ફૂંકાયું ચૂંટણીનું બ્યુગલ... રે ભાઈ... મોસમ આવી 'મતો' લણવાની! કોંગ્રેસ આકરા પાણીએ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ. હવે રૃવાબથી ફરતા નેતાઓે અચાનક વિનમ્ર બની જશે અને પક્ષપલટુઓની સિઝન ખુલી જશે! કેટલાક સ્થળો પરથી તો પક્ષ પલટાના અહેવાલો પણ આવવા લાગ્યા છે.

બીજી તરફ ચૂંટણી પંચે મતદાન અને પરિણામોની તારીખો મહાનગર પાલિકાઓ માટે અલગ અને પંચાયત-પાલિકાઓ માટે અલગ રાખતા કોંગ્રેસે વાંધો લીધો છે. તમામ પરિણામો એક સાથે જ આવે, તેવી રીતે મતગણત્રીની તારીખો રાખવા આક્રોશ સાથે માંગણી ઉઠી છે. આ માંગણીઓને લઈને સુપ્રિમ કોર્ટ સુધી કાનૂની લડત આપવાની જાહેરાત પણ થઈ છે.

આ વખતે આચારસંહિતા અમલમાં છે અને કોરોનાની માર્ગદર્શિકા પણ લાગુ થયેલી જ છે, ત્યારે જ પ્રજાસતાક પર્વની પણ ઉજવણી થવાની છે. જેથી તંત્રો સામે પડકારો વધ્યા છે. એક તરફ કોરોનાની મહામારીએ હજુ વિદાય લીધી નથી તો બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પણ શરૃ થઈ છે. આ તમામ સ્થિતિ વચ્ચે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્વક ચૂંટણીઓ સંપન્ન થાય, તેની સાથે સાથે કોરોનાને લઈને એસઓપીનું ચુસ્ત પાલન થાય તેવી રીતે ચૂંટણીની તમામ  પ્રક્રિયા સંપન્ન કરાવવી, એ ચૂંટણીપંચ માટે પણ પડકારરૃપ છે.

ચૂંટણીપંચે પણ આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવાની નિયમાવલી બનાવી છે. આદર્શ આચારસંહિતાના અમલ માટે આ વખતે કેટલાક નિયમોમાં સુધારા વધારા પણ કરાયા છે. પ્રજાસત્તાક પર્વની ઉજણવીના ભાષણોમાં મંત્રીઓ કે મુખ્યમંત્રી પોતાની સરકાર કે પાર્ટીના ગુણગાન ગાઈ શકશે નહીં. પ્રજાસત્તાક પર્વ એટલે ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસે થતા વકતવ્યોમાં સરકારી કાર્યક્રમો, યોજનાઓ, સિદ્ધિઓ કે જાહેરાતો કરી શકશે નહીં કે નવા નવા વાયદાઓ કરી શકાશે નહીં.

પ્રજાસત્તાક પર્વે કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીકો, નેતાઓની તસ્વીરો કે સૂત્રો, બેનર્સ કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા પણ બેનર્સ-સ્લોગનનો ઉપયોગ પણ થઈ શકશે નહીં.

રાજ્યની ૬ મનપા, ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. રાજકીય પક્ષોએ તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. હવે ટિકિટો વહેંચવાની (કે વેંચવાની?) પ્રક્રિયા પણ શરૃ થશે. આ મોસમને 'મતો' લણવાની મોસમ ગણી શકાય. 'મતો' લણવા ઉતરી પડનારા નેતાઓ હવે રેલીઓ, સભાઓ અને સંમેલનો યોજશે. ટેલિવિઝનની ન્યુઝચેનલોમાં આવીને બૂમબરાડા પાડશે, નવા વાયદાઓ, કાયદાઓ, 'ફાયદાઓ'ના વાવાઝોડા ત્રાટકશે અને ગમે તેમ કરીને ચૂંટણી જીતી લેવાના કારસાઓ પણ કરાશે.

માસ્ક નહીં પહેરવા બદલ હજારોના દંડ કરતા તંત્રો હવે રાજકીય પક્ષોની સભાઓ, સંમેલનો કે રેલીઓમાં ખુલ્લા મૂખે ફરતા નેતાઓ-કાર્યકર્તાઓની લાજ કાઢશે અને સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતા મોટા માથાઓ કે રાજકીય કાર્યકરો-નેતાઓ માટે આંખ આડા કાન કરતા દેખાશે તો તેઓ પણ હવે લોકોની આંખે ચડી જવાના છે, તદુપરાંત ચૂંટણી પંચની 'તિસરી આંખ' માં પણ ઝડપાઈ જવાના છે, તેથી બી કેરફૂલ..

મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જાય તો તેની અસર તે પછીની પાલિકા-પંચાયતોની ચૂંટણી પર પડે, તેવી દલીલમાં દમ છે અને આ મુદ્દે અંતિમ નિર્ણય તો અદાલત જ લેશે, ટીકાને પણ તકમાં પલટાવીને એવી દલીલ થઈ રહી છે કે મનપામાં કોની હાર થશે તે નક્કી થઈ ગયું છે!

close
Ank Bandh
close
PPE Kit