોઈ સરસ બને તો શાંતિ અને થોડી આઘીપાછી બને તો ટીકા... ખાંડ-મીઠું ઓછંુ પડ્યું હોય તો તરત કહે, પણ ક્યારેય સારી રસોઈના વખાણ નહી, રસોઈ બનાવે, બધાના ટેસ્ટનો ખ્યાલ રાખે તો પણ 'આભાર' નહી...

આ બધું જોઈને દીકરીના મનમાં રસોડું પ્રેમનું નહી, અન્યાયનું પ્રતીક બની જાય છે. સમાજ રસોડાને 'સ્ત્રીનું ગૌરવ' કહે છે. સ્ત્રીને 'રસોડાની રાણી' કહે છે. પણ દીકરીઓએ જોયું છે કે એ ગૌરવ નહી, ગુલામી છે. રસોડામાં ઊભી રહેલી મમ્મી... પોતાની ઈચ્છા ભૂલી ગઈ છે. પોતાની ઓળખ ગૂમાવી બેઠી છે, આખો દિવસ કામ કરીને પણ બેસી જ રહે છે એવી વાત પણ સહન કરે છે. આ જોઈને દીકરી વિચાર કરે છે કે જો આ જ કરવાનું છે કે મારે એ નથી કરવું... આ બળવો નથી, બચાવ છે.

દીકરીઓ રસોડું નથી નકારતી, એકતરફ જવાબદારીને નકારે છે. દીકરીઓ કહે છે કે, હું રસોઈ કરીશ, ઘર સંભાળીશ, બધાને સાચવીશ... પણ મારી વાત કોઈ સાંભળશે? તે એવું નથી ઈચ્છતી કે દરેક કામ કરવાનું, અને ક્યારેય કદરના બે શબ્દ પણ ન મળે, કોઈ પ્રશંસા પણ ન કરે... જ્યારે સમાજને દીકરીઓની આ વાત ખટકે છે, કારણ કે આ પ્રશ્નો સત્તાને હલાવે છે.

એક સાચી પણ કડવી વાત એ છે કે જો રસોડું, રસોડાનું કામ, ઘરની જવાબદારી બધું જ એટલું પવિત્ર અને ગૌરવસભર હોત તો પુરૂષો ત્યાંથી ભાગ્યા જ ન હોત, જો ઘરનું કામ એટલું જ સરળ હોત તો તને આખો દિવસ શું કામ હોય છે? એ પ્રશ્ન જન્મ્યો જ ન હોત... સમાજે રસોડાને સ્ત્રીના ખભા પર મૂકી દીધું અને પછી કહ્યું, આ તારો ધર્મ છે. આ ધર્મમાં કદર નથી, સહભાગીતા નથી, માત્ર ફરજ જ છે. દીકરીઓએ મમ્મીનું મૌન જોયું છે, મમ્મીને ફરિયાદ નથી કરી, મમ્મી ચૂપ રહી, મમ્મીએ સહન કર્યું અને એટલે જ દીકરીઓ બહુ બોલે છે, દીકરીઓ પ્રશ્ન કરે છે, તે સહન કરવા નથી માંગતી.

દીકરીઓને રસોડું ન ગમવાનું મૂળ કારણ એ છે કે તેમણે મમ્મીને ખુશ નહી, માત્ર ફરજ બજાવતી જોઈ છે. સમાજ દીકરીઓને દોષ આપે છે, પણ જવાબદારી સ્વીકારતા નથી. કહેવું સરળ છે કે આજ-કાલની છોકરીઓને સંસ્કાર નથી... પણ કોઈ એમ પણ કહે કે આજ-કાલ ઘરમાં આભાર નથી... કોઈ પૂછે છે કે રસોઈ બનાવવા કેટલી મહેનત કરે છે? તું થાકી નથી ને? તને ગરમી નથી લાગતી? કોઈ પૂછતું જ નથી. દીકરીઓએ જે જોયું છે, એ જ શીખ્યું છે, તેમણે શબ્દો નથી શીખ્યા, દૃશ્યો જોયા છે અને એમાંથી શીખ્યા છે.

જો આપણે ઈચ્છીએ કે દીકરીઓ રસોડાને સ્વીકારે, તો પહેલાં આપણે રસોડાને માનવીય બનાવવું પડશે, રસોડાની જવાબદારી માત્ર સ્ત્રીની ન હોય, પણ તેમાં ઘરના સભ્યો, સાસુ, પતિ પણ ક્યાંક સાથ આપે એવું વાતાવરણ કરવું જોઈશે. દીકરીઓ રસોઈ કરે એ તેની ફરજ કે જવાબદારીનો ભાગ સમજવાને બદલે તેનો ઘર પ્રત્યેનો લાગણી-પ્રેમ સમજે તો જ રસોડામાં તેને થાક નહી લાગે અને ત્યાં જવાનું પસંદ કરશે... રસોડું જો એકનું જ કામ કરે છે એમ સમજાય તો તે અન્યાય છે, પણ રસોડું સૌનું છે એમ સમજાય તો એ સંસ્કાર છે અને આજ-કાલની દીકરીઓ સમાનતા-કદર જ માંગે છે. એક કડવી પણ જરૂરી વાત... આજની છોકરીઓને રસોડું નથી ગમતું. કારણ કે, તેમને ત્યાં સ્ત્રીની ખુશી નહી, ફરજ જ દેખાય છે. જો આવતી પેઢીને રસોડું ગમાડવું હોય તો આજે જ રસોડાના કામને માન આપો, નહીતર દીકરીઓ નહી બદલાય અને સમાજમાં રસોડાની કલા ભુલાતી જશે... સ્વીગી, ઝોમેટોનું જોર વધતું જશે... કારણ કે જ્યાં સ્ત્રીની કદર નથી, એ ઘર, એ સ્થળ દીકરીઓને ક્યારેય નથી ગમતું.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુખ એટલે શું? દરેકના મનમાં અનુભવાતી અલગ અલગ લાગણી

                                                                                                                                                                                                      

સુખ એટલે શું? આ સવાલ લગભગ દરેક વ્યક્તિને દરેક ઉંમરે થતો હોય છે. નાના બાળકો માટે સુખ એટલે ઢગલો રમકડા, યુવાન માટે સુખ એટલે સગવડો, કારકિર્દી, પ્રૌઢ માટે સુખ એટલે સારી પત્ની, સારા સંતાનો, વૃદ્ધાવસ્થામાં સુખ એટલે નિરોગી શરીર-શાંતિ, સ્ત્રી માટે સુખ એટલે સલામતી અને અઢળક સ્નેહ, દરેક ઉંમરે, દરેક સંજોગોમાં સુખની વ્યાખ્યા બદલાય છે. ભુખ્યા હોય તેને ભોજન એટલે સુખ... અને એ માણસ ભરપેટ જમી લે પછી આરામ એટલે સુખ.. સુખ કોઈ વ્યાખ્યામાં બંધાય એવું નથી. દરેક વ્યક્તિ સમય-સંજોગ, અનુકૂળતા મુજબ સુખી છે જ.. અને છતાંય મોટાભાગનાને લાગે છે કે પોતાના સુખમાં કંઈક ખૂટે છે. દરેકને બીજા લોકો વધારે સુખી છે એમ લાગે છે...

સુખ.. એક એવો શબ્દ.. જે દરેકના હોઠ પર છે. પણ દરેકના હૃદયમાં તેનો અર્થ જુદો છે. કોઈ પૂછે કે, 'તમે સુખી છો?' તો જવાબ સહેલો નથી. કારણ કે સુખ કોઈ એક સ્થિતિ નથી, કોઈ નિશ્ચિત સરનામું નથી, તે તો આપણા અંતરમાં ઉગતી સમય અને અનુભવ સુખને સીમિત અર્થમાં બાંધી દીધુ છે. સારા કપડાં, ઊંચી પોસ્ટ, મોટું ઘર. સમાજમાં નામ.. એટલે માણસ સુખી.. આવી સમજ દરેકના મનમાં ફેલાયેલી છે, પરંતુ સાચું તો એ છે કે ભૌતિક સુખમાં તરબતર માણસો પણ દુઃખી હોય છે. આટલું બધું હોવા છતાં અનેક ચહેરાઓ અંદરથી થાકેલા, ઉદાસ અને ખાલી હોય છે. પૈસા જીવનની જરૂરિયાત પૂરી કરે છે, પણ જીવનને અર્થ આપતા નથી. ભરેલા ખિસ્સે પણ હૃદય ખાલી હોય એ સ્થિતિ સૌથી વધુ દુખદ છે.

તો સુખ એટલે શું? સુખ એટલે અભાવની ગેરહાજરી? સાચું બોલવાની હિંમત? મનગમતું કરવાની છૂટ? કંઈક ગુમાવવાના ભય વગર જીવી લેવાની આઝાદી? જે નથી તેના અફસોસ વગર રહેવાની આવડત?..ના.. સુખ તદ્દન અંગત લાગણી છે. સુખનો સાચો આધાર છે સંતોષ... જ્યારે આપણે 'મારી પાસે જે છે એ પૂરતું છે' એવું માની લે ત્યારે જ સુખ તેના જીવનમાં પ્રવેશે છે. પરંતુ આપણે સત બીજાની જિંદગી સાથે જાતની તુલના કરીએ છીએ અને આ તુલના આપણા સુખને ખાઈ જાય છે. ખરેખર તો સામેની વ્યક્તિના સુખ સાથે આપણા સુખનો સંબંધ જ નથી, ક્યાંય પણ ઈર્ષ્યા ન હોય એ વાત સમજાય ત્યારે સુખ આપોઆપ મનમાં પ્રગટે છે.

કેટલીક વખત એવું પણ બને છે કે મનમાં સુખની વ્યાખ્યા નક્કી કરીને તે મેળવવા દોડતા રહીએ છીએ.. હાંફી જવાય ત્યાં સુધી દોડીએ છીએ, રસ્તામાં આવતા સંબંધો કે અન્ય સુખનો ત્યાગ કરીને પણ નક્કી કરેલા સુખને મેળવવા દોડતા રહીએ છીએ અને પછી એવું પણ બને કે જેના માટે દોડતા રહ્યા, જે સુખને દરેક પ્રાર્થનામાં માંગતા રહ્યા. તે સુખ નજરની સામે હોવા છતાં તેના તરફ જોવાની ઈચ્છા ન થાય, તે સુખ હાથ લંબાવીએ એટલું જ દૂર હોવા છતાં હાથ લંબાવવાની ઈચ્છા ન થાય અને ત્યારે સમજાય કે અત્યાર સુધી જે સ્થિતિ હતી તેમાં સુખ હતું જ... બસ નજરમાં ન આવ્યું.

સુખનો એક સૌથી મોટો સ્ત્રોત સંબંધો પણ છે. જીવનની સૌથી મોટી મિલકત સંબંધો છે, પણ આપણે તેની કિંમત સૌથી ઓછી ગણીએ છીએ. પરિવાર સાથે બેસીને બે મિનિટ વાત કરવાનો સમય નથી. મિત્રો સાથે ખૂલીને હસવાનો અવકાશ નથી અને પછી એક દિવસ ભીડમાં પણ એકલા હોવાની લાગણી સતાવે છે, આપણું દુઃખ કોઈ સાંભળે, આપણી સાથે વાત કરે, રોજબરોજની વાતો એકબીજાને કહે. આપણા મૌનને, ગુસ્સાને, હસીને, આંસુને કોઈ સમજે એવા માણસો આપણી મોંઘેરી મિલકત છે અને એ જ સુખ છે.

ક્યારેક સુખ બહુ નાની વાતોમાં છૂપાયેલું હોય છે. સવારે ગરમાગરમ ચા, શિયાળાની સવારે પંખીઓનો અવાજ સાંભળતા વોક, વરસાદમાં લોંગ ડ્રાઈવ, બાળકોના નિર્દોષ તોફાન કે પછી ઘણાં સમય પછી મળેલા કોઈ મિત્ર-સખી કે સ્નેહીજન... આ બધી ક્ષણોમાં સુખ અનુભવાય જ છે. પણ આપણે મોટા સુખની શોધમાં આ નાનકડા સુખને અવગણીએ છીએ. સ્ત્રીઓ માટે સુખનો અર્થ ઘણી વખત વધુ ઊંડો અને સંવેદનશીલ હોય છે. પોતાનું અસ્તિત્વ, પોતાની ઓળખ, પોતાની પસંદ આ બધુ સ્વીકારવામાં આવે ત્યારે સ્ત્રી સાચી રીતે સુખી થાય છે. ઘર સંભાળતી, સંબંધો જાળવતી, દરેકની અપેક્ષા પૂરી કરતી સ્ત્રી ઘણીવાર પોતાની જાત, પોતાના શોખ, પોતાના સપના, પોતાના ગમા-અણગમાને ભૂલી જાય છે. ઘણી વખત અઢળક સપના લઈને પિયરથી સાસરે આવી હોય અને જેનો હાથ પકડ્યો છે તે સાથ ન આપે ત્યારે તેને દુઃખ થાય છે, પણ જો તેને સાથ મળે, કદર મળે, સપના પૂરા કરવા અવકાશ મળે તે દિવસે તેના મનમાં સુખ જન્મે છે. સ્ત્રી માટે સુખ નાની નાની વાતોમાં છૂપાયેલુ છે. 'તુ કેમ છો? સાંજે શું લાઉ?, આજે રસોઈ સરસ બની છે, તું થાકી ગઈ હો તો આરામ કરી લે...'  આવા નાના વાક્યો, હળવું આલિંગન પણ તેના માટે સુખ જ છે.

આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો સુખ બહાર નથી, આપણી અંદર જ છે. પરિસ્થિતિ બદલાતી રહે છે, લોકો બદલાય છે, સમય બદલાય છે, પણ જે સુખ આત્મામાં વસે છે, તે કોઈ છીનવી નથી શકતું સુખ એટલે દુઃખનું ન હોવું એવું નહી, સુખ એટલે દુઃખ સાથે જીવતા શીખવું, આંસુ, નિરાશા વચ્ચે પણ આશાનો દીવો પ્રગટાવી રાખવો એ જ સુખ...

અંતે એટલું કહીશ કે સુખ કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતું નથી, તે દરેકના જીવનનો અલગ અનુભવ છે, અલગ સફર છે. કોઈ માટે સુખ મૌનમાં છે, તો કોઈ માટે બોલવામાં, કોઈ માટે સુખ એકલા રડવામાં છે તો કોઈ માટે કોઈના ખભા પર આંસુ સારવામાં, કોઈ માટે સુખ સ્વીકારવામાં છે, તો કોઈ માટે છોડવામાં.. સુખ એટલે સંપૂર્ણ જીવન નહી પણ અધૂરા જીવનને પણ હૃદય પૂર્વક સ્વીકારીને જીવી લેવાની હિંમત છે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નર્ક મૃત્યુ પછી કે જીવતા જ...?

                                                                                                                                                                                                      

મેં પૂછ્યું તેને.. નર્ક એટલે શું?

તેણે સામે જોયું.. ધીમેથી કહ્યું.. નર્ક?

થોડા વિરામ.. પછી કહ્યું..

નર્ક ત્યાં નથી જ્યાં અગ્રિ સળગે છે,

નર્ક ત્યાં છે જયાં દિલથી જીવતો માણસ

દિમાગથી ચાલતી દુનિયામાં રોજ થોડું થોડું મરે છે..

કારણ કે લાગણીઓને અહીં ભાષા નથી..

અને લોકોમાં ધીરજ નથી..

તું રડીશ તો કહેશે ડ્રામા..

ચૂપ રહીશ તો કહેશે એટિટયૂડ...

અહીં સચ્ચાઈનો અંતિમ શ્વાસ..

જાતે જ દફનાવવો પડે.. એ નર્ક..

ફરીથી પૂછ્યું..

ઈમોશનલ માણસ હંમેશાં હારી જ જાય છે?

ફરીથી લાગણીભીના સ્વરે કહ્યું..

