Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(પ્રકરણ : ૫)
'તું મને ના નહિ પાડી શકે! તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારૃં મન હોય કે ન હોય, પણ તારે મારૃં કહ્યું માને જ છૂટકો છે!! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે!!!'' જિગરના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો,
એટલે જિગર વિચારમાં પડયો. જોકે, આમાં તેણે વિચારવા જેવું શું હતું ? ! તે સપનામાં પણ વિશાલનું ખૂન કરી શકે એમ નહોતો. 'શીના !' જિગર મનમાં હિંમત એકઠી કરીને બોલ્યો : 'તારાથી થાય એ કરી લે, પણ એક વાત તો નકકી જ છે. હું કોઈ હાલતે વિશાલનું ખૂન નહિ કરૃં !'
'ઠીક છે.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જાણે તેના માથા પરનો ભાર હળવો થઈ ગયો. 'શીના ચાલી ગઈ લાગે છે.' મનોમન વિચારતાં જિગર બોલ્યો : 'શીના !'
શીનાનો કોઈ જવાબ સંભળાયો નહિ.
જિગરે રાહત અનુભવી. 'તેણે વિશાલનું ખૂન કરવાની ના પાડી એટલે શીના ચાલી ગઈ લાગે છે. સારૃં જ થયું હતું ! તે કંઈ માહીને મેળવવા માટે વિશાલને થોડો મોતને ઘાટ ઉતારી શકે ? !' તેણે વિચાર્યું અને મહેંદીની વાડની પેલી તરફ જોયું. અત્યારે બાંકડા પર માહી એકલી જ બેઠી હતી. વિશાલ ફરી પાછો કંઈક લેવા માટે ગયો હોય એમ લાગતું હતું.
જિગર ગાર્ડનમાંથી બહાર નીકળી જવા માટે ગાર્ડનના મેઈન ઝાંપા તરફ વળ્યો અને આગળ વધવા ગયો, ત્યાં જ તેના કાને અવાજ પડયો : 'જિગર !'
અને ચાર મહિના પછી આજે પહેલીવાર સંભળાયેલા માહીના અવાજને જિગરના કાન તુરત જ પિછાણી ગયા. તેના હૃદયના તાર ઝણઝણ્યા ને તેણે પાછું વળીને મહેંદીની વાડની પેલી તરફ જોયું, તો બાંકડા પાસે માહી ઊભી હતી ને તેની તરફ જોઈ રહી હતી.
તેના પગ જાણે આપમેળે જ માહી તરફ ચાલ્યા. તે માહી પાસે પહોંચ્યો ત્યાર સુધીમાં માહીની આંખો ભીની થઈ ચૂકી હતી.
'જિગર!' માહીએ એકસાથે જ જિગરને ઘણાં બધાં સવાલ પૂછી નાંખ્યાઃ 'તું કયાં ગાયબ થઈ ગયો હતો આટલા દિવસથી?! તેં મારો મોબાઈલ કેમ ઉઠાવ્યો નહિ?! તું... તું મને મળવા કેમ આવ્યો નહિ?!'
'માહી!' જિગર ગમગીન અવાજે બોલ્યોઃ 'હવે આ બધી વાતોનો કોઈ અર્થ નથી. તેં સગાઈ કરી લીધી છે, અને...'
'મારે મજબૂરીને લીધે વિશાલ સાથે લગ્ન કરવા પડી રહ્યા છે.' માહી બોલી : 'વિશાલે પહેલાં મારા પપ્પા સાથે ધંધામાં પાર્ટનરશીપ કરી અને પછી એ મારા પપ્પા સાથે દગો કરીને, મારા પપ્પાના ધંધાદારી હરીફ સાથે મળી ગયો. મારા પપ્પાને માથે લાખ્ખો રૂપિયાનું દેવું આવી પડયું.' માહી સહેજ રોકાઈને આગળ બોલીઃ 'વિશાલે મને કહ્યું કે, એ મારા પપ્પાનું દેવું ભરી શકે એમ છે, પણ બદલામાં મારે એની સાથે લગ્ન કરવા પડશે. મારૃં મન નહોતું, પણ મારે વિશાલની વાત માન્યા વિના છૂટકો નહોતો.
'અચાનક માથે આવી પડેલા દેવાથી પપ્પાની હાલત કફોડી હતી. મને લાગ્યું કે, જો પપ્પા જલદીથી દેવામાંથી બહાર નહિ આવે તો તેઓ આપઘાત કરવા જેવું પગલું પણ ભરી શકે. અને એટલે મેં મારા પપ્પાની જિંદગી બચાવવા માટે તારી સાથે પરણીને જિંદગી જીવવાની ઈચ્છાને મારી નાંખી. હું વિશાલ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. મેં વિશાલ સાથે સગાઈ કરી લીધી.' માહીના ગળે ડૂમો બાઝી ગયો : 'કદાચ..,' માહીએ ગળું ખંખેરતાં કહ્યું : '...મારા નસીબમાં આ જ લખાયેલું હશે.' અને આંખમાં આવી ગયેલા આંસુને લૂંછતાં માહીએ ઊતાવળા અવાજે કહ્યું : 'હવે તું જા. હમણાં વિશાલ આવતો જ હશે. એ ખૂબ જ શંકાશીલ છે. એ જો તને મારી સાથે ઊભેલો જોશે તો મને પરેશાન કરી નાંખશે.'
'માહી....'
'પ્લીઝ...,' માહી બીજી તરફ મોઢું ફેરવી ગઈ : '...તું જા, જિગર !'
'ભલે, પણ મેં ઘર બદલ્યું છે. તારૃં મન થાય તો મળવા આવી જજે.' અને જિગર નવા ઘરનું સરનામું બોલી ગયો, ત્યાં જ તેને દૂરથી વિશાલ આ તરફ આવતો દેખાયો. જિગર એક નિશ્વાસ નાંખતા ઝડપી પગલે ત્યાંથી આગળ વધી ગયો, તે મહેંદીની વાડ પાસે પહોંચ્યો, ત્યાં જ તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો. તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી અને પછી એકદમથી તેનું માથું ભારે થઈ ગયું.
'...તો શીના પાછી આવી ગઈ !' જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'જિગર ! તેં સાંભળીને માહીની વાત. વિશાલે માહીને પામવા માટે માહીના પપ્પાને ફસાવ્યા અને એની સાથે માહીએ લગ્ન કરવા પડે એ માટે માહીને મજબૂર કરી. હવે જો તું તારા જીવથી પણ વહાલી માહીને પાછી મેળવવા માટે વિશાલનું ખૂન કરે તો એમાં ખોટું શું છે?!'
'પ્લીઝ! હું તારા હાથ જોડું છું, તું મને પરેશાન ન કર.' જિગરે હાથ જોડયાઃ 'હું મરી જઈશ, પણ વિશાલને નહિ મારૃં.' અને જિગર પોતાનું આ વાકય પુરૃં કર્યું, ત્યાં જ એકદમથી જ તેને ચકકર જેવું લાગ્યું અને તેની આંખ સામે અંધારાં છવાયા.
૦ ૦ ૦
જિગર નેચર ગાર્ડનના જમણી બાજુના ખૂણા પાસેની મહેંદીની વાડ પાસે ઊભો હતો.
તે વાડની પેલી તરફ બાંકડા પર બેઠેલી માહી અને એના ફિયાન્સ વિશાલ તરફ જોઈ રહ્યો હતો.
વિશાલે લાવેલું ઑરેન્જ જયૂસ માહીએ પી લીધું એટલે વિશાલે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું અને પછી માહીને કંઈક કહ્યું.
માહી ઊભી થઈ. વિશાલે માહીનો હાથ પોતાના હાથમાં લીધો અને પંપાળ્યો.
જિગર જોઈ રહ્યો.
માહીએ હળવેકથી વિશાલના હાથમાંથી પોતાનો હાથ સેરવી લીધો અને પછી ત્યાંથી આગળ વધી ગઈ. માહી એ બાજુ થોડાંક મીટર દૂર આવેલા નાના ઝાંપામાંથી બહાર નીકળી ગઈ, ત્યાર સુધી વિશાલ ત્યાં જ ઊભો રહ્યો. પછી વિશાલ ગાર્ડનના પાછળના ભાગ તરફ આગળ વધ્યો.
જિગર લાંબા ડગ ભરતો વિશાલ પાછળ સરકયોે. સાંજના સવા સાત વાગ્યા હતા. સાંજ સરકી ચૂકી હતી અને રાતનું અંધારૃં ઊતરી આવ્યું હતું. ગાર્ડનની લાઈટો ચાલુ થઈ ચૂકી હતી. આસપાસમાં અત્યારે કોઈ જ નહોતું.
'વિશાલ!' જિગરે કહ્યું, એટલે તેનાથી થોડાંક પગલાં આગળ ચાલી રહેલો વિશાલ ઊભો રહી ગયો અને એણે જિગર તરફ જોયું.
જિગર વિશાલની નજીક પહોંચીને ઊભો રહ્યો.
'બોલો, શું હતું?' વિશાલે સવાલભરી નજરે જિગરના ચહેરા તરફ જોઈ રહેતાં પૂછયું.
'વિશાલ!' જિગર ધારદાર અવાજે બોલ્યોઃ 'તું જે માહીને પરણવા માંગે છે ને, એને હું પ્રેમ કરૃં છું. માહી મારી છે!!'
'શું બકે છે, તું..?!' વિશાલ રીતસરનો ગર્જી ઊઠયો : '...કોણ છે, તું ?!'
'તારૃં મોત!' અને આટલું કહેતાં જ જિગરે પોતાના બન્ને હાથે વિશાલનું ગળું પકડી લીધું અને જોરથી ભીંસ્યું.
'તારી તો...' કહેતાં વિશાલે પોતાના મજબૂત હાથથી જિગરના હાથની પકડ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરે એવી રીતના વિશાલનું ગળું ભીંસી રાખ્યું હતું કે, વિશાલ જિગરના હાથ છોડાવી શકયો નહિ અને વિશાલનો શ્વાસ રૃંધાવા માંડયો. વિશાલની આંખોમાં લાલાશ ઊતરી આવી. એનો જીવ ગળે આવી ગયો અને ત્રીજી જ પળે એનો જીવ નીકળી ગયો.
જિગરે વિશાલનું ગળું છોડી દીધું. વિશાલ જમીન પર ઢળી પડયો.
'હં..!' જિગરે વિશાલને લાત મારી : '...મારી માહી સાથે પરણવા આવ્યો હતો ! પણ મેં તને મોત સાથે જ પરણાવી દીધો! હા!' અને જિગર ત્યાંથી ઝડપી પગલે ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.
૦ ૦ ૦
જિગરની આંખ આગળથી અંધારાં દૂર થયાં અને તેણે જોયું તો તે પોતાના ઘરના સોફા પર બેઠો હતો.
તેણે માથું ઝટકયું. તેને ચકકર જેવું લાગ્યું હતું અને તેની આંખે અંધારા છવાયા હતા, ત્યારે તે નેચર ગાર્ડનમાં ઊભો હતો, પણ ત્યાંથી તે ઘરે કયારે અને કેવી રીતના આવી ગયો હતો એ જ તેને ખબર નહોતી!
તેણે સામે ટીંગાતી દીવાલ ઘડિયાળમાં જોયું. એમાં રાતના નવ વાગ્યા હતા.
તે નેચર ગાર્ડનમાં ઊભો હતો ત્યારેે તેના માથે સવાર થયેલી શીનાએ તેને માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરી નાંખવાનું કહ્યું હતું અને તે શીનાને ''તે મરી જશે પણ વિશાલને નહિ મારે,'' એવું કહીને ગાર્ડનની બહાર નીકળી જવા ગયો હતો, ત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા અને એ વખતે જ તેને ચકકર જેવું લાગ્યું હતું ને તેની આંખે અધારાં છવાઈ ગયા હતા. બસ, એ પછી શું થયું હતું ? ! એ પછીના સાતથી નવ વાગ્યાના આ બે કલાક કયાં અને કેવી રીતના વિત્યા હતા ? ! તે ગાર્ડનમાંથી કયારે અને કેવી રીતના ઘરે આવ્યો હતો અને મેઈન દરવાજો ખોલીને કયારે આમ સોફા પર આવીને બેઠો હતો એ વિશે તેને કંઈ કહેતાં કંઈ જ ખબર નહોતી-કંઈ જ ખ્યાલ નહોતો.
જોકે, અત્યારે તેના મને એક વાતની રાહત અનુભવી.
અદૃશ્ય શક્તિ શીનાએ તેને માલદાર બનાવ્યો હતો અને તે માહીને આસાનીથી પામી શકે એ માટે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરવા માટે શીનાએ તેને લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે લલચાયો નહોતો.
શીના તેને માહીની લાલચ આપીને તેની પાસે વિશાલનું ખૂન એટલા માટે કરાવવા માંગતી હતી કે, એ વિશાલનું લોહી પી શકે! પણ તે એટલો બધો સ્વાર્થી કે નિર્દય થોડો હતો કે શીનાની વાત માની લે ?! શીનાએ પોતાની શક્તિથી તેને આટલો માલદાર બનાવ્યો હતો એ વાતની ના નહિ, પણ એનો મતલબ એ થોડો હતોે કે, તે શીના લોહી પી શકે એ માટે દર મહિને એક માણસનું ખૂન કરેે અને એની શરૂઆત માહીના ફિયાન્સ વિશાલથી કરે?!
ટૂંકમાં અદૃશ્ય શક્તિ શીનાએ તેની પાસે સમજાવટથી અને જોર-જબરજસ્તીથી માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેણે શીનાની વાત માની નહોતી. અને એટલે શીના તેની પર નારાજ થાય એ હકીકત હતી ! અને નારાજ થયેલી શીના તેની સાથે આગળ કેવું વર્તન કરશે ? એ કંઈ કહેવાય એમ નહોતું.
જોકે, એની તેેને ચિંતા નહોતી ! તેણે શીનાની વાત માની નહોતી અને એ બદલ શીના તેની સાથે જે કંઈ પણ કરે, તે એ ભોગવવા માટે તૈયાર હતો !
૦ ૦ ૦
જિગરની આંખ ખૂલી ત્યારે સવારના સવા નવ વાગવા આવ્યા હતા.
તે બ્રશ કરી, નાહીને ફ્રેશ થયો. તે આટલો માલદાર થયો પણ તેણે નોકર-ચાકર રાખ્યા નહોતા. તે સવારના પોતાના હાથે ચા બનાવી લેતો અને ચા-બિસ્કીટ ખાઈ લેતો. બપોર અને રાતનું જમણ તેે મન અને મૂડ પ્રમાણેની હોટલમાં ખાઈ લેતો.
રોજ મુજબ આજે પણ તે દરવાજા બહાર પડેલું છાપું લઈને સોફા પર બેઠો. બિસ્કીટનો ટુકડો મોઢામાં મૂકીને, ચાની ચુસ્કી લેતાં તેણે છાપમાં નજર ફેરવવા માંડી.
પહેલા પાના પર, નીચેના ભાગમાં છપાયેલા સમાચારના હેડીંગ પર તેની નજર પડી.
'રહસ્યમય સ્થિતિમાં મળી આવેલી એક બીજી લાશ.'
અને આ મથાળાની નીચે જ લાશનો ફોટો છપાયેલો હતો અને લાશના ચહેરા પર નજર પડતાં જ જિગરનો 'ચા'નો કપ પકડાયેલો હાથ ધ્રૂજ્યો. તેણે છાપા પરથી નજર હટાવ્યા વિના જ ટેબલ પર ચાનો કપ મૂકી દીધો.
એ લાશનો ફોટો વિશાલનો હતો! એ વિશાલની લાશ હતી! માહીના ફિયાન્સ વિશાલની લાશ!!
જિગરેે વિશાલની લાશના ફોટા પરથી નજર હટાવી અને એની લાશને લગતા સમાચાર પર ઝડપી નજર ફેરવી ગયો. લાંબા લચ એ સમાચારનો ટૂંકસાર આ પ્રમાણે હતો.
વિશાલનું ખૂન નેચર ગાર્ડનના પાછળના ભાગમાં થયું હતું. એની લાશ એ બાજુની મહેંદીની વાડ પાસેથી મળી આવી હતી. વિશાલના શરીરમાંથી બધું જ લોહી કાઢી લેવામાં આવ્યું હોય એમ એની લાશ એકદમ પીળી-ફીકકી પડી ગઈ હતી. એની ગરદન પર બે હોલ પડેલા હતા. એમાંથી લોહી વહી ગયું હોય એમ લાગતું હતું, પણ અગાઉ મળી આવેલી મેનેજર ધવનની લાશની જેમ જ વિશાલની લાશની નજીકમાંથી લોહીનું એક ટીપું પણ વહી ગયેલું જોવા મળ્યું નહોતું.
મેનેજર ધવન પછી મળી આવેલી વિશાલની આ લાશથી સબ ઈન્સ્પેકટર બાજવા ખૂની પર રોષે ભરાયો હતો અને એેણે પત્રકારો સમક્ષ, ''એ પોતે વહેલી તકે ખૂનીને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેશે,'' એવી વાત કરી હતી.
જિગરે છાપું બાજુ પર મૂકયું. તેના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો. 'કાલ સાંજે નેચર ગાર્ડનમાં તેણે તેના માથા પર સવાર થયેલી અદૃશ્ય શક્તિ શીનાને વિશાલનું ખૂન કરવા માટેની ના પાડી દીધી હતી એ પછી શું શીનાએ વિશાલને ખતમ કરી નાંખ્યો હતો ? !' જિગરના મગજનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ જિગરના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને તેના માથા પર પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું અને પછી એકદમથી તેના માથા પર વજન-વજન લાગવા માંડયું. 'તો...' જિગરે વિચાર્યું, 'એ અદૃશ્ય શક્તિ શીના આવી ગઈ.'
'જિગર...' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : '...તું વિશાલના મોતથી આટલો દુઃખી કેમ થઈ ગયો છે ? ! વિશાલનું....'
'તો...,' જિગર ધૂંધવાટભેર બોલી ઊઠયો : '...છેવટે તેં જ વિશાલને મારી નાંખ્યો ને ? !'
'ના ! મેં વિશાલને નથી માર્યો, પણ...' જિગરના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : '...પણ તેં જ વિશાલનું ખૂન કર્યું છે !'
'....ખોટી બકવાસ ન કર.' જિગર સોફા પરથી ઊભો થઈ ગયો : 'મેં તો તને વિશાલનું ખૂન કરવા માટેની ઘસીને ના...'
'હા, પણ તેં જ વિશાલનું ખૂન કર્યું છે, એવી સાબિતી હું તને બતાવું તો ? !'
'મેં....મેં વિશાલનું ખૂન કર્યું છે, એવી સાબિતી...?!' જિગરનું મગજ ગુસ્સાથી ફાટવા માંડયું : '...તું...તું શું બકી રહી છે?!'
'તારા ખિસ્સામાંથી તારો મોબાઈલ ફોન કાઢ અને એમાંની છેલ્લી વીડિયો કલીપ જો!' જિગરના માથા પરથી શીનાનો અવાજ આવ્યો, એટલે જિગરેે ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો ને કંપતા હાથે મોબાઈલ ફોનની સ્વીચ દબાવીને છેલ્લી વીડિયો કલીપ ચાલુ કરી.
મોબાઈલના સ્ક્રીન પર તે નેચર ગાર્ડનમાં વિશાલનો પીછો કરી રહ્યો છે એ દૃશ્ય દેખાવા માંડયું.
તે આંખો ફાડીને જોઈ રહ્યો.
મોબાઈલના સ્ક્રીન પર તેણે વિશાલના નામની બૂમ પાડીને વિશાલને રોકયો. તે વિશાલ પાસે પહોંચ્યો. તે માહીને પ્રેમ કરે છે, અને માહી તેની જ છે, એવી ડાયલૉગબાજી કરીને તેણે વિશાલનું ગળું ભીંસ્યું. વિશાલનો જીવ નીકળી ગયો અને વિશાલ ઢળી પડયો. 'હં..! મારી માહી સાથે પરણવા આવ્યો હતો ! પણ મેં તને મોત સાથે જ પરણાવી દીધો ! હા !' કહેતાં તેણેે વિશાલને લાત મારી અને ત્યાંથી ગાર્ડનની બહારની તરફ આગળ વધી ગયો.
અને આ સાથે જ વીડિયો કલીપ પૂરી થઈ.
જિગર પૂતળાની જેમ બેસી રહ્યો. તે રીતસરનો પરસેવાથી જાણે નાહી ગયો હતો !
'જિગર !' તેના માથા પરથી અદૃશ્ય શક્તિ શીનાનો હસવાનો અવાજ સંભળાયો : 'હવે તો તને મારી વાત પર વિશ્વાસ બેઠો ને કે, તેં જ વિશાલનું ખૂન કર્યું છે !'
જિગરે ફરી મોબાઈલનું બટન દબાવ્યું અને તે વિશાલનું ખૂન કરી રહ્યો છે, એ રેકોર્ડિંગ ફરીથી જોવા માંડયો.
'તે તો નેચર ગાર્ડનમાં માહીથી છૂટો પડયો પછી ઘરે જ આવ્યો હતો, પછી તે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કેવી રીતના કરી શકે ? ! આ...આ કેવી રીતના બન્યું હોઈ શકે?!!' જિગર મૂંઝવણમાં પડયો, ત્યાં જ ડૉરબેલ ગાજી ઊઠી, ડીંગ-ડોંગ ! ડીંગ-ડોંગ ! ! ડીંગ-ડોંગ!!!
'જિગર !' જિગરના માથેથી શીનાનો અવાજ આવ્યો : 'બહાર પોલીસ આવી છે ! વિશાલના ખૂનીને શોધવા માટે ! ! ઊભો થા અને દરવાજો ખોલ!!!'
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૪)
'હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ. હું તારૃં આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારૃં કામ કરી આપવું પડશે !' જિગરના માથેથી અરૂશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો,
એટલે પળ-બે પળની ચુપકીદી પછી અત્યારે જિગરે અરૂશ્ય યુવતીને પૂછયું : 'મારે., મારે તારૃં કયું કામ કરી આપવું પડશે?'
'સમય આવશે ત્યારે હું તને કહીશ.' જિગરના માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'પણ અત્યારે તારે મને વાયદો કરવો પડશે. હું તારૃં કામ કરી આપીશ અને બદલામાં તારે મારૃં કામ કરવું પડશે. બોલ, તૈયાર છે?!'
જિગર વિચારમાં પડયો. માહી જો મળતી હોય તો એના બદલામાં આ અરૂશ્ય યુવતીનું કામ કરવા માટે રાજી થવું?! પણ એ કામ શું હશે ? ! અરે ! આ સવાલ પહેલાં એક મોટો પ્રશ્ન તો એ હતો કે, માહીના અબજોપતિ પિતા દેવરાજશેઠ પોતાની એકની એક દીકરી માહીના લગ્ન તેના જેવા મુફલિસ સાથે કરી આપવા માટે કોઈ હાલતે તૈયાર થાય એમ નહોતા.
તેની માહી સાથે મુલાકાત કૉલેજમાં થઈ હતી અને તે માહીના પ્રેમમાં પડયો હતો. માહી પણ તેને પ્રેમ કરવા લાગી હતી.
તે કૉલેજ પૂરી થયા પછી પણ માહીને હળતો-મળતો રહેતો હતો અને માહી સાથે લગ્ન કરવાના સોનેરી સપના સેવતો હતો. પણ ચાર મહિના પહેલાં માહીના પિતા દેવરાજશેઠને તેના અને માહીના પ્રેમ પ્રકરણની ખબર પડી ગઈ હતી. અને ત્યારે એમણે કોઈ ફિલ્મી બાપની જેમ જ એક ખતરનાક ગુંડાને એના ચાર હટ્ટા-કટ્ટા ફોલ્ડર સાથે તેની પાસે મોકલ્યો હતો.
ખતરનાક ગુંડાએ તેની ગરદન પર ચપ્પુની અણી મૂકતાં તેને ધારદાર ધમકી આપી હતી : ''છોકરા ! આજ પછી હવે દેવરાજશેઠની દીકરી માહીને મળવાની વાત તો દૂર રહી, પણ સપનામાંય જો તેં એનું નામ લીધું છે, તો તું કયારે મરી જઈશ એનીય તને ખબર નહિ પડે.'' અને એ ગુંડાએ પોતાની આ ધમકી કેટલી હદે સાચી સાબિત થઈ શકે એમ છે ? એનો પરચો બતાવવા માટે તેની ગરદન પર ચપ્પુની અણીથી ઘસરકો કરી દીધો હતો. તેનો જીવ ગળે આવી ગયો હતો.
''છોકરા ! તું હજુ નવો-નવો જુવાન થયો છે, એટલે તારૃં લોહી ઊછાળા મારતું હશે. પણ મેં દુનિયા જોઈ છે અને એટલે જતાં-જતાં તને એક સલાહ આપતો જાઉં છું.'' એ ગુંડાએ કહ્યું હતું : ''મજનુ-મહિવાલ કે રાંઝા જેવા 'લવ'પણામાં ન પડતો. માહી સાથે તારો કોઈ મેળ મળે એમ નથી. એને ભૂલીને તારા લેવલની કોઈ છોકરી સાથે પરણી જજે. માહી માટે મોતને ગળે લગાડવાને બદલે કોઈ ગરીબ છોકરીને ગળે વરમાળા પહેરાવીને સુખેથી જિંદગી જીવી નાંખજે.' અને એ ગુંડો આવ્યો હતો એટલા જ રૂઆબ સાથે પોતાના ચાર ચમચા સાથે બહાર નીકળી ગયો હતો.
તે કેટલીય વાર સુધી બાઘાની જેમ બેસી રહ્યો હતો.
તેને માહી પસંદ હતી, પણ તે જિંદગીને પણ નફરત નહોતો જ કરતો. માહીને તે ભૂલી શકે એમ નહોતો, પણ જો તેણે જીવવું હોય તો માહીને ભૂલ્યા વિનાય છૂટકો નહોતો.
અને તેણે એ જ દિવસથી માહીને મળવાનું, માહી સાથે મોબાઈલ ફોન પર વાત કરવાનું બિલકુલ જ બંધ કરી દીધું હતું.
પણ વચ્ચે તેને ઝડપથી માલદાર બનીને પછી માહીને પરણવાનો વિચાર આવ્યો હતો અને એટલે તે જુગારની કલબમાં પહોંચી ગયો હતો. પણ તે પોતાની પાસેની મૂડી પણ હારી ગયો હતો.
એવામાં અત્યારે હવે તેના માથા પર સવાર થયેલી કોઈ બલા-કોઈ અરૂશ્ય શક્તિ તેને કહી રહી હતી કે, એ માહીને તેની પત્ની, તેની જિવનસાથી બનાવી શકે એમ છે.
'...વિચારે છે, શું જિગર ? ! !' જિગરના કાને અરૂશ્ય યુવતીનો અવાજ પડયો, એટલે તે વિચારોમાંથી બહાર આવ્યો.
'માહી જો તને મળતી હોય તો એની સામે તારા માટે કોઈ કામ અઘરૃં નથી.'
જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.
'જિગર ! તારી આ ચુપકીદીને હું તારી 'હા' માની લઉં છું.' અરૂશ્ય યુવતીનો હસવાનો અવાજ આવ્યો : 'અને અત્યારથી જ આપણે આ માટેની કામગીરી શરૂ કરી દઈએ છીએ. ચાલ તૈયાર થઈ જા.'
'કેમ ? કયાં જવાનું છે ? !'
'તું તૈયાર તો થઈ જા.' અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો.
જિગરને થયું, અરૂશ્ય યુવતીની વાત માનવામાં કોઈ નુકશાન નથી લાગતું. એ કહે છે એમ જો ખરેખર તેને માહી મળી જાય તો તેને બીજું જોઈએ શું ? ! !
તે ઊભો થયો. તેણે શર્ટ બદલ્યું.
'તારા પગારના સાત હજાર રૂપિયા સાથે લઈ લે.' તેના માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો.
'તો એ અરૂશ્ય યુવતીને તેના પગારની પણ ખબર હતી !' વિચારતાં જિગરે કબાટમાંથી પગારનું સાત હજાર રૂપિયાનું કવર લીધું અને ખિસ્સામાં મૂકયું. તેણે શૂઝ પહેર્યા અને મેઈન દરવાજે લૉક લગાવીને બહાર નીકળ્યો.
'મોટરસાઈકલ 'વીનર કલબ'માં લઈ લે !' માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયો, એટલે જિગર બોલી ઊઠયો : '...એ તો જુગારની કલબ...'
'મને ખબર છે !' અરૂશ્ય યુવતીનો અવાજ સંભળાયોે : 'તારે ત્યાં તારી પાસેના આ રૂપિયાથી દાવ ખેલવાના છે.'
'ના !' જિગર બોલી ઊઠયો : 'અગાઉ હું જલદી માલદાર થઈને માહીને પરણવા માટે એ કલબમાં જુગાર રમવા જઈ ચૂકયો છું અને એમાં મારી બધી મૂડી હારી...'
'...આજે તું નહિ હારે !' અરૂશ્ય યુવતીનો વિશ્વાસભર્યો અવાજ સંભળાયો : 'હું તારી સાથે છું. મારી પર ભરોસો રાખ. તારી જીત જ થશે.'
'ઠીક છે.' કહેતાં જિગર મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલ 'વીનર કલબ' તરફ દોડાવી મૂકી.
તે કલબમાં દાખલ થયો, ત્યારે રાતના દસ વાગવા આવ્યા હતા.
ચાર કલાક પછી, રાતના બે વાગ્યે તે કલબની બહાર નીકળ્યો, ત્યારે તે હવામાં ઊડી રહ્યો હતો. તેને સપના જેવું લાગતું હતું. તે સાત હજાર રૂપિયા લઈને કલબમાં દાખલ થયો હતો અને અરૂશ્ય યુવતીના કહેવા પ્રમાણે તે દાવ લગાવતો ગયો હતો અને જીતતો ગયો હતો. તે પૂરા પાંચ લાખ રૂપિયા જીતીને બહાર નીકળ્યો હતો.
તે મોટરસાઈકલ પર સવાર થયો અને મોટર-સાઈકલને ઘર તરફ દોડાવી.
તેના માથે સવાર થયેલી અરૂશ્ય યુવતી જે કોઈ પણ હતી, પણ એણે માનવામાં ન આવે એવી રીતના તેને પાંચ લાખ રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો હતો. તેને મહેનત કરીને પગારના આટલા રૂપિયા મેળવવામાં સાત વરસ જેટલો સમય નીકળી જાય એમ હતો અને આ અરૂશ્ય યુવતીએ પોતાની અજબ શક્તિથી તેને ચાર જ કલાકમાં આટલા રૂપિયા મેળવી આપ્યા હતા !
જિગરે ઘરે પહોંચીને કબાટમાં પાંચ લાખ રૂપિયા મુકયા અને કબાટને તાળું માર્યું ત્યાં જ તેના માથેથી અરૂશ્ય યુવતીનો અવાજ આવ્યો : 'જિગર ! તું ખુશ થયો ને !'
'હા ! સવાલ જ નથી ને !' જિગર આનંદભર્યા અવાજે બોલ્યો : 'હવે તું મને એ કહે, તું કોણ...'
'...એ વાત જવા દે. પણ હા..,' અરૂશ્ય યુવતીનો અવાજ આવ્યો : 'હું તને મારૃં નામ જરૂર જણાવી દઉં છું. મારૃં નામ શીના છે.'
'શીના !' જિગર બોલ્યો : 'તેં ખરેખર કમાલ કરી.'
'આ તો હજુ શરૂઆત છે.' અરૂશ્ય યુવતી-શીના હસી : 'બસ, આજની જેમ જ હું જેમ કહેતી જાઉં એમ તું કરતો જા. એક મહિનામાં જો હું તને કયાંનો કયાં પહોંચાડી દઉં છું !'
'હા, પણ માહી સાથેના મારા લગ્ન....'
'પહેલાં તું થોડાંક રૂપિયા ભેગા કરી લે, પછી એનો વારો.' અરૂશ્ય યુવતી શીનાનો અવાજ સંભળાયો.
'ઠીક છે.' કહેતાં જિગર પલંગ પર લેટયો.
તે ગણતરીના કલાકોમાં એકસાથે આટલા બધાં રૂપિયા મેળવ્યાની ખુશી અને માહી સાથે લગ્ન થવાની આશામાં બરાબર ઊંઘી શકયો નહિ.
૦ ૦ ૦
જિગરના માથા પર અરૂશ્ય યુવતી શીના સવાર થઈ હતી એ વાતને આજે એક મહિનો વિતી ચૂકયો હતો.
એ અરૂશ્ય શક્તિ શીના આખરે કોણ હતી ? ! એનું રહસ્ય જિગર પામી શકયો નહોતો. જોકે, આ એક મહિનામાં તે એટલું તો જરૂર જાણી ચૂકયો હતો કે એ અરૂશ્ય યુવતી શીનાની શક્તિ અપાર હતી. મહિનાના ટૂંકા ગાળામાં શીનાએ તેને કયાંનો કયાં પહોંચાડી દીધો હતો. માનવામાં આવે એવી વાત નહોતી પણ એ એક હકીકત હતી કે, શીનાએ તેને લખપતિ બનાવી દીધો હતો.
મહિના પહેલાં જિગર સાત હજાર રૂપિયાના પગારે કૉમ્પ્યુટર કંપનીમાં કામ કરતો હતો, પણ આજે તે લાખોનો માલિક બની ચૂકયો હતો. શીનાએ તેને આ બધી દોલત જુગારમાંથી અપાવી હતી. તે શીનાના કહેવા પ્રમાણે દાવ લગાવતો રહ્યો હતો અને જીતતો રહ્યો હતો અને કયાંનો કયાં પહોંચી ગયો હતો. આજે તે પોતાના એક રૂમ-રસોડાના મકાનમાંથી, બે બેડરૂમ, હૉલ-કીચનના લકઝુરિયસ બંગલામાં પહોંચી ગયો હતો. તેણે એક કાર પણ ખરીદી લીધી હતી.
હવે જિગરે હરવા-ફરવાની જૂની સસ્તી જગ્યાઓ અને ખાણીપીણીની સસ્તી હોટલો છોડી દીધી હતી અને રોજ સાંજે સૂટ-બૂટ પહેરીને કલબમાં જતો હતો. તે મોંઘી હોટલોમાં જ ખાણું ખાતો હતો.
કોઈના તો ઠીક, પણ ખુદ જિગરના પણ માનવામાં ન આવે એવું તેની સાથે બન્યું હતું. તેના માથે અરૂશ્ય શક્તિ ધરાવતી યુવતી શીના સવાર થઈ એ પછી તે જાણે સુખના સાગરમાં તરવા લાગ્યો હતો.
શીના તેની દરેક ઈચ્છા પૂરી કરતી હતી. તે જે માંગતો હતો એની એ વ્યવસ્થા કરાવી આપતી હતી. તે જે વિચારતો હતો એ શીના કરી આપતી હતી.
એ અરૂશ્ય શક્તિ શીના જ્યારે પણ તેના માથા પર સવાર થતી, ત્યારે તેના માથા પર વજન-વજન લાગતું. તેનું માથું ભારે રહેતું. અરૂશ્ય યુવતી જતી ત્યારે તુરત જ તેનું માથું એકદમ જ હલકું થઈ જતું. એ પાછી ફરતી ત્યારે તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાતો અને સાથે જ માથા પર પંખીની અણીદાર ચાંચ વાગ્યા જેવું લાગતું. અને પછી તેનું માથું ભારે થઈ જતું. તે સમજી જતો, એ અરૂશ્ય યુવતી શીના તેના માથા પર આવી ચૂકી છે.
આજ સવારે તેના માથા પરથી ચાલી ગયેલી શીના અત્યારે સાંજના સવા છ વાગવા આવ્યા હતા, પણ પાછી ફરી નહોતી.
તે ફિલ્મ જોવાના મૂડ સાથે બહાર નીકળ્યો અને મોટરસાઈકલ પર સવાર થયો, ત્યાં જ તેના માથા પર પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને માથે પંખીની ચાંચ વાગી હોય અવું લાગ્યું અને પછી તુરત તેના માથે વજન-વજન લાગવા માંડયું. તે સમજી ગયો. એ અરૂશ્ય યુવતી શીના તેના માથા પર સવાર થઈ ચૂકી હતી.
'જિગર !' જિગરના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'મોટરસાઈકલ નેચર ગાર્ડન પર લઈ લે.'
'કેમ ? !' જિગરે પૂછયું.
'તું ચાલ તો ખરો !'
'ઠીક છે.' કહેતાં જિગરે મોટરસાઈકલને નેચર ગાર્ડન તરફ દોડાવી. જિગરને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે, અરૂશ્ય યુવતી શીના જે કંઈ કરતી હતી એ તેના ફાયદા માટે જ કરતી હતી એટલે તે વધુ પૂછપરછ કરતો નહોતો. શીનાનો હુકમ તે ચુપચાપ માથે ચઢાવતો હતો.
તેણે નેચર ગાર્ડનના પાર્કિંગમાં મોટરસાઈકલ પાર્ક કરી, ત્યારે સાંજના સાડા છ વાગવા આવ્યા હતા.
તે નેચર ગાર્ડનમાં દાખલ થયો. અઠવાડિયાના આજના ચાલુ દિવસે, સાંજના આ સમયે ગાર્ડનમાં પબ્લિક નહિ જેવી હતી.
'જિગર ! જમણી બાજુના કૉર્નરની મહેંદીની વાડ પાછળના ભાગ પાસે ચાલ.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, એટલે જિગર એ તરફ આગળ વધ્યો.
તે એ ખૂણા પર આવેલી મહંેદીની વાડ પાસે પહોંચ્યો, ત્યાં જ તેની નજર વાડની પેલી તરફ પડી અને તેનું હૃદય આનંદના આવેગથી ઊછળી ઊઠયું.
ત્યાં બાંકડા પર માહી બેઠી હતી ! તે જેને દિલોજાનથી પ્રેમ કરતો હતો એ માહી ! તે જેને પરણીને સુખી લગ્નજીવન જીવવાના સપના સેવતો હતો એ માહી !
તે માહીને આજે ચાર મહિના પછી જોઈ રહ્યો હતો ! પણ...પણ તેની માહી ગૂમસૂમ કેમ લાગતી હતી ? ! એના ચહેરા પર વિશાદના વાદળાં છવાયેલા હોય એમ કેમ લાગતું હતું ? !
જિગર માહી તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ તેના માથા પરથી શીનાનો અવાજ સંભળાયો : 'ના, જિગર ! હમણાં માહી પાસે ન જા. એનો મંગેતર વિશાલ આવી રહ્યો છે.'
'માહીનો ફિયાન્સ વિશાલ ? !' અને જિગર ચોંકી ઊઠયો. 'તો...તો તેની માહીએ તેને હંમેશ માટે દિલમાંથી કાઢીને કોઈક બીજા સાથે સગાઈ કરી લીધી ? !' ત્યાં જ જિગરની નજર માહી પાસે આવેલા એક યુવાન પર પડી. એ યુવાને કપડાં તો સારા પહેર્યા હતા, પણ શરીરે કાળો અને પડછંદ હતો.
'આ...? !' જિગરે આ સવાલ અધૂરો જ છોડી દીધો અને તેના માથા પર સવાર થયેલી અરૂશ્ય યુવતી શીના તેના મનના સવાલને પામી ગઈ હોય એમ એનો જવાબ સભળાયો : 'હા, જિગર ! આ માહીનો ફિયાન્સ વિશાલ છે.'
જિગરથી એક નિશ્વાસ નંખાઈ ગયો. તે વિશાલ અને માહી તરફ જોઈ રહ્યો. વિશાલ માહીની લગોલગ બેઠો હતો અને માહી સાથે ગુસપુસભર્યા અંદાજમાં વાત કરતો એને પોતાના હાથે આઈસ્ક્રીમ કૉન ખવડાવી રહ્યો હતો.
જિગરનું દિલ બળી ઊઠયું.
'સાચું કહે, જિગર!' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયોઃ 'માહી સાથે તારી જગ્યાએ વિશાલને બેઠેલો જોઈને તારૃં દિલ બળી રહ્યું છે ને?'
જિગરે કોઈ જવાબ આપ્યો નહિ.
'તું એક કામ કર.' શીનાનો અવાજ આવ્યોઃ 'થોડીક વાર પછી વિશાલ માહીથી છૂટો પડે એટલે તું એને મારી નાંખ!'
'હેં...!?!' જિગર ખળભળી ઊઠયો : '...શું કહ્યું તેં ? !'
'મેં તને વિશાલને મારી નાંખવાનું કહ્યું!' શીનાનો અવાજ સંભળાયોઃ 'વિશાલ મરી જશે એટલે તારો રસ્તો સાફ થઈ જશે અને મારૃં પણ કામ બની જશે!'
'તારૃં..., તારૃં શું કામ બની જશે?!'
'..મને એનું લોહી પીવા મળી જશે!'
'શું?!' જિગર પગથી માથા સુધી થરથરી ઊઠયો.
'તારે આમ ચોંકી ઊઠવાની જરૂર નથી.' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : 'માણસનું લોહી એ મારો ખોરાક છે. મને મહિનામાં ઓછામાં ઓછી એકવાર માણસના લોહીની જરૂર પડે છે. મારી જિંદગી માટે આ ખૂબ જ જરૂરી છે.'
'એ....એ ગમે તે હોય !' જિગર ધ્રુજતો હતો-તેનો અવાજ કંપતો હતો : 'હું..., હું વિશાલને નહિ મારૃં.'
'મેં તને આ રીતના માલામાલ કરતાં પહેલાં તારી પાસે વાયદો લીધો જ છે કે, હું તને પૈસાદાર બનાવીશ, માહીને તારી દુલ્હન-તારી પત્ની બનાવીશ અને બદલામાં તારી પાસે મહિને એક કામ કરાવીશ. અને એ કામ આ જ છે. તારે દર મહિને મારા માટે એક માણસના લોહીની વ્યવસ્થા કરવાની છે. અને....' જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : '...અને આ વિશાલનું ખૂન તો તારા ફાયદા માટે જ છે. તું એને મારી નાંખીશ એટલે તારો રસ્તો સાફ થઈ જશે અને પછી તું સહેલાઈથી માહીને પરણી શકીશ.'
'હા, પણ....' જિગરે છાતીમાં એક ઊંડો શ્વાસ ભરતાં કહ્યું : '...જો હું આ કામ ન કરૃં તો ? !'
'તું મને ના નહિ પાડી શકે !' તેના માથા પરથી અરૂશ્ય શક્તિ શીનાનો અવાજ સંભળાયો : 'તું મારી છાયામાં આવી ચૂકયો છે. તું મારા વશમાં છે. હવે તારૃં મન હોય કે ન હોય, પણ તારે મારૃં કહ્યું માને જ છૂટકો છે ! તારે માહીના ફિયાન્સ વિશાલનું ખૂન કરે જ છૂટકો છે ! !'
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૩)
મલ્ટીપ્લેક્ષ થિયેટરના ટોઇલેટ-બાથરૂમમાં જિગર તેના બન્ને હાથે તેની કંપનીના મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો.
ધવનનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જિગરે આ રીતના તેનું ગળું ભીંસવા માંડયું હતું એના આંચકામાંથી બહાર આવતાં ધવને જિગરના હાથમાંથી પોતાનું ગળું છોડાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેણે જિગરના બન્ને હાથ કાંડા પાસેથી પકડીને એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ જિગરના હાથની પકડ એટલી બધી મજબૂત હતી કે, એ જિગરના હાથને જરાય હલાવી શકયો નહિ. અને ઉપરથી જિગરે પોતાના હાથની ભીંસ ઓર વધારી. ધવનનો શ્વાસ ઓર વધુ રૂંધાવાની સાથે જ હવે એને એમ લાગ્યું કે, એનો જીવ નીકળી રહ્યો છે.
અને....,
....અને આની થોડીક પળોમાં જ ધવનનો જીવ નીકળી ગયો. એના હાથ-પગ બિલકુલ જ ઢીલા થઈ ગયા.
જિગરે ધવનનું ગળું છોડી દીધું અને એ સાથે જ ધવન જાણે 'રૂ'નો બનેલો હોય એમ જમીન પર ઢગલો થઈ ગયો.
જિગર ટોઇલેટના મેઈન દરવાજા તરફ વળ્યો અને દરવાજો ખોલીને બહાર નીકળ્યો.
અને આની સાતમી પળે જ જિગરના કાનમાં સાઈરન ગૂંજી ઊઠી. તે કોઈ બીજી જ દુનિયામાંથી એકદમથી જ પાછો આ દુનિયામાં ખેંચાઈ આવ્યો હોય એમ ઝબકયો અને તેની નજર સામે, થિયેટરના મોટા પડદા પર પડી.
પડદા પર પોલીસની એક જીપ સાઈરન વગાડતી, પવનવેગે આગળ દોડી જઈ રહેલી વિલનની કારનો પીછો કરી રહી હતી !
જિગર મૂંઝવણમાં પડયો.
તે મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો છે, એનું ખૂન કરી રહ્યો છે, એવું દૃશ્ય તેની નજર સામે કેવી રીતના તરવરી ઊઠયું ? ! તે તો ફિલ્મ..., અરે તે તો આ થયેટરની બહારના હૉલમાં બેઠો હતો અને તે બાથરૂમમા ગયેલો મેનેજર ધવન બાથરૂમમાંથી બહાર નીકળે એ પહેલાં જ આ થિયેટરમાં દાખલ થઈ જવા માટે સીટ પરથી ઊભો થયો હતો, પણ ત્યાં જ તેના કાને જાણે કોઈ પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો હતો અને બીજી જ પળે તેના માથે જાણે એ પંખીની ભાલા જેવી અણીદાર ચાંચ ભોંકાઈ હતી ! ! ! અને બસ, અને બસ પછી તે કયારે હૉલમાંથી આ થિયેટરના દરવાજામાં દાખલ થઈને અહીં આ સીટ પર આવીને બેસી ગયો હતો, એ જ તેને ખબર નહોતી.
તેણે ફરી સામેના પડદા પર જોયું. હજુ પોલીસ અને વિલન વચ્ચે જીપ અને કારમાં ભાગદોડ ચાલી રહી હતી.
તેણે ધવનને જોવા માટે થિયેટરમાં નજર ફેરવી, પણ અંધારું એટલું હતું કે તેને કોઈનોય ચહેરો બરાબર સૂઝતો-વર્તાતો નહોતો.
તેણે સામે પડદા પરની ફિલ્મમાં પોતાનું ધ્યાન પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થઈ શકયો નહિ.
ફિલ્મનો ઈન્ટરવલ પડયો, તે ચહેરો નીચો રાખીને બેસી રહ્યો. તે ધવન સાથે તેની નજર મળે અને તેણે ઊભા થઈને એની પાસે જઈને એની સાથે વાત કરવી પડે એવું ઈચ્છતો નહોતો.
થોડીક વારમાં જ ઈન્ટરવલ પછીની ફિલ્મ શરૂ થઈ અને ફિલ્મ કલાઇમેક્સ પર પહોંચી, ત્યાં સુધી જિગરની નજર પડદા પર હતી અને મન બીજે જ ભટકતું હતું.
ફિલ્મ પૂરી થઈ, એટલે તે આસપાસમાં જોવા રોકાયા વિના જ, બહાર નીકળી રહેલા પ્રેક્ષકો સાથે બહાર નીકળ્યો. પાર્કિંગમાં આવ્યો. મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલને પાર્કિંગની બહાર કાઢીને ઘર તરફ દોડાવી મૂકી.
તે ઘરે પહોંચ્યો તો રાતના સાડા દસ વાગવા આવ્યા હતા.
તે પલંગ પર લેટયો. તેણે આંખો મીંચી, ત્યાં જ તેની નજર સામે, તે મલ્ટીપ્લેક્ષ થિયેટરના બાથરૂમમાં મેનેજર ધવનનું ગળું ભીંસી રહ્યો હતો એ દૃશ્ય તાજું થઈ ગયું.
તેને થયું, શું તે મેનેજર ધવનને એટલી હદે નફરત કરતો થઈ ગયો હતો કે, તે ધવનને આ રીતના ખતમ કરી રહ્યો છે, એવા ખતરનાક દિવાસ્પ્વપ્ન જોવા માંડયો હતો ? !
૦ ૦ ૦
બીજા દિવસે સવારના જિગરે પોતાની કંપનીની ઑફિસમાં પગ મૂકયો અને દીવાલ ઘડિયાળમાં જોયું તો બરાબર સાડા નવ વાગ્યા હતા.
તે આજે એકદમ ટાઈમસર હાજર થઈ ગયો હતો, એવી મનમાં નિરાંત અનુભવતાં પોતાની ખુરશી પર બેઠો, ત્યાં જ તેના બાજુના ટેબલ પર બેસતા સાથી કર્મચારી અરૂણનો ધીમો અવાજ સંભળાયો : 'જિગર...!'
જિગરે અરૂણ તરફ જોયું, એટલે અરૂણે કહ્યું : '...એક ચોંકાવનારા સમાચાર છે!'
'...ચોંકાવનારા સમાચાર..?' એવો વળતો સવાલ જિગર પૂછે એ પહેલાં જ અરૂણે આગળ કહ્યું : '...ધવન સાહેબનું ખૂન થઈ ગયું છે?!'
'શું ? !' જિગરના મોઢેથી આંચકા અને આઘાતભર્યો આ શબ્દો સરી પડયા : '...કેવી રીતના?!'
'...ખબર નથી, પણ હમણાં થોડીક વાર પહેલાં સબ ઈન્સ્પેકટર બાજવાનો ફોન હતો.' અરૂણે કહ્યું : 'એમણે આપણાં આખાય સ્ટાફને અહીં રોકી રાખવાનું કહ્યું છે. બસ, તેઓ હમણાં આવવા જ જોઈએ.'
અને અરૂણનું આ વાકય પૂરું થયું, ત્યાં જ જિગરની નજર મેઈન ડૉરમાંથી અંદર આવી રહેલા સબ ઈન્સ્પેકટર બાજવા પર પડી.
જિગરના હૃદયે કંપ અનુભવ્યો.
પડછંદ સબ ઈન્સ્પેકટર બાજવાની સાથે પોલીસ કૉન્સ્ટેબલ શિવન પણ અંદર આવ્યો.
'...મેં હમણાં ફોન પર વાત કરી એ અરૂણ કોણ છે?' સબ ઈન્સ્પેકટર બાજવાએ જિગર અને એની આસપાસના ટેબલ પર બેઠેલા સ્ટાફ પર નજર દોડાવતાં સીધું જ પૂછયું.
'...હું છું, સાહેબ !' કહેતાં અરૂણ ઊભો થયો.
'...બધાંને અહીં જ બોલાવી લો.' બાજવાએ હુકમ આપ્યો.
અરૂણે આખાય સ્ટાફને બોલાવી લીધો.
આખો સ્ટાફ ચુપચાપ સબ ઈન્સ્પેકટર બાજવા સામે જોતો ઊભો રહ્યો.
બાજવાએ બધાં પર એક નજર ફેરવતાં કહ્યું : 'મલ્ટીપ્લેક્ષ થિયેટર 'ગોલ્ડન આઈ'માંથી મિસ્ટર ધવનની લાશ મળી આવી છે. કોઈએ એમનું ગળું ભીંસીને, એમની હત્યા કરી છે.'
સાંભળતાં જ જિગરને લાગ્યું કે, તે હમણાં જ ચકકર ખાઈને જમીન પર ઢળી પડશે.
તે મલ્ટીપ્લેક્ષ થિયેટરમાં હતો ત્યારે, તેને જાગતી હાલતમાં તે ધવનનું ગળું ભીંસીને ખૂન કરી રહ્યો છે, એવું દૃશ્ય દેખાયું હતું અને..., અને લગભગ એવી જ રીતના ધવનનું ખૂન થઈ ગયું હતું ! ! !
'શું તમારામાંથી કોઈ કહી શકશે કે, ધવનને કોઈની સાથે એવી જાની દુશ્મની હતી કે, એ વ્યક્તિ ધવનનું ખૂન કરવાની હદ સુધી જઈ શકે ? !' બાજવાનો આ સવાલ સંભળાયો, એટલે મનના વિચારોને રોકી દેતાં, મનના વિચારોની અસર ચહેરા પર ડોકાઈ ન જાય એની તકેદારી રાખતાં જિગરે પોતાનો ચહેરો કોરો-સાવ ભાવ વિનાનો કરી નાંખ્યો.
'ના, સાહેબ !' કોઈ કંઈ બોલ્યું નહિ, એટલે જાણે અરૂણે જ બધાં વતી બાજવાના સવાલનો જવાબ આપ્યો : 'અમે તો અહીં જૉબ કરીએ એટલે અમે સાહેબને ઓળખીએ અને સવારથી સાંજ સુધી એમની સાથે કામ પૂરતી જ વાત થાય. બાકી એમને બહાર કોની સાથે દોસ્તી છે ? અને કોની સાથે દુશ્મની હોઈ શકે ? એ વિશે અમને તો કંઈ ખબર નથી.'
'હં !' અને બાજવાએ વારાફરતી બધાંના ચહેરા પર પોતાની નજરને પળ-બે પળ માટે ઠેરવીને પછી આગળ વધારવા માંડી.
બાજવાની નજર ફરતી-ફરતી જિગરના ચહેરા પર પહોંચી.
જિગરે પ્રયત્નપૂર્વક પોતાનો કોરો ચહેરો જાળવી રાખ્યો.
જિગરના ચહેરા પરથી બાજવાની નજર ઊઠીને પાછી અરૂણના ચહેરા પર પહોંચી. એેણે અરૂણને ધવનને લગતા કેટલાંક સવાલો પૂછયા. અરૂણ જે અને જેટલું જાણતો હતો, એ પ્રમાણે તેણે જવાબો આપ્યા.
બાજવાને જાણે પોતાની પૂછપરછથી સંતોષ થયો હોય એમ એ પોતાના સાથી કૉન્સ્ટેબલ શિવનને લઈને મેઈન ડૉરની બહાર નીકળી ગયો.
આખો સ્ટાફ જેમનો તેમ ઊભો રહ્યો.
ગઈકાલ સાંજ સુધી મેનેજર ધવન તેમની સાથે જીવતા-જાગતા કામ કરતા હતા, અને આજે તેઓ હંમેશ-હંમેશ માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.
અરૂણે પરદેશ ગયેલા કંપનીના માલિક સાથે ફોન પર વાત કરી. મેનેજર ધવનના દુઃખદ સમાચાર આપ્યા અને પછી અમુક સૂચનાઓ મેળવીને તેણે ફોન કટ્ કર્યો.
'બૉસ સાથે વાત થઈ. એમણે દિલગીરી વ્યકત કરી છે, અને આજે રજા રાખવાની સૂચના આપી છે.' અરૂણે નિશ્વાસ નાંખતાં આખાય સ્ટાફને કહ્યું : 'ધવન સાહેબનું શબ પોસ્ટમોર્ટમમાંથી આવશે એટલે અંતિમસંસ્કાર માટે હું તમને બધાંને ફોન કરીશ. આપણે બધાં સ્મશાને જ મળીશું.'
કોઈ 'હા !'ના એક શબ્દ સાથે તો કોઈ હકારમાં ફકત ગરદન હલાવીને છૂટું પડયું.
જિગર પણ ચુપચાપ બહાર નીકળ્યો.
ધવનના આ રીતના મોતથી જિગરને જ સહુથી વધારે આઘાત અને આંચકો લાગ્યો હતો. અને એનું કારણ પણ હતું.
ધવન મોતને ભેટયો, એની થોડીક વાર પહેલાં એને જોનાર તેે જ છેલ્લો માણસ હતો....
અને ધવનનું ખૂન લગભગ કેવી રીતના થયું ? ! એ દીવાસ્વપ્નની જેમ જોનાર પણ એકમાત્ર માણસ તે જ હતો ! !
૦ ૦ ૦
સાંજના સાડા છ વાગ્યે જિગર સ્મશાને પહોંચ્યો, ત્યારે કંપનીનો લગભગ સ્ટાફ આવી ચૂકયો હતો અને ધવનના શબને અંતિમસંસ્કાર માટે ચિતા પર મૂકી દેવામાં આવ્યું હતું.
જિગર અરૂણની બાજુમાં જઈને ઊભો રહ્યો.
મેનેજર ધવને લગ્ન કર્યા નહોતા. એનું નજીકનું કોઈ સગું હતું નહિ. એના દૂરના ભત્રીજાએ એની ચિતાને અગ્નિદાહ આપ્યો.
થોડીક વાર પછી જિગર બધાં સાથે બહાર નીકળ્યો.
તેની મોટરસાઈકલ પાસે જ પોલીસની જીપ ઊભી હતી અને નજીકમાં બે પોલીસ કૉન્સ્ટેબલ ઊભા હતા. એમાંથી એક પોલીસ કૉન્સ્ટેબલ એ જ હતો, જે સવારના સબ ઈન્સ્પેકટર બાજવા સાથે ધવનના ખૂનને લગતી પૂછપરછ માટે તેની કંપનીમાં આવ્યો હતો.
'મેનેજર ધવનના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી આ કેસ વધુ ગૂંચવાયો છે.' સવારવાળા પોલીસ કૉન્સ્ટેબલ શિવને પોતાના સાથી કૉન્સ્ટેબલને કહ્યું : 'ધવનનું ગળું ભીંસાવાથી એનું મોત થયું છે, પણ સમજમાં ન આવે એવી વાત એ છે કે, એના શરીરમાં જરાય લોહી નહોતું. એના ગળા પર કોઈએ જાણે પોતાના અણીદાર દાંત ખૂંપાવ્યા હોય એમ બે હોલ પડેલા છે. અને એટલે પહેલી નજરે એવું લાગે છે કે, જાણે ગળાના એ બે હોલમાંથી એના શરીરમાંનું બધું લોહી બહાર નીકળી ગયું હશે. પણ વળી પાછો કેસ અહીં વધુ ગૂંચવાય છે. જો ધવનના ગળાના એ બે હોલમાંથી લોહી બહાર વહી ગયું હોય તો એ લોહી ગયું કયાં ? ! ધવનની લાશ પાસેથી લોહીનું એક ટીપું પણ જોવા મળ્યું નથી.'
જિગર માટે આ માહીતી ઓછી ચોંકાવનારી નહોતી.
તે પોતાની મોટરસાઈકલ પર બેઠો.
'ગમે તેમ પણ એક વાત તો નકકી છે.' કૉન્સ્ટેબલ શિવન બોલ્યો : 'ખૂનીએ ભલે સાહેબને મૂંઝવવા માટે આ બધો ખેલ કર્યો હોય, પણ એ સાહેબના હાથમાંથી વધુ સમય સુધી બચી શકશે નહિ.'
જિગરે મોટરસાઈકલની કીક મારી અને ઘર તરફ મોટરસાઈકલ દોડાવી મૂકી.
૦ ૦ ૦
રાતના નવ વાગ્યા હતા. જિગરનો જમવાનો મૂડ નહોતો. તેણે ટી. વી. ચાલુ કર્યું, પણ ટી. વી.ના પ્રોગ્રામમાં પણ તેનું મન પરોવાયું નહિ. તેણે ટી. વી. બંધ કર્યું.
તેણે સોફાની પીઠ પર માથું ટેકવતાં આંખો મીંચી, ત્યાં જ તેના માથેથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને બીજી જ પળે તેના માથા પર જાણે એ પંખીએ પોતાની અણીદાર ચાંચ મારી હોય એમ લાગ્યું. અને..., અને ત્રીજી જ પળે જાણે કોઈ તેના માથા પર સવાર થઈ ગયું હોય એમ તેના માથા પર વજન-વજન લાગવા માંડયું.
જિગરે આંખો ખોલીને સીધા બેસી જતાં માથા પર હાથ ફેરવ્યો.
-માથા પર કંઈ નહોતું.
'જિગર...!' તેના માથા પરથી પેલી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : '...હું આવી ગઈ ! !'
જિગરનું હૃદય એક ધબકારો ચૂકી ગયું અને પછી બમણી ઝડપે ધડકવા માંડયું. તો...તો એ અદૃશ્ય યુવતી., એ બલા તેના માથા પર ફરી પાછી આવી ગઈ ! ! !
'જિગર !' તેના માથા પરથી એ અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'તું મેનેજર ધવનના મોતથી આટલો બધો દુઃખી-દુઃખી કેમ થઈ ગયો છે ? ! તારે તો ખુશ થવું જોઈએ, ઊછળી-ઊછળીને નાચવું-ગાવું જોઈએ કે એ તારી જિંદગીમાંથી હંમેશ-હંમેશ માટે ચાલ્યો ગયો. એ તને કેટલો બધો હેરાન....'
'...એ...એ મને હેરાન કરતો હતો એનો મતલબ એવો થોડો છે કે, હું એના આવા કમોતથી ખુશ થાઉં !' જિગર ધૂંધવાટભેર બોલી ઊઠયો.
'તું ભલે ખુશ નથી થતો, પણ સાચું બોલ...,' તેના માથા પરથી અદૃશ્ય યુવતીનો સવાલ સંભળાયો : '....તારા મનમાં ધવનના મોતથી રાહત થઈ રહી છે ને !'
જિગરનું માથું જાણે ફાટવા માંડયું : 'પ્લીઝ !' તે કરગરતા અવાજે બોલ્યો : 'તું મને નાહકના પરેશાન ન કર. ચાલી જા, અહીંથી !'
'હું તને પરેશાન કરવા નહિ, પણ તને મદદ કરવા આવી છું, જિગર !' તેના માથા પરથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'હું તારી દરેક ઈચ્છા, તારું દરેકે દરેક સપનું પૂરું કરી શકું છું.'
'..એટલે...!' જિગરે એ અદૃશ્ય યુવતીની અસલિયત પામવા માટે કહ્યું : 'એટલે શું તું કોઈ મોટી જાદુગરની છે ? !'
'હું અસલમાં કોણ છું, એ વાત જવા દે. એનાથી તને કોઈ ફાયદો નથી. અત્યારે આપણે તારા ફાયદાની વાત કરીએ.' જિગરના માથા પરથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'મેં કહ્યું એમ, હું તારી દરેક ઈચ્છા પૂરી કરી શકું એમ છું. તું કહે તો હું 'માહી'ને લાવીને તારા ઘરમાં બેસાડી શકું છું ? ! '
'શું ? !' જિગરે આશ્ચર્ય અનુભવ્યું. આને...., આ અદૃશ્ય યુવતીને માહી વિશે કેવી રીતના ખબર ? ! અને એ તે વળી કેવી રીતના માહીને લાવીને મારા ઘરમાં બેસાડી શકે ? !
'હું માહીને તારી દુલ્હન બનાવીને, એને વાજતે ગાજતે તારા ઘરમાં લાવી શકું છું.' અદૃશ્ય શક્તિ બોલી : 'એને તારી પત્ની, તારી જીવનસાથી બનાવી શકું છું !'
'ના...!' જિગરે નકારમાં ગરદન હલાવતાં કહ્યું : '...એ શકય જ નથી.'
'...એ જોવાની કે એ વિશે ચિંતા કરવાની તારે જરૂર નથી.' જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો અવાજ સંભળાયો : 'હું માહીને તારી પત્ની બનાવી દઈશ.'
'ખ...ખરેખર ? ! ?' જિગરને વિશ્વાસ બેસતો નહોતો. અને વિશ્વાસ ન બેસે એવું કારણ પણ હતું !
'હું ખરેખર માહીને તારી પત્ની બનાવી દઈશ.' જિગરના માથેથી અદૃશ્ય યુવતીનો મકકમ અવાજ સંભળાયો : 'હું તારું આ કામ કરી આપીશ, અને બદલામાં તારે દર મહિને મારું કામ કરી આપવું પડશે !'
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨)
''હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ બલા ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા!'' બાબા ઓમકારનાથે જિગરને આવી ચેતવણી આપી હતી, એને આજે પાંચમો દિવસ હતો અને જિગરને અત્યારે કોઈ યુવતીના હસવાનો અવાજ સંભળાતો હતો અને એ યુવતી તેને કહેતી હતી કે, '...એ તેના માથા ઉપર બેઠી છે!!'
'તો શું ખરેખર બાબા ઓમકારનાથની વાત સાચી સાબિત થઈ હતી અને શું એ ભયાનક બલા અત્યારે ખરેખર તેના માથા પર સવાર થઈ ચૂકી હતી?!?
'પણ....પણ એ યુવતી તેને દેખાતી કયાં હતી?!'
'તું મને જોઈ નહિ શકે, જિગર !' જિગરના માથા પરથી એ યુવતીનો અવાજ સંભળાયો, એટલે જિગરનો ભય બેવડાયો. શું એ અદૃશ્ય યુવતી તેના મનની વાત પણ જાણી શકતી હતી?!?
'...ક...કોણ છે, તું?!' જિગરે કંપતા અવાજે પૂછયું.
અદૃશ્ય યુવતીનો જવાબ સંભળાયો નહિ.
'તુંું...' જિગરે હિંમત એકઠી કરતાં અદૃશ્ય યુવતીને પૂછયું : '...તું મને એ કહે, શું તું કોઈ મોટી જાદુગરની છે ? !'
જવાબ મળ્યો નહિ.
'શું તું...,' જિગરે પૂછયું : '...તું કોઈ પ્રેતાત્મા છે ?'
અદૃશ્ય યુવતીનો જવાબ સંભળાયો નહિ.
'....શું તું ચુડેલ છે ? ! કોઈ..., કોઈ અલાબલા છે ? !'
અને આ વખતે અદૃશ્ય યુવતીનો ગંભીર અવાજ સંભળાયો : 'જિગર ! હું કોઈપણ છું, તું એની પંચાતમાં પડ નહિ. બસ, તું એટલું યાદ રાખ કે, હું તારી હમદર્દ છું.'
'હમદર્દ ? !' જિગર બોલ્યો.
'હા.' અદૃશ્ય યુવતીનો ૦અવાજ આવ્યો : 'હવે તારું દર્દ એ મારું દર્દ છે. તારી તકલીફ એ મારી તકલીફ છે.'
'મનેેે!' જિગર બોલી ઊઠયોઃ 'મને કોઈ તકલીફ નથી.'
'જૂઠું ન બોલ.' અદૃશ્ય યુવતીનો અવાજ આવ્યોઃ 'મને તારી તકલીફની...'
'મેં કહ્યું ને કે, મને કોઈ તકલીફ નથી.' જિગર એકદમથી મોટા અવાજે બોલી ઊઠયો : 'અસલમાંં અત્યારે તું જ મારા માટે એક મોટી તકલીફ છે. તું જ અત્યારે મને દર્દ પહોંચાડી રહી છે, મારું માથું ફાટી રહ્યું છે, મારું હૃદય જાણે બેસી રહ્યું છે. મને..મને લાગે છે કે, હમણાં હું ચકકર ખાઈને...'
'...ઠીક છે.' અદૃશ્ય યુવતીનો એક નિસાસો સંભળાયો અને પછી એનો અવાજ સંભળાયો : 'મારા આગમનથી તું આટલો બધો પરેશાન થઈ ઊઠયો છે, એટલે અત્યારે હું ચાલી જાઉં છું. પણ હા, હું તારી પાસે ફરી પાછી આવીશ, જરૂર આવીશ !' અને આ સાથે જ જિગરના માથા પરથી ફડ્..ફડ્..ફડ્નો કોઈ પંખીના ઊડી જવાનો અવાજ સંભળાયો, અને એ સાથે જ જિગરનું ગઈકાલ રાતથી ભારે થઈ ગયેલું માથું એકદમથી જ હળવુંફૂલ થઈ ગયું.
'તો...તો શું એ અદૃશ્ય યુવતી ચાલી ગઈ હતી ?' મનોમન વિચારતાં જિગર એ યુવતી તરફથી કોઈ અવાજ સંભળાય છે ?! એ કળવા માટે કાન સરવા કરીને બેસી રહ્યો.
રૂમમાં ભયંકર શાંતિ છવાયેલી રહી.
પળ.., બે પળ.., પાંચ પળ...! કોઈ અવાજ સંભળાયો નહિ.
'તું....' જિગરે હળવેકથી પૂછયું : '...શું તું હજુ મારા માથે જ બેઠી છે કે, ચાલી ગઈ ?'
તેને અદૃશ્ય યુવતી તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.
'આનો મતલબ એ કે, એ યુવતી ચાલી ગઈ.' જિગરે વિચાર્યું અને નિરાંતનો શ્વાસ લેતાં પલંગ પર લેટયો, પણ ત્યાં જ તેને એ યુવતીના શબ્દો યાદ આવ્યા : ''મારા આગમનથી તું આટલો બધો પરેશાન થઈ ઊઠયો છે, એટલે અત્યારે હું ચાલી જાઉં છું. પણ હા, હું તારી પાસે ફરી પાછી આવીશ, જરૂર આવીશ !'
અને જિગર પાછો પલંગ પર બેઠો થઈ ગયો. '...તો એ યુવતી.., એ પ્રેત-ચુડેલ, અલા-બલા, કોઈ અદૃશ્ય શક્તિ, કે એ જે કોઈ પણ હતી, એ પાછી આવવાની હતી ! અને એ પાછી આવે એટલે શી ખબર તેનું શુંય થશે ? !' તે ઊભો થયો અને બેચેની સાથે રૂમમાં આમથી તેમ આંટા મારવા માંડયો. તેણેે બાબા ઓમકારનાથની ચેતવણી માની લેવાની જરૂર હતી. પણ તેને શી ખબર કે બાબા ઓમકારનાથ સાચું બોલી રહ્યા હતા! તેને તો એમ જ હતું ને કે, બાબા ઓમકારનાથ કોઈ લેભાગુ સાધુ-બાવા-તાંત્રિક છે. અને બાબા ઓમકારનાથ તેની પાસે આવ્યા હતા પણ એ રીતના જ ને!
અને જિગરની નજર સામે ચાર દિવસ પહેલાંની બાબા ઓમકારનાથ સાથેની તેની વાત અને મુલાકાત તરવરી ઊઠી.
એ દિવસે સાંજ સરકી જઈ રહી હતી અને રાત આવી રહી હતી, બરાબર એવી જ પળે તે મોટરસાઈકલ પર ઑફિસેથી ઘર તરફ પાછો ફરી રહ્યો હતો. અને ત્યારે અચાનક જ એક મોટા ધડાકા સાથે તેની મોટરસાઈકલના ટાયરનું પંકચર પડયું હતું. તેણે મોટરસાઈકલ પર કન્ટ્રોલ કરી લેતાં મોટરસાઈકલ ઊભી રાખી દીધી હતી.
આસપાસના વાહનચાલકો તેની તરફ નજર નાખતા આગળ વધી ગયા હતા.
જિગરે પંકચર બનાવનારની દુકાન શોધવા માટે ચારે બાજુ નજર ફેરવી હતી, ત્યાં જ તેની નજર, સામેથી ઝડપી ચાલે તેની તરફ આવી આવી રહેલા એક સાધુબાબા પર પડી હતી.
છ-સવા છ ફૂટ ઊંચા-પહોળા એ સાધુબાબાએ ભગવા રંગનો ઝભ્ભો અને ભગવા રંગની ધોતી પહેરી હતી. એમણેે ગળામાં તેમજ બન્ને હાથમાં રૂદ્રાક્ષના મોટા-મોટા દાણાની માળા પહેરેલી હતી. એમના પહોળા કપાળ પર કંકુથી 'ઓમ !' લખાયેલું હતું. એમના તેજભર્યા ચહેરા પરની આંખો મોટી-મોટી હતી અને એમાંની મોટી-મોટી કાળી કીકીઓ તેની તરફ તકાયેલી હતી. એ કંઈક બબડતા તેની તરફ જ આવી રહ્યા હતા.
એ સાધુબાબા તેની નજીક આવીને ઊભા રહ્યા, ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે, એ સાધુબાબાની નજર તેના માથાના ઉપરના ભાગમાં તકાયેલી હતી.
''શું છે, બાબા !'' પૂછતાં તેણે માથા પર હાથ ફેરવ્યો હતો.
''બલા છે, બચ્ચા !'' સાધુબાબાએ તેના માથા પર તાકી રહેતાં કહ્યું હતું.
''બલા...? !'' તે બોલી ઊઠયો હતો : 'કેવી બલા, બાબા ? !''
''...એ તને નહિ સમજાય, બચ્ચા, પણ...'' તેના માથા પરથી નજર હટાવ્યા વિના સાધુબાબાએ કહ્યું હતું : ''...મારે બલાનેે ભગાડી મૂકવા માટે કેટલીક વિધિ કરવી પડશે અને એમાં પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે.''
''પાંચ હજાર રૂપિયા ? ! !''
'હા !' સાધુબાબાએ કહ્યું : 'તું મને પાંચ હજાર રૂપિયા આપી દે, અને પછી નિશ્ચિંત થઈ જા. પછી એ બલા કદી તારી આસપાસ નહિ ફરકે, કદી તને પરેશાન નહિ કરે.'
તે સાધુબાબા તરફ તાકી રહ્યો. તેને સાધુબાબાની વાત પર વિશ્વાસ બેઠો નહોતો. સાધુબાબા તેની પાસેથી પાંચ હજાર રૂપિયા પડાવી લેવા માટે જ તેને આમ બલાને નામે ગભરાવી રહ્યા હતા.
''બાબા !'' તેણે સાધુબાબાને એકદમથી ઘસીને ના પાડી દેવાને બદલે કહ્યું હતું : ''મારી પાસે પાંચ હજાર રૂપિયા નથી.''
''જુઠું ન બોલ, બચ્ચા !' સાધુબાબા મકકમ અવાજે બોલ્યા હતા : ''મને ખબર છે, તારા ખિસ્સામાં એટલા રૂપિયા તો પડયા જ છે.''
અને તે ચોંકી ઊઠયો હતો. તેના ખિસ્સામાં પહેલાંથી પાંચસો રૂપિયા હતા જ, અને આજે પગાર તારીખ હતી એટલે તેના ખિસ્સામાં પગારના બીજા સાત હજાર રૂપિયા સાંજે જ આવ્યા હતા. પણ આ વાતની આ સાધુબાબાને કયાંથી ખબર પડી ?!
હવે તેને આ સાધુબાબા ઠગ હોવાનો વિશ્વાસ બેસી ગયો. નકકી આ સાધુબાબાએ કોઈક રીતના જાણી લીધું હતું કે, તેની પાસે આટલા રૂપિયા છે. અને એ તેની પાસેથી આવી બધી અલાબલાની ડરાવનારી વાતો કરીને તેના આ રૂપિયા ઠગી લેવા માંગતા હતા.
''બાબા !'' જિગર બોલ્યો : ''ભલેને અત્યારે મારી પાસે ગમે તેટલા રૂપિયા હોય, પણ મારે તમને નથી આપવા ! મારે તમારી પાસે કઈ વિધિ નથી.....''
''...આ બાબા ઓમકારનાથની વાત નહિ માને અને જો વિધિ માટે રૂપિયા નહિ આપે તો તું ખૂબ જ પસ્તાઈશ !'' બાબા ઓમકારનાથ બોલ્યા હતા : ''...એકવાર બલા તારા માથે સવાર થઈ જશે પછી તું હેરાન-પરેશાન થઈ જઈશ.''
'ના ! મારે આ ઢોંગીબાબાની વાતથી ડરી-ગભરાઈને એને રૂપિયા આપી દેવાની જરૂર નથી.' જિગરે મનોમન વિચાર્યું હતું, ત્યાં જ જિગરના કાને બાબા ઓમકારનાથનો અવાજ અફળાયો હતો : 'આ બાબા ઓમકારનાથ ઢોંગી નથી અને જૂઠ્ઠો પણ નથી.' બાબા ઓમકારનાથે તેના માથા પર એ જ રીતના તાકી રહેતાં કહ્યું હતું : ''હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા!''
અને જિગરે એ સાધુબાબા-બાબા ઓમકારનાથની વાતને સાંભળી ન સાંભળી કરી દીધી હતી અને મહેનતપૂર્વક પંકચરવાળી મોટરસાઈકલને ધકેલતો ત્યાંથી આગળ વધી ગયો હતો. પછી તેણે પાછું વળીને જોયું સુધ્ધાં નહોતું.
અને આજે...
જિગર ભૂતકાળમાંથી પાછો વર્તમાનમાં આવ્યો.
...આજે તેને એ સાધુબાબાની-બાબા ઓમકારનાથની વાત સાચી પડી હોય એવું લાગતું હતું !
તેને એક યુવતીનો અવાજ સંભળાયો હતો. એ યુવતી તેને દેખાતી નહોતી, પણ તે એ યુવતીનો અવાજ સાંભળી શકતો હતો. એ યુવતી પોતે કોણ હતી ? ! એ તેને કહેવા તૈયાર નહોતી, પણ એ યુવતી કોઈ ભયાનક અલાબલા-કોઈ ખતરનાક અદૃશ્ય શક્તિ હતી એ વાતમાં કોઈ બે મત નહોતા.
અને એ ભયાનક બલા-એ ખતરનાક અદૃશ્ય શક્તિ તેને કહીને ગઈ હતી કે, એ પાછી આવશે. જરૂર પાછી આવશે.
જિગરને ખૂબ જ અફસોસ થયો. એ વખતે તેણે બાબા ઓમકારનાથની વાત માની લેવાની જરૂર હતી અને એ વખતે એમને પાંચ હજાર રૂપિયા આપીને એ વિધિ કરાવી દેવાની જરૂર હતી. પણ તેને શી ખબર કે બાબા ઓમકારનાથ બિલકુલ સાચું બોલતા હતા ! કોઈનેય બાબા ઓમકારનાથની વાત સાચી લાગે એવી હતી જ કયાં ? !
પણ તેની સાથે સાચેસાચ એ વાત બની રહી હતી ! અને હવે એનાથી બચવા માટે કરવું શું ? ! બાબા ઓમકારનાથને તેણે પાંચ દિવસ પહેલાં જિંદગીમાં પહેલી વાર અને છેલ્લીવાર જોયા હતા. હવે એમને શોધવા કયાં ? !
જિગર આ સવાલોમાં અટવાતો રૂમમાં આમથી તેમ આંટા મારીને થાકયો. 'તે જો આ રીતના વિચારતો રહેશે તો પાગલ બની જશે. તેણે આ બધાં વિચારોને દૂર રાખવા માટે ઘરની બહાર નીકળવું જોઈએ.'
અને તે બહાર નીકળ્યો. તે મોટરસાઈકલ પર સવાર થયો અને કયાં જવું છે એ કંઈ નકકી કર્યા વિના જ તેણે મોટરસાઈકલને હંકારી મૂકી.
થોડીક વાર સુધી તે આમથી તેમ મોટરસાઈકલ પર રખડતો રહ્યો.
તે એક મલ્ટીપ્લેક્ષ થિયેટર પાસેથી પસાર થયો, ત્યાં જ તેને થયું કે, મન-મગજને બીજે વાળવા માટે તેણે ફિલ્મ જોવા માટે બેસી જવું જોઈએ.
તેણે કાંડા ઘડિયાળમાં જોયું. સવા સાત વાગ્યા હતા. તેણે એક બાજુ મોટરસાઈકલ ઊભી રાખી.
ટિકિટબારી નજીક પહોંચીને તેણે જોયું. એક હિન્દી ઍકશન ફિલ્મ સાડા સાત વાગ્યે શરૂ થતી હતી.
તેણે એ ફિલ્મની ટિકિટ લીધી. પાર્કિંગમાં મોટરસાઈકલ પાર્ક કરી. તેણે ટિકિટ કપાવી અને થિયેટરના આગળના હૉલમાં દાખલ થયો.
તેનો શૉ શરૂ થવાને હજુ દસેક મિનિટની વાર હતી. હૉલમાં કેટલાંક પ્રેક્ષકો અંદર-અંદર વાતચીત કરતા બેઠા હતા.
જિગરે એક તરફ આવેલી કૅન્ટીનમાંથી ઠંડું પીણું લીધું અને ગટગટાવી ગયો. ધીમો ઓડકાર ખાતો તે ખૂણાની એક ખાલી ખુરશી તરફ આગળ વધી ગયો. તે ખુરશી પર બેઠો.
અત્યારે હવે તેને સારું લાગી રહ્યું હતું. તેણે હૉલમાં નજર ફેરવી. તેની નજર દરવાજા પર અટકી. ટિકિટ કપાવી રહેલા માણસ પર નજર પડતાં જ જિગરના ચહેરા પર અણગમો આવી જવાની સાથે જ તેનાથી મનોમન બોલાઈ ગયું, 'અરે, યાર! આ અહીં પણ આવી ગયો?!' અને તેણે તુરત જ પોતાનો ચહેરો નીચો કરી લીધો.
-એ માણસ જિગર સાથે ઓરમાયું વર્તન રાખતો કંપનીનો મેનેજર ધવન હતો.
અત્યારે ધવનને બદલે અરૂણ કે તેની કંપનીનો બીજો કોઈ સાથી કર્મચારી હોત તો જિગરે સામે ચાલીને એને બોલાવ્યો હોત. પણ ધવનથી તેણે ચહેરો છુપાવ્યો. ઑફિસમાં તે ધવન સામે જવાનું ટાળતો હતો, ત્યાં અત્યારે સામે ચાલીને એને બોલાવીને મૂડની પથારી કયાં ફેરવવી ? !
અને તેણે આંખના ખૂણેથી જોયું તો મેનેજર ધવન 'ટૉઇલેટ-બાથરૂમ' તરફ ચાલ્યો જઈ રહ્યો હતો.
જિગરે રાહતનો શ્વાસ લીધો.
શૉ શરૂ થવાને તૈયારી હતી એટલે એકસાથે વીસ-પચીસ પ્રેક્ષકોનો રેલો ટિકિટ કપાવીને અંદર આવ્યો.
'ધવન આવે એ પહેલાં જ થિયેટરનો દરવાજો ખૂલે તો અંદર જઈને મારી સીટ પર બેસી જાઉં.' જિગરે વિચાર્યું, ત્યાં જ થિયેટરનો દરવાજો ખુલ્યો. હજુ હમણાં જ હૉલમાં દાખલ થયેલા અને ઊભેલા તેમ જ અગાઉથી સીટ પર બેઠેલા પ્રેક્ષકો ઊભા થયા અને થિયેટરના દરવાજા તરફ આગળ વધી ગયા.
'બસ, હવે જલદીથી અંદર સીટ પર જઈને બેસી જાઉં.' વિચારતાં જિગર ઊભો થવા ગયો, ત્યાં જ તેના કાને જાણે કોઈ પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને બીજી જ પળે તેના માથે જાણે એ પંખીની ભાલા જેવી અણીદાર ચાંચ ભોંકાઈ!
૦ ૦ ૦
જિગર ઊભો થયો. તેણે જોયું તો ઊભેલા અને બેઠેલા પ્રેક્ષકોમાંથી મોટાભાગના પ્રેક્ષકો થિયેટરમાં દાખલ થઈ ગયા હતા. હવે હૉલમાં ફકત કૅન્ટીનબૉય જ હતો અને એ પણ પૉપકોર્ન બનાવવાના કામમાં પરોવાયેલો હતો.
જિગર લાંબા પગલાં ભરતાં આગળ વધ્યો..., ટૉઈલેટ તરફ આગળ વધ્યો.
તે ટૉઈલેટના મેઈન દરવાજા પાસે પહોંચ્યો. તે દરવાજો ધકેલીને અંદર દાખલ થયો, તેની પીઠ પાછળ દરવાજો પાછો બંધ થયો. એ જ પળે જમણી બાજુના પહેલા બાથરૂમનો દરવાજો ખુલ્યો અને મેનેજર ધવન બહાર નીકળ્યો. ધવનની નજર જિગર પર પડી અને એણે પૂછયું : 'ઓહ, જિગર ! તો તું પણ ફિલ્મ જોવા આવ્યો છે ?'
'ના !' જિગર હળવેકથી બોલ્યો : 'હું ફિલ્મ જોવા નથી આવ્યો !'
ધવન ખડખડાટ હસી પડયો. વૉશબેસિનમાં હાથ ધોતાં એે બોલ્યો : 'તો ભલા માણસ, તું શું અહીં ફકત ટૉઈલેટ કરવા જ આવ્યો છે ? !'
'ના...,' જિગર મેનેજર ધવનની બિલકુલ નજીક પહોંચ્યો : 'હું તારું ખૂન કરવા આવ્યો છું !' અને જિગરે પલક ઝપકતાં જ પોતાના બન્ને હાથે ધવનનું ગળું પકડી લીધું.
ધવનની આંખોમાં આશ્ચર્ય અને આંચકાના ભાવ આવ્યા અને એ પોતાના ગળા પરથી જિગરના હાથ હટાવવા ગયો, પણ ત્યાં જ જિગરે ધવનનું ગળું એવી રીતના ભીંસ્યું કે ધવનનો શ્વાસ રૃંધાવા માંડયો........
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ ઃ ૧)
ફૂલ સ્પીડમાં દોડી રહેલી જિગરની મોટરસાઈકલનું એન્જિન એકદમથી જ બંધ થઈ ગયું અને એક આંચકા સાથે મોટરસાઈકલ ઊભી રહી ગઈ. જિગરે મનોમન કંપનીના મેનેજર ધવનને એક ગાળ બકી અને ઝડપભેર મોટરસાઈકલને કીક મારી. મોટરસાઈકલ ચાલુ થઈ નહિ. તેણે આસપાસમાં જોયું અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. જમણી બાજુ ચાર પગલાં દૂર જ સ્મશાન..., સ્મશાનનો ઝાંપો હતો.
તેણે અફસોસ કર્યો. તેણે રાતના બાર વાગ્યાના આ સમયે, આસપાસમાં બિલકુલ વસ્તી વિનાના સ્મશાનવાળા આ રસ્તેથી નીકળવાની જરૃર નહોતી. પણ તેની કંપનીના મેનેજર ધવને આજે તેની પાસે એટલી કમરતોડ મહેનત કરાવી હતી અને તે એટલો બધો થાકયો હતો કે કયારેય નહિ અને આજે વહેલા ઘરભેગા થઈ જવા માટે તેણે સ્મશાનવાળા શોર્ટકટ પર મોટરસાઈકલ વાળી દીધી હતી.
હાઉંઉંઉંઉંઉંઉં...! સ્મશાનની અંદરથી ગૂંજેલા કૂતરાના રડવાના અવાજે તેના હૃદયનો એક ધબકારો ચૂકવી દીધો અને પછી હૃદય બમણી ઝડપે ધબકવા માંડયું. જિગરે આગળ-પાછળ નજર દોડાવી. રાતના, સ્ટ્રીટ લાઈટના અજવાળામાં બન્ને બાજુ દૂર-દૂર સુધી પથરાયેલી સડક ભયાનક ભાસતી હતી.
જિગરે ફરી બે કીક મારી પણ મોટરસાઈકલે ચાલુ થવાનું નામ લીધું નહિ, એટલે તે મોટરસાઈકલ પરથી ઊતર્યો ને મોટરસાઈકલને હાથથી ધકેલીને ચાલતો આગળ વધ્યો. તે જમણી બાજુ આવેલા સ્મશાન તરફ જોવાનું ટાળી રહ્યો હતો. રાતના સ્મશાનમાં ભૂત-ભૂતાવળ જાગતી હતી, એવું તેણે કયાંક વાંચ્યું-સાંભળ્યું હતું.
ફડ્-
ફડ્-
ફડ્-ફડ્..!
અચાનક
જ તેના માથેથી કંઈક પસાર થયું ગયું હોય એવું લાગતાં જ જિગરના મોઢેથી હળવી ચીસ નીકળી જવાની સાથે જ તેણે ચહેરો અદ્ધર કરીને માથાની ઉપરના ભાગમાં જોયું.
ઉપર કંઈ દેખાયું નહિ. ઉપર આકાશમાં ખીલેલો પૂનમનો ચંદ્રમા તેના આ ગભરાટ પર મરક-મરક હસતો હોય એવું લાગ્યું. જિગરે આકાશ પરથી નજર પાછી વાળી અને જમણી બાજુના સ્મશાન તરફ નજર નાખવાનું ટાળતાં મોટરસાઈકલને આગળની તરફ ધકેલી. 'કદાચ તેને માથા પરથી ચામાચીડિયા જેવું કોઈ પંખી-પ્રાણી પસાર થઈ ગયાનો ભ્રમ થયો હશે.' જિગરે વિચાર્યું, ત્યાં જ તેના માથા ઉપરથી ફડ્..ફડ્..ફડ્નો અવાજ સંભળાવાની સાથે જ તેના માથા પર ભાલા જેવી કોઈ અણીદાર વસ્તુ ભોંકાઈ હોય એવું લાગ્યું અને તેના મોઢેથી ચીસ નીકળી જવાની સાથે જ તેણે ફરી પોતાનું માથું ઊંચું કરીને ઉપર આકાશમાં નજર દોડાવી, પણ કંઈ દેખાયું નહિ.
આ વખતે તેને કોઈ ભ્રમ થયો નહોતો. તેના માથા ઉપરથી કોઈ મોટા પંખીનો પાંખો ફફડાવવાનો અવાજ તેને સંભળાયો હતો અને એ પંખીએ તેના માથા પર ચોકકસ પોતાની ચાંચ મારી હતી, પણ તો એ પંખી...કે એ જે કંઈ પણ હતું એ દેખાયું કેમ નહિ ? કે પછી પલક ઝપકતાં જ એ અદૃશ્ય થઈ ગયું હતું ?!
જિગરના ચહેરા પર ભયથી પરસેવો નીતરી આવ્યો. તેણે વધુ ઝડપે મોટરસાઈકલ આગળ ધકેલવા માંડી, ત્યાં જ તેને લાગ્યું કે, તેના માથે કોઈ આવીને બેસી ગયું છે. મોટરસાઈકલને શરીરને ટેકે જ ઊભી રાખી દેતાં તેણે માથા પર હાથ ફેરવ્યો. કંઈ નહોતું. પણ તો તેને માથે વજન શાનું વર્તાઈ રહ્યું હતું ? !
તેણે જોયું તો સ્મશાન પાછળ છૂટી ગયું હતું અને તે ચાર રસ્તા પર પહોંચી ચૂકયો હતો.
તેણે ડાબી તરફ મોટરસાઈકલ વળાવીને આગળ ધકેલી. અહીંથી તેનું ઘર દોઢેક કિલોમીટર જેટલું દૂર હતું, પણ હવે તેના મનમાંનો ભય ઓછો થયો હતો. આ મેઈન રસ્તા પર હવે વાહનોની થોડી-ઘણી અવર-જવર ચાલુ હતી.
તેની પાસે પાછળથી એક મોટરસાઈકલ આવીને ઊભી રહી. એની પર બે લવરમૂછિયા છોકરા સવાર હતા.
'શું થયું, સાહેબ ? !' આગળ બેઠેલા છોકરાએ મોટરસાઈકલ પરથી ઉતરતાં જિગરને પૂછયું.
'ખબર નથી,' જિગરે કહ્યું ઃ 'એકદમથી જ બંધ થઈ ગઈ !'
'લાવો, હું બાઈકનો મિકેનિક છું.' એ છોકરો બોલ્યો ઃ 'હું જોઈ આપું.' અને એેણે જિગરના હાથમાંથી મોટરસાઈકલ લીધી ને એક કીક મારી. અને જિગરની નવાઈ વચ્ચે મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ.
'....ચાલુ તો છે !' મિકેનિક બોલ્યો.
'મેં તો ઘણી કીકો મારેલી પણ...'
'...પેટ્રોલમાં કચરો આવી જાય તો આવું બને છે.' અને મિકેનિકે જિગરને મોટરસાઈકલ પકડાવી અને પાછો પોતાની મોટરસાઈકલ પર સવાર થયો.
'..કંઈ પૈસા..? !' જિગરે સવાલ અધૂરો છોડયો.
'આમાં શું પૈસા લેવાના, સાહેબ ?' કહીને મિકેનિકે મોટરસાઈકલ દોડાવી મૂકી.
જિગર મોટરસાઈકલ પર સવાર થયો અને મોટરસાઈકલને તેણે ઘર તરફ આગળ વધારી, ત્યારે તેના મગજમાં સવાલો દોડવા માંડયા. 'સ્મશાન પાસે મોટરસાઈકલ અચાનક બંધ થઈ ગઈ હતી, મેં ઘણી કીકો મારી પણ મોટરસાઈકલ ચાલુ થઈ નહિ અને હું સ્મશાનથી દૂર પહોંચ્યો ને પેલા મિકેનિકથી એક જ કીકમાં મોટરસાઈકલ ચાલુ થઈ ગઈ.
'શું આ જોગાનુજોગ હતો !
'શું એ મિકેનિકના કહેવા મુજબ જ પેટ્રોલમાં કચરો આવી ગયો હતો ને આવું બન્યું હતું ?
'કે આની પાછળ કંઈક બીજું જ કારણ હતું ? !
'પણ એ બીજું કારણ તો વળી શું હોઈ શકે ? !' આવા સવાલોમાં અટવાતો જિગર ઘરે પહોંચ્યો, ત્યારે પણ તેના માથા પર વજન-વજન વર્તાતું હતું.
તેણે પોતાના ઘરનું તાળું ખોલ્યું. તે એક રૃમ અને રસોડાના મકાનમાં રહેતો હતો. આ મકાન તેના પિતાએ જ ખરીદેલું. મિલમાં કામ કરતા તેના પિતાનું ટી. બી.માં મોત થયું હતું એ પછી તેની 'મા'એ તેને ઉછેર્યો હતો. પણ તે અઢાર વરસનો થયો ત્યારે તેની મા મરણ પામી હતી. એ પછી, પાછલા સાત વરસથી તે આ મકાનમાં એકલો રહેતો હતો.
તેનું નજીકનું કે દૂરનું કોઈ સગું-વહાલું નહોતું. તે હજુ કુંવારો હતો ને એક કૉમ્પ્યુટરની કંપનીમાં જૉબ કરતો હતો. તેને મહિનાનો સાત હજાર પગાર મળતો હતો, એનાથી તેનો ગુજારો ચાલી જતો હતો, પણ તે એનાથી ખુશ નહોતો. તે એક મોટો માણસ, ખૂબ જ માલદાર માણસ બનવા માગતો હતો. તે બંગલામાં રહેવા ઈચ્છતો હતો, મોંઘી-લકઝરી કારમાં ફરવા માગતો હતો. દુનિયાભરના દેશોમાં ઘુમવા માગતો હતો. દુનિયાના દરેકે-દરેક મોજ-શોખ કરવા માગતો હતો.
પણ તેની આ ઈચ્છા પૂરી થવાના કોઈ અણસાર દેખાતા નહોતા. ચાર વરસની નોકરીમાં માંડ એક હજારનો પગાર વધારો થયો હતો અને એમાંય મેનેજર ધવનને તેની સાથે શી ખબર કયા જન્મની દુશ્મની હતી કે વાતે-વાતે તેની ભૂલો કાઢીને તેને ખખડાવતો રહેતો હતો. મેનેજર ધવન તેને હેરાન-પરેશાન કરવાની કોઈ તક ચૂકતો નહોતો. આજે પણ ધવને સાંજના નીકળવાના સમયે તેની પર વધારાનું કામ થોપી દીધું હતું અને એટલે જ તેને ઑફિસેથી નીકળવામાં રાતના બાર વાગી ગયા હતા અને એના કારણે એ કેટલો બધો હેરાન થઈ ગયો હતો ? જો એ મોટરસાઈકલનો મિકેનિક મળી ગયો ન હોત તો હજુ તે મોટરસાઈકલને ધકેલતો રસ્તા પર જ હોત.
એક નિસાસો નાંખતા તે રૃમના ખૂણામાં પડેલા પલંગ પર લેટયો. હજુ પણ તેનું માથું ભારે-ભારે લાગતું હતું. તેણે આંખો મીંચી અને થોડી વારમાં જ ઊંઘમાં સરી ગયો.
૦ ૦ ૦
સવારના તેની આંખ ખૂલી અને સામેની દીવાલ ઘડિયાળ પર તેની નજર ગઈ અને તે સફાળો બેઠો થઈ ગયો. 'ઓહ ! નવ વાગી ગયા ? ! એવો તો તે કેવો ઊંઘમાં હતો કે તેને એલાર્મ પણ સંભળાયું નહિ ?' અને તેણે બાજુમાં પડેલા પોતાના પિતાના જમાનાના એલાર્મ ઘડિયાળ તરફ જોયું તો એમાં બરાબર સાત વાગ્યા હતા અને સાત વાગ્યા પર જ ઘડિયાળ બંધ પડેલું હતું.
તે ઊભો થયો અને દોડીને બાથરૃમમાં ઘૂસ્યો. તેનો ઑફિસનો ટાઈમ સાડા નવનો હતો અને ઑફિસનો રસ્તો જ પચીસ મિનિટનો હતો. નાહ્યા વિના જ કપડાં બદલીને તે બહાર નીકળ્યો. તેણે મોટરસાઈકલ ઑફિસ તરફ હંકારી અને ત્યારે....
....અને ત્યારે ફરી તેને એવું લાગ્યું કે, કોઈ વસ્તુ તેના માથા પર સવાર થયેલી છે !
૦ ૦ ૦
જિગરે પાર્કિંગમાં પોતાની મોટરસાઈકલ પાર્ક કરી અને ઝડપી ચાલે કંપનીના મેઈન દરવાજામાં દાખલ થઈને પોતાના ટેબલ તરફ આગળ વધી ગયો. તે પોતાની ખુરશી પર બેઠો, ત્યાં જ બાજુના ટેબલ પર બેઠેલા તેના સાથી કર્મચારી અરૃણે કહ્યું ઃ 'ધવન સાહેબે તું આવે કે તુરત તને અંદર બોલાવ્યો છે.'
'હં !' કહેતાં જિગર મેનેજર ધવનની કૅબિન તરફ આગળ વધી ગયો.
'આવું, સર ?' પૂછતાં જિગર ધવનની કૅબિનમાં દાખલ થયો.
'હા.' મેનેજર ધવને મોટી-મોટી આંખે જિગર સામે જોતાં કહ્યું ઃ 'પધારોને, સાહેબ !'
જિગર ચુપચાપ ઊભો રહ્યો.
'...શું આ તમારો આવવાનો ટાઈમ છે ?!'
'સૉરી, હું થોડોક મોડો...'
'થોડોક મોડો...? !' મેનેજર ધવન ચિલ્લાયો ઃ 'તમે પૂરા બે કલાક મોડા છો !'
'બે કલાક મોડો...? !' બોલતાં જિગરે સામેની દીવાલ ઘડિયાળમાં જોયું અને તેને જબરજસ્ત આંચકો લાગ્યો.
ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યા હતા !
તેણે પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. એમાં પણ બરાબર સાડા અગિયાર વાગ્યા હતા.
પણ આવું કેવી રીતે બની શકે?! તે ઊઠયો ત્યારે ઘડિયાળમાં નવ વાગ્યા હતા. તેણે ઘરેથી નીકળતાં પહેલાં એ ઘડિયાળમાં જોયું હતું તો એમાં નવ વાગ્યાને દસ મિનિટ થઈ હતી. ત્યાંથી નીકળીને તે મોટરસાઈકલ પર સીધો જ અહીં ઑફિસે આવ્યો હતો. રસ્તો પચીસ મિનિટનો હતો એ પ્રમાણે તે પાંચ મિનિટ મોડો પડે એમ હતો. બહુ બહુ તો દસ મિનિટ. પણ આ તો તે પૂરા બે કલાક મોડો હતો ! !
ઘરેથી અહીં પહોંચતાં સુધીની પસીસ મિનિટ ઉપરાંત વધારાના બે કલાક થવાનો સવાલ જ નહોતો ને ? પણ તો તે બે કલાક મોડો કેવી રીતના પડયો હતો ? !
'જાવ, હવે....,' મેનેજર ધવનનો અવાજ તેના કાને પડયો અને તે વિચારોમાંથી બહાર આવ્યો ઃ 'કાલે તમે મોડે સુધી રોકાયા છો તો આજે માફ કરી દઉં છું, પણ કાલથી ટાઈમસર આવી જજો.'
જિગર કંઈપણ બોલ્યા વિના કૅબિનની બહાર નીકળીને પોતાના ટેબલ તરફ આગળ વધી ગયો.
'તે બે કલાક મોડો કેમ પડયો હતો ? !' ફરી તેના મગજમાં હથોડાની જેમ સવાલ ઝીંકાયો અને આ વખતે તેના મગજમાં જવાબ જાગી ગયો. 'નકકી તેના ઘરની દીવાલ ઘડિયાળ બે કલાક મોડી પડી ગઈ હતી. અને એ કારણે જ એ ઘડિયાળમાં એ વખતે અગિયાર વાગવાને બદલે નવ જ વાગ્યા હતા. તે નિસાસો નાંખતા ખુરશી પર બેઠો અને કામે વળગ્યો.
૦ ૦ ૦
જિગરના માથે વજન-વજન લાગતું હતું. જેમ-તેમ તેણે સાંજના છ વગાડયા અને ઑફિસમાંથી નીકળીને મોટરસાઈકલ પર સીધો ઘરે પહોંચ્યો. તે પલંગ પર લેટયો, ત્યાં જ તેની નજર સામેની દીવાલ ઘડિયાળ પર પડી.
એમાં સાડા છ વાગ્યા હતા.
તે ઘડિયાળ પરથી નજર હટાવવા ગયો, ત્યાં જ તેને સવારની-ઑફિસે મોડા પહોંચ્યાની ઘટના યાદ આવી ગઈ અને તે એકદમથી બેઠો થઈ ગયો.
દીવાલ ઘડિયાળ પરથી નજર હટાવીને તેણે કાંડા ઘડિયાળમાં જોયું. એમાં પણ બરાબર સાડા છ વાગ્યા હતા.
'મતલબ કે, સામેની દીવાલ ઘડિયાળ બે કલાક મોડી નહિ, પણ સમયસર હતી !
'સવારના તે આ દીવાલ ઘડિયાળ પર નવ ને ઉપર દસ મિનિટ થતી જોઈને જ ઑફિસે જવા નીકળ્યો હતો અને ઑફિસે બે કલાક મોડો પડયો હતો !
'તે ઘરેથી સીધો જ ઑફિસે પહોંચ્યો હતો, રસ્તામાં કયાંય રોકાયો નહોતો પછી વચ્ચેનો બે કલાકનો સમય ગયો કયાં ? !
'તેણે દુનિયામાં ઘણી-બધી વસ્તુઓ ગૂમ થયાની વાતો વાંચી-સાંભળી હતી. પણ આ તો ઘરેથી ઑફિસે પહોંચવાની વચ્ચેનો તેનો બે કલાકનો સમય જ ગાયબ થઈ ગયો હતો!
'આવું તે કેવી રીતના બની શકે ?' તેણે જોરથી માથું ઝટકયું અને એ સાથે જ તેના કાને કોઈ યુવતીનો ખિલ-ખિલ હસવાનો અવાજ પડયો ને તે સફાળો ઊભો થઈ ગયો. 'ક..ક...કોણ છે ?' પૂછતાં તેણે રૃમમાં નજર ફેરવી.
-રૃમમાં કોઈ નહોતું !
તે રસોડામાં દોડી ગયો.
-રસોડામાંય કોઈ નહોતું !
તેણે બાથરૃમમાં જોયું. બાથરૃમ પણ ખાલી હતું.
'શું તેને કોઈ યુવતી હસી હોવાનો ભ્રમ થયો હતો ?' વિચારતાં તે સોફા પાસે પહોંચ્યો, ત્યાં જ તેના કાને યુવતીનો ધીરો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો ઃ 'હું તારા માથે બેઠી છું, જિગર !'
અને જિગરે ચોંકીને પોતાના માથે હાથ ફેરવ્યો.
-માથા પર કંઈ નહોતું.
ફરી એ યુવતીનો હસવાનો અવાજ સંભળાયો.
જિગર અરીસા સામેે દોડી ગયો અને અરીસામાં જોઈ રહ્યો.
-અરીસામાં દેખાતા તેના માથા પર કંઈ નહોતું.
'લે, હું તને આમ થોડી દેખાઈશ ? !' જિગરના કાને એ યુવતીનો અવાજ પડયો અને આ વખતે અચાનક જ જિગરની નજર સામે બાબા ઓમકારનાથનો ચહેરો તરવરી ઊઠયો, અને એ સાથે જ તે કાંપી ઊઠયો-ખળભળી ઊઠયો. એ વખતે બાબા ઓમકારનાથે તેને આપેલી ચેતવણી અત્યારે તેના કાનમાં ફરી અક્ષરશઃ ગૂંજી ઊઠી ઃ ''તું માને છે, એવો હું ઢોંગી નથી અને જુઠ્ઠો પણ નથી. હું તારા માથે એક ભયાનક બલાને ઘૂમતી જોઈ રહ્યો છું. એ ગમે ત્યારે તારે માથે સવાર થઈ જશે અને પછી તારી માટી પલીત થઈ જશે. મારી વાત યાદ રાખજે, બચ્ચા !''
અને જિગરના ચહેરા પર પરસેવો આવી ગયો. 'તો....તો શું એ વખતે તેનાથી રૃઠીને-તેના પર કોપીને ગયેલા બાબા ઓમકારનાથની ચેતવણી સાચી પડી હતી...?!
'....શું બાબા ઓમકારનાથ કહીને ગયા હતા એ ભયાનક બલા અત્યારે ખરેખર જ તેના માથા પર સવાર થઈ ચૂકી હતી?!?!'
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો