કાગડા તો બધેય કાળા જ...!

એક વખત મંત્રીશ્રીએ તેના ડ્રાઇવરને કહ્યું, "આજે હું કાર ચલાવીશ, તું બાજુમાં આરામથી બેસ."

આ સાંભળીને ડ્રાઇવર નીચે ઉતરી ગયો અને બોલ્યો, "માફ કરજો માલિક, આ કાર છે સરકાર નથી કે ગમે તે ચલાવી શકે ...!! "

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં અત્યારે ધમાસાણ મચી ગયું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચૂંટણીમાં મળેલી હાર સ્વીકારવાની ના પાડે છે, અને તેમના સમર્થકો અંધાધુંધી ફેલાવે છે.

આ બધું જોઈને મને આજથી લગભગ બે દાયકા પહેલાંનું બિહારની યાદ આવે છે કે જ્યારે ત્યાં લાલુ પ્રસાદ યાદવનું એકચક્રી શાસન ચાલતું હતું, જે જંગલરાજ તરીકે ઓળખાતું. અને લાલુ પ્રસાદ યાદવના સમર્થકો કાયદો-વ્યવસ્થાનો સરેઆમ ભંગ કરતા. કોર્ટે પણ જ્યારે લાલુપ્રસાદ યાદવને ભ્રષ્ટાચારના દોષી માન્યા અને મુખ્યમંત્રી પદ માટે અયોગ્ય ઘોષિત કર્યા, ત્યારે તેમણે તેમના પત્ની શ્રીમતી રાબડીદેવીને મુખ્યમંત્રીપદે બેસાડી દીધા અને પોતાનું શાસન ચાલુ રાખ્યું. !

અમેરિકાની આજની પરિસ્થિતિ જોઈને મને એક જુનો જોક યાદ આવે છે. કહે છે કે અમેરિકાના પ્રેસિડેન્ટે બિહારના મુખ્યમંત્રી શ્રી લાલુ પ્રસાદ યાદવને ઓફર કરેલી કે, 'ફક્ત એક વર્ષ બિહારનું શાસન અમને આપી દો, બિહારને અમે અમેરિકા જેવું આધુનિક અને સમૃદ્ધ બનાવી દેશું'.

જવાબમાં લાલુપ્રસાદ ભરપૂર આત્મવિશ્વાસથી કહેલું, "તમે મને અમેરિકાનું શાસન સોંપી દો હું ફક્ત એક મહિનામાં અમેરિકાને બિહાર જેવું બનાવી દઈશ...!! "

કહે છે કે કાગડા બધે કાળા જ હોય'. જો આ વાત કાગડા માટે, ૧૦૦ ટકા સાચી હોય તો રાજકારણીઓ માટે તે ૧૧૦ ટકા સાચી છે. પહેલા તો તેઓ સીધાસાદા કાર્યને આડે પાટે ચડાવશે, પછી તેને સિધે પાટે ચડાવવાનો દેખાવ કરશે. પછી તે કાર્ય બીજા કોઈ જ્યારે સારી રીતે પૂરું કરશે, ત્યારે તેનો જશ લેવા અચાનક પ્રગટ થશે અને ચહેરા પર પ્લાસ્ટિક સ્માઈલ સાથે ફોટોગ્રાફીમાં સૌથી આગળ ઊભા રહેશે....!

આપણા દેશ, અને દુનિયામાં પણ, ફક્ત રાજનીતિ જ એવો વ્યવસાય છે કે જેના માટે કોઈ ડિગ્રી કે ઉપાધિની જરૂર નથી. રાજનીતિમાં દાખલ થવા માટે કોઈ તૈયારીની પણ જરૃર નથી.

આપણી લોકશાહી ખરેખર મહાન છે, કારણ કે તે બધાને મૂર્ખતાપૂર્ણ કાર્ય કરવાની પૂરેપૂરી તક આપે છે. દા.ત. કોઈ એક સરકારી યોજનાથી સમાજના એક વર્ગને ફાયદો થતો હોય તો બીજો વર્ગ તરત જ તેનો વિરોધ કરવા ઊભો થઇ જશે અથવા તો તે યોજનામાં ભાગ પડાવવાની કોશિશ કરશે.

હવે અહીં રાજકારણીની એન્ટ્રી થશે. અહીં તેની ભૂમિકા પેલા બે બિલાડી વચ્ચે ન્યાય તોળતા વાંદરાની જેવી હશે. પેલી બંને બિલાડીઓની જેમ મૂર્ખ પ્રજાજનોને પણ એમ જ લાગે છે કે તેમને ન્યાય મળે છે, પરંતુ અંત જુએ છે ત્યારે ખબર પડે છે કે ન્યાય આપવાનો બહાને, મીઠાઈ તો બધી જ વાંદરો જમી ગયો છે.!

નેતાજી સામે એક વખત મોટી સંપત્તિ ભેગી કરવાનો આક્ષેપ થયો. નેતાજીએ પત્રકાર પરિષદમાં જવાબ આપ્યો અને સંસદમાં પણ પોતાનો જોરદાર બચાવ કર્યો. પરંતુ ઘરે  ? !!

એક વખત નેતાજીનું જમ્યા બાદ ભાષણ હતું. ભાષણ એકદમ બોરીંગ હતું. શ્રોતાઓ કંટાળ્યા હતા. તેમાં નેતાજીએ રસોઈના વખાણ ચાલુ કર્યા અને કહ્યું,  "જો એક લાડુ પણ વધુ ખવાઈ ગયો હોત તો મને નીંદર આવી જાત..!" તરત જ બધા શ્રોતાઓએ એકી અવાજે માંગણી કરી, "આ નેતાજીને જલદીથી એક લાડુ આપો...!!!"

close
Ank Bandh
close
PPE Kit