હારે નહી.. પણ તૂટે ચોક્કસ..

જાણે.. લીલાછમ્મ ઝાડ પરથી..

દરરોજ એક પાન સુકાઈને પડે છે..

અને આ બહેરી દુનિયાને

તેનું દર્દ-અવાજ સંભળાતો નથી..

નર્ક એટલે એવો ભાર...

જે ન દેખાતો હોય અને રોજ ઉપાડવો પડે..

ફેસબુકમાં ફરતા ફરતા આ કવિતા વાંચી.. નર્ક એટલે શું? કેવા સરળ શબ્દમાં સમજાવી દીધું. નર્ક એ મૃત્યુ પછીની સ્થિતિ તો કદાચ હશે.. પણ આજના સમયમાં જીવતે જીવતા જ નર્કની યાતનાનો ક્યારેક અનુભવ થાય છે, નર્ક.. આગ, અંધકાર, યાતના આવો જ કંઈક ખ્યાલ આપણને છે, ધાર્મિક ગ્રંથોમાં, કથામાં આવી જ વ્યાખ્યા ભયરૂપે જણાવાય છે. નર્ક એટલે જીવતા કરેલા પાપની મૃત્યુ પછી સજા.. એવું જ આપણને સમજાવ્યંુ છે..

પણ.. આજનો મારો પ્રશ્ન અલગ છે.. આજનો પ્રશ્ન એ છે કે શું નર્ક માત્ર મૃત્યુ પછી જ હોય છે? કે પછી માણસ જીવતા જ નર્કનો અનુભવ કરતો હોય છે? આ પ્રશ્ન કોઈ ધાર્મિક વિવાદ નથી, પણ સમાજના અંતરાત્માને ઝંઝોડતો માનવીય પ્રશ્ન છે.

આપણી સંસ્કૃતિમાં નર્કનો વિચાર માણસને સારા રસ્તે ચલાવવા માટે ચેતવણીરૂપે આવ્યો છે. કર્મ કરો અને તેનું ફળ ભોગવો. આ સિદ્ધાંત નૈતિક જીવન માટે માર્ગદર્શક રહ્યો છે પરંતુ જો નર્કનો અર્થ મૃત્યુ પછીની સજા હોય તો જીવન દરમિયાન ભોગવાતી અસાધ્ય પીડાને આપણે શું નામ આપીએ? આસપાસ નજર કરીએ તો સમજાશે કે ઘણાં લોકો માટે જીવન એ સતત સંઘર્ષનું મેદાન છે. ગરીબી, બેરોજગારી, શોષણ, અસમાનતા, અપમાન અને એકલતા.. આ બધા અનુભવો માણસને મનથી તોડી નાખે છે. આવી સ્થિતિમાં જીવવું એ જીવતા નર્કનો અનુભવ નથી તો શું છે?

નર્ક એ કોઈ દૂરના લોકમાં નથી. તે ઘણીવાર આપણા ઘર, રસ્તા, કાર્યસ્થળ અને સંબંધોમાં છૂપાયેલ હોય છે. રોજ અપમાન સહન કરતા કામદારો, ઘરેલું હિંસામાં શ્વાસ લેતી સ્ત્રી, નિષ્ફળતાના ભાર હેઠળ તૂટતા યુવાનો, સંતાનોની અવગણનામાં જીવતા વૃદ્ધો. એકલતા અને અસ્વીકારમાં જીવતા માણસો, બેકારીના ચક્કરમાં, નોકરીની શોધમાં ફરતા યુવાનો, મહિનાના અંતે પગાર પૂરો થઈ ગયા પછી ખર્ચના બે છેડા ભેગા કરતો નિમ્ન મધ્યમ વર્ગ... આ બધા લોકો માટે નર્ક કોઈ કલ્પના નથી, રોજિંદી હકીકત છે, તકલીફ, પીડા નિરંતર છે. કારણ કે સમાજ તેમની પીડાને સામાન્ય માને છે.

આનાથી પણ વધારે એમ કહી શકાય કે નર્કનું સૌથી ભયાનક સ્વરૂપ માનસિક પીડા છે. ભય, નિરાશા, અપરાધભાવ, અસ્વીકાર આ ભાવનાઓ માણસને ધીમે ધીમે અંદરથી સળગાવે છે. ઘણીવાર બહારથી બધું સામાન્ય દેખાય છે, પણ અંદર સતત યુદ્ધ ચાલતું હોય છે. આજના સમયમાં પણ માનસિક આરોગ્ય વિષયક પીડાને સ્વીકારની હિંમત હજી ઓછી છે. લોકો હસતા ચહેરા પાછળ દુઃખને છૂપાવીને જીવતા હોય છે. ક્યારેક જીવનના આધારસ્તંભ જેવા સંબંધોમાં ખુશી કરતા દુઃખ-ભાર વધી જાય ત્યારે પણ જીવન નર્ક જેવું બની જાય છે. ઘણી વખત સ્ત્રીઓ માટે ઘરમાં જ સુરક્ષા હોતી નથી, ક્યારેક પુરૂષો પણ જવાબદારી અને અપેક્ષાના ભાર હેઠળ દબાઈ જતા હોય છે. આવા સમયે એમ લાગે કે જીવન જીવતા નથી, માત્ર ઢસળે છે અને આ તકલીફ નર્કથી ઓછી નથી...

શિક્ષિત હોવા છતાં, વર્ષાે સુધી ભણતર-શિક્ષણ મેળવ્યા પછી પણ પૂરતી આવક મેળવી ન શકનાર યુવક-યુવતીઓ પણ હતાશ થઈ જાય છે. ક્યારેક ભણતા-ભણતા જોયેલા સપના, કારકિર્દીના વિચારો પૂરા ન થાય ત્યારે પણ હતાશા-નિરાશા ઘેરી વળે છે. મનગમતું કામ ન મળે, શિક્ષણને અનુરૂપ નોકરી ન મળે ત્યારે ઘર ચલાવવા, આર્થિક રીતે સદ્ધર થવા જે નોકરી મળે તે સ્વીકારનાર વ્યક્તિ પૂરા મનથી તેમાં પોતાની જાતને જોડી નથી શકતો.. તે કામ તો કરે છે, પણ દિલથી નહી, ફરજ સમજીને.. અને આ કામ તેને બોજ લાગે, તૂટેલા સપનાની કરચો જ્યારે હૃદયમાં ખુંચે ત્યારે જીવન અવશ્ય નર્ક લાગે છે.

આજે આપણો સમાજ સફળતાને જીવનનું એકમાત્ર માપદંડ બનાવી ચૂક્યો છે. પૈસા, પદ અને દેખાવ. આ ત્રણ પર આધારીત મૂલ્યાંકન માણસને સતત દોડમાં રાખે છે. સોશિયલ મીડિયાએ આ દોડને વધુ તિવ્ર બનાવી છે. બીજાનું સુખ જોઈને માણસને પોતાનું દુઃખ વધુ મોટું લાગે છે, પોતાને અધૂરો, અપૂરતો માનવા લાગે છે. આ તુલનાત્મક દબાણ પણ જીવનને નર્ક બનાવે છે. આ સિવાય દેખાદેખી, ફેશન, સોશિયલ મીડિયાને કારણે બધાને બધું જ જોઈએ છે અને એ પણ તાત્કાલિક જોઈએ છે.. આ બધું પૂરૃં ન થાય ત્યારે જીવન નર્ક લાગે છે.

પ્રશ્ન એ નથી કે નર્ક અસ્તિત્વમાં છે કે નહીં? પ્રશ્ન એ છે કે શું આપણે અજાણતા એકબીજાને નર્કમાં જીવવા મજબૂર તો નથી કરતાને? અસંવેદનશીલતા, સ્વાર્થ અને અવગણનાથી બનેલું સમાજ માનવીય નર્ક સર્જે છે. જ્યારે પીડાને એડજેસ્ટ કરી લે એમ કહીને ટાળી દેવામાં આવે છે ત્યારે નર્ક વધારે ઘેરૃં બને છે. શું આ જીવતા નર્કમાંથી બહાર નીકળી શકાય? તો હા.. આ નર્ક માનવસર્જીત છે એટલે તેનો ઉકેલ પણ માનવસર્જીત જ છે.. પીડાને સ્વીકારવાની હિંમત, સંવાદ માટેનો માહોલ, મદદ માંગવાની અનુમતી અને સમાજની સહાનુભૂતિ આ બધા સંજોગો નર્કમાંથી બહાર લાવી શકે છે. આશા જીવંત છે ત્યાં સુધી નર્ક અંતિમ નથી. આખરે એક સત્ય એ છે કે નર્ક અને સ્વર્ગ કોઈ દૂરના લોક નથી, તે આપણા વિચારો, વર્તન અને સંબંધોમાં વસે છે. જ્યાં અપમાન છે ત્યાં નર્ક છે, જ્યાં સમજ છે ત્યાં સ્વર્ગ છે. નર્ક કોઈ ડરાવવા માટે રચાયેલી કલ્પના નથી, તે સમાજને અરીસો બતાવે છે, સૌથી મોટી સજા મૃત્યુ પછી નહી, જીવતા જ આશા ગૂમાવવી એ છે અને સૌથી મોટી મુક્તિ માનવતા, સંવેદના અને સહકાર જીવંત રાખવામાં છે. આપણે જ્યારે એકબીજાના દુઃખને ગંભીરતાથી લેવાનું શીખી જઈશું ત્યારે કદાચ આ નર્કના દરવાજા આપોઆપ બંધ થઈ જશે.. આપણે કોઈને દુઃખમાંથી બહાર ન કાઢી શકીએ તો કદાચ ચાલી જશે.. પણ કોઈના દુઃખનું કારણ ન બનીએ એ જ નર્કમાંથી મુક્તિ...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂરતા કપડાં પહેરીને મંદિરમાં આવવું શરમજનક સૂચન

                                                                                                                                                                                                      

મંદિરના પ્રવેશદ્વારે લખાયેલી સૂચના... 'પૂરતા કપડાં પહેરીને મંદિરમાં આવવું' અથવા 'અશોભનીય વસ્ત્ર પહેરવા નહી'... આ સૂચના આપણા માટે શરમજનક નથી? સમાજની સંસ્કૃતિ શાલીનતા અને સજાગતાની વચ્ચે આ સંવેદનશીલ સવાલ છે. આ સૂચના માત્ર સૂચન કે શબ્દ નથી પણ આપણા સંસ્કાર, વર્તન અને શાલીનતા કે સામાજિક વેલ્યુની સાચી હકીકત દર્શાવતો અરીસો છે. આવા સૂચનો જ્યારે જ્યારે આપણા મંદિરોમાં લખવા પડે છે ત્યારે સવાલ થાય કે શું આપણી પરંપરા-સંસ્કાર એટલી હદે ખરાબ થઈ ગયા છે કે હવે આવું બોર્ડ લગાડવું પડે છે? પહેલાના સમયમાં મંદિરમાં પૂજા કરવા જતા લોકો ચોખ્ખા-કોરા કપડાં પહેરીને જતા, સ્ત્રીઓ માથું ઢાંકીને જતી.. પણ હવે.. મંદિર જાણે ફરવાનું સ્થળ બની ગયું હોય તેમ વેસ્ટર્ન કપડાં પહેરીને જાય છે. ફોટા પડાવે છે.. અને ત્યારે જ આવા સૂચનો મૂકવા પડે છે. એક ચોખવટ કરી લઉં કે આ લેખ કપડાંના નિયમ માટે નથી. શું પહેરવું એ દરેક વ્યક્તિની પોતાની મરજી છે. પણ મંદિરમાં જતી વખતે થોડું ધ્યાન રાખવાની વાત છે. આ લેખ સમાજના બદલી રહેલા સ્વભાવ, સંસ્કૃતિ સામે ઊભા થતા પડકારો પર ભાવનાત્મક નજર રાખવા માટે છે.

મંદિર એ માત્ર ધાતુ, સિમેન્ટ, ઈંટનો ઢાંચો નથી, ભાવનાનું આવાસ છે, આસ્થાનું સ્થળ છે. ભારતની આત્માનો અવિભાજ્ય ભાગ છે. આપણે જ્યારે મંદિરમાં પગ મૂકીએ ત્યારે આંતરિક શાંતિનો અનુભવ થાય છે. મનની ગડમથલને શાંતિ મળે છે. હંમેશાં ભાગતા-દોડતા જીવનને સ્થિર થવાનો અવકાર મળે છે, ભક્તિની દરેક ક્ષણ મનને પ્રફુલિત કરી જાય છે. મંદિર એ આવકાર છે, મંદિર એ શરણાગતિ છે, મંદિર એ માનવતાનું મૌન મંચ છે. પણ જ્યારે એ જ પવિત્ર સ્થળે કપડાં અંગે સૂચના મૂકવાની ફરજ પડે ત્યારે એ માત્ર વ્યવહારીક જરૂર નથી, એ આપણા આંતરિક પરિવર્તનોનું પ્રતિબિંબ છે.

'પૂરતા કપડાં પહેરીને આવવું' આટલી સાદી-સમજ પણ હવે મુશ્કેલ કેમ? આપણા દાદા-દાદીના સમયમાં આવા બોર્ડની જરૂર હતી? ત્યારે સાદી સમજ હતી, મર્યાદા હતી, ક્યા સ્થળે કેવા કપડાં પહેરવા, તે સમજ હતી. કોઈએ શીખવ્યું નહીં, કોઈએ બોર્ડ લગાડ્યું નહીં છતાં બધાને સમજ હતી અને આજે..? ફેશનની દોડમાં ટ્રેન્ડના આંધળા અનુકરણમાં એ સાદી સમજ ખોવાઈ ગઈ છે. આવા બોર્ડ આપણને કહે છે કે આપણે એટલા વ્યસ્ત, એટલા મોર્ડન થઈ ગયા કે મંદિરની પવિત્રતા વિશે યાદ કરાવવું પડે... શું આ આપણા માટે શરમજનક નથી?

આ વાત કહેવા સામે ઘણાંને વાંધો હશે, કેટલાક એમ કહેશે કે શું પહેરવું? શું ન પહેરવું? એ વ્યક્તિની પોતાની પસંદ હોય, આજે બધે સ્વતંત્રતાનો વંટોળ છે, તો કપડાં પહેરવા માટે અમે સ્વતંત્ર નથી? હા.. આપણે બધા જ આપણી મરજી મુજબ જીવવા, પહેરવા, ફરવા સ્વતંત્ર છીએ જ... પણ એક સવાલ એ પણ છે કે શું સ્વતંત્રતાનો અર્થ એ છે કે શાલીનતા ભૂલી જવાની? પવિત્રતાનું અવમૂલ્યન કરવાનું? ભક્તિના વાતાવરણમાં મરજીને ઉપર રાખવાની?

આધુનિકતા અને સંસ્કૃતિ ક્યારેય વિરૂદ્ધ નથી. બંને સાથે રહી શકે છે, પણ તેના માટે સાચી સમજ હોવી જોઈએ. પરંતુ સમસ્યા એ છે કે આપણે મોર્ડન એટલે ડ્રેસીંગ સેન્સ અને કપડાં પહેરવાની સ્વતંત્રતા સમજતા થઈ ગયા છીએ અને આપણી જવાબદારી ભૂલી રહ્યા છીએ. જ્યાં ડ્રેસ કોડ છે ત્યાં કેમ તેને માનીએ જ છીએ? સ્કૂલમાં જતી વખતે કેમ મોર્ડન કે સ્વતંત્રતાનો ઝંડો નથી ઉપાડતા? અરે.. મંદિરમાં મોર્ડન ડ્રેસ પહેરીને જનારા અન્ય ધર્મના ધાર્મિક સ્થાનો પર જાય ત્યારે તો તેના નિયમો માને જ છે... આ દંભ શું કામ? આપણા મંદિરમાં પણ માથે ઓઢવું કે પૂજા કરતી વખતે કેવા કપડાં પહેરવા એ નિયમ હતો જ... પણ આપણે જ મોર્ડન દેખાવાના ચક્કરમાં એ ભૂલી ગયા અને ડ્રેસ કોડ ન હોવાથી ગમે તે પહેરતા થઈ ગયા.. પણ મંદિર એ સંસ્કૃતિનો મર્મ છે... તેની પવિત્રતા જાળવવી એ આપણી ફરજ છે.. કેમ પ્રાર્થના સભામાં લાલ-લીલા રંગના કપડાં પહેરીને નથી જતા? કેમ શુભ પ્રસંગમાં સફેદ કપડાં નથી પહેરતા? કેમ નવરાત્રિમાં ચણીયાચોળી પહેરીએ છીએ? કેમ કે એ બધી આપણી સમજ છે.. તો પછી આ બધી સમજમાં મંદિરને કેમ સામેલ નથી કરતા...

મંદિરના ગર્ભગૃહમાં જ્યારે દીવો પ્રજ્જવલે છે, ત્યારે તે માત્ર પ્રકાશ નથી, પણ ભક્તિનો ધબકાર છે. ભક્તિ વખતે ભાવનાને જ મહત્ત્વ આપવાનું હોય.. પણ હવે આપણે ભક્તિને બદલે ફેશનના અભિગમને લાવીએ છીએ.. હવે તો ઘણાં મંદિરમાં 'ફોટોગ્રાફી ન કરવી' એવા નિયમ પણ લખવા પડે છે. કારણ કે હવે મંદિર ભક્તિના માહોલને બદલે મનોરંજનનું સ્થળ, ફરવાનું સ્થળ બની ગયેલ છે. આવા ફેરફાર સમાજને ચિંતિત કરે છે.

આપણી ભારતીય પરંપરામાં કપડાં એ માત્ર શરીર ઢાંકી રાખવાની વસ્તુ નથી, તે સંસ્કારનો પરિચય છે. કપડાંમાં શાલીનતા રાખવી એ કોઈ જાતિ પ્રથા કે પરંપરાવાદ નથી. એ સામાજિક સમજ છે, કેટલાક લોકો એવી દલીલ કરશે કે 'ભગવાનને વાંધો નથી, તો તમને શું વાંધો?' પણ આ સવાલ એ માટે પોતાનો ઈગો સંતોષવા માટે હોય છે, જાતને સાચી સાબિત કરવા હોય છે. મંદિરના સૂચના બોર્ડ એ ખાલી બોર્ડ નથી, પણ અરીસો છે કે જે આપણને બતાવે છે કે આપણે ક્યાં ખોટા છીએ? મંદિર એ કોઈ એક વ્યક્તિનું નથી.. પણ આપણા ધર્મનું પવિત્ર સ્થળ છે, જ્યાં આરતીથી ઉર્જા મળે છે, ભક્તિનો સૂર છે, મનની શાંતિ છે એ સ્થળ વ્યક્તિગત સ્વતંત્રતા કરતા વધારે છે. આપણે સંસ્કૃતિથી જેટલા દૂર જઈએ એટલો ખાલીપો વધે છે.

આવા સૂચન બોર્ડ શરમજનક છે, પણ એ શરમ આપણા વર્તનની છે. આ સૂચન એ ઓર્ડર નથી. પણ સમાજની જાગૃતિ માટે છે, આપણે શિસ્ત, શાલીનતા અને સાંસ્કૃતિક સંવેદનશીલતામાં પાછળ પડી ગયા છીએ. તેને પાછા મેળવવાનો... સંસ્કારને ફરીથી અપનાવવાનો... મંદિરમાં ફેશન નહી શાલીનતા અને સરળતા જ શોભે છે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવ્યો તાજગીસભર શિયાળો નવી ઉર્જાનો સંચાર...

                                                                                                                                                                                                      

શિયાળો... ઋતુઓનું એક અનોખુ પર્વ... જાણે કુદરત આપણા પર મહેરબાન થઈને હવામાં મીઠી તાજગી વિખેરી દે એવું લાગે. શિયાળો એટલે માત્ર તાપમાનનું ઓછું થવંુ એ જ નથી.. પણ એ છે જીવનના દરેક ખૂણામાં એક નવી ઉર્જાનો પ્રવાહ... આ શિયાળો આવે ત્યારે આકાશ સ્વચ્છ હોય, વૃક્ષો જૂના પાંદડા ખેરવીને નવજીવનની શરૂઆત કરે. હવામાં હળવો સુગંધિત ઠંડકભર્યાે સ્પર્શ આવે અને સવારના સૂરજના કિરણો એ રીતે અડકે કે જાણે કોઈ શાંત સંગીત વાગતું હોય. શિયાળાનો અર્થ છે તાજગી-ઉર્જા, ઉલ્લસા, શાંતિ અને વ્યક્તિત્વને નવી દિશામાં લઈ જવાની તક...

કુદરત આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેક વિરામ લેવો, શાંત થવું અને જાતને ફરીથી નવી રીતે જોવી... શિયાળો પણ આ જ કહે છે. વર્ષ આખાની વ્યસ્તતા, દોડધામ, પછી શિયાળો શરીર અને મનને રિચાર્જ કરવા આવતો હોય તેવું લાગે છે, શિયાળાને 'તાજગીની ઋતુ' કહેવું યોગ્ય જ છે. આ ઋતુ આપણને અંદરથી સ્ફૂર્તિ આપે છે. જીવનના હેતુઓ તરફ ફરી જાગૃત કરે છે. શિયાળાની સવાર જેટલી સુંદરતા બીજે ક્યાંય નથી. બારી ખોલતા જ હવાની ઠંડી લહેરમાં અજબ તાજગી હોય છે. દરેક શ્વાસો એવું લાગે કે ફેફસા સુધી શુદ્ધતા ભરાય રહી છે. પવનની સુગંધમાં નવીનતા હોય, ઝાકળનો સ્પર્શ પાંદડા પર મોતી જેવું લાગે. સૂરજનો કણો તડકો હુંફ આપે... આ બધું મળીને સવારને એ રીતે તાજગીભરી બનાવી દે કે દિવસની શરૂઆત જ સકારાત્મકતા સાથે થાય...

આ ઋતુનો પ્રભાવ માત્ર હવામાન પર જ નથી. એ આપણા શરીર અને મન ઉપર પણ પડે છે. શિયાળામાં ભૂખ થોડી વધુ લાગે છે. ઊંઘ વધુ મીઠી બને છે અને ચાલવાની મજા બમણી થઈ જાય છે. જીવનમાં નવી તાજગી, નવી શક્તિ અને નવી ચેતના આવે છે. આખા વર્ષમાં સૌથી શાંત, સૌમ્ય અને મધુર સિઝન એટલે શિયાળો... ખાસ કરીને શિયાળાની સવાર.. ક્યારેક ધુમ્મસથી ભરેલી, ક્યારેક પવનની હળવી સરસરાટથી જીવંત... આ સવારમાં ચાલવું એ માત્ર કસરત નથી, તે એક અનુભવ છે, એક આંતરિક-માનસિક શાંતિ છે.

શિયાળો શરીરને સક્રિય બનાવે છે. શિયાળામાં ચાલવું વધુ સુખદ લાગે છે અને જો આ ચાલ્યા પછી શરીરને મળે હેલ્ધી, પૌષ્ટિક અને તાજુ જ્યુસ... તો આખો દિવસ સ્વસ્થ, સારો અને ઉર્જાભર્યાે બની જાય છે. આ ત્રણનો સંગમ... શિયાળાની સવાર+મોર્નિંગવોક+હેલ્થી જ્યુસ.. જીવનને માત્ર સારી દિશામાં લઈ જતો નથી પરંતુ શરીર.. મન અને વિચારોને નવજીવન આવે છે.

શિયાળાની સવાર માત્ર કાવ્યમય નથી. તે વૈજ્ઞાનિક રીતે શરીર માટે અત્યંત ફાયદાકારક છે. સવારે હવામાં પ્રદૂષણ ઓછું હોય છે, ઓક્સિજન વધારે શુદ્ધ મળે છે અને તાપમાન શરીરને ચેલેન્જ આપીને તેની આંતરિક શક્તિ વધારવાનું કામ કરે છે. શિયાળામાં થોડું વહેલું ઉઠવું શરૂઆતમાં અઘરૂ લાગે, પણ એકવાર નિયમ બની જાય પછી તેનો આનંદ અને ાજગી આખો દિવસ શરીર અનુભવે છે. શિયાળાની મોર્નિંગ વોક શરીર માટે મંત્ર સમાન છે. ડોકટર્સના કહેવા મુજબ શિયાળાની સવારે ચાલવાથી બ્લડપ્રેશર નોર્મલ રહે છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. સાથે સાથે શાંત હવા, પક્ષીઓના ટહુકા, સૂર્યોદયના કોમળ કિરણો આ બધું મળીને મગજને તાજગી આપે છે.

ચાલ્યા પછી શરીરને તરત પોષક તત્ત્વો ઝટપટ મળવા જ જોઈએ અને એ માટે જયુસથી શ્રેષ્ઠ શું હોય શકે? શિયાળામાં વોકીંગ ઝોન પર ચાલવાવાળા હશે. તેટલા જ અને કદાચ તેથી પણ વધારે લોકો જયુસવાળા પાસે હશે અને એટલે જ શિયાળાની સવારમાં જયુસવાળા વોર્કિંગ ઝોનની આસપાસ વધારે જોવા મળે છે. જયુસ શરીરને તરત જ એનર્જી, વિટામિન્સ અને હાઈડ્રેશન આપે છે. ગાજર-બીટ, આદુ, આમળા, તુલસીનો જયુસ, મોસંબી, કીવી, ઓરેન્જ જયુસ, ફ્રુટ જયુસ માટે એક વાત ધ્યાનમાં રાખવી કે જયુસ તાજા ફળથી જ બનાવવો, તેમાં ખાંડ ન નાખવી. જરૂર લાગે તો મધ નાખવું અને જયુસ ગાળ્યા વગર પીવો જેથી ફાઈબર મળે.

સાથે સાથે શિયાળો એટલે સ્વાદની ઋતુ-કેટકેટલી વાનગી.. ગમે તેટલું ખાવ તો પણ વાંધો ન આવે. વડીલો પણ કહે કે શિયાળામાં ખવાય એટલું ખાઈ લો.. એ એનર્જી આખુ વર્ષ સાથ આપશે.. રોટલા-ઓળાથી લઈને મીઠાઈ, મેવા, કાવો, સુપ, કેટકેટલી વાનગી અને બધી જ વાનગી ખવાય.. કોઈ ચિંતા નહી.. વર્ષભરના થાક, પડકારો અને દોડધામ વચ્ચે શિયાળો આપણને એક વિરામ આપે છે. શરીર, મન, ભાવનાઓ અને સપનાઓને ફરીથી ગોઠવવાનો સમય.. શિયાળો આપણને કહે છે કે આજે પોતાને તૈયાર કરો.. જેથી આખું વર્ષ તમે મજબૂતીથી જીવી શકો.. શિયાળો માત્ર ઠંડકનો નહી પરંતુ તાકાત, સ્થિરતા અને નવી શરૂઆતનો સમય છે. આ ઋતુમાં તમે જેટલી શક્તિ સંગ્રહ કરશો એટલો વર્ષભરનો જીવનમાર્ગ હળવો અને શક્તિશાળી બનશે.

આજના ઝડપી જીવનમાં તાણ-ટેન્શન, સ્ટ્રેટસ વધી રહ્યો છે. બહારના જંકફૂડનું ચલણ વધ્યું છે. શારીરિક શ્રમ ઓછો થયો છે.. ત્યારે આ શિયાળો આપણને તક આપે છે કે આ બધામાંથી બહાર આવો અને શિયાળાને અપનાવો.. જેથી માત્ર તંદુરસ્તી નહી, પણ આનંદી, ઉર્જાવાન અને સકારાત્મક વ્યક્તિત્ત્વ વધશે. શિયાળાની સવારથી શરૂ થતી આ શરૂઆત આખુ વર્ષ સ્વસ્થ જીવન તરફ લઈ જઈ શકે છે. શિયાળો આપણા સૌ માટે આરોગ્યનો, ઉત્સાહનો અને નવી શરૂઆતની ઋતુ બની જાય એ આશા સાથે...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

છૂટાછેડા સ્ત્રીની સહનશક્તિ ઘટી છે?

                                                                                                                                                                                                      

હમણાં એક ટીવી ચેનલની ડીબેટમાં એન્કરે સવાલ પૂછ્યો, 'આજકાલ છૂટાછેડામાં કેસ વધી રહ્યા છે, તેના કારણોમાં શું કહેશો? ડીબેટમાં મોટાભાગે શિક્ષિત લોકો અને મહિલાઓ હતા. લગભગ બધાનો સૂર એવો હતો કે, 'આજકાલ સ્ત્રીઓની સહનશક્તિ ઘટી છે, એટલે છૂટાછેડા વધારે થાય છે.' શિક્ષિત, નોકરી કરતી મહિલાએ પણ એમ કહ્યું કે સ્ત્રીઓની સહનશક્તિ ઘટી છે, સ્ત્રીઓ નોકરી કરતી હોવાથી, આર્થિક રીતે સ્વતંત્ર થઈ હોવાથી સ્વછંદ બની છે અને આ કારણો છૂટાછેડાના છે... આ સાંભળીને આઘાત લાગ્યો, છૂટાછેડાના બધા કિસ્સામાં બધો દોષ સ્ત્રીને માથે? તે સહન કરે ત્યાં સુધી ઘર ચાલે? તે સહન કરવાનું બંધ કરે અને વિરોધ કરે એટલે છૂટાછેડા? મતલબ એ જ થયો ને કે ઘર ચલાવવાની કે લગ્ન ટકાવવાની પૂરી જવાબદારી સ્ત્રીની જ છે.. સ્ત્રીએ સહન કરવાનું જ મતલબ એટલો જ કે સદીઓથી સ્ત્રીઓ સહન કરતી જ આવી છે, અને એટલે જ કદાચ લગ્નપ્રથા ટકી રહી છે... થોડા વર્ષાે પહેલાં એક પિકચર આવ્યું હતું, 'લજ્જા' તેમાં ૯૦ વર્ષના દાદી તેની ૩૦ વર્ષની પૌત્રીને કહે છે કે, તે હિંમત કરી એવી હિંમત અમે અમારા સમયમાં કરી હોત તો આજે તમારે આ સહન કરવું પડ્યું ન હોત... એકદમ સાચી વાત... વર્ષાેથી સ્ત્રીઓ સહન કરતી આવી છે એટલે જ આ પુરૂષ પ્રધાન સમાજની હિંમત વધી છે, અને એટલે જ હવે લોકો બોલી શકે છે કે સ્ત્રીની સહનશક્તિ ઘટી છે.

સ્ત્રીઓની સહનશક્તિ ઘટી છે એટલે જરા-જરા વાતે છૂટાછેડા લઈ લે છે.. આ વાક્ય બોલવામાં કે સાંભળવામાં કદાચ સરળ લાગે, પણ તેની પાછળનો અન્યાય, અજ્ઞાન અને એકતરફી દૃષ્ટિકોણ કેટલો ઉંડો છે એ સમજવા દિલમાં ઉતરવું પડે.. શું ખરેખર સ્ત્રીની સહનશક્તિ ઘટી ગઈ છે? કે પછી સમાજ પાસે તેનો દોષારોપણ કરવા સિવાય બીજુ કંઈ શીખ્યા જ નથી?

સ્ત્રીની સહનશક્તિ.. કોઈ એક દિવસની વાત નથી. સદીઓથી સ્ત્રીની સહનશક્તિનું ગાન થતું આવ્યું છે. ઘરકામ, સંસાર, બાળકો, પતિ, સગાસંબંધી, સાસરીયા.. બધી જ જવાબદારી સ્ત્રીના ખભા પર અને તેને સહન, માન, ધર્મ, ફરજ જેવા શબ્દોની સાંકળોમાં બાંધી દેવામાં આવી. પણ કોઈએ ક્યારેય પૂછ્યું કે આ સહનશક્તિ હતી કે મજબૂરી? આધાર હતો કે એકલતા? શક્તિ હતી કે બલિદાનનું ભારણ? સ્ત્રી બહારથી ભલે મૌન રહી, પણ અંદરથી તે વર્ષાે સુધી દુનિયાનું દુઃખ હૃદયમાં રાખીને જીવતી રહી. તેના રડવાથી કોઈ છત નથી તૂટતી, તેના દુઃખ પર કોઈ ફાયદો નથી બન્યો, તેના તૂટેલા મનને સમાજની પરંપરામાં સ્થાન નથી મળ્યું.. છતાં તે ટકી રહી.. કેમ કે ટકી રહેવું એ જ તેને શીખવવામાં આવ્યું હતું.. સહન કરવું એ જ શીખ નાનપણથી આપવામાં આવી હતી.

જૂના સમયમાં સહનશક્તિની જે વ્યાખ્યા હતી તે મોટાભાગે મજબૂરી હતી. સમાજે તેને ગુણ ગણાવી દીધું. અસલમાં તે એક જીવન પરિસ્થિતિ હતી. આર્થિક નિર્ભરતા, સામાજિક દબાણ, સંસાર સાચવવાની ફરજ, શિક્ષણનો અભાવ, કાયદાની મર્યાદિત સમજ, પ્રતિષ્ઠાનો ડર, સંતાનોની સલામતીની ચિંતા.. આ બધા મુદ્દાઓ સ્ત્રીને સહન કરવા મજબૂર કરતા.. તેને મહાન બનાવતા નહતા.

આજે સ્ત્રી શિક્ષિત છે, કમાય છે, પોતાની ઓળખ ધરાવે છે અને ગેરસમાનતા સામે અવાજ ઉઠાવે છે. પોતાની આવક, પોતાના નિર્ણય, પોતાની ઓળખ, પોતાના હક્ક આ બધું તેને જીવનના વિષયો પર મુક્તિ આપે છે. જો સંબંધમાં શોષણ, અપમાન, હિંસા હોય તો તે અવાજ ઉઠાવે છે અને ત્યારે લોકો કહે છે કે સહનશક્તિ ઘટી છે.. પણ આને ઘટેલી સહનશક્તિ કહેશો કે સ્વાભિમાન? ખરેખર સ્ત્રીને હવે દુઃખની વ્યાખ્યા સમજાય ગઈ છે. પોતાના દુઃખને નસીબ ગણવાને બદલે દુઃખ સહન કરવાને બદલે બહાર નીકળવાની હિંમત કરે છે.

અગાઉ જ્યારે ઘરેલુ હિંસા અથવા માનસિક ત્રાસ થતો ત્યારે ઘણીવાર વિવાહનું ભાગ્ય, ઘરની વાત, સાસરીયામાં એડજેસ્ટમેન્ટ જેવા શબ્દોમાં આ બધું દબાવી દેવામાં આવતું, પણ આજે જ્યારે સ્ત્રીઓ શિક્ષિત છે ત્યારે સતત અપમાન, અવગણના, શંકા, નિયંત્રણ આ બધું માનસિક ત્રાસ છે અને એટલે તેનો વિરોધ કરે છે. એક સમય હતો જ્યારે રડતા રડતા પણ લગ્ન ટકાવી રાખતી હતી, જ્યારે આજની સ્ત્રી પૂછે છે કે શા માટે ટકાવું? જો કે આમાં પણ વાંકદેખા લોકોને સ્ત્રીનો જ વાંક લાગશે કે સહનશક્તિ

ઘટી છે.

સહન કરતા રહેવું સરળ છે, દુઃખને રોજ દબાવી દેવું સરળ છે, આંસુઓને સાડીના પાલવથી લૂંછી લેવા સરળ છે, પણ તૂટેલા હૃદયથી દુનિયાને કહેવું કે હું બહાર નીકળું છું એ સરળ નથી. છૂટાછેડા એ કોર્ટનો કાગળ નથી, તો એક સ્ત્રીનું પોતાની જાતને વચન છે કે હું દુઃખના નામે જીવન નહી જીવું, અને આપણે પણ કેવી સહનશક્તિની વાત કરીએ છીએ? જે સ્ત્રી વર્ષાે સુધી અપમાન સહન કરે, અવગણના સહન કરે, હિંસા સહન કરે અને પછી એક દિવસ પોતાના મનને સમજાવે કે બસ... થયું.. હવે પૂરૂ.. ત્યારે એમ કહેવાય કે સહનશક્તિ ઘટી નથી, પણ હિંમત હવે વધી છે.

સંબંધો તૂટે છે તેનું કારણ સહનશક્તિ નહી, અસમાનતા છે. એકતરફી અપેક્ષા, જવાબદારીનો બોજ, સંવાદનો સ્વભાવ, પ્રેમનો અભાવ, કઠોર વલણ.. આ બધાને કારણે દામ્પત્યજીવન બંધન બની જાય છે. દામ્પત્યજીવનની ગુણવતા ઘટી છે. માનસિક શાંતિનું મૂલ્ય ઘટ્યું છે અને ત્યારે સ્ત્રી આ બંધનની સાંકળ તોડે છે. સમાજને તો હંમેશાં સરળ જવાબ જ જોઈએ, દોષારોપણનો સરળ માર્ગ જ જોઈએ. વાસ્તવિકતા સમજવા માટે સમાજ પાસે સમય પણ નથી અને સમજણ પણ નથી. કોઈકના છૂટાછેડા થાય તો તરત કહેશે કે સ્ત્રી જબરી હતી, લાલચુ હતી, ઘરકામમાં રસ ન હતો, સહન કરતી ન હતી, મનનું ધાર્યું કરતી હતી.. વગેરે વગેરે... પણ ક્યાં કોઈ એમ પૂછે છે કે તે કેટલા વર્ષાેથી અપમાન સહન કરતી હતી? કેટલા વર્ષાેથી પોતાના મનને રડી રડીને સાંત્વના આપતી હતી કે બધું સરખુ થઈ જશે? તે કેટલા વર્ષાેથી પોતાના બાળકો માટે તૂટીને પણ ટકાવી રાખતી હતી? ના... એવું કોઈ નથી પૂછતું.. સમાજને પરિણામ દેખાય છે, તેના કારણો નહી..

સ્ત્રી બદલાઈ છે, પરંતુ આ બદલાવ સુંદર છે. આજની સ્ત્રી હસતા હસતા ઘર ચલાવતી થઈ છે, બાળકો સંભાળે છે, નોકરી કરે છે, કેરિયર બનાવે છે, ઘરની અને બહારની જવાબદારી સંભાળે છે. આ બધું કરવા છતાં તેનું કોઈ અપમાન કરે તો તે સહન નથી કરી શકતી. તે પોતા માટે ઊભી થાય એ ખોટું છે? સ્ત્રીની સહનશક્તિ ઘટી નથી, પણ સ્ત્રીના મનમાં ગૌરવની લાગણી અને માગણી ઊઠી છે અને આ લાગણી સમાજ માટે ખસરો નહી પણ યોગદાન છે.

ઘણાં લોકો છૂટાછેટા એટલે લગ્નનો અંત એમ માને છે. હકીકતમાં તે વ્યક્તિના દુઃખનો અંત છે અને શરૂઆતનો શ્વાસ છે. છૂટાછેડા એટલે સ્ત્રી તૂટેલી નથી, પણ જીવી રહી છે એમ કહેવાય. દુઃખમાંથી બહાર નીકળવાની ક્ષમતા એ સહનશક્તિનો ઘટાડો નથી પણ જીવનને અપમાનમાંથી ઉપર રાખવાનો પ્રયત્ન છે. આજે સ્ત્રી સમાધાન પણ કરે છે, સમજદાર પણ છે, માફ પણ કરે છે, પણ પોતાના આત્મ સન્માનને જાળવવાનો પ્રયત્ન પણ કરે છે અને આ સહનશક્તિની નવી રીત છે.

જે સ્ત્રી વર્ષાે સુધી અપમાન સહન કરીને, બાળકો માટે, પરિવાર માટે આંસુ પીને જીવતી હતી તે આજે કહે છે હવે બસ... આજની સ્ત્રી દબાયેલી નથી, ડરી નથી, તે મજબૂત છે, સાચું કહેવાની હિંમત રાખે છે અને છૂટાછેડા એ હારવાનું લક્ષણ નથી તેના સ્વાભિમાનનો પુરાવો છે. એટલે છૂટાછેડાના કારણ માટે માત્ર સ્ત્રીને દોષ આપવાને બદલે સમાજને એક સવાલ પણ પૂછવો છે કે શું લગ્ન ટકાવવાની જવાબદારી માત્ર સ્ત્રીની જ...? છૂટાછેડા માટે સ્ત્રીને જવાબદાર ગણનાર, ઘટેલી સહનશક્તિનું કારણ આપનાર, સ્વતંત્રતાની સાથે સાથે સ્ત્રીની સ્વછંદતાનું કારણ આપનાર એ ભણેલી-નોકરી કરતી સ્ત્રીને પૂછવું છે કે શું તમારા જીવનમાં દુઃખ, અપમાન, માનસિક ત્રાસ આવશે તો તેને સહન કરશો? કે પછી બહાર નીકળવાના રસ્તા શોધશો..?

- દિપા સોની, જામનગર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આપણા સમાજની શરમઃ સ્ત્રીઓ શાંતિ માટે ઘરથી દૂર જતી થઈ

                                                                                                                                                                                                      

સવારનો સમય છે. સ્ત્રીઓને દોડાદોડ, કામની ઉતાવળ છે. ઝડપથી ઘરનું કામ પતાવીને હાથમાં ટિફિન, પર્સ અને સાંજે પાછા આવતી વખતે ઘરની લાવવાની વસ્તુની લીસ્ટ લઈને પોતાની સ્કૂટી, એક્ટિવા પર કે રિક્ષા-બસમાં કામના સ્થળે, ઓફિસે, સ્કૂલે જતી સ્ત્રીઓ મોટાભાગે જોવા મળે છે. કોઈના ચહેરા પર થાક છે તો કોઈના ચહેરા પર ઉતાવળ, કોઈના ચહેરા પર બાળકોને ઘરે છોડવાની ગ્લાની છે. તો કોઈના ચહેરા પર અધૂરા રહી ગયેલા ઘરના કામની ચિંતા... પણ છતાં દરેકના મનમાં એક 'હાશ' છે. દરેકના મનમાં અધૂરા સપના પૂરા કરવાની 'આશ' છે. કોઈપણને પૂછીએ કે ક્યાં જાવ છો? તો દરેક અલગ અલગ કહેશે કે, નોકરીમાં જઉં છું, સ્કૂલે જઉં છું, ઓફિસ જઉં છું, કામ પર જઉં છું... પણ દરેકના મનમાં જોઈએ તો એક જ જવાબ મળે કે શાંતિ શોધવા જઈ રહી છું... હા.. આ આજના સમાજની શરમ છે કે અનેક સ્ત્રીઓ પૈસા કમાવવા માટે નહી, પણ શાંતિ માટે ઘરથી દૂર જતી થઈ છે.

જે ઘર સ્ત્રી માટે આશ્રય છે, જ્યાં પ્રેમ, લાગણી, ઉષ્માનો રંગ હોવો જોઈએ ત્યાં આજે કેટલાય ઘરો સ્ત્રી માટે અશાંતિનું ઘર બની ગયેલ છે. દરરોજના ઝઘડા, અપમાનભરી વાતો, તીક્ષણ શબ્દો અને આ બધામાં પતિની ચુપ્પી... આ બધાને કારણે સ્ત્રી ઘરની બહાર જતી થઈ છે. કેટલાય ઘરોમાં સાસુ-સસરાના કડવા વેણ, કામકાજની મગજમારી, કરકસરીયા સ્વભાવ, પિયરના નામે સંભળાવ્યા કરવું અને આ બધામાં પતિનો સાથ સ્ત્રીને ન મળે અને તે પણ પોતાના માં-બાપની જેમ પત્નીને ધમકાવતો રહે, ડરાવતો રહે ત્યારે સ્ત્રી શાંતિ શોધવા, ઘરની બહાર કામ શોધવા જતી થઈ છે. ઘર હવે તેના માટે પ્રેમનું સ્થાન નથી રહ્યું. પણ એવી જગ્યા થઈ છે જ્યાં સતત ડરનું વાતાવરણ છે, તેને સતત ભય રહે છે કે હમણા કોઈ કંઈક બોલશે, ઝઘડશે.. હવે તે ઘરમાં પોતાની જાતને ગૂમાવતી જાય છે અને એટલા માટે જ તે હવે બહાર નીકળે છે. ઓફિસમાં, સ્કૂલમાં, નોકરી શોધે છે કે જ્યાં કોઈને તેની આવડતની કદર હોય, જ્યાં કોઈ તેની સાથે ઊંચા અવાજે વાત ન કરે, જ્યાં કોઈ વાતે વાતે તેને તોડે નહીં.. શું આ સમાજ માટે શરમજનક નથી?

એવું નથી કે દરેક સ્ત્રી નોકરી કરે જ છે, પણ જે સ્ત્રીઓ ઘરમાં રહે છે, તેમની આંખમાં પણ ઘુમ્મસ છે, જે બહાર જાય છે તેના મનમાં પણ બાળકોને મૂકીને જવાનો ખટકો તો છે જ છતાં તે હસે છે. કારણ કે તેને જીવવું છે, પોતા માટે, પોતાના બાળકો માટે...

એક સમય હતો, જ્યારે સ્ત્રી ઘર સંભાળે તો તેને ગૌરવથી 'ઘરવાળી' કહેવામાં આવતી અને આજે જ્યારે તે બહાર નીકળી છે ત્યારે તેની કદર કરવાને બદલે 'આજકાલની સ્ત્રીઓને ઘરમાં રહેવું ગમતું જ નથી' એવું કહેવામાં આવે છે. પણ કોઈ એ કેમ નથી વિચારતું કે એ બહાર કેમ નીકળી? શું તેને ખરેખર ઘર મળ્યું હતું કે જ્યાં તેને પ્રેમ-લાગણીની હુંફ મળે? શું ઘરમાં તેના મનને આરામ હતો? ના.. ઘરમાં તો હવે ઝઘડા, અપમાન, સ્વાર્થની ધૂળ જામી ગઈ છે, પ્રેમની ભાષા ખોવાઈ ગઈ છે.

ભગવાને સ્ત્રીને જ્યારે સર્જી, ત્યારે તેની અંદર પ્રેમ, મમતા, સહનશક્તિનો અઢળક ખજાનો આપ્યો. તે ઘરના દરેક સભ્યનો ખ્યાલ રાખે છે. બધાની ખુશીના અંતે પોતાની ઈચ્છાને મૂકે છે. પણ આ બદલામાં તેને શંુ મળ્યું? આજે અનેક સ્ત્રીઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ પોતાના સાસરીયા વચ્ચે રહીને એકલતા અનુભવે છે. સંબંધોનું ઘર બહારથી તો ચમકે છે, પણ અંદરથી ખોખલુ થઈ ગયું છે, ત્યાં પ્રેમની જગ્યાએ અહંકાર છે, સમજણની જગ્યાએ અપમાન છે અને સહાનુભૂતિની જગ્યાએ સંકુચિત વિચારોનું બંધન છે.

અગાઉ સ્ત્રીઓનું કામ કરવું, નોકરી કરવી એ અસંભવિત વાત ગણાતી, પણ આજે કેટકેટલી સ્ત્રીઓ ઘરની બહાર નીકળી છે. એ સ્ત્રીઓ સ્વતંત્રતાની નહી, શાંતિની શોધમાં છે. તેણે દુનિયા સામે કંઈ સાબિત કરવાનું નથી, ફક્ત પોતાનું મન શાંત રાખવાનું છે. કારણ કે ઘરમાં તેને શાંતિ નથી મળી.. અને આ અશાંતિના કારણો જોઈએ તો.. કેટલાય ઘરોમાં સ્ત્રીને સમાન ગણવામાં આવતી નથી. તેની વાતને મહત્ત્વ મળતું નથી. ઘરના નિર્ણયોમાં તેનો મત પૂછવામાં નથી આવતો 'તને શું ખબર પડે?' એમ કહીને તેની સમજણ, આવડત, શિક્ષણને તોડી પાડવામાં આવે છે! શારીરિક હિંસા કરતા માનસિક ત્રાસ વધારે ખતરનાક હોય છે. રોજના ઝઘડા તેના મનને ખાઈ જાય છે, સ્ત્રી અંતે ઘૂંટાતી જાય છે અને બહાર નીકળવાનું એક માત્ર ઉપાય સમજે છે. પહેલાં સ્ત્રીઓ આર્થિક રીતે પતિ પર જ નિર્ભર રહેતી એટલે બોલી શકતી નહી, સાથે ભણતરના અભાવે નોકરી મળવી પણ મુશ્કેલ બનતી. આજે સ્ત્રીઓ શિક્ષિત છે ત્યારે શાંતિ માટે બહાર નીકળી નોકરી કરવાનું પસંદ કરે છે.

જ્યારે સ્ત્રી ઘરમાંથી બહાર જાય છે ત્યારે સમાજ તેને અભિમાની, બગડેલી કહે છે. સમાજ તો ઠીક ઘરના લોકો પણ ક્યારેક નોકરીના બહાને રખડવા જાય છે એવું કહેતા હોય છે. પણ કોઈ તેના મનની પીડા સમજવાનો પ્રયાસ નથી કરતા. તેને પણ પ્રેમ જોઈએ છે, સન્માન જોઈએ છે, તેની સાથે વાત કરે, તેની વાત સાંભળે એવું જોઈએ છે. પણ જ્યારે આ બધું ઘરમાં નથી મળતંુ ત્યારે એ બહાર નોકરીના બહાને શોધવા જાય છે. તેને ઘર, બાળકો, જવાબદારીનો ખ્યાલ છે જ... પણ મનની શાંતિ માટે તે વધારાની જવાબદારી ઉપાડે છે. નોકરી કરવા માટે, ઘરની બહાર જવા માટે કેટકેટલંુ એડજેસ્ટમેન્ટ કરવું પડે છે એ માત્ર તે જ જાણે છે. પણ છતાં તે કરે છે, કારણ કે ર૪ કલાકમાંથી નોકરીના પ-૭ કલાક તો મનની શાંતિ મળશે એ તે વિચારે છે.

સ્ત્રીને ઘરથી દૂર જવાની ફરજ ન પડે એ જ સાચી પ્રગતિ છે. તેને સ્વતંત્રતા જોઈએ પણ સાથે સાથે સંબંધમાં સમાજના અને સન્માન પણ જોઈએ. સ્ત્રી ખુશ હોય એ ઘર પ્રકાશિત હોય છે. પણ જ્યારે તે તૂટી જાય છે ત્યારે આખું ઘર અંધારૂ લાગે છે. આપણે આ હકીકત સ્વીકારવી પડશે કે સ્ત્રી ઘર છોડે છે એ સમાજની જીત નહી પણ હાર છે. કારણ કે ઘરમાં પ્રેમ અને શાંતિ નહી મળે ત્યારે જ તે બહાર જશે.

આજથી નક્કી કરીએ કે સ્ત્રીને ઘરમાં પૂરેપૂરૃં સન્માન આપીએ.. જેથી તે નોકરી કરવા બહાર નીકળે તો એમ કહી શકે કે 'હું મારા આનંદ માટે, મારા શિક્ષણ અને આવડતના ઉપયોગ માટે, ઘરના બધાના સાથથી નોકરી કરવા જાઉં છું.'

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'મમ્મી ગમે કે પપ્પા?' બાળકના મનને ભાંગી નાખતો સામાન્ય સવાલ...

                                                                                                                                                                                                      

હમણાં દિવાળીનો તહેવાર ગયો. આમ તો હવે એકબીજાના ઘરે જવાનો વ્યવહાર ઓછો થઈ ગયો છે, પણ છતાં હજુ અમૂક ઘરોમાં આ વ્યવહાર છે જ... આવી જ રીતે એક સંબંધીના ઘરે જવાનું થયું. તેના ઘરમાં ચાર વર્ષનું એક બાળક... હું ગઈ ત્યારે તેમના ઘરે બીજા મહેમાન પણ હતા. સ્વાભાવિક રીતે બાળકને જોઈને બોલવવાની રમાડવાની ઈચ્છા થાય.. થોડીવાર મેં બોલાવ્યું, પછી બીજા મહેમાન હતા, તેમણે બાળકને પોતાની પાસે બોલાવ્યું... શું ભાવે? શું રમે? શું ગમે? એવા સવાલ કરતા કરતા તેમણે પૂછ્યું, 'બેટા તને મમ્મી ગમે કે પપ્પા?' એક જ મિનિટમાં બાળકે જવાબ આપ્યો.. 'બંને' છતાં મહેમાને બીજો સવાલ પૂછ્યો.. 'એમ બંને નહી.. વધારે કોણ ગમે? વ્હાલ કોણ વધારે કરે? ચોકલેટ કોણ લાવી દે? તને કોણ ખીજાય? મમ્મી કે પપ્પા?' બાળકના ચહેરા પર મુંઝવણ સ્પષ્ટ દેખાતી હતી.. તે કંઈ બોલ્યું જ નહી.. પણ મહેમાનના સવાલ ચાલુ જ રહ્યા. તેમણે મમ્મી કે પપ્પા બેમાંથી એક જવાબ જોઈતો જ હતો... તેના સવાલથી કંટાળીને તે બાળક જવાબ આપ્યા વગર અંદર ચાલ્યું ગયું.

મમ્મી ગમે કે પપ્પા? એ સવાલ આમ તો સામાન્ય છે, ઘણીવાર બાળકોને પૂછાતો જ હોય છે, પણ એ સમયે બાળકોની મનોસ્થિતિ શંુ થાય એ કોઈ વિચારતું નથી. બાળપણ એ જીવનનો સૌથી નિર્મળ અને નિર્દોષ સમય છે. એ સમયગાળામાં બાળકનંુ મન કાચની જેમ પારદર્શક અને મીણની જેમ નરમ હોય છે. તેને ઘડવું એ કુટુંબના દરેક સભ્યની જવાબદારી છે પરંતુ આજના સમયમાં કુટુંબમાં મતભેદ, તણાવ અને અલગાવની ઘટનાથી બાળકોની માનસિક દુનિયા સૌથી વધુ અસર પામે છે અને એ સ્થિતિને વધુ કઠોર બનાવે છે. એક દેખીતી રીતે નિર્દોષ લાગતો સવાલ કે... 'તને કોણ વધારે ગમે-મમ્મી કે પપ્પા?'

જોવા જઈએ તો મમ્મી બાળક માટે પ્રેમ, લાડ, સંભાળ અને લાગણીનું આશ્રયસ્થાન છે. પપ્પા એ આધાર સુરક્ષા અને પ્રોત્સાહનનંુ પ્રતીક છે. બાળક માટે આ બંને સંબંધો અલગ છતાં પૂરક છે. મમ્મી એ માટે હૈયાની ગરમી છે, તો પપ્પા એ માટે આત્મવિશ્વાસનો સ્ત્રોત... એવા બે સ્તંભો વચ્ચે બાળકને પસંદગી કરવા કહેવી એ તેના હૃદય પર ઘા સમાન છે.

જ્યારે બાળકને 'મમ્મી કે પપ્પા' એવો સવાલ પૂછાય છે ત્યારે તેના મનમાં દૃંદ અનુભવે છે. એક તરફ પ્રેમ છે, તો બીજી તરફ ભય કે જો એકનું નામ લે તો બીજાને દુઃખ થશે. આ મનની ઉથલપાથલ તેને ચૂપ બનાવી દે છે. શું જવાબ આપવો એ મુંઝવણ અનુભવે છે. કોઈ એકનું નામ લેવાથી બીજાને દુઃખી કરી રહ્યો છું એ ભાવના તેના બાળપણને છીનવી લે છે. બાળકને જોઈએ છે સ્થિરતા અને પ્રેમ. તેને પસંદગી કરવાની ખબર નથી પડતી. પણ ઘરમાં કલેશ, ઝઘડા થતાં હોય અને મમ્મી કે પપ્પા બાળકને પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરે એ પ્રેમ નથી, ત્યારે બાળકની સુરક્ષા ભાવના તૂટી જાય છે. તેના મનમાં શંકા ઘૂસી જાય છે અને એ તેના પછીના જીવનમાં સંબંધો જાળવવાની ક્ષમતાને અસર કરે છે, દરેક બાળકને હક્ક છે કે તેને મમ્મી-પપ્પા બંનેનો પ્રેમ, સહકાર, લાગણી, સુરક્ષા મળે. યુનાઈટેડ નેશન્સ મુજબ બાળકને 'કોણ ગમે'? એ પૂછવું એ માનસિક હિંસા સમાન છે.

મમ્મી-પપ્પા બંને બાળકના અસ્તિત્વના બે અંગ છે. બાળક માટે મમ્મીનો પ્રેમ સહજ અને નરમ હોય છે, જ્યારે પપ્પાનો પ્રેમ મૌન પણ દૃઢ અને રક્ષણાત્મક હોય છે. એક બીજાનું સ્થાન કોઈ લઈ શકતા નથી, માટે પ્રેમની તુલના નહી, પ્રેમમાં સમન્વય શીખવવો જોઈએ. ઘણીવાર વડીલો, સંબંધીઓ, બાળકોને મજાકમાં પૂછે છે કે 'તને કોણ વધારે પ્રેમ કરે છે?' પૂછનારના મનમાં સહજ મજાક જ હોય છે. પણ આ મજાક બાળકના મનમાં ખુંચી જાય છે. એ વિચારવા લાગે છે કે પ્રેમ પણ માપી શકાય છે. તુલના કરી શકાય છે. એ વિચાર તેને જીવનભવ સંબંધોમાં પણ હરિફાઈ શીખવે છે. પ્રેમ શીખવવાના સમયે આપણે તેને પ્રેમ માપવાનું શીખવી દઈએ છીએ.. અને આ સમાજની દુઃખદ હકીકત છે. 

જો માતા-પિતા અલગ રહેતા હોય, તો પણ બાળક માટે બંનેનો પ્રેમ જળવાઈ રહે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. બાળકને કહેવું જોઈએ કે, 'અમે અલગ છીએ, પણ તારા માટે બંને છીએ, તું બંને માટે સમાન મહત્ત્વનો છે' આ વાક્યો બાળકના મનને શાંત કરે છે. મમ્મી-પપ્પા અલગ રહેતા હોય ત્યારે ઘણી વખત નજીકના સગા કે મિત્રો પણ પૂછે છે કે 'તું કોની સાથે રહે છે? મમ્મી સાથે કે પપ્પા સાથે?', મમ્મી સારી કે પપ્પા સારા? આવા સવાલ બાળક માટે અસહ્ય હોય છે. તેના ચહેરા પર સ્મિત તો હોય પણ હૃદયમાં ઘા લાગે છે અને તે આવા સવાલ ટાળવા સગા-સંબંધી, મિત્રો, કુટુંબમાં મળવાનું, જવાનું ટાળે છે. એટલા માટે સમાજે પણ આ બાબત ધ્યાનમાં રાખીને બાળકની લાગણી સાથે રમવું નહીં. બાળકોને શીખવવું જોઈએ કે પ્રેમ કોઈ સ્પર્ધા નથી, એ વહેચી શકાય. એ ક્યારેય ઘટતો નથી. મમ્મીનો પ્રેમ પપ્પાના પ્રેમનો વિરોધી નથી અને પપ્પાનો પ્રેમ મમ્મી માટે ખતરો નથી. બંનેનો પ્રેમ જીવનમાં સંતુલન આપે છે અને મમ્મી-પપ્પા બંનેને સમાન માન-પ્રેમ આપતા પણ બાળકને શીખવવું જોઈએ. જ્યારે બાળક જન્મે છે ત્યારે તેને ફક્ત પ્રેમની ભાષા જ સમજાય છે. સ્પર્શની ગરમી-લાગણી જ સમજાય છે અને આ પ્રેમ-સ્પર્શ ગરમી-લાગણી તેના માટે આખી દુનિયા સમાન છે. તો એ પ્રેમને બે ભાગમાં કેવી રીતે વહેંચાય? પ્રેમ તો અખંડ છે. સીમા રહિત છે. બાળને પસંદગી નહી પ્રેમ આપો, વિશ્વાસ આપો, બાળકનો પ્રેમ કોઈ એક પક્ષમાં નહી, પરંતુ બંનેમાં વસે છે. જો આપણે એ પ્રેમને સુરક્ષિત રાખીશું તો એ બાળહૃદય ક્યારેય તૂટશે નહીં. બાળક એ પ્રેમનું જીવંત પ્રતિબિંબ છે. જો તેને પ્રશ્નો પૂછીશું તો તે શંકાશીલ બનશે. માટે ચલો આજે નક્કી કરીએ કે બાળકોને ક્યારેય નહી પૂછીએ કે, 'મમ્મી ગમે કે પપ્પા?' તેના બદલે તેને એક કહીએ કે, 'મમ્મી અને પપ્પા બંને તને પ્રેમ કરે છે...'

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

તહેવારો જીવંતતાનો અહેસાસ

                                                                                                                                                                                                      

જિંદગીની દોડમાં થાકી જાય મન,

ત્યારે તહેવાર આવે જેમ ઠંડો પવન,

હંુફાળા રંગોથી મનને રંગે,

સુકી લાગણીની ફરી બનાવે જીવંત.

દીવા પ્રગટે, ઉજાસ થાય દિલમાં,

હાસ્ય ગુંજે, સુગંધિત થાય જીવન,

મીઠાઈની મીઠાશ ફક્ત સ્વાદ નહી,

સંબંધોમાં ફરી મીઠાશ ભરે કંઈક નવી

નવરાત્રિનો તાલ, હોળીના રંગ,

રક્ષાાબંધનનો પ્રેમ, દિવાળીનો સંગ,

દરેક તહેવાર કહે એક નવી વાર્તા,

માનવતાની ચમકથી ચમકે છે જીવન,

તહેવારો નથી માત્ર પરંપરા,

એ તો જીવવાની રીત છે સહજ,

ક્યાંક પ્રેરણા, તો ક્યાંક ખુશી,

દરેક ક્ષણે છે જીવનનો તહેવાર.

તહેવારો... ભારતીય સંસ્કૃતિ અને આપણા જીવનનું અવિભાજ્ય અંગ... રોજીંદા જીવનની દોડધામમાં માણસ કેટલીય જવાબદારીઓ, ચિંતા અને થાક વચ્ચે ઘેરાઈ જાય છે. સવારથી જ ફરજોનો ભાર એટલો હોય છે કે આપણે હસવાનું ભૂલી જઈએ છીએ, પણ આવી દોડધામવાળી જિંદગીમાં ઠંડકભર્યા પવનની લહેરખી જેવો અહેસાસ એટલે તહેવાર... તહેવાર એ માત્ર દીવા, મીઠાઈ, નવા કપડા કે ફટાકડા જ નથી.. એ તો લાગણીનો ઉત્સવ છે. આ તહેવારના ચાર દિવસ થાકેલા જીવનનો વિસામો છે. આપણે આ દિવસોમાં દોડધામમાંથી અટકીએ છીએ, કામ-ધંધો, ટેન્શન છોડીને પરિવાર અને જીવનમાં ફરીથી જોડાઈએ છીએ, જે ચહેરા પર રોજ થાક, વ્યસ્તતા, ઉદાસી દેખાતી હોય તે ચહેરા તહેવારના દિવસોમાં ઝળહળતા દેખાય છે. એ ઉત્સાહ આપણા મનને ફરી જીવંત કરે છે. દીપ પ્રગટાવતા ફક્ત અંધકાર દૂર નથી થતો, પણ મનના ખૂણે રહેલા થાક-ઉદાસી પણ ઓગળી જાય છે. રંગો અને ખુશીઓ વચ્ચે જીવતરની એક નવી લય જન્મે છે. તહેવાર યાદ કરાવે છે કે જીવન ફક્ત કામ અને જવાબદારી નથી, પણ પ્રેમ-જોડાણ  અને આનંદનું એક સુંદર સંગીત છે.

તહેવાર એ માત્ર પરંપરા નથી. જોડાણ અને ઉત્સાહનો સ્ત્રોત છે, આજની દોડધામવાળી જિંદગીમાં તહેવારો આપણને થોડા સમય માટે થાક-ટેન્શનથી દૂર લઈ જાય છે અને ફરીથી જીવન જીવવાનું સાચું કારણ યાદ અપાવે છે, તહેવાર આપણામાં નવી ઉર્જા ભરે છે, આનંદપૂર્વક જીવવાની તક આપે છે. તહેવારો કુટુંબ અને સમાજ વચ્ચેના બંધનોને મજબૂત બનાવે છે.

પરિવાર સાથે મળીને ખરીદી કરવી, ઘરની સજાવટ કરવી, મિત્રો સાથે ફરવા જવું, પાડોશી સાથે મળીને ફરસાણ-મીઠાઈ બનાવવી, રંગોળી બનાવવી, એકબીજાના ઘરે આપવી, આ બધું સંબંધોમાં લાગણી વધારવાનું માધ્યમ છે. આજના એકલતાભર્યા યુગમાં તહેવારો માનવીય જોડાણની સૌથી સુંદર તક આપે છે. તહેવારો આપણને આપણા મૂળ સાથે જોડે છે. એ સમય છે જયારે આપણે આપણા સંસ્કાર અને મૂલ્યોને ફરી જીવંત કરીએ છીએ. સાથે સાથે આજના યુવાનો એ તહેવારોમાં નવા વિચાર, નવી ઉર્જા અને આધુનિકતાનો સંદેશ પણ ઉમેરે છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેનું આ સંતુલન તહેવારોને વધુ સમૃદ્ધ બનાવે છે.

તહેવારો ફક્ત બહારની ઉજવણી નથી, એ મનની શુદ્ધતા અને આત્માના આનંદનો અવસર છે. દીવા પ્રગાટવવાથી મનમાં પ્રકાશ ફેલાય છે. તહેવારો જીવનમાં નવી આશા અને પ્રેરણા જગાવે છે. દરેક તહેવાર આપણને એક મૂલ્ય શીખવે છે, તહેવારો ફક્ત દિવસો નથી, એ જીવનનો ધબકાર છે, જે આપણને યાદ અપાવે છે કે જીવવું એટલે આનંદ ફેલાવવો... તહેવારો એ સમય છે જ્યારે જીવનના બધા રંગો એકસાથે ખીલી ઉઠે છે.

તહેવાર એટલે જીવનમાં આવતી આનંદની હેલી, તહેવાર માત્ર ચોક્કસ તારીખ કે ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી, પણ તે આપણા નીરસ જીવનમાં નવીનતા અને તાજગી ઉમેરવાનું કામ કરે છે. તહેવારની રાહ જોવામાં તેની તૈયારી કરવામાં જ અલગ ઉત્સાહ હોય છે.

 ખરીદી હોય કે સફાઈ, શણગાર હોય કે ફરસાણ, મીઠાઈ હોય કે મુખવાસ, રંગોળી હોય કે ફટાકડા... આ બધું જ થાક ન આપે, પણ અનોખો ઉમંગ જગાવે છે. આ સમય દરમિયાન લોકો પોતાની ચિંતા ભૂલીને ખુશ રહે છે.

આજના વ્યસ્ત સમયમાં લોકો પાસે એકબીજાને મળવાનો સમય ઓછો હોય છે. ત્યારે તહેવારો બધાને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની રહે છે. જેના કારણે આખુ કુટુંબ અને સગાસંબંધી એકબીજા સાથેના સંબંધો ફરીથી જીવંત કરે છે. સાથે મળીને હસવું, વાતો કરવી, ફરવું, જમવું એ બધું પારિવારિક બંધનને મજબૂત બનાવે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માનની લાગણી વધારે છે.

દરેક તહેવાર તેની સાથે કોઈને કોઈ ધાર્મિક, ઐતિહાસિક અથવા મૌસમી મહત્ત્વ લઈને આવે છે. તહેવારોની ઉજવણી દ્વારા આપણી સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું જતન થાય છે.

નવી પેઢીને તહેવારોનું આપણી સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી શકીએ છીએ અને વેસ્ટર્ન કલ્ચરમાં ખોવાયેલી આપણી પેઢીને મૂળ સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. પરત લાવે છે.

તહેવારો પ્રકાશ, સકારાત્મકતા અને ઉલ્લાસનું પ્રતીક છે, તે નકારાત્મકતા દૂર કરીને જીવનમાં ખુશી અને શાંતિ લાવે છે. તહેવારો એ માત્ર રજાઓ નથી પણ માનવતા, પ્રેમ, ભાઈચારો અને સકારાત્મકતાનો સંદેશ લાવે છે. તેથી આપણે તહેવારોને માત્ર ધામધૂમથી  નહી, તેના મૂળ હેતુને સમજીને પૂરા ઉમંગ અને ખુશીથી ઉજવવા જોઈએ જેથી જીવનમાં હંમેશાં ઉત્સાહ અને આનંદ બની રહે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'દિવાળી તેનો અર્થ ગૂમાવતી જાય છે'

                                                                                                                                                                                                      

દીવો હવે ફક્ત તેલથી નથી બળતો

તે બળે છે માનવીય ઉર્જાથી..

પ્રેમ કરૂણા અને જોડાણની શક્તિથી..

ઘર ઝગમગે છે લાઈટોથી

પણ કેટલાક મનના ખૂણા અંધકારમાં છે,

વોટ્સએપની શુભેચ્છાઓ વરસે છે હજારો,

પણ હવે 'સામે મળી હસવું' ક્યાં રહ્યું?

મીઠાઈ છે રંગીન ડબ્બામાં

પણ મીઠાશ ખૂટી ગઈ સંબંધોના સ્વાદમાં..

દિવાળી હવે ફક્ત ઉજવણી નહીં..

એક વિચાર છે

કે આપણે કેટલા પ્રકાશિત થયા છીએ

શું દીવા ફક્ત ઘરમાં બળે છે

કે મનમાં પણ ઝળહળે છે?

ચલો આ વર્ષે દિવાળી એવી કરીએ

કે કોઈ એકલો ન રહે અંધકારમાં

દરેક ઘર નહી, દરેક હૃદય પ્રકાશે

દિવો ફક્ત ઘર પર નહી

પણ માનવતાના માર્ગ પર પણ ઝગમગાવીએ.

મિત્રો... દિવાળી આવી ગઈ.. જ્યારે આપણે દિવાળી શબ્દ સાંભળીએ ત્યારે આંખ સામે ઝગમગતા દીવા, રંગોળી, મીઠાઈ, ફરસાણની ખુશ્બૂ ફટાકડા, નવા કપડા, મુખવાસ અને સાકરથી નવા વર્ષના વધામણા, નવા વર્ષની વહેલી સવારે સબરસના શુકન આ બધું જ આવી જાય છે, પણ શું આજે એ દિવાળી રહી છે? આપણા દાદા-દાદીને દિવાળી વિશે પૂછીએ તો કેટલા હરખથી બધી વાત કરે.. આસોપાલવના તોરણથી લઈને રંગોળી-મીઠાઈ સુધીની વાત હરખાતા હરખાતા કહે, પણ શું હવે એ દિવાળી છે જે આપણા પૂર્વજોએ ઉજવી હતી.

એક સમય હતો. જ્યારે દિવાળીનો અર્થ હતો પ્રકાશ ફેલાવવો, દુઃખ દૂર કરવા, મનુષ્યતાનો દીવો પ્રગટાવવો, કોઈના ચહેરા પર સ્મિત લાવવું.. પણ આજે એ ક્યાં? પહેલા લોકો ઘરની સાથે દિલ પણ સાફ કરતા, ઘરમાં સુગંધ રહેતી માત્ર મીઠાઈની જ નહીં. પણ સાથે સાથે સ્નેહની, પ્રેમની, લાગણીની... પણ આજની દિવાળી ખરીદી, દેખાવ, ફટાકડાની સ્પર્ધામાં ખોવાઈ ગઈ છે. ચાંદલીયા અને તડાફડીની લૂમની બદલે હવાઈ ફટાકડામાં ઊડી ગઈ છે. એકબીજાના ઘરે જવાની બદલે બહારગામ જવામાં દિવાળી ઉજવાઈ રહી છે. પહેલાં તો નવા વર્ષના દિવસે ઘરમાં તાળુ ન મારતા, ક્યાંક બહાર જઈએ તો પણ ઘર ખુલ્લુ રાખીને પાડોશીને કોઈ આવે તો બેસાડવાનું કહીને જતા, દિવાળીની રાત્રે લક્ષ્મીજી બહાર આવે છે, ધરતી પર આવે છે અને આપણા ઘરે તેમના આર્શીવાદ ઉતરે એવા વિચારથી દિવાળીની રાત્રે ઘરના દરવાજા ખુલ્લા રાખતા, પણ હવે..? હવે તો બે-ત્રણ રજામાં આગળ-પાછળ રજાનો મેળ કરીને ચાર-પાંચ દિવસ ફરવા જવાનો પ્લાન કરવો એ જ જાણે દિવાળીની ઉજવણી છે, તેમાં પણ દૂરના સ્થળે કે વિદેશમાં કે રિસોર્ટમાં ફરવા-રહેવા જાય તેનો વટ પડી જાય એવું બધા વિચારતા હોય છે. ખરીદીમાં પણ કોણે કેટલી ખરીદી કરી, ક્યાંથી કરી, કેટલી લાઈટ્સ ઘરમાં ઝગમગે છે? એ બધું જાણે હરીફાઈની જેમ જોવાય છે.

દિવાળી એટલે ઉજાસનો તહેવાર, દિવાળી એટલે આનંદનો તહેવાર અને આ ઉજાસ એટલે દીવડા-રંગોળી અને આનંદ એટલે ફટાકડા, મીઠાઈ, નવા કપડા.. એવો કદાચ અર્થ થતો હશે.. દીવડાની ખરીદી નાની દુકાનેથી કે ફેરીયાઓ પાસેથી થતી.. અવનવા રંગો.. મીંડાની રંગોળી.. પગલા.. કેટકેટલુ.. પણ હવે? દીવડાનું સ્થાન લીધુ છે ઝળહળતી રોશનીએ.. દીવડા વેચવાવાળા રોડની સાઈડમાં બેસીને ગ્રાહકની રાહ જોવે છે અને લોકો ઈલેકટ્રીકની દુકાનેથી લાઈટીંગ લઈને ઘરને શણગારે છે. લાઈટીંગનો વિરોધ નથી, પણ દીવડાના તેજમાં જે ખુશી-આનંદ છે તે જાણે લાઈટીંગમાં નથી.. તમે દિવાળી લખીને ગૂગલ સર્ચ કરો તો પણ હાથમાં દીવો લઈને ઊભેલી ગૃહલક્ષ્મીજીની જ ઈમેજ આવશે. દિવાળી એટલે દીવા.. એવું જ કહી શકાય.. પણ આજે દીવા કરવાનો સમય નથી, આદત નથી અને દીવા મૂકવા ટોડલા કે ખાના પણ નથી.. આવું જ કંઈક રંગોળી સાથે બની ગયું છે.. રંગોળી કરવાની આળસમાં તૈયાર રંગોળી ચોટાડી દેવાય છે.. મીઠાઈ-ફરસાણ પણ તૈયાર.. મુખવાસ પણ તૈયાર.. ખરીદી પણ ઓનલાઈન.. આજુબાજુની બજારના વેપારી ગ્રાહકની રાહ જોવે છે અને આપણે ઓનલાઈન શોપીંગ કરીને તેમની દિવાળી બગાડીએ છીએ.. આવું જ કંઈક વડીલો સાથે થાય છે. એકબીજાના ઘરે જવાનો, પગે લાગવાનો, આશીર્વાદ લેવાનો વ્યવહાર ભૂલાતો જાય છે. વડીલો મુખવાસ અને સાકર ડબ્બામાં ભરીને, ખિસ્સામાં કડકડતી નોટ લઈને કુટુંબીજનોની રાહ જોવે છે, પણ તેમની આંખ પથરાય જાય ત્યાં સુધી કોઈ આવતું નથી, કારણ કે બધા બહારગામ ફરવામાં બીઝી છે. જો કે બહારગામ જનારાને પણ શાંતિ-ખુશી નથી જ... જ્યાં જાય ત્યાં સખત ભીડ, હોટલ-ગેસ્ટ હાઉસ ફૂલ, ટ્રેન-બસ ફૂલ, ખાવાપીવાનું સરખુ મળે નહી, મળે તો ડબલ ભાવ આપવા પડે, જ્યાં જાય ત્યાં ધક્કામૂક્કી... આવું બધું સહન કરવા કરતા ઘરમાં રહીને દિવાળીનો આનંદ ન લેવાય?

દિવાળીનો સાચો અર્થ છે અંધકાર ફક્ત ઘરમાં નહી, મનમાં પણ દૂર કરવો, કોઈના ચહેરા પર સ્મિત આપવું, કોઈને ખુશી આપવી પણ અત્યારની દિવાળીમાં ઝગમગાટ તો છે, છતાં એક ખાલીપણું છે હા... પૂજા, મીઠાઈ, નાસ્તા, ફટાકડા વગર દિવાળી ખાલી... અધૂરી છે, વડીલોના આશીર્વાદ અને શુકનના રોકડા રૂપિયા વગર દિવાળી અધૂરી છે નવું તારીખીયુ, નવું કેલેન્ડર.. નવો રોજમેળ અને લક્ષ્મીપૂજન વગર દિવાળી અધૂરી છે, રંગોળી-આસોપાલવના તોરણ-સાકરની મીઠાશ વગર દિવાળી અધૂરી છે.

તો આવો આ દિવાળીએ ઘરને જ નહી પણ દિલને ઉજાળા કરીએ, તનને નહી, મનને શણગારીએ, સંબંધો ફરીથી જીવંત કરીએ, વોટ્સએપ મેસેજથી શુભેચ્છા મોકલવાને બદલે જાતે જઈને મળીએ.. આપણી સાથે જોડાયેલા, આસપાસ રહેતા લોકોના ચહેરા પર પણ સ્મિત લાવવાનો પ્રયત્ન કરીએ અને સાચા અર્થમાં દિવાળી જીવંત કરીએ. કારણ કે જ્યારે દિલમાં ઉજાસ ફેલાય ત્યારે જ સાચી દિવાળી ઉજવાય છે તેમ કહી શકાય.. છેલ્લે એટલું કહીશ કે...

કોઈ ગમતીલુ લાંબા વિયોગ બાદ,

અચાનક મળી જાય

ને હૈયે હરખની હેલી ચડે

એ ક્ષણ દિવાળી...

પ્રિયજન આમ અમસ્તુ જ

નજીક આવીને ગાલ પર

ટપલી મારે અને પાંપણ

શરમથી ઢળી પડે

એ ક્ષણ દિવાળી

કોઈના ઘરમાં આપણા કારણે

ખુશી પ્રગટે અને

તેનો ચહેરો હસી ઉઠે

એ ક્ષણ દિવાળી.

સવારથી ગ્રાહકની રાહમાં

રસ્તાની કોરે બેસેલા

ફેરીયા પાસેથી ખરીદી

કરતા તેનો હરખ જોઈએ

એ ક્ષણ દિવાળી

બહારગામ વસતા સંતાનો

અચાનક ઘરે આવીને

વડીલોના આશીર્વાદ માંગે

ત્યારે ધ્રુજતો હાથ માથે

મુકાય અને આંસુ આવે

એ ક્ષણ દિવાળી.

જ્યારે વાળની લટમાં સફેદી આવે

અને બાળકો કહે કે

જાજરમાન લાગે છે...

પ્રિયતમ કહે કે તુ

સુંદર લાગે છે..

એ ક્ષણ દિવાળી..

દિવાળીના આગમનની શુભકામના..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ક્યા સંબંધ મહત્ત્વના પ્રોફેશનલ કે પર્સનલ??

                                                                                                                                                                                                      

બે મિત્રો નાન૫ણથી સાથે.. સાથે  ભણ્યા, સાથે મોટા થયા, સાથે રખડ્યા.. પછી બંનેએ સાથે મળીને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યાે.. થોડા વર્ષાે બધું બરાબર ચાલ્યું પણ પછી બંને વચ્ચે નાનો-મોટો ખટરાગ શરૂ થયો. ધંધાની બાબતમાં, મૂડીની બાબતમાં, ખરીદીની બાબતમાં, ચૂકવણીની બાબતમાં એમ ખટરાગ શરૂ થયો. એક મિત્ર લાગણીશીલ.. લાગણીમાં આવીને કોઈકને ઉધાર માલ આપી દે, તેમાં ક્યારેક નુકસાન થાય. બીજો મિત્ર ગણતરીવાળા મગજ વાળો. નુકસાન સહન ન થાય એટલે માથાકૂટ થાય.. એક દિવસ ગુસ્સામાં તેણે કહી દીધું કે, 'હવે આપણે સાથે ધંધો નહી કરી શકીએ, આપણે છૂટા પડીએ' બીજા મિત્રએ કહ્યું, 'વાંધો નહી, જેમ તું કહે તેમ... મને કામધંધો ખોવાનું પોષાશે, મિત્ર ખોવો નહી પોષાય... અને તેણે દોસ્તી બચાવી લીધી... આમ જોઈએ તો તેના આ જવાબમાં ક્યાંક અહંકાર દેખાય, પણ બીજી રીતે વિચારીએ તો આ જવાબ એક સમજદાર, લાગણીશીલ વ્યક્તિનો હોય તેવું લાગે. વર્ષાેની દોસ્તી થોડા રૂપિયા માટે તોડતા તેનું મન ન માન્યું.

બે વિજાતીય મિત્ર.. વર્ષાેની દોસ્તી.. યુવક જે સંસ્થામાં કામ કરે. તેનાથી હરીફ સંસ્થામાં થોડા વર્ષાે પછી યુવતી જોડાય, જો કે તેનાથી દોસ્તીમાં ફેર ન જ પડ્યો. યુવકે જ તેને કહ્યું કે આપણી સંસ્થા એકબીજાની હરીફ છે. આપણે નહી, કામ વચ્ચે દોસ્તી કે દોસ્તી વચ્ચે કામ નહી લાવીએ.. થોડા સમય પછી યુવતી જે સંસ્થામાં હતી ત્યાંના બોસને તેની દોસ્તી વિશે ખબર પડી, તેણે યુવતીને બોલાવીને કહ્યું કે, તમારે હરીફ સંસ્થાને વ્યક્તિ સાથે દોસ્તી છે. તે દોસ્તી તમે તોડી નાખો. યુવતીએ હાથ જોડ્યા કે.. તમે કામની ના પાડશો તો હું નીકળી જઈશ, પણ નોકરી માટે મારી વર્ષાેની દોસ્તી નહી તોડું.

મોટાભાગે ધંધાની શરૂઆત ઘરના સભ્યો, મિત્રો સાથે થતી જ હોય છે, એક વ્યક્તિને એકલાને સફળ બનવું થોડું અઘરૃં છે. એટલે તે સાથ સહકાર માટે અંગત પર વધુ ભરોસો કરે છે અને સાથે શરૂ કરેલા કોઈપણ કાર્યમાં થોડા વર્ષાે પછી ક્યારેક નાના મોટા ખટરાગ થાય એ સ્વાભાવિક છે, પણ એ સમયે ધંધો મહત્ત્વનો કે સંબંધ એ પ્રશ્ન અગત્યનો છે. મોટાભાગે વ્યવસાયિક મતભેદ બે પ્રતિભાશાળી-બુદ્ધિશાળી લોકો વચ્ચે થાય એ સહજ અને સ્વાભાવિક છે, દુનિયાના કોઈપણ વ્યવસાયમાં એક જ વ્યક્તિ નિર્ણય કરે, એ જ મહેનત કરે તો વિકાસ કે વિસ્તાર શક્ય નથી. દરેક સફળતા પાછળ એકથી વધુ વ્યક્તિના મન-મગજ-વિચારો કામ કરતા હોય છે અને જ્યારે વધારે વ્યક્તિ હોય ત્યારે દરેકના પોતાના વિચારો અલગ અલગ હોય ત્યારે મતભેદ સહજ છે, આ મતભેદને સર્જનાત્મકના મતભેદ તરીકે જોવામાં આવે, વિકાસ માટેની ચર્ચામાં જોડવામાં આવે તો જ વિકાસ અને સફળતા સહજ બને.

ખાસ કરીને પતિ-પત્ની, મિત્રો કે ભાઈઓ એક વ્યવસાયમાં સાથે હોય ત્યારે આવી ગેરસમજ અથવા અહંકારના ટકરાવ થવાની સંભાવના રહે છે. બેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાનો મતભેદ પ્રગટ કરે ત્યારે બીજી વ્યક્તિએ એને સાંભળવાની અને સમજવાની તૈયારી બતાવવી જોઈએ, તેને વિરોધ તરીકે નહી પણ જુદા અભિપ્રાય તરીકે તપાસવી જોઈએ એ બધી વાત, એ બધી સમજણ બે વ્યક્તિ સામસામે ઊભા હોય ત્યારે ક્યાં ખોવાઈ જાય છે એ સમજાતું નથી.

આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે ધંધામાં અંગત લોકોની ભાગીદારી હોય ત્યારે એકબીજાની સાથે નહી, સાથે ઊભા રહેવા જોઈએ. અપવાદ હોઈ શકે, પણ અંગત સંબંધોમાં વ્યવસાય સ્વાર્થને દૂર રાખવો જોઈએ. ક્યારેક વ્યવસાયીક સંબંધોમાં એટલો સ્વાર્થ આવી જાય છે કે વર્ષાેની દોસતી, વર્ષાેના સંબંધોમાં ખટરાગ આવી જાય છે. એવા સમયે આપણને આપણી આવડત જ વધુ લાગે છે. જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે, પસંદગી કરવાની પરિસ્થિતિ આવે ત્યારે આપણા સંબંધોની પરીક્ષા હોય છે. આપણને બધાને આપણી ભૂલ બતાવનાર, સાચુ કહેનાર તોછડા અને વીરોધી જ લાગે છે. આપણે સ્વાભાવ અને અભિમાનનો ભેદ ભૂલી જઈએ છીએ અને જેને આપણા માટે લાગણી હોય, આપણું સારૂ ઈચ્છતા હોય, આપણને આર્થિક નુકસાનથી બચાવવા માંગતા હોય ત્યારે આપણને તે ખોટા જ લાગે છે,  પાછંુ ક્યારેક કોઈ બે જણાના સંબંધો, દોસ્તીથી કોઈને ઈર્ષા થાય છે અને આવા ઈર્ષાયુ લોકો દોસ્તીમાં ભંગાણ પડાવે છે. આવા સમયે આપણે ધ્યાન રાખવું જોઈએ. કયારેક વ્યવસાયિક સંબંધ જ્યારે અંગત સંબંધની ઉપર નીકળી જાય અને તેના પડછાયામાં અંગત સંબંધ ગુંચવાવા લાગે ત્યારે વ્યવસાય મૂકીને સંબંધ જાળવી લેવા એ જ સાચો અને સારો રસ્તો છે. મોટાભાગે લોકો આવું વિચારવાને બદલે આર્થિક ફાયદો જોતા હોય છે અને સંબંધ છોડીને વ્યવસાય સાચવી લે છે. વ્યવસાય, પૈસા, સફળતા, કારકિર્દીને મહત્ત્વ આપે છે અને અન્ય સંબંધ બિન મહત્ત્વનો ગણીને તેનાથી દૂર થઈ જતા હોય છે. પણ આગળ જતી વખતે એ પાછળ વળીને જોતા નથી કે છોડી દીધેલા સંબંધોમાં કેટલા ઉઝરડા પડ્યા છે, અંગત વ્યક્તિ કેટલા ઘાયલ થયા છે એ વિચારતા નથી. આવા લોકો સફળ તો થાય છે, પણ સુખી નથી થતા. વ્યવસાય કે કારકિર્દી માટે અંગત સંબંધને દાવ પર લગાડનારા લોકો પછીથી પસ્તાય છે. કારણ કે આપણી સફતળા, સંપત્તિ કે સુખને વહેંચવા માટે પણ આપણે એવી અંગત વ્યક્તિની જરૂર હોય છે. જે આપણી સાથે હોય અને આપણને સુખી જોઈને તેને આનદ થાય. માણસ એકલો રડી શકે છે, પણ એકલો હસી શકતો નથી. આનંદની અભિવ્યક્તિ કરવા, ખુશી વહેંચવા, પાર્ટી કરવા એક સાથીની જરૂર હોય જ છે, અંગત વ્યક્તિની જરૂર હોય છે. વ્યવસાય અને કારકિર્દી માટે આવા સાથીને, અંગતને ઠોકર ન મારવી. જેની પાસે આવડત હોય છે, કળા હોય છે, બુદ્ધિ છે તેને કામ મળી જ રહે છે. પણ જે સંબંધ વર્ષાે સુધી સાથે હોય, જે સંબંધ આપણા જીવનનુ મહત્ત્વનું અંગ હોય તેવો સંબંધ એકવાર દૂર જાય તો પછી કદાચ ફરીથી મળે તો પણ તેમાં એ લાગણી કદાચ ન હોય. કામ, નોકરી, પ્રોજેક્ટ તો બીજા મળી જાય, પણ મિત્ર, પ્રેમ, ભાઈ-બહેન બીજા ન મળે. એટલે કામને બદલે કુટુંબને સાચવી લેવું વધુ યોગ્ય છે.

અંગત સંબંધના ભોગે મળેલી વ્યવસાયિક સફળતા અંતે જીવનની નિષ્ફળતા પુરવાર થાય છે. એક દોસત, એક સંબંધ કે એક અંગત વ્યક્તિ થોડા હજાર, થોડા લાખ રૂપિયા કરતા વધુ મહત્ત્વના છે. કારણ કે રૂપિયાથી સગવડતા ખરીદી શકાય છે, સુખ નહી. રૂપિયાથી મકાન ખરીદી શકાય છે, ઘર નહી, રૂપિયાથી પાર્ટી કરી શકાય છે તો ખુશી નથી મળતી... આ સુખ, ઘર, ખુશી માટે તો અંગત વ્યક્તિઓ જ જોઈએ.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાવણ વિદ્વાન પણ અહંકારી-વિનાશકારી

                                                                                                                                                                                                      

રાવણ... દશેરા આવે એટલે રાવણ યાદ આવે, અસત્ય પર સત્યની જય એવા વિચાર સાથે રાવણદહન કરવામાં આવે. રાવણ શબ્દ સાંભળતા જ દશ માથાવાળો, અટ્ટહાસ્ય કરતો, મોટી આંખ, મોટી મુંછવાળો પડછંદ રાક્ષસ નજર સામે આવે.. રાવણ ખરાબ હતો, પાપી હતો, દુષ્ટ હતો... પણ તેનામાં કંઈક તો ગુણ હતા જ... તેનામાં રહેલા અવગુણોએ તેના ગુણને દબાવી દીધા.. પણ તેનામાં સારા ગુણ હતા જ.. શ્રીરામે પણ કહ્યું છે કે રાવણના સારા ગુણને શબ્દોમાં સમજાવવા મુશ્કેલ છે.. રાવણને અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવામાં આવે છે અને એટલે જ રાવણના વધ પછી મૃત્યુ આવે તે પહેલાં શ્રીરામે લક્ષ્મણજીને રાવણ પાસે જ્ઞાન લેવા મોકલ્યા. તેના સારા ગુણ છતાં તે ખલનાયક હતો... આવતીકાલે દશેરા છે.. રાવણ પર ભગવાન રામના વિજયનો દિવસ.. પૌરાણિક કથાઓમાં રાવણ ખલનાયક જ હતો. પણ ક્યાંક તેના સારા ગુણ જોઈએ તો... તે મહાન સંગીતકાર હતો, આખી દુનિયામાં તેનો કોઈ મુકાબલો ન કરી શકે તેટલો તાકાતવર હતો, ભગવાન શિવનો પરમ ભક્ત હતો, વર્ષાે સુધી તપસ્યા કર્યા પછી પણ ભગવાન પાસે તેણે સૌથી મોટા ભક્ત તરીકેની ઓળખ માગી હતી, તે એટલો બુદ્ધિશાળી હતો કે એક માથું તેની બુદ્ધિ સહન કરી શકે તેમ ન હતું એટલે તેને દસ માથાની જરૂર હતી...

આ બધું હોવા ઉપરાંત તેના જીવનનું કેન્દ્રબિંદુ અહંકાર હતું. તે ઘમંડી અને વાસનાથી ભરેલો હતો. તેણે સૌથી મોટું પાપ એ કર્યું કે બીજાની પત્નીને પોતાની બનાવવા પ્રયાસ કર્યાે તે ધર્મને સારી રીતે જાણતો હોવા છતાં હંમેશાં અધર્મનો પ્રયાસ કર્યાે.

રાવણે અમૂક સારા કાર્ય પણ કર્યા હતા, પણ તેનો જન્મ જ દુષ્ટતા માટે થયો હતો તે તેના જીવનની દસ વાત પરથી જાણી શકાય છે. રાવણ ઋષિ વિશ્વા અને રાક્ષસ સુમાલીની પુત્રી કૈકસીનો પુત્ર હતો. જ્યારે દેવતાઓ શક્તિશાળી થઈ ગયા અને દાનવો હારી ચુક્યા હતા, ત્યારે દૈત્યોએ કુબેરના પિતા વિશ્વા મુની સાથે કૈકસીના લગ્ન કરાવ્યા. જેથી એક શક્તિશાળી રાક્ષસ તેમના સંતાન તરીકે જન્મ લે અને તેમના ચાર સંતાનોમાં રાવણ સૌથી મોટો સંતાન.

રાવણ નામ કેવી રીતે પડ્યું તેની પાછળ પણ એકથી વધારે વાતો છે. રાવણનો અર્થ છે ચડાવનારો કે ભારે રડવા વાળો... રાવણનો જન્મ થયો ત્યારે તે ખૂબ મોટેથી રડ્યો, તેના રડવાના અવાજથી સૌ ડરી ગયો અને તેનું નામ રાખવામાં આવ્યું રાવણ... બીજી એક વાત મુજબ જ્યારે રાવણે કૈલાસ પર્વત ઉઠાવ્યો તો ભગવાન શિવે પોતાના પગના અંગુઠાથી તેને દબાવી દીધો. તેના વજનથી કૈલાસની નીચે તેનો હાથ દબાઈ ગયો અને પીડાના કારણે તેના આંસુ નીકળી ગયા. આ રૂદનથી ભગવાન શિવે તેને રાવણ નામ આપ્યું.

રાવણના દસ મસ્તક માટે એવું કહેવાય છે કે ભગવાન બદમાને પ્રસન્ન કરવા માટે રાવણે પોતાનંુ માથું કાપીને યજ્ઞમાં આહુતી આપી. ભગવાન બ્રહ્માએ તેનું માથું ફરી જોડી દીધું. એવું દસવાર થયું. દસેય વખત ભગવાને માથું જોડી દીધું અને તેની આ ભક્તિથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે, આ તમામ દસે દસ માથા તેની પાસે રહેશે.

રાવણ પ્રખર વિદ્વાન હતો, તે વેદોનો પંડિત હતો. એવું મનાય છે કે વેદોની ઋચાને સ્વરબદ્ધ કરવાનું કામ રાવણે જ કર્યું હતું. એવું કરવા માટે ભગવાન શિવે તેને કહ્યું હતું. તે શિવનો પરમ ભક્ત હતો. શિવને પ્રસન્ન કરવા માટે તેણે અનેક મંત્રોની રચના કરી હતી. શિવ તાંડવ સ્ત્રોત પણ રાવણે રચેલું છે. આટલું જ્ઞાન હોવા છતાં તે અહંકારી હતો એટલે તેનો અનાદર થયો.

લંકા રાવણની ન હતી તેના સાવકાભાઈ કુબેરની હતી. જે બ્રહ્માજીએ તેને આપી હતી. પુષ્પક વિમાન પણ કુબેરનું જ હતું. બ્રહ્માજી પાસેથી શક્તિનું વરદાન મળ્યા પછી રાવણ સૌથી પહેલાં લંકા પહોંચ્યો અને કુબેરને હરાવીને ત્યાંથી ભગાડી દીધા. તેના પછી લંકા અને પુષ્પક વિમાન પર કબજો કરી દીધો.

રાવણ વિદ્વાન હતો, પણ દુષ્ટ, અધર્મી હતો, તેને શ્રાપ હતો કે કોઈ સ્ત્રીને તેની મરજી વિરૂદ્ધ સ્પર્શ કરશે તો તેનું મૃત્યુ થશે. આ જ શ્રાપના ડરથી તેણે સીતામાતાને અશોકવાટિકામાં રાખ્યા હતા. તેમને મનાવવા, રાજી કરવા પ્રયત્ન કરતો, ડરાવતો, ધમકાવતો પણ સ્પર્શ ન કરતો.

રાવણની કેટલીક અધર્મી ઈચ્છાઓ હતી. તે મદીરા એટલે કે દારૂમાંથી દુર્ગંધ હટાવવા માગતો હતો જેથી કોઈ પીવે તો બીજાને ખબર ન પડે. તે અગ્નિમાંથી ધુમાડો હટાવવા માંગતો હતો કે જેથી યજ્ઞથી થનારા ધુમાડાના કારણે ઊભી થતી સકારાત્મક ઉર્જાને કારણે દેવતાઓ શક્તિશાળી ન બને. તે સ્વર્ગ સુધી સીડી બનાવવા માંગતો હતો, જેથી ઈચ્છા પડે ત્યારે ત્યાં જઈ શકે.

તેણે પરિવાર કરતા પોતાને મહત્ત્વ આપ્યું. ભાઈ વિભીષણને લંકામાંથી કાઢી મૂક્યા. મામા મારીચને સોનાનું હરણ બનવા મજબૂર કર્યા, ભાઈ કુબેર પાસેથી બધું છીનવી લીધું. જાતને વધુ મહત્ત્વ આપવામાં પરિવાર જોઈ નાખ્યો.

શ્રીરામ સામે યુદ્ધ કરતા પહેલા રાવણ ત્રણ વ્યક્તિઓ સામે હારી ગયો હતો. વાનરરાજ બાલી સામે યુદ્ધ કરવા ગયેલા રાવણને બાલીએ બગલમાં દબાવીને ચાર સમુદ્રોની પરિક્રમા કરી હતી. સહસ્ત્રબાહુ અર્જુને પોતાના રાજ્યમાં કેદ કરી લીધો હતો. પાતાળ લોકમાં રાજા બાલી સામે યુદ્ધ કરવા ગયેલા રાવણને પકડીને ઘોડાના તબેલામાં બાંધી દીધો હતો.

રાવણ ખુદને સૌથી શક્તિશાળી માનતો હતો. તે ઈચ્છતો હતો કે દુનિયા દેવતાઓને છોડીને તેની પૂજા કરે. તે સ્વર્ગ-નર્કનો ભેદ મિટાવવા માંગતો હતો. સમગ્ર બ્રહ્માંડમાં પોતાની સત્તા ચલાવવા માંગતો હતો.

આવા રાવણની સદીઓથી વાત થાય છે, દર વર્ષે તેના પૂતળાનું દહન કરવામાં આવે છે. પણ આજના સમાજની વાસ્તવિકતા જોઈએ તો આજે રાવણનો પાર નથી. કોઈપણ વ્યક્તિ ગુનો કરતા ડરતા નથી, રાવણે ક્યારેય જાતને છુપાવી ન હતી, જ્યારે આજે સારા ચહેરાની આડમાં કેટલાયના મનમાં રાવણ વૃત્તિ છે જ, ખરેખર તો તેનું દહન જરૂરી છે. રાવણ તો એક ઉદાહરણ છે કે આટલા બધા ગુણ અને શક્તિ ધરાવતો મહાન માણસ પણ અભિમાન અને લાલચના કારણે નાશ પામી શકે છે, આપણે તેમાંથી એટલું પામવું જોઈએ કે અભિમાન-ઘમંડ, મોહ, માયા, લાલચ આ બધું એક દિવસ આપણા અંતનું કારણ બનશે.. માટે આ બધાનો ત્યાગ કરીએ અને સારા માણસ બનવાના પ્રયત્ન કરીએ... સર્વેને દશેરાની શુભેચ્છા...

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અપેક્ષાના ભાર તળે દબાતી દીકરીઓ...

                                                                                                                                                                                                      

એક ૪૦ વર્ષની દીકરી દુઃખી છે, તે તેના માતા-પિતા માટે લાગણી છે, પણ માતા-પિતાના વર્તનથી દુઃખી છે, તે ડિપ્રેશન જેવી હાલતમાં છે, કંઈ કહી શકતી નથી અને સહન કરી શકતી નથી. તેને લાગે છે કે તેના માતા-પિતાને તેનાથી કંઈક અપેક્ષા છે, પણ તે લોકો બોલી શકતા નથી. માતા-પિતાને તેના માટે લાગણી તો છે, પણ બીજા કેટલાય કારણો છે, જેનાથી તેમની લાગણી દબાઈ જાય છે તે વિચારે છે કે હું શું કરૃં તો બધાને ખુશ રાખી શકું, તે વિચારે છે કે હું ક્યાં ખોટી છું? તે સતત પોતાના વર્તનને, વ્યવહારને, શબ્દોને ચકાસતી રહે છે સતત આત્મમંથન કરે છે કે મારા પ્રયત્નો ક્યાં ઓછા પડે છે? હું કઈ જગ્યાએ ખોટી છું પણ તેને તેના સવાલના જવાબ નથી મળતા... તેને લાગે છે કે તે જિંદગી જીવતી નથી, માત્ર ઢસળે છે.

આ દીકરી કહે છે કે એક તો હું મારા માતા-પિતાની ત્રીજા નંબરની દીકરી, જુનવાણી વિચારોને કારણે આમ પણ પહેલેથી જ દીકરીઓ પ્રત્યે થોડો શુષ્ક વ્યવહાર તેમાં ચોથા નંબરે દીકરો, એટલે દીકરાની કાળજી વધારે... અભાવ, ગરીબીમાં મોટી થતા લગ્ન થયા, લગ્ન પછી પણ સુખ બે ડગલા દૂર જ રહ્યંુ અને લગ્નના થોડા વર્ષાે પછી ડિવોર્સ થયા, ફરીથી માતા-પિતાના ઘરે, બહુ ભણેલી નહી એટલે નાની નોકરી કરે, પણ ઘરમાં બહુ મદદ ન કરી શકે... તેમાં ભાઈના લગ્ન પછી ભાભી આવતા માતા-પિતાની લાગણીનો ઢોળાવ તેના તરફ વધારે... તેમાં આ દુઃખી દીકરી વધારે દુઃખી થાય...

આ વાત કદાચ એક દીકરીની નથી, આવી કેટલીયે દીકરીઓ હશે જે પોતાની વાત કોઈને કહી શકતી નહી હોય. આ વાત ડિવોર્સી દીકરી માટે જ નહી પણ અપરિણીત દીકરીઓ માટે પણ લાગુ પડે છે. મોટી ઉંમરની અપરિણીત કે ડિવોર્સી દીકરી માતા-પિતા સાથે રહેતી હોય ત્યારે માતા-પિતાની કેટલીક અપેક્ષા હોય છે. દીકરી કમાતી હોય ત્યારે કંઈક આશા હોય છે. દીકરી કમાય, સ્વતંત્ર રહે એ માતા-પિતાને ગમે તો છે જ, પણ સાથે સાથે સમાજનો કયાંક ડર પણ હોય છે. કમાતી દીકરી ઘરમાં આર્થિક મદદ કરે તો પણ સમાજના લોકો મહેણા મારશે એવો ડર હોય છે અને જો તે કમાતી ન હોય તો થોડા વર્ષાે પછી માતા-પિતાને તો કદાચ ન લાગે, પણ ઘરના અન્ય સભ્યોને બોજ લાગે છે.

માતા-પિતા દીકરીને મદદ કરે જ છે, સમાજ સામે ઢાલ બનીને ઊભા જ રહે છે, પણ છતાં સમાજનો એક છૂપો ભય રહે જ છે. એકલી દીકરી મોજશોખ કરે, ફરવા જાય, રાત્રે મોડી ઘરે આવે ત્યારે તેને એકાદ-બે શબ્દો તો કહેવાય જ જાય છે, પણ આજના સમયે માતા-પિતા સાથે રહેતી વધુ જવાબદાર હોય છે.

ક્યારેક નાના ભાઈ બહેનની જવાબદારી પણ ઉપાડી લેતી હોય છે. એકલી રહેતી દીકરી ઘરમાં કંઈ બોલી શકતી નથી, ભલેને તે કમાતી હોય તો પણ તેણે ભાઈ-ભાભી સાથે રહેવા માટે 'ચૂપ રહેવું' તેમ કહેવામાં આવે જ છે. જાણ્યે અજાણ્યે તેને ઓશિયાળુ જીવન જીવવા માટે મજબૂર કરી દેવાય છે. પાછું માતા-પિતા સાથે રહેતી હોય એટલે કામકાજની જવાબદારી, વૃદ્ધ માતા-પિતાની જવાબદારી તેના માથે જ આવે છે. નોકરી કરીને ઘરે આવે ત્યારે પણ ઘરનું કામ તેની રાહ જોતું જ હોય છે. કેટલાક કિસ્સામાં તો દીકરી ડિવોર્સ લઈને ઘરે આવી ગઈ હોય ત્યારે ભાભી ઘરની જવાબદારીમાંથી આપમેળે નિવૃત્તિ લઈ લે છે.

મોટી ઉંમરની અપરિણીત કે ડિવોર્સી દીકરી કદાચ કોઈના પ્રેમમાં પડે કે કોઈ સાથે તેને દોસ્તીથી વિશેષ સંબંધ હોય ત્યારે તો ઉહાપોહ થઈ જાય છે. એક વખત લગ્નમાંથી વિશ્વાસ ગૂમાવેલી દીકરીને બીજીવાર પ્રેમ થાય તો સમાજ સહન નથી કરી શકતો. તો ક્યારેક આવી દીકરીને બીજીવાર પરણાવવાની ઉતાવળમાં માતા-પિતા પૂરતી તપાસ કર્યા વગર દીકરીને વળાવી દે છે. ક્યારેક તો દીકરી એક ઘામાંથી ઉભરી પણ ન હોય અને તેને બીજા ઘરે વળાવી દેવાય છે અને એ સ્થિતિમાં દીકરીની મનો સ્થિતિ વિશે કોઈ વિચાર કરતું જ નથી અને જો દીકરી લગ્ન ન કરે અને ઘરમાં જ રહે તો તેને બોલવાનો જાણે અધિકાર નથી એવું માની લેવાય છે, ક્યારેક તે કેટકેટલું કરે તો પણ તેના પ્રયત્નો અધુરા જ લાગે છે. શરૃઆતમાં વાત કરી તેમ દીકરી ડિવોર્સી છે એટલે તેણે સતત પોતાના વાણી, વર્તન, વ્યવહારના કંટ્રોલમાં રાખવા પડે છે. ક્યાંક કોઈને ખોટું લાગી જશે એવો ડર તેને સતત રહેતો હોય છે.

પણ અહીં એક વાત કહું કે જે દીકરી પૂરા મનથી, પૂરી નિષ્ઠાથી, પૂરા વ્હાલથી માતા-પિતાનું ધ્યાન રાખતી હોય, પિયરમાં રહેતી હોય ત્યારે માતા-પિતા પ્રત્યે પૂરી જવાબદાર હોય, આર્થિક, શારીરિક, માનસિક સાથ આપતી હોય તો તે દીકરીએ અપરાધભાવ રાખવાની જરૃર નથી 'કંઈક ઓછું' એ કદાચ કોઈ વ્યક્તિના મનમાં હોય, વાણી-વર્તનમાં ન હોય બધા જ સંબંધોમાં અપેક્ષા હોય જ છે અને જ્યાં સ્નેહ છે ત્યાં અપેક્ષા સ્વાભાવિક જ છે. અગત્યનું એ છે કે આપણી અપેક્ષા અને સામી વ્યક્તિની નિષ્ઠા જોખવામાં આવે છે ત્યારે આપણી અપેક્ષાનું પલ્લું નીચંુ જ રહે છે અને એટલે જ સંબંધમાં કદાચ ખટાશ આવે છે. માતા-પિતાએ એ સમજવું પડશે કે જે દીકરીએ લગ્ન નથી કર્યા અથવા જે દીકરી ડિવોર્સી છે તે તમારા પર જેટલો ભરોસો કરે છે તેટલો દુનિયાની કોઈ વ્યક્તિ પર નથી કરતી. તે સતત એ ભયમાં જ જીવે છે કે ક્યાંક તેનાથી કંઈક માગણી ન થઈ જાય. ક્યાંક તે બોજ ન બની જાય અને એટલે જ તે... 'ચાલશે.. ફાવશે'ની નીતિ અપનાવે છે. માતા-પિતાને એટલું જ કહીશ કે જે દીકરી તમારી સાથે રહે છે તેના પણ કંઈક અરમાન તો હોય જ, તેની પણ સ્વતંત્રતા હોય જ, તેના પર તમે ભાર ન નાખો. ઘરની નાની મોટી જવાબદારી તે ઉપાડી લે છે. ત્યારે તેના પર વધારે જવાબદારી ન મૂકો... 'સાથે રહે છે તો આટલું તો કરે જ ને...' એવું ન કહો.. તે તમારી સાથે રહે છે તે તેનું દુર્ભાગ્ય છે એવું તેને ન લાગે તેનું ધ્યાન રાખો.. દીકરાના લગ્ન થાય, પછી ઘરમાં નાની દીકરી હોય ત્યારે માતા હંમેશાં દીકરીને વહુ કરતા વધારે લાડ કરતી હોય છે, પણ જ્યારે દીકરી ડિવોર્સી હોય ત્યારે એ જ માતા દીકરી કરતા વહુને વધારે લાડ કરતી હોય છે. દુઃખી દીકરીના ઘા પર આ વર્તન મીઠું ભભરાવવાનું કામ કરે છે. આવું ન થાય એ જોવાની જવાબદારી માતા-પિતાની છે.

છેલ્લે એક વાતની ચોખવટ કે આ વાત દરેકને લાગુ પડતી નથી.. કેટલાય માતા-પિતા ડિવોર્સી દીકરીને અહેસાસ પણ નથી થવા દેતા કે તે દુઃખી છે. એટલે આ વાત દરેક માટે નથી, સહજ, સ્વાભાવિક વાત કરી છે... કોઈને દુઃખ થયું હોય તો પહેલેથી જ માફી માંગુ છું.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh